કથાવિચાર/પન્નાલાલની વાર્તાકળા


પન્નાલાલની વાર્તાકળા

(‘પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’ને આધારે વિવેચન)

(૧) પોતાની લેખનપ્રવૃત્તિ વિશે કેફિયત આપતાં પન્નાલાલે એમ કહ્યું હતું : ‘આમે ય હું આદર્શવાદી કે ભાવનાવાદી કે સાહિત્યવાદી લેખક નથી. પહેલેથી જ છેક ‘કંકુ’ લખી ત્યારથી મને માનવીના જીવનમાં જ રસ છે, ને બહારની વાસ્તવિકતા મારફત ભીતરની વાસ્તવિકતા સુધી પહોંચવાની મને અભિલાષ હોય છે.’ (‘ગ્રંથ’, મે, ૧૯૭૭) તેમની આ કેફિયત તેમની ટૂંકી વાર્તાઓ માટે ય એટલી જ સાચી લાગે છે. તેમની સર્જકવૃત્તિનો અણસાર એમાં મળી જાય છે. આમ જુઓ તો, નવલકથા, લઘુનવલ અને ટૂંકી વાર્તા એમ ત્રણેય કથામૂલક સ્વરૂપો તેમણે સરખી સફળતાથી ખેડ્યાં છે અને પોતાની આગવી વાર્તાકળા કે કથનકળાને કારણે ગુજરાતી કથાસાહિત્યમાં આગવી ભાત પાડી છે. સાહિત્ય વિશે ઉચ્ચ શિક્ષણ લેવાની તક તેમને જો કે નહોતી મળી. પણ ઉમાશંકર, સુંદરમ્‌ આદિ સાહિત્યકાર મિત્રોની પ્રેરણા અને માર્ગદર્શન પામીને તેઓ સાહિત્યજગતમાં પ્રવેશ્યા અને વધુ તો પોતાની ઊંડી કોઠાસૂઝથી જ કળાવિધાન કરતા રહ્યા. એક વાર્તાસર્જક તરીકે તેમની મોટામાં મોટી મૂડી તે તેમનો લોકજીવનનો ભરચક અનુભવ હતો. જે પ્રદેશમાં તેઓ જન્મ્યા અને ઊછર્યા, એ તળ ધરતીના લોકજીવનની અને તેની પ્રકૃતિની તેમને ઊંડી ઓળખ હતી. લોકોનાં સુખદુઃખ, હર્ષ-શોક, આશા-નિરાશા, વેરઝેર, સંઘર્ષો અને સ્વપ્નો – એમ માણસના જીવનના આંતર બાહ્ય બધા પ્રવાહો તેમણે નિકટતાથી અવલોક્યા હતા. એટલે જ ગામડાંનાં સામાન્યમાં સામાન્ય લાગતાં માનવીઓના ગૂઢાતિગૂઢ આંતરપ્રવાહ સુધી પહોંચીને તેઓ તેમાંથી રસપ્રદ વાર્તા વિષય શોધી શક્યા છે અને પન્નાલાલની વાર્તાઓમાં ચિરંજીવ ટકી શકે એવી વાર્તાઓમાં મોટાભાગની ગ્રામજીવનની છે. એક રીતે પન્નાલાલની સર્જકપ્રતિભાનો વિશેષ એમની ગ્રામજીવનની વાર્તાઓમાં જોવા મળે છે. (૨) પન્નાલાલની ચારેક દાયકા સુધીની લેખનપ્રવૃત્તિમાં ટૂંકી વાર્તાઓ ઘણું મહત્ત્વનું સ્થાન લે છે. લગભગ બે ડઝન કે તેથી ય વધુ વાર્તાસંગ્રહો તેમની પાસેથી આપણને મળ્યા. પણ તેમની પ્રતિભાનો અતિ પ્રાણવાન અને તાજગીભર્યો ઉઘાડ વધુ તો તેમની આરંભકાળની વાર્તાઓમાં જોવા મળ્યો. ‘વાત્રકને કાંઠે’, ‘કંકુ’, ‘મા’, ‘ભાથીની વહુ’, ‘ઓરતા’, ‘પીઠીનું પડીકું’, ‘રંગ વાતો’, ‘નેશનલ સેવિંગ્સ’ જેવી વાર્તાઓ પન્નાલાલની વાર્તાકળાને ઓળખવામાં ઘણી દ્યોતક નીવડે એમ છે. આ બધી વાર્તાઓ જોતાં એક વાત તરત સ્પષ્ટ થાય છે કે પન્નાલાલ લોકજીવનને એકી સાથે બે ભિન્ન સ્તરોએથી – તેની સામાજિક વાસ્તવિકતા અને મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા – એ બંને સ્તરોએથી સઘનપણે સ્પર્શે છે. લોકજીવનની ગરીબી, નિરક્ષરતા, જડતા, પ્રાકૃતતા એ બધાંનો તેમને પરિચય છે, પણ તેથી ય વધુ તો માનવજીવનમાં છતાં થતાં દુરિતો, અનિષ્ટો અને અમાનુષી બળોનો ય તેમને ગાઢ પરિચય છે. કહો કે જીવનનાં સદ્‌ અને અસદ્‌ શ્રેયસ્કર અને વિનાશક સર્વ તત્ત્વોનો તેમને અનુભવ છે. એટલે લોકજીવનની વાર્તાઓમાં જે સ્ત્રી-પુરુષોની કથા તેઓ કહે છે તેમાં જીવનનું સંકુલ અને દુર્ભેદ્ય રૂપ પ્રત્યક્ષ થાય છે. માણસનું જીવન એમને કરોળિયાનાં જાળાં જેવું લાગે છે એમ પન્નાલાલ કહે છે તે સૂચક છે. કેમ કે, માણસનાં સુખદુઃખ અને ભાગ્યની ગતિ ન્યારી જ છે : તેના તાણાવાણા ક્યાંના ક્યાં જોડાયેલા અને ગુંથાયેલા પડ્યા હોય છે તેનો તાગ મળવો મુશ્કેલ છે. ટૂંકી વાર્તાઓમાં તેમ નવલકથાઓમાં પન્નાલાલ માનવીની નિયતિનું જાણે કે રહસ્ય પામવા મથ્યા છે. (૩) પન્નાલાલ લોકજીવનની કઠોર, કારમી અને નક્કર વાસ્તવિકતાને બરોબર પકડમાં લે છે પણ તેમને માત્ર બાહ્ય વાસ્તવિકતામાં જ રસ નથી. આરંભમાં નોંધ્યું છે તેમ, એવી વાસ્તવિકતા વચ્ચે જીવી રહેલાં માનવીઓના હૃદયજીવનનો તેઓ તાગ લેવા પ્રવૃત્ત થાય છે. માણસની પ્રકૃતિનો કોઈ ગૂઢ અંશ, માણસના વિભિન્ન દિશાના લાગણીપ્રવાહો અને સંઘર્ષો અને માનવઅંતરની ગૂઢ અજ્ઞાત ઝંખનાઓ, વાસનાઓ, તૃષ્ણાઓ, આશાઅરમાનો, સ્વપ્નો, એમ માનવીના ભીતરનો તાગ લેવામાં તેમને ઊંડો રસ રહ્યો છે. ગામડાંનાં સરળ નિર્દોષ અને ઉપરથી શાંત લાગતાં માણસોના ભીતરમાં કેવા કેવા ઝંઝાવાતો ઊઠતા હોય છે, કેવા કેવા ઇન્દ્રધનુષ્યના રંગોની લીલા ચાલે છે અને કેવાં કેવાં હૃદયવિદારક નાટકો મનની રંગભૂમિ પર ભજવાતાં રહે છે તે બધું પન્નાલાલ માર્મિક ભાવે જાણે છે અને તેમની ટૂંકી વાર્તાઓમાં આપણે આ પ્રકારનાં ભીતરી સંચલનોની અજબ લીલા પ્રત્યક્ષ કરીએ છીએ. પન્નાલાલ પાત્રોના બહારના સંજોગોની રજૂઆત, અલબત્ત અસરકારક રીતે કરે છે અને એથી પાત્રોના બાહ્ય સંજોગો વાસ્તવિક અને સાચકલા લાગે છે. પણ પન્નાલાલ એવા સંજોગો અને બનાવોને પાત્રોના હૃદયજીવનને ઉત્કટ બનાવવા, તેમાં લાગણીઓની ઊંડી ગૂંચ રજૂ કરવા, મનની જુદી જુદી વૃત્તિઓની લીલા વર્ણવવા, કે પાત્રોની આંતરમનની કટોકટીને ઉપસાવવા કુશળતાથી ગૂંથી લે છે. માનવમનનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ સંચલનો પકડવામાં પન્નાલાલે વિરલ સૂઝ બતાવી છે. (૪) પન્નાલાલે આત્મસૂઝથી જ પોતાની કથનકળા વિકસાવી છે. એમાં જીવંત અને સ્વાભાવિક કથનરીતિનો સ્વીકાર છે. વાર્તા કહેનાર કોઈ કથક (નેરેટર) એમાં કંઠ્ય વાર્તા કથનના લહેકા અને લવચિકતા આણે છે. લોકબોલીના પ્રાણવાન શબ્દો/શબ્દપ્રયોગો/ રૂઢ ઉક્તિઓ એમાં સહજ રીતે ગૂંથાતાં રહ્યાં છે. પ્રસંગ કે દૃશ્યના વર્ણનની ભાષામાં અમુક શિષ્ટ કોટિની ભાષા યોજાઈ છે. તેમાં પણ સાક્ષરી ભાષા કે સાહિત્યિક ભાષાનો આયાસપૂર્વક ઉપયોગ નથી. બીજી બાજુ, પાત્રોના સંવાદો કે સ્વગતોક્તિમાં તળપદી બોલીના અસાધારણ ચોટદાર પ્રયોગો મળે છે. પન્નાલાલને આમે ય લોકસૃષ્ટિનો એકદમ નિકટનો પરિચય છે. એટલે પાત્રો, પ્રસંગો અને પરિસ્થિતિઓનાં વર્ણન-ચિત્રણમાં વિગતોની સૂક્ષ્મતા અને સચ્ચાઈ તરત ધ્યાન ખેંચે છે. જનપદના જીવનની પ્રકૃતિની કે સીમવગડાની વર્ણનરેખાઓમાં પન્નાલાલની કુશાગ્ર પ્રત્યક્ષીકરણની શક્તિનો સતત સુખદ પરિચય થાય છે. પ્રકૃતિ, માનવઘટના અને પરિવેશ કોઈપણ ચિત્રણમાં પન્નાલાલ નક્કર વાસ્તવિકતાનાં રૂપો પકડમાં લે છે. સૂક્ષ્મતમ રંગરેખા પોત કે આકારની વિગતો તેઓ ઝટ પકડી લે છે. પદાર્થોનું સ્વચ્છ સુરેખ પ્રત્યક્ષીકરણ એ તેમની સર્જકશક્તિનો અતિ નોંધપાત્ર ઉન્મેષ છે. (૫) માણસોનાં સુખદુઃખ, વેરઝેર બધું પન્નાલાલ અનુકંપાથી સહૃદયતાથી નિહાળે છે. ગામડાંનાં માણસોની કમનસીબ પરિસ્થિતિ કે દારુણ વિષમતાને તેઓ પૂરી સમજદારીથી ઓળખવા ચાહે છે અને ખાસ તો, માણસ માત્રની નિર્બળતાઓ કે અપરાધવૃત્તિને ય પૂરી ઉદારતા અને સહાનુભૂતિથી જુએ છે. ‘કંકુ’ વાર્તામાં કંકુના જાતીય સ્ખલનની કથા એનું ઉત્તમ દૃષ્ટાંત છે. ભરીભરી જુવાનીમાં કંકુ વિધવા થઈ, ત્યારે દૃઢ મનોબળથી તે પોતાનું શીલ સાચવતી રહી. પણ આર્થિક મુશ્કેલીઓ વચ્ચે મલકચંદ શેઠની તેને ગરજ પડતી રહી. સમય જતાં કંકુ અને મલકચંદ બંને એકબીજાની મનોવૃત્તિ વિશે સભાન બની ચૂક્યાં, દીકરા હીરાને પરણાવવાના પ્રસંગે કંકુના અજ્ઞાત મનમાં નૈતિક બળ તૂટતું ગયું અને એક નિર્બળ ક્ષણે તે મલકચંદની જાતીય ઇચ્છાને તાબે થઈ અને એ રીતે અજ્ઞાત પ્રેરણાથી તે પાપમાં ખેંચાઈ. પણ આ વૃત્તાંતમાં પન્નાલાલે કંકુના ચરિત્રચિત્રણમાં પૂરી અનુકંપા બતાવી છે એ હકીક્ત પન્નાલાલની પ્રતિભાને સમજવા માટે મહત્ત્વની બની રહે છે. (૬) પન્નાલાલની સર્જકપ્રતિભાને યથાર્થ રૂપે સમજવામાં ‘કંકુ’ વાર્તા અનેક રીતે ઉપકારક બને છે. એ પૈકી એક મહત્ત્વનો મુદ્દો એ છે કે એ વાર્તાની માંડણીમાં જ ઘેરી કરુણ વક્રતા રહી છે. વાર્તાના આરંભે જ મરણપથારીએ પડેલા ખુમાની એક ગર્ભિત રહસ્યવાળી ઉક્તિ રજૂ થઈ છે : ‘જો ન કરે નારાયણ ને હું મરી જાઉં તો તું તારો ભવ ન બગાડતી. કોઈ સપૂતનું ઘર ખોળી લેજે.’ પતિ ખુમાની આ પંક્તિમાં કંકુના ભવિષ્યની ચિંતા પ્રગટ થઈ જાય છે. કંકુની ભરીભરી જુવાની અને કામણગારી કાયાનો વિચાર કરવાથી ખુમાના અંતરમાં કોઈ અજ્ઞાત ભય અને સંશય થાય છે. પણ વિધિની વક્રતા એ કે ખુમાનો ભય છેવટે સાચો ઠર્યો! વિધવા બનેલી કંકુ આરંભનાં કેટલાંક વર્ષો તો પૂરી પતિનિષ્ઠા કેળવીને દૃઢ મનોબળથી પોતાનું શીલ અને વ્રત સાચવતી રહી. પણ પછી વિષમ સંજોગો વચ્ચે તે મલકચંદ શેઠ સાથે જાતીય સંબંધ બાંધી બેઠી. જીવનનો મધ્યાહ્ન વટાવ્યા પછી નમતા બપોરે તે જાણે કે ભૂલ કરી બેઠી. અંતે, મલકચંદ સાથેના સંબંધથી સગર્ભા બનેલી કંકુએ ગામના કાળુનું ઘર માંડ્યું. પણ એના ચારિત્ર્ય પર કલંક લાગી ચૂક્યું હતું. એક શીલવતી નારીના પતનની આ કરુણ કમનસીબ કથા છે. પન્નાલાલે કંકુના પતનની કથા ઘણી માર્મિક રીતે કહી છે. આંતરબાહ્ય અનેક પરિબળો – સામાજિક, આર્થિક અને મનોવૈજ્ઞાનિક – એમાં એકસાથે ભાગ ભજવતાં દેખાય છે. વિધવા બનેલી કંકુનું ઘર માંડવા એક કરતાં અનેક યુવાનો આતુર હતા. પણ કંકુ પોતાના પતિની યાદમાં જીવતી રહી. પણ ઘરની આર્થિક બેહાલીને કારણે તેને મલકચંદ શેઠની સહાય પર જ આધાર રાખવો પડ્યો અને આરંભનાં વર્ષોમાં મલકચંદના મનમાં કંકુના રૂપ પ્રત્યે આકર્ષણ હોય, તો પણ કોઈ પાપવૃત્તિ જન્મી નહોતી. પણ સમય જતાં મલકચંદના અજ્ઞાત મનમાં કંકુની કામણગારી કાયા પ્રત્યે લાલસા બંધાતી ગઈ. એક પ્રસંગે મલકચંદ શેઠ છૂપી નજરે પોતાની કાયા તરફ તાકી રહ્યા છે એમ કંકુ કળી ગઈ ત્યારે તે એકદમ અસ્વસ્થ બની ગઈ અને, કંકુ પોતે મારી કામલોલુપ વૃત્તિ વિશે જાણી ગઈ છે. એ વિશે, મલકચંદ પોતે ય સભાન બની ગયા. કંકુ અને મલકચંદ આમ એક બીજા વિશે પૂરી સભાનતાથી વર્તતાં થયાં. અજ્ઞાત મનમાં બંને એકબીજાથી અણધારી રીતે જકડાતાં ગયાં. દીકરા હીરિયાને પરણાવવાની હોંશમાં તે મોટું કરજ કરવા તૈયાર થઈ, પણ એ કારણે તે શેઠની વધુ ઓશિયાળી બની. હીરિયો હવે પરણી જશે અને વહુનો થઈને રહેશે એ ખ્યાલે તેના મનમાં એકાએક જ પોતાની એકલતા નિરાધારપણું પરવશતા અને શૂન્યતાનો ભાવ જાગી પડયો. વળી મલકચંદની હવેલીની મલકચંદનાં વૃદ્ધ માતાએ મલકચંદની હૃદયસ્પર્શી કથા કહી. બબ્બે વાર પરણાવ્યો છતાં મલકચંદના જીવનમાં સુખ નહોતું એમ તેણે કહ્યું, કંકુના પરવશ અને લાચાર મનમાં મલકચંદ પ્રત્યે દયાની લાગણી જન્મી પડી. તેનું નૈતિક બળ અણજાણપણે જ તૂટતું ગયું. અગાઉ પણ મલકચંદ શેઠની કામલોલુપ વૃત્તિને કળી ગયેલી કંકુને શેઠ ‘નાના થતા’ લાગ્યા હતા. આજે રૂપિયાની ગરજમાં પરવશ બનેલી કંકુ કંઈક મર્મળા શબ્દો બોલી જાય છે : ‘હાસ્તો! ભાર છે તો કન્યાની કેડે છે. પછી તમે શા માટે...’ કંકુની આ મર્માળી ઉક્તિમાં જાણે કે આમંત્રણનો ભાવ વાંચીને મલકચંદ તેની સાથે જાતીય વ્યવહાર આરંભે છે. કંકુ ઇચ્છાઅનિચ્છાએ તેને સમર્પિત થાય છે. કંકુના પતનની આ ઘટના પાછળ નજીકના અને દૂરના અનેક બનાવો કામ કરી જાય છે. સ્થૂળસૂક્ષ્મ આંતરબાહ્ય અનેક પરિબળો એમાં ભાગ ભજવે છે. પન્નાલાલ માનવજીવનના પ્રવાહોને બને તેટલી સંકુલ જટિલ ઘટના રૂપે અહીં આલેખે છે. માણસના જીવનનું જાળું કેવું તો ગૂંચવાયેલું છે તે પન્નાલાલને બતાવવું છે. કંકુનું પતન કોઈ આકસ્મિક, ક્ષણજનિત ઘટના નથી : અનેક પૂર્વસંસ્કારો અને અનુભવોનું-ક્રિયાપ્રતિક્રિયાનું – એ અનિવાર્ય પરિણામ છે. એક રીતે મલકચંદ સાથેના કંકુના લાંબા ગાળાના સંબંધોનો એ કરુણ વિષમ અંત છે. વાર્તાના અંતે ગલા ડામોરની વહુની આ ઉક્તિ આવે છે : ‘જારે જા, મલકા! એ તો એમ કે કંકુ જેવું લાખેણું માનવી મળ્યું, નહિ તો તો જારે જા મલકા...’ કંકુએ પોતાના ઉદરમાં શેઠ મલકચંદના સંતાનને ઉછેર્યું હતું – એ વાતની તેને ખાતરી થઈ જાય છે. એ રીતે આ વાર્તાનો અંત એક સૂચક સામાજિક અર્થવાળો અંત છે. સંતાનના પિતાની સાચી ઓળખ એ વ્યક્તિ સામે તેમ સમાજ સામે કોયડો બની શકે છે. કંકુએ તો નારીસહજ સંકોચશીલતાથી જવાબદાર પુરુષનું નામ ન આપ્યું. પણ સમાજે તો એની ભાળ કાઢી જ લીધી! વાર્તાના સંવિધાનમાં રહેલી વિધિ-વક્રતાને પન્નાલાલ બરોબર ઉપસાવે છે. મલકચંદની લોલુપવૃત્તિ મનોમન કળી ગયેલી કંકુ પોતાને સ્વસ્થ રાખવા મથી રહી હોય છે ત્યારે જ ગામનાં લોકો મલકચંદ શેઠની ઉદારતા અને ભલાઈનાં વખાણ કરી રહ્યાં હોય છે. મલકચંદ શેઠ પાસે પાપકર્મ કરી બેઠેલી કંકુ એકદમ સંક્ષુબ્ધ અને વ્યગ્ર બની ગઈ છે ત્યારે પણ લોકો તો અત્યારે મરનાર પતિની એને યાદ આવી હશે એમ બોલે છે અને આમ જુઓ તો પુત્ર હીરિયાના લગ્નની ઘેલછામાં તે પોતાના ભાવિને જાણે કે હોડમાં મૂકે છે તે ય ઓછું સૂચક નથી? જુદા જુદા સંજોગો વચ્ચે કંકુ અને મલકચંદના બદલાતા મનોભાવોનું પન્નાલાલે અતિ કુશળતાથી નિરૂપણ કર્યું છે. હીરિયાના લગ્ન પ્રસંગે શેઠને ત્યાં વ્હોરવા ગયેલી કંકુની મનોદશા, અંધારી વખારમાં ગોળની થપ્પી પાડવાના પ્રસંગે કંંકુ અને મલકચંદનાં વાણીવર્તન, મલકચંદની હવેલીએ રૂપિયાની ગરજાઉં, એવી કંકુના મનના ભાવો અને ખાસ તો મલકચંદ સાથે પાપકર્મ કરી પાછી વળતી કંકુના આંતરમનમાં અપરાધભાન સાથે જન્મી પડેલી ભયંકર આંધી – આ બધા પ્રસંગોએ પન્નાલાલ માનવમનના લાગણીપ્રવાહો અને માનવમનની વાસનાવૃત્તિઓ ખૂબ બારીકાઈથી આલેખી શક્યા છે. આમ, જુઓ તો આ વાર્તામાં જે કંઈ ઘટના બને છે તેમાં અજ્ઞાત મનનો કાર્યવિકાસ ખાસ ધ્યાન ખેંચે છે. કંકુના લાંબા જીવનપટને આવરી લીધા છતાં સીધા સંકુલ કાર્યવિકાસને કારણે વાર્તામાં એકતા અને સઘનતાની છાપ ઊપસે છે. તળપદી બોલીનો પન્નાલાલે સામર્થ્યપૂર્વક ઉપયોગ કર્યો છે. કંકુ મલકચંદના વૃત્તાંત નિમિત્તે એક આખો ગ્રામવિસ્તાર અહીં ખડો થયો છે. જનપદના જીવંત પરિવેશમાં એ સૌ લોકો જીવતાં ધબકતાં લાગે છે. પન્નાલાલ મુખ્ય કે ગૌણ જે જે પાત્રોને સ્પર્શે છે તેને અજબ છટાથી ચેતનવંતાં બનાવી દે છે. (૭) પન્નાલાલની ‘વાત્રકને કાંઠે’ વાર્તા પણ તેમની વાર્તાકળા સમજવામાં એટલી જ દ્યોતક નીવડે છે. અઠ્ઠાવીસેકની વયની, ભરયુવાની વેઠી રહેલી નવલના પતિવિજોગ અને એકલતાની આ કથા છે. ઘટનાપટ અહીં જે રીતે રજૂ થયો છે તેમાંથી સમજાય છે કે નવલના આગલા બંને પતિઓ તેને સુખી કરવાની શુભવાસના લઈને આવી મળે છે અને વળી, વિષમ સંજોગોમાં બંને તેનાથી વિખૂટા પડે છે! ગામડાંની તરુણીના જીવનમાં આ પણ એક વિધિની વક્રતા જ કે તેના જીવનમાં ફરી એકવાર સૌભાગ્યના સુખની આશા જન્મી ન જન્મી ને હંમેશ માટે તે લુપ્ત થઈ. પતિસુખની તેની ઝંખના સાકાર થાય તે પૂર્વે જ સંજોગો તેની સામે ફરી વળ્યા. કોઈ ઝંઝાવાતની જેમ તેનો ભૂતકાળ ઘડીક ઊઠ્યો અને તેની ભગ્નખંડિયેર શી જિંદગીને વધુ નષ્ટ કરતો ગયો. પતિવિજોગની વ્યથાને વિસારે પાડી જીવી રહેલી નવલ માટે જૂનો ઘા ફરીથી દૂઝતો થયો! વિધિએ જાણે કોઈ ક્રૂર રમત આદરી હોય ને! વાર્તાના અંતે લંગડા સાધુને – પોતાના બીજી વારના પતિને – ખોઈ બેસતી નવલનું કરુણ ચિત્ર આપણી સામે ઉત્કટતાથી ઊપસી આવે છે. અદાલતમાં લંગડા સાધુએ, પોતે જ મુખીના દીકરાનું ખૂન કરેલું છે એમ એકરાર કર્યો હતો, પણ અદાલતે તેની વાત મંજૂર રાખી નહોતી. સાજા સાધુને જ ગુન્હેગાર ઠેરવીને મોટી સજા થઈ. કેસ અદાલતમાં નહોતો ગયો ત્યાં સુધી નવલને બંને પતિઓ માટે સરખો સ્નેહભાવ હતો. પણ અદાલતમાંથી છૂટી આવેલા લંગડા સાધુને દૂરથી જોતાંવેંત જ નવલના મનમાં એકાએક જ ભારે અણગમો અને તિરસ્કાર જન્મી પડ્યાં. નવલને એ સાધુમાં-સંસારસુખની-દાંપત્યસુખની-કોઈ પામર વૃત્તિ છે, લાલસા છે, સ્વાર્થ છે – એવી કોઈ મનોવૃત્તિનું દર્શન થયું હશે, એટલે જ તે લંગડા સાધુને હેતથી આવકારી શકી નહિ, બલકે ઊંડા અણગમા અને રોષથી તે નદીકિનારે ચાલી નીકળી. નવલના આ જાતના વર્તનમાં નારીના અજ્ઞાત મનનું વલણ છતું થઈ જાય છે. માનવમનની અકળ ગતિવિધિનો સંકેત એમાં પડેલો છે. પણ પન્નાલાલ નવલના હૃદયનો બીજો ખૂણો ય અજવાળે છે. નવલ પોતાને ઇચ્છતી નથી એ કરુણ ભાન સાથે લંગડો સાધુ આ સ્થળ છોડી ચાલી નીકળ્યો, એ પ્રસંગે લેખક માર્મિક કથન કરે છે : ‘એક જ આશા હતી : ઢોર ચરાવવા ગયેલા માસા સામે મળે ને એને પાછો બોલાવી લાવે’ અને વાર્તા ત્યાં પૂરી થાય છે. એનો અર્થ એ કે લંગડો સાધુ પાછો ફર્યો નથી. પણ નવલના અંતરમાં ઊંડેઊંડે એક આશા જન્મી પડી એ ય એક માર્મિક બાબત છે. લંગડા સાધુ પ્રત્યે એકીસાથે અણગમો રોષ અને તિરસ્કાર અને છતાં તેને માટે ઊંડીઊંડી ઝંખના, આશા અને કોડ – એમ નારીના મનની રહસ્યમય ગૂંચ તેઓ અસરકારક રીતે રજૂ કરે છે. લંગડા પતિને ખોયા પછી નવલના એકાકી જીવનમાં જે ઘેરી એકલતા જન્મે છે, એવો હૃદયસ્પર્શી અંત જ પન્નાલાલને વધુ અભિપ્રેત જણાય છે. આમ, ગ્રામીણ નારીના લગ્નજીવનની વિફલતા, વિચ્છિન્નતા, એકલતા અને હતાશાની એ કથા બની છે, અંતરતમ હૃદયના આશાઅભિલાષ કોડ અને ઝંખનાના લોપની એ કથા બની છે, હવે, આ એકાકી સ્ત્રી કઈ આશાએ કોની પ્રતીક્ષામાં જીવન જીવશે એવો વેધક સ્વર અહી રણકી ઊઠે છે. નવલના ભૂતકાળના દાંપત્યના પ્રસંગો પન્નાલાલે કુશળતાથી માશી અને સાધુઓના વાર્તાલાપમાં ગૂંથી લીધા છે. માતાપિતાના અવસાન પછી માસીમાસાના આશ્રયે ઊછરતી નવલ, તેનું બે વારનું લગ્ન, બીજી વારના પતિ દ્વારા નવલની છેડતી કરતા મુખીના દીકરાનું ખૂન બધું સારી રીતે સૂચવાઈ ગયું છે. વાર્તાકથક (નેરેટર) અહીં નદી કાંઠા પર માસીમાસાનું ઘર, નદી કાંઠા પર સાધુઓની હિલચાલ, નવલનું ઘરકામ બધાં દૃશ્યો ખૂબ જ ચિત્રાત્મક રીતે તાદૃશ કરી આપે છે. મુખ્ય ઘટનાઓ જ્યાં બને છે એ નદી કિનારો અને માસીના ઘરનો પરિવેશ પન્નાલાલ ખૂબ જ સબળ રેખાઓમાં આલેખે છે. નવલના મનમાં ઊઠતા વિવિધ ભાવો શંકાકુશંકાઓ ચિંતાઓ વિસ્મય રોષ સર્વ અહીં સૂક્ષ્મ રીતે આલેખાયાં છે. બંને સાધુઓની હિલચાલ જોઈ નવલ, નારીમાં જોવા મળતી કોઈ ઊંડી આંતરસૂઝથી જ, એ બંને પોતાના પતિ હોવાનું સમજી જાય છે. તેના અજ્ઞાત મનમાં કોઈ પતિ જ બંધાઈ જાય છે. એટલે જ એ સાધુઓના આંગણામાં આગમન સાથે નવલના હૈયા પર ઊંડો ઓથાર રચાય છે, તે સાથે જ બંનેના ક્ષેમકુશળ વાંછી તેઓ આ સ્થાન છોડી જાય એમ તે ઇચ્છી રહે છે. માસામાસી નવલના મનના ઊંડાણની આ લાગણીઓ પામી શકતાં નથી. એ રીતે પન્નાલાલ નવલના આંતરજીવનની એકલતા ઉત્કટતાથી ઉપસાવે છે. અહીં રાજ્યના રક્ષકો પોલીસો હાજર થાય છે, ન્યાયતંત્ર પણ છે, પણ નવલના વૈયક્તિક જીવનની સમસ્યા સાથે કોઈને સંબંધ નથી! પણ, ના. પરોક્ષ રીતે એ સૌ નવલના જીવનની વિષમતામાં ભાગીદાર બની જાય છે. વાત્રક નદીના પ્રવાહ સાથે અણજાણપણે જ નવલનો જીવનપ્રવાહ આપણા મનમાં સંકળાઈ જાય છે. પણ પ્રકૃતિનો પ્રવાહ અહીં નવલના જીવનની કરુણતાનો સાક્ષી માત્ર બને છે! વાર્તાના કથનવર્ણનમાં પન્નાલાલ અદ્‌ભુત ચિત્રાંકનો આંકી દે છે. ‘એક નાનકડી તાપણી પોતાનો પ્રકાશ પાથરવાનાં ફાંફાં મારતી હોય એમ બળવા લાગી હતી, ‘નદીના કાંઠા રણકારતા કૂતરાનું ભસવું સુદ્ધાં એના ખ્યાલ બહાર હતું, ‘પાટુડામાં ચોખા ઓરતી નવલને કાને બલકે હૈયા ઉપર જ સીધા, આંગણાના પથ્થરો પર પડતા ડંગુરાના અવાજ ઊઠ્યા’, ‘તાપણાને અજવાળે ધૂપછાંય થઈ રહેલી નવલની આંખ શું આંખ મેળવવા એ મથી રહ્યો હતો’, ‘જાણે બીજો પગ પણ ‘કડાક’ દઈને ભાંગી ગયો હોય એમ એ કાંઠા ઉપરની પેલી ખાખરી આગળ જ અટકી પડ્યો...’ – જેવાં ચિત્રોમાં વિરલ કલ્પનોની સમૃદ્ધિ અને સામર્થ્ય પ્રગટ થાય છે. માસી-માસાના સંવાદોમાં લોકબોલીના તળપદા પ્રયોગો અને કહેવતોનો એટલો જ અસરકારક ઉપયોગ થયો છે. કોઠાસૂઝથી જ પન્નાલાલે એક નારીના આંતરજીવનના કરુણ પ્રવાહનું દર્શન કરી તેમાંથી એક અતિ હૃદયસ્પર્શી કથા ગૂંથી લીધી છે. (૮) ‘ભાથીની વહુ’ વાર્તામાં, દેખીતી રીતે જ, પરિણિત સ્ત્રી-પુરુષના જીવનની વિષમ કરુણ દશા રજૂ થઈ છે. શૃંગારસજ્જા નવોઢા સાથે મધુરમિલનની રાત ઝંખતા એક ગ્રામીણ યુવાન ભાથીભાઈની વિષમ કરુણ જિંદગી અહીં આપણને સ્પર્શી જાય છે, તો, ભાથીભાઈને છોડી ગયેલી વહુ, કઠોર-કારમા અનુભવો પછી, પતિના ખાલી ઘરમાં સ્વાધીનપણે અધિકારપૂર્વક સ્થાન લે છે અને ભાથીભાઈની અનંત પ્રતીક્ષામાં જીવવા લાગે છે ત્યારે એ વહુની કારુણ્યમૂર્તિ એથી ય વધુ સ્પર્શી જાય છે. પરગામ ચાલી ગયેલા ભાથીની રાતદિવસ ઝંખના કરતી અને માર્ગ પર નજર નોંધી રહેતી ભાથીની વહુમાં કોઈ શાશ્વત વિજોગણની છબી પ્રત્યક્ષ થઈ ઊઠે છે! ભાથીભાઈને ત્યાં પહેલે આણે આવેલી એ સ્ત્રી, પહેલી મિલનરાતે જ, ભાથીને હડધૂત કરે છે અને એ ક્ષણે જ ભાથીના દાંપત્યની વિષમતાનો આપણને અંદાજ આવી જાય છે. એ પછી તો ભાથીની વહુ સતત ભાથીભાઈની ભારે અવહેલના કરતી રહી. ભાથીભાઈને એ છબીલી અને શોખીન સ્ત્રી માટે ભારે આસક્તિ હતી અને એટલે જ એનાં અપમાન અને મ્હેણાંટોણાં બધું જ તે સહન કરતો હતો અને પતિ પોતાની પાછળ ઘેલો છે એ ભાનથી વહુ પણ વધુ ને વધુ નિરંકુશ અને બેફામ બનતી ગઈ. પણ પછીથી ભાથીએ મનમાં સબળ સંકલ્પ સાથે જ્યારે પોતાનું ‘ધણીપણું’ દાખવ્યું ત્યારે વહુના મન પર એની જુદી જ અસર પડી! અને, ગામના કોઈ કમ્પાઉન્ડર સાથે તે ભાગી નીકળી ત્યારે પણ પોતાને ભવિષ્યમાં છેવટનું આશ્રયસ્થાન આ ભાથીનું ઘર જ હશે એવી કંઈક સૂઝસમજથી તે પોતાનાં કપડાંઘરેણાં બધું અહીં જતનપૂર્વક મૂકી ગઈ હતી! પરમુલકમાં કારમી ઠોકરો ખાઈને તે પાછી ફરી ત્યારે તેને તેના પિતાએ તો સંઘરી નહિ. અહીં ભાથીભાઈનું ઘર બંધ હતું, છતાં ઘરની માલકણ બની તેણે અહીં પ્રવેશ કર્યો. ભાથીના એકલવાયા જીવનની તેને ખબર પડી એટલે પતિ અને ઘરની તીવ્રતમ ઝંખના કરતી એ સ્ત્રી હવે એકાકી વિજોગણ બની જીવન જીવવાનું સ્વીકારે છે. ગામલોકોની ટીકા, ટિખ્ખળ, ઠઠ્ઠામશ્કરી – સર્વ કંઈ તે જીરવી જાય છે. ‘ધરતી ઘણી મોટી છે. તમે તો જોઈ નથી ને હું તો જોઈને આવી છું. પણ મનને હજુ થોડીક લાલસા છે... ઘરધણી પરદેશ છે ને ધણિયાણી ઘરમાં છે ત્યારે ત્રીજો કયો માનો જણ્યો ફરિયાદ કરવાનો છે. વળી, ‘હા ભાઈ ભીતરનો (ફોટો) હજી બાકી છે!’ – જેવી ઉક્તિઓમાં એ સ્ત્રીના મનનું ખમીર છતું થાય છે. પણ આ વાર્તામાં એક છેલછબીલી રૂપગર્વિષ્ઠા અને ઉદ્ધત લાગતી સ્ત્રીના હૈયાનાં બાહ્ય આવરણો તૂટી જઈ છેવટે એક ગંભીર પ્રતાપી પણ સંવેદનપટુ નારીમૂર્તિ જાણે કે પ્રત્યક્ષ થાય છે. બહારનાં કુરૂપ કર્કશ કોયલાં ઓગળે છે અને ભીતરમાં છુપાયેલી એક કારુણ્યમૂર્તિ-ઝંખનામૂર્તિ-શી નારી છતી થાય છે : એક શાશ્વત નારીની એ રહસ્યમૂર્તિ બની રહે છે. વાર્તામાં નાટ્યાત્મક વળાંકો આવે છે. આણા પૂર્વે ભાથીના તરુણ હૈયાના અરમાન અને કોડ – એ એક આરંભની પરિસ્થિતિ છે. ભાથીના ઘરમાં વહુના આગમન સાથે તેના અરમાન-અભિલાષના ભુક્કા થાય એ સંજોગોમાં આરંભની પરિસ્થિતિનો પૂરો વિપર્યાસ બને છે. પણ એ પછી ખાલી ઘરનો કબજો લેતી વહુ અને તેનો હૃદયપલટો એ ત્રીજો વળાંક છે. આરંભમાં દાંપત્યજીવનના ઝઘડાઓમાં અમુક કોમિક અંશો પ્રગટ્યા છે. પણ પછીથી ઘેરી વિષમ કરુણતા સર્જાય છે. પતિ-પત્ની બંને હંમેશ માટે વિખૂટાં પડે છે. આશાઅરમાનભર્યાં દાંપત્યનો વિષમ સંજોગોમાં કરુણ અંત આવે છે. એમ લાગે કે પન્નાલાલ માનવજીવનનાં કરુણ તત્ત્વોને ગંભીરપણે ઓળખીને આલેખી શક્યા છે. (૯) ‘ઓરતા’ વાર્તામાં ગ્રામીણ નારીનું એક અનોખું રૂપ જેવા મળે છે. સાવ મુગ્ધ નિર્દોષ કિશોરી અવસ્થા વટાવતી અને પરિણિત છતાં કિશોરીકાળની અલ્લડતામાં જ ખોવાઈ જતી, પાનુના કોમળ હૃદયજીવનની આ કથા છે. વાર્તાનો અંત સુખદ છે : પાનુ પોતાના સાસરામાં સારી રીતે ગોઠવાય છે. પણ તે પહેલાં તેના હૃદય પર કારમા આઘાતો થઈ ચૂક્યા હોય છે. એક રીતે દાંપત્યના વિસંવાદની આ કથા છે. નવોઢાના રૂપમાં પાનુ પહેલે આણે સાસરે આવી ત્યારે ય કિશોરીકાળની તેની રમતિયાળ વૃત્તિ છૂટી નહોતી. બે વાર નાનાનાના દોષ કરતાં ગગલના હાથે મૂઢ માર ખાઈને તે પિયર પાછી ફરી હતી. પહેલીવારનો તેનો ગુન્હો એ હતો કે શેરીનાં બાળકો સાથે તે ગિલ્લીદંડી રમવા જોડાઈ હતી. બીજી વારનો ગુન્હો એ હતો કે દિયર જોડે મીરાંબાઈનાં પદો વાંચતાં ગાય મકાઈ ખાઈ ગઈ હતી. બીજી વાર ગગલ તેને મારવા ગયો. પાનુ જ અસાધારણ બળથી તેની સામે થઈ, અબળા મટી તે દુર્ગા બની. એ પછી પાનુ કેટલોક સમય પિયરમાં રહી. આ ગાળામાં જ ફળિયાના કોઈ દૂર શહેરમાં રહેતા યુવાનને નિર્દોષભાવે પત્ર લખ્યો. એ યુવાન પાનુની કામના કરતો આવ્યો ય ખરો. પણ આ તો ઘેલી પાનુની ગમ્મત હતી એમ જાણ્યું ત્યારે એ ભલો યુવાન ઘડીક દુઃખી થયો, પણ પછી પાનુને સાસરે વળાવવામાં તે જ સહાયભૂત થયો! ભાથીની વહુ કરતાં પાનુ જુદી જ માટીની સ્ત્રી છે. એના અંતરમાં કોમળ અભિજાત પ્રેમની ઝંખના છે. એના હૈયામાં કૂણા-કૂણા ઓરતા ઊઠ્યા કરે છે. એની હૃદયવૃત્તિમાં સૂક્ષ્મ રસિકતા છે, સંસ્કારિતા છે, ભાવનાત્મકતા છે. એના ગ્રામજગતમાં એ એક વિરલ વ્યક્તિ છે. ગગલ જેવા જડભરત અણઘડ અને નઠોર યુવાનને પનારે એ પડી એમાં જ સંસારજીવનની વિષમતા રહી છે. ‘શાને ઊઠે, શાના ઊઠે, ઓરતા જાણું ના ઝંબુના તોય ઊઠતા’ એવી પાનુની હૃદયદશા છે. પિયરની સીમમાં તે થોડા છોડ ગૂંથીને પોતાના આરાધ્ય પુરુષ કૃષ્ણની મૂર્તિ ખડી કરી દે છે. આપણે અહીં એ લક્ષમાં રાખવાનું છે કે પાનુને તેની આસપાસના કોઈ પુરુષ પ્રત્યે મોહભાવ નથી. પેલા શહેરી યુવાનને પત્ર લખવા પાછળ પણ એવી કોઈ ગંભીર આસક્તિ નહોતી જ. માત્ર તેના હૈયામાં અદમ્યપણે ઊઠતા રહેતા ઓરતાને વ્યક્ત થવા માટે એ યુવાન નિમિત્ત બની ગયો એટલું જ. પન્નાલાલને કદાચ એમ સૂચવવું છે કે પાનુનું અંતર કોઈ લોકોત્તર પુરુષની ઝંખના સેવી રહ્યું છે. કોઈક દેવતાઈ અંશવાળા પ્રિયતમની-પતિની-તેને આરત છે. આત્માના કોઈ ઊર્ધ્વ ઉજ્જ્વલ અંશની એ કામના છે. ‘મને દેહની ભૂખ નથી પણ આત્માની-પ્રેમની ભૂખ છે’ એમ તેનું અંતર એકાંતમાં બોલી ઊઠે છે. આવી સાત્ત્વિક ઝંખનામાં જીવતી પાનુ એના નાનકડા સંસારમાં સાચે જ એકલવાયી છે. કોઈ સ્વજન એના અંતરના ઓરતાને સમજી શકતું નથી અને કદાચ કોઈ એનો તાગ લે તો ય શું? જે સમાજમાં એ જન્મી છે તેમાં તેની ઝંખનાનો વર ક્યાંથી મળવાનો હતો? તેના ભાગ્યમાં જ વિષમતા અને વિફલતા લખાયેલી છે. પન્નાલાલ આમ અહીં માનવની મૂળભૂત એકલતા અને વિફલતાને જાણે કે સ્પર્શી રહે છે. (૧૦) ‘પીઠીનું પડીકું’માં આમ જુઓ તો એક અદાલતી કિસ્સો રજૂ થયો છે. પણ એમા લક્ષ્મણ અને કીકીના વિવાહનો પ્રશ્ન જુદી જ ગૂંચ સાથે મૂકાયો છે. જો કે આ વાર્તામાં અમુક ઊર્મિલતાનું તત્ત્વ ભળી ગયું છે અને એ રીતે એની અપીલ ઓછી થઈ છે. પણ એમાં પન્નાલાલની આગવી સૂઝસમજ જોઈ શકાશે. અહીં બે તરુણતરુણીના લગ્નના ઓરતા અધૂરા રહ્યા એની પાછળ લક્ષ્મણની ગરીબી અને રાજ્યના કાયદા-કાનૂનોની વિચિત્ર પદ્ધતિ પણ ભાગ ભજવે છે. રાજ્યના કાયદાની ચુંગાલમાં આવેલા લક્ષ્મણને અટપટા કાનૂનની ગૂંચ સમજાતી નથી. છેવટે કીકીને પીઠીનું પડીકું પહોંચતા તે ઇચ્છા પ્રગટ કરે છે. જમાદાર તેને એટલું જ કહે છે : ‘અબતો ભૂલ હી જા. સબ કુછ ભૂલ જા પ્યારે. વો નદી ભૂલ જા. ઉસ કમનસીબ લડકી કુ ભૂલ જા. દીયા હુઆ વચન ભૂલ જા. ઔર પીઠી કે ઈસ પડીકુકું.... ઔર મેં કહું ભી ક્યા મોરે દોસ્ત, સબ કુછ ભૂલ જા...’ આ રીતની તેની ઉક્તિમાં રાજ્યતંત્ર અને કાયદાનું અંધત્વ છતું થાય છે : માનવવ્યક્તિ સામે તેનો નિષેધાત્મક અભિગમ છતો થાય છે. શાસનની જડતા સામે વ્યક્તિચેતના રુંધાય છે, કચડાય છે, નષ્ટ થાય છે. જીવનનું નવસર્જન કરવાની એની પાસે જાણે ક્ષમતા નથી : માત્ર એનું વિ-સર્જન કરવામાં જ એ રાચે છે એવો ભાવ અહીં રણકી ઊઠે છે. (૧૧) ‘મા’ વાર્તામાં આમ જુઓ તો દારુણ ગરીબી અને કંગાલિયતની કથા રજૂ થઈ છે. જાલમ ખાંટની પ્રૌઢ અનુભવી સ્ત્રી માટે આખા ય કુટુંબના ભરણપોષણનો કઠોર પ્રશ્ન ઊભો છે એટલે કુટુંબમાં ભેંસ વિયાઈ તે ક્ષણે, ભેંસને પાડા માટે જરા પણ હેવાવાનું થાય તે પહેલાં જ, તે તેને કોઢારમાંથી દૂર કરવા નિર્ણય કરી લે છે. મોટા દીકરાની પહેલે આણે આવેલી નવોઢાને તે પાડરુંવાળું ટોપલું ઊંચકી લઈ જવા કહે છે, ત્યારે તે સહજ જ ના પાડે છે. સાસુ તેને સંભળાવે છે : ‘હમણાં તો તને દયાની પૂંછડીને કાંઈ નથી કહેતી પણ ભગવાન જો દાયકો જીવાડે તો ભાળું કે કેટલે તોલે મણ થાય છે, કેમ કરીને પેટના લોચ ઉછેરાય છે, રાજના વેરા ભરાય છે ને વાણિયાના વેવાર...’ પન્નાલાલ અહીં ગ્રામીણ સમાજની આર્થિક વિષમતાનું વેધક દર્શન કરાવે છે. કુટુંબના ભરણપોષણ અર્થે, કુટુંબના સૌ સભ્યોના સુખ અર્થે, તે પોતાના હૃદય પર મોટો પથ્થર મૂકી પાડાને દૂર કરવાનું કામ કરે છે. જુવાન વહુ કોમળ હૃદયની સ્ત્રી છે અને જાલમ ખાંટની પત્ની ય એવી જ કોમળ હૈયાંની હશે. પણ આ કુટુંબના વિષમ સંજોગોએ તેના હૈયાને નિષ્ઠુર બનાવી મૂક્યું છે. એની નજર સામે વર્ષભરનાં અન્નપાણી છે. કુટુંબીજનોના ભરણપોષણની ચિંતા એમાં પડેલી છે અને એટલે જ તે નિર્દય બનીને પાડાને ફેંકવા કટિબદ્ધ બને છે. સંજોગોની વિષમતા જ માનવ આત્માને ધીમે ધીમે જરઠ અને જડ બનાવી દે છે એમ પન્નાલાલને સૂચવવું છે. સ્નેહીજનો માટેની શુભવાસના અને નિર્દય કૃત્ય બંને અહીં એકસાથે દેખા દે છે. માનવઅસ્તિત્વની કરુણ વિષમતા એમાં છતી થાય છે. (૧૨) ‘નેશનલ સેવિંગ’માં ગુજરાતના સીમાડા પરના અબુધ ગરીબ આદિવાસી સમાજનું વિલક્ષણ ચિત્રણ છે. અહીં કોઈ એક નાયક નથી. એક આખું જનપદ પોતે જ મુખ્ય પાત્ર છે. હળવા વિનોદવ્યંગની આ વાર્તામાં છેવટે સમકાલીન પ્રજાજીવનની કરુણ દશા જ ધ્વનિત થઈ ઊઠે છે. પૂરા સમભાવ અને કારુણ્યદૃષ્ટિથી પન્નાલાલે આ કથાની પરિસ્થિતિ રજૂ કરી છે. મહાયુદ્ધના ગાળામાં અંગ્રેજ સરકારે નાણાં એકત્ર કરવા નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટોનો વ્યાપક પ્રચાર આદર્યો. ઉત્સાહી અધિકારીઓએ આદિવાસી માણસોને સમજાવી ફોસલાવીને અને જરૂર પડ્યે ધાકધમકી બતાવીને એવાં સર્ટિફિકેટો પધરાવી દીધાં અને સરકારના માણસો સર્ટિફિકેટની રકમ લેવા આવ્યા ત્યારે એ કંગાલ લોકોની જે કરુણ દશા થઈ તેનું અહીં મર્મવ્યંગભર્યું ચિત્રણ થયું છે. અબુધ આદિવાસીઓ રડીખડી ઘરવખરી વેચીને પૈસા ચૂકવતા થયા. પણ પછી સર્ટિફિકેટોને વરસો સુધી સાચવવાં ક્યાં એ મોટી વિમાસણ થઈ. એટલે ગામના દુકાનદારને સૌ નાનકડી રકમે વેચી નાંખે છે. અહીં સંજોગો વચ્ચે લાચાર અને અસહાય લોકોના શોષણનો મુદ્દોય ધારદાર રીતે ઊપસી આવ્યો છે. ‘પણ સાબ બૈરું ય મરી ગયું હે, હું વેચું?’ એવા ઉચ્ચારણમાં હાસ્ય નીચે ઘેરી કરુણતા છલકાઈ ઊઠે છે. રાવજી જેવા માટે સર્ટિફિકેટ ક્યાં સંઘરવું તે એક મોટો પ્રશ્ન બની રહ્યો. એનો એક સહેલો ઉત્તર હતો : ‘અરે વાંહડાની ભૂંગળીમાં’પણ એના પ્રતિપ્રશ્ન સમો તરત બીજો પ્રશ્ન આવ્યો : ‘પણ પછી એ ભૂંગળી ક્યાં સંઘરવી’ અને એનો ઉત્તર કોઈ પાસે ન હતો! (૧૩) ‘સુખદુઃખનાં સાથી’માં શહેરના ભિખારીઓનું જગત રજૂ થયું છે. આંધળી જમની અને અપંગ ચમન એ બે ભિખારીઓ વચ્ચે સંજોગોની વિષમતા છતાં ઓળખાણ થઈ અને માયા બંધાઈ, પણ ગવર્નરની સવારીના દિવસે પોલીસોની જોહુકમીને કારણે બંને વિખૂટાં પડ્યાં અને જુદા જુદા સંજોગોમાં મોતને ભેટ્યાં. વ્યવસ્થા અને સલામતીના આયોજકોને હાથે આ બે છૂટાં પડ્યાં તેમાં વિષમ વક્રતા રહી છે. જમનીને ચમનાના અવસાનના ખબર આપતો ફેરિયો ‘યે સાલી બલાકુ મૈંને કહાં કીયા? મર જાયગી તો ભોગ મિલેંગે! ન લેના ન દેના ખામખાં!’ એવા શબ્દો ઉચ્ચારે છે. તેમાં એક પ્રકારની કઠોર અમાનુષિતા છતી થાય છે. (૧૪) ‘રંગ વાતો’, ‘વાતવાતમાં’, ‘નાદાન છોકરી’ અને ‘મનહર’ જેવી વાર્તાઓમાં પન્નાલાલ શિક્ષિત વર્ગનાં માણસોની વ્યથાભરી કથા લઈ આવ્યા છે. માનવમનનાં સૂક્ષ્મતમ વૃત્તિ વલણો અને લાગણીઓના વિરોધી પ્રવાહો આલેખવામાં પન્નાલાલ અજબ કુશળતા દાખવે છે. માનવમનની ચંચળતા, તેનાં અકળ વૃત્તિવલણો, તેના આત્મવંચનાના પ્રયત્નો અને સંજોગોની ભીંસ વચ્ચે તેનાં ગહન સંચલનો – એ બધું પન્નાલાલ લીલયા પ્રગટ કરી આપે છે. ‘રંગ વાતો’ના સંવિધાનમાં મૂળથી જ એક નાટ્યાત્મક વક્રતા રહી છે. આશ્રમશાળાના આચાર્યની ત્યાંની કન્યાઓ સાથેની વ્યભિચાર લીલાને ખુલ્લી પાડવા નીકળેલાં કીકુભાઈ અને રંજન પોતે જ વિચિત્ર સંજોગોમાં પોતાની જાતીય નિર્બળતાનો સાક્ષાત્કાર કરે છે! એ ખરું કે સાવધાનીપૂર્વક ચાલી નીકળતી રંજન વ્યભિચારમાં સપડાતી નથી, પણ જાતીય વૃત્તિનું કારમું રૂપ તે નિહાળી રહે છે. નાનકડી કસ્બાની હૉટેલના પરિવેશમાં બંને વચ્ચેની મર્યાદા જે રીતે ઓગળવા માંડે છે તેનું બારીક વિગતોમાં પન્નાલાલે આલેખન કર્યું છે. ‘વાતવાતમાં’ વાર્તામાં વસંત અને સુરબાળા વચ્ચેના નાજુક સંબંધ પર શંકાની છાયા પડતાં તે કેવો નંદવાઈ જાય છે તેનું મર્મસ્પર્શી આલેખન કર્યું છે. ‘નાદાન છોકરી’માં શીલાના ગુન્હાહિત મનની પ્રવૃત્તિ અને તેથી સર્જાતી ગંભીર કટોકટીનું એટલું જ માર્મિક ચિત્રણ મળે છે. ‘મનહર’માં મુગ્ધ તરુણ દંપતીના અંતરની વિમાસણ આલેખાઈ છે. લગ્ન એટલે બે આત્માનું મિલન; એમાં દેહનું મિલન તો અતિ ગૌણ બાબત – એવા તરંગી ખ્યાલોમાં જીવતાં અને લગ્નથી જોડાતાં તરુણ તરુણી વચ્ચે રચાતી વિમાસણ પન્નાલાલે કંઈક હળવી રગમાં આલેખી છે. અંતે, બંને પાત્રો નક્કર ધરતી પર આવી જીવવા લાગે છે. પન્નાલાલની માનવમનની ગૂંચો ઉકેલવાની વેધક દૃષ્ટિ અહીં પણ પ્રત્યક્ષ થાય છે. (૧૫) પન્નાલાલે શહેરી સમાજનાં શિક્ષિત પાત્રો લઈને જે વાર્તાઓ રચી તેમાં ય તેમની કળા સૂઝ ઓછી નથી. પણ ગ્રામજીવનની કથાઓમાં તેઓ અદ્વિતીય જ રહે છે. પન્નાલાલની વાર્તાકાર તરીકેની વિશેષતાને યથાર્થ રૂપે ઓળખવા તેમની ગ્રામજીવનની વાર્તાઓ પાસે જ જવું પડે.