કથાવિચાર/આંચલિક નવલકથા : તેની સંરચના, શૈલી અને સ્વરૂપબોધ – એક નોંધ
આંચલિક નવલકથા
તેની સંરચના, શૈલી અને સ્વરૂપબોધ – એક નોંધ
૧. આપ સૌને વિદિત છે તેમ, આપણી આ બેઠકમાં ‘આંચલિક નવલકથા’ : તેની ‘સંરચના, શૈલી અને સ્વરૂપબોધ’ વિશે મારે પ્રારંભિક વક્તવ્ય રજૂ કરવાનું છે. આ અંગે આરંભમાં જ હું એમ સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે આપણું કથાવિવેચન, વિશેષ કરીને નવલકથા સ્વરૂપનું વિવેચન, ઝાઝું ખેડાયું નથી. એટલે નવલકથાના આકાર, સંરચના કે રૂપનિર્માણના, તેની વિભિન્ન રચનારીતિઓ અને તેની સાથે સંલગ્ન યુક્તિપ્રયુક્તિઓના, પ્રશ્નો વિશે ઝાઝી ચર્ચાવિચારણાઓ આપણને મળી નથી. આથી આ દિશામાં તાત્ત્વિક વિચાર કરવાના પ્રયત્નમાં નવેસરથી માંડણી કરવાની જરૂર વરતાય તો એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આમે નવલકથાના આકાર અને સંરચનાના પ્રશ્નો ઘણી રીતે અટપટા રહ્યા છે.
૨. આપણી આ બેઠકની વિચારણાનો વિષય છે : ‘આંચલિક નવલકથા : તેની સંરચના, શૈલી અને સ્વરૂપબોધ’. આ શીર્ષકમાં પ્રયોજાયેલી ‘આંચલિક’ સંજ્ઞા પણ, આપ સૌને વિદિત છે તેમ, વિવાદમુક્ત નથી. હિંદી વિવેચનની આ સંજ્ઞા દેખીતી રીતે જ, ત્યાંની આંચલિક નવલકથાઓને અનુલક્ષે છે. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આ પ્રકારની નવલકથાઓ ત્યાં સભાનપણે આગવા કથાપ્રકાર (narrative mode) તરીકે ખેડાતી રહી છે અને એ સંદર્ભે ત્યાં એનાં સ્વરૂપ અને સંરચનાની તાત્ત્વિક ચર્ચાઓ ઊભી થઈ છે. ‘આંચલિક’ સંજ્ઞાના સંકેતો પરથી ત્યાંના અભ્યાસીઓમાં સ્પષ્ટ મતભેદ પણ ઊપસી આવ્યા છે. અભ્યાસીઓનો એક વર્ગ ‘આંચલિક’ સંજ્ઞાને શહેરી સમાજથી દૂરના, અંતરિયાળમાં આવેલા અંચલ કે પ્રદેશવિશેષની કથા પુરતી સીમિત રાખવા ચાહે છે, જ્યારે બીજો વર્ગ ‘આંચલિકતા’ને મોટા કસબાઓ અને ઉપનગરોના વિશિષ્ટ પરિવેશમાં વીંટાયેલા જનજીવન સુધી વિસ્તારવા ચાહે છે. આ વિવાદ એક રીતે આંચલિક કથાઓના સ્વરૂપબોધને સ્પર્શે છે. આંચલિક કથાઓને એક વિશિષ્ટ કથાપ્રકાર તરીકે અલગ કરવા માટે કથ્યસામગ્રીની ભિન્નતાનો સિદ્ધાંત એ રીતે નિર્બળ બને છે.
૩. કથાવિવેચનમાં આમ પણ સામાજિક નવલકથાના વિશાળ વર્ગમાં પ્રાદેશિક કે ગ્રામજીવનની કે અંચલ વિશેષની કથાઓને અલગ પાડવાનું હંમેશાં સરળ હોતું નથી. હિંદી, બંગાળી, મરાઠી, કન્નડ આદિ ભારતીય ભાષાઓમાં નવલકથા સ્વરૂપ જુદાં જુદાં વૃત્તિવલણો દાખવે છે. તે જોતાં પ્રાદેશિકતાના અંશો એમાં જુદીજુદી રીતે પ્રવેશ્યા જણાય છે. અલબત્ત, આત્યંતિક દૃષ્ટાંતોમાં આંચલિક નવલકથાને અલગ તારવવાનું મુશ્કેલ નથી. ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ (સ્વ. મેઘાણી), ‘મૈલા આંચલ’ (રેણુ), ‘પ્યાદાં’ (જયવંત દળવી), ‘આરણ્યક’ (વિભૂતિભૂષણ) જેવી કૃતિઓને આંચલિક નવલકથા તરીકે આપણે સહેલાઈથી ઓળખાવીએ છીએ. એ જ રીતે ‘માનવીની ભવાઈ’ (પન્નાલાલ), ‘લીલુડી ધરતી’ (૧-૨) (ચુનીલાલ મડિયા) ‘ઉપરવાસ’ ‘સહવાસ’ ‘અંતરવાસ’ (રઘુવીર ચૌધરી) ‘બશેર ડાંગર’ (તક્ઝી શિવશંકર પિળ્ળા), ‘અરણ્યનો અધિકાર’ (મહાશ્વેતા દેવી) જેવી કૃતિઓ ય એ રીતે ચોક્કસ પ્રાદેશિક વાતાવરણ – અને તે વાતાવરણમાં શ્વાસ લઈને જીવતા લોકજીવનોની કથાઓ રજૂ કરે છે. એટલે આ જાતની કૃતિઓને ય આંચલિક કથાઓના વર્ગમાં મૂકી શકાય અને આપણે મૂકી શકીએ છીએ પણ ખરા. પણ, પાછળ ઉલ્લેખેલી કથાઓમાં અંચલવિશેષની કથા નિમિત્તે એમાંના નાયક નાયિકાના સળંગ વૃત્તાંતો આલેખાયાં છે, અથવા નાયકનાયિકાનાં વૃત્તાંતો મહત્ત્વના તંતુઓ રૂપે ઊપસી આવ્યાં છે. હકીકતમાં, ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ કે ‘મૈલા આંચલ’ જેવી કૃતિઓમાં લોકજીવનના વિભિન્ન વૃત્તાંતોનું સંકલન સંયોજનનો એ એક સ્તરનો પ્રશ્ન છે. ‘માનવીની ભવાઈ’ કે ‘બશેર ડાંગર’ના સંકલન સંયોજનનો પ્રશ્ન જરા જુદા સ્તરનો છે. ખરેખર તો ‘આંચલિક નવલકથા’ પ્રકારને તમે સામાન્ય પ્રકારની સામાજિક કે ગ્રામ જીવનની કહેવાતી નવલકથાઓથી ક્યાં અને શી રીતે અલગ કરો છો તે અત્યંત મહત્ત્વનું છે. આંચલિક નવલકથાના વર્ગમાં વિભિન્ન રીતિ, ગ્રામીણ કથાઓના સ્વીકાર સાથે શૈલી, રચનારીતિ કે સ્વરૂપબોધના પ્રશ્નો અટપટા બને છે.
૪. ગુજરાતીમાં આપણને કેટલીક પ્રાદેશિક કે આંચલિક કથાઓ મળે છે ખરી, પણ આપણા સાહિત્યમાં એ પ્રકારની પ્રાદેશિક/આંચલિક કથાને એક અલગ અને સ્વતંત્ર કથાપ્રકાર તરીકે સભાનપણે ખેડવાનું ખાસ વલણ બંધાયું નથી. એથી ભિન્ન, હિંદીમાં સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આંચલિક કથાઓની એક આગવી પરંપરા રચાવા પામી છે અને નવી રાજકીય સામાજિક ચેતનાનો તેમાં સઘન સંસ્પર્શ અનુભવાય છે. સ્વાતંત્ર્ય પૂર્વેની ગ્રામજીવનની નવલકથાઓ કરતાં એ ભિન્ન રીતિની કથા છે એમ ત્યાંના અનેક અભ્યાસીઓને લાગ્યું છે. એક એવા અભ્યાસી, ડૉ. જ્ઞાનચંદ ગુપ્ત ‘આંચલિક ઉપન્યાસો’ની નવી પરંપરા વિશે કહે છે : ‘आंचलिक उपन्यास औपन्यासिक सर्जनयात्राका संभावनापूर्ण प्रारंभ एवं नया मोड है जो आझादी के बाद आया। यह मोड मुख्यतः तीन दृष्टियों से महत्त्व उपलब्धि माना जा सकता है, नयी संवेदना की दृष्टिसे नयी औपन्यास संरचना की दृष्टिसे एवं लोककथा के सर्जनात्मक उपयोग की दृष्टि से।
(आंचलिक उपन्यास संवेदना और सिल्प – भूमिका)
આપે નોંધ્યું હશે કે ડૉ. જ્ઞાનચંદ હિંદીની નવી આંચલિક નવલકથામાં (૧) નવી સંવેદના (New sensibility) (૨) નવું રચનાશિલ્પ (New structure) અને (૩) લોકબોલીનો નવી રીતનો સર્જનાત્મક વિનિયોગ (creative use of) એ ત્રણ પાસાંઓ પર ભાર મૂકે છે, એમનું આ મંતવ્ય આપણે સ્વીકારીએ તો તો આપણે એવા તારણ પર પહોંચવાનું આવશે કે હિંદીની આગલા યુગની ગ્રામજીવનની કથાઓ કરતાં આ આંચલિક કથાઓ સંપ્રજ્ઞપણે ખેડાતું થયેલું નવું સ્વરૂપ છે જે રચનાવિધાન પરત્વે નવી જ યુક્તિપ્રયુક્તિઓ યોજવા ધારે છે. રેણુની ‘મૈલા આંચલ’ની સંરચના શૈલી અને રચનારીતિ એ રીતે ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ કે ‘માનવીની ભવાઈ’ કરતાં વધુ વિદગ્ધ રૂપની છે એ વિશે ભાગ્યે જ મતભેદ રહે. એ અંગે આપણે આગળ ઉપર વિસ્તારથી અવલોકનો રજૂ કરીશું.
૫. આંચલિક નવલકથાઓની સંરચના, શૈલી અને રચનાવિધાનના પ્રશ્નો અંતે તો વિશિષ્ટ સ્વરૂપબોધ સાથે સંકળાઈ જાય છે. આજની ચર્ચા માટે મારો ખ્યાલ સ્પષ્ટ કરી લઈને આગળ જવા ઇચ્છું છું.
‘આંચલિક નવલકથા’માં તેના લેખકનો મુખ્ય આશય એક અંચલ વિશેષની કથા રજૂ કરવાનો હોય છે. વિશિષ્ટ પ્રદેશ કે ભૂમિખંડના આગવા ભૌગોલિક અને નૈસર્ગિક પરિવેશમાં તેનું લોકજીવન ઊગ્યું હોય છે. (લેખક ઘણુંખરું તો પોતાના ગાઢ અનુભવમાં આવેલા અંચલની કથા કહેવા પ્રેરાતો હોય છે.) આવા લોકસમુદાયને અમુક ભૌગોલિક કે પ્રાદેશિક સીમા હોય, આગવી જનસંસ્કૃતિ હોય, આગવી જીવનરીતિ હોય. એમાં સદીઓ જૂના વિચારો, માન્યતાઓ, આસ્થાઓ કે અંધશ્રદ્ધાઓની અસર હોય. આગવાં કર્મકાંડો અને આગવી મિથ હોય, આગવા પ્રશ્નો અને આગવા સંઘર્ષો હોય. નવા યુગનાં પરિબળોની તેમાં અમુક અસર પડી હોય તો તેથી તેમના જીવનક્રમમાં ક્યાંક વિસંવાદ વિચ્છેદ કે વિસંગતિ ઊભી થતી જોવા મળે. નવીન રાજકીય સામાજિક હિલચાલોની અસર નીચે જૂના માનવસંબંધો પર તણાવ આવે, જૂનાં મૂલ્યો હ્રાસ પામતાં જાય અને નવાં મૂલ્યોની પ્રતિષ્ઠા કરવાના પ્રયત્નો થાય અને છતાં લોકજીવનનો પ્રવાહ હજીય આદ્ય પ્રાકૃતિક બળોથી ધકેલાતો હોય કે હજીય જમાના જૂની સૂઝ અને માન્યતાઓથી પ્રેરાતો હોય એમ જોવા મળશે. તેમના જીવનવ્યવહારમાં વિશિષ્ટ સાંસ્કૃતિક સંચલનોની સાથે જાણે કે આદિમ આવેગ ભળી ગયો છે. ભૌગોલિક ભૌતિક પરિસ્થિતિ તેના જીવનની ઘટનાઓ માટે કોઈ તટસ્થ કે નિર્લેપ અને નિર્જીવ સેટિંગ માત્ર નહિ, લોકજીવનમાં રૂઢપણે ભાગ ભજવતાં બળોનો આદ્ય સ્ત્રોત બને છે.
૬. સંરચના અને સંવિધાનની દૃષ્ટિએ સૌથી મહત્ત્વની વાત એ રહે છે કે આંચલિક નવલકથાનો સર્જક સમગ્ર અંચલવિશેષની કથા કહેવા પ્રેરાતો હોય છે. કોઈ વ્યક્તિવિશેષનો વિશિષ્ટ અને અલગ તારવેલો વૃત્તાંત નહિ, સમગ્ર લોકજીવનના આંતર અને બાહ્ય પ્રવાહો રજૂ કરે તેવા નાનામોટા અનેક વૃત્તાંતો તેમની નજરમાં હોય છે. પ્રશ્ન એ રીતે નાયકનાયિકાના કેવળ અંગત જીવનનો નહિ, વ્યાપક લોકજીવનનાં સુખદુઃખોનો, તેના સંઘર્ષો અને સમસ્યાઓનો છે. કૃતિમાં મુખ્ય પાત્રનો વૃત્તાંત કેટલીક વાર વિશેષ ધ્યાન ખેંચતો લાગે, ક્યારેક તે કેન્દ્રીય પ્રશ્ન રજૂ કરતો લાગે, પણ એવાં દૃષ્ટાંતોમાં યે લોકજીવનનાં વૈવિધ્ય અને બાહુલ્ય દ્વારા તેનું બને તેટલું સર્વગ્રાહી ચિત્ર આપવાનો તેનો પ્રયત્ન હોય છે. આંચલિક નવલકથાઓ આમ વિભિન્ન સ્તરનાં વિભિન્ન પ્રકૃતિનાં પાત્રો અને તેમનાં ચારિત્ર્યને પ્રગટ કરતા આગવા વૃત્તાંતો એકસાથે રજૂ કરવા મથે છે. એવો દરેક વૃત્તાંત એકાદ ઘટના કે એકાદ દૃશ્યમાં રજૂ થાય છે, અથવા એક યા વધુ ઘટનાઓ કે દૃશ્યો રૂપે રજૂ થાય છે. આવા ભિન્ન ભિન્ન વૃત્તાંતોના સંકલન સંયોજનની અનેકવિધ પ્રયુક્તિઓ સંભવે છે. પણ એ વિશે પાછળથી છણાવટ કરવાનો ઉપક્રમ છે.
૭. પરંપરાગત સામાજિક/મનોવૈજ્ઞાનિક નવલકથાઓમાં મુખ્ય પાત્રોની – નાયકનાયિકાની – અંગત સમસ્યા કેન્દ્રમાં આવે છે ત્યાં સમગ્ર કૃતિમાં એ પાત્રોનાં કાર્યો અને અનુભવો અને ઘટનાઓ સળંગ સૂત્ર બનીને વિકસે છે. એમા Human Will અને Human Motionનાં તત્ત્વો કૃતિના વિકાસમાં કેન્દ્રીય બળ બની રહે છે. વારંવાર ચુસ્તીભર્યા પ્લૉટની યોજના દ્વારા એ રીતે તેની સ્વચ્છ સુરેખ માંડણી થતી હોય છે. ગૌણ પાત્રોનાં કાર્યો પણ આ મુખ્ય વસ્તુમાં સમુચિત રીતે ગોઠવાઈ જાય કે તેને ઉપકારક બને એવી રીતે સંયોજાય એ જાતની કાળજી તેમાં રાખવામાં આવે છે. મુખ્ય ગૌણ દરેક વૃત્તાંત પરસ્પર ગૂંથાતો રહે અને એમાંથી એક ગતિશીલ તંત્ર રચાઈ આવે એવો પ્રયત્ન એમાં હોય છે.
આંચલિક કથાઓમાં નાનામોટા અનેક વૃત્તાંતો સમાંતરે ગતિ કરતા જણાશે, અથવા એવા વૃત્તાંતો ક્રમશઃ સાકાર થઈને વિરમી જતા જણાશે. જુદાં જુદાં વિલક્ષણ પાત્રોની આસપાસ રચાતો વૃત્તાંત આમ એનું પોતીકું significance ધરાવતો જણાશે, પણ સમગ્ર કથામાં એ એક જીવંત કડી સમો ય લાગશે. આખા જનજીવનને મૂર્તિમંત કરવું છે, એટલે જુદી જુદી સમસ્યાઓ રજૂ કરે કે જનજીવનને પ્રેરતાં પરિબળોને આલેખે તેવી ઘટનાઓ તે પસંદ કરે. આંચલિક કથાઓમાં ઘણાંખરાં પાત્રો એ કારણે લોકજીવનનાં પ્રતિનિધિરૂપ કે વર્ગીય પાત્રો હોય, એમ જોવા મળશે અને એ પાત્રો દ્વારા રજૂ થતો પ્રશ્ન એ વ્યાપક લોકજીવનનો હોય એ પ્રકારનો હશે. આવાં પાત્રોમાં, અલબત્ત, ચારિત્ર્યવિકાસની રેખાઓ પણ અનેક દૃષ્ટાંતોમાં જોવા મળશે. પણ આંચલિક કથાઓની ભાતીગળ પાત્રસૃષ્ટિ સ્વયં એક અંચલને મૂર્તિમંત કરી રહે એ રીતે તેનું ચિત્રાંકન થતું હોય છે. લોકજીવનના-અંચલવિશેષની ઘટમાળના-આંતર બાહ્ય પ્રવાહોનું પ્રતિબિંબ એ પાત્રોના માનસમાં છતું થાય છે.
૮. આંચલિક નવલકથામાં, આમ જુઓ તો, અમુક એક અંચલના સમગ્ર જીવનની ગહન ગતિનો આલેખ રજૂ થાય છે. છતાં કૃતિની સંરચના, શૈલી અને રચનાવિધાનની દૃષ્ટિએ જોઈએ તો લોકજીવનને લેખક કયા કોણથી જુએ છે, કઈ રીતે તેને સમજે ને સ્વીકારે છે, કેવાં વૃત્તિ વલણો તેનામાં કામ કરે છે – એ અત્યંત મહત્ત્વની બાબત બને છે. સામાન્ય ખ્યાલ એ રહ્યો છે કે આંચલિક કથાઓમાં લોકસૃષ્ટિનું યથાર્થ ચિત્રણ થાય છે. પણ કેટલીક જાણીતી આંચલિક કથાઓમાં સ્થાન પામેલાં વિભિન્ન પાત્રોના વ્યક્તિત્વની રેખાઓ, ઘટનાઓનું નિર્વહણ, ભૌગોલિક પ્રાકૃતિક પરિવેશ વર્ણનની વિગતો – વગેરેનું બારીક વિશ્લેષણ કરતાં જણાશે કે લેખકનો પોતાની કથ્ય સામગ્રી પરત્વેનો અભિગમ કૃતિના રૂપવિધાનમાં એક નિર્ણાયક બળ બની રહે છે. દાખલા તરીકે, ‘સોરઠ, તારાં વહેતાં પાણી’માં મેઘાણીનો ઉદ્દેશ, પોતાના કથાલેખન પૂર્વેના, બે-એક દાયકા પહેલાંના સોરઠી લોકજીવનનાં રોમાંચક ચિત્રો આલેખવાનો છે, આ અસ્ત પામતી પેઢીઓનાં – અનેક પાત્રોમાં – શૌર્યવીર્યના અંશો તેમને અપીલ કરે છે અને એવાં પાત્રોના ચારિત્ર્યમાં તેમને ઊંડો રસ છે. રૂખડ શેઠ, ગોપાલક લક્ષ્મણ, સિપારણ, ઝુલેખાં વગેરેનાં વૃત્તાંતો એ પાત્રોના chivalaryના અંશો બહાર લાવવા યોજાયા છે ‘વેઠિયા’ જેવા પ્રકરણમાં વેઠની પ્રથા સામે તેમનું ટીકાત્મક વલણ છે. પણ આ કથામાં આવું Social criticism પ્રાસંગિક જ છે. અહીં સમાજજીવનની કે રાજકીય જીવનની ચેતના કે સામાજિક રાજકીય પ્રશ્નોનું વહન કરતાં પાત્રોને અવકાશ નથી તે સૂચક છે.
રેણુની ‘મૈલા આંચલ’માં લેખકનો અભિગમ જુદો જ છે. ૧૯૪૭ની આસપાસનો સમયગોળો લઈ બિહારના પૂર્ણિયા જિલ્લાના મેરીગંજ ગામની કથા આલેખવાનું તેમણે એમાં સ્વીકાર્યું છે. ગામડાંઓનાં માનવીઓમાં જે સદ્-અસદ્, સુરૂપ-કુરૂપ અંશો તેમણે જોયા છે, તેનું સચ્ચાઈભર્યું આલેખન કરવા તરફ તેમની ગતિ રહી છે. મેરીગંજના લોકોના સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક બધા પ્રશ્નનો પર તેમની નજર ઠરી છે. બલકે સ્વાતંત્ર્યપ્રાપ્તિનાં વર્ષોમાં એ અંતરિયાળના ગામડામાં નવી રાજકીય સામાજિક હિલચાલની લહર પહોંચી ગઈ અને એ સાથે જે નવો સંઘર્ષ-નવો સંક્ષોભ ત્યાંના જીવનપ્રવાહમાં ઊભો થયો તેનું તેની પૂરી સંકુલતા અને જટિલતા સમેત આલેખન કરવા તેઓ પ્રવૃત્ત થયા છે. એમાં એકી સાથે રોજબરોજની બનતી બદલતી સ્થૂળ બાહ્ય ઘટનાઓના આઘાતપ્રત્યાધાતો અને તે સાથે જ માનવહૃદયની ગૂઢાતિગૂઢ ઝંખનાઓ, લાગણીઓ અને સ્વપ્નોનાં સંચલનો છે. એમાં નવા યુગના વિચારપ્રવાહો છે, તો જૂની જીવનરીતિ માન્યતાઓ અને આસ્થાઓ છે. રેણુએ આ રીતે જનજીવનની સંકુલ ચેતનાનું નાટ્યાત્મક રૂપ dramatization of collective consciousness રજૂ કરવાનું સ્વીકાર્યું છે. એક સુસજ્જ જાગૃત કળાકાર તરીકે તેમણે પોતાના સંવેદનમાં ઝિલાયેલા લોકવાસ્તવને મનોહર શિલ્પમાં કંડારી લેવાનું સ્વીકાર્યું છે. સમગ્ર કથારૂપ અને તેનાં ઘટક એવાં એકેએક પ્રકરણનું પ્રૌઢ પક્વ અને વિદગ્ધ દૃષ્ટિનું શિલ્પવિધાન એ રીતે ધ્યાનપાત્ર છે. કથાકાર અને કળાકાર બંને અહીં એક સાથે ગતિ કરે છે.
વિભૂતિભૂષણની કૃતિ ‘આરણ્યક’ જુદી જ વૃત્તિ પ્રગટ કરે છે. બંગાળની ઉત્તરે આવેલા અરણ્યના જીવનનું એમાં ચિત્રણ છે. કથાનાયક સત્યચરણની દૃષ્ટિએ એ રજૂ થયું છે. કલકત્તાના શહેરી વાતાવરણ વચ્ચે ઉછરેલા ભદ્ર પુરુષ માટે – તેમ સમસ્ત વાચક વર્ગ માટે પણ – આરણ્યકનું જીવન એક અપૂર્વ સાક્ષાત્કાર બને છે. માનવલોકથી દૂરના એવા એ આરણ્યક ખંડને એનો આગવો રહસ્યમય પરિવેશ છે. માનવલોકથી અને આગવી ભવ્યકરાલ છટાઓ છે અને એની વચ્ચે અત્યંત વિલક્ષણ એવાં માનવીઓ છે. આપણને પરિચિત સમાજમાં મળતો શાહુકાર છે, તો પોતાની જ ધૂનમાં વર્ષો સુધી જીવન જીવતા ઓલિયાઓ છે. પણ આ કથાસૃષ્ટિના ગર્ભમાં એક કરુણ સૂર જન્મે છે. અરણ્યમાં જે વસાહતો ઊભી કરવામાં આવી તેની સાથે બહારની દુનિયાની મલિનતા દુરિતો બધું જ અહીં પ્રવેશે છે અને પવિત્ર અરણ્યને ભ્રષ્ટ કરે છે. કથાનાયકની કોમળ સંવેદનશીલતા પર આ હકીકત કારમા ઘા મૂકી જાય છે.
ટૂંકમાં, આંચલિક નવલકથામાં રજૂ થતી લોકવાસ્તવની ભૂમિકા એકસરખી હોતી નથી. લેખકનો અભિગમ, તેનું રહસ્યઘટન, એમાં કોઈક રીતે નિયામક બને છે. આંચલિક કથાનાં પાત્રો પૈકી ક્યાં પ્રતિનિધિરૂપ છે, ક્યાં નથી, એ પ્રશ્ન એ રીતે વજનદાર બને છે. અંતે તો, લેખકની કથન વર્ણનની રીતિ, ભાષા-સંવિધાન-રચનાની પ્રયુક્તિઓ એ સર્વ લોકવાસ્તવનું કેવું રૂપ પ્રગટ કરે છે તે જોવાનું છે.
૯. આંચલિક કથામાં સ્વીકારાતા નાનામોટા વૃત્તાંતોનાં સંકલન-સંયોજન અર્થે વિભિન્ન પ્રયુક્તિઓ યોજાય છે. અલબત્ત, મુખ્ય પાત્રોનો વૃત્તાંત જ્યાં આખી રચનાને વ્યાપી લે છે ત્યાં એ પાત્રોનાં કાર્યો કે ચારિત્ર્યવિકાસ તેના વસ્તુવિકાસમાં સહાયક બની રહેતાં જોવા મળશે. પણ એ સિવાય બીજી રીતિઓ ય ધ્યાનાર્હ છે.
(અ) ‘સોરઠ, તારાં વહેતાં પાણી’માં પોલીસ અધિકારી મહીપતરામ અને તેનો દૌહિત્ર પિનાકીનો વૃત્તાંત આ રચનામાં ઠીક ઠીક વિસ્તરે છે, પિનાકી-દેવુબા-પુષ્પાનો લાગણીતંતુ એમાં એક કેન્દ્રીય તંતુ છે. પણ તેથી વિશેષ મહત્ત્વની બાબત એ છે કે પિનાકી બીજાં અનેક પાત્રોના જીવનપ્રસંગોનો સાક્ષી બને છે. પિનાકીનું કોમળ સંવેદનપટુ માનસ પોતાની આસપાસ બનતી લગભગ બધી જ ઘટનાઓના પ્રતિભાવો પાડે છે અને જાહેર જીવનની અનેક ઘટનાઓનો દૂરથી કે નજીકથી તે સાક્ષી બની રહે છે. આમ, આ કથાની ઘટનાઓ અને તેનાં સ્પંદનો જાણે કે પિનાકીની ચેતના પર ઝિલાતાં રહે છે. કૃતિના વિવિધ અંશોને જોડવામાં એ એક focal point રચી આપે છે.
(બ) જયવંત દળવીની કૃતિ ‘પ્યાદાં’માં કોંકણ કાંઠાના એક વિલક્ષણ જનપદનું અત્યંત મનોહર ચિત્રણ આલેખાયું છે. એમાં કથાનાયકની સ્મૃતિકથા રજૂ થતી હોય એ રીતનું આયોજન થયું છે. અનેક વર્ષો – યુવાનીનાં ઘણાં વર્ષો – મહાનગર મુંબઈમાં વીતાવ્યા બાદ પ્રૌઢ વયનો નાયક વતનના ગામમાં આવે છે. ત્રણચાર દાયકા પૂર્વેનું ગ્રામજીવન – તે સમયનાં એક એકથી વિલક્ષણ ચરિત્ર સમાં પાત્રો – વિનાયકબુવા, દાદીમા, હેડમાસ્ટર બાગાઈતકર, નરૂ, વામન દાજી વગેરે – અહીં કથાનાયકના સ્મરણમાં આવીને ઘૂંટાઈને રજૂ થયાં છે, એટલે ભિન્ન ભિન્ન વૃત્તાંતો પણ નાયકની ચેતનાના કેન્દ્રીય તંતુ પર બંધાતાં આવે છે.
(ક) વિભૂતિભૂષણની ‘આરણ્યક’માં ય મુખ્ય પાત્ર સત્યચરણ પોતાના જીવંત અનુભવની કથા રૂપે અનેક પાત્રોની કથા રજૂ કરે છે. એમાં પણ મુખ્ય પાત્રની ચેતના વિભિન્ન પ્રાકૃતિક દૃશ્યો અને પ્રકૃતિને ખોળે વસનારાં માનવીઓની કથા કહે છે અને કથામાં એ રીતે એક focal point મળે છે.
(ડ) ‘મૈલા આંચલ’ની સંરચના અને સંવિધાન ઘણું પ્રૌઢ, પક્વ અને વિદગ્ધ દૃષ્ટિએ થયું છે. એના બારીક વિશ્લેેષણ અર્થે અહીં અવકાશ નથી, પણ કેટલાંક મહત્ત્વનાં અવલોકનો અહીં નોંધીશું.
૧. ‘મૈલા આંચલ’માં પછાત પડતા એક ગ્રામજીવનની કથા રજૂ થઈ છે. એમાં બાલદેવ કાલિચરણ, ડૉ. પ્રશાન્ત, લક્ષ્મી, કમલા, વિશ્વંભર, આદિ કેટલાંક પાત્રો કંઈક વિશેષ ધ્યાન ખેંચે છે. પણ કથા એ પાત્રોના વૃત્તાંતોમાં સમાઈ જતી નથી. સમકાલીન ગ્રામજજીવનની જટિલ સંકુલ મનોવાસ્તવિકતાને એની સમગ્રતામાં ઝીલવાનો અહીં મુખ્ય ઉપક્રમ છે.
૨. શ્રી ઉમાશંકર જોશીએ આ કથાની સંઘટનાના સૂત્ર લેખે કટાક્ષ (irony)ના તત્ત્વને રેખાંકિત કરી આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ તેમણે કૃતિમાંથી વિગતો લઈને એનું પ્રતીતિકર સમર્થન આપ્યું નથી. એ કથાનકમાં વ્યંગ-કટાક્ષ કે નર્મમર્મના અંશો છે, પણ સમસ્ત પાત્રસૃષ્ટિના આલેખનમાં સમાનુભૂતિ ય ઓછી નથી. કહો કે માનવીય અનુકંપાનો સ્પર્શ એમાં રહ્યો છે.
૩. ‘મૈલા આંચલ’ના દરેક પ્રકરણને આગવું રચનાશિલ્પ મળ્યું છે. એમાં Narratorનો દૃષ્ટિફલક સતત બદલાતો રહ્યો છે. નેરેટરના કથન વર્ણનની ઉક્તિની સહોપસ્થિતિમાં અન્ય પાત્ર કે પાત્રોની સંવાદરૂપ કે સ્વગતરૂપ ઉક્તિઓ સહજ યોજાતી આવે છે. એક જ પ્રસંગના આલેખનમાં આ રીતે shifting perspectives પ્રયોજાય છે અને તેની સાથે ભિન્નભિન્ન સંવેદનરૂપો (forms of consciousness) સંયોજાતાં આવે છે. દરેક ઘટનામાં વર્તમાન અને ભૂત, વ્યક્ત અને સ્વગતરૂપ – એમ સંવેદનાનાં વિભિન્ન રૂપો એક ગતિશીલ જટિલ સંકુલ વાસ્તવને પ્રત્યક્ષ કરાવી આપે છે.
૪. લોકજીવનમાં નવા યુગનાં પરિબળોનાં સંઘાત સાથે નવા ક્ષોભ જન્મ્યા છે, નવી વિષમતાઓ જન્મી છે, નવી વિચ્છિન્નતાઓ ઊભી થઈ છે. પણ તેના હાર્દમાં હજીયે ઓછો લય ધબકે છે. તેના ઉત્સવો, પર્વો, મેળાઓ, મહેફિલોમાં સંગીતના જે સૂરો ફેલાય છે તેના નાદ વિધાનનો રેણુએ અત્યંત કળાત્મક રીતે વિનિયોગ કર્યો છે. કૃતિને આંતરિક એકતા અર્પવામાં તે એક વિધાયક બળ બને છે.
૫. રેણુએ દરેક પ્રકરણના શિલ્પની આગવી રીતે માવજત કરી છે. એક વૃત્તાંત પૂરો કરતાં પહેલાં અન્ય વૃત્તાંતમાં સહજ રીતે તેઓ સંક્રમણ કરે છે. ખરેખર તો તેઓ વાક્ય વાક્ય વચ્ચે, ઉક્તિ ઉક્તિ વચ્ચે, સંવાદ સંવાદ વચ્ચે કે પરિચ્છેદ પરિચ્છેદ વચ્ચે જે અવકાશ રચે છે તે અત્યંત મહત્ત્વનો છે.
૬. રેણુના કથનવર્ણનમાં પ્રયોજાયેલી લોકબોલી, અંગ્રેજી શબ્દોનાં વિલક્ષણ ઉચ્ચારણો, આદિનો સર્જનાત્મક ઉપયોગ પણ ધ્યાનપાત્ર છે.
૧૦. આંચલિક નવલકથાઓમાં વાસ્તવવાદી (realistic) કે પ્રકૃતિવાદી (naturalistic) કથનરીતિના વિલક્ષણ આવિર્ભાવો પણ સ્વતંત્ર અભ્યાસનો વિષય બને છે. કેમ કે, વાસ્તવવાદી લાગતી કથન રીતિમાં ય લેખકના મૂલ્યબોધને સ્પર્શે એવા શબ્દો, પ્રયોગો કે અલંકારો પ્રવેશી જતા હોય છે. દા. ત. મેઘાણીનું આ ચિત્ર :
‘શીતળ નામના સ્ટેશન પર બે દિવસોથી બે બળદગાડાં છૂટેલાં હતાં. બેકાર બળદો કંટાળી ઊભા થતા, ને પાછા બેસતા, કાબરા બળદનું છોલાયેલું કાંધ ઠોલતો કાગડો જોરાવરીથી પૈસા ઉઘરાવનાર ફકીરની યાદ આપતો હતો. બળદનું પૂછડું ભગ્નહૃદયી પ્રેમિકાની પેઠે નિરુત્સાહે ઊપડતું હતું. તેથી કાગડો બે-ચાર વાર ઊડી ઊડી નિર્ભય બન્યો હતો. (પૃ. ૨)
મેઘાણીની કથનવર્ણન રીતિમાં ઉપર રેખાંકિત કરેલા અલંકારો તેમના રંગદર્શી મિજાજને છતો કરે છે. નકરાં વાસ્તવના ચિત્રમાં આ અલંકારો આગવી strangeness ઊભી કરે છે.
મેઘાણીની પ્રબળ સર્જકતા વારંવાર ઘેરા રંગના લસરકાઓ આંકી દે છે. ‘વેઠિયાં’ પ્રકરણમાં વેઠ કરનારી ગરીબ કંગાળ બાઈનું રેખાચિત્ર જુઓઃ
‘બાઈની એક બગલમાં બેઠું બેઠું – નહિ, લબડતું – એક દસેક મહિનાનું છોકરું, બાઈના સુકાઈ – ચીમળાઈ ગયેલા – કોઈ બિલાડાએ ચૂંથી નાખેલા હોલા પક્ષી જેવા સ્તન ઉપર ધાવતું હતું. બીજા હાથે બાઈએ ટ્રંકનો બોજો પોતાના માથા પરની ઈંઢોણીની બેઠકે ટેકવ્યો હતો. બાઈનું બીજું સ્તન પણ જાણે કે શરીર જોડેના કશા જ કુદરતી સંબંધ વિના કેવળ ગુંદરથી જ ચોડેલી મેલી કોથળી જેવું લબડતું હતું.’ (પૃ. ૭૧)
આ જાતના કથનવર્ણનમાં મેઘાણીની કલમ કંઈક સ્થૂળ, ઘાડા લસરકાઓમાં ચિત્ર આલેખતી જોવા મળે છે. જે દૃશ્યો, પાત્રો કે પરિસ્થિતિઓનું આલેખન તેઓ હાથ ધરે છે તેમાં નક્કર કઠોર વિગતોની વરણી અલબત્ત મળે છે, તો સાથે રોમાંચક કલ્પના કે તરંગનો પુટ પણ એમાં વારંવાર ભળે છે. જો કે ભૌગોલિક પ્રાકૃતિક પરિવેશના આલેખનમાં તેમની ઊંડી સૂઝ વરતાઈ આવે છે.
‘સોરઠ, તારાં વહેતાં પાણી’માં મેઘાણી નેરેટરનો પ્રક્ષેપ કરે છે તે એક રીતે લોકજીવનની વ્યાપક સંવેદનાને સ્પર્શે છે. પણ એના આલેખનનું કેન્દ્ર પાત્રોની અમુક ચારિત્ર્યરેખાઓ પર છે. ઘણુંખરું બાહ્ય ‘વેશ’ વર્ણવીને તેઓ તેની મનોભૂમિકા તરફ નિર્દેશ કરે છે, પણ તે પાત્રોના આંતરપ્રવાહોનું સૂક્ષ્મ સંચલનો રૂપે આકલન કરવા ભાગ્યે જ રોકાય છે. બાહ્ય ઘટનાઓમાં, નાટ્યાત્મક અંશ રચીને, કથા બદલવાનું તેમને વધુ ફાવે છે.
‘મૈલા આંચલ’માં કથન વર્ણનની ભાષા સામાન્ય પ્રસંગમાં અલંકારના આશ્રય વિનાની પણ સીધી સોંસરી જોવા મળે છે. જો કે એના પોતમાં બારીક અનેક સ્તરો જોઈ શકાશે. પાત્ર કે પ્રસંગનું સીધું કથન કરતી પંક્તિ અમુક શિષ્ટ બોલીમાં હોય, ઉદ્ગાર રૂપ પંક્તિમાં વળી બોલીની અમુક લઢણ કે લહેજો હોય, તો સંવાદમાં વળી હૃદયનો મર્મ ખુલ્લી કરતી માર્મિક પદાવલી હોય. પણ ડૉ. પ્રશાન્ત અને કમલાની આંતરસંવેદના વ્યક્ત કરતી ભાષામાં લાલિત્ય અને કુમાશ હોય અને અભિજાત કલ્પનાનો સંસ્પર્શ હોય. વળી અનેક દૃષ્ટાંતોમાં ગીત સંગીતનાં તત્ત્વો કે તેને અનુષંગે વિલક્ષણ નાદતત્ત્વો અજબ કુશળતાથી પાત્રના મનોગત સાથે સાંકળી લેવામાં આવ્યાં છે. ભાષાનાં નાદતત્ત્વોનો આટલો સમર્થ વિનિયોગ બહુ ઓછા કળાકારોએ કર્યો હશે. જે દૃશ્યને તેઓ આલેખવા ચાહે છે તેના આદિથી અંત સુધી બારીક ભાષાવિધાનની કળા તેઓ દાખવે છે.
૧૧. આંચલિક નવલકથાઓમાં ભૌગોલિક-સાંસ્કૃતિક પરિવેશ પણ કૃતિમાં અમુક એકતા રચી આપે છે. પાત્રોની જીવનરીતિ, તેમના વ્યવસાયો, વૃત્તિપ્રવૃત્તિઓ સર્વ કંઈ એ પરિવેશ સાથે જીવંતપણે જડાયું છે એવો એક ભાવ કથા વાંચતાં જન્મી આવે તો આશ્ચર્ય નહિ. જરા જુદી રીતે કહીએ તો કોઈ પણ અંચલમાં વસનારી પ્રજાને પોતાનાં જે દેવદેવતા મળ્યાં છે, પુરાણકથા કે દંતકથા મળ્યાં છે, તેને તેના પ્રાકૃતિક સંદર્ભો હોય છે. એ રીતે અંચલના જીવનમાં પ્રાકૃતિક અને અતિપ્રાકૃતિક બળોનું કોઈ ગૂઢ સંચાલન વરતાયા કરે છે. આવું કશુંક લોકોત્તર તત્ત્વ લોકજીવનની ગતિવિધિમાં જાણ્યેઅજાણ્યે ય નિયામક બને છે અને આંચલિક કથાનો સર્જક એવા લોકોત્તર પરિવેશનો સંસ્પર્શ કરાવવા સમર્થ બને છે ત્યારે કૃતિ અનોખી ધબક પ્રાપ્ત કરે છે. પણ એનું વર્ણન વિશ્લેષણ કદાચ સંભવિત નથી. ભાવકને એની આછી ઓળખ થાય એટલું જ.