કથાલોક/સર્જકની નજરે સર્જકો


૧૪
સર્જકની નજરે સર્જકો

એક કલાકૃતિ વિષે કલાકાર પોતે શું કહે છે એ જાણવું રસપ્રદ થઈ પડે છે. એક સર્જક વિષે બીજા સર્જકનો અભિપ્રાય રસશાસ્ત્રીઓના અભિપ્રાય કરતાં વધારે મહત્ત્વનો બની રહે છે. આગઉ ફૅબર પ્રકાશકોએ ‘કવિઓ વિષે કવિઓ’ નામની પુસ્તકશ્રેણી પ્રગટ કરેલી, એ પણ આ પ્રકારના એક વિશિષ્ટ રસાસ્વાદનો જ પ્રયોગ હતો. આપણે ત્યાં ‘દર્શક’કૃત ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ પણ સર્જકતા વિશેનું એક સર્જકનું દૃષ્ટિબિંદુ સમજવામાં સહાયભૂત થાય એવો વિવચનગ્રંથ છે. દર્શકે આ ગ્રંથમાં ટૉલ્સ્ટૉયથી વિભૂતિભૂષણ બંદોપાધ્યાય સુધીના નવ નવલકથાકારોની કૃતિઓનું સૌન્દર્યદર્શન કરાવ્યું છે. એમાં ‘ઘરે બાહિરે’થી માંડીને ‘ડૉ. ઝિવાગો’ જેવી ભિન્નભિન્ન ભૂમિ અને તાસીરની કથાઓનો સમાવેશ થાય છે. ‘મીરાંની સાધના’ નામક અધ્યયન એ કવયિત્રીના જીવન અને કવનને નવીન નજરે મૂલવવા મથે છે. આ ઉપરાંત ‘સાહિત્યકારની સાધના’, ‘સર્જનમાં સાવચેતી’ અને ‘સ્વાંત : સુખાય’ એ ત્રણ લેખોમાં લેખકે પોતાની સર્જનપ્રવૃત્તિ અને એનાં ચાલકબળોની ચર્ચાવિચારણા કરી છે. ‘શિક્ષણ અને રચનાકાર્યમાં પડ્યો હોવા છતાં સાહિત્ય એ મારા હૃદયના આનંદની વસ્તુ રહી છે’, એમ આરંભમાં જ કબૂલનાર લેખકે અહીં જે જે કૃતિઓ હૃદયનો આનંદ વ્યક્ત કરવા માટે પસંદ કરી છે તે તે કૃતિઓ એના પ્રકારોમાં શિરટોચે સ્થાન પામેલી છે. એ દૃષ્ટિએ એમની એ પસંદગી પોતે જ એક પ્રશિષ્ટપૂજક ઉન્નતભૂ ને દુરાસાધ્ય રસવૃત્તિની શાખ પૂરી રહે છે. તો, બીજી દ્રષ્ટિએ જોતાં અહીં પસંદગી પામેલી કૃતિઓ અને અહીં ગેરહાજર જણાતી અન્ય રચનાઓ ઉપરથી વિવેચકના ગમા–અણગમા, આગ્રહો અને અભિગમોનો પણ અંદાજ બાંધી શકાય એમ છે. દાખલ તરીકે આરંભિક અધ્યયન ‘યુદ્ધમાંથી શાંતિ’ના આરંભમાં જ શ્રી. દર્શક કલા અંગેનું પોતાનું એક વલણ સોઈ ઝાટકીને જણાવી દે છે : ‘આનંદ પણ આનંદ ખાતર નથી પણ મંગળના અનુભવ માટે છે. તો કલાએ પણ તે જ કર્તવ્ય અદા કરવાનું છે.’ શ્રી દર્શક પોતે ટૉલ્સ્ટૉયને આ રીતે મૂલવવા મથે છે : ‘ટૉલ્સ્ટૉયને મન કલા એ માત્ર મોજનો વિષય નથી; તે ચિત્તને વ્યાપક કરવા સારુ ચિત્ત શુદ્ધ કરે તેવી અપેક્ષા છે. સાચી કલા સત્યને કે વાસ્તવને છેહ દીધા વિના ચાલે છે. રસશુદ્ધિની જોડાજોડ રસતૃપ્તિ કરી જ શકે છે.’ ‘યુદ્ધ અને શાંતિનો’નો કથાવિકાસ, પાત્રવિકાસ ને તેનું પર્યવસાન જોતાં એવા અનુમાન પર આવવું પડે તેમ છે કે કલા અને નીતિને અનિવાર્ય સંબંધ હોવો જોઈએ. કલા ભલે કલાની રીતે તે સંબંધની અભિવ્યક્તિ કરે, તે આડંબરી તટસ્થતા ધારણ ન કરી શકે... આખરે નૈતિક સમસ્યાઓની ખોજ દ્વારા જ માનવસમાજનાં ધોરણ, પોષણ ને સત્ય સ શુદ્ધિ થયાં છે.’ બીજે એક સ્થળે લેખક કહે છે : ‘દરેક મહાન કલા એના પૂર્ણ સ્વરૂપને ત્યારે જ પામે છે, જ્યારે એ વ્યષ્ટિની કથાને સમષ્ટિનાં સુખદુઃખોનું વાહન બનાવે છે.’ ‘સાહિત્યકારની સાધના’માં શ્રી. દર્શક એક અભિપ્રાય દર્શાવે છે : ‘... માનવીના ચિત્તને વ્યાપક કરવું, અભેદનો અનુભવ કરાવવો તે જ સાહિત્યકારનું ઇતિકર્તવ્ય છે. જેનું લખાણ ચિત્તને સંકુચિત કરે, મલિન કરે, અહંબુદ્ધિ ને ભેદને જન્માવે કે પોષે તેનું લખાણ ગમે તેવું જોરદાર હોય, ગમે તેવી તેની પદવિન્યાસચાતુરી હોય તો પણ તેને મનીષી નહિ કહેવાય...’ આટલાં અવતરણો પરથી લેખકનું કલા અને સૌન્દર્ય અંગેનું વલણ જાણી શકાય છે. આરંભમાં એમણે ‘મંગલ’ની વાત કરી છે એથી કોઈ વાચકને ગેરસમજ થવાનો પણ ભય છે. શ્રી દર્શક ‘શુભ’ના પુરસ્કર્તા છે. છતાં ‘મંગલ’ની વાત કરીને તેઓ આજકાલ બજારુ થઈ પડેલા ‘માંગલ્ય’ની માગણી કરનારાઓમાંના એક નથી જ. એમની સૌન્દર્યદૃષ્ટિ સાફ છે અને પારગામી છે, નહિતર ‘યુદ્ધ અને શાંતિ’ કે ‘ઘરે બાહિરે’ જેવી નવલકથાઓનાં સૌન્દર્યબિંદુઓને તેઓ પામી જ ન શકત. પણ એ અને અન્ય સમર્થ નવલકથાઓનું કલાસામર્થ્ય તેઓ નિરૂપી શક્યા છે એ જ બતાવે છે કે કલા અને નીતિ બાબતમાં પણ તેઓ ધોકાપંથી નથી. પોતે શિક્ષક છે અને એ પ્રવૃત્તિમાં સમાજસુધારક કે સેવકની કામગીરી આપોઆપ જ એમને ભાગે આવે છે, છતાં તેઓ સાહિત્ય કે કલા પાસેથી સસ્તી સુધારકશાઈ કામગીરી લેવામાં માનતા નથી. વ્યવસાયી Do gooder જેવા બનવાનું એમના સ્વભાવમાં જ નથી. શ્રી ‘દર્શક’ની પોતાની નવલકથાઓ વાંચનાર સાખ પૂરી શકશે કે આ લેખક સાહિત્યસર્જનમાં નીતિના ડોળઘાલુ કે મરજાદી કે ચોખલિયા નથી. ‘દીપનિર્વાણ’ કે ‘ઝેર તો પીધાં છે...’નાં ઘણાંયે પ્રકરણો ને ખંડો કહી આપે છે કે લેખકને શુદ્ધ સૌન્દર્યથી ઓછું કશુંય સંતોષી શકે એમ નથી. કલા કનેથી આ લેખક તેઓ સસ્તી પાદરીશાઈ કામગીરી લેવામાં માનતા જ નથી. અને છતાં ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’માં વિશ્વસાહિત્યની કેટલીક પ્રશિષ્ટ કૃતિઓનો રસાસ્વાદ કરાવતી વેળા એમને કેટલાંક વળગણો નડતાં હોય એમ વાચકને લાગ્યા વિના રહેતું નથી. શ્રી દર્શક પોતે ગાંધીયુગની નીપજ છે. આશ્રમજીવન, જેલજીવન આદિનો એમને પ્રત્યક્ષ પરિચય છે. ગાંધીવાદી વિચારધારા ઉપર એમણે ભાષ્યો પણ લખ્યા છે, એની મૂલવણી કરી જોઈ છે. છતાં તેઓ મૂઢમતિ કે વેદિયા ગાંધીવાદી નથી. એવું હોત તો લેજરક્વિસ્ટકૃત ડેલ્ફીની દેવદર્શિનીની કથાને તેઓ સ્પર્શ પણ ન કરત. અથવા ‘ગુજરાતનો નાથ’ કે ‘માનવીની ભવાઈ’માંના શૃંગરભરપૂર, લગ્નબાહ્ય મિલનપ્રસંગોને ઝાડી નાખત. એવું કશું કરવાને બદલે એ નવલકથાઓનાં એમણે ભરપેટ વખાણ કર્યાં છે, એ જ બતાવે છે કે એમની સૌન્દર્યદૃષ્ટિને સુધારકદૃષ્ટિનાં કે પાદરીવેડાનાં પડળ બાઝી શક્યાં નથી. એવું હોત તો, ‘ઘરે બાહિરે’માંના સંદીપ–વિમલાના નાજુક મિલનપ્રસંગોને એમણે આડો વહેવાર, આનાચાર, ભ્રષ્ટાચાર, વ્યભિચાર આદિ નામો વડે નવાજ્યા હોત. પણ એમ કરવાને બદલે તેઓ એક સમાનધર્મી સર્જકની જ હેસિયતથી સંદીપ અને વિમલાના એ પતનને સહાનુકમ્પાથી અવલોકી શકે છે એ પણ એમની શુદ્ધ કલાદૃષ્ટિની સાહેદી જ ગણાય. અને છતાં આ પુસ્તકમાં વારેવારે ચિત્તની સંશુદ્ધિ, ચિત્તની વ્યાપકતા, રસશુદ્ધિ વગેરેની વાત આવ્યા જ કરે છે એ શાથી ભલા? એક ખુલાસો કલ્પી શકાય. લેખક પોતે આજન્મ શિક્ષક છે, આચાર્ય છે. સસ્તા સુધારક બન્યા વિના પણ, અજ્ઞાતપણે તેઓ જીવનસુધારણા, સમાજસુધારણા માટે મથતા જ હોય. એ એમના વ્યવસાયની જોડે અભિન્નપણે જોડાયેલી સ્વાભાવિક કામગીરી છે. સંભવ છે એમણે પસંદ કરેલી કલાકૃતિઓના રસાસ્વાદમાં એ ‘શુભંકર’ દૃષ્ટિબિંદુ અસંપ્રજ્ઞાતપણે કામ કરતું જ હોય. અથવા કદાચ એમ પણ બન્યું હોય કે એ શુભલક્ષી, મંગલલક્ષી દૃષ્ટિએ જ એમણે આ પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ અધ્યયન અને આસ્વાદ માટે પસંદ કરી હોય. જો એમ જ હોય તો, શ્રી ‘દર્શક’ની કલાદૃષ્ટિનો હજી વધારે પરચો પામવા માટે એમને એક પડકાર આપવો જોઈએ. આ ગ્રંથમાં એમણે વાગીશ્વરીનાં જે કર્ણફૂલો પસંદ કર્યાં છે એમાં સૌન્દર્ય બેશક ઘણું છે, પણ એ મહદંશે એકાંગી છે. કલામાં તો કૃત્સિતતાનું પણ સૌન્દર્ય હોઈ શકે. એવાં કર્ણફૂલો લેખકે બહુ પસંદ કર્યાં નથી. તેથી જ તો એમની કલાદૃષ્ટિને હજી વધારે નાણવા માટે આ પડકાર કરવાનું મન થાય છે : જેમ્સ જૉઈસસ્કૃત ‘યુલિસિસ’ કે આન્દ્ર જિદકૃત ‘કાઉન્ટરફિટર્સ’ કે ‘લેડી ચે.’ નહિ તોયે હેન્રી મિલરકૃત ‘ટ્રોપિક ઑફ કૅન્સર’ (પ્રતિબંધ ઉવેખીને વાંચી શકાય તો જ!) જેવી નવલકથાઓની દેખીતી અસુંદરતામાંથી સુંદરતા સારવી આપો તો તમને રંગ ભણીએ! ફ્રાન્ઝ કાફકાને ખાસ્સા એક યુગ જેટલો ઉવેખીને, દુર્બોધતાની અને અનીતિમયતાની ગાળો ભાંડીભાંડીને છેક હવે જ વિવેચકોએ કાનબૂટ પકડી છે કે કાફકા અત્યંત નીતિમય નવલકથાકાર હતો, ઈસુપરાયણ હતો, પાપભીરુ હતો. એની ‘ધ કૅસલ’ કે ‘ધ ટ્રાયલ’ જેવી નવલકથાઓ કે ‘ધ મેટેમોર્ફોસિસ’ જેવી વાર્તાઓને આપણા લેખક કઈ રીતે આસ્વાદે છે એ જાણવું પણ બહુ રસપ્રદ થઈ પડશે. દેવી વાગીશ્વરીનાં કર્ણફૂલોમાં તો ‘વોર ઍન્ડ પીસ’ કે ‘સરસ્વતીચન્દ્ર’ જેવી મહાનવલોની જોડાજોડ જ, દુનિયાદારીએ જેને અનીતિમય આલેખન કહેલું એ ‘માદામ બોવરી’નું પણ માનભર્યું સ્થાન છે જ. તેથી જ, ફ્લૉબેર અને પ્રુસ જેવા નવલકથાકારોની કૃતિઓની ખામી–ખૂબીઓ સમજાવવાનું, ભલે જરા અવિનય લાગે તો પણ, શ્રી દર્શકને આહ્વાન આપવાનું મન થાય છે. જુલાઈ, ૧૯૬૩