કથાલોક/ફોકસ બહારનો ફોટોગ્રાફ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૧૪
ફૉકસ બહારનો ફોટોગ્રાફ

અશેષ નામનો અમદાવાદી વેપારી યુવાન હોય, કાજલ નામની બંગાળી યુવતી ચિત્રકાર હોય, મુંબઈથી નાગપુર મેલમાં કલકત્તા જતી વેળા પ્રવાસમાં બેઉનો પરિચય થાય, પછી પ્રેમ થાય પણ વચગાળામાં કાજલ અશેષને રક્ષાબંધન કરે, છતાં સમય જતાં બેઉનો હસ્તમેળાપ પણ થાય, એ પછી થોડાં વર્ષ બેઉ વચ્ચે ગેરસમજ થાય, વિયોગ થાય, ફરી મિલન થાય, બેઉ પ્રેમીઓ મધુરજનીને મિષે કોનારકનાં શિલ્પો જોવા જાય, ત્યાં મંદિરની ટોચે ચઢતાં એકાએક કાજલનો ભાઈ ઉત્પલ આવીને અશેષ પર પ્રહાર કરવા જાય પણ અશેષ આકસ્મિક બચી જાય અને કાજલ એ પ્રહાર વડે ગબડી પડીને મરી જાય ત્યારે ‘અશેષના હૈયા ઉપર લદાયેલી અસહ્ય યંત્રણાની સાક્ષી સમી એ સચરાચર સૃષ્ટિમાં આભ સાથ આપવા ઝંખતું હોય તેમ નવલખ ધારે એ વરસતું’ હોય, એવી એક વાર્તાનો વિસ્તાર સાતસો પંચાણું પાનાં સુધી ખેંચી શકાય? શિવકુમાર જોષીએ ‘આભ રૂવે એની નવલખ ધારે’ નવલકથામાં આ વિસ્મયપ્રેરક વિસ્તારને પ્રસ્તાર કરી બતાવ્યો છે. લેખકે આ પ્રસ્તાર કરવાનું બીડું એવા તો કૃતનિશ્ચય બનીને ઝડપ્યું છે કે પ્રેમત્રિકોણની ભૂમિતિને પણ તેઓ ગાંઠ્યા નથી. અને કથામાં ત્રિકોણો પણ એકાદબે જ નહિ, અનેકાનેક યોજ્યા છે. પ્રેમકથા ઉપરાંત એમણે રાષ્ટ્રના રાજકારણને પણ લગભગ સરખી જ પૃષ્ઠસંખ્યા આપી છે. અધઝાઝેરી કથામાં તેઓ કથાને બદલે દેશના આઝાદીજંગનો ઇતિહાસ જ વર્ણવતાં લાગે છે. નાયક–નાયિકાને તેઓ ટાગોરની સ્મશાનયાત્રામાં મોકલે છે ત્યારે વાર્તાને બદલે પાનાંનાં પાનાં સુધી સ્મશાનયાત્રાના અખબારી અહેવાલો જ વાંચવા મળે છે. એ જ અનુભવ બેંતાળીસની લડત, બંગાળનો ભૂખમરો, કલકત્તાનાં કોમી રમખાણો, ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિ, ગાંધીજીની નોઆખલીયાત્રા વગેરેના વૃત્તાંતનિવેદન વેળા થાય છે. આ વૃત્તાંતને લેખકે એવો તો ઝીણવટભર્યો ને દસ્તાવેજી બનાવ્યો છે કે એમાંથી તે તે ઘટનાની ચોક્કસ તારીખો, મહત્ત્વની મંત્રણાઓ ને રાષ્ટ્રનેતાઓનાં પ્રવચનોના આખેઆખા પાઠ પણ વાચકને મળી રહે છે અને એ પ્રસંગોએ પેલી પ્રેમકથાનો આસ્વાદ વાચકે ફરજિયાત મોકૂફ રાખવો પડે છે. લોકપ્રિય પ્રેમકથાનાં બધાં જ આવશ્યક તત્ત્વો ધરાવતી આ વાર્તા રસાળ બનતાં અને કલાકૃતિની કક્ષાએ પહોંચતાં શી રીતે રહી ગઈ. એના માર્ગમાં શાં શાં વિઘ્નો આવ્યાં એના બોધપાઠ તારવવા લેખે આ કૃતિ લેખકોએ પણ અવલોકવા જેવી છે. આ કથાની રસનિષ્પત્તિમાં લેખકે ઊભું કરેલું મોટામાં મોટું વિઘ્ન એ એમાંનાં બેસૂમાર પાત્રો છે. ભારતની વસતિની જેમ અહીં પણ પાને પાને અવનવાં પાત્રો ખદબદે છે. (એ પાત્રોની વસતિગણતરી આ અવલોકનકારે આરંભિક ત્રણસોએક પૃષ્ઠો સુધી તો નોંધેલી પણ પછી થાકીને એ ઉદ્યમ માંડી વાળ્યો હોવાથી અહીં એ સંખ્યાને અગણ્ય કહીને જ સંતોષ માનવો પડશે.) કથામાં ડઝનેક યુગલોની વાત તો મુખ્ય નાયક–નાયિકાની સમાંતર જ ચાલે છે. અને પરિણામે લેખક મુખ્ય પાત્રો ઉપર દર્શનકોણ માંડી શકતા નથી. આથી, ‘ફોકસ બહાર’ ખેંચાયેલ ફોટોગ્રાફનો પેઠે કથાસૃષ્ટિ અસ્પષ્ટ ને ધૂંધળી–ધૂંધળી જ લાગ્યાં કરે છે. વાર્તામાં બિનજરૂરી વીગતો ને અનુપકારક માહિતીઓ ઠાંસવાનો લેખકને એવો અદમ્ય મોહ છે કે એથી કથાપ્રવાહ વારેવારે સ્થગિત થઈ જાય છે. અલબત્ત કથૈતર રસ ધરાવનાર વાચકને આમાંથી મુંબઈ–હાવડા વચ્ચેનાં સ્ટેશનોની રેલવે ગાઇડ જેટલી ચોકસાઈભરી માહિતી મળી શકે છે. કલકત્તાના વિવિધ વિસ્તારોની ભૂગોળ એના બસ–રૂટ સહિત જાણવા મળી શકે છે. કલકત્તામાં ગુજરાતી–કાઠિયાવાડી–કચ્છી વેપારીઓ ક્યા વર્ષમાં અને ક્યા ખુશ્કી–તરી માર્ગોએ થઈને આવેલા એનો સાચે જ રસપ્રદ વાણિજ્ય ઇતિહાસ અહીં વિસ્તારથી વાંચવા મળે છે. નથી વાંચવા મળતી પેલી પ્રેમકથા, જેની પ્રાપ્તિ માટે કદાચ જિજ્ઞાસુ વાચકે આ મબલખ પૃષ્ટસંખ્યામાં ખાંખાંખોળાં કરવાં પડશે. લાઘવયુક્ત આલેખન વડે જે વાત વધારે અસરકારક બની શકી હોત એને અતિઘેરાં રંગદર્શી ચિત્રણો વડે અને બેફામ પ્રેમ–પ્રલાપો વડે લેખકે અપ્રતીતિકર પણ બનાવી મૂકી છે. કથાના અંત ભાગમાં જેનું વિગતપ્રચૂર વર્ણન છે એ કોનારકનાં શિલ્પથી ઉત્તેજાયેલા આલિંગનો, ચુંબનો અને અશેષ–ચાંદનીના એક દેહસંભોગની વાત સામે સૂગ દાખવવાનો અહીં ઇરાદો નથી. આપણી ફરિયાદ તો પ્રેમકથામાં પ્રેમ પ્રસંગોની અપ્રતીતિકરતા સામે જ હોઈ શકે. હિન્દી ફિલ્મોમાં હરેક ‘રીલ’માં એક ગીત આવે એટલી જ નિયમિતતાથી આ કથામાં થોડેથોડે આંતરે ટાગોરનાં લાંબાલાંબાં ગીતો અને એના એટલા જ લાંબા તરજૂમા પણ આવ્યાં જ કરે છે. પ્રેમ પોતે એક કવિતા છે. અને એની ઉત્કટ ક્ષણોમાં પ્રેમીઓ પોતે મૂંગા કવિ બની રહેતા હોય છે. તો પછી એમણે વારેવારે પારક કવિની મદદ માગવાની શી જરૂર? અમદાવાદના નટવરભાઈ શેઠનાં સંતાનોનાં નામ સુતનુ, સુજાતા, સુતપા જેટલા અસ્વાભાવિક લાગે છે, અને એમનો ભાણેજ અશેષ જેમ આપણા અમથાલાલોથી થોડો અળગો લાગે છે એવી જ અસ્વાભાવિકતા કથાના ઘણા પ્રસંગોમાં પણ છતી થઈ જાય છે. કથામાં ઘટનાસ્થળ કલકત્તા અને અમદાવાદ વચ્ચે ફરતું રહે છે. એ બેઉ શહેરો વચ્ચે પાત્રોની જે શટલ ટ્રેઈન ચાલ્યાં કરે છે, ઉપરાંત લેખક ચાલુ ઘટનાપ્રવાહમાં વારેવારે પીઠઝબકારનો આશ્રય લઈને પાત્રોના ભૂતકાળ વર્ણવવા બેસી જાય છે એથી પણ મંદ કથાવહેણ વધારે મંદ બને છે. તદ્દન ગૌણ પાત્રોની પણ લાંબીલચ વંશાવળી આપવાનો મોહ ટાળવા જેવો હતા. કલકત્તાના ગુજરાતીએાની ‘ગદ્દી’ કેવી હોય છે, તેઓ શાનો શાનો અને શી શી રીતોએ વેપાર કરે છે, કઈ કઈ હૉટેલોમાં ક્યા ક્યા દારૂ પીએ છે, કેવી નિરાધાર સ્ત્રીઓને તેઓ ઉપવસ્ત્ર તરીકે સેવે છે, એ માહિતીઓ સમાજશાસ્ત્રીય મૂલ્ય ધરાવતી હોય તો પણ આ કથાના આસ્વાદમાં બહુ ઉપકારક નથી. આવી બાહ્ય સૃષ્ટિ ચીતરવા પાછળ સેંકડો પાનાં રોકવાને બદલે પાત્રોનાં અંતરમાં પ્રવેશવાનો લેખકે પ્રયત્ન કર્યો હોત તો કથાને વધારે લાભ થયો હોત. કથાનાં છેવટનાં બેત્રણ પ્રકરણોમાં જે સુઘટ્ટ આલેખન જોવા મળે છે એનો લાભ આરંભથી જ બધાં પ્રકરણોને મળ્યો હોત તો કદાચ પરિણામ વધારે સારું આવ્યું હોત. પાત્રના બાહ્ય રંગરોગાનને બદલે અંતરમાં ઊતરવાનો પ્રયત્ન લેખકે અશેષના ચિત્રણમાં કરી જોયો છે ખરો. લેખકે અશેષનું વિભક્ત વ્યક્તિત્વ આલેખવાનો ઉદ્યમ કર્યો છે. પણ એમ કરવા જતાં એમણે ઠેર ઠેર જે કૌંસમાં ઉક્તિઓ મૂકી છે એ બાલિશ જ નહિ, હાસ્યાસ્પદ પણ લાગે છે. નવી કવિતા આજકાલ કૌંસનો આશ્રય લે છે ખરી. પણ એ રીતિ લાંબી નવલકથામાં અજમાવવા જતાં લેખક નવલકથામાં ડગલે ને પગલે ‘ચિતન’ વેરતા રમણલાલ દેસાઈની કક્ષાએ જઈ પડ્યા છે. કથામાંની આ ઘણીખરી નબળાઈઓથી લેખક પોતે પણ સાવધ હોય એમ લાગે છે ખરા. પ્રસ્તાવનામાં એમણે આ કૃતિના સંભવિત વિવેચકોને આગોતરા જ ઉધડા લઈ નાખવા સાથે વાચકો પ્રત્યે પણ સહાનુભૂતિ દાખવી છે ખરી. એમણે કહ્યું જ છે, ‘વાચક ...આભ રુવે–વાંચતાં વાંચતાં પણ Inner Compulsion ન આવે તો જરૂર પડતું મૂકે.’ આ આંતરિક દબાણને અભાવે વાચક આ પુસ્તક પડતું નહિ મૂકે તો પણ બીજાં કેટલાંક કારણોસર વાચન પડતું મુકાય એવો ભય છે ખરો. અને એ કારણોમાં ઉપર ચીંધેલ કથાપ્રવાહના માંદ્ય ઉપરાંત લેખકની નિરર્થક શબ્દાળુતા અને ભાષાની અશુદ્ધિ ભાગ ભજવા જાય તો નવાઈ નહિ. કથામાં વર્ણન હોય કે સંવાદ હોય, પણ પાંચ શબ્દોને સ્થાને પંદર શબ્દો ઝીંકવામાં લેખક રાચતાં લાગે છે. ઝડઝમકભર્યા ને કાવ્યાભાસી શબ્દપ્રયોગોનો લેખકને ગજબનો શોખ છે. કથાનાં પાત્રોનાં નામકરણ જેવું જ આ પરિણામ છે. આમાં બંગાળી ભાષાના સેવનની વિપરીત અસર કામ કરી ગઈ હોય તો એ વધારે ચિન્તાપ્રેરક ગણાય. મુદ્રણદોષોની પૂરેપૂરી યાદી નોંધવા માટે તો એક અલગ પરિશિષ્ટ જોડવું પડે. પહેલા ભાગમાં તો કાચેકાચાં ગેલિપ્રુફ જ છપાઈ આવ્યાં હોય એટલા મુદ્રણદોષો ઊભરાય છે. આજકાલ ગુજરાતી ભાષામાં બિરબલ–બાદશાહ કે હનુમાનચાલિસા જેવાં ફૂટપાથિયાં પુસ્તકોમાં પણ શુદ્ધ જોડણીનું ધોરણ બંધાવા માંડ્યું છે ત્યારે આવી નવલકથામાં જોડણી અને અનુસ્વારોની અરાજકતા વિશેષ આઘાતકારક લાગે છે. ‘ગુરૂદેવ’, ‘પુરુષ’, ‘ગુરુજી’, ‘મૌત્રિ’, ‘હીન્દી’, ‘હિસ્ત્ર’ જેવા રોજિંદા વપરાશના શબ્દોની જોડણી પણ આવી ખોટી છપાય એ આપણા સુવિકસિત મુદ્રણઉદ્યોગને પણ નીચું જોવરાવે એમ છે. છતાં આ પુસ્તકમાંની બધી જ અશુદ્ધિઓ બદલ એકલા મુદ્રકનો જ કાન નહિ પકડી શકાય. લેખકની પોતાની લખાવટ પણ બહુ સદોષ જણાય છે. દાખલા તરીકે તેઓ ‘ઝંખવા’ માટે ‘જંખવા’ (પૃ. ૬૦–૧), ‘ઝંખના’ને સ્થાને ‘જંખના’ (પૃ. ૧૬૪–૧) જ લખવા ટેવાયેલા છે. કેટલાક શબ્દોનો ઉપયોગ તેઓ એના અર્થ જાણ્યા વિના જ કરતા જણાય છે. પ્રથમ ખંડમાં ૭૧મે પાને તેઓ લખે છે : ‘યમરાજાએ મૃત્યુપાશ વીંઝયો.’ એ જ ઢબે, ‘ઝાળ ગૂંથાયે જવા માંડી’ (૪૨–૨) પણ જ–કાર અને ઝ–કારની સાવ પ્રાથમિક અસંમજનો નમૂનો છે. એક અસરકારક વાર્તા બનવાની ક્ષમતા ધરાવતું કથાવસ્તુ બેહદ પ્રસ્તારને પરિણામે અને ધૂમ–ધડાકાભર્યા અપ્રતીતિકર પ્રસંગોને કારણે બજારે બોલપટોના બરની ચિત્રકથા જેવું બની ગયું એ એક કરુણ વ્યય થયો ગણાય. કથાની સોળ રૂપિયા જેટલી ભારે કિંમતનો વિચાર કરતાં, વાચક માટે એ વ્યય બેવડો બની રહેશે.

એપ્રિલ ૧૩, ૧૯૬૫