કથાવિચાર/સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલકથા : મૂલ્યબોધના પ્રશ્નો

From Ekatra Foundation
Jump to navigation Jump to search

સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલકથા : મૂલ્યબોધના પ્રશ્નો

આપ સૌને વિદિત છે તેમ, આ બેઠકમાં મારે ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી નવલકથા : મૂલ્યબોધના પ્રશ્નો’ એ વિશે પ્રારંભિક વક્તવ્ય રજૂ કરવાનું છે. આ સંદર્ભમાં મારે નમ્રભાવે એકરાર કરવો જોઈએ કે આ વિષય પર વક્તવ્ય રજૂ કરવાને મેં આમંત્રણ સ્વીકારી લીધું તે પછી જ નવલકથામાં મૂલ્યબોધના પ્રશ્નો કેટલા તો અટપટા અને દુર્ગ્રાહ્ય છે તેનો ધીમેધીમે ખ્યાલ આવ્યો. હકીકતમાં આ પ્રશ્નોનો બે બાજુએથી સામનો કરવાનો રહે છે એમ મને સ્પષ્ટ થયું. એક બાજુ, ‘મૂલ્ય’ (value) સંજ્ઞાનો ‘અર્થ’ અને તેના તાત્ત્વિક સ્વરૂપના આગવા પ્રશ્નો સંભવે છે. સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, નૈતિક, રસકીય કે વિજ્ઞાનક્ષેત્રનાં મૂલ્યો વિશે જુદી જુદી ભૂમિકાએથી વિચારવાનું પ્રાપ્ત થાય છે. બીજી બાજુ, એક આગવા સાહિત્યપ્રકાર લેખે નવલકથાની કળાત્મક આકૃતિ, તેની રચનાપ્રક્રિયા અને સર્જકતાના, કહો કે રસનિષ્પત્તિના આગવા પ્રશ્નો છે અને વિભિન્ન રીતિની નવલકથાઓમાં મૂલ્યબોધ કે મૂલ્યનિર્માણનો જુદીજુદી રીતે વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. નવલકથા બહારના વાસ્તવને કેવી રીતે સ્વીકારે છે કે આત્મગત કરે છે અને નવલકથા પોતાની આગવી ‘વાસ્તવિકતા’ કેવી રીતે સિદ્ધ કરે છે, એ પ્રશ્નો અહીં કેન્દ્રમાં આવે છે. નવલકથાના સ્વરૂપવિકાસમાં અગાઉના તબક્કે વાસ્તવવાદી રીતિની નવલકથાઓનું વિશાળ પાયા પર લેખન થયું. એમાં તેમના લેખકોએ સામાજિક સાંસ્કૃતિક પ્રશ્નોની રજૂઆત કરવાનું વલણ બતાવ્યું. એમાં મુખ્ય પાત્રોની વીતકકથા રૂપે જે પ્રસંગો અને પરિસ્થિતિઓ રજૂ થયાં અને જે લાગણીના અનુભવો અને વિચારોમાંથી એ પાત્રોને પસાર થવાનું આવ્યું તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષપણે સામાજિક સંદર્ભો પડ્યા હતા. મુખ્ય પાત્રો પોતાની સામે ખડી થતી સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિનો સામનો કરે, નૈતિક કટોકટીમાં મુકાય કે અંતઃકરણના સંઘર્ષમાં ગૂંચવાય ત્યારે તેમાં એ પાત્રોના બાહ્ય વાસ્તવ સામેના મુકાબલાઓ જોવા મળતા હતા. રૂઢ અને પરંપરાગત મૂલ્યોને સરળતાથી અંગીકાર કરી લેવાનો એ પ્રશ્ન જ નહોતો. પોતાની નિજી વ્યક્તિતાને સિદ્ધ કરવાનો, ક્રિયાપ્રતિક્રિયા રૂપે આંતરિક સંવેદનાને ખુલ્લું કરવાનો અને રૂઢ મૂલ્યોને નવેસરથી જીવવાનો એ પ્રયત્ન હતો. સમાજ, સંસ્કૃતિ કે નીતિધર્મના ક્ષેત્રમાં રૂઢ બનેલાં મૂલ્યોને ઓઢી લેવા માત્રથી પાત્રનું સાચું વ્યક્તિત્વ બંધાતું નથી. ગહન સંકુલ અનુભૂતિના રૂપમાં તેણે નક્કર અર્થ અને જીવંત મૂલ્ય પામવા અભિમુખ થવાનું છે. પાત્રોની આ રીતની આંતરિક વાસ્તવિકતા જ તેને authentic existence અર્પે છે. મૂલ્યબોધની એ એક આંતરિક ભૂમિકા છે. નવલકથાની કળાત્મકતાનો એ દૃઢ આકાર બની શકે છે. પરંતુ પરંપરાની વાસ્તવવાદી નવલકથાની કળાત્મકતાના પ્રશ્નો એથી ય વધુ સંકુલ સંભવે છે. એની કળાત્મક આકૃતિ અને એની રચનાપ્રક્રિયા એકથી વધુ સ્તરની સંકુલઘટના છે એમાં છેક ભાષાશૈલી કે અભિવ્યક્તિના સ્તરેથી ઊપસતી સંવેદના, લાગણી, કે અનુભવનું રૂપ, સમયસંદર્ભ અને ઘટનાઓ, દૃશ્યો અને પરિસ્થિતિઓનું સંયોજન-સૂત્ર, વિવિધ પાત્રોનાં મનોવૈજ્ઞાનિક અને અસ્તિત્વપરક સંચલનો, સમગ્ર નવલકથાનું રૂપ, સંરચના કે તેની તરેહ અને તેમાં ઊપસતું લેખકનું વિશ્વદર્શન – આ સર્વ બાબતો નવલકથાના ‘અર્થો’ અને મૂલ્યોનું ક્ષેત્ર બને છે. નવલકથાનું તંત્ર એ રીતે ભિન્નભિન્ન સ્તરનાં મૂલ્યોનો ક્રિયાપ્રતિક્રિયા રૂપે કૃતિનું રહસ્ય નિપજી આવે છે. એટલે નવલકથાની આકૃતિ એ એક dynamic ઘટના છે : સ્થિતિચુસ્ત ઘટકોનો સમુચ્ચય માત્ર નથી. પણ આ dynamicsની ઓળખ કે ગ્રહણની પ્રવૃત્તિ સૌથી મુશ્કેલ છે. નવલકથાના મૂલ્યાંકનની બાબતમાં તીવ્ર મતભેદો ઊભા થાય છે તેનું કારણ આમ ઘણું ઊંડું રોપાયેલું છે. જો કે, વાસ્તવવાદી નવલકથાઓના વિવેચનમાં આ આખી સર્જનાત્મક ભૂમિકાને લક્ષમાં લીધા વિના કેવળ ઉપલક સ્તરેથી સામાજિક નૈતિક મૂલ્યો ઓળખી લઈને તેને આધારે જ કૃતિનું મૂલ્યાંકન કરવાની પ્રવૃત્તિ ચાલી હોય એવાં દૃષ્ટાંતો ય ઘણાં મળી આવશે. પણ આ બધી ચર્ચા છેડી રહ્યો છું ત્યારે આપણો કોઈ અભ્યાસી એમ કહેવા પ્રેરાય કે સ્વાતંત્ર્યોત્તર ગાળાના આપણા તરુણ લેખકો ‘શુદ્ધ નવલકથા’ રચવાની દિશામાં વળ્યા છે અને એમાં જીવનમૂલ્યોની તપાસ હવે સાવ અપ્રસ્તુત બની ચૂકી છે. અગર, મૂલ્યબોધની વાત કરવી જ છે તો રચનાત્મક મૂલ્યોની જ વાત થાય. નવલકથામાં હવે તેની આકારનિર્મિતિ, રચનારીતિ અને સર્જનાત્મક ભાષા એ જ કળાનાં મૂલ્યોની સાચી ભૂમિકા છે. નવલકથામાં બલકે સમસ્ત સર્જનાત્મક સાહિત્યમાં આ રીતે કળાત્મક મૂલ્યોની જ તપાસ કરવાની હોય. કથાસામગ્રી નવલકથાના આકારમાં તિરોધાન પામી હોય છે : કથાસામગ્રીની તપાસ એ રીતે અપ્રસ્તુત કરે છે. આ પ્રકારની રજૂઆત સામે બે મુદ્દાઓ વિચારણા અર્થે હું મૂકવા ચાહું છું. એક, સ્વાતંત્ર્ય પૂર્વેની કે તે પછીની કોઈ પણ નવલકથાના સંદર્ભે સામાજિક, સાંસ્કૃતિક કે નૈતિક મૂલ્યોની ખોજ સર્વથા અપ્રસ્તુત નથી જ. આપણો નવલકથાકાર પોતાની રચનાને જે રીતે ઘાટ આપવા ચાહે છે અને જે રીતે તેની સંરચના ઊભી કરે છે તે કંઈ આકસ્મિક ઘટના નથી. માનવીય વાસ્તવિકતાનો તાગ લેવાનો એમાં ગંભીર પ્રયત્ન હશે તો તો તેણે નિપજાવેલા નવલકથાના આકારને એ વાસ્તવિકતાના અર્થઘટન લેખે જોવાનો રહેશે. નવલકથાની દરેક અર્થસંપન્ન આકૃતિ એ માનવીય વાસ્તવિકતાને જોવા સમજવાની આગવી પ્રયુક્તિ જ છે. જે કંઈ ભાત કે તરેહ તે નવલકથામાં નિર્માણ કરે છે (કે નિર્માણ કરવા ચાહે છે) તે કોઈક રીતે માનવીય વાસ્તવિકતાનું જ એક પાસું છે. બલકે, એ વાસ્તવિકતામાં પ્રગટ કે પ્રચ્છન્ન પડેલી કોઈ ભાત જ તેની નવલકથાને આકાર આપવામાં ભાગ ભજવે છે. એટલે જ કળાત્મક કે પ્રયોગશીલ લેખાતી નવલકથાઓમાં આકાર કે રચનારીતિનું નિરપેક્ષ મૂલ્ય નથી. અંતે એ આકાર, રચનારીતિ માનવજીવનનો ‘અર્થ’ શી રીતે રચી આપે છે, તે જ મુખ્ય મુદ્દો બને છે. બીજો મુદ્દો એ કે નવલકથામાં (વ્યાપકપણે સમસ્ત સાહિત્યમાં) મૂલ્યબોધના પ્રશ્નો આપણા લેખકની પ્રતિભા અને તેના સંવેદનતંત્ર (sensibility)ને ઓળખવામાં, તેના વ્યાપ અને તેની સંકુલતાને પામવામાં દ્યોતક નીવડી શકે છે. આજે આપણે ત્યાં કંઈક ગંભીર દૃષ્ટિએ લખાઈ રહેલી નવલકથાઓનો વિચાર કરીએ તો તરત સમજાશે કે એમાં મોટા ભાગની નવલકથાઓ દાંપત્યજીવનની વિષમતા અને વિચ્છિન્નતા, લગ્નેતર સંબંધોની ગૂંચ, મુગ્ધ પ્રણયની તરસ, કુટુંબજીવનની ગૂંચ કે એવા એવા ઘરેલું પ્રશ્નોની આસપાસ ફરતી રહી છે. એ સાચું કે માનવજીવનની કેટલીક ગહન સંવેદનાઓના મૂળમાં આવા દાંપત્યજીવનના પ્રશ્નો હોય છે, પણ એય એટલું સાચું છે કે વિશાળ માનવજાતિના અસંખ્ય પ્રશ્નો આપણી નવલકથાના પરિઘની બહાર રહી ગયા છે કે તેમાં અત્યંત ગૌણ સ્થાન લે છે. આજે આપણી સામે રાજકીય સામાજિક ઊથલપાથલો ચાલી રહી છે. શોષણ, અન્યાય, જુલ્મ અને વર્ગસંઘર્ષ આપણા પ્રજાજીવનને તાવી રહ્યાં છે. હિંસા, ત્રાસવાદ અને યુદ્ધ આપણી આધ્યાત્મિક ભાવના સામે પડકાર બની રહ્યાં છે. માનવજાતિનું ભાવિ ક્ષણેક્ષણે નવી આશા અને હતાશામાં પરિવર્તિત થતું રહે છે. ધર્મ, સંસ્કૃતિ, શિક્ષણ, કાયદો, બંધારણ, પ્રજાકીય સંસ્થાઓ – એ સર્વની સામે વિઘાતક બળો કામ કરી રહ્યાં છે. માણસ આજે સભાનપણે પોતાનો ઇતિહાસ સર્જવા તત્પર બન્યો છે ત્યારે આ વિશ્વજીવનમાંથી જ દુરીત (Evil) તત્ત્વ તેની સામે ઊઠે છે. આમ માનવજાતિની નિયતિના, પ્રગતિના, મુક્તિના પ્રશ્નો કેવે કેવે રૂપે આપણી સામે આવી ઊભા છે, આપણો નવલકથાકાર એ પ્રશ્નોને કેવી રીતે જુએ છે કે સ્વીકારે છે એ જાતની તપાસ ઘણી મહત્ત્વની બને છે. સમાજના, સંસ્કૃતિના અને માનવજાતિના કૂટ પ્રશ્નો સાથે તેની ખરેખર નિસ્બત કેટલી તેનો આપણને એ રીતે પરિચય થાય છે. છેવટે આપણો નવલકથાકાર નવલકથાના સ્વરૂપને કેવી રીતે લે છે અને પ્રશ્નોને કેવું કળાત્મક રૂપ આપે છે અને આસપાસના જગતમાં પોતાને કેવી રીતે ગોઠવે છે એ બધું ય ગંભીરતાથી જોવાનું રહે છે. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આપણી નવલકથાએ જુદી જુદી અનેક છટાઓ પ્રગટાવી. એ પૈકી એક છેડે સુરેશ જોષીની ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’ જેવી આત્યંતિક પ્રયોગશીલ રચનાઓ છે, બીજે છેડે રઘુવીર ચૌધરીની ‘ઉપરવાસ’, ‘સહવાસ’ અને ‘અંતરવાસ’ જેવી સામાજિક કથાત્રયી છે. એ બેની વચ્ચે મધુ રાય, ચંદ્રકાન્ત બક્ષી, રાવજી પટેલ, રાધેશ્યામ શર્મા, કિશોર જાદવ, ભગવતીકુમાર શર્મા, મુકુંદ પરીખ, શ્રીકાન્ત શાહ, લાભશંકર, ધીરેન્દ્ર, વીનેશ, જ્યોતિષ, કુંદનિકા કાપડિયા આદિની વિવિધ શૈલી અને વિવિધ રીતિની અનેકવિધ કૃતિઓ વિશે વિગતે ચર્ચાને અવકાશ નથી. માત્ર થોડી કૃતિઓને દૃષ્ટાંત લેખે લઈને એમાંના મૂલ્યબોધના પ્રશ્નો તરફ સંકેત કરવા ધાર્યું છે. સુરેશ જોષીની ‘છિન્નપત્ર’ એ કથાનાયક અજયના નારીપ્રેમને વર્ણવવા તાકતી એક સંવેદનકથા છે. પ્રથમ ૫૦ ટુકડાઓમાં અજયની ડાયરીનાં પૃષ્ઠો પરની આત્મગત સંવેદના રજૂ થઈ છે. ‘પરિશિષ્ટ’માં અજયની આ મનોદશાને જરૂરી એવો પ્રસંગસંદર્ભ આછી રેખાઓમાં મૂક્યો છે. અહીં મુખ્યત્વે અજયનું સંવેદન જ આપણું ધ્યાન રોકે છે. કલ્પનો અને પ્રતીકોના આશ્રયે એ સંવેદનવિશ્વ આકાર લે છે. ખંડ ૩૩ જુઓ : ‘રાત. આજનો અન્ધકાર અગ્નિમય છે. રોષે ભરાયેલા નાગની જેમ એ રહી રહીને ફુંકાડો મારે છે. એની જ્વાળાઓ ભૂતાવળની જેમ નાચે છે. નિસ્તબ્ધતા એમાં ઘીની જેમ હોમાય છે. મારા શ્વાસ જામગરી બનીને સળગે છે. લોહીમાં રહેલો સુપ્ત અગ્નિ જાગીને ફાળ ભરે છે. એકાન્તોમાં કેટલાંય વન સળગી ઊઠ્યાં છે. બળી ગયેલા કાગળ પરના અક્ષર જેવો હું માત્ર રહી ગયો છું, પવનની આંગળી ક્યારે તીખેરી નાંખે એની પ્રતીક્ષામાં, આ અગ્નિ દ્વારા પૃથ્વીને સાંકળનારો સેતુ છે. જાતવેદા છે. બે હૃદય વચ્ચેનો પણ એ સેતુ નથી? બીજાના હૃદયમાં જે જન્મે છે તેને પણ એ શું નથી જાણતો? માલા, આ અગ્નિના આલિંગનમાં હું પણ અગ્નિમય બનીને જાતવેદા થઈ ગયો છું...’ માલાને ઉદ્‌બોધન કરીને અજય અહીં પોતાના હૃદયનો મર્મ ખુલ્લો કરે છે. રંગદર્શી પરિવેશમાં ઓતપ્રોત કલ્પનો અને પ્રતીકોમાં તેના અંતરની સૂક્ષ્મતર લાગણીઓ અને વિચારો વ્યક્ત થતાં રહે છે. ડાયરીનાં પૃષ્ઠોરૂપે તેના મનની જુદી જુદી ભાવદશાઓ એ રીતે ઊપસી આવી છે. નારીસ્નેહની અકળ રહસ્યમયતાનું વર્ણન એમાં ચિત્તસ્પર્શી બન્યું છે. છતાં આ રચનાની પ્રભાવકતા પરત્વે સહૃદયોમાં મતભેદ સંભવે છે. અહીં આ સંવેદનજગત અને તેના મૂલ્યબોધના વિશેષ પ્રશ્નો સંડોવાયેલા છે. ‘મરણોત્તર’માં ય એવા પ્રશ્નો ઊભા થયા છે. એ રચનામાં સુરેશ જોષીએ ૪૫ કંડિકાઓ યોજેલી છે. કથાનાયક ‘હું’ પાર્થિવ જગતની પાર રહેલી નારી મૃણાલ અને પ્રત્યક્ષ ઉપસ્થિતિ રૂપે વરતાતા મૃત્યુ – બંને સત્ત્વોને ઉદ્દેશીને એમાં અંગત સંવેદન રજૂ કર્યું છે. એમાંનો એક લાક્ષણિક સંદર્ભ : ‘પ્રગટ થનારા દિવસનો ભાર અત્યારથી જ વાતાવરણમાં તોળાઈ રહ્યો છે. વૃક્ષોનાં મૂળ ઊંડે ઊંડે એથી કંપે છે. ફૂલની કળીની અણી પણ એ ભાર ઝીલી રહી છે. મારામાં બેઠેલા મરણના ખભા પણ એના ભારથી ઝૂકી ગયા છે. ઝરૂખા પર ઝૂકીને એ ભાર ઊભો છે. ઝરૂખાના બીજે છેડે નમિતા પણ કદાચ મારી જેમ આ ભારને ઝીલતી ઊભી છે. એ ભાર નીચે ચંપાઈ અંધકાર પાતળો પડતો જાય છે. પંખીના ચહચહાટની ટશરો અત્યારથી હવામાં ફૂટતી લાગે છે. દૂરના સમુદ્રની સપાટી આ ભારથી વળી જતી લાગે છે. પ્રભાતવેળાએ જ ઈશ્વરનો ઘા ખુલ્લો પડી જાય છે....’ આ કંડિકામાં ય કથાનાયક ‘હું’નું ભાવજગત સૂક્ષ્મતર રેખાઓમાં ઝીલાયું છે. સુરેશ જોષીને પ્રિય બની રહેલાં વિશ્વપ્રકૃતિનાં સત્ત્વો અહીં નાયકના ભાવજગતનાં કલ્પનો/પ્રતીકો રૂપે પ્રવેશ્યાં છે. આ કલ્પનો/પ્રતીકોને આલેખીને રજૂ થતી સંવેદના સહેજે સ્પર્શી જાય છે. પરંતુ ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’ વિશેના તેમાંય ખાસ તો ‘મરણોત્તર’ વિશેના આપણા કેટલાક અભ્યાસીઓના પ્રતિભાવો ધ્યાન માગે છે. આ કૃતિઓમાં કથાનાયકોનું સંવેદન છે, સંવેદનને રજૂ કરતી સર્જનાત્મક ભાષા છે, છતાં કથાવિશ્વ તરીકે એમાં કશુંક ખૂંટે છે એવી તેમની લાગણી છે. આ કૃતિઓ સામે ખરેખર તો જે જે વાંધાઓ રજૂ થયા છે તે કંઈક ગંભીરતાથી લક્ષમાં લેવા જેવા છે. એક વાંધો એ મૂકવામાં આવ્યો છે કે ‘મરણોત્તર’માં કથાનાયક ‘હું’ના આત્મગત સંવેદનરૂપે આવતા ગદ્યખંડોમાં માનવ-પરિસ્થિતિનું સ્વતંત્ર નક્કર અને વસ્તુલક્ષી કોટિનું અસ્તિત્વ રચાતું નથી. બીજો વાંધો એ કે ‘મરણોત્તર’ની દરેક કંડિકા અલગ ગદ્યકાવ્ય જેવી છે. પણ દરેક કંડિકામાં તેમ સર્વ કંડિકાસમૂહમાં ચોક્કસ નેરેટિવની ગતિશીલતા નથી. એ પૈકીની કેટલીક કંડિકાઓને આગળ પાછળ લઈએ તોય તેની સમગ્રની છાપમાં કોઈ ફેર પડતો નથી. ત્રીજો વાંધો એ છે કે આ કંડિકાઓમાંના કેટલાક સંવેદનસંદર્ભો તેમના લલિત નિબંધોનો જ પ્રચ્છન્ન વિસ્તાર છે. આ રીતે ટીકા કરનારા અભ્યાસીઓ કંડિકાઓનાં કલ્પનો/પ્રતીકોની વ્યંજનાનો સ્વીકાર કરે છે, છતાં કથાનિર્મિતિના ચોક્કસ ખ્યાલને અનુલક્ષીને એ સંવેદનાની સમૃદ્ધિ કે સંવેદનની રીતિ પરત્વે પ્રશ્નચિહ્ન મૂકે છે. કથાવિશ્વ એ ગદ્યકાવ્ય, લલિત નિબંધ કે અંગત ડાયરીથી ભિન્ન સ્વરૂપ છે. એમાં માનવીય વાસ્તવિકતાની ભૂમિકા જુદી હોય છે. એટલે કૃતિમાં સંવેદનોનું નિરૂપણ થાય એટલું પર્યાપ્ત નથી. સંવેદનોને વાસ્તવિક બનાવે, પ્રમાણભૂતતા અર્પે, એવી માનવપરિસ્થિતિની એમાં અપેક્ષા છે. કહો કે અહીં કથાનાયકનું આત્મગત સંવેદન સ્વકીય રીતે અર્થસંપન્ન બનતું નથી. સ્વકીય મૂલ્ય ધરાવતું નથી. જો કે આ કૃતિના આસ્વાદ અને વિવેચન પરત્વે જે મતભેદો જોવા મળે છે તે આ મૂલ્યબોધના પ્રશ્ને જ ઊભા થાય છે. જેઓ આ કૃતિને માણી હોવાનો દાવો કરે છે. તેઓ એમાંનાં સંવેદનો અને એના આધાર સમી માનવપરિસ્થિતિના અક્ષાંશરેખાંશ પરત્વે કોઈ વાંધો ઉઠાવતા નથી. સંવેદનની વાસ્તવિકતાને તેઓ સીધેસીધી સ્વીકારી લે છે. સર્જનાત્મક ભાષા અને તેમાં ઊપસતાં સૂક્ષ્મતર સંવેદનનાં રૂપો જ તેમને પૂરતાં છે. સંવેદનોની અર્થવત્તા કે મૂલ્યવત્તાના બીજા આધારો શોધવાની તેમની અપેક્ષા નથી. પણ જેઓ આ કૃતિની રચના પરત્વે વસ્તુલક્ષી કોટિની સત્તાનો, નેરેટિવ લેખે એની આગવી સંરચનાનો કે પાત્રોના અત્યંત અમૂર્ત અસ્તિત્વનો મુદ્દો આગળ ધરે છે તેઓ જાણ્યેઅજાણ્યે ય માનવીય વાસ્તવિકતાની જુદી ભૂમિકા માગે છે. એક કથાવિશ્વ લેખે એમાં જે માનવસંયોગો રજૂ થાય જે કોઈ ઘટના રજૂ થાય તેની નક્કરતા અને પ્રમાણભૂતતાના પ્રશ્નો એ રીતે વિચારવાના આવે છે. ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’ બંને ય કૃતિઓમાં કથાનાયકો આત્મલક્ષી સંવેદનો રજૂ કરે એવી અહીં યુક્તિ કરવામાં આવી છે. એ પૈકી ‘છિન્નપત્ર’માં નારીપ્રેમની અનુભૂતિ જ નાયકના મનમાંથી આંદોલિત થતી રહે છે, જ્યારે ‘મરણોત્તર’માં મૃત્યુની ઉપસ્થિતિની સભાનતા નાયકની પ્રેમની ઝંખનાને જુદી રીતે ઉત્કટતા અર્પે છે. પણ અહીં કથાનાયકની ચેતના કેવળ આંતરસ્ફુરણાથી વ્યક્ત થતી રહે છે. બાહ્ય પરિસ્થિતિ, માનવીઓ સાથેના સંઘર્ષો કે સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય પરિબળોનો સામનો – એવું કશું એ નાયકની સંવેદનાને ઘાટ આપતું નથી. નાયકની ઉપસ્થિતિ સ્વયં એક ચૈતસિક સ્તરનો અમૂર્ત ખ્યાલ બની રહે છે. એટલે જ આ રચનામાં નાયકનાં સંવેદનોને કાવ્યાત્મક ઉત્કટતા છતાં એના સ્વીકાર-અસ્વીકારના પ્રશ્નો ઊભા થવા પામ્યા છે. નવલકથા, લઘુનવલ અને ટૂંકી વાર્તા જેવાં કથામૂલક સ્વરૂપોમાં કેવળ ‘કવેતાઈ’ નિરૂપણથી કામ ચાલતું નથી. જે કંઈ સંવેદનો, ચિંતનો કે કલ્પનો/પ્રતીકો કથાનાયકના આશ્રયે રજૂ થાય તે કથાનાયકની વ્યક્તિતા, તેના આંતરબાહ્ય સંયોગો, સ્થળકાળના સંદર્ભો, કળાત્મક આશય વગેરેને અનુલક્ષીને આગવી વાસ્તવિકતા અને પ્રમાણભૂતતાના પ્રશ્નો ઊભા કરે છે. એમાં નેરેટિવની સંરચના, તેના સંવિધાનના સિદ્ધાંતો, સમયબોધ અને માનવ-નિયતિ વગેરે પ્રશ્નો સંકળાયેલા છે. કોઈ લેખક ઊર્મિકાવ્યની જેમ એક સંવેદનનું ચિત્ર રચવા ચાહે કે અનુભવનું વિશ્વ ઊભું કરવા ચાહે, એક alternative fictional world તરીકે એની કેટલીક વિશેષ અપેક્ષાઓ છે. માનવવ્યક્તિ જે કંઈ લાગણીરૂપે જુએ, અનુભવે કે વિચારે એટલું જ એમાં અભિપ્રેત નથી. એ જે કંઈ જુએ, અનુભવે કે વિચારે તેને પ્રમાણભૂતતા અર્પે, સંગીનતા અર્પે, એટલી માનવપરિસ્થિતિ એમાં આવશ્યક છે અને કથામૂલક સ્વરૂપોમાં નેરેટિવનું વિશિષ્ટ ‘કાર્ય’ છે. સમયની ગતિ સાથે માનવની લાગણી અનુભવ કે ચિંતન કેવાં બદલાય છે અને સમય એને કેવી રીતે કસોટીએ ચઢાવે છે તે સમસ્ત ઘટનામાં નેરેટિવ આગવો અર્થ પામે છે. કેવળ અમૂર્ત વ્યક્તિત્વથી, અમૂર્ત સમયથી કે અમૂર્ત સંબંધોના નિરૂપણથી માનવસંયોગોની નક્કરતા ઊભી થતી નથી. એમ સ્વીકારીએ કે ઍબ્સર્ડ, ફૅન્ટસી કે દંતકથાની કોટિએ માનવસ્થિતિનું ચિત્રણ થઈ શકે પણ એવી કથારચનામાંયે આગવી આગવી રીતે સંગીનતા અને વાસ્તવિકતા નિપજાવવાની રહે. અલબત્ત, કથામૂલક સ્વરૂપોના સંદર્ભે દરેક આગવી રીતિની કૃતિ સંગીનતા અને વાસ્તવિકતાનું જુદી રીતે અભિજ્ઞાન કરાવે છે. એની કોઈ સ્થિર નિશ્ચિત કારિકા હોતી નથી. શ્રીકાંતની ‘અસ્તી’ સુરેશ જોષીની કૃતિઓ કરતાં જુદા પ્રકારની પ્રયોગશીલ રચના છે. એના મૂલ્યબોધની ભૂમિકા જુદી છે. આ કૃતિમાં ય કોઈ સાદ્યંત ચાલતી કથાવસ્તુ નથી. તેમાં વિકસિત ચરિત્ર ધરાવતાં પાત્રો નથી. લેખકની સમકાલીન માનવપરિસ્થિતિ છે. લગભગ સ્થગિત થઈ ચૂકેલી પરિસ્થિતિનું એ દૃશ્યાવલિઓ રૂપે ચિત્રણ છે. કથાનાયક ‘તે’ એક સંવેદનપટુ વ્યક્તિ છે, પણ તે ક્રિયાશીલ માણસ નથી અને એટલે જ પોતાની સામે વિસ્તરી રહેલી માનવપરિસ્થિતિનાં દૃશ્યો તે લગભગ નિષ્ક્રિયભાવે જોતો રહે છે. એમાં કેટલીક ક્ષણે બાહ્ય જગતનાં દૃશ્યો સ્થૂળ નક્કર વિગતો સાથે તેની દૃષ્ટિમાં ઝીલાય છે, પણ બીજી ક્ષણોમાં બાહ્ય દૃશ્યોની વિગતો તેની લાગણીની ઉત્કટતાના બળે અવળસવળ થવા લાગે છે. તેમાં પ્રસંગે ચિંતન ભળે છે કે કપોલકલ્પિતનો અંશ જોડાઈ જાય છે. કોઈ ચોક્કસ તર્કસૂત્રમાં નહિ, યાદૃચ્છિકપણે જોડાઈને એ દૃશ્યાવલિઓ તેની સામે આવતી રજૂ થઈ છે. આવું એક લાક્ષણિક દૃશ્યચિત્રણ : ‘એક અશ્વના ખૂલ્લા મોંમાં થોડા ઘાસીયા ફીણો દેખાયા. ઉંચે ચડેલી ચોળીની કેડ પાસે ખરજવાનો કાળો લીસોટો દેખાયો. પટ્ટાવાળા બુશકોટની બાંય ઉપર એક માદળીયું દેખાયું. છીદ્ર પડેલી ત્વચામાંથી ઊડતો વાસી પ્રાણવાયુ દેખાયો. ઉઘડેલી મોં-ફાડમાં સુજી ગયેલી દાણાદાર જીભ દેખાઈ. આંખોના ઉંડા કુવામાં કુદી રહેલી માછલીઓની સળવળ દેખાઈ....તારના થાંભલા પાસે અઢેલી બેઠેલા એક ચમારની ચકળવકળ કીકીઓમાં પીળીયા કરોળીયા દેખાયા. દીવાલના ઉખડી ગયેલા પ્લાસ્ટરમાં બખોલ કરી બેઠેલી ચકલીની ચપોચપ બંધ ચાંચમાં સળવળી રહેલો સમયનો કીડો દેખાયો...’ કથાનાયક ‘તે’ની દૃષ્ટિમાં યાદૃચ્છિકપણે બહારનાં દૃશ્યો ઝીલાતાં રહે છે. એમાં સંવેદનચિંતન કે કલ્પનના રૂપમાં અંદરનું પરિમાણ ઉમેરાતું રહે છે. છતાં બહારના જગતનાં ચિત્રો આપણી સામે મૂર્ત ઇન્દ્રિયગોચર રૂપમાં તાદૃશ થઈ ઊઠે છે. આ દૃશ્યોમાં આસપાસનું માનવજગત તેની વરવી કુત્સિત અને જુગુપ્સક રેખાઓ સમેત ઝીલાયું છે. ‘તે’ની સંવેદનપટુતા અને સર્જકતા આ દૃશ્યોને આગવું બળ અને આગવો પ્રભાવ અર્પે છે. પણ આ દૃશ્યોની યોજના પાછળ કોઈ ઘટનાવિકાસ કે કાર્યનો તંતુ નથી. એટલે એ દરેક દૃશ્યનું અમુક સીમિત મૂલ્ય રહી જાય છે. ભગવતીકુમારની ‘ઊર્ધ્વમૂલ’ તેમની સમસ્ત નવલકથાપ્રવૃત્તિમાં એક મોટો પ્રભાવક ઉન્મેષ બની રહે છે. કથાનાયિકા ક્ષમાના ભાવજગતને કેન્દ્રમાં રાખીને તેમણે એ કૃતિનું નિર્માણ કર્યું છે. પોતાના વીતી ગયેલા જીવનની તેમ પોતાની વર્તમાન દશાની કથા ક્ષમા પોતે જ આત્મકથન રૂપે રજૂ કરે એ પ્રકારે એનું સંવિધાન કરવામાં આવ્યું છે. એમાં વર્તમાન અને ભૂતકાલીન જીવનના ખંડો એક પછી એક ચોક્કસ ક્રમમાં યોજીને તેમણે એમાં એક નવી જ આકૃતિ ઊભી કરવાનો આશય રાખ્યો છે. નાયિકા એક મધ્યમ વર્ગની સુશિક્ષિત કુલીન અને સંવેદનશીલ નારી છે. તરુણ વયમાં જ માતાપિતાને ગુમાવી બેઠેલી ક્ષમા નિરાધાર બનતાં ટ્રોમેટિક અસર પામે છે. આમે ય તેનાં માતાપિતાના સંબંધોનો વિચ્છેદ અને વિખવાદ તેના વ્યક્તિત્વને કુંઠિત કરી દે છે. એટલે જીવનના જુદા જુદા તબક્કામાં એક પછી એક બાદલ, ડૉ. કુણાલ અને પ્રો. નિહારના ગાઢ સંપર્કમાં મુકાવા છતાં તે કોઈ સમક્ષ પૂરી ઊઘડી શકતી નથી કે પૂર્ણતયા આત્મસમર્પણ કરી શકતી નથી. ક્ષમાના જીવનની આ કથામાં તેના મનની અજ્ઞાતગ્રંથિઓનો પ્રશ્ન પડેલો છે, તો તેની સામે અને ડૉ. કુણાલ અને પ્રો. નિહાર સામે પણ, પોતાનાં ‘મૂળ’ શોધવાનો પ્રશ્ન ય છે. નવલકથાના વસ્તુવિકાસમાં આમ ચોક્કસ મનોવૈજ્ઞાનિક/ અસ્તિત્વમૂલક ભૂમિકા પડી છે. એક સક્ષમ કથાવસ્તુ લેખકને આવી મળી છે. નાયિકા ક્ષમાના આત્મગત સંવેદનોના વિભિન્ન સંદર્ભો અહીં એકબીજાની સામે juxtapose કરવામાં આવ્યા છે. નાયિકાના હૃદયજીવનને દૃષ્ટિમાં રાખીને લખાયેલી આ નવલકથાના આસ્વાદ-મૂલ્યાંકન પરત્વે વિભિન્ન મતો પ્રગટ થયા છે. કેટલાક અભ્યાસીઓએ એને ઠીકઠીક પ્રભાવક લેખવી છે, કેટલાક એ કથામાં આગળ વધી શક્યા જ નથી એવો એકરાર કરે છે. અહીં આ રુચિભેદ પાછળની ભૂમિકા આપણને એ કથાના રહસ્યબોધ અને મૂલ્યબોધના પ્રશ્નોની તપાસ કરવા પ્રેરે છે. એ સંદર્ભે એક મોટી મુશ્કેલી તે વર્તમાન અને ભૂતકાળના ખંડોને એકબીજા સામે ગોઠવવાની યુક્તિમાં છે. કેમ કે, ભૂતકાળના ટુકડાઓમાં નાયિકાની વીતકકથા સાતત્યપૂર્વક ચાલે છે. જ્યારે વર્તમાનના ટુકડાઓમાં તેની એકલતા, હતાશા વિષાદની દશા જરા જુદાં જુદાં આલંબનો લઈને ઘૂંટાતી રહે છે અને આખી કથામાં આવા અસંખ્ય ટુકડાઓ એકવિધતા અને સ્થગિતતામાં સરી જતા દેખાય છે. એટલે આ પ્રકારના સંવિધાનની સાર્થકતાનો મોટો પ્રશ્ન ઊભો થાય છે. પણ એ સિવાય નાયિકાના મનોગતને વ્યક્ત કરતી કલ્પનપ્રચૂર ભાષા ય કેટલાક વિવેચકોને પ્રશ્નરૂપ લાગી છે. નાયિકા શિક્ષિત છે, સંવેદનશીલ છે, તો પણ કલ્પન/પ્રતીકોનો ઉદ્રેક વાસ્તવબોધની દૃષ્ટિએ ચર્ચાસ્પદ બની રહે છે. ખાસ કરીને વર્તમાન જીવનના ટુકડાઓનું ગદ્ય ગંભીર સમીક્ષા માગે છે. નવલકથાનું વિશ્વ એક રીતે અતિ દુઃસાધ્ય વિશ્વ છે. નાયિકા કે નાયકનાં સંવેદનો, ચિંતનો કે કલ્પનોને સ્પર્શક્ષમ સંગીન અને શ્રદ્ધેય માનવવાસ્તવની એમાં અપેક્ષા છે. ‘ઊર્ધ્વમૂલ’માં વળી થિમની રજૂઆતમાં ય ક્યાંક મુશ્કેલી વરતાય છે. જે રીતે ક્ષમા, ડૉ. કુણાલ અને પ્રો. નિહાર એ ત્રણે ય મહત્ત્વનાં પાત્રો પોતાનાં ‘મૂળ’ વિશે ઉત્કટ જિજ્ઞાસા ધરાવે છે, એ આયોજનમાં પણ પ્રતીતિકારકતા નથી. નક્કર સામાજિક ઐતિહાસિક પરિસ્થિતિનો આધાર મળે તો આવાં કથાનકો વધુ સક્ષમ નીવડે એમ લાગે છે. રઘુવીરની ‘અમૃતા’ પણ એક પ્રભાવક છતાં ચર્ચાસ્પદ રહેલી કૃતિ છે. ઉદય, અનિકેત અને અમૃતા એ ત્રણ શિક્ષિત અને વિચારશીલ પાત્રોની આસપાસ એ કથા ગૂંથાયેલી છે. ત્રણેયની જીવનદૃષ્ટિ જુદી, ત્રણેયનું વ્યક્તિત્વ જુદું. ઉદયયન પત્રકાર છે, કેવળ વર્તમાનનો જ સ્વીકાર કરીને ચાલવા માગે છે. અનિકેત વનસ્પતિશાસ્ત્રનો નિષ્ણાત અધ્યાપક છે. તે ભૂતકાળ, પરંપરા, સંસ્કૃતિ એ સર્વનો આદર કરે છે. અમૃતા પુરાતત્ત્વવિદ્યાની અભ્યાસી છે. અનિકેત અને ઉદયન બંને પુરુષો આગવી આગવી રીતે અમૃતાનો સ્નેહ પામવા ચાહે છે. ઉદયનના અસ્તિત્વપરક ખ્યાલો અંતે નિષ્ફળ નીવડે છે. આખી ય કથા દેખીતી રીતે જ, બૌદ્ધિકતાને વરેલાં પાત્રોને કેન્દ્રમાં રાખે છે. પણ એ દરેકની પાછળ નક્કર સામાજિક સાંસ્કૃતિક ભૂમિકા નથી. પણ એથીયે મોટો મુદ્દો તે એમાંનાં દૃશ્ય કે પ્રસંગવિધાનની પ્રતીકનિર્ભર યોજના અને તેને અનુરૂપ ચોક્કસ ભાષાનિર્મિતિનો છે. તેમાં માનવીય વાસ્તવની પ્રતીતિનો મૂળભૂત પ્રશ્ન ઊભો થઈ શકે છે. પાત્રોના ચિંતનસંવેદનમાં લેખકની બૌદ્ધિક સંપ્રજ્ઞતાનો સતત દબાવ વરતાય છે. જો કે આ નવલકથા પ્રગટ થઈ ત્યારે એમાંની પ્રતીક યોજનાએ અને ખાસ તો એમાંના પૌરાણિક સંદર્ભોએ આ લખનારને આકર્ષ્યો હતો. પણ એવાં અલગ દૃશ્યોનું સ્વકીય મૂલ્ય સ્વીકારીને તે પછીય સમગ્રનું રૂપનિર્માણ અને તેમાં ઊપસતા માનવવાસ્તવનો પ્રશ્ન જ અહીં નિર્ણાયક બને છે. અલબત્ત, રઘુવીર ચૌધરી અહીં માનવસ્વાતંત્ર્ય અને માનવશ્રેયના એક ગંભીર પ્રશ્નને રજૂ કરવા ચાહે છે. પણ આવા પ્રશ્નનું પોતીકું કોઈ મૂલ્ય નથી.