કથાલોક/એક નવલકથાનું પૃથક્કરણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૧૫
એક નવલકથાનું પૃથક્કરણ

શ્રી ચંદ્રવદન શુક્લ,

તમારી નવલકથા ‘રેવા તારાં વહેતાં વારિ’નું હું અવલોકન કરી ગયો. એના સિંહાવલોકન કરતાં મને એનું વિહંગાવલોકન વધારે ગમ્યું છે. અને એ અવલોકનમાં જણાયું છે કે કાં તો કથાનું શીર્ષક અધૂરું છે અથવા તો તમને ‘વારિ’ શબ્દનો અર્થ નર્યું પાણી નહિ પણ પ્રવાહો એમ અભિપ્રેત છે. કેમ કે, કથા પૂરી વાંચી રહ્યા બાદ મારા ચિત્તમાં નર્મદાનો જે જલપ્રવાહ આકાર લઈ રહ્યો એ ભરૂચ કે ચાણોદ–કરનાળીને તટે જ્યાં દ્રુમો નિંદ સેવે અને ‘શાંત રેવા સુહાવે’ એવો કોઈ એક સળંગ નદીપ્રવાહ નહિ પણ મુંબઈથી અમદાવાદ વિમાનમાર્ગે જતી વેળા ઊંચેથી દેખાતી સાગરસંગમ પામતી રેવાના સંખ્યાબંધ ફાંટાઓ અને વહેણોનો બનેલો એક ગંજાવર જલરાશિ જણાયો છે. આમાંનો દરેક ફાંટો કે પ્રવાહ એકેક અલગ કથા બની શકે એવી ક્ષમતા ધરાવે છે. તમે એ બધાં કથાવસ્તુઓને અહીં એક જ મોટી રચનામાં સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે—અથવા તો લોભ રાખ્યો છે–એ પ્રયત્ન બહુ લાભદાયક નથી નીવડતો. અલબત્ત, હરેક માનવીનું જીવન, નહિનહિ તોયે એક નવલકથા જેટલો સંભાર તો ધરાવી જ શકે. તમે આવાં સંખ્યાબંધ પાત્રોને એક જ નવલકથામાં એકઠાં કર્યા છે, અને એ દરેકના જીવનનો ઠીક ઠીક વિસ્તારથી પરિચય કરાવવા મથ્યા છો એ પ્રયત્ન બેશક પ્રશંસાપાત્ર છે; પણ એમ કરવા જતાં મુખ્ય કથાપ્રવાહ એટલા બધા ઉપ-પ્રવાહોમાં ફંટાઈ જાય છે કે એક જ સુશ્લિષ્ટ કથાવહેણ નીરખવા ટેવાયેલી આંખોને આ શાખા–પ્રશાખાઓવાળા વહેણને માનસિક રીતે મગજમાં સંઘરવાનું જરા અઘરું લાગવા સંભવ છે. છતાં કથાનો મુખ્ય વિષય સનાતન પ્રેમનો હોવાથી અને એ તત્ત્વનું આકર્ષણ અદમ્ય હોવાથી વાચક આ અઘરી કામગીરી પણ બજાવવાનો જ, એમાં મને લવલેશ શંકા નથી. કથામાં, મારી સમજ મુજબ, વાચસ્પતિ નાયક છે, અને ઉમા મુખ્ય નાયિકા છે. વિશાખા, આ બન્ને પ્રેમીઓના પ્રેમપંથમાંથી સ્વેચ્છાએ ખસી જાય છે એ જોતાં એને ઉપનાયિકા ગણો તો ભલે, બાકી હું તો એને પણ મુખ્ય નાયિકા જેટલા જ ‘માર્ક’ આપવા તૈયાર છું. આમ, વાચસ્પતિ–ઉમા–વિશાખા વડે એક સનાતન પ્રેમત્રિકોણ રચાય છે એમ કહું તો એથી ત્રિકોણનું જ અપમાન થવાનો સંભવ છે. મતલબ કે, પ્રેમના ત્રણ ખૂણાથી જ વાત પતી જતી નથી. ઉમાનો પ્રેમ મેળવવા માટે પ્રોફેસર પ્રફુલ્લભાનુ પણ આકાશપાતાળ એક કરી છૂટે છે. એ જ રીતે, વિશાખા–નિહારેન્દુ–પ્રફુલ્લભાનુ એમ વળી એક ત્રીજો ત્રિકોણ પણ નિર્દેશી શકાય એમ છે. આમ, ત્રિકોણનો એકેક ખૂણો વળી એકેક અલાયદો ત્રિકોણ રચી રહે એવો ખમતીધર છે, એ જોતાં આ કથામાંથી પ્રેમનો ષટ્કોણ કે નવકોણ કે પછી શું આકૃતિ ઊપસે છે એ ભૂમિતિના જાણકારો પણ ભાગ્યે જ કહી શકે. સંભવ છે કે પુષ્પધન્વા યુક્લિડને કદી ગાંઠતો જ ન હોય. કથાનાં મુખ્ય પાત્રો–ખાસ તો, ખલનાયકો મને આગવાં કરતાં એકવર્ગી જેવાં વધારે લાગ્યાં છે. ખલનાયકોની તો સનાતન કામગીરી જ પ્રેમી નાયક–નાયિકાના માર્ગમાં કંટકો વેરવાની. એ દૃષ્ટિએ પ્રોફેસર તેમજ નિહારેન્દુ બન્ને મને તો એક જ ડાળનાં પંખી જેવાં જણાય છે. ભલા, એક પ્રશ્ન પૂછું? આપણા સાહિત્યમાં આદિકાળથી પ્રોફેસરોનાં પાત્રાલેખન એક જ ઢાળનાં કેમ થતાં આવ્યાં છે? બધા જ પ્રોફેસરોને પોતાની પરિણીતાઓથી અસંતોષ જ હોય અને શિષ્યાઓથી જ સંતોષ હોય એવો કોઈ અલિખિત નિયમ હશે? બધા જ પ્રોફેસરો પોતાની વિદ્યાર્થિનીઓ જોડે પ્રેમ કરવામાં શૂરાપૂરા હોય, એ વાત સાચી હોય તોય બહુ શોભાસ્પદ એટલે કે કલાત્મક નથી લાગતી. તેથી જ, પ્રોફેસર પ્રફુલ્લભાનુ કરતાં નિહારેન્દુ મને વધારે સાચકલો અને સુંદર લાગે છે. એ ખલનાયક પ્રત્યે વાચકને સમભાવ પણ જાગે એમ છે—પ્રોફેસર તો એ સમભાવથી પણ વંચિત રહેતા જણાય છે. નિહારેન્દુની કેટલીક વર્તણૂક વાર્તાશાઈ કરતાં સિનેમાશાઈ વિશેષ હોવા છતાં એકંદરે એને ‘રંગ મંઝીલ’નાં પ્રેક્ષકોની જેમ વાચકો પણ આનંદથી નિહાળશે. મુખ્ય પાત્રોને મુકાબલે મને ગૌણ પાત્રો વધારે ગમ્યાં છે, એમ હું કહું તો આશ્ચર્ય ન અનુભવશો. પરાશરમાં ટાગોરના વિખ્યાત પરેશબાબુ જેવી ગરવાઈ જણાય છે. અને અરુણામાશી એ સનાતન ભારતીય નારીનો નમૂનો છે. વિશુદ્ધાનંદ બનેલા અરવિંદ જોડેના તથા પરાશર જોડેના એમના વ્યવહારો બહુ ઝીણી સૂઝ વડે આલેખાયા છે અને એમાં કવિતા જેવું પરિણામ આવી શક્યું છે. આખર જતાં વિધવા સગર્ભા અરુણા અને પરાશર પરણે છે એ આખોયે કિસ્સો એક સ્વતંત્ર કથા બનવા જેટલી ગુંજાયશ ધરાવે છે. રેવાનાં વહેતાં વારિને હું અનેક ફાંટાઓ કહું છું એ આ દૃષ્ટિએ પણ ખરું જ. આટલી બહોળી પાત્રસૃષ્ટિમાં, બબ્બે ખલનાયકો સરજાયા હોવા છતાં રૂઢ અર્થમાં તમે એકેય ખલનાયિકા કેમ નથી લાવી શક્યા એ સમજાતું નથી. વિશાખાને ખલનાયિકા બનવાની તક હતી, પણ એ તો અમેરિકા ચાલી જઈને સ્વેચ્છાએ જ દેશપાર થઈને અને ઉમા–વાચસ્પતિનું ગૂંચવાયેલું કોકડું ઉકેલી આપીને વધારે ઉદાત્ત બની રહે છે. કથાનું માળખું રૂઢ પ્રકારનું છે, અને એ તમે કુશળતાથી બાંધ્યું છે. આ તમારી પહેલી જ નવલકથા છે એ જોતાં કથનકલાની હથોટી પ્રશસ્ય ગણાય. કોઈ કોઈ સંવાદોમાં કે વર્ણનમાં વેરાયેલી ચિંતનકણિકાઓ જોતાં, નાનપણમાં તમે રમણલાલની નવલકથાઓનું સેવન કર્યું હોવાનો કોઈને વહેમ આવે એમ બને. જોકે વાચસ્પતિનું એક લાંબું વ્યાખ્યાન અને બીજા બે–એક પ્રસંગો સિવાય આવાં સામાજિક નિરીક્ષણોનું આલેખન કથારસમાં ખાસ બાધક નથી બનતું એટલું તમારા જમા પક્ષે નોંધવું રહ્યું. બલકે, આ કથામાં મારા જેવા વાચકોને જડકી રાખનારું તત્ત્વ કથારસ જ છે. ‘જીવને રસ વાર્તાનો...’ એ કથન કેટલું બધું સાચું છે! આ કથારસની નિષ્પત્તિ માટે તમે વાર્તાકલાની બધી જ જાણીતી કલા અને કરામતો અજમાવી છૂટો છો. વાચકનો જિજ્ઞાસારસ દ્રવતો રહે એની તમે દરકાર દાખવી છે. પ્રસંગયોજના ક્વચિત અપ્રતીતિકર હોવા છતાંયે આકર્ષક તો રહે જ છે. કથાના માળખામાં અહીં-તહીં આવતાં મિજાગરાં મજબૂતાઈથી ભિડાયાં છે. કલ્પકસાહિત્યની ઘણીયે રચનાઓ અકસ્માતોની પરંપરા ધરાવતી હોય છે. કોઈવાર એમ પણ કહેવાનું મન થાય કે અકસ્માતમાંથી જ કથાઓ અને નાટકો જન્મે. ‘મૃચ્છકટિક’માંના પેલા વિખ્યાત અલંકારના ઉપરાછાપરી થતા હાથબદલા આ બાબતમાં એક વિખ્યાત ઉદાહરણ છે. તમારી આ નવલકથાનો તો આરંભ જ અકસ્માતથી થાય છે. રેવા અને ઓર નદીના સંગમ નજીક ઉમાની પનાઈ ઊંધી વળી જાય છે. એમાંથી એને વાચસ્પતિ ઉગારી લે છે. નાયક–નાયિકાના એ આકસ્મિક મિલનમાંથી તમે કથાબીજ વિકસાવ્યું છે. અને એ વિકાસ દરમિયાન પણ ઘણા અકસ્માતોનો તમે આધાર લીધો છે. ઓરના સંગમમાંની પેલી પ્રેમની પનાઈ, પછી તો આ કથાવહેણ દરમિયાન ઘણાંયે વમળોમાં સપડાય છે, એમાંના કેટલાક અકસ્માતો સુખદ છે, કેટલાક દુઃખદ છે, કેટલાક સુભગ છે, તો વળી કોઈ કોઈમાં તાણીતુંસીને તાલમેળ જેવું પણ યોજાયું લાગે છે. અલાહાબાદમાં સગર્ભા અરુણામાશી આપઘાતની કોશિશ કરે ત્યારે બીજું કોઈ નહિ ને ત્રિલોકેશ્વર જ અને ઉગારી લે એ આવા ‘નાટકી’ અકસ્માતનો નમૂનો છે. એ જ મુજબ, ઉમા અને પ્રોફેસરને લઈ જતી ડેક્કન ક્વીન કલ્યાણ સ્ટેશને ભેખડ ધસી પડતાં થોભી હોય એ વેળા જ સામેથી આવતા અલાહાબાદ મેલમાં વાચસ્પતિ બેઠો હોય, અને ઉમા પૂના જવાને બદલે વાચસ્પતિ જોડે મુંબઈ પાછી ફરે એ પણ ચાતુરીભર્યો છતાં તાલમેળિયો અકસ્માત છે. કથામાં પ્રસંગો તમે ઠાંસીઠાંસીને ભર્યા છે. ઘટના અને પરિસ્થિતિઓની તમને ક્યારેય ખોટ જણાતી નથી. કથાની વાચન–ક્ષમતામાં આ ઘટનાઓનો ફાળો પણ મોટો છે. આ કથાપ્રવાહ અલાહાબાદ પહોંચતાં એક ક્ષણે તો મને કથાના લગભગ નિર્વહણ જેવો અનુભવ થઈ ગયેલો અરુણામાશી અને પરાશર પરણી જાય અને વિશાખા ઉમા–વાચસ્પતિના માર્ગમાંથી ખસી જાય એ ક્ષણે કથાનો સમુચિત અંત જણાતો હતો નિહારેન્દુ પાગલ થઈ ગયો એ નિર્દેશ પણ અલાહાબાદમાં મળી જ જતો હતો. પણ પેલી પ્રેમની પનાઈને તમે વધારે વમળોમાં ફસાવવાનો લોભ રાખ્યો તેથી કથાપ્રવાહ પણ લંબાયો. એમાં તમે નિહારેન્દુનું મૃત્યુ યોજ્યું અને વિધવા અનુરાધાને ચન્દ્રશેખર જોડે પરણાવી. કથામાં આ રીતે બધાં જ પાત્રો એક યા બીજી રીતે થાળે પડી જાય એ સ્થિતિ વાચકોને બહુ ગમતી હોય છે. પણ કલાદૃષ્ટિએ એ હમેશાં આકર્ષક કે અનિવાર્ય નથી લાગતી. ઘણીવાર તો આખી પાત્રસૃષ્ટિનો છેલ્લે રોલ–કોલ લેવાતો હોય એવી છાપ ઊઠે છે. કથામાં સંવાદો અને વર્ણનો બન્નેની તમને સારી ફાવટ છે. સરેરાશ વાચકને લાંબાંલચ વર્ણનો કરતાં ટૂંકાટચ સંવાદો જ વાંચી જવાનું વધારે ગમતું હોય છે. સંવાદો ઘણીવાર કથાવેગ વધારવામાં ઉપકારક બનતા હોય છે. હેમિંગ્વેને પોતાની નવલકથામાં સંવાદો ઝડપભેર ટાઈપરાઈટર ઉપર ટપકાવી લેવાનું જ ફાવતું. વર્ણનો તેઓ હાથે લખતા. કહેવાય છે કે વૉલેસની કથાઓનાં વાચકો સંવાદો ઝડપભેર ગગડાવી જતાં અને વર્ણનોવાળા આખેઆખા પરિચ્છેદો છોડી જ દેતાં. પણ વાર્તા–નવલકથામાં વર્ણનનો મહિમા પણ કાંઈ ઓછો નથી. ‘કરણઘેલો’ કે ‘સરસ્વતીચન્દ્ર’માંનાં કેટલાંક વર્ણનો અમર થઈ ગયાં છે. સમર્થ કથાકાર તો વર્ણન વડે વાચકને જકડી રાખે. ‘યુદ્ધ અને શાંતિ’માં નેપોલિયનના આગમન વેળાનું મોસ્કોનું વર્ણન જુઓ. એમાં ટૉલ્સ્ટૉય ઉજ્જડ મોસ્કો નગરીને ખાલી મધપૂડાનું જોડે સરખાવવા જતાં ચચ્ચાર પાનાં સુધી મધપૂડાનું જ વર્ણન કરીને વાંચનારને રસતરબોળ કરી મૂકે છે. ‘દર્શનાત્ વર્ણનાત્ કવિ’નું બિરુદ આવા કલાકારો માટે યોજાયું હશે. તમારી સંવાદછટા અને વર્ણનછટા રસપ્રદ છે ખરી. સંવાદો ઘણાખરા મર્માળા અનો નર્માળા છે. પણ બધાં જ પાત્રો એકસરખી નર્મોક્તિઓ ઉચ્ચારે ત્યારે એ પાત્રોને બદલે લેખક જ બોલી રહ્યા હોય એવો ભાસ થાય ખરો. વ્યક્તિવર્ણનો કરતાં નિસર્ગવર્ણનોમાં તમારી કલમ આસાનીથી વિહરે છે. જોકે, ગાંડા નિહારેન્દુના લઘરવઘર વેશનું વર્ણન બહુ ઝીણવટથી થયું છે ખરું; છતાં નર્મદાતટનાં, પાવાગઢનાં વગેરે વર્ણનો તમારી ગદ્યછટા દાખવી રહે છે. વર્ણનોમાં રાચતા લેખકો માટે કેટલાંક ભયસ્થાનો પણ હોય છે એમાંનું એક મુખ્ય ભયસ્થાન છે, શબ્દાળુપણાનું. વર્ણસગાઈ અને વિશેષણોનો મોહ તજવાનું કામ કેટલું મુશ્કેલ હોય છે એ હું સ્વાનુભવે સમજું છું. પણ આવી ક્ષણોએ એક ધ્યાનમંત્ર જેવો કિસ્સો યાદ કરવા જેવો લાગે છે. હેમિંગ્વેએ પોતાની કારકિર્દીના આરંભમાં કાલાંઘેલાં લખાણો એઝરા પાઉન્ડને સુધારવા આપેલાં. પાઉન્ડે એમાં એક જ જાતનો સુધારો કર્યો : એણે બધાં જ વિશેષણો છેકી નાખ્યાં. તમને હું શબ્દાળુતાનો મોહ તજવાની સલાહ એટલા માટે આપું છું કે ગદ્યનો લય પકડવાની શ્રવણેન્દ્રિય તમારી કને છે. એને હજી વિકસાવો તો જતે દહાડે એ જવાબ આપશે. આ નવલકથા વિષે આટલું ઝીણું કાંત્યું જ છે, તો હજી એક વધારે કાંતણ ભાષાશુદ્ધિનું પણ કરી જ લઉં. પુસ્તકમાં ભાષાશુદ્ધિ અને મુદ્રણશુદ્ધિ વખાણવાની આવશ્યકતા કદાચ આપણી ભાષામાં જ હશે. મીઠામાં રહેલી મીઠાશ વખાણવાની જરૂર હોય ખરી? અને છતાં આપણી લેખન–મુદ્રણ–પ્રકાશનની વાસ્તવિક સ્થિતિ જોતાં આવાં વખાણ કરવાં પડે છે. તમે યોજેલા લાંબા સમાસો કેટલાક કિલષ્ટ હોવા છતાં એકંદરે ભાષા ઘણી જ શુદ્ધ છે. માત્ર, ‘સકુટુંબ’ને બદલે ‘સહકુટુંબ’ (પૃ. ૨૪૭) કે ‘જંપે’ને સ્થાને ‘ઝંપે’ (પૃ. ૨૬૮) જેવા દોષો ટાળવા ઉપર ધ્યાન આપવું જરૂરી છે. એકંદરે મને ઉમા–વાચસ્પતિની પ્રેમની પનાઈનાં આ વહેણ અને વમળ વાંચવાં ગમ્યાં છે, તૃપ્તિકર લાગ્યાં છે. પણ તમે પોતે આ આલેખનથી તૃપ્તિ ન અનુભવો એવી વિનંતિ કરું છું. આ કથામાં તો પેલી પ્રેમની પનાઈ ઘણુંખરું સ્થૂલ સપાટીએ જ વિહરે છે. મોટા ભાગની પાત્રસૃષ્ટિ અન્નકોશ ઉપર જ જીવે છે. મૌજ કરવાનો આદેશ આપતું રંગમંઝિલનું ધ્યેયસૂત્ર અર્વાચીન બિટનિક કલાકારોની યાદ આપે એવું છે. પણ માનવજીવનમાં આવા પ્રાણોદ્રેક કરતાંયે એક ઊંચેરી સપાટી હોય છે ખરી, જ્યાં પ્રેમ એ જીવશાસ્ત્રીય પ્રક્રિયા મટીને કોઈક મહત્તર અર્થસભર પદાર્થ બની રહેતો હોય છે. તેથી જ પેલી પ્રેમની પનાઈને આવાં ઉચ્ચતર સ્તરોમાં પહોંચાડી આપવાનો પડકાર કરું તો તમે એ ઝીલી બતાવો એવી ખ્વાહીશ સાથે વિરમું છું. ઑગસ્ટ ૪૭, ૧૯૬૧