કથાલોક/જીવન એટલે મૃત્યુનો સેતુબંધ?


૨૧
જીવન એટલે મૃત્યુનો સેતુબંધ?

સર્વ મનુષ્યો મૂર્ખ અને બેહૂદાં છે. તેઓનાં અસ્તિત્વનું કશું મૂલ્ય નથી. તેમનાં ઘૃણાસ્પદ જીવનની મૃત્યુ સિવાય મુક્તિ નથી. આપણી આસાયેશને ભ્રમનું કવચ છે. આપણાં મૂલ્યોને મનોદૌર્બલ્યની આડશ છે. આપણી ઝંખના એ શાશ્વત મજાકનું સ્વરૂપ છે. અને આપણાં જીવનને મૃત્યુનો નિર્મમ પાશ છે. કવિ શ્રીકાન્ત શાહની વાર્તા ‘અસ્તી’માંથી આ બે અવતરણો નમૂના લેખે અહીં મૂક્યાં છે. નવીન ઢબે લખાયેલી અને નવીન કદમાં પ્રગટ થયેલી આ કથામાં લેખકે જીવનને મૃત્યુનો સેતુબંધ કહ્યો છે. ‘આપણે બધાં મૃત્યુમાંથી પસાર થઈએ છીએ અને આપણને ચોક્કસ ખબર છે કે આપણે તેમાંથી જ આવ્યાં છીએ... આ નિરસ એકધારી ક્રિયામાંથી પાર ઊતરવાનો કોઈ નવો અનુક્રમ ઘડવાની આશાએ આ પૃથ્વી ઉપરની આ એકધારી આપણી ક્રિયા છે. સવારના આપણી આંખ ઊઘડે ને આપણે જોઈએ છીએ કે આ દિવસ છે. સૂર્ય ઊછળીઊછળીને તેની ધારદાર તેજેમઢી કિરપાણો ઉછાળતો, હવાના પારદર્શક કોશેટામાંથી ડોકાઈ ડોકાઈને આપણને ક્રિયા તરફ ધકેલે છે. અને આપણે નિર્જીવ બેદરકારીપૂર્વક ક્રિયા તરફ ધકેલાઈએ છીએ. આપણી ક્રિયામાં, વર્તનમાં એક પ્રકારની વિનાશતા, બેચેની, અનિશ્ચતતા અને અફસોસ છે. આપણાં મોં ઉપર ખેદની કારમી રેખાઓ મઢાયેલી છે. અને આપણું ચિત્ત તદ્દન ઠંડું અને લાગણીશૂન્ય છે... અને જે હંમેશાં રહેશે.’ (પૃ. ૧૮) મનુષ્ય દેહ નશ્વર છે, ક્ષણભંગુર છે, એ વિચાર ભારતીય દાર્શનિકો માટે કાંઈ નવો નથી. જીવન એ વિકૃતિ છે, મરણ જ પ્રકૃતિ છે, એ કાલિદાસવચન વિખ્યાત છે. કાયાને કાચી માટીનો કુંભ કહીને આપણી સંતપરંપરાએ પણ જીવનનું ક્ષણભંગુરત્વ જ ઠસાવ્યું છે. તો પછી એ વિચારબીજ ઉપર નવી નવલકથા લખવાનું પ્રયોજન શું ભલા? આ સવાલનો જવાબ એમ આપી શકાય કે વિચારબીજ ભલે ચિરપરિચિત રહ્યું, એનો પરિવેશ નવતર છે. એ વિચારનું સમર્થન પશ્ચિમમાંથી આવ્યું છે. Man is a useless animal—મનુષ્ય સાવ નકામું પ્રાણી છે, એ સાર્ત્રવચન આ નવી વાર્તાઓ–નવલકથાઓનું પ્રભાવક બળ છે. જોકે, નિરાશા કે હતાશાની તીવ્ર અનુભૂતિ ગુજરાતી સાહિત્યમાં છેક અજાણી તો નહોતી જ. દાયકાઓ પહેલાં કવિ કાન્તે ‘આ ઐશ્વર્યે પ્રણયસુખની હાય, આશા જ કેવી?’ એવો ચિત્કારમય ઉદ્ગાર કાઢ્યો ત્યારે એમાં હતાશાનો વાચ્યાર્થમાં પણ હાયકારો સંભાળાયેલો ખરો. પણ બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાભરમાં જીવનના બેહૂદાંપણાંનો અને એના ક્ષણભંગુરત્વનો જે અનુભવ થયાં કરે છે, એના પરિપાક રૂપે આ પ્રકારની કૃતિઓ રચાતી રહે છે. શ્રીકાન્ત શાહ પોતે કવિ છે અને માનસશાસ્ત્ર એમના અધ્યયન અધ્યાપનનો વિષય છે. આ બેઉ બાબતોનો લાભ ‘અસ્તી’ને મળ્યો છે. છતાં આ કથા આજકાલની ઘણીક રચનાઓની પેઠે કોઈ પ્રચલિત ને ઢાંચાઢાળ મનોવૈજ્ઞાનિક કારિકા બનવાને બદલે એક કલાકૃતિની કક્ષાએ પહોંચી શકી છે, એમાં લેખકની નિજી સર્જકતાનો વિજય દેખાય છે. આ નિજી સર્જકતા શી ચીજ છે? એ છે, લેખકે પસંદ કરેલી પાત્રસૃષ્ટિ અને પ્રસંગસૃષ્ટિ–અથવા કહો કે એનું રસાત્મક વિશ્વ, યા ઘટનાચક્ર. અર્વાચીનતાની અંધપૂજામાં તણાઈને એમણે ઘટનાતત્ત્વનો લોપ નથી કર્યો એ ઉપરથી કહી શકાય કે એક કલાકાર તરીકે એમનું કાળજું હજી ઠેકાણે છે. ‘અસ્તી’માં ઘટનાચક્રનો વાચ્યાર્થમાં પણ એક વર્તુળાકાર વરતાઈ આવે છે. શેરીને વળાંકે ઊભીને કથાનાયક જે સૃષ્ટિ નિહાળે છે, એના તંતોતંત નિરૂપણમાં એક વર્તુળ પૂરું થતું જણાય છે. એમાં સાચે જ મૃત્યુ પામતા દાદાજી અને મૃત્યુ ભણી ધકેલાઈ રહેલાં અન્ય પાત્રો સુરેખ ઊપસી આવે છે. પીળા ફીત પહેરેલી છોકરી, આંખે ચીપડા બાઝેલો ચીનો, જૂનું સ્વેટર પહેરતો શીળી દાક્તર, કોલસાવાળો, ચાની કીટલીવાળો, અરે શેરીમાં સૂંઢ ઘસતી માખીઓ વગેરેને પણ લેખક એક અદકું પરિમાણ આપી શક્યા છે. કૃતિનું ગદ્ય એના વસ્તુને અનુરૂપ છે, બલિષ્ટ, ઘનિષ્ટ ને ચિત્રાત્મક. અલબત્ત પીળચટું, કરકરું વગેરે શબ્દો વારંવાર આવે છે ત્યારે એની અસરકારકતા ઓસરે છે ખરી; છતાં ગદ્યનો એક લય આ કથમાં સિદ્ધ થયો છે એની નોંધ લેવી જ જોઈએ. લેખક નવીન ગદ્યને નામે શબ્દોનાં ખાલી ખોખાં ઠાંસવાને બદલે એક જોમભરી ગદ્યશૈલી યોજી શક્યા છે એ લાભ જેવો તેવો નથી. અને છતાં આ રચના વાંચ્યા પછી એક પ્રશ્ન પૂછવાનું મન થાય. કથામાં જીવન, મૃત્યુ, પ્રતીતિ, સત્ય વગેરેને અનુલક્ષીને લેખકે જે ચિન્તનકણિકાઓ વેરી છે એ અનિવાર્ય જ હતી? આ તારતમ્યો લેખક પોતે આપણે માટે તારવી આપે એના કરતાં કથાપ્રવાહમાંથી એ આપોઆપ ઊગી આવે તો કેવું સારું! અને ઉદ્ગારો કથાપૃષ્ઠો પર મુદ્રિત થવાને બદલે સીધાં ભાવકચિત્તમાં જ અંકિત થઈ જાય એ સ્થિતિ કલાસર્જન માટે આદર્શ ન ગણાય? એવા આદર્શ આલેખનનું આહ્વાન આપીને ‘અસ્તી’ના લેખકનું કથાસાહિત્યક્ષેત્રે સ્વાગત કરીએ. જુલાઈ ૨૭, ૧૯૬૬