કથાલોક/પ્રેમકથાનો નવો લેબાસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨૦
પ્રેમકથાનો નવો લેબાસ

સાહિત્યમાં નવાણું ટકા નવલકથાઓ એક યા બીજા પ્રકારની પ્રેમકથાઓ હોય છે. કથાસૃષ્ટિ એટલે જ પેમલા–પેમલીની વાર્તાઓ, એવો એક તુચ્છકારસૂચક મત પણ વ્યાપક છે. અને તેમાં તથ્યાંશ નથી, એમ પણ કેમ કહી શકાય? ‘સરસ્વતીચન્દ્ર’ને મહાનવલ કહીએ, પુરાણ કહીએ, ભારતીય જીવન–સંસ્કૃતિનું ભાષ્ય ગણીએ, ગહન ફિલસૂફીની પર્યેષણા તરીકે મૂલવીએ તોયે મૂળ મુદ્દે તો એ સરસ્વતીચન્દ્ર–કુમુદની નિતાંતસુંદર પ્રેમકથા છે એ હકીકતને શેં ઉવેખી શકાય? ગોવર્ધનરામની એ સરજતમાંનાં ચિંતનસંભાર, તત્ત્વજ્ઞાન, આર્ષદર્શન આદિ લક્ષણોનું આકર્ષણ કાળક્રમે ઓસરી જશે ત્યારે પણ એક અખૂટ રસભરપૂર પ્રેમકથા તરીકે તો એ હમેશાં વંચાતી જ રહેશે. મોટા ભાગનાં નાટકો–નવલો આદિમાં ‘છોકરાને મળી છોકરી’નું સનાતન કથાવસ્તુ વિવિધ રૂપે રજૂ થતું હોય છે. એ વાર્તાઓમાં બજારુ ને ફરમાસુ માલથી માંડીને ‘વુધરીંગ હાઈટ્સ’ જેવી અદ્ભુત કાવ્યસભર પ્રેમકથા સુધીનું વૈવિધ્ય જોવા મળે છે. તાજેતરમાં પ્રગટ થયેલી દિગીશ મહેતાની પહેલવહેલી નવલકથા ‘આપણો ઘડીક સંગ’માં પણ પ્રેમની જ વાત છે. અને એ ‘વાત કૈં નવી નથી’ છતાં એની માવજત અને રજૂઆત એને ચીલાચાલુ કથાઓથી જુદી પાડે છે. આ કથામાં વાત કૈં નવી નથી, એટલું જ નહિ, બહુ લાંબી પણ નથી. દળદાર નવલકથાઓના આ જમાનામાં દોઢસો જ પાનાંની આ કથા વજન–ઘટાડાના સ્લિમિંગ–ડાયેટિંગના ઉપચારોમાંથી પસાર થયેલા સૂકલકડી દરદી જેવી લાગે છે. તેથી જ કોઈ એને કાયદેસરની નવલકથાને બદલે લઘુનવલ કે લાંબી નવલિકા એવી ઓળખચિઠ્ઠી આપવા પ્રેરાય એ સ્વાભાવિક છે. પણ દળદાર કદ માટે દુરાગ્રહ ન રાખનાર વાચકને આમાંથી નરી પ્રેમકથાનો સારો આસ્વાદ સાંપડી શકે એમ છે. આ આસ્વાદ સારો બની રહેવાનાં એકથી વધારે કારણો છે. પહેલું તો એ કે આખીયે વાર્તા, પેલો ભારેખમ શબ્દ વાપરીએ તો, ‘આનંદવિભોર’ છે. પ્રણય અને પરિણયની વાત લેખકે એવી તો રમતિયાળ ઢબે રજૂ કરી છે કે એનો આસ્વાદ વધારે આહ્લાદક બની રહે છે. પ્રેમકથામાં સામાન્યતઃ આવતા વિયોગ, વિરહ, નિઃશ્વાસ, આંસુ, ક્રંદન, ઝેરનાં પડીકાં કે ગળાફાંસાનાં દોરડાં વગેરે વસ્તુઓ અહીં સદંતર ગેરહાજર છે. અમદાવાદી કૉલેજના એક ધૂની પ્રોફેસર ધૂર્જટિ અને એમની મુગ્ધા શિષ્યા અર્વાચીના નાનાવિધ અકસ્માતો દ્વારા એકબીજાની નિકટમાં આવતાં જાય છે એનું બયાન લેખકે અહીં સહજ સરલ ઢબે રજૂ કર્યું છે. આરંભમાં છોકરી એટલે જ ‘છેતરામણી’ એવો શેકસ્પિયરશાઈ વહેમ સેવનાર પ્રોફેસર એ છેતરામણાં પ્રાણીઓ પ્રત્યે ધીમે ધીમે કેવી રીતે પીગળે છે, અને આખર જતાં પોતે જ એનાથી કેવો સુભગ રીતે છેતરાઈ બેસે છે એની વાત લેખકે બહુ ટૂંકાણમાં કહી દીધી છે. કથાને સારા પ્રમાણમાં આસ્વાદ્ય બનાવનારું બીજું કારણ એ છે કે કથાવિષય, પાત્રો, વાતાવરણ વગેરેમાં કશું બહુ અવનવું ન હોવા છતાં લેખકે આ સૃષ્ટિને એક નવા જ દર્શનકોણમાં મૂકી હોવાથી એમાં નવીનતા વર્તાય છે. તેથી જ, વાર્તામાં ઘણાંયે પાત્રો ને પ્રસંગો બિનજરૂરી ને વધારાનાં જણાતાં હોવા છતાં એમાં એકવિધતા કે નિરસતાનો અનુભવ બહુ જ ઓછો થાય છે. સંવાદોને ચબરાકિયાં બનાવવામાં કોઈ કોઈ વાર અતિસભાન ને લગભગ મરણિયો પ્રયત્ન દેખાઈ આવે છે, છતાં વાચક એ સહી લે છે એ એની હળવીફૂલ ને તાજગીભરી રજૂઆતને કારણે જ. લેખકે અહીંતહીં સ્થૂલ હાસ્ય નિપજાવવાની મહેનત ન કરી હોત તો વાર્તા વધારે ગૌરવભરી બની શકી હોત. ‘આપણે ઘડીક સંગ’ આમ તો હુતો ને હુતીની જ મિલનકથા છે, છતાં એ નવા લેબાસમાં આવી હોવાથી વિશેષ વાચનક્ષમ લાગે છે. કથાવસ્તુ પાંખું છે તેથી જ કદાચ વિમળાબેન જેવાં ગૌણ પાત્રોને વધારે પડતી જગ્યા આપવી પડી હશે અથવા આડકથા જેવી વાતોને વધારે બહેલાવીને કહેવી પડી હશે. આ બધું છતાં, આ વાર્તા, ઘડીક સંગ કરવા જેવી તો છે જ.

જૂન ૨૬, ૧૯૬૩