કથાલોક/એક ‘અવેતન’ પ્રયોગ
એક ‘અવેતન’ પ્રયોગ
‘જન્મભૂમિ’ દૈનિકમાં હપ્તેહપ્તે છપાયેલી આ નવલકથા ‘લીલુડી ધરતી’ પુસ્તક રૂપે પ્રગટ કરતાં હું આનંદ અને ક્ષોભની મિશ્ર લાગણીઓ અનુભવું છું. આનંદનો અનુભવ એટલા પૂરતો, કે જેવી છે એવી આ વાર્તા લખતી વેળા મને પોતાને એક વિલક્ષણ રસાનુભવનો આનંદ મળ્યો છે—બલકે આ લેખનના પૂરા દસ મહિના દરમિયાન આ વાર્તાની કાલ્પનિક સૃષ્ટિમાં હું રમમાણ રહ્યો છું. દૈનિક અખબારમાંથી કટકે કટકે આ કથા વાંચનાર કેટલાક સમભાવી વાચકોને પણ વત્તેઓછે અંશે મારા જેવો અનુભવ થયો છે. અને હવે આ ધારાવાહી વાર્તાને ગ્રંથસ્થ કરતી વેળા પણ, મારા જેવું ચિત્તંત્ર ધરાવનાર વાચકોને કદાચ આવો જ આનંદાનુભવ થશે એવી ભાવુક શ્રદ્ધા સેવું છું. ક્ષોભ એટલા પૂરતો થાય છે કે નવલકથાલેખનને ક્ષેત્રે હજી હું ‘છાપેલ કાટલું’ નથી બન્યો. નવલકથાને ક્ષેત્રે મારી સ્થિતિ, હમણાં હમણાં ગુજરાતમાં રંગભૂમિને ક્ષેત્રે જેમણે બહુ ઉપાડો લીધો છે એ ‘અવૈતનિક’ કહેવાતા અભિનેતા જેવી છે. અલબત્ત, આ અગાઉ નવલકથા લખવાના અમુક પ્રયત્નો — સાચું કહું તો સાડાચાર, કેમ કે એક નવલકથા વર્ષો અગાઉ અરધી છપાવીને છોડી દીધેલી — કરી ચૂક્યો છું. પણ ગુજરાત તો વધારેમાં વધારે સુપર ટૅક્સ ભરનારા — અથવા એ કક્ષાએ આકરણી થઈ શકે એટલી કમાણી કરનારા — ‘શાહસોદાગરો’નો મુલક છે, અને આ શાહસોદાગરી માનસનો ચેપ ગુજરાતના સાહિત્યક્ષેત્રને પણ લાગ્યો જણાય છે. એમાં બેચાર કૃતિઓ ધરાવનાર લેખક કંગાલમાં જ ખપતો લાગે છે. ‘લાખે લેખાં’ જેવું માનસ ધરાવનાર વેપારીઓના મુલકમાં, કહેવાતા વિવેચકો પણ સર્જક પાસેથી જથ્થોત્પાદનની — ‘ઍસેમ્બ્લી લાઈન’ આ લા અમેરિકન પદ્ધતિએ તૈયાર થતા માલની—અપેક્ષા રાખતા લાગે છે. કબૂલ કરું છું કે મારું નવલકથાલેખન નિયમિત નથી રહ્યું. ૧૯૪૩–૪૪માં લખીને ૧૯૪૫માં પ્રગટ કરેલ ‘પાવક જ્વાળા’ પછી ૧૯૪૬માં ત્રણચાર મહિનામાં જ ‘વ્યાજનો વારસ’ લખી નાખેલી. એ પછી ‘ઇંધણ ઓછાં પડ્યાં’ એક માસિક માટે યોજાઈ હોવાથી એનું લેખન બેએક વર્ષ સુધી વિસ્તરેલું. એ પછી એક સાપ્તાહિક માટે ‘ઊજડેલો બાગ’ નામની કથા આરંભેલી પણ એ અરધે રસ્તે પહોંચી ત્યાં પેલું સાપ્તાહિક સદ્ગત થતાં નવલકથા પણ બંધ પડી ગયેલી. એ બાદ બહુ લાંબે ગાળે ‘જનશક્તિ’ના તંત્રી રવિશંકર મહેતાના આગ્રહથી ‘વેળાવેળાની છાંયડી’ લખી અને ૧૯૫૬માં પ્રગટ કરી. આમ, નવલકથાના લેખનમાં મારું કામ પેલા ‘ઍમેટર’ અભિનેતાઓ જેવું જ રહ્યું છે. આવી સ્થિતિમાં પીઢ નવલકથાકારો મને મુરબ્બીવટથી સલાહ આપે છે : ‘તમારા આવિષ્કારનું સાચું ક્ષેત્ર ટૂંકી વાર્તા છે.’ ટૂંકી વાર્તા લખનારાઓ કહે છે : ‘તમારી પ્રતિભાને પૂરો અવકાશ નાટ્યલેખનમાં જ મળશે.’ નાટ્યક્ષેત્રે ચન્દ્રવદન મહેતાએ એક વાર મારી સમક્ષ દરખાસ્ત મૂકેલી : ‘આપણે પરસ્પર કૉલકરાર કરીએ. તું નાટક લખવાનું છોડી દે, હું વાર્તા–નવલકથા નહિ લખું એવી કબૂલાત આપું. નાટક લખવાનું તને નહિ ફાવે.’ કેટલાક મિત્રો કહે છે : ‘તમે વિવેચન પર હાથ અજમાવો.’ ત્યારે વિવેચકો કહે છે : ‘તમે હળવા નિબંધમાં જ ખરા ખીલી ઊઠો છો.’ આવી સ્થિતિમાં આ નવલકથા બહાર પાડતાં પેલા અવૈતનિક અભિનેતાની જેમ થોડીક stage fright અનુભવું છું. ઑડિટોરિયમમાં કંઈ ઘડીએ અને ક્યા ખૂણામાંથી ગોકીરો ઊઠશે અને પ્રેક્ષકો મારો હુરિયો બોલાવી નાખશે એ જાણતો નથી. આ ગભરામણનું કારણ એ નથી કે મને મારી લેખનશક્તિમાં અશ્રદ્ધા ઊપજી છે. ગદ્યાત્મક કલ્પક લેખનપ્રકારમાં આવશ્યક લેખાય એટલી વાચનક્ષમતા તો આ કૃતિમાં છે જ, એટલું તો કશી વિનમ્રતાનો ડોળ ઘાલ્યા વિના હું કહેવા તૈયાર છું. મારી મૂંઝવણ જુદી જ છે. અને એની જ વાત અહીં જરા વિસ્તારથી કહેવા ઇચ્છું છું. ૧૯૫૫માં આપણા એક તંત્રી–વિવેચકે ફરિયાદ કરેલી : ‘ગુજરાતી નવલકથાને ફરી પાછું શું થવા બેઠું છે?’ એ જ અરસામાં ઇંગ્લૅન્ડમાં એક રસિક ચર્ચા ઊપડેલી : ‘ઈઝ ધ નોવેલ ડેડ? – નવલકથા મરી પરવારી છે કે શું?’ એ ચર્ચાના કેટલાક મુદ્દાઓ લઈને વડોદરા ખાતેના લેખકમિલનમાં એક લખેલો નિબંધ વાંચેલો અને એમાં આપણે ત્યાં તેમજ વિદેશોમાં નવલકથાની લગભગ માતમ થઈ ગઈ છે એવો સૂર વ્યક્ત કરેલો. એ સાંભળીને કેટલાક શ્રોતાઓને આ મતલબનું કહેતા સાંભળેલા : આટઆટલી નવલકથા બહાર પડી રહી છે એ તમારા મનમાં બેસતી નથી તો હવે તમે જ કાંઈક સારું લખી બતાવો ને! આ ટોણો પણ એક સૂચન તરીકે સ્વીકારીને ૧૯૫૫ની આખરમાં વિદેશમાં ગયો ત્યારે કેટલાક દેશોમાંની આંતરરાષ્ટ્રીય પી. ઈ. એન. સંસ્થાઓમાં ત્યાંના નવલકથાકારોને મળવાનું થયેલું. આગલે જ વર્ષે એમ્સ્ટર્ડમ ખાતે આ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું વાર્ષિક અધિવેશન મળેલું ત્યારે એ પરિષદમાં સાહિત્યિક ચર્ચાનો વિષય હતો : ‘સામ્પ્રત નવલકથામાં પ્રયોગશીલતા.’ આ પ્રયોગશીલતા વિશે એ ક્ષેત્રના કેટલાક વ્યવસાયી લેખકો સાથે ચર્ચાઓ થઈ અને મનમાં એક તુક્કો સૂઝ્યો : ચાલો, એક પ્રયોગાત્મક નવલકથા લખીએ. એવામાં ગઈ સાલ શ્રી. સોપાને ‘જન્મભૂમિ’માં ચાલુ નવલકથા શરૂ કરવાનું સૂચવ્યું. મારા મનમાં જે કથાવસ્તુ હતું એનું અરૂઢ સ્વરૂપ જોતાં હપ્તાવાર નવલકથા તરીકે એ સફળ થાય કે કેમ એ અંગે મને થોડી શંકા હતી. આખરે ચારેક મહિના પછી ‘જન્મભૂમિ’માં ‘લીલુડી ધરતી’નો આરંભ કર્યો ત્યારે મારી પાસે આરંભનાં છ પ્રકરણો અને બાકીના કથાપ્રવાહની મગજમાં આછી-પાતળી રૂપરેખા સિવાય બીજું કશું નહોતું. અહીં એક સ્પષ્ટતા કરી દઉં કે આ નવલકથામાં મને જે ‘પ્રયોગ’નું તત્ત્વ અભિપ્રેત છે એ એના આલેખન કરતાં કથાવસ્તુ અંગેનું વિશેષ છે. આલેખન અને રજૂઆતમાં રૂઢિગત વર્ણનાત્મક રજૂઆતને સ્થાને સંવાદો વડે આગળ વધતી નાટ્યાત્મક નિરૂપણપદ્ધતિ અજમાવી છે—કથાના મોટા માળખાને કારણે—પણ એમાં નાવિન્ય જેવું કશું હોવાનો મારો દાવો નથી. મારી દૃષ્ટિએ આ કથામાં જે જોખમી પ્રયોગ છે એ એના કથાવસ્તુનો જ છે. આ ‘જોખમ’ માટે જવાબદાર એક કારણ એ છે કે આરંભનાં છ પ્રકરણો છાપવા આપી દીધાં પછી કથાનો દોર મારા હાથમાં રહ્યો નથી—અથવા તો, કથાને પૂર્વયોજિત પાટે ચલાવી શક્યો નથી. આ વિધાન જરા વિચિત્ર લાગે એવું છે, પણ એનું કારણ એ છે કે દૈનિક અઠવાડિક પત્રોમાં નિયતકાલિક ‘ફીચર’ લખનારાઓ માટે જે કહેવાયું છે એ મારા સ્વાનુભવે તો વાર્તાકારનેય લાગુ પડતું જણાયું છે કે આરંભમાં લેખક વાર્તાને ચલાવે છે, પણ પછી હસ્તેહપ્તે વાર્તા લેખકને ચલાવે છે. (આ બયાન વાંચીને કોઈ ‘ઉન્નત–ભ્રૂ’ કે અખબારી સાહિત્યના સુગાળવા વાચકને થશે કે આ માણસે તો તંત્રીની કરમાયશથી ‘છાપાંળવી’ વાર્તા લખી કઢી છે. પણ મને એનો રંજ નથી. મારે તો, વાર્તાએ ચલાવનારને શી રીતે ચલાવ્યો એની વાત કરવી છે.) મને લાગે છે કે નાની કે મોટી દરેક નવલકથાને એનું એક મધ્યબિંદુ હોય છે, અથવા તો બીજી ઉપમા વાપરીને કહીએ તો, કથાના ચક્રને એની એક ધરી હોય છે. આ મધ્યબિંદુ કે ધરી આખા માળખાની મધ્યમાં કે બરોબર કેન્દ્રમાં જ હોય એવું નથી. નવલકથાના માળખાને એક વિશાળ વર્તુળ કે ચક્ર તરીકે કલ્પીએ તો આ ધરી કે મધ્યબિંદુ એ વર્તુળમાં ગમે તે સ્થળે હોઈ શકે છે. ગૂંચવાડો થવાનું જોખમ વહોરીનેય હજી એક ત્રીજી ઉપમા યોજીને કહું કે આ બિંદુને કથાબીજનું નામ આપીએ અને આખી કૃતિને એક વૃક્ષ તરીકે કલ્પીએ તો આ બીજ એના વૃક્ષના મૂળમાં જ હોવાની આવશ્યકતા નથી. એ બીજ આખી રચનામાં કોઈક સ્થળે પડેલું હોય–કોઈ વાર પ્રછન્ન રૂપે પણ પડ્યું હોય — અને આખા વૃક્ષની આધારશિલા તરીકે એ કામ કરતું હોય. પ્રસ્તુત નવલકથાના સ્વરૂપનો ખ્યાલ આપવા માટે પેલા વર્તુળ કે ચક્રની ઉપમા કરતાં આ વૃક્ષની સરખામણી વિશેષ ફાવતી આવે છે તેથી હવે એ રૂપક વડે જ આગળ વધું. કેટલીક કથાઓનું સ્વરૂપ સુરેખ અને સૌષ્ઠવયુક્ત રોપ સમું હોય છે. એનું નિરીક્ષણ કરનારને એમાં વધુમાં વધુ ધ્યાન ખેંચનાર વસ્તુ ક્યારામાં ઊભેલું થડ જ હોય છે. એમાં બહુ ઝાઝી કે જટિલ શાખા–પ્રશાખાઓ નથી હોતી, અથવા એ હોય તોપણ મૂળ થડને આવરી દેતી નથી લાગતી. કેટલીક રચનાઓ ખખડધજ પીપળા જેવી—અથવા વધારે સ્પષ્ટ કહીએ તો વડલા જેવી હોય છે, જેની ડાળ–શાખાઓ એવી તો આડીઅવળી વિસ્તરી હોય છે, અને એમાં અહીં તહીં એટલી બધી વડવાઈઓ ઝૂલતી હોય છે કે આખું દૃશ્ય ધૂંધળું કે અજાજુડ જેવું લાગે છે. એમાંથી પેલી રોપેલા વૃક્ષની આકૃતિ સુરેખ નથી દેખાતી. આડીઅવળી શાખા–પ્રશાખાઓના ફેલાવાની આડશમાં મૂળ થડનું દર્શન જાણે કે દબાઈ જતું લાગે છે. વૃક્ષની આ શાખા–પ્રશાખાઓ કે વડવાઈઓને નવલકથામાંની આડકથાઓ ગણી શકાય. ‘લીલુડી ધરતી’ના માળખાની દશા, એની મેળે જ, કાંઈક આ પ્રકારની થઈ ગઈ છે. ‘સરસ્વતીચન્દ્ર’માં ગોવર્ધનરામે ગૂંથેલી બાર જેટલી આડકથાઓની યાદી બ. ક. ઠાકોરે એમના ‘પ્રબોધમૂર્તિ ગોવર્ધનરામ’ નામના લેખમાં કરી બતાવી છે. કશી સરખામણીના પ્રયત્ન વિના જ હું એ મહાનવલનું ઉદાહરણ અહીં વાપરી રહ્યો છું. ‘લીલુડી ધરતી’માં મૂળ કથારોપ સંતુ–ગોબર–માંડણનો ગણી શકાય. કથાનો આરંભ કરતી વેળા મને પણ એમની જ કથની અભિપ્રેત હતી. પણ પછી એ કથાને જ પુષ્ટિ આપવા ખાતર રઘા અને અમથીની વાત, સમજુબા–તખુભા અને શાદૂળની વાત, અજવાળીકાકી અને એમની પુત્રીની વાત, ઝમકુ અને ગિધાની વાત, અને સાવ અછડતા ઉલ્લેખોવાળી પણ આડકતરી રીતે ઉપકારક બનતી જુસબ અને એમણાની વાત પણ વણી લેવી પડી છે. આ આડવાતો, મૂળ વૃક્ષના થડને વિવિધ વેલીઓની જેમ વીંટળાઈ શકી હોય તો એ મૂળ કથાવૃક્ષ ‘મનભર’ નહિ તોય આંખને માટે ‘મનહર’ તો બની શકે. પણ એ જ આડકથાઓ મૂળ થડમાંથી શાખા–પ્રશાખાઓ રૂપે ફૂટી હોય તો, અથવા તો વડવાઈઓ રૂપે ઝૂલી રહી હોય તો મૂળ રોપણીનું સૌષ્ઠવ બગાડી મૂકે અને કોઈક જુદા જ પ્રકારની વૃક્ષરચના ઊભી કરે. પ્રસ્તુત નવલકથામાં આ બેમાંનું કયું પરિણામ નીપજ્યું છે એ પરલક્ષી દૃષ્ટિએ વાચકો જ કહી શકશે. આરંભિક પ્રકરણો પછી કથાનો દોર મારા હાથમાંથી ગયો, અને મારે પાત્રોને ચલાવવાં જોઈએ એને બદલે પાત્રોએ મને ચલાવવા માંડ્યો, ત્યારે પારકા પુત્રને પોતાનો બનાવીને છળ રમી રહેલાં સમજુબાનું આલેખન કર્યું, પોતાના સગા પુત્રને છુપાવી રાખનાર રઘાનું ચિત્ર રજૂ કર્યું, સંતતિના ત્રાસથી પતિને જ ધિક્કારતી થયેલી ઝમકુનું પાત્ર દાખલ કર્યું. અનૌરસ સંતાનની માતા જડીને રક્ષવા મથતાં અજવાળીકાકીનું આલેખન કર્યું, અને એ જ અજવાળીકાકીને ઔરસ સંતાનની માતા બનનાર સંતુનું ભાવી બાળક અનૌરસ છે એવો આક્ષેપ કરતાં ચીતર્યાં. કેટલીક ‘ઉત્તરદખ્ખણ’ જેટલી વિષમ જીવનશૈલીઓનું આલેખન પણ આમાં આવી જાય છે. પતિનું મૃત્યુ થયું હોવા છતાં, વારસાહક્ક અંગેનાં કારણોએ છાનું રાખનાર ઠકરાણાં અને પતિના મૃત્યુ બદલ આનંદ અનુભવતી ઝમકુ; સંતાનોને રઝળતાં મૂકીને પુનર્લગ્ન કરતી પ્રૌઢા અને પતિના અકાળ અવસાન પછીય એને આરાધી રહેલી નવપરિણીતા. અલબત્ત, આ બધાં આલેખનો કરતી વેળા સસ્તા વિરોધાભાસ યોજવાનો લેશમાત્ર લોભ નથી રાખ્યો. કોઈ પાત્ર કે પ્રસંગની યોજના કેવળ Juxtapose કરવાના ઉદ્દેશથી નથી થઈ, એટલું પ્રામાણિકપણે સ્પષ્ટ કરવા માગું છું. આખીય પાત્રસૃષ્ટિ આપમેળે જ એકઠી થઈ ગઈ છે, એકબીજાં જીવનના તાણાવાણા વણાઈ ગયા છે. આમાં કશું તાણીતોશીને ગોઠવાયા જેવું લાગશે તો એ આ લખનારની ક્ષતિ ગણાશે, અને એનો સ્વીકાર હું સહર્ષ કરીશ. વાંચનારે આટલા બયાન ઉપરથી જોયું હશે કે કથાનો ‘મૉટિવ’ અનાયાસે જ, પ્રજાતંતુ ઉપર કેન્દ્રિત થઈ ગયો છે. મૂળ કથાબીજ (એ શું હતું એની વાત હવે પછી કરીશ) ઉપર આ મૉટિવ જાણે કે અસવાર થઈ બેઠો. લખતાં લખતાં કાંઈક આપમેળ જ આ નવું પુદ્ગળ આવી પડ્યું, અને પછી સ્વાભાવિક ક્રમે એનો પિંડ બંધાતો ગયો. અને પછી તો બધી જ વિભાવાદિ સામગ્રી એ પિંડને પુષ્ટ કરવા માટે યોજવા લાગી. શાદૂળ ગિરજાપ્રસાદ, જુસબ–એમણાનો પુત્ર, દેવશી, પરબત, ગોબર, જડી, સહુ આ અવિચ્છિન્ન પ્રજાતંતુની ઝંખનાનાં પ્રતીક છે. કથાનો આડો ઊભો વિસ્તાર ગમે એટલો થયો હોવા છતાં આ ‘મૉટિવ’ એના કેન્દ્રસ્થાને રહ્યો છે. હવે, આ લેખ પણ નવલકથા જેટલો જ જટિલ થવા માંડે એ પહેલાં, ઉપર જે મૂળ કથાબીજની વાત કરી છે, એનો ઉલ્લેખ કરી નાખું. વર્ષો પહેલાં ‘કંકુના થાપા’ નામે એક એકાંકી લખેલું એની હસ્તપ્રત એક કવિમિત્રને વંચાવતો હતો. નાટકમાં એક સગર્ભા પરિણીતા પર થતા કલંકારોપણની વાત આવતી હતી. કથામાં ગૂંચને તબક્કે પહોંચતાં પેલા મિત્રે પૂછ્યું : ‘આમાં આ યુવતીનો પતિ મરી ગયો હોય છે ને?’ મેં કહ્યું : ‘ના.’ અને તુરત મનમાં એક વિચાર ઝબક્યો : એક સગર્ભા પરિણીતા પર, પતિના અવસાન પછી આળ આવે તો એનું નિર્દોષપણું સાબિત કરનારું કોણ? કોઈજ નહિ! અથવા, તો એની નિયતિ જ...આ નાના શા અને સામાન્ય જણાતા વિચારબીજે મનનો કબજો લઈ લીધો અને સમય જતાં આ કૃતિ માટે એણે કથાબીજ પૂરું પાડ્યું. હવે આખી કૃતિ રચાયા પછી જણાય છે કે મારે મન જે આખી રચનાની ધરી કે ‘ફલ્ક્રમ’ છે, એ આ વાર્તાના લગભગ ઉત્તરાર્ધમાં જઈ પડી છે. એની યોજનામાં ઔચિત્ય જળવાયું છે કે કેમ, એ તો આ કલાના નિષ્ણાતો કહી શકશે. વળી, આવડી મોટી રચનાનો ભાર એ કથાબીજ ખમી શકે એમ છે કે કેમ, ધરીની ગુંજાશ અને ચક્રના કદ વચ્ચે સુયોગ્ય પ્રમાણભાન જળવાયું છે કે પછી માથા કરતાં પાઘડી મોટી છે યા પાઘડી કરતાં માથું મોટું ઊતર્યું છે, એનો નિર્ણય પણ નિષ્ણાતો ઉપર જ છોડું છું. હવે થોડું નાયક–નાયિકા કે ખલનાયક વિશે. આ કથાનો નાયક કોણ? એનો ઉત્તર હું પોતે સહેલાઈથી આપી શકું એમ નથી. અલબત્ત, રૂઢિ પ્રમાણે ગોબરને આ કથાનો નાયક ગણી શકાય એમ છે–બલકે, વાચકોએ એને નાયક ગણ્યો જ છે. અને કથાને અરધે રસ્તે પહોંચતાં એનું અવસાન યોજવા બદલ ઘણાં વાચકો રોષે ભરાયાં છે. કથાની નાયિકા સંતુ છે? ખલનાયક માંડણ અથવા શાદૂળ છે? આ પ્રશ્નોના ઉત્તરમાં હું સત્વર હકાર ભણી શકતો નથી. નાયક, નાયિકા કે ખલનાયકના ચીલાચાલ ઢાંચામાં આ કથાનું એકેય પાત્ર સહેલાઈથી બેસી શકે એવું નથી. અને સાચું કહું તો એવાં પાત્રો ઉપસાવવાનો પ્રયત્ન મેં ઇરાદાપૂર્વક ટાળ્યો છે. ગોબરને આ કથાનો નાયક ગણીએ તો એ તો પહેલા ભાગને અંતે જ વિદાય લે છે. તો પછી બીજા ભાગની કથાનું શું? એનો નાયક કોણ? મારી પાસે ઉત્તર જ નથી. વળી, માંડણ પણ પૂરેપૂરો ખલનાયક છે? સર્વાંશે દુષ્ટ છે? ના. એ તો બિચારો કથામાંની બીજી ઘણીય વ્યક્તિઓની જેમ સંજોગોનું પ્યાદું છે. નિર્ભેળ ધીરોદાત્ત નાયક કે સોએ સો ટકા ખલપાત્ર વાસ્તવિક જીવનમાં મળવાં મુશ્કેલ છે. લેખકના મનમાં રમતી કોઈક ભાવુક ખ્યાલાતનું આલેખન કરવા માટે કે કોઈ પૂર્વનિર્ધારિત પ્રમેય સાબિત કરવા માટે બુદ્ધિધન કે ગુણસુંદરી જેવાં સ્વનામધન્ય પ્રતીકો રચવાં એ જુદી વાત છે. એ સંજ્ઞાત્મક પાત્રો લેખકનું પોતાનું દૃષ્ટિબિંદુ સિદ્ધ કરી શકતાં હશે, પણ આખરે એ પોતે કઠપૂતળાં જ બની રહે છે. એવાં ‘ચપટાં’ પાત્રોનું ત્રીજું પરિમાણ ઊપસવું તો દૂર રહ્યું. પણ બીજું પરિમાણ પણ ક્યાંય દેખાતું નથી. ગુણિયલ પાત્રો કરતાંય વિશેષ તો સર્વાંશે શઠરાયો કે દુષ્ટરાયો મળવા દુર્લભ છે. તેથી જ, આ કથામાં શાદૂળને અને ખાસ કરીને તો માંડણને હું સર્વાંશે શઠ કે દુષ્ટ નથી ચીતરી શક્યો. પરિણામે, કથાને અંતે માંડણ કોઈને શેક્સપિયરના villain–hero જેવો લાગે તો મને આશ્ચર્ય નહિ થાય. આ કથામાં કોઈ ભવ્ય કે ઉન્નત કે જાજરમાન પાત્રો ઊભાં કરવાનો મારો ઇરાદો નહોતો. આખી વાર્તાનું આલેખન વ્યક્તિલક્ષી કરતાં સમૂહલક્ષી રાખ્યું છે. પશ્ચિમમાં જેને ‘ક્રૉનિકલ’ કહે છે એ પ્રકારની નવલકથા લખવાનો આ પ્રયત્ન છે. એની પશ્ચાદ્ભૂ ગ્રામજીવનની પસંદ કરી છે અને મુખ્ય પાત્રોનો વ્યવસાય ખેતીનો છે એ એક અકસ્માત જ છે. છતાં ઘણા વાચકોએ એ ખેતી-વ્યવસાયના આલેખનમાંથી ઝીણીઝીણી ભૂલો બતાવી આપી છે : જેમ કે, વાવણી આ રીતે ન થાય, ખેતરમાં અમુક પ્રકારનું વાતાવરણ કે એની વિગતો ખોટી છે, વગેરે. આ વાચકોને મેં જે વ્યક્તિગત રીતે ઉત્તર આપ્યો છે એ હવે અહીં જાહેર રીતે જ આપી દઉં છું કે ખેતરમાં વાવણી કે લાણી શી રીતે કરાય એ વિશેનું જ્ઞાન મેળવવા માટે કોઈ આ નવલકથા વાંચવાનું નથી. આ કૃતિ ‘ખેતીનાં મૂળતત્ત્વો’નું સ્થાન લેવા માટે નિર્માઈ જ નથી. કથાને બહુ મોટા ફલક પર વિસ્તારી હોવાથી એમાં અહીં તહીં ક્ષતિઓ રહી ગઈ છે એ પણ મારી જાણ બહાર નથી. અને છેલ્લે, કથાના અંત વિશે. રૂઢ નવલકથાઓથી ટેવાયેલાં વાચકોને આ અંત સંતોષકારક લાગશે કે કેમ એ વિશે હું સાશંક છું. એ બહુ અસંતોષકારક નહિ લાગે તોપણ અધૂરાપણાનો, અપૂર્ણતાનો તો થોડો અનુભવ થશે જ. આ અધૂરાપણાનો કશો બચાવ કરવા નથી માગતો. ઈ. એમ. ફૉસ્ટરે એક નિરીક્ષણ કર્યું છે કે દુનિયાની ઘણીખરી નવલકથાઓમાં અંતે કાં તો કોઈનાં લગ્ન થાય અથવા તો નાયક–નાયિકામાંથી કોઈકનું મૃત્યુ થાય. આ કથાને અંતે આ બે ઘટનાઓમાંની એકેય નથી બનતી. સંતુના શુભેચ્છક કહેવાય એવા ઘણા વાચકોએ, ગોબરનું મૃત્યુ આલેખાયા પછી સૂચવેલું કે હવે સંતુને માંડણના ઘરમાં બેસાડી દો તો એ સુખી થાય. મારે એમને કહેવું પડેલું કે જિંદગીમાં બધા ઘાટ આવા સમાસૂતર કે તાલમેળિયા નથી ઊતરતા. આ વાર્તામાં આવા ઘણા તાણાવાણા સમેટવાને બદલે છુટ્ટા જ રહેવા દીધા છે. વાસ્તવિક જીવન, આ કથાના પહેલા અને છેલ્લા પૂઠાં વચ્ચે જ પરિમિત નથી; એ તે કથાના આરંભ પહેલાં અને અંત પછી પણ વિસ્તરી રહ્યું છે. નવલકથાનું અચ્યુતમ્ કેશવમ્ કરતાં પહેલાં બધાં જ પાત્રોનો ‘રૉલ કૉલ’ લઈ નાખવાનો રિવાજ હોય છે. મેં એ તાલી કારકુનનું કામ ટાળ્યું છે. એ ટાળવા પાછળ બે ઉદ્દેશ છે : એક તો કથાને કૃત્રિમ રીતે સમેટીને, ધર્મનો જય અને પાપનો ક્ષય જેવો સસ્તો કવિન્યાય સહુ પાત્રોને વહેંચી આપીને, ખાધુ–પીધું–ને–રાજ–કર્યું જેવી પૂર્ણાહુતિ મને પસંદ નથી. અને બીજો ઉદ્દેશ–સાચું કહું તો લોભ–એ છે કે આ કથાને હજી બીજા બેચાર ખંડોમાં આગળ વિસ્તારવાની ઇચ્છા છે. અલબત્ત, આ કથા જેવી છે તેવી પણ એના આરંભ અને અંત વચ્ચે એક અખિલાઈ તો ધરાવે જ છે. એક પુત્રની વિદાય અને બીજા પુત્રનું આગમન એ બે ઘટનાઓ વચ્ચે હાદા પટેલના જીવનચક્રનો એક આંટો તો પૂરો થાય જ છે. પણ ગતિશીલ જીવનચક્ર નવલકથાના છેલ્લા પૃષ્ઠ ઉપર ભાગ્યે જ ખોટકાઈને ઊભું રહે. તેથી, મારી મુરાદ આ જીવનચક્રના એકથી વધારે આંટા આલેખવાની છે. એ રીતે જોતાં, બીજા ભાગમાં આલેખાયેલો અંત પણ આખી કથાનું અચ્યુતમ્ નહિ પણ એક ‘આધિયા’નું સમાપન છે, વિસામો છે. એના આખરી અધ્યાયનું આલેખન થશે કે કેમ અને પૂર્ણાહુતિ પછી ‘પ્રસાદ’ વાટી શકાશે કે કેમ, એ અત્યારથી કહેવું મુશ્કેલ છે. કેમ કે, મારી દૃષ્ટિએ આ પ્રયોગાત્મક કથામાં એકને બદલે બે અપૂર્ણતાઓ દેખાય છે. એક તો ઉપર કહી એ સ્થૂલ સમાપ્તિના અભાવની અપૂર્ણતા અને બીજી અપૂર્ણતા તે આ આખા નિવેદનમાં ઠેરઠેર જેનો નિર્દોષ કર્યો છે એ આયોજન, નિરૂપણ, પાત્રાલેખન, વસ્તુગૂંથણી તેમ જ એકંદર અરૂઢ આલેખનના કરેલા અખતરામાંથી ઊભા થતા ‘ખતરા’ની અપૂર્ણતા. તેથી જ, અત્યારે તો આ અખતરાની ભવિષ્યવાણી ભાખવાની કશી શેખી કર્યા વિના, બીજા કોઈના નહિ તો મારા પોતાના આશ્વાસન ખાતર પણ એક શકવર્તી નવલકથા લખનાર સમર્થ કલાસ્વામી હર્મન મેલવિલે પોતાની કૃતિ વિશે કરેલા અતિ વિનમ્ર આત્મનિવેદનને યાદ કરું છું : “God keep me from ever completing anything. This whole book is but a draft–nay, but the draft of a draft. Oh Time, Strength, Cash and Patience!” અને તેથી જ, આ મુસદ્દાના મુસદ્દાને પેલા અવેતન અભિનેતાની હેસિયતથી, નાટકનો પ્રિમિયર શૉ નહિ પણ ડ્રેસ રિહર્સલ જેવો પ્રયોગ ગણાવું છું. સપ્ટેમ્બર, ૧૯૫૭