કથાવિચાર/ટૂંકીવાર્તા (લઘુકથા સહિત) : સ્વરૂપ અને ગુજરાતીમાં વિકાસ


ટૂંકી વાર્તા (લઘુકથા સહિતઃ)
સ્વરૂપ અને ગુજરાતીમાં વિકાસ

ટૂંકી વાર્તાનું સ્વરૂપ :

ગુજરાતી વિવેચનમાં ‘ટૂંકી વાર્તા’ સંજ્ઞા અંગ્રેજી વિવેચનની સંજ્ઞા Short storyના પર્યાયરૂપે યોજાતી રહી છે. એ સંજ્ઞા આધુનિક યુગમાં એક કથામૂલક કળાસ્વરૂપ લેખે ટૂંકા ફલકની વાર્તાનું જે વિશિષ્ટ સ્વરૂપ નિર્માણ થયું તેનો નિર્દેશ કરે છે. અંગ્રેજી short storyનો ખ્યાલ સૂચવવા ગુજરાતીમાં ‘નવલિકા’ સંજ્ઞાય ઘડાયેલી છે અને ‘ટૂંકી વાર્તા’ સંજ્ઞાની સમાંતરે એ પણ મુક્તપણે વ્યાપક પ્રચારમાં રહી છે. વળી આ આધુનિક કળાસ્વરૂપનો નિર્દેશ કરવાને આપણા લેખકો અને વિવેચકો ઘણીય વાર ‘ટૂંકી વાર્તા’ શબ્દસમૂહને બદલે માત્ર ‘વાર્તા’ શબ્દથીય ચલાવે છે. આ સ્વરૂપના આરંભકાળમાં ‘નાની વાર્તા’ કે ‘વાત’ સંજ્ઞાય આપણે ત્યાં ખપમાં લેવાયેલી છે. એક આધુનિક કળાસ્વરૂપ લેખે ટૂંકી વાર્તાનો ઉદ્‌ભવ, આમ જુઓ તો, પશ્ચિમના સાહિત્યમાં ગઈ સદીમાં થયો, પણ એ પછી એની પ્રેરણા અને પ્રભાવ નીચે દોઢ બે સૈકા જેટલા સમયગાળામાં વિશ્વભરના સાહિત્યમાં વ્યાપકપણે અને ઝડપથી એ સ્વરૂપનું ખેડાણ વિસ્તર્યું છે. આધુનિક માણસના જીવનસંયોગોની વિષમતા અને જટિલતાઓનું તેમ તેના અંતરની ગહનગંભીર સંવેદનાઓ અને એકલ સ્વરોને સૂક્ષ્મરૂપે અને ઉત્કટપણે વ્યક્ત કરવાને આ સ્વરૂપ આપણા સમયના લેખકોને ઘણું અનુકૂળ નીવડયું છે. એની કળાત્મક ક્ષમતાનો સભાનપણે તાગ લેવાને અનેક લેખકોએ એની વર્ણ્યવસ્તુની રજૂઆતની પદ્ધતિમાં, રૂપનિર્માણની રીતિમાં, કથનવર્ણનની શૈલીમાં તેમ સર્જનાત્મક ભાષાના ઉપયોગમાં વારંવાર પ્રયોગો પણ કર્યા છે. વાસ્તવમાં, રૂપરચનાની દૃષ્ટિએ આ સ્વરૂપ ઘણું અનુનેય અને રૂપાંતરશીલ નીવડ્યું છે. એમાં એક કેન્દ્રવર્તી ધારા વાસ્તવવાદી/પ્રકૃતિવાદી રીતિની વાર્તાઓની છે. સામાજિક આર્થિક સંયોગોની કઠોર વાસ્તવિક અને તથ્ય મૂલક રજૂઆતને કારણે આ પ્રકારની વાર્તાઓ સામાજિક દસ્તાવેજો તરફ ઢળે છે. કેટલીક વાર વાર્તાલેખક પ્રસ્તુત કથાવૃત્તાંતમાં અંતર્હિત રહેલાં માનવીય સંઘર્ષ, કટોકટી, તણાવ, પરાકાષ્ઠા અને પ્રતિપરાકાષ્ઠા જેવાં નાટ્યતત્ત્વોને ઉપસાવીને એકાંકી જેવી નાટ્યાત્મક પ્રભાવકતા આણે છે. કેટલીક વાર વાર્તાકાર મુખ્ય પાત્રના ચરિત્રવિકાસના કે તેના માનસિક જીવનનું ઝીણવટભર્યું આલેખન કરી તેને રેખાચિત્રની નિકટ લાવી દે છે. આધુનિકતાવાદથી પ્રેરિત અનેક લેખકોએ, વળી, વર્ણ્ય પરિસ્થિતિ કે ભાવદશાનું પ્રતીકાત્મક રીતિએ નિરૂપણ કર્યું છે : કલ્પનો-પ્રતીકોના પ્રચૂર પ્રયોગોને કારણે એવી રચનાઓ સઘન ઉત્કટ ઊર્મિકાવ્યની કોટિએ પહોંચતી દેખાય છે. કેટલીક વાર કપોલકલ્પિત પુરાણતત્ત્વ કે મૅજિકનાં તત્ત્વોને આશ્રયે એને આગવો મિથિકલ પરિવેશ પ્રાપ્ત થાય છે, તો ક્યારેક રાજકારણીઓના વિદૂષકવેશના આવરણમાં કે પ્રાણીકથાના નવતર ઢાંચામાં વ્યંગઉપહાસની કથા રચાય છે. આમ, અપારવિધ સમૃદ્ધિ પ્રગટ કરતા છતાં કળાદૃષ્ટિએ સર્વથા ભિન્ન વૃત્તિવલણો દાખવતા આ સ્વરૂપને કોઈ એક ચોક્કસ અને સુરેખ વ્યાખ્યામાં બાંધવાનું મુશ્કેલ બની રહે છે. છતાં, એ વાત સ્પષ્ટ છે કે, આજની ટૂંકી વાર્તા, મૂળભૂત રીતે એના સ્વરૂપ અને પ્રયોજનની બાબતમાં, પ્રાચીન સમયની ધર્મનીતિથી પ્રેરિત બોધકથાઓ, આખ્યાયિકાઓ, પ્રાણીકથાઓ, રૂપકગ્રંથિઓ કે એ પ્રકારની બીજી દૃષ્ટાંતકથાઓથી જુદી પડે છે. જોકે પરંપરાપ્રાપ્ત કથાઓમાં અનેક એવી રચનાઓ મળશે, જેમાં એકાદ નાનકડો વૃત્તાંત કેન્દ્રમાં હોય અને એની લાઘવભરી સીધી સુરેખ રજૂઆતને કારણે જ વાચકના ચિત્તમાં એકતા કે એકાત્મકતાનો પ્રભાવ મૂકી જતી હોય અને આટલી લાક્ષણિકતાને ધ્યાનમાં લઈ શરૂઆતમાં કોઈ કોઈ લેખકો એ પ્રાચીન કથાઓ પણ આધુનિક ટૂંકી વાર્તાઓ જેવી જ વાર્તાઓ છે એમ માનવા પ્રેરાયા હતા. પણ હવે એ વાત એકદમ સ્પષ્ટ બની છે કે આધુનિક ટૂંકી વાર્તાનો પ્રેરણાસ્રોત જુદો છે, માનવીય સંવેદનાઓ અને વાસ્તવના નક્કર પ્રત્યક્ષો (perceptions) દ્વારા જીવનનું રહસ્ય ઉદ્‌ભાસિત કરવાની અને અર્થઘટન કરવાની તેની રીતિ નિરાળી છે અને કળાત્મક મૂલ્યોની માવજત કરવાની તેની દૃષ્ટિ નિરાળી છે. માનવીના જાગૃત અજાગૃત સ્તરનાં સંચલનો અને સંવેદનાઓને યુગપદ્‌ ઝીલીને માનવીય વાસ્તવિકતાને તે શક્ય તેટલી સંકુલતામાં ઝીલવા ચાહે છે. જીવનના ગહનતર પ્રવાહોને કોઈ વિશેષ કોણથી તે પ્રત્યક્ષ કરાવવા ચાહે છે; બલકે, માનવઅસ્તિત્વની કોઈ અકળ ઝંખનાને, તેની કોઈ ગહન તરસને, તેના અગમ્ય ઝુરાપાને, તેની આશાનિરાશાને, આદિમ્‌ સ્ફુરણાઓને વ્યક્ત કરવા ચાહે છે. વાર્તાક્ષેત્રના જાણીતા લેખક અને અભ્યાસી ફ્રાન્ક ઓ’કોનરે આ સ્વરૂપની વિશેષતાનું રહસ્ય બતાવતાં એમ કહ્યું હતું કે એનો વર્ણ્યવિષય મુખ્યત્વે અવમાનિત જનસમૂહનાં એકાકી માનવીઓ અને તેના વિષમ સંયોગો છે, અને એવાં માનવીઓના અંતરનો એકલ સ્વર (lonely voice) તેનું હાર્દ બની રહે છે અને તેમનું આ અવલોકન ઘણે અંશે સ્વીકાર્ય બને એમ છે. નવલકથાની રચનામાં નાનાંમોટાં અનેક પાત્રો અને તેની આસપાસ નાનામોટા અસંખ્ય બનાવોની ગૂંથણી થાય છે. તેમાં કથાનાયક અને બીજાં મહત્ત્વનાં પાત્રોની ગતિવિધિઓની તપાસ કરતાં જણાશે કે તેઓ વ્યક્તિગત અને સામાજિક જે જે પ્રશ્નોનો સામનો કરી રહ્યાં છે તેમાં તેમનું બૌદ્ધિક ચિંતન કે પ્રવર્તક વિચારધારાઓ નિર્ણાયક રીતે ભાગ ભજવતી હોય એમ જોવા મળશે. ટૂંકી વાર્તાના લેખકનું મુખ્ય વલણ કેન્દ્રવર્તી પાત્રોના સંકુલ આંતરસંબંધોથી રચાતી ભાવપરિસ્થિતિનું અને તેના આશ્રયે એ પાત્રોની સંવેદનાના ગૂઢ અગોચર સ્તરોનો તાગ લેવાનું રહ્યું છે. ટૂંકી વાર્તામાં, અલબત્ત, પ્રાણવાન કથાવૃત્તાંત (story)નો આધાર અનિવાર્ય છે. બનાવો પ્રસંગો અને પરિસ્થિતિઓની શૃંખલા એ રીતે એમાં પ્રવેશે છે. પણ નર્યું વાર્તાકથન આધુનિક લેખકને અભિપ્રેત નથી. એ બનાવો પ્રસંગો અને પરિસ્થિતિઓના સમગ્ર સંયોજનમાંથી માનવીય સત્ય પ્રગટ થવું જોઈએ અને એ દૃષ્ટિએ બનાવો પ્રસંગો વગેરે ઘટકો તો એના દ્યોતક અને સમર્પક અંશો જ રહે છે. વાર્તાને અંતે આવતો બનાવ ભલે પૂરેપૂરો રજૂ ન થાય, તેનું ચમત્કૃતિભર્યું સત્ય પૂર્ણપણે પ્રગટ થાય એ જ આવશ્યક છે. પરંપરાગત રીતિની વાર્તાઓમાં અંતિમ પ્રસંગે અણધારી રીતે અસાધારણ ચોટ સાથે એવું સત્ય ઉદ્‌ભાસિત થાય એ પ્રકારના કલાવિધાનનો ઘણો મોટો મહિમા રહ્યો છે. અંતિમ પ્રસંગની ચોટ જન્માવવા વાર્તાલેખકોએ કેટલીકવાર રહસ્યગોપનની સ્થૂળ અને કૃતક યોજનાઓ પણ કરી છે, પણ સાચકલી વાર્તા એના અંતિમ ભાગમાં માનવજીવનની અકળ લીલામય ગતિવિધિનું સૂચન કરતી રહસ્યસભર ક્ષણનો સ્ફોટ કરે છે. ટૂંકી વાર્તાની ચમત્કૃતિભરી ક્ષણને તાર્કિક રીતે સમજાવી શકાય નહિ અને એટલે જ, એની વ્યાખ્યા કરવાનું અત્યંત મુશ્કેલ રહ્યું છે. છતાં એનું કોઈક પ્રાણવાન તત્ત્વ પકડીને એની વ્યાખ્યા કરવાના કે તેનું વર્ણન આપવાના પ્રયત્નો થયા છે. પ્રસિદ્ધ વાર્તાલેખક ધૂમકેતુએ એની ઓળખ આ રીતે આપી છે : ‘જે વીજળીના ચમકારાની પેઠે એક દૃષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોંસરવી નીકળી જાય અને બીજી ઝાઝી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી કાઢે એ ટૂંકી વાર્તા.’ બીજા જાણીતા વાર્તાકાર અને મર્મજ્ઞ વિવેચક રામનારાયણ પાઠકની આ સ્વરૂપની વ્યાખ્યા છે : ‘ટૂંકી વાર્તા જીવનના કોઈ રહસ્યને ઓછામાં ઓછા શબ્દોમાં નિરૂપિત કરે છે.’ ગાંધીયુગના પ્રમુખ સાહિત્યકાર ઉમાશંકર જોશી વળી આગવા દૃષ્ટિબિંદુથી એની ઓળખ આપે છે : ‘ટૂંકી વાર્તા એટલે અનુભૂતિકણ.... ટૂંકી વાર્તા છે લેખકની વિશિષ્ટ ભાવપરિસ્થિતિએ કથ્યવૃત્તાંતની મદદથી લીધેલો કલાઘાટ.’ આ રીતે આ સ્વરૂપની વ્યાખ્યાવિચારણાઓમાં તેના એક યા બીજા પાસા પર ભાર મુકાતો રહ્યો છે. આકાર રચનારીતિ અને શૈલીનિર્માણ પરત્વે આ સ્વરૂપ ખેડનારા લેખકોએ અપાર વૈવિધ્ય સિદ્ધ કર્યું હોવા છતાં એ દરેક રચના ભાવકના ચિત્તમાં મૂળની એક્તા કે એકાત્મતાનો પ્રભાવ મૂકી જાય છે. બનાવોનું સંયોજન, વર્ણ્યવસ્તુની એકતા, શૈલીની એકરૂપતા કે ભાવપરિસ્થિતિને વ્યાપી લેતો જીવંત પરિવેશ એમાં સમર્પક બને છે. વાર્તાના કળાત્મક સંવિધાનનું એ દૃષ્ટિએ ઘણું મહત્ત્વ છે. વાર્તાકાર પોતાને અભિપ્રેત રહસ્યને સમુચિત રીતે ઉપાસવવા મુખ્ય અને ગૌણ બનાવોનું કુશળ સંયોજન કરે છે. મુખ્ય ભાવપરિસ્થિતિમાં સૌથી અનિવાર્ય એવા બનાવોનું અગ્રકક્ષાએ સ્થાપન કરી અન્ય ગૌણ બનાવોને વિવિધ યુક્તિપ્રયુક્તિથી પશ્ચાદ્‌ભૂમિકા રૂપે સાંકળે છે. પરંપરાગત વાર્તાઓમાં વર્તમાનની ધરી પર ભૂતકાળની ઘટનાઓ ગૂંથી લેવાતી રહી છે. વાર્તાકાર કે વાર્તાનિવેદક (narrator) મુખ્ય ઘટનાનો થોડોએક ઉઘાડ કરી વીતી ચૂકેલા બનાવોને સંક્ષેપમાં મૂકીને મુખ્ય કાર્યતંતુ આગળ ચલાવે છે. અથવા, પાત્રોની સંવાદયોજનામાં કે તેમનાં સ્મૃતિસંવેદનોમાં ત્રૂટક અંશો ગૂંથીને જરૂરી એટલી પશ્ચાદ્‌કથા રજૂ કરે છે. વિભિન્ન રીતિથી થતી પ્રસંગગૂંથણીઓમાં એ રીતે કથનકેન્દ્ર (point of view)ની યુક્તિ મહત્ત્વની બને છે. સર્વજ્ઞાતા એવો કથાનિવેદક કથાવિશ્વનાં પાત્રો અને બનાવો વિશે પોતે રજૂઆત કરે ત્યારે દરેક પાત્રની ક્રિયાશીલતા પાછળના ગૂઢ આશયો અને વૃત્તિવલણોની તે સ્પષ્ટતા કરે અને પ્રસંગે પ્રસંગે એ પાત્રના વ્યવહાર અને કાર્યશીલતા વિશે નૈતિક રણકા સાથે ટીકાટિપ્પણી કરે. દરેક પાત્રની આંતરવાસ્તવિકતા અને તેમના દ્વારા ઊપસતી બહારની વાસ્તવિકતા બંનેને કથાનિવેદક કોઈ એક પરિપ્રેક્ષ્યમાં યોજે છે. આથી ભિન્ન, મુખ્ય કે ગૌણ પાત્રના આત્મકથન રૂપે કથાપ્રસંગોની રજૂઆત થાય ત્યારે તેના વિશિષ્ટ પણ સીમિત પરિપ્રેક્ષ્યમાં એ વિશ્વ સાકાર થાય. જો કે પાત્ર પોતાના સંયોગો વિશે અને તેની વચ્ચે પોતાના અનુભવો વિશે કહે ત્યારે તેમાં સચ્ચાઈ અને શ્રદ્ધેયતાનો વિરલ રણકો જન્મે એમ બને. વાર્તાલેખકોએ માનવીય વાસ્તવિકતાને જુદા જુદા સ્તરોએથી અને જુદા જુદા કોણથી ભેદવાના અને ઘટાવવાના સભાન પ્રયત્નો કર્યા છે. આ સદીના આધુનિકતાવાદી લેખકોએ રચનારીતિ (technique)ના વિનિયોગ પરત્વે અનેકવિધ પ્રયોગો કર્યા છે. પણ, ટૂંકી વાર્તાની પ્રાણશક્તિ એની રચનારીતિ કરતાંય વધુ તો તેના લેખકની તીવ્રતમ સંવેદનાઓમાં રહી હોવાનું પ્રતીત થાય છે. માનવીય વાસ્તવિકતાની તીવ્રતમ અનુભૂતિની અવેજીમાં રચનારીતિ ચાલી શકે નહિ.

ગુજરાતીમાં ટૂંકી વાર્તા :

ઓગણીસમી સદીના પાંચમા-છઠ્ઠા દાયકામાં અંગ્રેજી સાહિત્ય અને તેના વિવેચનની પ્રેરણા અને પ્રભાવ નીચે અને વ્યાપકપણે પાશ્ચાત્ય જીવનવિચારના પ્રભાવ નીચે ગુજરાતીમાં જે નવીન સાહિત્યનો આરંભ થયો તેમાં પાશ્ચાત્ય કાવ્યસ્વરૂપોની સાથોસાથ વિભિન્ન ગદ્યસ્વરૂપોનો સ્વીકાર અને વ્યાપકપણે તેના ખેડાણની શરૂઆત એ ઘણી મહત્ત્વની ઐતિહાસિક ઘટના છે. ગઈ સદીના ઉત્તરાર્ધમાં નિબંધ, નવલકથા, નાટક, જીવનચરિત્ર, આત્મકથા જેવાં ગદ્યસ્વરૂપો ઉપરાંત વિવેચન, સંશોધન, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રવૃત્તિઓ આરંભાઈ ચૂકી હતી. પણ એ ગાળામાં ટૂંકી વાર્તાનું એક આધુનિક કળાસ્વરૂપ લેખે એવું ખાસ ખેડાણ થયું નથી કે એની સાચી પ્રાણપ્રતિષ્ઠા પણ થઈ નથી. જો કે નવલકથાની સાથોસાથ નાના ફલકની વાર્તાઓ લખવાના અને જૂની પરંપરાપ્રાપ્ત વાર્તાઓનાં સંકલનો/સંપાદનો કરવાના ઉપક્રમો હાથ ધરાયા છે. ‘ઇસપનીતિકથાઓ’ ‘ઇસપનીતિની વાતો’ ‘ડોડસલીની વાતો’ ‘પંચોપાખ્યાન’ વગેરે સંકલનોમાં બોધપ્રધાન વાર્તાઓ રજૂ થઈ છે. કવિ દલપતરામની સ્વતંત્ર કલ્પનાની નીપજ સમી વાર્તાઓ ‘તાર્કિક બોધ’માં ગ્રંથસ્થ થઈ છે. એમાં પુરાણકથા, દંતકથા કે લોકકથાના અંશો લઈ નીતિસદાચારની વાત તેમણે ગૂંથી છે. રણછોડભાઈના વાર્તાસંગ્રહ ‘પ્રસ્તાવિક કથાસમાજ’ની રચનાઓ પણ પ્રચલિત લોકકથાઓ પર આધારિત છે અને ઘણુંખરું રૂપકગ્રંથિનું માળખું સ્વીકારીને લખાઈ છે. અંગ્રેજીમાંથી ઉતારેલી ત્રણ વાર્તાઓનું સંકલન ‘ગાથાસમાજ’, લોકકથાઓનું સંપાદન ‘ગુજરાત અને કાઠિઆવાડ દેશની વારતાઓ’, જૂની વાર્તાઓનું સંકલન ‘ગુજરાતની જુની વાર્તાઓ’ ઉપરાંત મનોરંજક અને રસીલી વાર્તાઓના સંગ્રહો પ્રકાશન પામતા રહ્યા છે. ‘બુદ્ધિવર્ધક’ ‘બુદ્ધિપ્રકાશ’ ‘આર્ય ધર્મપ્રકાશ’ જેવાં સામયિકો અને અન્ય પત્રો પણ નાના કદની વાર્તાઓને પ્રોત્સાહન આપે છે. સીમિત શિક્ષિત વર્ગમાં હજુ નવલકથા માટે બળવાન રુચિ છે અને નવલકથા અને ટૂંકી વાર્તા એ બે સ્વરૂપોની કળાત્મક ભિન્નતા વિશે ય એવી સભાનતા વરતાતી નથી. ઈ.સ. ૧૮૯૫ થી ઈ.સ. ૧૯૧૮નો ગાળો એ નવી વાર્તાની એક આગવા કળાસ્વરૂપ તરીકેની ઓળખ અને એક સ્વતંત્ર કળાસ્વરૂપ તરીકેની તેની સ્થાપનાનો સમય છે. હિંદી, બંગાળી અને અંગ્રેજી, ફ્રેંચ જેવી પરભાષાની ટૂંકીવાર્તાઓના સારાનરસા અનુવાદો આ સમયે છપાવા લાગ્યા. ‘જ્ઞાનસુધા’ ‘વસંત’અને ‘સુદર્શન’ જેવાં અગ્રણી સામયિકોએ ટૂંકી વાર્તાને, જો કે, ગૌણ સ્થાન જ આપ્યું હતું, પણ પાછળથી ‘જ્ઞાનસુધા’એ અને ‘ચંદ્ર’, ‘સાહિત્ય’, ‘સુંદરી સુબોધ’, ‘વાર્તાવારિધિ’ અને ‘વીસમી સદી’ જેવાં નવાં સામયિકોએ થોડાક પણ કળાત્મક અંશોવાળી વાર્તાઓ માટે પસંદગી દર્શાવી. એ સમયના કેટલાક લેખકોએ એક કળાપ્રકાર તરીકે ટૂંકીવાર્તા તે નવલકથાની ટૂંકી આવૃત્તિ નહિ, પણ નાના ફલકની કથાવસ્તુ પર આધારિત સ્વતંત્ર કળાત્મક સૃષ્ટિ છે. એમ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે એમ પણ બતાવવાનો પ્રયત્ન કર્યો કે સામાન્ય પ્રસંગકથન કે છાપાના કિસ્સા કરતાં એનું રચનાવિધાન જ જુદું છે. અનુવાદ, રૂપાંતર કે સ્વતંત્ર સર્જન દ્વારા આ કળાસ્વરૂપને ઘાટ આપવા મથતા લેખકોમાં રમણભાઈ નીલકંઠ, રણજિતરામ મહેતા, હાજી મહમ્મદ, ‘નારદ’, બટુભાઈ ઉમરવાડિયા, ગોકુળદાસ રાયચુરા, ડાહ્યાલાલ પટેલ, બ. ક. ઠાકોર, અંબાલાલ દેસાઈ, રામમોહનરામ દેસાઈ, કેશવપ્રસાદ દેસાઈ, ઓલિયા જોષી, ધનસુખલાલ મહેતા, ‘મલયાનિલ’ (કંચનલાલ વાસુદેવ મહેતા), કનૈયાલાલ મુનશી વગેરેની આ ક્ષેત્રની લેખનપ્રવૃત્તિ નોંધપાત્ર છે. એ પૈકી અંબાલાલ દેસાઈની ‘શાંતિદાસ’, રણજિતરામની ‘હીરા’, ધનસુખલાલની ‘બા’ અને મલયાનિલની ‘ગોવાલણી’ – એ કૃતિઓ ટૂંકી વાર્તાના સરસ નમૂના બની આવ્યા છે અને ગુજરાતીના અભ્યાસીઓ એ પૈકી એક યા બીજી કૃતિને ગુજરાતીની પ્રથમ સર્વાંગસુંદર કળાકૃતિ તરીકે બિરદાવતા રહ્યા છે. જો કે આ ગાળામાં કળાત્મક ઘાટ લેવા મથતી ગુજરાતી ટૂંકી વાર્તામાં બે અલગ સર્જકવૃત્તિ કામ કરી રહી છે : એક બાજુ રસીલી પ્રેમકથાઓની વિસ્તૃત ધારા વહેતી થઈ છે, પણ એમાં ય સામાજિક અનિષ્ટો સ્ફુટપણે દર્શાવવાનું અને સંસારસુધારાનો સીધો ઉપદેશ આપવાનું વલણ કામ કરી રહ્યું છે. બીજી બાજુ, એવા બોધઉપદેશના બોજથી વાર્તાને મુક્ત કરવા ચાહતા લેખકો હાસ્યવિનોદના પ્રસંગો કે રમૂજી કિસ્સાઓને હળવી રગમાં રજૂ કરવા પ્રેરાયા. ધનસુખલાલ, મલયાનિલ અને મુનશીની વાર્તાઓમાં આ ભિન્ન વલણો પ્રબળરૂપમાં દેખા દે છે. ગુજરાતી ટૂંકી વાર્તા આ ત્રણ વાર્તાલેખકોમાં હજુ કંઈક ઘડતરપ્રક્રિયામાંથી પસાર થતી જોઈ શકાશે. એને સંગીનસુરેખ અને સર્વાંશે કૌશલ્યપૂર્ણ રચનાવિધાન એમના અનુગામી ‘ધૂમકેતુ’ અને ‘દ્વિરેફ’ની વાર્તાઓમાં પ્રાપ્ત થયું. એ રીતે બીજા દાયકાના અંતભાગે અને ત્રીજાના પૂર્વાર્ધમાં નવી કળાત્મક વાર્તાઓની એક સમૃદ્ધ અને પ્રાણવાન પરંપરા રચાવા લાગી. હકીકતમાં, ગાંધીયુગ (આશરે ઈ.સ. ૧૯૨૧થી ૧૯૪૮)ના તબક્કામાં નવી રાજકીય સામાજિક પરિસ્થિતિ અને તેને આકાર આપનારાં નવાં યુગબળો વચ્ચે ગુજરાતી ટૂંકી વાર્તાનું જે રીતે ખેડાણ થયું તે તેના વિકાસવિસ્તારમાં એક મહત્ત્વનો તબક્કો બની રહે છે. રાષ્ટ્રીય સ્તરે ગાંધીજી, રવીન્દ્રનાથ આદિ મહાપુરુષોની જીવનવિચારણા વ્યાપકપણે આપણા શિક્ષિત વર્ગની ચેતનાને પ્રભાવિત કરી રહી હતી, તો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમ વિશ્વયુદ્ધનો દારુણ માનવસંહાર, રશિયાની લોહિયાળ ક્રાંતિ અને સામ્યવાદની સ્થાપના જેવા બનાવો સંવેદનપટુ વર્ગને ઊંડેઊંડે સ્પર્શી રહ્યા હતા. બીજાત્રીજા દાયકામાં નવી સમાજવ્યવસ્થા માટેના વિચારો અને મૂલ્યો વહેતાં થયાં હતાં. વ્યક્તિ અને સમાજ વચ્ચેના આંતરસંબંધો જુદી ભૂમિકાએથી ચર્ચાતા થયા હતા. આ બદલાતા પરિવેશમાં માકર્‌સવાદ અને પ્રગતિવાદ આપણા અનેક લેખકોમાં નવી સામાજિક સભાનતા જગાડી રહ્યા હતા, તો ફ્રોયડ્‌ની અસંપ્રજ્ઞાત ચિત્ત વિશેની ધારણાઓ સાથે માનવીય વર્તન અને તેના આંતરસંઘર્ષોને સમજવાની નવી દૃષ્ટિ સ્વીકાર પામી રહી હતી. આ તબક્કામાં ધૂમકેતુ (ગૌરીશંકર ગો. જોષી), દ્વિરેફ (રામનારાયણ પાઠક), ઉમાશંકર જોશી, સુંદરમ્‌, ઝવેરચંદ મેઘાણી, ગુલાબદાસ બ્રોકર, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, ‘બકુલેશ’, જયંત ખત્રી અને જયંતિ દલાલ જેવા પ્રતિભાશાળી લેખકોની એક નવી પેઢીએ વાર્તાના ક્ષેત્રમાં આગવી આગવી કળાસૂઝ અને આગવીઆગવી કથનરીતિએ લેખનપ્રવૃત્તિ આરંભી, એટલું જ નહિ, છઠ્ઠા દાયકાના આરંભે આધુનિકતાવાદી કળાવિચારની પ્રેરણાથી નવતર પેઢીના સુરેશ જોષી, મધુ રાય, કિશોર જાદવ, ચંદ્રકાન્ત બક્ષી વગેરે લેખકો તદ્દન ભિન્ન રીતિની વાર્તાઓ લખવા પ્રવૃત્ત થયા ત્યાં સુધીમાં ધૂમકેતુ દ્વિરેફની આગલી પેઢીના ઘણાએક વાર્તાલેખકોનું મહત્ત્વપૂર્ણ લેખન પૂરું થઈ ચૂક્યું હતું. એ આગલી પેઢીના દરેક લેખકનું વ્યક્તિત્વ નિરાળું, વાર્તાવિષયોનો વ્યાપ નિરાળો, સંવિધાનકળા અને કથનવર્ણનની ભાષામાંય ઓછોવત્તો ફેર, છતાં સામાજિક નૈતિક પ્રશ્નો સાથેની ગાઢ નિસ્બત અને વાર્તાવસ્તુમાં માનવચરિત્રોના નિર્માણમાં ઘણી સમાન ભૂમિકા જોવા મળે છે. ગાંધીયુગમાં પરંપરાગત અભિગમથી લખાયેલી આ વાર્તાઓ એના વિકાસક્રમના સંદર્ભે પહેલો મહત્ત્વનો તબક્કો રચે છે. ધૂમકેતુએ પોતાની સાહિત્યિક કારકિર્દીનાં વર્ષોમાં-અંદાજે ઈ.સ. ૧૯૧૮થી ૧૯૬૫ના ગાળામાં-બીજાં લેખનો વચ્ચે ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં એકધારું ખેડાણ કર્યુ. ચાર સાડાચાર દાયકાની તેમની લેખનપ્રવૃત્તિના ફળરૂપે તેમની કનેથી લગભગ બે ડઝન જેટલા વાર્તાસંગ્રહો આપણને મળ્યા. પણ એક મોટા તેજસ્વી વાર્તાસર્જક તરીકે તેમની પ્રતિષ્ઠા વધુ તો તેમના પહેલા ચાર સંગ્રહો-‘તણખા મંડળ’૧, ૨, ૩ અને ૪ની વાર્તાકળા પર નિર્ભર રહી છે. એ મંડળોની વાર્તાઓનું સુરેખ સૌષ્ઠવભર્યું કળાવિધાન અને શિષ્ટ પ્રૌઢ અને સંવાદી પોતવાળી કથનવર્ણનની રીતિ માત્ર તેમની વાર્તાઓ પૂરતી જ નહિ, કળારૂપ લેવા ઝંખતી એ સમયની સમસ્ત ગુજરાતી વાર્તાની મોટી પ્રાપ્તિ બની રહે છે. આ સંદર્ભમાં ઉમાશંકર જોશીનો અભિપ્રાય નોંધપાત્ર છે. ‘ટૂંકી વાર્તાનો કલારોપ ગુજરાતી સાહિત્યમાં શ્રી ધૂમકેતુને હાથે હંમેશ માટે રોપાયો અને દૃઢમૂલ થયો.’ વળી, તેમણે ઘણીએક વાર્તાઓમાં સોરઠી લોકજીવનના નીચેના સ્તરોનાં માનવીઓનાં સુખદુઃખ વેરઝેર આશાનિરાશા વગેરે ગૂંથી લીધાં છે. તેમની વાર્તાઓની એક ધારા મધ્યયુગીન સોરઠી લોકસંસ્કૃતિ અને લોકમાનસની આસપાસ ચાલે છે. ‘અખંડ જ્યોત’, ‘તારણહાર’, ‘કેસરી વાઘા’ અને ‘રજપૂતાણી’જેવી વાર્તાઓ આ પ્રકારનાં સરસ દૃષ્ટાંતો છે. પ્રેમ, સતીત્વ, બલિદાન, વીરતા અને ત્યાગવૈરાગ્ય જેવાં મૂલ્યો એમાં ગૂંથી લેવાયાં છે. તેમનાં રંગદર્શી વલણો એમાં ઉત્કટતાથી છતાં થયાં છે. બીજી એક ધારા ઊર્મિમય કલ્પનાની અપાર્થિવ ઝાંયવાળી વાર્તાઓની છે. ‘કલ્પનાની મૂર્તિઓ’, ‘પૃથ્વી અને સ્વર્ગ’, ‘સોનેરી પંખી’, ‘સ્વપ્ન સુંદરી’, ‘જીવનનું પ્રભાત’, ‘રતિનો શાપ’, ‘માછીમારનું ગીત’ અને ‘કવિતાનો પુનર્જન્મ’ જેવી રચનાઓ આ વર્ગની છે. તેમને પ્રિય એવી ઉદાત્ત કોમળ લાગણીઓ અને ભાવનાઓ એમાં રજૂ થઈ છે. રંગીન ધુમ્મસિયા પરિવેશમાં એ વાર્તાઓ શ્વસે છે. પણ ધૂમકેતુની વિશેષ નોંધપાત્ર વાર્તાઓનો ત્રીજો પ્રવાહ તે વર્તમાન યંત્રસંસ્કૃતિ અને શહેરી જીવનની અનિષ્ટતાઓને રજૂ કરવા તાકે છે. ‘પોસ્ટઓફિસ’, ‘ગોવિંદનું ખેતર’, ‘ભૈયાદાદા’, ‘જુમોભિસ્તી’, ‘જન્મભૂમિનો ત્યાગ’, ‘શાંત તેજ’ વગેરે વાર્તાઓ આ વર્ગની છે. જો કે એમાંય મુખ્ય પાત્રોની ઊર્મિઓ ઘૂંટીઘૂંટીને ઊર્મિલતાની નિર્બળતાનો તેઓ ભોગ બન્યા છે. તેમની વિશાળ પાત્રસૃષ્ટિમાં દેખીતું વૈવિધ્ય ઘણું છે. પણ તેમનાં અનેક પાત્રો જીવનમાં એકાકી, ધૂની અને મનસ્વી પ્રકૃતિનાં દેખાય છે. મુખ્ય પાત્રોના જીવનમાં ચઢતીપડતીના વારાફેરા આવે, અણધાર્યા મોટા પલટા આવે કે અસાધારણ કટોકટી વચ્ચે ગંભીર નિર્ણાયક પળ આવે એ પ્રકારના કથાવૃત્તાંતો વાર્તા માટે પસંદ કર્યાં છે. પણ એવાં દૃષ્ટાંતોમાં સમુચિત સંવિધાનના અભાવે વાર્તા શિથિલ બને છે. દ્વિરેફની વાર્તાલેખનની પ્રવૃત્તિ, મુખ્યત્વે, ‘યુગધર્મ’ અને ‘પ્રસ્થાન’ સામયિકો માટેની જરૂરિયાતમાંથી જન્મી છે, પણ એ ઘણી ધીમી ચાલી છે. બેઅઢી દાયકાઓને અંતે ‘દ્વિરેફની વાતો’ભા-૧, ૨ અને ૩ એમ ત્રણ સંગ્રહો જ આપણને મળ્યા છે. પણ સંખ્યાદૃષ્ટિએ ભલે ઓછી હોય, સત્ત્વસમૃદ્ધિની બાબતમાં ધૂમકેતુની સાથે જ તેઓ સ્થાન લે છે. અબલત્ત, ધૂમકેતુ કરતાં તેમની કથાસૃષ્ટિ એકદમ નિરાળી છે, તેમની શૈલી અને સર્જકવૃત્તિ એકદમ ભિન્ન છે. ધૂમકેતુની વાર્તાઓમાં રંગરાગી વલણો બળવાન છે અને મધ્યયુગીન માનસિકતા અને મૂલ્યો સાથે તેમનું અનુસંધાન હજીય ટકી રહ્યું છે. આથી ભિન્ન, તત્કાલીન રાજકીય અને સામાજિક બળો વચ્ચે માનવપ્રશ્નોને રજૂ કરવા ઉત્સુક છે. વાસ્તવમાં, દ્વિરેફની સર્જકતાને તેમની બૌદ્ધિક ચેતનાનું પોષણ મળ્યું છે. એમાં રજૂ કરવા ધારેલી માનવસમસ્યા કે પરિસ્થિતિનું નક્કર અનુભવના સ્તરેથી તેઓ વિભાવન કરે છે, ચરિત્રનિર્માણમાં નક્કર મનોવૈજ્ઞાનિક તથ્યોનો આધાર લે છે અને પાત્ર કે પ્રસંગના કથનવર્ણનમાં, નિરીક્ષણમાં આવેલી બારીક પણ મૂર્ત વિગતો સાથે કામ પાડે છે. દાંપત્યનાં સુખદુઃખ, બ્રાહ્મણ પરિવારનાં ઈર્ષ્યા, અદેખાઈ અને વેરઝેર, અસહકારની લડતમાં જોડાયેલાં યુવકયુવતીઓ ઉપરાંત બીજા અનેક નવા વર્ણ્યવિષયો તેમણે ખેડયા છે. અતિપરિચિત લાગતી રોજિંદી જિંદગીના બનાવોમાંથી ય તેઓ મર્માળી વાર્તા શોધી લે છે. ‘મુકુંદરાય’, ‘ખેમી’, ‘જમનાનું પૂર’, ‘સાચો સંવાદ’, ‘સરકારી નોકરીની સફળતાનો ભેદ’, ‘કેશવરામ’, ‘કાગટોડા’, ‘છેલ્લો દાંડક્ય ભોજ’, ‘ઉત્તરમાર્ગનો લોપ’ અને ‘બુદ્ધિવિજય’ જેવી વાર્તાઓ તેમની આગવી કળાદૃષ્ટિની સુભગ પ્રાપ્તિઓ છે. ‘જક્ષણી’ અને ‘સરકારી નોકરીની સફળતાનો ભેદ’ જેવી વાર્તાઓમાં તેમની નિર્વ્યાજ વિનોદ વૃત્તિ અને હાસ્યકટાક્ષ મર્મસ્પર્શી બન્યાં છે. પરંપરાગત વાર્તાઓના માળખામાં રહીને વર્ણ્યવસ્તુના પ્રસ્તુતીકરણમાં, ખાસ કરીને કથાનિવેદકો અને કથનકેન્દ્રોની યોજના પરત્વે નવા નવા પ્રયોગો કરી જોવાનું બળવાન વલણ તેમણે દાખવ્યું છે. ગાંધીયુગના પ્રમુખ કવિઓ – ઉમાશંકર જોશી અને સુંદરમ્‌ – બંનેએ સાહિત્યનાં બીજાં સ્વરૂપોની સાથોસાથ ટૂંકી વાર્તામાં ય મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. બંને લેખકો માણસની સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ લઈને વાર્તાઓ રચવા પ્રેરાયા છે. પણ બંનેની કળાદૃષ્ટિમાં ફેર છે અને માણસની વાસ્તવિક્તાને જુદી રીતે ઉપસાવે છે. ઉમાશંકર જોશી પાસેથી આપણને ‘શ્રાવણી મેળો’, ‘અંતરાય’ ‘વિસામો’ અને ‘ત્રણ અરધું બે’એ સંગ્રહો મળ્યા છે. એમાંની કેટલીક વાર્તાઓ એ યુગમાં આંદોલિત થયેલા પ્રગતિવાદના પ્રભાવ નીચે રચાયેલી છે. ‘શ્રાવણી મેળો’, ‘ગુજરીની ગોદડી’, ‘ઝાકળિયું’ અને ‘મારું હતું ને મેં લીધું’ વાર્તાઓ એનાં સારાં દૃષ્ટાંતો છે. સામાજિક-આર્થિક વિષમતા, કિસાનો, મજૂરો અને પછાત વર્ગના લોકોનું જમીનદારો, શાહુકારો દ્વારા શોષણ અને તેમને થતા અન્યાય – એ પ્રકારની પરિસ્થિતિઓ એમાં કળાત્મક રૂપે આલેખાઈ છે. ‘લોહીતરસ્યો’ અને ‘છેલ્લું છાણું’ જેવી વાર્તાઓમાં અમાનુષી અંશોવાળાં ગ્રામીણ માનવીઓની કઠોર દારુણ વાસ્તવિકતાનું ચિત્રણ થયું છે. ‘મારી ચંપાનો વર’ અને ‘હીલ્લી’માં ભિન્નભિન્ન વયની સ્ત્રીઓના મનની ગૂઢ એષણા પ્રગટ થઈ છે, તો ‘પગલીનો પાડનાર’માં એક વૃદ્ધ પુરુષની પૌત્રઝંખના નિરૂપણ પામી છે. ગ્રામજીવનના વિષયો ઉપરાંત શહેરી માધ્યમવર્ગનાં સ્ત્રીપુરુષોનાં સુખદુઃખને રજૂ કરતી વાર્તાઓ ય તેમણે લખી છે. જો કે તે એટલી અસરકારક બની નથી, સુંદરમ્‌ની સર્જકપ્રતિભા, ઠીકઠીક રંગરાગી વલણોવાળી અને ઉમાશંકરથી ભિન્ન સ્વરૂપની છે. તેમની પાસેથી પાંચ વાર્તાસંગ્રહો મળ્યા છે : ‘હીરાકણી અને બીજી વાતો’, ‘ખોલકી અને નાગરિકા’, ‘પિયાસી’, ‘ઉન્નયન’ અને ‘તારિણી’, એ વાર્તાઓમાં એક ધારા તે સમાજના દલિત, પીડિત અને શોષિત વર્ગનાં માણસોનાં સુખદુઃખ આશાનિરાશા વગેરે ભાવપરિસ્થિતિઓની આસપાસ રચાયેલી કૃતિઓની છે. ‘માજા વેલાનું મૃત્યુ’, ‘બીડીઓ’, ‘ઊછરતાં છોરું’, ‘લીલી વાડી’, ‘પેકાર્ડનો પ્રવાસ’ અને ‘મીનપિયાસી’ જેવી રચનાઓ આ પ્રકારના વિષયો રજૂ કરે છે. પ્રગતિવાદના પ્રચારથી અળગા રહી માત્ર સહાનુકંપા અને કરુણાભાવે એ સ્તરનાં માનવીઓની ગરીબી અને કંગાલિયાતનું એમાં આલેખન થયું છે. પોતાના ગાઢ અનુભવમાં આવેલા મહીકાંઠાના તળપદ લોકજીવનની કરુણ કથાઓ ‘માને ખોળે’, ‘ખોલકી’, ‘પની’, ‘અંબા ભવાની’ અને ‘મિલનની રાત’માં મળે છે. લગ્નજીવનની દુઃખદ પરિસ્થિતિઓની એમાં વેધક રજૂઆત છે. પણ સુંદરમ્‌ની અનેક વાર્તાઓમાં માનવીની દુર્દમ્ય જાતીય વાસના, દાંપત્યપ્રેમની વિફલતા કે લગ્નજીવનની કોઈક અકળ ગૂંચનું પ્રભાવક કથાવસ્તુ ગૂંથી લેવામાં આવ્યું છે. સ્થૂળ કામથી સૂક્ષ્મતર પ્રણયની અનેક માનસિક ભૂમિકાઓને તેઓ એમાં લક્ષે છે. ‘આશા’, ‘સૌંદર્ય શું....’, ‘જીવનની તરસ’, ‘નાગરિકા’, ‘ભદ્રા’, ‘લાલ મોગરા’ અને ‘ઉલ્કા’ જેવી વાર્તાઓમાં એની ઉઠાવદાર રજૂઆત થઈ છે. દૃશ્યો, પ્રસંગો અને પાત્રનિર્માણમાં ઝીણીઝીણી પણ મૂર્ત અને રંગરાગી ઝાંયવાળી વિગતોથી ખચિત વર્ણનરીતિને કારણે તેમની ઘણીએક રચનાઓ વિસ્તારી બની છે. ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્યના ક્ષેત્રમાં સંશોધન સંપાદનનું કામ કરતાં કરતાં શિષ્ટ સાહિત્યસ્વરૂપોય ખેડ્યાં. ટૂંકી વાર્તાના ક્ષેત્રમાં મૌલિક અને રૂપાંતરિત બંને પ્રકારની વાર્તાઓ લખી. ‘મેઘાણીની નવલિકાઓ’ભા-૧-૨માં તેમની મૌલિક રચનાઓ મળે છે. મુખ્યત્વે સૌરાષ્ટ્રના તળપદા લોકજીવનનાં સુખદુઃખો, યાતનાઓ અને સંઘર્ષોની એ કથાઓછે. જૂનવાણી માનસ, જીર્ણ રીતરિવાજો અને શોષણને સર્વત્ર અવકાશ આપતી જૂની સમાજવ્યવસ્થાનું એમાં સ્વચ્છ પ્રતિબિંબ ઝિલાયું છે. ‘વહુ અને ઘોડો’, ‘બૂરાઈનાં દ્વાર પરથી’, ‘ચોટલો ઝાલીને’, ‘ઠાકર લેખાં લેશે’, ‘પાનકોર ડોશી’, ‘અમારા ગામનાં કૂતરાં’, ‘કેશુના બાપનું કારજ’ જેવી વાર્તાઓ એનાં સરસ ઉદાહરણો છે. વસ્તુવિધાનમાં શિથિલતા અને સૌષ્ઠવનો અભાવ તેમની કેટલીયે વાર્તાઓમાં વરતાશે, પણ ગરીબો, દલિતો અને શોષિતો પ્રત્યેની તેમની સહાનુકંપા અને માનવતાવાદી દૃષ્ટિને કારણે એ વાર્તાઓ આજેય ચિત્તસ્પર્શી રહી છે. આ ગાળામાં ગુલાબદાસ બ્રોકરે ‘લતા અને બીજી વાતો’, ‘ઊભી વાટે’, ‘સૂર્યા’, ‘પ્રકાશનું સ્મિત’ વગેરે વાર્તાસંગ્રહો આપ્યા. વાર્તાવિષય લેખે સમકાલીન રાજકીય વાતાવરણ વચ્ચે જીવતાં, વર્તમાન યુગની રોજિંદી ઘટમાળ વચ્ચે સુખદુઃખમાંથી પસાર થતાં, શિક્ષિત અશિક્ષિત વર્ગનાં માનવીઓના મનોવ્યાપારોનું આલેખન તેમણે પસંદ કર્યું છે. કુટુંબજીવનના કોમળ સૂક્ષ્મ ભાવો તેમજ યુવાનયુવતીઓના પ્રણયસંઘર્ષમાં તેઓ સહજ ગતિ કરે છે. ‘ધૂમ્રસેર’, ‘નીલીનું ભૂત’, ‘લતા શું બોલે?’, ‘બા’ વગેરે તેમની જાણીતી વાર્તાઓ છે. ત્રીસીના ઉત્તરાર્ધમાં પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર અને ચુનીલાલ મડિયા એ ત્રણ વાર્તાકારો પોતાના પ્રદેશના તળપદા લોકજીવનની વાર્તાઓ લઈને આપણા વાર્તાજગતમાં આવ્યા છે. જો કે સમય જતાં ત્રણેય લેખકો શિક્ષિત મધ્યમવર્ગનાં માનવીઓની વાર્તા લખવા પ્રેરાયા છે, પણ દરેકની સર્જકશક્તિ વધુ સત્ત્વસમૃદ્ધિથી ખીલી ઊઠી હોય તો તે તેમના અનુભવમાં આવેલા લોકજીવનની વાર્તાઓમાં, આ ત્રણમાં પન્નાલાલનું વાર્તાલેખન વ્યાપમાં વિશાળ છે. લગભગ બે ડઝન જેટલા વાર્તાસંગ્રહો તેમની પાસેથી આપણને મળ્યા છે. એમાં અસંખ્ય વાર્તાઓનાં પ્રેરણાબીજ ગુજરાતના ઈશાની સરહદના ગ્રામજીવનમાંથી મળ્યાં છે. એ વિસ્તારની દારૂણ ગરીબી, શાહુકારો દ્વારા શોષણ, વહેમ, અજ્ઞાન કે અંધશ્રદ્ધાથી સર્જાતી કઠોર વિષમ પરિસ્થિતિ, પ્રેમ અને લગ્નજીવનની ગૂંચ-એમ અનેકવિધ બાજુએથી લોકજીવનનાં દુઃખો યાતનાઓ અને સંઘર્ષોનાં મૂળ સુધી તેઓ ઊતર્યા છે. જો કે જટિલ વાસ્તવિકતાની ભીંસમાં મુકાતાં માનવીઓનાં ગૂઢ માનસિક સંચલનો, ઊર્મિઓ અને તેની સંઘર્ષશીલ ક્ષણોમાંથી તેઓ પોતાનું વર્ણ્યવસ્તુ શોધી લે છે. ‘વાત્રકને કાંઠે’, ‘કંકુ’, ‘ઓરતા’, ‘મા’, ‘ભાથીની વહુ’, ‘સાચી ગજિયાણીનું કાપડું’, ‘ધરતી આભનાં છેટાં’, ‘નેશનલ સેવિંગ’, ‘બાપુનો કૂતરો’ વગેરેમાં તેમની ઉત્કૃષ્ટ વાર્તાકળાનાં દર્શન થાય છે. પ્રાદેશિક બોલીનો સામર્થ્યપૂર્વકનો વિનિયોગ એમાં થયો છે. ગ્રામજીવનનો જીવંત પરિવેશ એમાં સચ્ચાઈનો રણકો જન્માવે છે. ‘રંગ વાતો’, ‘મન મોતી અને કાચ’ અને ‘નાદાન છોકરી’ જેવી વાર્તાઓમાં શિક્ષિત માનવીઓના મનોસંઘર્ષનું સૂક્ષ્મ કળાસૂઝથી નિરૂપણ થયેલું છે. ઈશ્વર પેટલીકરની અનેક વાર્તાઓ ચરોતરના લોકજીવનની સમસ્યાઓ રજૂ કરે છે. તેમનામાં રહેલો સમાજચિંતક સમાજજીવનની રુગ્ણતા અને તેના વિકાસરોધક અંશોને ઓળખે છે. એટલે લોકજીવનનાં દુઃખો અને યાતનાઓના આલેખનમાં સામાજિક સંપ્રજ્ઞતાનું વિશેષ પરિમાણ ઊઘડતું દેખાય છે. ‘લોહીની સગાઈ’, ‘હવાડાનું પાણી’, ‘કાશીનું કરવત’, ‘દુઃખનાં પોટલાં’ અને ‘જનમનો ખેડુ’ જેવી વાર્તાઓમાં તેમની વાર્તાકાર તરીકેની શક્તિ અને સૂઝ પૂરાં ખીલી ઊઠ્યાં છે. ચુનીલાલ મડિયાએ ડઝનેક વાર્તાસંગ્રહો આપ્યા છે. એમાં સોરઠી લોકજીવનને રજૂ કરતી વાર્તાઓ અને શહેરી માનવની વાર્તાઓ – એમ ભિન્ન વિષયો અને ભિન્ન શૈલીની વાર્તાઓ મળે છે. જો કે તેમની વાર્તાકળા વધુ તો સોરઠી લોકજીવનની રચનાઓમાં ખીલી ઊઠી છે. ‘વાની મારી કોયલ’, ‘ચંપો અને કેળ’, ‘અંતઃસ્રોતા’, ‘મેંદીનો રંગ’, ‘આઈ જાનબાઈનું થાનકડું’, ‘મોલુમાં દીવા શગે બળે’, ‘અંબા ગોરાણીનો પરભુડો’, ‘ઊજડેલો બાગ’, ‘મજિયારી પછીતના પથ્થરો’ અને ‘કમાઉ દીકરો’ જેવી વાર્તાઓમાં તેમની લાક્ષણિક વાર્તાકળાના ઉત્કૃષ્ટ નમૂના પ્રાપ્ત થાય છે. સોરઠની સૈકાઓ જૂની લોકસંસ્કૃતિનું ગાઢ અનુસંધાન, ત્યાંની ધરતી અને પ્રકૃતિનો જીવંત પરિવેશ અને મર્માળી બલિષ્ઠ લોકબોલીનો વ્યાપક વિનિયોગ એમાં વિશેષ પ્રભાવક તત્ત્વો છે. ગ્રામીણ માણસોના આદિમ્‌ આવેગો, ગહનગૂઢ એષણાઓ, વેરઝેરની વૃત્તિઓ અને લાગણીના સંઘર્ષોનું તેઓ કુશળતાથી આલેખન કરે છે. જો કે કથારસને પોષવા આપઘાત, બળાત્કાર, અવૈધ જાતીય સંબંધ કે એવા સ્થૂળ ચમત્કૃતિવાળા બનાવોને વધુ ખપમાં લે છે. શહેરી જીવનની વાર્તાઓમાં ‘કાકવંધ્યા’, ‘આરસીની ભીતરમાં’, ‘રાયજીનું રોસ્કોપ’ અને ‘અંધારી રાતનાં અજવાળાં’ જેવી વાર્તાઓ મુખ્ય પાત્રોના મનોવ્યાપારોનાં સૂક્ષ્મ નિરૂપણને કારણે ઉલ્લેખનીય છે. બકુલેશ, જયંત ખત્રી અને જયંતિ દલાલ એ ત્રણ લેખકોની વાર્તાઓ તેમની આગવી સામાજિક સંપ્રજ્ઞતા છતી કરે છે. ગુજરાતીમાં એ સમયે પ્રવર્તેલા પ્રગતિવાદનો વત્તોઓછો પ્રભાવ એમાં જોઈ શકાશે. આ પૈકી, બકુલેશે શહેરના શ્રમજીવીઓ શોષિતો અને પતિતોનાં દુઃખો વર્ણવતી ઘણી વાર્તાઓ લખી. પણ સામાજિક વિષમતાના આલેખનમાં શ્રમિકો શોષિતો માટેનો તેમનો પક્ષવાદ છતો થઈ જાય છે અને તેમને થતા અન્યાય અને જુલ્મના પ્રસંગો ઘેરી ઊર્મિલતા ધારણ કરે છે. જયંત ખત્રીએ સંખ્યાદૃષ્ટિએ તો ઓછી અઢીત્રણ દાયકાઓના લેખનને અંતે માંડ ચાળીસેક-વાર્તાઓ લખી છે. એ પૈકી આરંભના તબક્કામાં ઘણુંખરું તો પોતાના વતન કચ્છની ધરતીનાં ભિન્નભિન્ન વ્યવસાયનાં સામાન્ય માનવીઓની કથા રજૂ કરી છે. પાછળના તબક્કામાં શહેરી માનવીઓની એકલતા, શૂન્યતા અને નિર્ભ્રાન્તિની મનોદશાઓ વિશે રચનાઓ કરી છે અને તેમાં રચનાવિધાનના કેટલાક અવનવા પ્રયોગો કર્યા છે. તેમનામાં રહેલો જાગૃત અને આત્મનિષ્ઠ કળાકાર પ્રગતિવાદને સમર્થ રીતે ઓળંગી ગયો છે. કચ્છના લોકજીવનની ભોંય પર માનવઅસ્તિત્વની કરુણ વિષમતાઓને તેઓ ગાઢપણે સ્પર્શી રહે છે. પાત્રોની સંવેદનાઓમાં આદિમ્‌ ઉત્કટ આવેગો, અંતરની ગૂઢ તરસ, અસ્તિત્વ ટકાવી રાખવાને પ્રકૃતિનાં નિષ્ઠુર ક્રૂર બળોની સામે અવિરત સંઘર્ષ ખેલતી જિજીવિષા ઘૂંટાતાં રહ્યાં છે. અતિસમૃદ્ધ અને પ્રાણવાન દૃશ્ય-શ્રુતિ કલ્પનો અને વિવિધ રંગરેખાઓનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ ચિત્રાંકનો એ તેમની વાર્તાકળાનાં વિશિષ્ટ અંગો છે. કચ્છનો અફાટ વંધ્ય રણવિસ્તાર, તેના તોફાની વાયરાઓ, રતુમડી ધરતી પરનાં નાનાં નાનાં કાંટાળા ઝાંખરાં અને જીવજંતુ, રેતાળ સાગરકાંઠાનો બંદર વિસ્તાર એ સર્વ દૃશ્યો એના પ્રાકૃતિક પરિવેશમાં ધબકતાં વરતાય છે. કચ્છના લોકજીવનને લક્ષતી વાર્તાઓમાં ‘લોહીનું ટીપું’, ‘કાળો માલમ’, ‘હું ગંગી અને અમે બધાં’, ‘તેજ ગતિ અને ધ્વનિ’, ‘ધાડ’, ‘ખરા બપોર’ અને ‘માટીનો ઘડો’ જેવી રચનાઓ તેમની વાર્તાકળાનાં ઉત્કૃષ્ટ દૃષ્ટાંતો છે. શહેરીજીવનને વિષય કરતી વાર્તાઓમાં ‘અમે બુદ્ધિમાનો’, ‘ખીચડી’, ‘અમે’, ‘આનંદનું મોત’, ‘બંધ બારણા પાછળ’ વગેરે કૃતિઓ વિશેષ ઉલ્લેખનીય છે. જયંતિ દલાલે ઠીકઠીક સંખ્યામાં સામાજિક સંપ્રજ્ઞતાવાળી વાર્તાઓ લખી. વાર્તાવસ્તુ, સંવિધાનરીતિ અને શૈલીમાં તેઓ સભાનપણે પ્રયોગો કરતા રહ્યા છે. તેમણે ઘણુંખરું શહેરના મધ્યમવર્ગીય અને તેની ય નીચેના અદના માણસોનાં સુખદુઃખ વાર્તાવિષય તરીકે સ્વીકાર્યાં છે. રોજિંદી પરિચિત લાગતી ઘટનાઓમાં ય માનવમનના કોઈક અગોચર ખૂણાનું દર્શન તેઓ કરી શકે છે. ‘આ ઘેરે પેલે ઘેર’, ‘આભલાનો ટુકડો’, ‘જગમોહને શું જોયું?’, ‘લીલાં લીલાં દસ આપ્યાં’, ‘ઝાડ ડાળ અને માળો’, ‘હીરા ધૂળાની હિસ્ટોરિક ટિકિટ’, ‘ગાંધી તોપ’, ‘સમડી’ વગેરે તેમની વિશેષ નોંધપાત્ર રચનાઓ છે. સમકાલીન જીવનનાં દંભ અને છલનાના પ્રસંગોનું વ્યંગ ઉપહાસભરી રીતિએ તેમણે કેટલીએક વાર્તાઓમાં વેધક નિરૂપણ કર્યું છે. ત્રીજા દાયકાથી છઠ્ઠા દાયકાના પૂર્વાર્ધ સુધીના ગાળામાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે વત્તીઓછી તેજસ્વીતાવાળા બીજા અનેક લેખકોએ અર્પણ કર્યું છે. એમાં ભવાનીશંકર વ્યાસ, સ્નેહરશ્મિ, કિસનસિંહ ચાવડા, રસિકલાલ પરીખ, ગુણવંતરાય આચાર્ય, પુષ્કર ચંદરવાકર, સારંગ બારોટ, દુર્ગેશ શુક્લ, રમણલાલ દેસાઈ, જિતુભાઈ મહેતા, મસ્તફકીર, સ્વપ્નસ્થ, ઉમેદભાઈ મણિયાર, ભોગીલાલ ગાંધી, અશોક હર્ષ, નિરુ દેસાઈ, ઇન્દુલાલ ગાંધી, મોહનલાલ મહેતા (સોપાન), વેણીભાઈ પુરોહિત, કેતન મુનશી વગેરે અનેક લેખકોની લેખનપ્રવૃત્તિ ઉલ્લેખનીય છે. છઠ્ઠા દાયકાના પૂર્વાર્ધમાં વ્યાપકપણે આધુનિકતાવાદી વિચારધારાઓની અને વિશેષરૂપે રૂપવાદી કળાવિચારણાનો આપણા સાહિત્યમાં બળવાન પ્રભાવ પડ્યો અને તે સાથે આપણા સાહિત્યનાં અન્ય સ્વરૂપોમાં તેમ ટૂંકી વાર્તામાંય મૂળગામી પરિવર્તન આવ્યું સુરેશ જોષી, મધુ રાય, કિશોર જાદવ, રાધેશ્યામ શર્મા, ઘનશ્યામ દેસાઈ, સુમન શાહ, વિભૂત શાહ, જ્યોતિષ જાની, ચંદ્રકાન્ત બક્ષી, પ્રબોધ પરીખ, રાવજી પટેલ, ભૂપેશ અધ્વર્યુ, નલિન રાવળ, રમેશ પારેખ વગેરે તરુણ પેઢીના લેખકોએ નવા નવા અભિગમ લઈને નવી નવી રીતિએ વાર્તાઓ રચી, સામાજિક આર્થિક પરિસ્થિતિની વિષમતાઓ વચ્ચે જીવતાં માણસોનાં સુખદુઃખની કથાઓને બાજુએ રાખી આ લેખકો માનવીય સંયોગોની વિષમતા અને અસ્તિત્વની મૂળભૂત એકલતા વિચ્છિન્નતા અને હતાશાનું આલેખન કરવા પ્રેરાયા. એ ખરું કે કેટલાક લેખકો નગરજીવનની વિષમતાના પરિચિત વાસ્તવ સાથે કામ પાડતા રહ્યા છે, પણ એવી વાર્તાઓમાંય અસ્તિત્વમૂલક સંઘર્ષ અને કટોકટી તરફનો ઝોક વરતાય છે. પણ આ લેખકોમાં એક વ્યાપક વલણ પ્રતીકાત્મક ઢાંચાનું વિશ્વનિર્માણ કરવાનું રહ્યું છે. એની અંતર્ગત સ્વપ્ન, કપોલકલ્પિત અને એબ્સર્ડના અંશો ગુંથાયા છે. આ પ્રકારની વાસ્તવિકતા નિર્માણ કરવા પ્રતીકો પુરાણતત્ત્વો અને કલ્પનોથી ખચિત વાર્તાશૈલી તેમણે નિપજાવી, પરંપરાગત વાર્તાની કથનરીતિમાં અમુક બુદ્ધિગ્રાહ્ય સૂત્ર પડતું હોય છે. બનાવોનું તંત્ર, અંતિમ નિર્વહણ અને ચોટદાર સમાપન પાછળ વાર્તાકારની રચનાદૃષ્ટિ કામ કરે છે, લેખકને અભિમત રહસ્ય એમાં ગૂંથી લેવાયું હોય છે. નવી વાર્તામાં પરિચિત ભાવસંદર્ભોને દૂરતા કેળવી પ્રતીકાત્મક અંશોમાં સૂચિત રાખવામાં આવે છે અથવા પરિચિત માનવભાવો પ્રચ્છન્ન બની રહે એ રીતે એમનું અમૂર્ત કોટિનું પ્રતીકાત્મક વિધાન કરવામાં આવે છે. કથાતત્ત્વોને કળાપ્રક્રિયા દ્વારા નવું રહસ્ય આપવાનો એ ઉપક્રમ છે. મોટા કદની સ્થૂળ ઘટનાઓને ગાળી, શક્ય તેટલા અલ્પ ચૈતસિક વાસ્તવનાં ઊંડાં સ્તરો ખુલ્લાં કરવાનું તેને વિશેષ અભિપ્રેત છે. જો કે નક્કર માનવીય સંયોગોથી અળગા થઈ સર્જનાત્મક ભાષાની સંકુલ ભાતોના નિર્માણ દ્વારા તેનું આછું સૂચન કરવાના પ્રયોગોય થયા છે. ભિન્નભિન્ન કોટિની વાસ્તવિકતાઓને પ્રક્ષિપ્ત કરવા ઝંખતી અને ભિન્નભિન્ન રચનારીતિ અને શૈલીઓ યોજવા ચાહતી આ સમગ્ર નવી વાર્તાપ્રવૃત્તિ, પરંપરાગત વાર્તાઓની સામે, અનેકપાર્શ્વી અને અતિ સંકુલ દૃશ્યપટ રચે છે. આ આધુનિકોમાં સુરેશ જોષીની વાર્તાસર્જનની પ્રવૃત્તિ ઘણી રીતે ધ્યાનપાત્ર છે. આધુનિકતાવાદી આંદોલનના તેઓ મુખ્ય પ્રણેતા રહ્યા છે. પોતાની કારકિર્દીના ક્રમિક તબક્કાઓમાં સર્જકતાની ભૂમિકા બદલતા જઈ આ સ્વરૂપની કળાત્મક ક્ષમતાનો તેઓ સભાનપણે તાગ લેવા મથ્યા છે. પોતાના પહેલા વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ની રચનાઓમાં પરિચિત જીવનસંયોગોનો અને માનસિક સંઘર્ષોનો આધાર છે, પણ એ તબક્કે જ પ્રતીકાત્મક ઢાંચાઓમાં રજૂઆત કરવાનો તેમનો પ્રયત્ન દેખાઈ આવે છે. એ પછી ‘બીજી થોડીક’, ‘અપિચ’, ‘ન તત્ર સૂર્યો ભાતિ’ અને ‘એકદા નૈમિષારણ્યે’ જેવા સંગ્રહોમાં અસ્તિત્વમૂલક ભાવદશાઓ, કપોલકલ્પિત વિશ્વો અને સર્જનાત્મક ભાષાવિશ્વો રચવાની પ્રવૃત્તિ દેખાઈ આવે છે. વાર્તાસર્જન તેમને માટે માત્ર લીલામય પ્રવૃત્તિ રહી છે. ‘ગૃહપ્રવેશ’, ‘કુરુક્ષેત્ર’, ‘કૂર્માવતાર’, ‘વરાહાવતાર’, ‘લોહનગર’, ‘થીગડું’, ‘ઢીંગલી કુસુમ પદ્મિની સુએઝ’, ‘કપોલકલ્પિત’, ‘રાક્ષસ’, ‘પુનરાગમન’, ‘પદભ્રષ્ટ’, ‘એકદા નૈમિષારણ્યે’, ‘અગતિગમન’ વગેરે રચનાઓ તેમની જુદા જુદા તબક્કાની વાર્તાકળાનાં પ્રભાવક દૃષ્ટાંતો છે. એમની પેઢીના અનેક તરુણ લેખકોને તેમની વાર્તાકળાની વિચારણા અને વાર્તાસર્જનના અવનવા પ્રયોગો પ્રેરક બન્યા હોય એ સ્વાભાવિક છે. મધુ રાયની વાર્તાલેખનની પ્રવૃત્તિ જુદા બિંદુએથી આરંભાઈ છે અને આગવી રીતે વિકસી છે. આરંભમાં મહાનગર કલકત્તાના સમૃદ્ધ અને ગહન અનુભવોમાંથી પ્રેરણા લઈ નગરવાસી માનવીઓની ભિન્નભિન્ન રીતિની વાર્તાઓ લખી. ‘બાંશી નામની એક છોકરી’, ‘કરોળિયા અને કાનખજૂરા’, ‘ધારો કે’ જેવી રચનાઓમાં નગરજીવનની વિષમતાનું નિરૂપણ થયું છે. પણ પછીથી વર્ણ્યવિષયો, રચનાવિધાન અને કથનવર્ણનની રીતિમાં અવનવા પ્રયોગો કરવાનું તેમણે વલણ બતાવ્યું છે. ‘હાર્મોનિકા’ જૂથની રચનાઓમાં ચોક્કસ વાક્યાંશોને નવાનવા અન્વયોમાં ગૂંથતા જઈ આંતરિક સ્તરેથી કશીક વ્યંજનાભરી તરેહ રચવામાં તેઓ પ્રવૃત્ત થયા છે. ‘પાનકોર નાકે જઈ’ અને ‘કાચની સામે કાચ’ આ પ્રકારની નોંધપાત્ર રચનાઓ છે. એથી ભિન્ન ‘હરિયા’ની વિલક્ષણ વ્યંગમૂર્તિની આસપાસ રચાયેલી વાર્તાઓ માનવસ્વભાવની દંભવૃત્તિ, આત્મછલના વગેરેનું વેધક આલેખન કરે છે. ‘કાન’ અને ‘ઈંટોના સાત રંગ’ એ પ્રકારની નિરાળી વાર્તાઓ છે. કિશોર જાદવનું વાર્તાવિશ્વ અસ્તિત્વના વિષમ સંયોગોનું લગભગ સાતત્યપૂર્વક કપોલકલ્પિત રૂપે નિરૂપણ કરે છે. ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’, ‘સરકસના કૂવામાં કાગડા’, ‘સોગટાં, બસનું પંખી’, ‘પોલાણનાં પંખી’, ‘લેબીરીન્થ’, ‘લીલા પથ્થરો વચ્ચે ચમત્કારિક પુરુષ’ જેવી રચનાઓમાં તેમની સર્જકશક્તિના વિલક્ષણ ઉન્મેષો જોઈ શકાશે. કલ્પનો/પ્રતીકોથી ખીચોખીચ એવી તેમની કથનશૈલી સર્‌રિયલની કોટિએ ગતિ કરે છે. રાધેશ્યામ શર્માએ પરિચિત માનવપરિસ્થિતિઓનું યથાર્થલક્ષી નિરૂપણ કર્યું છે તેમ સ્વપ્નિલ અને કપોલકલ્પિત ઘટનાઓ ય સ્વીકારી છે. ‘સળિયા’, ‘ચર્ચબેલ’, ‘હાથીપગો’ જેવી વાર્તાઓમાં તેમની કળાદૃષ્ટિનો વિશેષ જોઈ શકાય. ઘનશ્યામ દેસાઈની વાર્તાસૃષ્ટિમાં ‘કાગડો’ જેવી કપોલકલ્પિત, ‘ટોળું’ જેવી અર્ધપૌરાણિક, ‘ગોકળજીનો વેલો’ જેવી અસ્તિત્વમૂલક એમ ભિન્ન ભિન્ન આકાર અને શૈલીની સશક્ત વાર્તાઓ મળી છે. સુમન શાહ પણ અવનવા આકાર અને અવનવી રચનારીતિ સાથે કામ પાડે છે. ‘દાદરા’, ‘કાચની બારી’, ‘દેવચકલીની બોધકથા’ વગેરે તેમની સર્જકતાના પ્રભાવક આવિષ્કારો છે. પાછળના તબક્કાનું વાર્તામંડળ ‘હંસા જેન્તી સિમ્ફની’ની રચનાઓ દેખીતી રીતે પરંપરાગત રીતિની નિકટ આવતી લાગશે, પણ એના સંવિધાનમાં સૂક્ષ્મપ્રચ્છન્ન પ્રતીકાત્મક અંશો પડેલા છે, જે વર્ણ્યવાસ્તવનું રૂપાંતર કરે છે. દાંપત્યના સૂક્ષ્મ સંકુલ સંબંધોનાં મર્મવ્યંગભર્યાં આલેખનો એમાં ચિત્તસ્પર્શી બન્યાં છે. જ્યોતિષ જાની, વિભૂત શાહ, રાવજી પટેલ, ભૂપેશ અધ્વર્યુ, રમેશ પારેખ વગેરે લેખકો પણ આ રીતે માનવસંયોગો અને માનવીય વાસ્તવિકતાને આગવી આગવી રીતે રજૂ કરવા પ્રેરાયા છે. આ સમયગાળામાં રઘુવીર ચૌધરી, સરોજ પાઠક, ભગવતીકુમાર શર્મા, સુવર્ણા રાય, ઈવા ડેવ, ભરત નાયક, શિરીષ પંચાલ, મોહંમદ માંકડ, ધીરુબહેન પટેલ, કુંદનિકા કાપડિયા, ધીરેન્દ્ર મહેતા, વીનેશ અંતાણી, શિવકુમાર જોષી, સુધીર દલાલ, રમણ પાઠક, વિજય શાસ્ત્રી, મોહનલાલ પટેલ વગેરે લેખકોએ આગવી આગવી સૂઝ અને શક્તિથી આ સ્વરૂપ ખેડ્યું છે. આધુનિક માનવીના સંયોગો અને તેની સંવેદનાઓ, રચનારીતિની પ્રયુક્તિઓ અને સર્જનાત્મક ભાષાનો વિનિયોગ – એવા કોઈ પાસાનો સૂક્ષ્મ પ્રભાવ તેમણે ઝીલ્યો છે. પણ તેમનો વિશેષ ઝોક તો પરિચિત વાસ્તવિકતાના આલેખન તરફનો રહ્યો છે. છેલ્લા દાયકા દોઢ દાયકા દરમ્યાન નવાં વલણો અને નવા પ્રવાહો આકાર લઈ રહ્યા છે. એમાં એક નોંધપાત્ર વલણ તે તળપદા લોકજીવનની યથાર્થતાને મૂર્ત કરવાનું છે. એમાં તળપદ બોલીનો સર્જનાત્મક પ્રયોગ કરવાનું વ્યાપક વલણ દેખા દે છે. પ્રતીક વિધાન દંતકથા પુરાણકથાના અંશોનો વિનિયોગ, લોકસંસ્કૃતિના કર્મકાંડ જેવાં તત્ત્વોને ય તેમાં સ્થાન છે. પણ મુખ્ય વાત કથાકથનની પુનઃ પ્રતિષ્ઠા કરવાની છે. બીજી બાજુ દલિત ચેતનાના લેખકો સમાજના દલિતો, શોષિતો અને ભદ્ર સમાજની ઘોર ઉપેક્ષા પામેલા નીચલા થરના લોકોની યાતના રજૂ કરી રહ્યા છે. ભિન્નભિન્ન એવા એ બે પ્રવાહો ક્યાંક પરસ્પરમાં ભળે છે. અજિત ઠાકોર, મણિલાલ પટેલ, બિપિન પટેલ, કાનજી પટેલ, હર્ષદ ત્રિવેદી, કિરીટ દૂધાત, ઊજમશી પરમાર, મોહન પરમાર, હરીશ નાગ્રેચા, અજય સરવૈયા, બિંદુ ભટ્ટ, પાર્થ મહાબાહુ, કનૈયાલાલ પંડ્યા, ભૂપેન ખખ્ખર, બાબુ સુથાર, બાબુ છાડવા, ઉત્તમ ગડા, પુરુરાજ જોષી, મંગળ રાઠોડ, હિમાંશી શેલત, અંજલિ ખાંડવાળા, પ્રાણજીવન મહેતા, રામચંદ્ર પટેલ વગેરે લેખકોની લેખનવૃત્તિ હવે ધ્યાન ખેંચી રહી છે.

લઘુકથાનું સ્વરૂપ : ગુજરાતીમાં તેનો ઉદ્‌ભવવિકાસ

ગુજરાતીમાં છેલ્લા દોઢબે દાયકા દરમ્યાન ‘ટૂચકો’ અને ‘ટૂંકી વાર્તા’ એ બેની વચ્ચે ‘લઘુકથા’ સંજ્ઞાથી ઓળખાવાતો બિલકુલ નાના કદનો કથાપ્રકાર કેટલાક તરુણ લખેકો દ્વારા ખેડાતો થયો છે. આ કથાપ્રકાર ખેડનારા તરુણોમાં સૂર્યકાંત સંઘવી, નરેન બારડ, ભગીરથ બ્રહ્મભટ્ટ, નવીન મોદી, રમેશ સવાણી, ભદ્રાયુ ધોળકિયા, જયેન્દ્ર શેખડીવાળા, સુમંત રાવલ, રામજીભાઈ કડિયા, જયંતિ મકવાણા, રમેશ ત્રિવેદી, ઈશ્વર પરમાર, પ્રફુલ્લ રાવલ, બકુલ દવે, નિલેશ કાથડ, રાજુ ઉપાધ્યાય, મદનકુમાર અંજારિયા, દીપક જગતાપ, ગૌરીશંકર ત્રિવેદી, મશકુર કુરેશી વગેરેની કૃતિઓ પ્રગટ થયેલી છે. લઘુકથાની એક સ્વતંત્ર કથાપ્રકાર લેખે પ્રતિષ્ઠા કરવા તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. લોકવ્યવહારમાં પ્રચલિત ટૂચકાની એકદમ નિકટ આવી જતી છતાં લઘુકથા તેનાથી જુદી વસ્તુ છે એમ તેઓ કહે છે. ટૂચકામાં જે અણિયાળી ચોટ અનુભવાય છે તેમાં વિશેષતઃ બૌદ્ધિક તત્ત્વ ભાગ ભજવે છે. ટૂચકામાં એ ચોટની ક્ષણ પ્રસંગ કે પરિસ્થિતિની અલ્પતમ રેખા પર મંડાતી હોય છે. લઘુકથા પ્રસંગ કે પરિસ્થિતિમાં માનવજીવનના કોઈ ગહન રહસ્યને સ્પર્શવા ચાહે છે. એના અંતમાં કશીક વ્યંજનાગર્ભ ક્ષણ એકાએક ચોટ સાધે છે. પણ ટૂંકી વાર્તાથી લઘુકથા એ રીતે જુદી પડે છે કે ટૂંકી વાર્તા કેન્દ્રવર્તી ભાવપરિસ્થિતિને મુખ્ય ગૌણ પ્રસંગોની વત્તીઓછી સંકુલ રેખાઓ પણ વિકસાવે છે, મુખ્ય પાત્રના અન્ય ગૌણ પાત્રો સાથેના ભાવાત્મક સંબંધો છતા કરે છે, મુખ્ય પાત્રના ભાવવિશ્વનાં જુદાં જુદાં સ્તરો ખોલી આપે છે અને કથનવર્ણનની વિગતોના સઘન ઉપયોગો દ્વારા પ્રસંગ કે પરિસ્થિતિની શ્રદ્ધેયતા પ્રાપ્ત કરે છે. લઘુકથા મુખ્યત્વે એક જ પ્રસંગ કે પરિસ્થિતિને ઓછામાં ઓછી વિગતે, આછાપાતળા માળખારૂપે રજૂ કરે છે. જો કે ચોટદાર ક્ષણના નિર્માણમાં, કશીક અણધારી રીતે ઉઘાડ પામતી ઘટનાનું વ્યૂહાત્મક તંત્ર, ટૂંકી વાર્તાથી એટલું જુદું પણ નથી.