કથાવિચાર/પાંચ અદ્યતન નવલકથાઓ
પાંચ અઘતન નવલકથાઓ
અમૃતા : રઘુવીર ચૌધરી; ધુમ્મસ : મોહંમદ માંકડ; પળનાં પ્રતિબિમ્બ : હરીન્દ્ર દવે
એક અને એક : ચંદ્રકાન્ત બક્ષી; ચહેરા : મધુ રાય
૧
તાજેતરમાં જ પ્રગટ થયેલી ઉપર્યુક્ત નવલકથાઓ આપણા નવલકથાસાહિત્યમાં વિશિષ્ટ ઉન્મેષો દાખવે છે. એ નવલકથાઓના લેખકોમાં મધુ રાય સિવાયના અન્ય લેખકોએ તો આ પૂર્વ પોતાની આગવી પ્રતિભાની મુદ્રાવાળી નવલકથાઓ સર્જી આપણા નવલકથાસાહિત્યમાં આગવું અર્પણ કરેલું છે જ. પરંતુ તાજેતરમાં બહુ ટૂંકા ગાળામાં પ્રગટ થયેલી તેમની નવી રચનાઓ એમાંનાં વસ્તુવૈવિધ્ય અને નવીન નિરૂપણરીતિને કારણે નવીન તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે. એટલું જ નહિ, આપણી નવલકથા નવપ્રસ્થાન અર્થે સજાગ બની હોય એવી સુખદ પ્રતીતિ કરાવે છે. અલબત્ત, એ દરેક લેખકનો માનવજીવન પરત્વેનો અભિગમ નિરાળો છે, એ દરેકનો temperament નિરાળો છે અને દરેકની જીવનધારક શ્રદ્ધા નિરાળી છે, એટલે એમની દરેકની કૃતિ આગવું રહસ્ય પ્રગટ કરે છે; અને દરેક કૃતિમાં એના સર્જકની વિલક્ષણ પ્રતિભાની મુદ્રા ઊપસે છે. ચીલાચાલુ નવલકથાઓથી આ નવલકથાઓનું વસ્તુ જુદું પડે છે તે એમાં રજૂ થતા વર્તમાન માનવજીવન અને માનવપરિસ્થિતિના વિશિષ્ટ સંદર્ભને કારણે, વર્તમાન માનવીના જીવનની વિસંવાદિતા અને સંઘર્ષ એમાં ભારપૂર્વક નિરૂપાયાં છે. વળી આ નવલકથાકારો પોતાના સર્જકકર્મથી અભિજ્ઞ છે. એટલે પોતાના વક્તવ્યને અનુરૂપ ગદ્યની નવી ઇબારત ઘડવાના તેમણે પ્રયત્નો કર્યા છે અથવા નવલકથાના સ્વરૂપની ક્ષમતા તાગી જોવાને સન્નિષ્ઠ પ્રયત્નો કર્યા છે. અહીં અવલોકનમાં લીધેલી દરેક નવલકથાને સર્જકકૃતિ લેખે આગવું રહસ્ય છે; એ દરેકનું આગવું સૌંદર્ય છે. એટલે પહેલાં એ દરેક કૃતિનું આગવું રહસ્ય સમજવા પ્રયત્ન કરીએ.
અમૃતા
શ્રી રઘુવીર ચૌધરીની નવી નવલકથા ‘અમૃતા’ એમની આગળની રચના ‘પૂર્વરાગ’ કરતાં વિશેષ કળાતત્ત્વવિલાસ દાખવે છે. ‘પૂર્વરાગ’માં લેખકના રોમૅન્ટિક અભિનિવેશનો પરિચય થયેલો. વર્તમાન નગરસંસ્કૃતિની વિષમતાએ લેખકના સંવેદનપટુ ચિત્તમાં જગાડેલી સંવેદના એમાં નિરૂપણનો વિષય બની હતી. એ કૃતિમાં નવીન સંવેદનાઓને નિરૂપવાને લેખકે ગદ્યની નવી ઇબારત ઘડવાનો સભાન પ્રયાસ કરેલો. ‘અમૃતા’માં એમની સર્જકપ્રવૃત્તિ એ દિશામાં વિકસી છે. એમની વિલક્ષણ સર્જકપ્રતિભાના ઉત્તમ અંશો એમાં રમણીય સ્વરૂપે વિલસે છે. એમની વ્યાપક સંવેદનશીલતા વિશ્વલોકનાં અનેક સત્ત્વોને પ્રત્યક્ષ કરી આપે છે. એમનો બૌદ્ધિક પુરુષાર્થ કૃતિને સત્ત્વસંપન્ન બનાવે છે. આમ આ કૃતિમાં રઘુવીરની સર્જકતાનું સુભગ પરિણામ જોવા મળે છે. ‘અમૃતા’ના લેખકે, પરંપરાની વાર્તાઓના લેખકની જેમ, પોતાની કથાસૃષ્ટિની માંડણીમાં કેટલીક મહત્ત્વની ઘટનાઓનો સ્વીકાર તો કર્યો છે જ, પરંતુ એ લેખકોની જેમ માત્ર વાર્તાકથન એમને અભિમત હોય એમ લાગતું નથી. વાર્તા ખાતર વાર્તામાં એમને રસ નથી. એમને તો એમનાં પાત્રોનું આંતરવિશ્વ સર્જવું છે અને તેથી માત્ર અવલંબનરૂપ ઘટનાઓ નિરૂપી છે. દરેક પાત્રની સંવેદિત સૃષ્ટિને આગવું રહસ્ય પ્રાપ્ત થાય, દરેકને આગવું મૂલ્ય પ્રાપ્ત થાય એવી એમની નેમ જણાય છે. સામાન્યતઃ કથાકારો સીધી રેખાત્મક વિકાસવાળી રચનાઓ સર્જવા ચાહતા હોય છે. રઘુવીર એ માટે ઉત્સુક નથી. એમને કદાચ, જીવનની ગહરાઈઓ પર પ્રકાશ પડે એ રીતે પાત્રો દ્વારા જીવનખોજ આરંભવી છે. ઉદયન, અનિકેત અને અમૃતા – એ ત્રણ પાત્રોની આસપાસ કથાવસ્તુ રચાયું છે. ત્રણે પાત્રો શિક્ષિત અને બુદ્ધિસંપન્ન છે અને પરસ્પર લાગણીથી સંકળાયેલાં છે. અમૃતાના વિકાસમાં ઉદયને મહત્ત્વનો ભાગ ભજવ્યો છે અને લાંબા સાહચર્ય દરમ્યાન ઉદયનને અમૃતા પરત્વે પ્રેમની લાગણીનો અનુભવ થયો છે; પરંતુ અમૃતા પોતાને સમજણપૂર્વક સ્વીકારે એવી અપેક્ષા તે કેળવી રહ્યો હોય છે. સમય જતાં ઉદયને પોતાના જે મિત્રનો પરિચય કરાવ્યો છે તે અનિકેત અમૃતાના હૃદયમાં વસી જાય છે. અમૃતા વિમાસણમાં મુકાય છે. દરેક જણ સંજોગોની વિષમતાથી અભિજ્ઞ બનતાં પોતાનો જીવનમાર્ગ શોધવા મથે છે અને એકલતાની તાવણીમાંથી પસાર થતાં નવા અનુભવો પ્રાપ્ત કરે છે. પોતાના પ્રણયભાવની ઓળખ કરતાં દરેક પાત્રને પોતાના અસ્તિત્વને સમજવાનો પુરુષાર્થ કરવો પડે છે અને અંતે, એમને એમના પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તેમ નવું રહસ્ય જડે છે; દરેકનું વ્યક્તિત્વ અનાવિલ રૂપે પ્રગટ થાય છે. અસ્તિત્વવાદી ઉદયન અધ્યાપક છે, પત્રકાર છે અને વાર્તાલેખક પણ. સ્વાનુભવને જ પ્રમાણ લેખાવતો ઉદયન માત્ર વર્તમાનનો જ સ્વીકાર કરે છે. ભૂતકાળની પરંપરાઓ તેને ખપની નથી. ભવિષ્યકાળમાં તે માનતો નથી. દરેક વ્યક્તિના આગવા વ્યક્તિત્વની પ્રતિષ્ઠા થાય અને આ સમગ્ર જીવનના આયોજનમાં વ્યક્તિ જ કેન્દ્રમાં રહે એવો તેનો દૃઢાગ્રહ છે. પોતાની સત્તા વિષે તે અતિ સભાન છે. તેને એમ લાગે છે કે આ જગતમાં, સર્વત્ર, માનવી આત્મવંચના કરી જીવી રહ્યો છે. આજની જીવનવિષમતા તેને વ્યગ્ર બનાવી મૂકે છે. પરંતુ આજના જીવનસંગ્રામમાં ગીતાગાયક શ્રી કૃષ્ણ હાજર નથી એટલે આજના વિષમ સંજોગોમાં બધી જ જવાબદારી માનવીના શિરે છે એમ તે માને છે. તેની આ પુરુષાર્થી દૃષ્ટિ અને જાતનિષ્ઠા આદર જગાડે છે. વળી, તેના વિક્ષુબ્ધ ચિત્તમાંથી ઊઠતા તેજસ્વી વિચારો સ્પર્શક્ષમ પ્રતીકો કે કલ્પનો દ્વારા સાકાર થાય છે. ભગવાન કૌટિલ્ય કે અગસ્ત્ય-ઋષિમુનિઓની તેની કલ્પનાસૃષ્ટિમાં તેની સર્જકતાનો જે પરિચય થાય છે તે હૃદ્ય છે. પરંતુ પોતાના અસ્તિત્વ વિષેની તેની અતિસભાનતા ઉગ્ર અહંભાવમાં પરિણમતી દેખાય છે, તેનો બુદ્ધિવાદ વંધ્ય જણાય છે. કદાચ તેના આચારવિચારમાં રહેલો વિસંવાદ એ જ તેના વ્યક્તિત્વનું પ્રધાન લક્ષણ ગણાય. આ દૃષ્ટિએ ઉદયન વર્તમાન યુગના સંક્ષોભ અને વંધ્ય બુદ્ધિવાદના પ્રતીક સમો છે. પોતાના જ અસ્તિત્વને પ્રમાણવા તત્પર એવા ઉદયનની ‘દૃષ્ટિને’ કશુંક ‘જાડ્ય’ રૂંધે છે. માનવીનો પોતાનો અહંભાવ જ કશોક અંતરપટ બની માનવીની ‘દૃષ્ટિ’ને રૂંધે છે, (અને માનવજીવનની આ એક મહાન કરુણતા છે.) પરંતુ એ ‘જાડ્ય’ તેના ઉગ્ર બુદ્ધિવાદથી દૂર ન થયું એ દૂર થયું અમૃતાની આત્મશ્રીના નિબિડ સંસ્પર્શથી, ઉદાત્ત પ્રણયની ભાવાર્દ્રતાના સંસ્પર્શથી. ભિલોડામાં ઉદયન બીમારીમાં છેલ્લા દિવસો ગુજારતો હતો ત્યારે અમૃતાએ જે સહૃદય ભાવે તેનું જતન કર્યું એ જોઈને ઉદયનના ચિત્તમાં પ્રકાશ પડ્યો. તેને ‘સ્વ’થી પર એવી સત્તાનો સ્વીકાર કરવો પડ્યો. તેના ચિત્તને ‘ભૂમા’નો યોગ થયો. મૃત્યુ સંમુખ ઉદયનનો ‘સાક્ષાત્કાર’ આ કૃતિનો અત્યંત ચેતોહર અંશ છે. ઉદયનની સાથે સહૃદય ભાવક પણ એક આધ્યાત્મિક યાત્રાનો આનંદ પ્રાપ્ત કરે છે. અનિકેત, આમ તો, વનસ્પતિશાસ્ત્રનો નિષ્ણાત છે પરંતુ જ્ઞાનની અનેક શાખાઓ અનુસંધાન કેળવીને ‘જ્ઞેય’ને તે વધુ સકલના સંદર્ભમાં અને અખિલ સ્વરૂપે જોવા સમજવા ચાહે છે. ઇંદ્રિયાતીત અને તર્કાતીત સત્તાનો તે સ્વીકાર કરે છે. એટલું જ નહિ, આ વિશ્વની પરમ સત્તામાં તેની શ્રદ્ધા દૃઢમૂલપણે રોપાયેલી છે. તેણે આ સમગ્ર વિશ્વના સંદર્ભમાં પોતાનો વ્યક્તિ લેખે વિચાર કર્યો છે અને તેનું જીવનધ્યેય સમગ્રની જોડે યોગ પામવાનું છે. ઉદયન પોતાની સત્તાથી સભાન બની ઉચ્છૃંખલ બને છે તો અનિકેત આ બૃહદ્માં પોતાનું સ્થાન જોઈ વધુ વિનમ્ર, સૌજન્યપૂર્ણ, સહિષ્ણુ અને સ્વાર્પણની ભાવનાવાળો બનવા મથે છે (વંધ્ય રણભૂમિના વધતા જતા વિસ્તારને રોકવાની તેની પ્રવૃત્તિ તેની જીવનભાવનાની દ્યોતક છે). અનિકેતના ઋજુલ વ્યક્તિત્વથી અમૃતા આકર્ષાયેલી એ ખરું અને અમૃતાની હૃદયલક્ષ્મીની સૌરભથી અનિકેતે નવી ચેતનાનો સંચાર અનુભવેલો એય ખરું પરંતુ ઉદયનની જેમ અમૃતા પર અધિકાર જમાવવાનું વલણ તે કેળવતો નથી. ઊલટાનો, ઉદયન અને અમૃતાની વચ્ચે પોતે અંતરાય ન બની બેસે એવા ભયથી તે એ બંનેથી દૂર જવા મથે છે. પરંતુ દૂર જવાની તેની મથામણ છતાંય, તેનું હૃદય તો અમૃતાની કામના કરી વિવશ બની જતું હોય છે. કદાચ આ તેના જીવનની મહા કરુણતા છે. નિખિલ જોડે યોગ પામવાની ભાવના તે કેળવી રહ્યો છે પરંતુ તેના અસ્તિત્વના પાયા ડગમગી જાય છે. તેના ચિત્તમાં ઊંડે ઊંડે એક પ્રકારની અસ્વસ્થતા અને અભાવો રહેલાં જણાય છે. કદાચ તેને લક્ષ્યસ્થાને પહોંચતાં હજી પોતાના અસ્તિત્વનું સાચું સ્વરૂપ ઓળખવું બાકી છે, નક્કર વાસ્તવિકતાનો અનુભવ પ્રાપ્ત કરવાનો બાકી છે. એ ‘મૂળ’ વસ્તુને જાણ્યા વિના બધા પ્રયત્નો વંધ્ય રહેવાના. અમૃતા તેજસ્વી શિક્ષિત નારી છે. તેના અભિજાત હૃદયમાં અનિકેત માટે સ્નેહની લાગણી છે, પરંતુ ઉદયનનો ત્યાગ તેને અશક્યવત્ લાગે છે. વળી એક વ્યક્તિ લેખે સ્વતંત્ર વરણીનો અધિકાર એ બેમાંથી કોઈએ એને આપ્યો નથી. એને એ અધિકારની ઝંખના છે, એણે પોતાનો અધિકાર સિદ્ધ કરવાને કુટુંબત્યાગ સુદ્ધાં કર્યો, પરંતુ એકલ જિંદગીનો માર્ગ તેને વસમો થઈ પડ્યો. પોતાનામાં સુષુપ્ત રહેલું માતૃત્વ જાણે કે સળવળી ગયું. તે કશીક અસ્વસ્થતા અનુભવી રહી. તેને હવે સમજાયું કે પોતાને સાચી જરૂર છે સ્નેહની, સ્વાતંત્ર્યની નહિ. તે કુટુંબમાં પાછી ફરી. ભિલોડામાં બીમાર ઉદયનની સેવા કરવા તે તેની ‘સમર્પિતા’ બની. જીવનનાં સૌંદર્ય અને શ્રી વ્યક્તિના એકલ સ્વાતંત્ર્યમાં નહિ, તેના સમગ્ર જોડેના સંવાદ અને સહચારમાં જ પ્રગટ થાય, એવી લેખકની ભાવના એમાંથી ફલિત થતી જોઈ શકાય. આમ, દરેક પાત્ર એકલપંથી બની પ્રવાસ આદરવા નીકળી પડે છે; અને નવા જ અનુભવનું ભાથું લઈને પાછું ફરે છે. એ દરેક પાત્રના જીવનાનુભવ દ્વારા આ લેખકે માનવજીવનનું ગૂઢ રહસ્ય પ્રગટ કરવા ધાર્યું છે. માત્ર પોતાના અસ્તિત્વને પ્રમાણવા માગતા ઉદયનનો ભ્રમ ભાંગ્યો, માત્ર પોતાના જ અસ્તિત્વના સ્વીકારમાં તો ખંડદર્શન જ થાય. આ વિશ્વલોકના પાયામાં રહેલી એકતા જ અખંડદર્શન કરાવે. એ ‘એક’ને પામીને જ ‘અનેક’નું રહસ્ય પામી શકાય. અનિકેત નિજત્વનો લોપ કરી સમગ્ર સુધી વિસ્તરવા ચાહે છે પરંતુ તેનું કેન્દ્ર હજી સ્થિર થયું નથી. તેને પોતાના ‘નિજત્વ’નું રહસ્ય પામવું રહ્યું. અમૃતાએ સ્વાતંત્ર્યને માટે ધખારા રાખ્યા પરંતુ સ્વાતંત્ર્ય એક માત્ર ભ્રાન્તિ પુરવાર થઈ. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સંવાદની ભૂમિકા જ જીવનના ઉચ્ચતર વિકાસ માટે જરૂરી છે એવી કોઈ પ્રતીતિ તેને થઈ. આમ લેખકે આ પાત્રોની ‘યાત્રા’ દ્વારા આપણને જીવનનું સંકુલ અને વ્યાપક સ્વરૂપ પ્રગટ કરી દાખવ્યું. ત્રણેય પાત્રો ચિંતનશીલ પ્રકૃતિનાં છે. તેઓ અંતર્મુખી વૃત્તિ કેળવી પોતાની જાતને ઓળખવા ઇચ્છે છે. દરેકના ચિત્તમાં અન્ય વ્યક્તિના ભાવોના આઘાત-પ્રત્યાઘાત ઝિલાતાં દરેકનું વ્યક્તિત્વ એકબીજામાં ઓતપ્રોત રહેલું દેખાય છે. આમ છતાં, એકંદરે, એ દરેકના વ્યક્તિત્વનો આગવો પિંડ રચાવા પામ્યો છે, દરેકનું વ્યક્તિત્વ આગવી મુદ્રાથી અંકિત થયું છે. ‘અમૃતા’ની સૃષ્ટિમાં એના સર્જકની વ્યાપક સંવેદનશીલતાનો પરિચય થાય છે. ત્રણે પાત્રોનું સંવેદનવિશ્વ આ કૃતિના આસ્વાદનની વિશિષ્ટ સામગ્રી છે અને એના સર્જકની સંવેદનાનો અંશ લઈ અવતરેલાં આ પાત્રોનાં આંતરજગતમાં, અંતે તો, એના સર્જકની શ્રીનો જ પરિચય થાય છે. એક દૃષ્ટિએ આ કથા એકલાં માનવોની કથા નથી. એ વિશાળ ‘લોક’ની કથા છે. માનવપાત્રોના નિરૂપણમાં વિશ્વનાં અનેક સત્ત્વો સહજ રીતે પ્રત્યક્ષ થયાં છે અને સર્જક લેખે શ્રી રઘુવીરનો આ અભિનિવેશ અત્યંત પ્રશસ્ય છે. ‘અમૃતા’નાં પાત્રો જે સૃષ્ટિમાં વિચરે છે એ સૃષ્ટિ એ પાત્રોમાં વારંવાર ઓતપ્રોત બની જતી દેખાય છે. આ પાત્રો એક દૃષ્ટિએ આપણાં ‘સંસારી’ પાત્રોથી નિરાળાં પડે છે અને તે એમની વ્યાપક સંવેદનાને કારણે. એકલતા અનુભવતી અમૃતાની ચિત્તસૃષ્ટિમાં ‘બાહ્ય સૃષ્ટિ’ કેવી રીતે વ્યંજિત થઈ છે, તેનું આલેખન જોઈએ : ‘સમુદ્ર તરફ અપલક દૃષ્ટિ માંડીને બૃહત્ રિક્તતાને એ જોઈ રહેતી, રંગવિહીન સંધ્યાની અંતિમ ચમકના તિરોધાન પછી કશીક રહસ્યમય વેદના એના શ્વાસમાં ભળી જતી, ઝૂલે બેઠાંબેઠાં રાતરાણીની ગંધનો ભાર એની મુકુલિત અભિલાષાઓને સતેજ કરીને ફલિત કરવા મથનારા કશાક અસ્ફુટ દર્દની રમણા જગાવી જતો, ભાઈના શિશુની ઋજુલ આંખોમાં ટમટમતી ઉષ્મા પોતાના અસ્પૃષ્ટ સ્તનપ્રદેશ પર અંકિત થતાં કોઈ વાર તો એ જે અનુભવતી તે ભાવને હજુ શબ્દનું રૂપ આપી શકાયું નથી...’ (પૃ. ૧૬૦) વળી, નિજત્વનો સમગ્રમાં વિસ્તાર અનુભવવા મથતા અનિકેતની એક મનોસૃષ્ટિ જોઈએ : ‘હું હમણાં ગતિ અને સ્થિતિનો ભેદ ભૂલવા લાગ્યો છું. અવિકસિત પુષ્પમાં કે વૃક્ષની લચી પડેલી ડાળમાં, કેન્દ્રહીન પાષાણોમાં કે પર્વતોની ધૂસર આકૃતિઓ પાછળ બંધાતી ક્ષિતિજમાં, દોડતા અશ્વની ખરીમાં કે કાચબાની અચંચલ પીઠ પર, ઊંડી ખાઈમાં લુપ્ત ઝરણાની વિરતિમાં કે સામે ધસી આવીને છાવરી લેતા વંટોળમાં હું એક તત્ત્વ એવું જોવા લાગ્યો છું જે સર્વત્ર સમાન છે.’ (પૃ. ૧૭૩) અને અહંભાવી ઉદયનના અંતસ્તલમાં પ્રોજ્જ્વલ કલ્પનામાં સાકાર થતી વિચારસૃષ્ટિ પણ જોઈ લઈએ : ‘....હવે એક મૃત પર્વત સમક્ષ આવીને એ ઊભો હતો. એ પર્વતના નિર્જન અને કાળમીંઢ ખડકોના કેન્દ્રમાં એને પોતાના સમકાલીન માણસની આંખો જકડાઈ ગયેલી લાગી. એણે શબ્દના વજ્રઘાત કર્યા. એના શબ્દ તૂટ્યા પણ ખડક નહીં...’ (પૃ. ૨૬૩) નવલકથાકાર લેખે શ્રી રઘુવીરનો આ પ્રકારનો કલાત્મક ઉન્મેષ અત્યંત નોંધપાત્ર છે. એમની તેજસ્વી પ્રતિભાએ વિશ્વલોકનાં અનેક સત્ત્વોને સંવેદ્યાં છે અને આ કૃતિને સત્ત્વસંપન્ન કરી છે. માનવના આંતરવિશ્વને અભિવ્યક્તિ આપતાં આ સત્ત્વો દ્વારા આપણે ‘ભૂમા’નો સંસ્પર્શ અનુભવી શકીએ છીએ. એ પ્રકારે આ કૃતિમાં વિશાળ ‘લોક’ એ સ્વયં વસ્તુસામગ્રી બનીને આવે છે. એના આસ્વાદન માટે ભાવકની રસેન્દ્રિય સતેજ જોઈએ. (આ સૌ સત્ત્વનાં નિરૂપણમાં મધુર, કોમળ અને દીપ્તિમાન ગદ્યનો ફાળો અપૂર્વ છે.) કદાચ આવી વ્યાપક સંવેદનશીલતા વિના ઉચ્ચતર સર્જન સંભવિત નથી. વળી આ લેખકે પોતાનાં પાત્રોનું મનોજગત વ્યંજિત કરવાને પુરાણકથાઓ (MYTHS) કે બીજી કોઈ લઘુકથાઓનો સુંદર વિન્યાસ કર્યો છે. એમાં સમુદ્રમંથનની કથાનું અર્થઘટન ખૂબ જ રહસ્યપૂર્ણ છે. માનવીએ પોતાને આવી મળેલા જીવનનો શ્રદ્ધાથી સ્વીકાર કરવો કે સંશયગ્રસ્ત બની તેનો સ્વીકાર કરવો એવી માનવજીવનની વિષમતાનું રહસ્ય એમણે આપણી પુરાણકથાના સંદર્ભમાં રજૂ કર્યું છે. એ જ રીતે આજના વિષમ સંજોગોમાં, માનવમાનવ વચ્ચેના સંગ્રામમાં, આજે ગીતાનાયક શ્રી કૃષ્ણ હાજર નથી, એટલે માનવીએ જ બધી જવાબદારી ઉપાડવાની છે, એવી અસ્તિત્વવાદી માન્યતાને ગીતાના ઉલ્લેખ દ્વારા પુષ્ટ કરી છે. ‘અમૃતા’ના સર્જક પોતાના સર્જકધર્મથી અભિન્ન છે. પોતે જે એક અભિનવ સંવેદિત ભાવસૃષ્ટિ નિરૂપવા ચાહતા હતા એને માટે સર્વથા નવીન ગદ્યની ઇબારત ઉપજાવવી પડશે એ બાબતથી તેઓ જાગ્રત હતા જ. તેઓ એ જાણતા હતા કે વ્યવહારમાં પ્રયોજાઈને લપટી પડી ગયેલી ભાષા પોતાનાં સંવેદનોની તાજગી, રમણીયતા અને ભાવાર્દ્રતા ધારણ કરી શકશે નહિ, તો દીર્ઘકાળ સુધી ધારણ કરવાને સમર્થ તો હોય જ ક્યાંથી? એટલે એમણે નવીન ગદ્યછટાઓ નિપજાવી લેવાના પ્રયત્નો કર્યા છે. એમણે એ કારણે કેટલા અપરિચિત શબ્દોને નવો સંદર્ભ આપીને તેમને નવું પરિમાણ આપવાની વૃત્તિ રાખી છે. ખાસ તો એમની ચિંતનસભર સંવેદનાને સાકાર કરવા અર્થવાહી રમણીય ગદ્ય રચવાની એમને આવશ્યકતા લાગી અને એમાંથી ગહન ભાવોને ઝીલવા સમર્થ એવા ગદ્યનું કાઠું રચાયું. આ કૃતિનો સમગ્રતયા વિચાર કરતાં એક એવી છાપ પડે છે કે લેખકે એમના સર્જક કર્મમાં ખૂબ સભાનતા કેળવેલી છે. સર્જક કર્મની સભાનતા એ આવકાર્ય વસ્તુ છે. એવા જાગ્રત પ્રયત્નોથી જ સર્જક પોતાની સંવેદનાને નિઃશેષ અભિવ્યક્તિ આપી શકે અને, ગહન સંવેદનોને આશ્લેષમાં લેવાને સર્જકે આત્માભિમુખ બનવું પણ પડે જ. પરંતુ એ પ્રકારની સભાનતા ક્યારેક મર્યાદા તો નથી બનતી ને, એ વાત પણ થવી જોઈએ. ‘અમૃતા’ના પ્રથમ ખંડમાં લેખકની ગદ્યશૈલી હજી પૂરેપૂરી પલોટાયેલી નથી. કૃત્રિમ સંવાદો રસક્ષતિ કરતા લાગે છે. સદ્ભાગ્યે બીજાત્રીજા ખંડમાં એમનું ગદ્ય સહજ સ્ફૂર્તિથી વિલસતું દેખાય છે. પરંતુ કદાચ મોટી સીમા બીજી છે. આ નવલકથાનાં પાત્રોમાં જ્યાં અતિ સભાનતા વરતાય છે ત્યાં લેખકનો સાદ એ પાત્રોના ઉચ્ચારમાં અનુરણન કરતો સંભળાય છે. પાત્રોની આગવી સ્વતંત્ર સત્તા નિર્માણ થાય તેટલું તાટસ્થ્ય સિદ્ધ કરવાની દિશામાં હજી પ્રયત્નો જરૂરી છે એમ લાગે છે. વળી એમનાં પાત્રોનું કાઠું વિલક્ષણ રૂપનું છે. એમાં માનવીની ‘જાગ્રત ભૂમિકા’ પરના વ્યાપારો જેટલા પ્રકાશિત થયા છે તેટલા કદાચ અજાગ્રત ભૂમિકામાંથી સ્વયંભૂ પ્રગટ્યા હોય એવા વ્યાપારો પ્રકાશિત થયા નથી. માનવપાત્રને અખિલાઈમાં જોવા, કદાચ એના અંધારખંડને વધુ અજવાળવો પડશે. એકંદરે, લેખકની ગદ્યનિર્મિતિનો પુરુષાર્થ સર્વથા આવકાર્ય છે. એમણે નવલકથાના સ્વરૂપમાં વિશાળ સંવેદિત સૃષ્ટિ રચી શુદ્ધતર કળાનુભવ કરાવવા પ્રયત્ન કર્યો છે. આપણી નવલકથાના ભાવિ વિકાસમાં તેઓ એક નવી દિશા ખુલ્લી કરી આપે છે.
૨ ધુમ્મસ
શ્રી મોહમ્મદ માંકડની નવી નવલકથા ‘ધુમ્મસ’ એમની આગળની કૃતિઓમાં પ્રગટેલા સબળ સર્જક અંશોનો સુભગ સમન્વય દાખવે છે. માનવચિત્તનાં સંગોપિત રહસ્યોની સહજ હૈયાઉકલત અને તેના સબળ નિરૂપણનો અગાઉ ઠીક ઠીક પરિચય થયેલો. ‘ધુમ્મસ’ એમની એ સર્જકશક્તિનો વધુ સુભગ અને સબળ ઉન્મેષ છે. આ નવલકથામાં મુખ્ય વૃત્તાંતરૂપ કથાવસ્તુ છે એક સજીવ અને સંવેદનપટુ માનવીનું અધઃપતન – માનવીનું આધ્યાત્મિક મૃત્યુ. અને એ માનવીનું નામ છે ગૌતમ – આજના યુગનો એક વિલક્ષણ પુરુષ. એનો વ્યવસાય છે પત્રકારત્વ. ગૌતમ એની તરુણ વયે અતિ તીવ્ર સંવેદનપટુ ચિત્ત ધરાવે છે. વર્તમાન યુગમાં સર્જાયેલી વિષમ દશાથી તે અતિ વ્યગ્ર અને ક્ષુબ્ધ બની જતો જણાય છે. માનવજીવનમાં વ્યાપી ગયેલી શૂન્યતા અને નિશ્ચેતનતા તેને વીંધી રહેતી. આસપાસનો બધો જ માનવ સમુદાય ‘પ્રગતિ’નો દંભ કેળવી ભયંકર આત્મવંચનામાં જીવી રહ્યો છે એમ માની તે રોષથી ભભૂકી ઊઠતો. પરંતુ બધા જ ગૌતમો કાંઈ લોકકલ્યાણાર્થે શ્યામરજનીની એકલયાત્રા આદરી મહાભિનિષ્ક્રમણ કરવાને સમર્થ હોતા નથી. આ ગૌતમે જાગૃતિની ક્ષણોમાં વિશાળ માનવજાતની યાતનાઓના વિચારો કર્યા પરંતુ એ યાતનાઓનો બોજ તેને અસહ્ય બન્યો. સજીવ હોવું એટલે જ કદાચ યાતના અને વેદનાનો બોજ વેંઢારવો. ગૌતમનું કાઠું, કદાચ, આ બોજ વેંઢારી શકે એવું નથી. આરંભમાં તેણે પોતાની સુંદર પત્ની ઊર્મિલાના ‘રેશમી આકાશ’માં પોતાની બેચેની ખોઈ દેવાની વૃત્તિ કેળવી, પરંતુ થોડાં જ વર્ષોમાં તે નિર્ભ્રાન્ત બન્યો. તેને પોતાના લગ્નજીવનમાં રસ રહ્યો નહિ. વળી પાછો તે કંઈક વ્યગ્ર બની જવા લાગ્યો. તેનું સજીવ અંતઃકરણ વર્તમાનની વિષમતાઓની વેદનાની શૂળો અનુભવતું રહ્યું. પરંતુ ગૌતમે એ વેદનાને ફગાવી દેવા મથામણ આરંભી, તેના ચિત્તમાં અનેક વિચારો ઘોંઘાટ જગાવવા લાગ્યા. પરંતુ વિચારોની આંધીમાં તે દિશાશૂન્ય અને અંધ જ બની ગયો. તેને તેની વર્તમાન જિંદગીમાં ખાલીપણાનો અનુભવ થયા કર્યો. એ ખાલીપણાને દૂર કરવા નિશા જોડે સાહચર્યની ઝંખના કરી, પણ તેમાં ફાવ્યો નહિ એટલે વધુ વેગવાન બની હતાશ જિંદગીને વિશાળ કોલાહલ અને ખટપટભરી જિંદગીઓ વચ્ચે ખોઈ દેવાનો મરણિયો યત્ન કર્યો. તેના મિત્ર જીતુ જોડેના વાદવિવાદમાં તેને પોતાનો પરાભવ થતો લાગ્યો. ફરી એક વાર તે મહાસંઘર્ષ અનુભવી રહ્યો. એવામાં એને એના મિત્ર મધુની પત્ની ચારુના સાહચર્યની તક સાંપડી, એક બાજુ તેણે રીઢા અને ખંધા બની પોતાની પત્નીને સુખવૈભવ ખરીદી આપ્યાં, બીજી બાજુ તે ચારું જોડે વિલાસ-વ્યભિચારમાં ડૂબી ગયો. તેનામાં રહેલા ‘નહોરવાળા પ્રાણી’ને ભક્ષ્ય મળ્યો હતો. ગૌતમે સંવેદનશીલતાને રૂંધી. અંતર તેનું મૂઢ બન્યું. તેણે મૃગજળ પાછળ દોટ મૂકી. જેમ જેમ તેને ખાલીપણું, શૂન્યતા કે અભાવો લાગતાં ગયાં તેમ તેમ ધુમાડા જેવી ખાલી જિંદગીને બાચકાં ભરતો ગયો. છેવટે તે પોતે જ સર્જેલા વિષચક્રમાં ફસાયો. ગૌતમે આપઘાત કર્યો! ગૌતમ આજના યુગનો વિલક્ષણ પુરુષ છે. વર્તમાન માનવજીવનનો વિસંવાદ અને સંઘર્ષ લઈને તે જન્મ્યો છે. જાગૃતિની ક્ષણોમાં તે આખા માનવસમુદાયની મૂર્ચ્છિત થતી જતી ચેતનાનો વિચાર કરતો હોય છે ખરો પરંતુ તેનો વિચારવાદ વંધ્ય છે. તેને કોઈ દિશા સાંપડી નથી. હકીકતમાં ગૌતમ પણ અસ્તિત્વવાદી જણાય છે. તેને ભૂતકાળ અને ભવિષ્યકાળનો ખપ નથી. ઈશ્વરની સત્તાનો તે નિષેધ કરે છે અને માનવીના વ્યક્તિત્વની તે પ્રતિષ્ઠા ઝંખે છે. પરંતુ ગૌતમની દૃષ્ટિને રૂંધતું અજ્ઞાનનું આવરણ તેને પોતાના જ સ્વરૂપનું ભાન થવા દેતું નથી. પોતે જ્યારે વિશાળ સમુદાયની મૂર્ચ્છિત ચેતનાનો વિચાર કરે છે ત્યારે પોતાનામાં જ અજ્ઞાનપણે પાંગરતા જતા તેના ‘પશુ-રૂપ’ને ઓળખવાને તે અશક્તિમાન છે. સહજ રીતે જ પોતાના સજીવ અંતઃકરણની વેદનાને ફગાવી દેવા તે તત્પર બને છે અને પોતાનો જે પરાભવ થઈ રહ્યો હોય છે તેની વંચના કરે છે. માનવજીવનની આ કરુણતા છે. કદાચ, માનવીની એ લાચારી પણ હોય. વાર્તાના અંતે ગૌતમનું સ્થૂળ મૃત્યુ અલબત્ત, રહસ્યપૂર્ણ ઘટના તો છે જ પરંતુ એના જીવનનું રોજેરોજનું મૃત્યુ એ જ આ કથાનું વિશિષ્ટ વસ્તુ છે. પશ્ચિમમાં કોઈક વિદ્વાને નવલકથાના સ્વરૂપને માનવજીવનના સંદર્ભમાં મૂકીને અવલોકતાં એવું નિરીક્ષણ કરેલું કે નવલકથાનો વર્ણ્યવિષય છે માનવીનું પતન (the fall of man). બીજા કોઈ વિદ્વાને એ જ વાત બીજા શબ્દોમાં કહેલી કે નવલકથાનો સાચો વિષય છે માનવીના રોજિંદા જીવનનું મૃત્યુ (the daily death of man). ‘ધુમ્મસ’ આ અભિપ્રાયોનું સુંદર સમર્થન કરતી જણાશે. કદાચ વ્યક્તિના પતનની આ કથા માનવજાતના પતનનું પ્રતીક બની શકવાની ક્ષમતા ધરાવે છે અને એ રીતે એ વધુ આસ્વાદ્ય બની રહે છે. ગૌતમના મુખ્ય વૃત્તાંતની પડછે જીતુ અને મધુ એ બે પાત્રોની આગવી કથાઓ રહસ્યપૂર્ણ સંદર્ભ રચે છે. ગૌતમનો મિત્ર જીતુ સરળ અને નિખાલસ દિલનો છે. તેની જીવનભાવના ગૌતમથી સાવ નિરાળી છે. ઈશ્વરની સત્તાનો તે શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરે છે. એટલું જ નહિ, ધર્માચાર્યોના આદેશ અને પરંપરાઓનું મૂલ્ય તે સ્વીકારે છે. ગૌતમના આચારવિચારમાં મહાન વિસંવાદ રહેલો છે, જ્યારે જીતુ પોતાની ભાવનાને અનુરૂપ જિંદગી ઘડવાની દિશામાં પ્રવૃત્ત થાય છે. તેણે સાદી સાત્ત્વિક જિંદગીનો માર્ગ લીધો, પરંતુ તેને અસાધ્ય રોગ લાગુ પડ્યો. તે છતાં તેણે કાયર થઈ આપઘાતનો માર્ગ લીધો નથી. પૂરી પ્રામાણિકતાથી તે સંજોગોનો સ્વીકાર કરે છે અને છેવટ સુધી સ્વસ્થતા જાળવી રહે છે. જીતુનો આ પુરુષાર્થ આદરણીય છે. ગૌતમે પોતે જ પોતાના હાથે કબર ચણી, પોતે જ પોતાની ખંડિયેર જિંદગીના કાટમાળમાં દટાયો, જ્યારે જીતુએ પૂર્ણ આત્મબળ દાખવી મૃત્યુને પરાજિત કર્યું. કદાચ, જીતુને કશુંક ધારક તત્ત્વ સાંપડ્યું હતું જે ગૌતમને સાંપડ્યું નહોતું. મધુનું ચરિત્ર પણ કંઈક રસિક બન્યું છે. તે શ્રીમંતાઈમાં ઊછર્યો હતો એટલે તેનામાં જાણે કે સ્વભાવગત અપ્રામાણિકતા કે બૂરાઈઓ હતી જ. આરંભમાં જ તેનું કંઈક લાલચુ, સ્વાર્થી અને ખટપટી સ્વરૂપ છતું થતું દેખાય છે, પરંતુ જેમ જેમ વસ્તુનું ઉદ્ઘાટન થતું જાય છે તેમ તેમ તેની સરળતા અને એક પ્રકારની નિર્દોષતા જ જાણે કે છતી થવા લાગે છે. જીતુની જીવનભાવના તેનામાં મુગ્ધ ભાવ જગાડે છે. એટલું જ નહિ જીતુને ગુરુુસ્થાને મૂકી તે જીવનને ઓળખવા જિજ્ઞાસાયે પ્રગટ કરે છે. જીતુ માંદો પડ્યો ત્યારે વિલાસી અને ખટપટી ગૌતમ પોતાના વિષમ કુંડાળામાંથી બહાર નીકળી ન શક્યો, ત્યારે મધુ પોતાનો ધંધો છોડી જીતુને ત્યાં પહોંચી ગયો. આમ તેણે જીતુને સહાય કરી ‘ગુરુ’નું ઋણ ચૂકવ્યું. આ નવલકથામાં આલેખાયેલાં ‘સ્ત્રીચરિત્રો’ પણ રહસ્યપૂર્ણ કથા બની રહે છે. ચારુ મધુની શ્રીમંતાઈ જોઈને તેને પરણી, પરંતુ શ્રીમંત મધુની અતિ સુંવાળી રીતભાત અને અતિ સુંવાળી લાગણી તેને તૃપ્ત કરી શકતી નથી. ગૌતમનો સમાગમ થતાં તેની કામુકતા આદિમ આવેગ સહ ભભૂકી ઊઠે છે. ગૌતમ અને ચારુએ ભયંકર આત્મવંચના આદરી. બંને મૃગજળ જોઈ દોડતાં જ રહ્યાં. ગૌતમને તો થોડા સમયમાં જ કશીક શૂન્યતા અને ખાલીપણાનો અનુભવ થવા લાગ્યો, પરંતુ ચારુનો શોષ તો ઓછો થયો જ નહિ ગૌતમે જ્યારે આપઘાત કરી જિંદગીનો અંત આણ્યો ત્યારે ચારુ કરી એક વાર મધુના જીવનમાં ‘ગોઠવાઈ’ ગઈ. કારણ? કારણ કે તે ‘મધુને ચાહતી હતી; ને જિંદગીને પણ એટલી જ ઉત્કટતાથી ચાહતી હતી.’ ગૌતમની પત્ની ઊર્મિલા શાણી અને સુશીલ છે. પરંતુ તેના અંતરમાં, અલબત્ત સ્ત્રીસહજ ભાવે, સુખવૈભવની કામના પાંગરતી રહી છે. ગૌતમનું વર્તન તેને ક્યારેક અકળ લાગે છે. પરંતુ જ્યારે ગૌતમે ભયંકર આત્મવંચના કરી તેને તેનાં સુખવૈભવ ખરીદી આપ્યાં ત્યારે તેને ‘તેના’ ગૌતમ માટે વહાલ જાગ્યું. થોડો સમય તો તે સુખસ્વપ્નને માણતી રહી પરંતુ જ્યારે તેણે જાણ્યું કે તેનું સુખસ્વપ્ન માત્ર છલના હતી ત્યારે વિષમ સંજોગોનો પ્રતિકાર કરવાની તેનામાં શક્તિ નહોતી! તે ગૌતમને ત્યજી ચાલી નીકળી હતી. ‘સિદ્ધાર્થ’ નાટકનાં રિહર્સલો કરતાં કરતાં જીતુને નિશાનો પરિચય થયેલો. નિશા જીતુને ચાહતી હતી અને ચાહીને તેને પરણી હતી. પરંતુ જીતુનો શ્રેયસ્કારક માર્ગ તેને બિલકુલ રુચ્યો નહોતો. જીતુ જ્યારે અસાધ્ય રોગમાં સપડાયો અને તેની કસોટીની પળો આવી ત્યારે છેલ્લી ક્ષણોમાં તે જીતુને ત્યજીને ચાલી નીકળી હતી. તેનો જીતુ માટેનો સ્નેહ બોદો પુરવાર થયો હતો. આ નવલકથાના આરંભે લેખકે જિબ્રાનની વાણીમાંથી કેટલીક રહસ્યપૂર્ણ ઊક્તિઓ ટાંકેલી છે. ‘Life and all that lives is conceived in the mist and not in the crystal’ એનો ધ્વનિ આ કથામાં સુંદર રીતે વ્યંજિત થાય છે. લેખકે કોઈ પણ વાદના આગ્રહ કે પૂર્વગ્રહ વિના જીવનનું આચ્છાદિત રૂપ જ આલેખવા ધાર્યું છે અને એમાં એમની તટસ્થતા પ્રશસ્ય છે. માનવજીવનમાં એકી સાથે પ્રગટતા ભદ્ર-અભદ્ર અંશોને તેઓ વક્તવ્યમાં સહજ રીતે વણી લે છે. ગૌતમ, જીતુ, મધુ, ચારુ, ઊર્મિલા, નિશા, એ બધાંયની જિંદગી સંજોગોના ફેરફાર સાથે કે કાળના પલટા સાથે કોઈક નવી જ બાજુ છતી કરી આપે છે. જાણે કે ધુમ્મસરૂપ માનવીની જિંદગી સાથે જ કોઈ છલના રચે છે. અલબત્ત, આ બધાં પાત્રોના જીવનમાં કરુણતા તો વ્યાપેલી છે જ પરંતુ કૃતિના અંતે સહૃદય ભાવક પોતાના ચિત્તમાં કોઈક આશ્ચર્યનો ભાવ વ્યાપી જતો અનુભવે છે. કદાચ, સર્વ રસોને સમાવી લેતો વિસ્મય જ આ કૃતિનો પ્રધાન રસ છે એમ કહેવું જોઈએ. ગૌણ પાત્રો લેખાય એવાં પાત્રોના નિરૂપણમાંયે લેખકની કુશળતા દેખાઈ આવ્યા વિના રહેતી નથી. સ્વાર્થી, રીઢા અને દંભી એવા શ્રીમંત શેઠ મોહનલાલ અને પત્રકારોની દુનિયામાં ખટપટી, કુનેહબાજ અને સ્વાર્થી એવા લાલભાઈ – એ બે પાત્રોની તસ્વીરો યોગ્ય રેખાઓમાં અંકિત થયેલી છે. લેખક માનવસ્વભાવનું નિરૂપણ કરતાં એમની વિલક્ષણ વૃત્તિઓને ઘણા લાધવથી છતી કરી શક્યા છે. ‘ધુમ્મસ’માં આરંભનાં પ્રકરણોમાં ‘સિદ્ધાર્થ’ નાટકના રિહર્સલનું નિરૂપણ એટલું જ મહત્ત્વનું બની રહે છે. એના હળવા લાગતા વાતાવરણમાં જ કટાક્ષ રહેલો છે. બુદ્ધનો વેશ ભજવવા તત્પર જીતુ ભલે બુદ્ધનું ગૌરવ ન પામ્યો હોય, તેનો રાહ તો સાચો હતો જ. નાટકનું ‘વસ્તુ’ આખી કથાને એક નવું પરિમાણ આપે છે. ‘ધુમ્મસ’ની નિરૂપણરીતિનું આગવું મૂલ્ય છે. એની કથા માનવીના પતનની-માનવીના મૃત્યુની કથા છે. આરંભમાં અતિસંવેદનપટુ દેખાતો ગૌતમ કેવી રીતે એના જીવંત અંતઃકરણના સાદને રૂંધવા મથે છે – એનામાં પ્રગટેલી પશુતાથી કેવો તો પરાભવ પામે છે – એનું આલેખન કરવા લેખકે ‘સ્ટ્રીમ ઑફ કોન્શિયસનેસ’ રીતિનો પ્રમાણમાં સબળ અને એકંદરે આશાસ્પદ પ્રયોગ કરેલો છે. ગૌતમના તીવ્ર સંઘર્ષની ક્ષણોમાં અતિ ત્વરિત ગતિએ ફફડી જતા ચંચલ તરલ ભાવોને આલેખવા લેખકે ગદ્યની આગવી ઇબારત સર્જી છે. ટૂંકાં ટૂંકાં, સુઘડ અને અર્થવ્યંજિત વાક્યોને દ્રુત લયાન્વિત ગદ્યમાં વહેતાં કર્યાં છે. એમના ગદ્યમાં વાક્યોનાં પદોમાં નવીન ‘સંન્નિધિ’ કે syntax ધ્યાન ખેંચે છે. અલબત્ત, આ લેખકે કોઈ કોઈ ક્ષણોમાં અભિવ્યક્તિ આપતાં પ્રમાદ કેળવ્યો છે ત્યાં ત્યાં ‘આગ’, ‘ગરમી’ જેવા શબ્દોનો પ્રયોગ માત્ર રૂઢિવશ થતો જણાય છે. એ જાતના પ્રયોગોમાં લેખક કોઈ ‘મૅનરિઝમ’નો દોષ વહોરી લેતા દેખાય છે. આ સીમા ઓળંગી જવાનું દુષ્કર નથી. એકંદરે એમનું ગદ્ય પણ તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે. જીવન ભલે ધુમ્મસરૂપ હોય – કળાકૃતિ તો રહસ્યપૂર્ણ ભાત (significant pattern) રચે છે જ. આ લેખકે સુરેખ અને સુકેન્દ્રિત વસ્તુનિરૂપણ કરીને એક મનભર આકૃતિ સર્જી છે. એમની એ આકૃતિનું શિલ્પ સ્વયં હૃદ્ય બને છે. ખાસ તો, એમની રચના પરંપરાની નજીક છતાં અતિ સુંદર ઉન્મેષ પ્રગટ કરે છે તે એની સુરેખ કંડારેલી આકૃતિને કારણે.
૩ ‘પળનાં પ્રતિબિમ્બ’
શ્રી હરીન્દ્ર દવેની નવી નવલકથા ‘પળનાં પ્રતિબિમ્બ’ એમાંના વસ્તુનાવીન્યને કારણે તેમ એમાંની કંઈક નવીન લાગતી રચનારીતિને કારણે થોડી વધુ ધ્યાનપાત્ર બની રહે છે. આ લેખકે એમની આગલી કૃતિ ‘અગનપંખી’માં પણ માનવપ્રણયનું એક વિશિષ્ટ દૃષ્ટિએ નિરૂપણ કરેલું અને એ કૃતિમાં સહજ સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ થયેલો. આ નવલકથામાં પણ માનવપ્રણયનું અતિ વિલક્ષણ દૃષ્ટિએ નિરૂપણ કર્યું છે. એટલે વસ્તુ લેખે વસ્તુમાં પણ તાજગીનો અનુભવ તો થાય છે જ પરંતુ એમાં ચીલાચાલુ કથનશૈલીને સ્થાને નવીન નિરૂપણ પદ્ધતિ પ્રયોજી, નવલકથાના સ્વરૂપમાં એક આગવી ‘ટેકનિક’ પ્રયોજવાનો એક સન્નિષ્ઠ સર્જક લેખે એમનો પ્રયાસ સાહિત્યાભ્યાસીઓનું ધ્યાન ખેંચે એવો છે. આ કૃતિમાં પ્રવેશ કરતાં વેંત જ આપણને જણાય છે કે આપણને અત્યાર સુધીની પરિચિત નવલકથાઓમાં જોવા મળતું દળદાર વર્ણનાત્મક ગદ્ય – massive descriptiveprose – અહીં નથી. તેમ ક્રમશઃ વસ્તુવિકાસ સાધવાને રચાતાં ‘પ્રકરણો’ પણ (અલબત્ત સ્થૂળ દૃષ્ટિએ) નજરે ચઢતાં નથી. એમાં તો સ્થાન પામ્યાં છે પળપળનાં પ્રતિબિમ્બો. દરેક પળનું આગવું પ્રતિબિમ્બ એક ઘટક બને છે. દરેક ઘટક પાત્રોના સંવાદોનું એક વિશિષ્ટ માળખું છે. આવાં અનેક ઘટકોને juxtapose કરી આપીને લેખકે એમને અભિપ્રેત એવા માર્મિક કથાનકોનો સંદર્ભ રચી લીધો છે. આમ આ કૃતિનું કાઠું તૂટેલા કાચની કચ્ચરોની વિભિન્ન પ્રતિબિમ્બો દ્વારા જીવનનું વૈચિત્ર્ય પ્રગટ કરવા ચાહે છે. કૃતિના અંત ભાગમાં લેખકે (સૂત્રધારની ભૂમિકામાં) પોતે જ સ્પષ્ટ કર્યું છે કે જીવનનો પ્રવાહ અત્યંત ગતિશીલ બની વહ્યો જાય છે અને એમાંથી બહુ જ થોડી ક્ષણો શબ્દસ્થ કરી શકાય છે. લેખકની આ પ્રકારની અભિજ્ઞતાએ જ કદાચ એમને આ પ્રકારની ટેકનિક યોજવા પ્રેર્યા હોય. આ રચનામાંનાં અનેક ‘પ્રતિબિમ્બો’માં વત્સલ અને રંજનાનો પ્રણયસંબંધ એક રહસ્યપૂર્ણ વૃત્તાંત બની રહે છે. (અલબત્ત, આ પ્રકારની સંવાદરચનાની પદ્ધતિને લીધે પાત્રના ચરિત્રની વિગતો એમાં અતિ અલ્પ પ્રમાણમાં વર્ણવાઈ છે અને તેથી પાત્રોનું સ્વરૂપ અમુક અંશે ‘સ્કેચી’ બનતું હોય, એમ પણ લાગે છે.) વત્સલ એક ધંધામાં સ્થિર થયેલો માણસ છે. એને હૃદયરોગનો વ્યાધિ છે. એની પ્રિયતમા રંજના એના ‘હાર્ટઍટૅક’થી માહિતગાર છે એટલે મૃત્યુના ખ્યાલને તે અવગણી નાખવાને સૂચવે છે. પરંતુ ત્રીજા ‘ઍટૅક’માં વત્સલે મૃત્યુનો ત્રીજો ‘ચહેરો’ જોયો. પહેલાં તો તેણે મૃત્યુના ખ્યાલ માત્રને ખંખેરી કાઢી મૃત્યુની વંચના કરી જોઈ પરંતુ ત્રીજા ‘ઍટૅક’ પછી એની વંચના કરવાનું બની શક્યું નહિ. મૃત્યુના ભયથી તે કોઈ રૂંધામણ અનુભવી રહ્યો. હવે તેણે મૃત્યુના બોજને ફગાવી દેવા નવું કદમ ઉઠાવ્યું. રંજનાને તેણે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. એ ક્ષણે રંજના ડગી ગઈ. કદાચ વત્સલ મૃત્યુયાત્રી હતો તેનો ભય તેને ડારી રહ્યો હતો. તેને પોતાની વત્સલ માટેની લાગણી જ ભ્રાન્તિરૂપ લાગવા માંડી અને, સાચે જ અત્યાર સુધી પોતે માનેલો પ્રેમ વાસ્તવમાં ભ્રમણા જ નીવડ્યો. તે જાણે કે નિર્ભ્રાન્ત બની ગઈ. બીજી બાજુ રંજનાને નિરુત્તર જોઈ વત્સલ વિમાસણમાં મુકાયો. તેણેય રંજના જોડેના પ્રણયસંબંધને ઓળખવા પ્રયત્ન કર્યો. તેને હવે પોતાની જિંદગી જ નવા રૂપે જોવા મળી હતી. ભૂતકાળ હવે સ્વપ્નરૂપ છલના લાગતો હતો. એટલે પ્રણય જેવું કોઈ વાસ્તવિક તત્ત્વ તેની પકડમાં આવ્યું નહિ. એક વાર માંદગીને બિછાનેથી એણે રંજના સમક્ષ એકરાર કરતાં કહ્યું : ‘તને પણ પરીકથા જ કહી છે, રંજના, પ્રેમની અને દંભની એવી ઘણી બધી.’ (પૃ. ૧૮૧) આમ મૃત્યુના વાસ્તવને ખ્યાલે બંનેને અંતર્મુખ કર્યાં અને એમની પ્રણયવાસના માત્ર છલનારૂપ જ હતી એ વસ્તુ અનુભવમાં આવી. (અલબત્ત, રંજનાએ વત્સલની સેવા કરવાની સમજણથી તેના લગ્નનો પ્રસ્તાવ અંતે માન્ય રાખ્યો, પરંતુ હવે તેઓ જીવનની કોઈક નક્કર ભૂમિ પર ડગ માંડતાં હતાં.) વત્સલ-રંજનાના આ પ્રણયવૃત્તાંતનાં જેવું જ બીજું મહત્ત્વનું વૃત્તાંત છે નીતિન અને નાન્સીનું. રંજનાની બહેન સુહાસને કામલોલુપ વૃત્તિથી નિહાળતો નીતિન પ્રથમ પરિચયે તો લંપટ જેવો જ લાગે પરંતુ તેનું સાચું સ્વરૂપ તો તેના સુહાસ જોડે સાગરકાંઠેના મિલન પ્રસંગે છતું થાય છે. નીતિન સુહાસ સમક્ષ પોતાનું અંતર ખોલીને કહે છે : ‘આપણને ઘણું બધું જોઈતું હોય છે, એ મેળવવાની પાત્રતા છે કે નહીં એના ખ્યાલ વગર’ (પૃ. ૬૯). નીતિનના વ્યક્તિત્વનો આ ઊજળો અંશ છે. પોતાને ખરેખર શેની ઝંખના છે તેનો તેને સાચો ખ્યાલ જ આવતો નથી. આમ પોતાની મનોવૃત્તિનો તાગ મેળવવામાં નિષ્ફળ નીતિન કશીક વ્યગ્રતામાં જીવી રહ્યો છે. સુહાસે તેની ઇચ્છાનો વિવેકપૂર્વક અનાદર કર્યો એ પછી તો નીતિન સાચે જ અસ્વસ્થ બની ગયો. એવામાં એના મિત્ર અશેષના મૉડેલ તરીકે આવતી મિસ નાન્સી નામે યુવતીનો પરિચય થયો. નીતિને નાન્સીને મૉડેલ તરીકે નિર્વસ્ત્ર દેહે જોઈ એ ક્ષણે જ એને ઊંડે ઊંડે સ્પષ્ટ થતું હતું કે પોતે જે કશાકની ઝંખના કરતો હતો એ કદાચ નારીનો સ્થૂળ દેહ નહિ, કશુંક બીજું જ. એ પછી તો, નાન્સી ફરી મળી ત્યારે તેણે નીતિનને આતુર દૃષ્ટિએ ‘આમંત્રણ’ આપ્યું છતાંયે નીતિન કંઈક ઉદાસીન જ રહ્યો. તેને પોતાના અકળ મનનો તાગ લેવો હતો પરંતુ કશુંય સમજાતું નહોતું. તે હવે જિંદગી વિષે નિર્ભ્રાન્ત બનતો જતો હતો. પોતાની અતિ તીવ્ર વાસનાલોલુપ વૃત્તિનો તેણે એકરાર સુદ્ધાં કર્યો, પરંતુ તે પોતાને સમજી શકતો નહોતો અને નીતિનના જીવનનું આ કરુણ રહસ્ય છે. બીજી બાજુ નીતિને નાન્સીની ઉપેક્ષા કરી એ વસ્તુ નાન્સીના જીવનમાં અસામાન્ય ઘટના પુરવાર થઈ. તેને પણ પોતે અત્યાર સુધી વિતાવેલી કૃતક જિંદગી ડંખવા લાગી. તેય નિર્ભ્રાન્ત બની. તેને આ જાગૃતિની ક્ષણોની યાતના અસહ્ય થઈ પડી અને તેણે આપઘાતનો માર્ગ લીધો. આમ નીતિન અને નાન્સી બંનેએ પોતાને ઓળખવાનો થોડોક પ્રયત્ન કર્યો અને તેમની દૃષ્ટિમાંથી જિંદગીની છલનાનું રૂપ ખસી ગયું. આ એમના જીવનની કરુણતા છે. દિલાવર-સુહાસના વૃત્તાંતમાંય આ જ પ્રકારે ભ્રમણાનું નિરસન થતું જોવા મળે છે. આરંભમાં દિલાવરે વર્તમાનમાં જીવી લેવાની વૃત્તિ કેળવી પરંતુ એના પિતા ખાંસાહેબે એને માર્ગ ચીંધ્યો. દિલાવરને અતિ મુગ્ધભાવે ઓળખતી સુહાસ એક ભ્રાન્તિની દુનિયામાં રાચતી હતી. પરંતુ જ્યારે દિલાવરે ગૃહત્યાગ કર્યો ત્યારે જ તેને લાગ્યું કે પોતે કોઈ હળવાશનો અનુભવ કરી રહી હતી. આમ મુખ્ય મુખ્ય વૃત્તાંતોનું અવલોકન કરતાં એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે લેખકનો જીવન વિષેનો અભિગમ વિલક્ષણ છે. આ બધાં પાત્રો કોઈ ને કોઈ ભ્રાંતિની દુનિયા રચીને જીવવા મથતાં હોય છે પરંતુ કાળના કોઈ ને કોઈ આંચકા સાથે જ એમની ભ્રાંતિ તૂટી જતી હોય છે. એ સૌને વીતેલી જિંદગી જાણે કે છલનારૂપ લાગે છે. માનવી પોતાના ચંચલ મનની ઝંખનાને ઓળખવા ક્યાં સમર્થ હોય છે? એ તો વિષમ સંજોગોમાંયે પોતાને ગમતી દુનિયા રચીને તેમાં ખૂંપી જવાને મથે છે અને એમ કરતાં કોઈ આત્મવંચના કરી રહે છે! માનવીના જીવનની કરુણતા આથી વિશેષ બીજી કઈ હોઈ શકે? શ્રી બાલમુકુન્દ કહે છે તેમ એ સૌ ‘જૂઠી ઝાકળની પિછોડી’ ઓઢીને સોડ તાણવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. આમ આ કૃતિનો પ્રધાન સૂર કરુણનો બની રહે છે. નીતિન કે નાન્સી જેવાં પાત્રોમાં ઓછીવત્તી બૂરાઈ હોવા છતાંયે એ પાત્રો અંતે તો સહાનુભૂતિને પાત્ર જ ઠરે છે અને એમાં જ લેખકની વિશિષ્ટ સિદ્ધિ રહેલી છે. વત્સલ-રંજના, નીતિન-નાન્સી અને દિલાવર-સુહાસ જેવાં તરુણ અને નવી પેઢીનાં પાત્રોની ‘કથા’ સામે ખાંસાહેબ-મુન્નીબાઈ અને મનોહરલાલ-સુરેખાનો વૃત્તાંત રહસ્યપૂર્ણ સંદર્ભ રચે છે. આ નવીન પેઢીઓનાં પાત્રોના જીવનમાં નિર્ભ્રાન્ત થવાની ક્ષણોમાં કશીક શૂન્યતા કે વિષાદ જ અવશેષ રહેતાં જણાય છે. જ્યારે જૂની પેઢીનાં પાત્રોનાં (પ્રૌઢ દંપતીનાં) નિરૂપણમાં ક્ષમા, સહિષ્ણુતા અને કશીક ધારકશ્રદ્ધા જેવું જોવા મળે છે. મુન્નીબાઈ, સુરેખા અને વત્સલની માતા – એ ત્રણેય પાત્રો મૃત્યુની ક્ષણોમાં જે એક પ્રકારની સ્વસ્થતા, સમાધાન કે કૃતકૃત્યતાનો અનુભવ કરે છે તે સૂચક છે. એમને કોઈ જીવનધારક તત્ત્વ સાંપડ્યું છે. એટલે જ તેઓ મૃત્યુનાં ડગલાં સાંભળી ડરી જતાં નથી. એ જૂની પેઢીનાં પાત્રો જિંદગીને કશીક શ્રદ્ધાથી, કશીક મુગ્ધતાથી વળગીને જીવી રહ્યાં હોય છે અને મૃત્યુનો પદરવ કોઈને વ્યગ્ર કરી શકતો નથી. આની તુલનામાં નાન્સીનો આપઘાત એક કરુણ કટાક્ષયુક્ત વૃત્તાંત બની રહે છે અને આમ છતાંય આ સૌના જીવનમાં કરુણતાનો અંશ કોઈને કોઈ રૂપે પ્રગટ થયા વિના રહેતો નથી. ખાંસાહેબ અને મનોહરલાલ વીતી ગયેલા ભૂતકાળની સુખદ સ્મૃતિઓનું જતન કરીને જીવવાનો જે પ્રયત્ન કરે છે તે સહાનુભૂતિને પાત્ર ઠરે છે. આ ઉપરાંત આ નવલકથામાં એક કવિના ‘મૃત્યુ’નું વિલક્ષણ આલેખન સમગ્રના સંદર્ભમાં વિશિષ્ટ રહસ્ય પ્રગટ કરે છે. સમયના વહેણથી કપાઈ ગયેલો કવિ જીવતેજીવત ‘મૃત્યુ’ પામ્યો હતો જ. તેની ‘બાલિશ’ વૃત્તિ જોતાં આસપાસના જગત વચ્ચે તે એક વ્યંગચિત્ર જેવો બની રહે છે. લેખકે માનવજીવનને જોવાને વિલક્ષણ અભિગમ કેળવેલો છે. કોઈ એક જ વૃત્તાંતને કેન્દ્રમાં રાખી તેનો સુરેખ ગતિએ વિકાસ સાધવાને બદલે સમાજજીવનનાં અનેક સ્તરનાં અનેકવિધ પાત્રો લઈને જીવનનું એક વિલક્ષણ ચિત્ર આલેખવા એમણે પ્રયત્ન કર્યો છે. પ્રત્યેક ‘પ્રતિબિમ્બ’ એક એક વિશિષ્ટ ક્ષણનું આલેખન છે અને એવાં અનેક ‘પ્રતિબિમ્બો’નું નિર્માણ કરી જીવનના રંગબેરંગી ઇન્દ્રધનુષ જેવી ઝાંય એમાંથી પ્રગટાવવા પ્રયત્ન કર્યો છે. એમાં કેટલાંક ‘પ્રતિબિમ્બો’ પરસ્પરના વિરોધમાં સુંદર નાટયાત્મક કટાક્ષ (Dramatic iony) રચે છે. ઉદાહરણ તરીકે પૃ. ૨૮ પર વત્સલ-રંજનાના સંવાદની અંતિમ ઉક્તિઓ, એના પછીની પ્રતિબિમ્બની દિલાવર-સુહાસની આરંભની પંક્તિઓ જોડે સચોટ વિરોધ રચે છે. વત્સલ : ‘મૃત્યુ વિષે આપણે ક્યારેય વિચારીએ છીએ? મૃત્યુ વિષે વિચારતાં નથી એટલે તો જીવનને સમજી શકતાં નથી.’
xxx
દિલાવર : ‘સુહાસ, માણસ મૃત્યુની વિડંબના કરતો થાય, ત્યાંથી તેની જિંદગી શરૂ થાય છે. એ પહેલાં એની જિંદગી નથી હોતી.’ (પૃ. ૨૮) આ પ્રકારના પરસ્પર વિરોધમાં મૂકીને આયોજાયેલાં ‘પ્રતિબિમ્બો’ સચોટતા સાધે છે એટલું જ નહિ, દરેક ‘પ્રતિબિમ્બ’માં વ્યંજિત થતી વસ્તુ એક અપૂર્વ ઝાંય રચે છે, કશીક ચારુતા પ્રગટ કરે છે. પરંતુ, આ રચનારીતિનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં જણાય છે કે પ્રથમ દૃષ્ટિએ એમાં જે એક નવીનતાની છાપ પડે છે એટલી નવીનતા વસ્તુતઃ કદાચ નથી. એમાંનાં કેટલાંક ‘પ્રતિબિમ્બો’ માત્ર સંવાદોનું કાઠું જ ધરાવે છે જ્યારે કેટલાંક ‘પ્રતિબિમ્બો’ સ્થળકાળની કેટલીક વિગતોવાળાં અને ઠીક ઠીક વિકસિત જણાય છે અને તે ‘પ્રતિબિમ્બો’નું સ્વરૂપ તત્ત્વતઃ નવું નથી. દાખલા તરીકે વત્સલ અને રંજનાનું મિલન (પૃ. ૧ અને પૃ. ૮), મનોહરલાલ અને સુહાસનો સંવાદ (પૃ. ૨૨), ખાંસાહેબ અને મનોહરલાલનો મેળાપ (પૃ. ૨૯), ખાંસાહેબ અને મુન્નીબાઈનું મિલન (પૃ. ૩૨), વત્સલનું સંસ્મરણ (પૃ. ૩૫), વત્સલનું મૃત્યુદર્શન (પૃ. ૩૮) – જેવાં ‘પ્રતિબિમ્બો’ કંઈક સુરેખ નાટ્યાત્મક સંવિધાન પ્રગટ કરે છે અને તેનું સ્વરૂપ આપણા પરિચયમાં આવતી નવલકથાઓનાં નાનાં પ્રકરણને મળતું આવે છે. કદાચ, આ પ્રકારે વિકસેલાં પ્રતિબિમ્બો વધુ સઘન રસાનુભવ કરાવે છે એમ સહૃદયોને લાગશે. આમ લેખકની પ્રયોગદૃષ્ટિએ નિપજાવેલી રીતિની ક્ષમતા વિશે વિચારતાં એની મર્યાદાઓ અવગણી કાઢવાનું શક્ય નથી. નવલકથાના સ્વરૂપમાં જીવનનું ‘બિમ્બ’ વધુ સઘનરૂપે, અખિલાઈમાં અને એકાગ્રતાથી આલેખવાની ક્ષમતા છે. એટલે માનવી-માનવી વચ્ચેના અમુક વિશિષ્ટ પળોના સંવાદોને યોજી વૃત્તાંત રચવામાંયે માનવજીવનનું હાર્દ ન ઝલાય એવું તો નથી જ પરંતુ બૃહદ વિશ્વલોકનાં સત્ત્વો સર્જકના સંવેદન-વિશ્વમાં સાકાર થવા ચાહતાં હોય તો તે સૌને અવકાશ આપે એવું નવલકથાનું કાઠું છે. મહાનવલનો સર્જક નવલકથાની એ ક્ષમતાની ઉપેક્ષા ન કરી શકે. છતાંય, ‘પળનાં પ્રતિબિમ્બ’નું રચનાવૈચિત્ર્ય તાજગીનો અનુભવ તો કરાવે છે જ. જીવનનું ઝળાંઝળાં થતું અમુક ક્ષણોનું એનું આગવું સૌંદર્ય પણ છે જ. એટલું જ કે મહાનવલ સર્જવાને કદાચ આ રાજમાર્ગ હોય એમ લાગતું નથી.
૪ એક અને એક
‘આકાર’ના સર્જક શ્રી ચન્દ્રકાન્ત બક્ષી ‘એક અને એક’ જેવી નૈરાશ્યવાદી જીવનને નિરૂપતી બીજી એક કૃતિ સાદર કરે છે. ‘આકાર’નો યશ શાહ તો વર્તમાન જીવનમાં જણાતી એકલતા, હતાશા અને શૂન્યતાના મૂર્તિમંત અવતાર સમો હતો. ‘એક અને એક’નો સંજીત શાહ એ યશના પાત્રની સહેજ જુદા કોણથી આલેખાયેલી તસવીર (profile) જેવો છે. અલબત્ત, સંજીતમાં યશના જેવો હાડ ગાળી નાંખે એવો નિરાશાવાદ નથી પરંતુ યશના વ્યક્તિત્વની લગભગ બધી જ લાક્ષણિક રેખાઓ એના વદન પર અંકાયેલી છે. સંદર્ભ નવો છે, દૃષ્ટિ નવી નથી. ‘એક અને એક’માં અનેકોની વચ્ચે એકલતામાં જીવતાં અને રઝળપાટ કરી જિંદગી ગુજારતાં જે બે પાત્રોની કથા આલેખાઈ છે તેમાંનું એક છે સંજીત શાહ અને બીજું પાત્ર છે સપના જોશી. સંજીત ઘરભંગ થયેલો પુરુષ છે. તેની પત્ની ઈના તેના ‘વિચિત્ર’ વર્તનનેલીધે છૂટાછેડા લઈ મિ. આચાર્યને પરણી ગઈ છે. (એમની એક માત્ર પુત્રી નોરાને ઈના પોતાની સાથે લઈ ગઈ છે.) જો કે ઈના જોડેનું દાંપત્યજીવન આમ તો સાવ છિન્નભિન્ન થઈ ગયું હતું પરંતુ ઈનાના આ ઘરત્યાગના પ્રસંગ પછી સંજીતની જિંદગીમાં ભયંકર એકલતા અને શૂન્યતા વ્યાપી વળી. પુત્રી નોરા માટે તેને સાચે જ ઘણી લાગણી હતી એટલે નોરાની સ્મૃતિની સાથે જ તેને તેના ટૂંકા દાંપત્યજીવનની સ્મૃતિઓ પણ સતાવવા લાગી. તેની ખાલીખમ જિંદગીમાં એક અવકાશ ઊભો થયો. તે જાણે વિકલાંગ બન્યો. જીવનમાં કોઈ દિશા નથી, કોઈ ગંતવ્ય નથી, એટલે તેણે વ્યગ્ર ચિત્તે રઝળાટ આરંભ્યો. મીરપુરમાં પિતાને મળવા જતો હતો ત્યાં ટ્રેનમાં જ સપનાની ઓળખાણ થઈ. બે નિરુદ્દેશે ભટકતાં, બોજિલ જિંદગીને ઢસડતાં એકલવાયાં માનવીઓનો આકસ્મિક મેળાપ થયો. પરંતુ બન્ને વચ્ચે કશીક શૂન્યતા, કશીક નિશ્ચેતનતા અંતરાય રચીને પડી હતી. સપનાએ વિષમ કૌટુંબિક સંજોગોને કારણે અપરિણીત જિંદગી સ્વીકારેલી પરંતુ આજે – લગ્નવય વીતી ગયા પછી – તેનું જીવન માત્ર એકલતામાં રૂંધાતું રહ્યું હતું. બંનેને એક બીજાનો પરિચય તો થયો પરંતુ હવે એમાં કોઈને લગ્નજીવનની જરાય વૃત્તિ રહી નથી. માત્ર કશીક અતૃપ્ત વાસનાઓનો આવેગ તેમને નૈનિતાલની રંગીન નશીલી દુનિયામાં ખેંચી જાય છે. સ્થૂળ ભોગવિલાસની દુનિયામાં ખોવાઈ જવાનો એક મરણિયો પ્રયત્ન તેઓ કરી છૂટે છે – કોઈ શાહમૃગની જેમ. એક સુંદર પ્રભાતે તો સપનાએ શમણું પણ જોયું. પોતાની પાસે ઊભેલા સંજીતને દૂર દૂર હિમાલયના ધવલશૃંગો બતાવી તેણે કહ્યુંયે ખરું, ‘સ્વર્ગ જેવું લાગે છે!’ (પૃ. ૨૫૧) પરંતુ ‘સ્વર્ગ’ એ છલના હતી! તેમના પગ આ ધરતીમાં ખૂંપ્યા હતા! પાછાં ફરતાં સંજીતને ટ્રેનમાં જ રોગનો હુમલો આવ્યો અને તે મૃત્યુ પામ્યો. અને વળી પાછી એ જ એકલવાયી બોજિલ જિંદગીને વેંઢારી સપનાએ ‘જીવ્યા’ કરવાનું ચાલુ રાખ્યું! આમ, સંજીત અને સપના એ બેની એકલવાયી જિંદગીનાં વર્તુળોના પરિઘ એકાદ બિંદુએ સ્પર્શાયા એટલું જ, બાકી બંનેના જીવનના આંતરપ્રવાહો તો જાણે અસ્પૃષ્ટ જ રહ્યા. બંનેની વચ્ચે કશીક નિર્વેદની, કશીક નિર્ભ્રાન્તિની વૃત્તિ અંતરાય રચીને પડે છે એટલે તેમને ‘એક’ થવાની કોઈ ક્ષણ આવતી જ નથી. આ વાર્તાનું શીર્ષક ‘એક અને એક’નું રહસ્ય આ જ હશે કદાચ. વળી આ નવલકથામાં સંજીત અને સપનાની જ નહિ, સંજીતના પિતા અને તેમની નોકરડી રેખાની એકલવાયી જિંદગી પણ નિરૂપાયેલી છે. લેખકનો જીવન પરત્વેનો અભિગમ નૈરાશ્યવાદીનો છે એ તો એમની આગળની કૃતિઓ અને તેમાંયે વિશેષે ‘આકાર’માંથી સહજ રીતે પ્રતીત થાય છે. કદાચ સજર્કના આ વલણના મૂળમાં અસ્તિત્વવાદી ધારાનો પ્રભાવ હોય. ‘આકાર’માં યશ વર્તમાન યુગની હતાશાની જીવંત મૂર્તિ જેવો હતો. તેની જિંદગી એક હેતુવિહીન રઝળાટથી વિશેષ નહોતી. માત્ર લેખકની એ સર્જક કૃતિ (‘આકાર’) જે પ્રકારે જીવન વિશે અભિકોણ દાખવીને જીવનનું ‘દર્શન’ કરાવે છે તેટલા પૂરતું એને મૂલ્ય પ્રાપ્ત થાય છે. સંજીતની આ કથામાં આલેખાયેલી જિંદગીમાં કશુંક અસ્તિવાચક મૂલ્ય પણ અનુભવાય છે. પોતે ઈનાના જવાથી હતાશ થયો પરંતુ તેના શૂન્યચિત્તાવકાશમાં પણ પુત્રી નોરાની લાગણી પ્રબળ હતી. નોરા માટેની તેની લાગણી એક હૃદ્ય એવું મૂલ્ય બની રહે છે. (લીનાબહેનનું પાત્ર એવું જ એક ભાવનાપરાયણ પાત્ર છે.) સંજીત સાચે જ ‘નિર્ભ્રાન્ત’ હતો અને એ કારણે જ ઈના જોડે તે કૃતક જિંદગીનું મહોરું પહેરી વેશ ભજવી શકતો નહોતો, એમ તે કહે છે. વર્તમાન જીવનથી ક્યારેક તે વ્યંગ બને છે. તેને ક્યારેક આસપાસના જીવનની જડતા, સ્થગિતતા કઠે છે અને પોતાના સ્થગિત થતા જતા જીવનને કશોક આવેગ, કશોક નશો ચઢાવી ‘જીવવાનું’ તે ચાલુ રાખે છે. અને ‘જીવવાનો’ તેનો પ્રયત્ન એટલે બીજો કોઈ પ્રયત્ન નહિ; પોતાની જાત સામે ટકી રહેવાનો પ્રયત્ન. અને તેથી જ તે ભોગવિલાસની દુનિયામાં ખૂંપી જવા મથે છે. સંજીત અને સપના જ નહિ, આ કથામાંનાં અન્ય પાત્રો – અંજન, હીમા અને ઍરફોર્સના અધિકારીઓ અને તેમની પત્નીઓ – બધા જ વર્તમાનને માણી લેવાની પેરવીમાં છે. અત્યંત છીછરાં ઠઠ્ઠામશ્કરી, ક્ષુલ્લક વાતો અને ઉદરપોષણ સિવાય તેમને કશામાં રસ જણાતો નથી. વળી સંજીત અને અંજન તો વેશ્યા જોડે અતિ સહજ વૃત્તિથી જાતીય સુખમાં રાચે છે. આ પાત્રોને પોતાનાં એ કૃત્યો બદલ જરાયે અરેરાટી થતી નથી, એનો જરાયે ડંખ નથી કે નથી કોઈ પાપપુણ્યની પીંજણ, અંજનાને ત્યાં યોજાયેલી પાર્ટીમાંના બધાં માણસો જાણે પશુસહજ ભોગવિલાસમાં રાચતાં દેખાય છે. હકીકતમાં એ સૌની વેદનશીલતા બધિર થઈ ગઈ છે. સૌ કોઈ જીવનના ઘોંઘાટમાં ખોવાઈ જવા ચાહે છે. માત્ર દંભ અને વંચના જ દેખાય છે. આ કથાના આરંભમાંનાં પ્રકરણમાં જંગલી પ્રજાની શરાબઘેલછા અને જંગલી નૃત્યોનું અને અન્ય પ્રકરણમાં વર્તમાનમાં ‘સભ્ય’ કહેવાતા ‘સમાજ’ની જંગલિયતનું આલેખન કરી લેખક એ બંનેની પ્રાકૃતતા વ્યંજિત કરી કટાક્ષપૂર્ણ સંદર્ભ રચે છે. આમ, લેખકે વર્તમાન સમાજ અને વર્તમાન માનવીને જોવાનો જે અભિગમ કેળવ્યો છે એના સ્વાભાવિક પરિણામે આ નવલકથાનું કાઠુંય વિલક્ષણ બન્યું છે. સંજીત અને સપનાની કથા એ બે એકલવાયાં માનવીઓના રઝળપાટની કથા છે, સંજીત એકલતા, હતાશાનો ભોગ બન્યો છે. તેને પોતાની જિંદગીમાં કોઈ હેતુ નથી એટલે સંજોગોમાં લાચાર બની તે આમથી તેમ ફંગોળાયા કરે છે. પરંતુ વિષમતા સામે ઝૂઝવાને કે પોતાની જાત સામે ઝૂઝવાને કોઈ બળ તેની પાસે નથી. એટલે તે કોઈ મહત્ત્વપૂર્ણ ઘટનાઓનો કર્તા નથી. વળી તેની પાસે એવું કોઈ જામત moral conscience પણ નથી. આને પરિણામે કોઈ બળવાન ચિત્તસંઘર્ષને અવકાશ નથી. માત્ર સંજીત અને સપના જે દુનિયામાં વિચરે છે એ દુનિયા – એ પરિસ્થિતિ – પોતે જ જાણે કે નિરૂપણનો વિષય બને છે. શ્રી ચન્દ્રકાન્ત બક્ષીએ વસ્તુનિરૂપણ અર્થે પોતાની આગવી કહેવાય એવી ગદ્યશૈલી પ્રયોજી છે. સંજીવની એકલતા અને શૂન્યમનસ્ક દશાનું નિરૂપણ તેમણે કુશળતાથી કરેલું છે. શૂન્યમનસ્ક ચિત્ત બાહ્ય વિશ્વના પદાર્થોની સ્થિતિગતિને જે નિષ્ક્રિયતાથી નિહાળે છે એટલે કે શૂન્યમનસ્ક દશામાં બહારના ઘોંઘાટો જે રીતે ચિત્ત પર ઘાત કરે છે અથવા બહારના પદાર્થો રેતીના પટ પરથી ત્વરિત ગતિએ પસાર થાય છે – તેનું તેઓ કુશળતાથી આલેખન કરે છે. બાહ્ય સૃષ્ટિના ઇંદ્રિયગોચર અનુભવોને તેઓ બારીકાઈથી અવલોકીને રજૂ કરે છે. પદાર્થોની જુદા જુદા રંગની છાયાઓ તેઓ કુશળતાથી પ્રગટ કરી શકે છે. જો કે ક્યારેક એમનું વર્ણન એક ઘાટીરૂપ તો બનતું નથી ને એવી દહેશત પણ રહે છે. વળી એમણે વર્તમાન જીવનની અભદ્ર બાજુનું ચિત્ર આલેખવાને કેટલીક વાર જુગુપ્સાપ્રેરક અંશોનું સભાનપણે આલેખન કરેલું જણાય છે. ત્યારે લેખક આવા વસ્તુઓના નિરૂપણમાં રાચતા હોવાનો સંશય ઊઠ્યા કરે છે.
૫ ચહેરા
‘ચહેરા’ એ મધુ રાયની પ્રથમ નવલકથા છે. આપણે એ લેખકને નવલિકાના લેખક તરીકે ઓળખીએ છીએ. ‘બાંશી નામની એક છોકરી’માં એક સર્જક લેખે એમનો અમુક પ્રકારનો અભિનિવેશ આપણે જોઈ શક્યા હતા. ‘ચહેરા’ની સૃષ્ટિ એમની નવલિકાસૃષ્ટિની અપ્રગટ ભૂમિનું પ્રગટ રૂપ છે. આ નવલકથાની ધ્યાન ખેંચે એવી વિલક્ષણતા એ છે કે જેમ પ્રચલિત કથાઓમાં તેના નાયક કે મુખ્ય પાત્રની કથા એક આગવી ભાત રચતી હોય છે અને ઘણુંખરું કેન્દ્રમાં રહેતી હોય છે, તે પ્રકારે આ નવલકથાકારે એવી સુરેખ સુકેન્દ્રિત કથાવસ્તુ લઈને વિકસાવવાનું વલણ કેળવ્યું નથી. માત્ર એમાંનું ‘મુખ્ય’ ગણાય એવું પાત્ર ‘હું’ (જેનું નામ વાર્તાના અંત ભાગમાં જ પ્રગટ કરાયું છે અને તે છે નિષાદ. કદાચ એની વ્યક્તિત્વવિહોણી જિંદગીને કોઈ નામનો મહિમા આપવાની જરૂર લેખકને લાગી ન હોય). પોતાની ગુજરેલી અને ગુજરતી જિંદગીમાંથી કેટલીક ત્રૂટક ત્રૂટક સ્મૃતિઓ રૂપ ‘વીતકકથા’ કહે છે અને પરસ્પરથી વિશ્લિષ્ટ એવા અનેક વૃત્તાંતો દ્વારા આ નવલકથાની વિલક્ષણ ‘સૃષ્ટિ’ સાકાર થાય છે. જો કે બીજા અને ત્રીજા ખંડમાં તેની ‘વીતકકથા’ના કેટલાક તંતુઓ ગૂંથી લેવાયા હોવાથી એમાં અમુક અંશે વસ્તુવિકાસ પણ જોઈ શકાય છે. પરંતુ કૃતિનો સમગ્રતયા વિચાર કરતાં એમાં સુકેન્દ્રિત સુશ્લિષ્ટ વસ્તુવિકાસની અવજ્ઞા કરવામાં આવી છે એમ લાગે છે. કદાચ લેખકને એવો વસ્તુવિકાસ અભિમત જ ન હોય. વર્તમાન જીવનસંજોગોમાં એના ‘નિષાદ’ની કોઈ આગવી કથા જ નથી એમ પણ ઉદ્દિષ્ટ હોય કદાચ. એટલે વ્યક્તિની પ્રચ્છન્ન કથાની ભૂમિકા પર વ્યક્તિના વ્યક્તિત્વનો લોપ કરતી પરિસ્થિતિ જ નિરૂપણનો વિષય બની જણાય છે. આમ, ‘ચહેરા’માં મુખ્ય નિરૂપણનો વિષય બને છે કૃતક ચહેરા ધારણ કરી રહેતી વર્તમાન જિંદગી. આરંભના ખંડમાં તો વાર્તાનો ‘હું’ – નિષાદ – જે વિષમ સંજોગોમાં ઊછર્યો અને જીવવા મથ્યો એ સંજોગો જ વર્ણ્યવિષય છે. દ્વારિકામાં પદુભાઈ જોડે વીતેલા બાળપણની સ્મૃતિ નિમિત્તે દ્વારિકાની અભદ્ર અને ક્ષુદ્ર જિંદગીનું કઠોર રેખાઓમાં ચિત્રણ, કલકત્તાના શેઠ મોહનલાલજીના શ્રીમંત ઘરમાં વીતેલી તેની કિશોર વયની જિંદગીનાં સ્મરણો નિમત્તે શ્રીમંતાઈનું – દંભી પામર જિંદગીનું ચિત્રણ અને તે પછીની તરુણવયે સ્વતંત્ર જિંદગી ઘડવાની મથામણમાં હીણપતભરી અને તેજોવધ કરનારી વર્તમાનની વિષમતાનું નિરૂપણ – એ જ મુખ્ય વક્તવ્ય બની રહે છે. આ સૌના વર્ણન દ્વારા લેખકે સમાજના જુદા જુદા સ્તરનાં અનેક પાત્રોની ક્ષુદ્ર, દંભી, પામર વૃત્તિઓનું દર્શન કરાવ્યું છે. બીજા-ત્રીજા ખંડમાં નિષાદની જિંદગીની કેટલીક ઘટનાઓ દ્વારા એક આછુંપાતળુ કથાનક બંધાવા પામે છે ખરું. કૉલેજની સહાધ્યાયી રંજના માટે તેના અંતરમાં કશીક અસ્પષ્ટ ઝંખના જાગેલી ખરી, પરંતુ પુલુની રંજના તરફની લાગણી જોઈ તેણે તેની વિસ્મૃતિ કરેલી. વળી, ફરી એક વાર તેણે રંજનાનાં દ્વાર ખખડાવેલાં ત્યારે તેણે તેને જાકારો નહોતો દીધો એટલે તે કશીક હતાશામાં રઝળ્યા કરતો હતો. એક વાર (એના ગામની છોકરી) સરલાએ સામે ચાલીને તેને લગ્નનો પ્રસ્તાવ મૂકેલો ત્યારે તે સાવ નિરુત્તર રહેલો. એ પછી તેણે પોતાની એકલ જિંદગીને ભોગવિલાસમાં ડુબાડવાને પ્રયત્નો કરેલા. જાતીય વ્યભિચારનો સ્વચ્છંદ પણ કરેલો. એવામાં પુલુ અને યુસુફે તેને સરલા જોડે લગ્નથી જોડાવાને આગ્રહ કર્યો ત્યારે સરલા નાસંમત થઈ. નિષાદની જિંદગી સાવ બોજીલી બની ગઈ. તેને પોતાની વંચનાનો બોજ લાગ્યો. અંતે તેની નિરુદ્દેશે ભટકતી જિંદગીને રંજનાની દૃષ્ટિમાં એક વાર વિરામ મળ્યો! આમ, બીજા અને ત્રીજા ખંડમાંયે નિષાદનો હેતુ વિનાનો રઝળાટ જ મુખ્ય વક્તવ્ય બને છે. (માત્ર મામાને પોલીસ કસ્ટડીમાંથી છોડાવી લાવવાનું એક ‘કાર્ય’ તેને ખાતે જમા થાય ખરું.) અનેક ચહેરાઓની અનેકવિધ કથનીઓમાંથી આકલન કરતાં કરતાં આટલું કથાનક રચી શકાય ખરું, પરંતુ આગળ નોંધ્યું છે તેમ, આ લેખકને વ્યક્તિજીવનની સુરેખ કથા અભિમત નથી. વિશાળ નગરના કોલાહલમાં નિષાદના જેવી ભટકતી હેતુવિહોણી જિંદગીને આગવી કથા ક્યાંથી હોય? એ તો માનવ કોલાહલમાં ડૂબી જ જાય! નિષાદ-સરલાના વૃત્તાંતની પડછે રંજના-પુલુ-તપતીનો વૃત્તાંત કેટલાક આછા પાતળા તંતુઓથી ગૂંથાયેલો છે. ‘ચહેરા’માં જીવનના વૈષમ્યનું જે પ્રકારે નિરૂપણ થયું છે તે જોતાં એના લેખકની અતિ વાસ્તવવાદી દૃષ્ટિ પ્રગટ થાય છે. કલકત્તામાં બહેનનાં લગ્ન પ્રસંગે આવેલાં સગાંસંબંધીઓ, દોલત અને તેનો ગુરુ હરિભાઈ, ભંવરમલ્લ અને શેઠ મોહનલાલજી, નીલકંઠ, પ્રસાદ અને જમનાલાલજી, યુસૂફ અને પુલુ અને રંજના અને સરલા – બધાં જ જાણે કે મૂળ ચહેરાને ઢાંકીને ફરે છે. બધાં જ ખંધા, લુચ્ચા હાસ્ય દ્વારા કૃતક ચહેરો રચી લે છે. એમની સંવેદના બધિર થઈ ગયેલી છે. આ સૃષ્ટિમાં પણ એ જ ક્ષુદ્ર સ્વાર્થ, છીછરાં હાસ્યમજાક અને ગળ્યો વાણીપ્રપંચ જોવા મળે છે. કોઈને moral conscience રહ્યું નથી એટલે સદ્અસદ્નો સંઘર્ષ જાગતો નથી. માત્ર વર્તમાનમાં જીવી લેવાનું વલણ દેખાય છે. લેખકે વર્તમાન જીવનના અભદ્ર અને ક્ષુદ્ર અંશો નિરૂપતાં કેટલીક વાર વ્યંગ-કટાક્ષનો આશરો લીધો છે તો ક્યારેક ચીડ વ્યક્ત કરી છે. દ્વારિકા જેવી ‘પુણ્યભૂમિ’ની અભદ્ર બાજુને છતી કરી આઘાત આપવાનું વલણ છતું થયા વિના રહેતું નથી. મૂર્ખ ભક્તિ કે દંભનું તેઓ પૂરેપૂરી સભાનતાથી કટાક્ષચિત્ર આલેખે છે. આમ જુઓ તો ‘ચહેરો’ એક ઉપહાસ ચિત્ર છે, પરંતુ તેની ભીતરમાં ક્યાંક ક્યાંક કરુણસ્રોતનો રવ સ્પષ્ટ સંભળાય છે. લેખકે આ કૃતિના નિરૂપણમાં ખાસ તો તેના વસ્તુ આયોજનમાં સભાન વૃત્તિ દાખવી છે. કદાચ વ્યાપક ફેલાયેલી નિશ્ચેષ્ટ, દંભી અને પોકળ જિંદગીમાં કોઈ આસ્તિવાચક મૂલ્ય જ ન સાંપડતું હોય ત્યારે રચનાવૈચિત્ર્ય દ્વારા કશુંક મૂલ્ય સર્જવાની દિશામાં પ્રયાસ દેખાય છે.
૨
આપણે અવલોકેલી સૌ નવલકથાઓ આપણા નવલકથાસાહિત્યના વિભિન્ન ઉન્મેષરૂપ છે. આપણી ચીલાચાલુ નવલકથાઓથી એ કૃતિઓ વક્તવ્ય અને વસ્તુનિરૂપણની દૃષ્ટિએ કેટલોક મહત્ત્વનો ભેદ પણ દાખવે છે. પરંતુ એ દરેક કૃતિનું વક્તવ્ય અને વસ્તુનિરૂપણની શૈલી પરસ્પરથી પણ વિભિન્ન છે. આપણે દરેક કૃતિઓના હાર્દને ઓળખવાનો પ્રયત્ન કરતાં જ જોયું કે દરેક નવલકથાકારની સર્જકપ્રતિભા નિરાળી છે એટલું જ નહિ, નવલકથાના સ્વરૂપમાં આગવી કળાસૂઝ દાખવીને નવા ઉન્મેષ પ્રગટાવવાની દરેકમાં સભાનતાયે છે. ‘અમૃતા’એ નવલકથાનું સ્વરૂપ એના સર્જકની વ્યાપક સંવેદનશીલતાને કારણે આગવું વૈશિષ્ટય દાખવે છે. એની સૃષ્ટિમાં પ્રવેશ કરનારને માનવકથા નિમિત્તે બૃહત્ લોકનાં સત્ત્વોનો સંસ્પર્શ અનુભવવા મળે છે. ‘ધુમ્મસ’ એ માનવીના આધ્યાત્મિક મૃત્યુની કથા છે. એનો વસ્તુવિકાસ પરંપરાઓની નવલકથાઓને મળતો દેખાય છે પરંતુ એમાં પાત્રના અંતરંગને છતું કરવાની રીતિ – ‘સ્ટ્રીમ ઑફ કોન્સિયસનેસ’ –નો પ્રયોગ ધ્યાન ખેંચે તેવો છે. ‘પળનાં પ્રતિબિમ્બ’માં માનુષીપ્રણયનું વિલક્ષણ દૃષ્ટિએ નિરૂપણ થયું છે. એમાંનાં કેટલાંક મુખ્ય પાત્રો એક ભ્રાન્તિમય દુનિયા રચી તેમાં રાચવા ઇચ્છતાં હોય છે અને સંજોગવશાત્ તેમને નિર્ભ્રાન્તિનો અનુભવ થાય છે. આ સર્જકે રચનાવૈચિત્ર્યની દૃષ્ટિએ કરેલો પ્રયોગ એમાં ધ્યાન ખેંચે છે. ‘એક અને એક’ અને ‘ચહેરા’ના લેખકોએ વર્તમાન માનવજીવન અને માનવસંજોગોનું નૈરાશ્યવાદી કહી શકાય એવી દૃષ્ટિએ નિરૂપણ કરેલું છે. વર્તમાન માનવીની એકલતા અને હતાશા નિરૂપવાનું તેમનું વલણ સ્પષ્ટ વરતાઈ આવે છે. એટલે એમનાં પાત્રોનું કાઠું નિરાળું છે. એમની પાસે કોઈ મહત્ત્વની ઘટનાના સર્જક બની શકવાની ક્ષમતા નથી તેમ એવી કોઈ વૃત્તિયે પ્રગટતી નથી. માત્ર સંજોગોની સામે ટકી રહેવા પૂરતો જ તેમનો પ્રયત્ન જણાય છે. એટલે પ્રચલિત વાર્તાઓમાં જે અનેક પાત્રોને ગૂંથી લેતો વસ્તુવિકાસ જોવા મળે છે તેવું અહીં ખાસ બન્યું નથી. અહીં તો એ પાત્રોનો રઝળાટ અને તેઓ જે ‘સૃષ્ટિ’માં વિચરે છે એ ‘સૃષ્ટિ’ જ નિરૂપણનો વિષય છે. આમ આ નવલકથાઓમાં ગુજરાતી નવલકથાની વિવિધ દિશામાં આગેકદમ જવાની આકાંક્ષાનું દર્શન થાય છે. પરંતુ આ નવલકથાઓને એકીસાથે મૂકીને અવલોકતાં કશુંક આશ્ચર્ય જાગે એવું સામ્ય એમાં દેખાવાનું. આ દરેક કૃતિ નિરાળી હોવા છતાંયે એમાં કેટલાક સમાન અંશો રહેલા દેખાય છે. અહીં તેની ટૂંકમાં નિરીક્ષા કરવાનો પ્રયત્ન કરીશું. વર્તમાન માનવ અને માનવપરિસ્થિતિનો સંદર્ભ : આ નવલકથાઓમાં એમના લેખકોની વર્તમાન યુગના જીવનની અભિજ્ઞતાનો કોઈ ને કોઈ પ્રકારે પરિચય થાય છે. ખાસ તો વર્તમાન જીવનનાં સંઘર્ષ, વિસંવાદ અને વિફલતા અને વર્તમાન જીવનસંજોગોની વિષમતા એમાં નિરૂપાયેલી છે વા નિર્દેશાયેલી છે. વર્તમાન માનવની સમસ્યાઓ ઓળખવાના તેમના લેખકોના પ્રયત્નો દેખાય છે. કોઈ પણ યુગના પ્રશ્નોને સારી રીતે ઓળખવાનો એક સારો માર્ગ એ છે કે યુગમાંના માનવ-માનવ વચ્ચે કેવા પ્રકારના સંબંધો સ્થપાતા હોય છે, તેનાથી માહિતગાર થવું. આ નવલકથાકારોએ આજના માનવનું તેમ જ માનવ-માનવ વચ્ચેના સંબંધોનું નિરૂપણ કરવાની દિશામાં પ્રવૃત્તિ કરેલી છે. ‘અમૃતા’નો ઉદયન પોતાના યુગની માનવસમસ્યાઓથી અભિજ્ઞ છે. કેટલીક વાર તે વ્યગ્ર બની ઊઠે છે : ‘આ બધાં રૂઢિગ્રસ્ત સમાજોનાં જડ ચોકઠાંમાં ફેંકાયેલો માણસ પોતાની સ્વતંત્રતાના હક વિશે સભાન થાય તો જીવી પણ ન શકે.... આ માણસ જેને જીવે છે એ જીવન છે? સહુની સાથે સમાધાન કરીને અને પોતાની સાથે બેવફા થઈને માણસે જીવન સામે આંખ આડા કાન કર્યા છે.’ (પૃ. ૮૪) ‘ધુમ્મસ’નો ગૌતમ વર્તમાન જીવનની કંગાલિયત જોઈ અકળાઈ ઊઠે છે : ‘....પણ આશ્ચર્ય તો એ વાતનું છે કે આટલાં વર્ષો પછી પણ, હજારો વર્ષો પછી પણ, આપણે ત્યાંના ત્યાં જ છીએ, ધર્મ, સંસ્કૃતિ, કાયદો, રાજ્યવ્યવસ્થા, હિંસા અને અહિંસા, એ બધાં પછી પણ આપણે જરાય આગળ વધ્યા નથી.’ (પૃ. ૨૫) ‘એક અને એક’નો સંજીત વર્તમાન નગરજીવનનું અવલોકન કરતાં વિચારી રહે છે : ‘... બધાં જ શહેરો એક જેવાં હતાં. એક માણસો, બાળકો, સ્ત્રીઓ, પુરુષો, ઘોડાગાડીના ઘોડાઓ, ટૅક્સીના ડ્રાઇવરો, બસના અવાજો, શહેરના આકાશના રંગો... બધા જ એકલા એકલા ટોળામાં ફરતા હતા અને ટોળાઓનાં હૃદય ડાબા હાથ પર બાંધેલી દાણચોરીની ઘડિયાળોની પાછળ ધબકતાં હતાં. સૌને એક એક ચહેરો હતો જે દુનિયાએ બનાવી આપ્યો હતો...’ (પૃ. ૧૭૦) આમ, વર્તમાન માનવસંજોગો વિષે જુદાં જુદાં પાત્રો પોતાના સ્વભાવ પ્રમાણે ફરિયાદ કરે છે. ઉદયન અસ્તિત્વવાદી છે અને વ્યક્તિમાં વ્યક્તિત્વનો અભાવ જોઈ તે વ્યગ્ર બની જાય છે. ગૌતમને લાગે છે કે આજે પણ માણસજાત તેના ભૂતકાળના બધાય પુરુષાર્થ છતાંયે એટલી જ પછાત છે. સંજીત શાહ, નગરના માનવોમાં દેખાતી યાંત્રિક જડ એકતા અને દંભ જોઈ કંઈક આશ્ચર્યમૂઢ બની જાય છે. ‘ચહેરા’નો નિષાદ જે કલકત્તામાં મોટો થયો હતો તેની અભદ્ર જિંદગીનાં ચિત્રનો સાક્ષી છે. સૌ ‘ચહેરો’ બદલીને આત્મવંચના કરી રહ્યું છે એવી તેય ફરિયાદ કરે છે. આમ, આ નવલકથાઓમાંનાં પાત્રો ઉપલક દૃષ્ટિએ જોઈએ તોપણ, વર્તમાન યુગની વિષમતાનો નિર્દેશ કરતાં તો દેખાય છે જ. પરંતુ સહેજ સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ ત્યારે બીજી એક મહત્ત્વની વાત એ સ્પષ્ટ થાય છે કે આજના માનવી-માનવી વચ્ચેના, માનવી અને સમાજ વચ્ચેના અને માનવી અને પરમસત્તા વચ્ચેના સંબંધો કેવા તો આમૂલ ફેરફાર દાખવે છે. ઉદયન આજના યુગની અસ્વસ્થતા અને સંક્ષોભ લઈને જન્મ્યો છે. તેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી, તેમ તે ભૂતકાળ અને ભવિષ્યકાળમાંય માનતો નથી. એ ઉદયનનો વિચારવાદ વંધ્ય છે. સમગ્ર માનવજાતની વિષમતાઓ વિષે વિચાર કરતો છતાં તે કશુંય ‘સક્રિય’ ડગલું ભરી શકતો નથી. ગૌતમ પણ આજનો વિલક્ષણ માનવી છે. ‘જાગૃતિ’ની ક્ષણોમાં તે પણ માનવજાતની મૂર્ચ્છિત ચેતના, પછાતપણું અને વેરાનતાનો વિચાર કરે છે. પરંતુ તેય માત્ર બુદ્ધિવાદના વંટોળમાં જ રૂંપાઈને ગૂંગળાય છે એટલું જ. ‘પળનાં પ્રતિબિમ્બ’માં આ યુગના માનવ-માનવનું લાક્ષણિક ચિત્ર જોવા મળે છે. નીતિન, નાન્સી, વત્સલ અને રંજના – એ બધાંય વર્તમાનમાં જીવવા મથતાં જણાય છે. તેઓ કોઈ ને કોઈ રીતે ક્રાન્તિમય દુનિયા સરજી તેમાં ખોવાઈ જવા ચાહતાં હોય છે. પરંતુ સંજોગવશાત્ તેઓ ‘જાગી’ પડે છે. જીવનનું રૂપ તેમને છલનાનો અનુભવ કરાવે છે. સંજીત અને સપના પણ આજના યુગનાં જ એકલવાયાં પાત્રો છે. એમની જિંદગી બોજીલી બની છે. માત્ર હતાશા અને નિર્વેદ જ તેમના ચિત્તમાં વ્યાપી રહેલાં છે. તેમની વચ્ચે કશીક શૂન્યતા જડ દીવાલની જેમ અંતરાય રચીને પડી છે. નિષાદ પણ એવો જ વ્યક્તિત્વવિહોણો માનવી છે. એનેય કોઈ આગવી મહત્ત્વપૂર્ણ કથા જેવું નથી. સૌ કોઈ આત્મવંચના કરી વર્તમાનમાં જીવી નાખવાનો પ્રયત્ન કરે છે. ‘એક અને એક’ અને ‘ચહેરા’ની સૃષ્ટિમાં આલેખાયેલો ‘સમાજ’ કદાચ સમાજ રહ્યો નથી. માત્ર ટોળાંઓ જ દેખાય છે. એમાંના કોઈ પાત્રને જીવનનું મૂલ્ય હોય અથવા જીવનની કોઈ દિશા જડી હોય એવું લાગતું નથી. એ બધાંની વેદનશીલતા જડ થઈ ગઈ છે. એમના જીવનમાં કોઈ રહસ્યપૂર્ણ અનુભવ થતો નથી. માત્ર સંજોગવશાત્ physical reflex જેવો કશોક પ્રત્યાઘાત ઝીલે છે. એટલું જ. વળી એમનું moral conscience મૃત્યુ પામ્યું છે એટલે એમનાં દુષ્કૃત્યો બદલ નૈતિક સંઘર્ષ રહેતો નથી. આમ એમની દૃષ્ટિમાં વર્તમાન માનવીની જિંદગી એટલે all sound and fury signifying nothing. આમ, આ નવલકથાઓમાં વર્તમાન જીવનની વિષમતાઓનું ચિત્રણ જોવા મળે છે. અલબત્ત, આ પૂર્વેની નવલકથાઓમાંયે વર્તમાન સમાજના કોઈ ને કોઈ પ્રશ્નો આલેખાયા તો હતા જ પરંતુ આજના જીવનમાં પ્રગટતાં વિસંવાદ, દંભ, વંચના કે છલનાનું આટલું ભારપૂર્વક નિરૂપણ ભાગ્યે જ થયું હશે. અસ્તિત્વવાદી વિચારણાનો પ્રભાવ : કામૂ અને સાર્ત્ર જેવા સાહિત્યકારોએ અસ્તિત્વવાદી વિચારણામાં અમુક અંશે નવું રહસ્ય પ્રગટ કર્યું અને એમની એ દૃષ્ટિ એમના સાહિત્યસર્જનમાંયે સાકાર થઈ. એ પછી અસ્તિત્વવાદી વિચાર સાહિત્યના સર્જનમાં એક પ્રભાવક બળ બનતું દેખાય છે. આ ચિંતકોનો પાયાનો વિચાર છે કે માનવીને આ દુનિયામાં ‘સ્વતંત્રતા’ દઈ હડસેલી મૂકવામાં આવ્યો છે. Man is condemned free in this world. આ ચિંતકો ઈશ્વરની પરમ સત્તાનો સ્વીકાર કરતા નથી તેમ કોઈ અંતિમ જીવનલક્ષ્યનો શ્રદ્ધામૂલક સ્વીકાર પણ કરતા નથી. માનવ એ રીતે આ ચોમેર અંધારિયા ખંડમાં એકલવાયો છે. તેને અંતિમ સત્ય પામવાનાં સાધનો ‘તૈયાર’ મળ્યાં નથી. એટલે તે આ દુનિયામાં ‘હડસેલી’ મુકાયેલો, ત્યજાયેલો, લાચાર અને બેસહાય છે. વર્તમાનજીવનના સંજોગો અતિ વિષમ બન્યા છે ત્યારે આ વિચારણાને પુષ્ટિ મળે એ સહજ છે. આપણી આ નવલકથાઓમાં એ ‘વાદ’નો જુદા જુદા પ્રકારે પ્રભાવ પડતો દેખાય છે. ‘અમૃતા’નો ઉદયન અસ્તિત્વવાદી છે. એને સ્વાનુભવમાં પ્રતીત થતું જગત જ સ્વીકાર્ય લાગે છે. તર્કાતીત કે ઇંદ્રિયાતીત અનુભવો કે શ્રદ્ધાનો તે સ્વીકાર કરતો નથી. આ જગતના વિધાતાની તેને ખબર નથી. એટલે જ તો, આજના વિષમ માનવસંગ્રામમાં ગીતાગાયક શ્રી કૃષ્ણ ભગવાન આજે પથદર્શક-નાયક નથી અને સઘળાં કાર્યોની જવાબદારી માનવીને શિરે છે એમ તે માને છે. (‘અમૃતા’ના લેખકે, માનવીને પોતાના જીવનશ્રેય અર્થે શ્રદ્ધામૂલક અભિગમ કેળવવો કે સંશય કેળવીને આગળ વધવું તેના નિર્ણય વિશે સ્વતંત્ર છોડી દેવામાં આવ્યો છે એવું સમુદ્રમંથનની પૌરાણિક કથા દ્વારા અર્થઘટન કરી બતાવ્યું છે.) ઉદયનના ચિત્તમાં માનવીની શાશ્વત યાતના વ્યગ્રતા જગાડી મૂકે છે અને કલ્પનાશીલ ઉદયનને અશ્વત્થામાના પાત્રમાં માનવીની શાશ્વત યાતનાનું રહસ્ય જડી આવે છે. ‘ધુમ્મસ’નો ગૌતમ પણ એવી જ વિચારણા પ્રગટ કરતો દેખાય છે. તેનેય એમ લાગે છે કે માનવીને વ્યક્તિત્વ જેવું રહ્યું નથી. સૌ કોઈ આત્મવંચના કરી મોહનિદ્રામાં જીવી જવા મથે છે. ગૌતમ ઈશ્વરની સત્તાનો સ્વીકાર કરતો નથી. તેમ તેને કોઈ પરંપરા કે રૂઢિનું મૂલ્ય નથી. ભૂતકાળ જોડે તેનો સંબંધ કપાઈ જવા પામ્યો છે. આ જગતમાં ઈશ્વર હોત તો આ જગતની દશા આટલી કરુણ હોત નહિ એવો તે વાદ કરે છે. આમ છતાં બંને કૃતિઓનું રહસ્ય ભિન્ન છે. ઉદયન અમૃતાના અંતરનો ભાવસંસ્પર્શ પામી પોતાના અહંનું વિગલન થતું અનુભવે છે. તેને નવી દૃષ્ટિ સાંપડે છે. ગૌતમ પોતે પોતાના ચિત્તમાં જાગેલી વ્યગ્રતા અને વિષાદને ફગાવી આત્મઘાતનો માર્ગ લે છે. વળી ઉદયનનો પ્રતિવાદ કરતો અનિકેત અને ગૌતમના વિચારોનો પ્રતિવાદ કરતો જીતુ કેટલુંક સામ્ય પ્રગટ કરે છે. બંનેનો જીવનાભિગમ શ્રદ્ધામૂલક છે. બંને ઈશ્વરની સત્તા સ્વીકારીને ચાલે છે. આચાર્યોના ઉપદેશ અને ભૂતકાળની પરંપરાઓનો બંને સ્વીકાર કરે છે. બંને પોતાના આચારવિચારમાં સંવાદ સ્થાપવા મથે છે. ‘એક અને એક’ (અને ‘આકાર’માં પણ) માનવજીવનની લાચારી, હતાશા અને એકલતાનું જે નિરૂપણ થયું છે એના મૂળમાં અસ્તિત્વવાદ જેવો કોઈ વાદ જ પ્રત્યક્ષ વા પરોક્ષ રીતે પ્રભાવક હોય એમ લાગે છે. ચન્દ્રકાન્ત બક્ષી અને મધુ રાય બંને માનવીની પામરતાનું ચિત્ર આલેખવા ઉત્સુક જણાય છે તે હકીકત આપણા નવલકથા સાહિત્યમાં અત્યંત વિલક્ષણ ભાત પાડે છે. પાત્રનું અંતરંગ નિરૂપવાના પ્રયત્નો : પાત્રસર્જનની બાબતમાં આપણે અવલોકેલી નવલકથાઓમાં એક મહત્ત્વનો ફેરફાર થતો દેખાય છે. જૂની દળદાર નવલકથાઓમાં જે ઘટનાપ્રચૂર કથાવસ્તુ સ્થાન પામતી તેને બદલે, અહીં અમુક અમુક પાત્રોના જીવનના અંતરંગને છતું કરવા તરફનું વલણ દેખાય છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો માનવી-માનવી વચ્ચેના આંતરસંબંધો નિરૂપવા તરફનો ઝોક દેખાય છે. પરિણામે આ પાત્રોનું કાઠું બદલાતું દેખાય છે. ‘અમૃતા’નાં ત્રણે પાત્રો પોતાની સત્તાથી સભાન છે. એ દરેક પાત્ર પોતાના જીવનનો માર્ગ શોધવા અંતર્મુખ બનીને આંતરખોજ કરે છે. અસ્તિત્વવાદી ઉદયન તો સ્વાનુભવમાં આવતા જગતનો જ સ્વીકાર કરે છે. એટલે જ તે પોતાના અસ્તિત્વને પ્રમાણવા હમેશાં આત્માભિમુખ હોય છે. સતત self counter આદરીને તે પોતાના અસ્તિત્વને આશ્લેષમાં લેવા ચાહે છે. એને ઊઠતા સણકા કે વેદનાની પળોમાં તે સજીવતાને જ્ઞાતરૂપે પામવા પ્રયત્ન કરે છે. અનિકેત બૃહદ્ના યોગની ઝંખના કરે છે. અમૃતા એ બે પુરુષો વચ્ચે દ્વિધામાં વિમાસણ કરે છે. આમ ત્રણેય પાત્રોનું આંતરજીવન એ જ નિરૂપણનો વિષય છે. વળી ‘અમૃતા’નાં પાત્રોનું આંતરવિશ્વ છતું કરવા લેખકે બાહ્યસૃષ્ટિમાંથી જે કલ્પનો કે પ્રતીકો લીધાં છે તેને કારણે એ પાત્રોનું ‘વ્યક્તિત્વ’ અત્યંત નિરાળું બની જાય છે. એ પાત્રો જે જે બાહ્યસૃષ્ટિનાં સત્ત્વોનું અવલંબન લઈને સંવેદન પ્રગટ કરે છે એ સત્ત્વ કોઈ આગંતુક રહેતું નથી; પાત્રોનો જીવાતુભૂત અંશ છે. (એટલે જ તો ‘અમૃતા’નાં ‘પાત્રો’નો ‘સંક્ષેપ’ કરવો અશક્ય છે.) હકીકતમાં આ ત્રણે પાત્રોનાં અંતરંગ દ્વારા આપણે આંતરબાહ્ય વિશ્વનો સંશ્લિષ્ટ રૂપે પરિચય કરીએ છીએ. કદાચ એમ કહેવું જોઈએ કે આંતરબાહ્ય જીવનના સંબંધોનો પરિચય કરીએ છીએ. ત્રણે પાત્રોની સંવિત્તિમાં જે વિશાળ ‘લોક’ પ્રતિબિંબિત થયું છે એ સૌના સંસ્પર્શથી જ જીવનનો વ્યાપક સંસ્પર્શ અનુભવાય છે. ‘ધુમ્મસ’માં પણ ગૌતમનો ચિત્તસંઘર્ષ જ મુખ્ય નિરૂપણનો વિષય બને છે, જ્યારે ‘એક અને એક’ અને ‘ચહેરા’નાં પાત્રોનું કાઠું ઘણું જુદું પડે છે. બંને પાત્રો એટલાં આત્મસભાન નથી. તેમ એમનું moral conscience એટલું સજીવ નથી. એટલે એ પાત્રોમાં કોઈ નૈતિક સંઘર્ષને અવકાશ જ પ્રાપ્ત થતો નથી. વળી સંજોગોની સામે પ્રતિકાર કરવાની ક્ષમતા તેમનામાં નથી એટલે ‘નિષ્ક્રિય’ (passive) બની ‘જીવ્યે’ જવાના પ્રયત્નોમાં જ તેઓ હોય છે. આપણે એમ કહી શકીએ કે એ પાત્રો હવે ‘નાયક’ રહ્યાં નથી તેમ સાચા અર્થમાં લેખકનાં ‘મુખ્ય’ પાત્રો પણ રહ્યાં નથી. વ્યાધિ કે મૃત્યુનો સંદર્ભ : માનવીને મૃત્યુનો ‘સાક્ષાત્કાર’ થાય અથવા કોઈ અસાધ્ય રોગનો તે ભોગ બને ત્યારે તેને જીવનનું નિર્ભ્રાન્ત દર્શન થાય એમ બને. પોતે જે જિંદગીને સત્ય માનતો હતો એ કદાચ છલનાય પુરવાર થાય. આપણે અવલોકેલી નવલકથાઓમાં આ પ્રકારે જીવનનું નિર્ભ્રાન્ત દર્શન કરનારાં પાત્રોની કથા વિશિષ્ટ બની રહે છે. ‘અમૃતા’માં ઉદયનને તેની માંદગીની ક્ષણોમાં તેના મિત્ર અનિકેતનું અને બીજા કોઈ અણજાણ માનવીઓનું લોહી અપાયું ત્યારે તેને પહેલી વાર જ સમજાયું કે આ માનવજીવન કેવું તો પરસ્પરના સહયોગથી નભી રહ્યું છે! મૃત્યુના ઘેરા ઓછાયા તેણે જોયા ત્યારે તેણે અમૃતાને દૂર રાખવા પ્રયત્નો કર્યા પરંતુ અમૃતાની આત્મશ્રીના સંસ્પર્શે તેના અહંના ખડકો ઓગાળી નાંખ્યા. તેને એક બૃહદ્દ્નો સંસ્પર્શ થયો હતો. ‘પળનાં પ્રતિબિમ્બ’માં વત્સલ હૃદયરોગનો દર્દી છે. ત્રીજા ‘ઍટૅક’ પછી તે સાવ નિર્ભ્રાન્ત બની જાય છે. આરંભમાં તેણે મૃત્યુનો ખ્યાલ માત્ર ફગાવી દેવાનો પ્રયત્ન કરેલો અને રંજનાએ પણ મૃત્યુના ખ્યાલો અવગણી કાઢવાને વિનવણીઓ કરેલી, પરંતુ મૃત્યુની ઝાઝી અવગણના કરવાનું તેને માટે શક્ય નહોતું. એ મૃત્યુના વાસ્તવની પ્રતીતિને કારણે જે બંને પોતાના પ્રણયભાવ વિશે સાશંક બને છે અને અંતે પોતાનો પ્રણયભાવ છલનારૂપ જ હતો એવો અનુભવ કરે છે. ‘ધુમ્મસ’માં જીતુનું મૃત્યુ ગૌતમના આપઘાતની કથા જોડે રહસ્યપૂર્ણ સંદર્ભ રચે છે. જીતુ અને નિશા સ્નેહલગ્નથી જોડાયાં હતાં. પરંતુ થોડા સમય બાદ જીતુ અસાધ્ય રોગનો ભોગ બન્યો. તેનાં બે બાળકો એક પછી એક મૃત્યુ પામ્યાં. તેની પત્ની નિશા તેને ત્યજી ગઈ. છતાં જીતુ છેવટ સુધી જીવનને ‘ચાહતો’ રહ્યો. તેને કોઈક ધારકતત્ત્વ હાથમાં આવ્યું હતું. પ્રણયભાવનું વિલક્ષણ નિરૂપણ : આ નવલકથાઓમાં આલેખાયેલાં કેટલાંક પ્રણયવૃત્તાંતોનું અવલોકન પણ રસપ્રદ બની રહે છે. એમાં યુવાન-યુવતીઓ વચ્ચેના પ્રણયસંબંધની કથા આવે છે ખરી. પરંતુ એનું નિરૂપણ વિલક્ષણ છે. પ્રથમ તો, એ પ્રણયીઓના મુગ્ધ પ્રણયોલ્લાસનું ચિત્રણ ભાગ્યે જ જોવા મળે છે. ‘પળનાં પ્રતિબિમ્બ’માં તો વત્સલરંજના, સુહાસ-દિલાવર, નીતિન-નાન્સી એ બધાંનાં વૃત્તાંતોમાં પ્રણયનું નહિ, ‘પ્રણયાભાસ’નું નિરૂપણ છે. એ બધાં પાત્રો જ્યારે જાગ્રત થાય છે ત્યારે તેમને લાગે છે કે અત્યાર સુધી જે એક ‘પ્રણય’ને તેઓ વળગતાં હતાં તે માત્ર ભ્રાન્તિ જ હતી. હકીકતમાં એ બધાં પાત્રો પ્રણયભાવ નિમિત્તે પોતાની ઝંખનાને જ સાચા રૂપમાં ઓળખવા ચાહે છે. પોતાની જાતને ઓળખવા ચાહે છે. ‘એક અને એક’માં સંજીત શાહ અને સપના બન્ને એકલવાયી જિંદગી જીવતાં છતાં લગ્નજીવન માટે ઉત્સુક નથી. કશીક બોજિલ જિંદગીથી ભાગી છૂટવાને તેઓ નૈનિતાલની વિલાસી દુનિયામાં પહોંચી જાય છે પરંતુ તેમની દોટ મૃગજળ માટેની દોટ હતી. અલબત્ત, લેખકે એ બે પાત્રોના સ્થૂળ વિલાસનું ચિત્ર રજૂ કર્યું છે પરંતુ એ દ્વારા તો તેઓ પોતાની જિંદગીની શૂન્યતાને વળગવાનો કેવો બેહૂદો પ્રયત્ન કરતાં હતાં તેનું જ દર્શન થાય છે. (‘ચહેરા’નો નિષાદ પણ સરલાના લગ્નના પ્રસ્તાવને ઠોકરે મારે છે). આમ આ બધાં પાત્રો કાં તો નિર્ભ્રાન્ત દશાને કારણે, કાં તો હતાશા અને શૂન્યતાને કારણે પ્રણયભાવનું તત્ત્વ પામવા અસમર્થ જ રહે છે, અથવા પોતે જેને પ્રણય તરીકે ઓળખતાં આવ્યાં હતાં તે છલના હતી એવી પ્રતીતિ કરી રહે છે. જૂની નવલકથાઓમાં સામાજિક, આર્થિક વિષમતા (કે ક્યારેક ત્રીજા પાત્રનો પ્રવેશ) પ્રણયી પાત્રોની વચ્ચે અંતરાય બનતાં, અહીં તો ઘણુંખરું પાત્રોના વ્યક્તિત્વનું જ એક જડ સ્વરૂપ જાણે કે તેમની આડે આવે છે. ‘અમૃતા’ની સમસ્યા નિરાળી છે. એક વ્યક્તિ લેખે અમૃતા પોતાનો અધિકાર ઝંખે છે. અનિકેતને ચાહતી હતી છતાં ઉદયનનો ત્યાગ તે કરી શકતી નહોતી, હકીકતમાં એ ત્રણે પાત્રો પોતપોતાની જીવનદૃષ્ટિ અનુસાર પોતાનો માર્ગ શોધે છે. આ ત્રણની કથા નિમિત્તે લેખકે આત્મશોધનની કથા જ રજૂ કરી છે.
નવલકથાના સ્વરૂપમાં નવરચના
આ નવલકથાઓના લેખકો પોતાના સર્જક કર્મ અંગે જાગરૂક દેખાય છે. એટલે દરેક નવલકથા એમાંના વસ્તુનિરૂપણની દૃષ્ટિએ લાક્ષણિક ઉન્મેષ બની રહે છે. એમાં ‘પળનાં પ્રતિભિમ્બ’ની નવી રીતિ કે આયોજના ધ્યાન ખેંચે છે. ‘ચહેરા’માંય વસ્તુવિન્યાસ અર્થે લેખકની ટેકનિક વિષેની સભાનતા વરતાઈ આવે છે. ‘અમૃતા’ ચીલાચાલુ વાર્તાકાર (story-teller)ની રચના નથી; એક સર્જકની ભાવસૃષ્ટિ જ એમાં પ્રસ્તુત વિષય જણાય છે. એટલે ‘અમૃતા’નું સ્વરૂપ આગવું બની રહે છે. આમ, આ નવલકથાઓનું અવલોકન કરતાં એક વસ્તુ સ્પષ્ટ પ્રતીત થાય છે કે નવલકથાનું સ્વરૂપ જે આંતરક્ષમતા પ્રગટ કરે છે તેને તાગી જોવાનો આ લેખકોનો સભાન પ્રયત્ન છે. એટલે એ નવલકથાકારોએ પોતાના વક્તવ્યને અનુરૂપ ગદ્યની આગવી છટાઓ નિપજાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. ‘અમૃતા’ના લેખક પોતાના સર્જક કર્મ અંગે અતિસભાન છે. એમની સૃષ્ટિ એક આગવું ભાવજગત રચે છે. એમનાં પાત્રો પણ એમની ચિંતનશીલતાનો અંશ લઈને જન્મ્યાં છે. એ સૌ પોતાના અસ્તિત્વને પામવા સભાન છે. ઉદયન તો પોતાના સમગ્ર અસ્તિત્વની સંમુખ ઊભો રહી પોતાના એ ’ભાવ’ને આશ્રલેષમાં લેવા ચાહે છે. આવી અંતર્મુખી વૃત્તિને લીધે એ પાત્રોનું એકંદર વલણ પોતાની સંવેદના કે ચિત્તનાં સ્પંદનોને બને તેટલાં અખિલાઈમાં ગ્રહીને તેને નિઃશેષ અભિવ્યક્તિ આપવાનું છે. એટલે સહજ રીતે જ આ કથાનું ગદ્ય અર્થસઘન, સુશ્લિષ્ટ અને વસ્તુધ્વન્યાત્મક છે. વળી, એમનાં પાત્રો પણ સર્જકની કલ્પનાના ઉન્મેષ સાથે જન્મ્યાં છે. એટલે અમૂર્ત વિચારોને મૂર્ત કલ્પનો રૂપે સાકાર થતા દેખાય છે. એમના ગદ્યની લાક્ષણિક છટા પ્રગટ કરતો એક ખંડ જોઈશું. અનિકેત ઉદયનને લખે છે : ‘પોતાના કેન્દ્રને સહેજ આંચ ન આવે તે અંગે તું સભાન રહે છે, હું આ સકલમાં કેન્દ્રરહિત વ્યાપ્તિ શોધી રહ્યો છું. તને નવાઈ લાગશે કે હું હમણાં ગતિ અને સ્થિતિનો ભેદ ભૂલવા લાગ્યો છું. અવિકસિત પુષ્પમાં કે વૃક્ષની લચી પડેલી ડાળમાં, કેન્દ્રહીન પાષાણોમાં કે પર્વતોની ધૂસર આકૃતિઓ પાછળ બંધાતી ક્ષિતિજમાં, દોડતા અશ્વની ખરીમાં કે કાચબાની અચંચલ પીઠ પર, ઊંડી ખાઈમાં લુપ્ત ઝરણાની વિરતિમાં કે સામે ધસી આવીને છાવરી લેતા વંટોળમાં હું એક તત્ત્વ એવું જોવા લાગ્યો છું જે સર્વત્ર સમાન છે.’ (પૃ. ૧૭૩) ‘ધુમ્મસ’માં એના સર્જકની આગવી ગદ્યશૈલીનો પરિચય થાય છે. ગૌતમના વ્યગ્ર સંક્ષુબ્ધ ચિત્તમાં જે અનેક ચંચલ તરલ ભાવો ત્વરિત ગતિએ ફફડી જાય છે તેનું નિરૂપણ સુઘડ સુરેખ અને દ્રુતલયમાં વહેતાં વાક્યોરચિત ગદ્યમાં સુંદર રીતે થયેલું છે. કોઈ આંધળી દોટ મૂકવા ચાહતા ગૌતમના ચિત્તનું નિરૂપણ નોંધપાત્ર છે : ‘જીવનને પૂરેપૂરું જીવી લેવું-માણી લેવું એમાં ખોટું શું હતું? અજાણ્યા, અંધારા, મિનારાની સીડીનાં લપસણા પગથિયામાંથી ડરીને ચડવાનું જ બંધ કરી દે એવો નહોતો...’ (પૃ. ૯૯) ‘પળનાં પ્રતિબિમ્બ’ના સર્જક પણ ભાવવ્યંજક અસરકારક ગદ્યના નિરૂપણ દ્વારા તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે. વત્સલનું સંસ્મરણ જોઈએ : ‘અને એને રંજનાનો ચહેરો દેખાયો. પોતે ઓઢેલી સફેદ ચાદરના અર્ધપારદર્શક તાણાવાણામાંથી પણ એ રંજનાને જોઈ શકતો હતો...’ (પૃ. ૫૧) ‘એક અને એક’ના સર્જકનું બાહ્ય સૃષ્ટિનું સૂક્ષ્મ અવલોકન એમની કૃતિની વિશિષ્ટ સિદ્વિ જણાય છે. સંજીતની શૂન્યમનસ્ક દશાનું ચિત્ર જોઈશું : ‘ઠંડી ઓછી થઈ એવું એને લાગ્યું, એ ચાલ્યો એટલે દિવસ ચઢ્યો માટે, ઘણાં કારણોસર. પાણીની સપાટી પર તડકો ચમક્યો, ઘાસની ભીની સરસરાટને બદલે ચાલવાથી સૂકો થતો, કરકરો અવાજ આવવા લાગ્યો.’ ‘ચહેરા’ના સર્જકે પાત્રોનાં ચિત્તની વિચ્છિન્ન રેખાઓ આંકીને સમગ્ર વાતાવરણમાં વ્યાપી રહેલો કોલાહલ સુંદર રીતે વ્યકત ર્ક્યો છે. મહાપ્રસ્થાનની ભૂમિકા : જ્યારે આપણી નવલકથાની ધારા બંધિયાર બની જવા આવી હતી ત્યારે આ નવલકથાઓના નવપ્રયોગો અને નવપ્રસ્થાન ઊજળા ભાવિની આશા જગાડે છે. આપણો સર્જક પોતાના સર્જકધર્મ પરત્વે જેમ જેમ વધુ જાગૃત થશે અને પોતાની જાત પરત્વે વફાદાર બનતો જશે તેમ તેમ નવલકથાની પણ પ્રતિષ્ઠા થતી આવશે. ત્યારે આ દરેક લેખકની કૃતિઓ જોઈ કશાક મહાપ્રસ્થાનની ભૂમિકા રચાતી હોય એમ લાગે છે. કદાચ એવું મહાપ્રસ્થાન બહુ દૂર ન હોય.