કથાલોક/અવેર અને અહિંસાનો બોધ
નવલકથાઓ : અન્ય ભારતીય
અવેર અને અહિંસાનો બોધ
બાળકો માટે લખાતી અને બજારમાં ધમધોકાર વેચાતી કથા–વાર્તાઓ આજકાલ રાક્ષસો કે ટારઝનો અથવા તો હાંસીપાત્ર મિયાંભાઈઓથી જ ઉભરાતી હોય છે ત્યારે એ પાત્રોના સદંતર અભાવવાળી સાચી બાળ–નવલકથાનું વાંચન એક તાજગીપ્રેરક અનુભવ બની રહે એ સ્વાભાવિક છે. રવીન્દ્રનાથ ટાગોરની જાણીતી બાળ–નવલ ‘રાજર્ષિ’(અનુવાદક રમણલાલ સોની)નું પ્રગટ થયેલ નવીન સંસ્કરણ આવો એક સાચા સૌન્દર્યનો અનુભવ કરાવી ગયું. આથમતી મોગલાઈના ઔરંગઝેબયુગમાં મુકાયેલી આ વાર્તા પહેલી નજરે રાજખટપટની કથા લાગે એવી છે. એમાં ત્રિપુરાના રાજા ગોવિંદ માણિક્યની રાજગાદી ખૂંચવી લેવાના દાવપેચ, કાવાદાવા, મારફાડ, ખૂનામરકી વગેરે જાણીતી રીતરસમોનું બયાન છે. આ પ્રકારના રાજપલટાની કથામાં આવશ્યક ગણાતી બધી જ સામગ્રીઓ આમાં હાજર છે. કોઈ વાચકને એમ પણ લાગે કે આવાં હિંસક કૃત્યોનાં આલેખન તે કાંઈ બાળકો માટે પથ્ય વાચન ગણાય? પણ રવીન્દ્રનાથે તો આ કથા ખાસ બાળકો માટે જ, ‘બાળક’ માસિકમાં હપ્તે હપ્તે લખેલી. અને એમનો ઉદ્દેશ, હિંસાની નહિ પણ અહિંસાની પ્રતિષ્ઠા કરવાનો છે; વૈર નહિ પણ અવૈર બોધવાનો છે; વિદ્વેષના આલેખન મારફત અદ્વેષ, ભ્રાતૃપ્રેમ, કુટુંબપ્રેમ અને વિશ્વપ્રેમની જ વાત સંભળાવવાનો છે. આવી ઉદાત્ત વાત કરવા માટે રવીન્દ્રનાથે કશો મોટો ઘટાટોપ કર્યો નથી, વાચકને આંજી નાખે કે અટવાવી દે એવો પરિવેશ યોજ્યો નથી, ક્યાંય ચર્ચાઓ કરી નથી, કશી ફિલસૂફી ડહોળી નથી, સસ્તાં સૂત્રો સંભળાવ્યાં નથી. અને છતાં આ બધી સામગ્રીઓ પણ જે પરિણામ સિદ્ધ ન કરી શકે એ એમણે કરી બતાવ્યું છે, નરી સરળતાથી, એક કલાત્મક વાર્તા કહીને જ. આ વાર્તા તો લેખકને સૂઝી હતી પણ સાવ સરલ રીતે જ. એક વાર રાતની રેલમુસાફરીમાં એમને દીવાને અજવાળે ફરજિયાત જાગરણ કરવું પડ્યું એમાં વાર્તાનો ‘પ્લેટ’ વિચારતાં વિચારતાં ઝોકું આવી ગયું. એ તંદ્રાવસ્થામાં એમણે એક દૃશ્ય જોયું. એક બાલિકા પોતાના પિતા જોડે મંદિરમાં દર્શને જાય છે, ત્યારે પગથિયાંના પથ્થર ઉપર મંદિરમાંથી રેલાતો રક્તપ્રવાહ જુએ છે. દેવસ્થાનમાં તાજા જ દેવાયેલા બલિના લોહીનો એ રેલો હતો. અબુધ બાળકી ગભરાઈને પૂછે છે : ‘આટલું બધું લોહી શાને?’ કથાની કેન્દ્રીય ધરી શોધવી હોય તો આ પ્રસંગકણિકામાં શોધી શકાય. કથાનો સૂર પણ આ બાલિકાના આ પ્રશ્નમાંથી જ સાંભળી શકાય. ‘આટલું લોહી શાને?’...આટલા અમથા સ્વપ્ન–ઝબકારમાંથી કલાસ્વામી રવીન્દ્રનાથે આ કથા કાંતી કાઢી છે. ત્રિપુરાના રાજા ગોવિંદ મણિક્યને દેવસ્થાનને પગથિયે હાસિત નામની બાળકી અને એનો ભાઈ તાતા ઉર્ફે ધ્રુવ મળે છે. હાસિત રાજાને પ્રશ્ન પૂછે છે : ‘આટલું લોહી શાને?’ અને રાજા એ કાતર–પ્રશ્નથી કમ્પી ઊઠીને દેવસ્થાનમાં બલિ આપવાની બંધી ફરમાવે છે. પુરોહિત રઘુપતિ આ ફરમાનને દેવશાસન ઉપર રાજશાસનનું અતિક્રમણ ગણીને રાજાને પદભ્રષ્ટ કરવાનો પેંતરો રચે છે, ગોવિંદ માણિક્યના નાના ભાઈ નક્ષત્રરાયને સાધે છે અને બંગાળના સૂબા–અને ઔરંગઝેબના ભાઈ–સુજાની સહાયથી મુગલ સૈન્યોને ત્રિપુરાની ધરતી ઉપર ઉતારે છે. પણ દેવસ્થાનમાં રક્તપાકનો વિરોધ કરનાર રાજવી રાજગાદી રક્ષવા ખાતર પણ રક્તપાત શેં સહી લે? એ તો સ્વેચ્છાએ રાજપાટ ત્યાગીને સઘળું નક્ષત્રરાયને સોંપીને રાજધાનીમાંથી ચાલી નીકળે છે. માતૃપ્રેમ અને માનવપ્રેમથી પ્રેરાઈને એ તો અરણ્યવાસ જ વહોરી લે છે. કાળક્રમે આ અરણ્યવાસમાં જ એને ફકીરવેશે સુજા આવી મળે છે. સુજાએ પણ પોતાના ભાઈઓને હાથે ગોવિંદ માણિક્ય જેવા જ હાલહવાલ વેઠ્યા હોય છે. એને જેર કરવા એની પાછળ મુગલ સેનાઓ પડી છે. એ શાહજાદાને અભય આપવાના આશયથી ત્રિપુરાનરેશ એને આરાકાનના રાજવીને સોંપે છે. પણ જે શાન્તિ અને સુરક્ષા ગોવિંદ માણિક્યને અહિંસાની ઉપાસનામાંથી સાંપડી, એ સુજાના કિસ્મતમાં નથી લખાઈ, તેથી આરાકાનનો રાજવી વિશ્વાસઘાત કરીને સુજાનો વધ કરે છે. બીજી બાજુ ગોવિંદ માણિક્યના શેષ જીવનમાં સુખદ પલટો આવે છે. એમને પદભ્રષ્ટ કરાવનાર રાજપુરોહિત રઘુપતિ જ પાછો આવીને રાજવીને ફરી ત્રિપુરા લઈ જાય છે. ઇતિહાસની આવી આછેરી પશ્ચાદ્ભૂમાં લખાયેલી વાર્તા પેલા સ્વપ્નદર્શન જેવી જ સાહજિક, સરલ અને આયાસવિહોણી લાગે છે. એમાં અનાયાસે જ બે રાજવીઓના ભ્રાતૃસંબંધોની કથની વણાઈ ગઈ છે : ગોવિંદ માણિક્યના અને સુજાના. એકના કિસ્સામાં એક લોહિયા ભાઈઓનો પ્રસન્નકર ભ્રાતૃપ્રેમ ઝળકે છે. બીજા કિસ્સામાં ક્રૂરતા, કાવાદાવા, હિંસા, વિશ્વાસઘાત અને હત્યાઓનાં જ ચિત્રો ઊપસે છે. માનવસમાજ માટે હિંસા નહિ પણ અહિંસા જ શ્રેયસ્કર છે, એવું લેખકે ક્યાંય તોડીફોડીને નથી કહ્યું, પણ આખીયે કથામાંથી એ જ મીંડ સંભળાયા કરે છે. બે રાજકુટુંબોના આ કિસ્સાઓ લેખકે સસ્તો કે તાલમેલિયો વિરોધાભાસ બતાવવા નથી ગોઠવ્યા. એ તો, કથાવસ્તુના વિકાસમાં આપોઆપ જ વણાઈ આવ્યા છે, અને એકબીજાને વધારે ઘેરો ઉઠાવ આપી ગયા છે. રાજપાટનો સ્વૈચ્છિક ત્યાગ કરનાર ગોવિંદ માણિક્યને એ રાજગાદી આખરે સામે આવીને મળી રહે છે. મુગલ તખ્ત માટે ભાઈભાઈના વધ કરવા માગનાર સુજાનો આખરે આરાકાનમાં વધ થાય છે. ત્યાગ વડે જ ભોગ ભોગવવો ઇષ્ટ છે, એવો સંદેશો પણ આ કથામાંથી શોધી શકાય. એક ઉર્દૂ શેર છે : ભિયે હુએ શાહોં કા અફસાના નીચોડા મૈને બહતે હુવા દેખા લહુ કા દરિયા... રાજકથાઓની ભીતરમાં લોહીની નદીઓ જ વહેતી હોય છે. તેથી જ તો, કથારંભે પેલી બાલિકાએ પૂછેલો પ્રશ્ન આખીય કથામાં પડઘાતો જ રહે છે : આટલું લોહી શાને?... એટલું વળી આશ્વાસન છે કે આ રક્તપાતની નિરર્થકતા અને હિંસાની અસારતા યુગેયુગે સમજાતી રહી છે. એકાદ સિદ્ધાર્થ રાજવીને એ સમજાઈ, એકાદ અશોક સમ્રાટને એની પ્રતીતિ થઈ; એકાદ ગોવિંદ માણિક્યે અહિંસાને અમલમાં મૂકી બતાવી. ગાંધીજીના જીવનકાર્ય ઉપરથી એમ પણ માનવાનું મન થાય કે અહિંસા તો અહીંનાં લોકોનાં હાડમાં રહેલી છે; માત્ર, હિંસક બળોના વર્ચસને કારણે એનો પૂરેપૂરો આવિર્ભાવ નથી થઈ શકતો. છતાં બુદ્ધ અને મહાવીરની ભૂમિનાં સંતાનો વારેવારે વૈર ત્યાગીને અવૈરની ઉપાસના કરતાં જ રહે છે એનું આ નવલકથા પણ એક સુભગ દૃષ્ટાંત છે. આવું ઉદાત્ત કથાવસ્તુ પસંદ કરીને, કલાની ઉચ્ચ સપાટી સાચવી રાખીને પણ બાળકો માટે એની રુચિકર રજૂઆત તો રવીન્દ્રનાથ જેવા કલાકાર જ કરી શકે. બાળસાહિત્યના બજારુ લેખકો આટલું સમજે તો કેવું સારું! ઓકટોબર, ૧૯૬૩