કથાલોક/હૃદયનો હોમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



હૃદયનો હોમ

કોઈ વ્યક્તિ પોતાના જ સુખચેન ખાતર કષ્ટ સહન કરે એ તો સાહજિક પ્રક્રિયા કહેવાય પણ અન્યને કાજે એ કાયા ઘસી નાખે ત્યારે એને રંગ ભણવાનું મન થાય. કહેવાયું છે તેમ, પોતાને કાજે વેઠવામાં જે તાપ લાગે એ પારકાંને કાજે સહન કરવામાં તપ બની રહે. આ તપ અને ત્યાગમાં એક કવિતા રહેલી છે. તવારીખમાંના આવા કાવ્યમય કિસ્સાઓ યુગેયુગે સર્જક કલ્પનાને આકર્ષતા રહ્યા છે. ગુપ્તયુગીની જનપદકલ્યાણી આમ્રપાલીના આત્મવિલોપનના કિસ્સામાં આવી કવિતા રહેલી છે. અને ગુજરાતી સહિત ઘણીયે ભારતીય ભાષાઓના સાહિત્યકારોએ આ કથાનકને કાવ્યવિષય બનાવ્યો છે. ગુજરાતીમાં વર્ષો પહેલાં ધૂમકેતુએ આમ્રપાલી–બિંબિસારને અનુલક્ષીને ‘આત્માનાં આંસુ’ નામની ટૂંકી વાર્તા લખેલી. પછી તો એમણે ગુપ્તયુગ ગ્રંથાવલિમાં એ કથાબીજને પૂરા કદની નવલકથામાં ઉતાર્યું'. આ ઉપરાંત રામચન્દ્ર ઠાકુર અને મોહનલાલ ધામીએ પણ આમ્રપાલી વિશે લખેલી નવલકથાઓ જાણીતી છે. ઉમાશંકર જોશીએ આમ્રપાલી ઉપર પદ્યનાટિકા રચી છે. ઇન્ડિયન નૅશનલ થિયેટરને ઉપક્રમે આમ્રપાલી નૃત્યનાટિકામાં નયના ઝવેરીએ વૈશાલીની એ વિખ્યાત નર્તકીની ભૂમિકા ભજવી છે. હિન્દી ભાષામાં આચાર્ય ચતુરસેન શાસ્ત્રીકૃત ‘વૈશાલી કી નગરવધૂ’ આ વિષયની એક વિખ્યાત નવલકથા તરીકે જાણીતી છે. હવે આ કથા ગુજરાતી ભાષામાં ઊતરતાં આપણા વાચકોને આમ્રપાલી ઉપર એક સરસ રચના સુલભ બની છે. ‘વૈશાલીની નગરવધૂ’ મુખ્યત્વે વૈશાલી અને મગધ એ બે પ્રદેશો વચ્ચેના વૈમનસ્યની કથા છે. એના વિસ્તર્ણ કથાપટમાં ઇતિહાસજ્ઞ લેખકે કોશલ, કૌશમ્બી, ચંપા આદિ ઘણાં નાનાં નાનાં રાજ્યના સમાંતર ઘટનાપ્રવાહો આવરી લીધા હોવા છતાં એ વિશાળ ઘટનાચક્રના કેન્દ્રમાં વૈશાલીનું ગણશાસન અને મગધનું સામ્રાજ્ય જ રહેલાં છે. બેઉ પ્રદેશોની શાસનરીતિ જ નહિ, જીવનરીતિ પણ એકબીજીથી નિરાળી છે. સમય જતાં આ બેઉ જીવનશૈલીઓ ટકરાય છે અને એમાંથી દારુણ યુદ્ધ પરિણમે છે. એ દરમિયાન આમ્રપાલી અને બિંબિસાર વચ્ચે સ્નેહની ગાંઠ બંધાઈ ચૂકી હોય છે, એ આ યુદ્ધની મોટામાં મોટી વિધિવક્રતા બની રહે છે. યુદ્ધની સંપ્રાપ્તિઓ અને વિજયોને પણ વિફલ બનાવી દેતી એ પ્રેમકથા એવી તો કાવ્યતત્ત્વસંપન્ન છે કે યુગેયુગે નવા નવા સર્જકોને એ આકર્ષતી જ રહેશે. લિચ્છવી ગણતંત્રના વિચિત્ર નિયમ અનુસાર અનાથ અજ્ઞાતકુલશીલ આમ્રપાલી વ્યક્તિને બદલે સમષ્ટિના હિત ખાતર કુલવધૂ ન બનતાં નગરવધૂ બને છે ત્યારે જ એણે જનકલ્યાણ અર્થે પોતાના હૃદયનો હોમ તો શરૂ કરી જ દીધો હોય છે. પણ એના જીવનમાં મગધસમ્રાટ પ્રવેશે છે. પ્રેમ અને યુદ્ધ—સ્નેહ અને સંહાર–ની સંયુક્ત તાંત પર કથાનું સંગીત વાગી રહે છે. આખરે મગધ સેનાપતિ સોમપ્રભ પોતાના વિલાસી સમ્રાટની હત્યા કરવા તૈયાર થાય છે ત્યારે આમ્રપાલી એને વારે છે : ‘સોમ, પ્રિયદર્શન સોમ, સમ્રાટને જીવતદાન આપો, હું પ્રતિજ્ઞા કરું છું કે હું મગધરાજના મહાલયમાં પગ નહિ મૂકું અને મગધની પટરાણી પણ નહિ બનું...’ આમ્રપાલીની વિનવણીમાં એની સમગ્ર જીવનવ્યથા સંભળાય છે. ‘એમને મારી ન નાખશો સોમ, હું એમને પ્યાર કરું છું, પણ ભૂલેચૂકેય રાજગૃહ તરફ નજર નહિ માંડું, હું એમનું કદીય દર્શન નહિ કરું. સંભારીશ પણ નહિ. હું અભાગણી મારા હૃદયને હણી નાખીશ...’ આમ્રપાલીના જીવનની કરુણતા અને કવિતા આ રીતે હૃદયને હણી નાખવામાં રહેલી છે. હૃદયવ્યાપારોનો આ હોમ લોકોત્તર લક્ષ્યોથી પ્રેરાયો છે. આરંભમાં પોતે કુલવધૂ બનવાને બદલે નગરવધૂ બનવાનું સ્વીકાયું ત્યારે પણ લિચ્છવી યુવાનોની યાદવસ્થળી ટાળવાની નેમ હતી જ. છેલ્લે છેલ્લે, ‘ભૂલેચૂકેય રાજગૃહ તરફ નજર નહિ માંડું’ એવો કૉલ આપવામાં પણ રક્તપાત ટાળવાની એક કલ્યાણલક્ષી એષણા કામ કરી જાય છે. આમ, વૈશાલીની જનપદકલ્યાણી એક વિશેષ અર્થમાં પણ સાર્થનામ બની રહે છે. ગુપ્તયુગી તવારીખનો આ વિખ્યાત કિસ્સો આચાર્ય ચતુરસેનની સમર્થ લેખિની વડે સ–રસ રજૂઆત પામ્યો છે. ઐતિહાસિક નવલકથા એટલે નર્યાં સ્થળનામો અને સંવતોની યાદી નહિ, પણ એ યુગની જીવનસંસ્કૃતિની ફોરમ. ‘વૈશાલીની નગરવધૂ’ આ દૃષ્ટિએ એક નમૂનેદાર ઐતિહાસિક નવલકથા બની રહે છે. લેખકે અહીં ઘટનાઓનો જ ખડકલો નથી કર્યો—જોકે, કથામાં પાનેપાને પ્રસંગો ઊભરાય છે; પણ એમની નજર તો ભારતીય તવારીખના એ સુવર્ણયુગની ફોરમ, એની તાસીર, એની ઝલક પકડવા ઉપર જ છે. અને એ ઝલક તેઓ અનેકવિધ રસસામગ્રીઓ વડે રજૂ કરે છે. એ યુગની ભૌગોલિક સ્થિતિ, રાજ્યરચનાઓ, જીવનશૈલીઓ, ખાનપાન, વેશભૂષા, આનંદપ્રમોદ, રહેણીકરણી, યજ્ઞયાગ, ક્રિયાકાંડ, યુદ્ધપદ્ધતિ આદિ જીવનપાસાં લેખકે એટલી તો વીગતથી અને ઝીણવટથી આલેખ્યાં છે કે એના રસપ્રવાહમાં સેલારા લેતો વાચક આપોઆપ જ એ યુગમાં ખેંચાઈ જાય છે. કલ્પનોત્થ સાહિત્યકૃતિ માટે આ સિદ્ધિ નાનીસૂની ન કહેવાય. જેમને પ્રેમકથામાં કે યુદ્ધકથામાં કશામાં રસ ન હોય એવા વાચકોને પણ બૌદ્ધકાલીન સમાજ અને સંસ્કૃતિનાં ચિત્રણોમાંથી રસના ઘૂંટડા મળી રહે એવી સામગ્રીઓનો સંભાર આ કથામાં રજૂ થયો છે. એ યુગનાં ધાર્મિક ક્રિયાકાંડો, યજ્ઞયાગ, રાજ્યાભિષેક આદિ વિધિઓનાં સુરેખ વર્ણનો પોતે જ આ કથાનું એક આગવું આકર્ષણ બની રહે છે. એ યુગની યુદ્ધપદ્ધતિ, સૈન્યના પ્રકારો, વિવિધ વ્યૂહરચનાઓ, અશ્વસેનાની ગતિઓ, શસ્ત્રાસ્ત્રો, રસાયણો વિગેરેનાં વીગતપ્રચુર વર્ણનો કથાના વાતાવરણમાં સચ્ચાઈનો રણકો લાવે છે અને સમગ્ર રચનાના આસ્વાદમાં ઉપકારક બની રહે છે. અનુવાદક પ્રભાતસિંહ ઈનામદારે મૂળ રચનાની આ વર્ણનછટાઓને સારી કુશળતાથી ગુજરાતીમાં ઉતારી છે. વિશેષ તો, ઉત્સવો, યજ્ઞો અને યુદ્ધોનાં વર્ણનોને તેઓ સારો ન્યાય કરી શક્યા છે. સંવાદોની છટામાં પણ મૂળનું જોમ જળવાયેલું જોઈ શકાય છે. આ રીતે હિન્દી ભાષાની આ પ્રખ્યાત કથાનું આ ગુજરાતી અવતરણ આવકારપાત્ર બની રહે છે. એક નારીના આત્મવિલોપનની આ કથાને આજે એક નવતર દૃષ્ટિએ પણ મૂલવવાનું મન થાય છે. એક સમૂહની સલામતી ને સુખચેન કાજે એક અબળાનો આ રીતે ભોગ લેવાય એ ઇષ્ટ ગણાય? મેવાડની રાજ્યલક્ષ્મી પદ્મિનીના આત્મસમર્પણને અનુલક્ષીને કૃષ્ણલાલ શ્રીધરાણીએ આ પ્રશ્ન ઉઠાવેલો. નારીપ્રતિષ્ઠાના અર્વાચીન દૃષ્ટિકોણથી નિહાળતાં પદ્મિની જેવી વીરાંગનાઓનાં જૌહર કે આમ્રપાલીની અંતિમ પ્રવજ્યામાં એક સ્ત્રીના સ્વતંત્ર વ્યક્તિત્વનો અને મૂળભૂત અધિકારનો હાસ થતો કોઈને જણાય. આમ્રપાલીના કિસ્સામાં તો છેવટ જતાં એના માતૃત્વની પણ વિડંબના થતી લાગે છે. આ બધું જે વ્યક્તિને બદલે સમષ્ટિના કલ્યાણાર્થે થતું હોય તે એ ક્ષમ્ય ગણાય, એવો વ્યાપક મત પ્રવર્તે જ છે. સમષ્ટિને કાજે સહન કરવા પડતા તાપ–ઉત્તાપ તપ સમા બની રહે અને કવિજનોને એમાં કવિતા દેખાય એ પણ કબૂલ. છતાં જે સમાજ સ્ત્રી કનેથી આવા કઠોર ત્યાગની અપેક્ષા રાખે એ પોતે જ વધારે પડતો કઠોર, ક્રૂર ન ગણાય? આવા આવા પ્રશ્નો સમાજશાસ્ત્રીઓને યુગેયુગે ઉદ્ભવતા રહેશે, અને સાથે સાથે પદ્મિની કે આમ્રપાલી જેવી ત્યાગમૂર્તિઓના જીવનમાંથી યુગેયુગે નવનવા સર્જકોને કવિતા પણ સાંપડતી જ રહેશે. સમાજશાસ્ત્રીઓ કે મૂલ્યશાસ્ત્રીઓ આવાં કાવ્યોની વિરુદ્ધમાં ફાવે તેટલું કહેશે છતાં કવિએ તો એક જ દલીલ કરવાના : અમારો ધર્મ તો માનવીના હૃદયના વ્યાપારોની નોંધ લેવાનો છે; નાગરિક અધિકારો, નારીપ્રતિષ્ઠા, સ્ત્રીપુરુષ–સમાનતા આદિ દૃષ્ટિકોણથી સમાજશાસ્ત્રીઓ છો વિરોધ કરતા પણ આમ્રપાલી જેવી જાજરમાન નારીના ભવ્ય આત્મવિલોપનથી પ્રભાવિત થયા વિના, એની સંવેદના અનુભવ્યા વિના અને એ સંવેદનને વાચા આપ્યા વિના અમને શેં ચેન પડે? અને સાથે, સહૃદય ભાવક તરીકે આપણે પણ કહેવાના કે ભારતીય સંસ્કૃતિના એક નારીરત્નના આત્મવિલોપનની આવી ઓજસ્વી કથા ફરી ફરીને વાંચ્યા વિના અમને પણ શેં ચેન પડે?

‘વૈશાલીની નગરવધૂ’નો આમુખ
ઓક્ટોબર, ૧૯૬૨