કથાવિવેચન પ્રતિ/માનવચિત્તનો ચકડોળ (‘મળેલા જીવ’નું વિવેચન)

માનવચિત્તનો ચકડોળ

(મળેલા જીવ : લે. પન્નાલાલ પટેલ)


મારી ધરતીને કે’જો રે સલામ
અમે તો પંખીડાં ઊંડા આભનાં...જી.

ગુજરાતને છેક ઓતરાદે સીમાડેથી ‘વળામણાં’, ‘મળેલા જીવ’ અને ‘માનવીની ભવાઈ’ જેવી રમણીય જાનપદી કથાઓ લઈને પન્નાલાલ ગુજરાતના સારસ્વતોના પ્રાંગણમાં પ્રવેશ્યા ત્યારે મેઘાણી જેવા સન્નિષ્ઠ અને સહૃદય સર્જક-વિવેચકે તેમનું અતિ ઉમળકાથી સ્વાગત કરેલું. કવિ ઉમાશંકર જોશી હોઠે તર્જની ટેકવી – “પન્નાલાલ જે મજૂરી કરી જાણે છે તેના ખોળિયામાંથી આ ‘પન્નાલાલ પટેલ’ શી રીતે પાક્યો?” એ અકળ પ્રશ્નથી મૂંઝાતા સાનંદાશ્ચર્યમાં ડૂબી ગયા હોય તો નવાઈ નહિ. હકીકતમાં, ‘મળેલા જીવ’ના સર્જનથી ગુજરાતી નવલકથાની ક્ષિતિજ વિસ્તરતી હતી – ગુજરાતી નવલકથાના સ્વરૂપવિકાસમાં મહત્ત્વનું નવપ્રસ્થાન આરંભાયું હતું. જોકે ‘મળેલા જીવ’ની પ્રણયકથા, આમ તો, ઉધડિયા-જોગીપરાના સાવ નાનકડા ગ્રામસંસારને સ્પર્શતી હતી. પરંતુ પન્નાલાલમાં પ્રચ્છન્ન રહેલો સર્જક એમાં પ્રગટ થયો : ‘મળેલા જીવ’ના સર્જન દ્વારા તેમણે એક અપૂર્વ કલાત્મક આવિષ્કાર સાધ્યો હતો. પન્નાલાલ પૂર્વે ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી અને રમણલાલ દેસાઈ – એ ત્રિપુટીએ મુખ્યત્વે પોતપોતાની દૃષ્ટિ, રુચિ અને પ્રતિભાશક્તિ પ્રમાણે ગુજરાતી નવલકથાનું ખેડાણ આરંભેલું. આજે મુનશીની કલમ ચાલુ જ છે. ગોવર્ધનરામ પંડિતયુગની સાક્ષરમૂર્તિ હતા – એક મનીષી પુરુષ હતા. તેમની પ્રખર તપતી મેધાના અંતસ્તલમાં રૉમૅન્ટિક કવિની સંવેદનશીલતા અને કલ્પના યુગપદ્‌ જન્મ્યાં હતાં. તેમણે ભારતીય સાંસ્કારિક પુનરુત્થાન(renaissance)ના કાળનો ધરમૂળથી પલટા ખાતો સંસાર જોયો હતો. ‘સરસ્વતીચંદ્ર’ના સર્જનમાં તે યુગના વિશાળ વ્યાપવાળું સંસારચિત્ર રજૂ કરવા તેમણે સરસ્વતીચંદ્ર-કુમુદનો કરુણ મનોહર વૃત્તાંત શોધ્યો. અને એ નિમિત્તે યુગના પડકારરૂપ અનેક પ્રશ્નોની પ્રત્યક્ષપણે છણાવટ કરી લેવાની સહજ વૃત્તિ તેઓ સભાનપણે કેળવી રહ્યા. એથી એક ભવ્ય કલ્પનાના ઉડ્ડયનમાં સ્રષ્ટાની પાંખો ભારે થઈ. એક સાદ્યંત સુરેખ એવું સંસારચિત્ર આલેખ્યું હોત તો તેમને હાથે સર્જનની વધુ પ્રતિષ્ઠા થઈ હોત. મુનશીની સર્જકપ્રતિભાએ રોમૅન્ટિક અભિનિવેશ પૂર્ણતયા દાખવ્યો. એમની સ્વપ્નિલ દૃષ્ટિમાં ભવ્ય અપાર્થિવ એવાં પાત્રોની સૃષ્ટિ અલપઝલપ ઝબક્યા કરતી હતી. તેને અવતારવાને જાણે કે સમકાલીન ગુજરાતનું આંગણું ઓછું પડ્યું તે તેમણે કાલના ઊંડાણમાં ઝંપલાવ્યું! ઇતિહાસ-પુરાણ-દંતકથાને અવલંબીને તેમણે રોચક કથાઓ આપી. કદાચ, ઐતિહાસિક નવલકથાઓમાં જ તેમની સર્જકશક્તિના ઉત્તમોત્તમ અંશો પ્રગટ થયેલા છે. સ્થૂળ રોમાંચક ઘટનાઓના નાટ્યાત્મક સંવિધાન દ્વારા સતત ગતિશીલ કથાઓ નિર્મીને તેમણે વાચકોને સ્તબ્ધ બનાવી દીધા. અલબત્ત, એ માટે તેમણે કલ્પનાના ઘેરા રંગોથી કથાની સજાવટ કરી છે, અલૌકિક કે અદ્‌ભુતનો ભેગ કરવાનુંયે ચૂક્યા નથી. પરિણામે એમ જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે એમની એ કથાઓમાં યુરોપીય ‘રોમાન્સ’ સાહિત્યપ્રકારના અવશેષો ઠીક ઠીક પ્રમાણમાં જળવાયા છે. રમણલાલ દેસાઈની કલમને સામાજિક નવલકથાઓ વધુ ફાવી છે. એમણે એમના આયુષ્યકાળમાં ગુજરાતના જિવાતા જીવનના ધબકાર સાથે તાલ મેળવી લઈ, કામ કાઢી લીધું. એ અરસામાં ગાંધીજીએ રાષ્ટ્રીય મુક્તિની ચળવળ સાથે સામાજિક નવરચનાનો રાષ્ટ્રીય કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. એક વિશ્વયુદ્ધ લડાઈ ચૂક્યું હતું. રશિયામાં લોહિયાળ ક્રાંતિની સાથે નૂતન સમાજવ્યવસ્થાના ખ્યાલો જન્મેલા તે વિશ્વભરમાં પ્રસાર પામતા જતા હતા. ગુજરાતનાં તરુણ યુવાન-યુવતીઓની દૃષ્ટિમાં નવીન ભાવનાની સૃષ્ટિ તરવર્યા કરતી હતી. રમણલાલે એ ભાવનાની સૃષ્ટિને – એ વિચારો અને આદર્શોને – પ્રણયકથાઓનાં માળખાંમાં ગૂંથી ગૂંથીને તરુણ મુગ્ધ હૈયાને રીઝવતી કથાઓ રચી કાઢી. અલબત્ત, રમણલાલ પાસે શિષ્ટ, સંસ્કારી, મધુર શૈલી હતી અને એમની કથાઓના આસ્વાદનમાં એનો ફાળોય ઓછો નથી. પણ તેમની આ બધી કથાઓનાં માળખાંમાં પ્રચલિત ઘટકોનો જ સમન્વય થતો’તો – ‘નવીન સૃષ્ટિ’નો ઉદય નહોતો થતો! આ ઉપરાંત, એ સમયમાં બંધુસમાજના લેખકોની વાર્તાઓ, બંગાળી કથાના અનુવાદો અને અન્ય લેખકોની રચનાઓ પ્રજાનું ‘જનમનરંજન’ કરતી. પણ એક વાત સ્પષ્ટ જોઈ શકાય છે કે : ગુજરાતી નવલકથાઓ અત્યાર સુધી સ્થૂળ પ્રસંગોમાંથી રચાયેલી અદ્‌ભુત, ચમત્કારિક કે કુતૂહલપ્રેરક વાર્તાઓથી વિશેષ નહોતી. એમાં story element જ સર્વશાસક હતું. નવલકથા વિશેષતઃ મનોરંજનનું જ સાધન છે, એવો કંઈક ખ્યાલ આ લેખકો સ્વીકારીને ચાલતા. અને મનોરંજન માટે ક્યાંક રોમાંચક ભેદી સૃષ્ટિ, ક્યાંક ઇલ્મી-જાદુઈ દુનિયા, ક્યાંક ભેદભરમ તો ક્યાંક ભાવનાના ગગનમંડળમાં તેઓ રાચતા. પરંતુ નવલકથા જેવો સાહિત્યપ્રકાર માનવીના અનુભૂતિ-પ્રદેશને સાકાર કરી આપે, તેને કલાત્મક ઘાટ આપી ભાવવ્યંજના પ્રગટ થવા દે અને એમ કરતાં માનવચિત્તની જટિલ સંકુલ એવી વાસ્તવિકતાને વ્યક્ત કરે એવી સૂઝ હજી ઝાઝી કેળવાયેલી જણાતી નથી. ટૂંકમાં, ગુજરાતી નવલકથામાં સારી પેઠે ‘અશુદ્ધિઓ’ મિશ્રિત થતી હતી. તેના ‘વિશુદ્ધ’ સ્વરૂપની કોઈ શક્યતા વિશે ખ્યાલ કરાયો નહોતો. ઈ. સ. ૧૯૪૧માં ‘મળેલા જીવ’નું પ્રકાશન, આથી જ, ગુજરાતી નવલકથાના સ્વરૂપ-વિકાસમાં મહત્ત્વનું સીમાચિહ્ન બની રહે છે. ‘મળેલા જીવ’ એક સજીવ સ્વાયત્ત એવી કલાકારની સૃષ્ટિ છે. microcosm છે. એનો આંતર-બાહ્ય દેહ જાણે નસેનસ અને મજ્જાએ મજ્જાથી સંકળાયેલો છે, તેની આકૃતિમાં ‘એકલક્ષિતા’ અને ‘અખિલાઈ’ સ્વયંસિદ્ધ છે. માનવજીવનની વાસ્તવિકતાની સચ્ચાઈ કથાના અણુએ અણુમાં વ્યાપ્ત છે. એનું મુખ્ય કારણ એ છે કે બ્રહ્માના કમળની નાળ જેમ, આ ‘સૃષ્ટિ’ની નાળ તેના સ્રષ્ટામાં રોપાયેલી છે. અત્યંત સૂક્ષ્મસંવેદી ચિત્તવાળા પન્નાલાલની સર્જક લેખે પ્રથમ વિશિષ્ટતા હોય તો તે એમની સંવેદનશીલતા છે. નવલકથાના સર્જક પાસે આવી સંવેદનશીલ ‘ચિત્ત-ભૂ’ની અનિવાર્યતા દર્શાવતાં પ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર હેન્રી જેમ્સ લખે છે : “The question comes back thus, obviously, to the kind and degree to the artist prime sensibility, which is the soil out of which his subject springs. The quality and capacity of that soil, its ability ‘to grow’ with due freshness and straightness any vision of life, represents strongly or weakly, the projected morality.” પન્નાલાલની જાનપદી કથાઓનો સર્જકસ્રોત તે હેન્રી જેમ્સે કહેલી આ prime sensibility – ‘મૂળભૂત સંવેદનશીલતા’ (અથવા સંવેદનશીલ ચિત્ત-ભૂ). તેમની જાનપદી કથાઓ એમાંથી પાંગરી છે. પન્નાલાલ ઉત્તર ગુજરાતની તળપદી ધરતીમાં જન્મ્યા અને પલોટાયા. સ્થાનિક પ્રજાનાં સુખ-દુઃખ, હર્ષ-શોક, રાગ-દ્વેષ – બધુંયે પોતાની રગમાં પચાવી ગયેલા. તેમના ચિત્તમાં તરુણકાળની અનેક તીવ્ર અનુભૂતિઓ સજીવ અંકુરસહ સુષુપ્ત પડી હશે. એટલે જ તેમના ખોળિયામાં રહેલો કળાકાર જ્યારે અક્ષરદેહે પ્રગટ થયો, ત્યારે ઉધડિયા-જોગીપરાનો સમસ્ત ‘લોક’ જાણે કે આળસ મરડીને બેઠો થયો! પન્નાલાલના ચિત્તના અંધારા ગર્ભાગારમાં એ પાત્રો વર્ષો સુધી પોષાયાં હશે. ત્યારે જ, ‘મળેલા જીવ’ની સાચુકલી દુનિયાનું નિર્માણ સંભવિત બન્યું! આ કથામાંનાં પાત્રોમાં જે અપૂર્વ જીવન-શક્તિ(vitality)નો ઉદ્રેક જોવા મળે છે, તેમના આલેખનમાં સચ્ચાઈનો જે મજબૂત રણકો સંભળાય છે, તેનું કારણ એ જ કે એ સૌ પાત્રો એમના સર્જકની જીવનશક્તિનો અંશ લઈને અવતર્યાં છે. અલબત્ત, આ સંવેદનશીલ ‘ચિત્ત-ભૂ’ એ પન્નાલાલ માટે તેમ કોઈ પણ સર્જક માટે, જેમ એક પક્ષે સર્જકશક્તિનો ગૂઢ સ્રોત બને છે તેમ બીજે પક્ષે તેણે રચવા ધારેલી વાર્તાઓના વિષયોને એક ચોક્કસ પ્રદેશ (range) આંકી આપે છે. (અંગ્રેજ લેખિકા જેન ઑસ્ટિનની સર્જકશક્તિનો ઉત્તમોત્તમ ઉન્મેષ કૌટુંબિક જીવનના નિરૂપણમાં જ પ્રગટ થયો હતો. એ એની શક્તિ અને સીમા બંને હતાં.) એટલે જ પ્રસ્તાવનામાં ટકોર કરતાં મેઘાણીએ કહેલું : “ભાઈ! તું જે પાણીનું માછલું છે તેમાં જ રહેજે, નહિતર તું મૂવો પડ્યો છે! તારું તારાપણું રાખજે.” આ વચનમાં કેટલો ગૂઢ મર્મ સમાયો હતો! વર્ષાના પ્રથમ પ્રથમ બુંદે ધરતીમાંથી જે મીઠીમધુરી સોડમ ઊઠે, અને એક પ્રકારની આદિમ્‌ સૃષ્ટિનો સંસ્પર્શ થાય, એવો જ કશોક અનુભવ ‘મળેલા જીવ’ના પ્રથમ આસ્વાદને ગુજરાતી વાચકોને થયો હશે! કાનજી-જીવીના પ્રણયની કરુણ-રમ્ય કથા વાંચીને કોઈ કહે કે – “આ તો ધરતીના કવિનું શમણું પાંગર્યું’તું – વિષાદમય શમણું!” તો હું કહું, “ના, ના, ધરતીના કવિનું એક અશ્રુફૂલ મોર્યું છે!” ગમે તે રીતે વર્ણવો, પણ માનવીજીવનની કરુણતામાંથી – મધુર સંગીતની સંતર્પકતા જન્મી. એના આરંભથી અંત સુધી કરુણ સંગીતનો ‘સપ્તક’ જ રચાયેલો લાગે! તે દિવસે, જન્માષ્ટમીના મેળામાં કાનજીની ટોળીએ મોડે મોડે પણ ખૂબ શોર મચાવતાં પ્રવેશ કરેલો ત્યારે કો’ક બોલેલુંય ખરું : “મેળો ઉલાવા થયો ને અમથા શું કામ હેંડી મર્યા હશે!” પરંતુ ક્યાં કોઈને ખબર હતી કે અહીંથી ગુજરાતી નવલકથાની એક પ્રશિષ્ટ કથા આરંભાતી હતી! યુવાન કાનજીએ રૂપના કટકા સમી જીવીનો ચકડોળમાં ‘પ્રથમ સંગાથ’ કર્યો, અને સ્વર્ગનો આનંદ પણ માણી લીધો, પરંતુ પછી તો સંસારના રણમાં તપવાનું જ હતું ને! વાર્તાના આરંભમાં જ કેવી કરુણ વ્યંજના રહેલી છે! હવે, કણબીનો દીકરો ઘાંયજાની દીકરીને ઘરમાં બેસાડી જ કેમ શકે? મોટાભાઈની આમન્યાયે પાળવાની ખરી. એટલે સંજોગોમાં ભીડાયેલો કાનજી નિરુપાય બની નિસાસા નાખવા લાગ્યો. એવામાં તેના સાથી મિત્ર હીરાએ કાનમાં વાત નાખી, “પેલા ધૂળા ઘાંયજાનું ઘર માંડી આપને?” અને મધલાળ પણ ચખાડી -‘એક પંથ ને દો કાજ’ જેવું છે! ઘડીભર તો કાનજી હીરા પર રાતોપીળો થયો, પણ હળવેકથી હીરાના જ શબ્દોએ તેને જકડી લીધો. વાસ્તવિક પ્રશ્નનો જાણે કોઈ ઉકેલ જ ન હતો, તો પછી આ શું ખોટું હતું? અત્યંત કારમી ગડમથલ કરતાં તેણે જીવી ‘પરને સોંપી’. ધૂળાનું ઘર મંડાયું, હસતું થયું ન થયું અને ઉલ્કાપાત આરંભાયો. જીવીને લાવતાંવેંત જ ભગતે કાનજીને વેણ કહ્યાં : “કાનજી આને તું લાવ્યો તો તારું લાવ્યાપણું રાખજે.” કાનજી વિજોગમાં બળ્યો, ઝળ્યો, ‘લાવ્યાપણું’ની ધૂનમાં એકલપંથી બન્યો, અને દૃષ્ટિપથમાંથી જીવીને હડસેલી કાઢી. વહેમી અને જડ ધૂળાએ જીવી પર અપાર યાતનાઓ ગુજારી. કાનજીને પગલે પગલે આવેલી વિજોગણ જીવી એકલતા અને અવગણના ન જીરવી શકી. વેદનામૂઢ કાનજીએ પરિસ્થિતિનો ઉકેલ આણવા અનેક તર્કવિતર્કો કર્યે રાખ્યા, પણ કોઈ ઉકેલ નહોતો જડતો. એટલે, દુઃખનો માર્યો પરદેશ ચાલી નીકળ્યો. અને જીવીએ પોતાના જીવનનો અંત આણવા ઝેરમિશ્રિત રોટલા ઘડ્યા! પણ? ધૂળો જ તેનો ભોગ બન્યો! એ પછી કાનજી એકાએક આવ્યો, અને પાછો ચાલ્યો ગયો! ‘મને મળ્યાય નહિ!’ની વેદનાના ઓથારમાં જીવી પાગલ બની ગઈ! તેનું જીવતર ધૂળમાં રગદોળાયું. છેક છેવટે, બાવજીને મેળેથી પ્રેતસમી જીવલીને ઉપાડી કાનજી પ્રયાણ કરી ગયો. પંદરેક મહિનાના ગાળામાં કેવી કેવી માનવીઓની ભવાઈ રચાઈ ગઈ! કવિ બાલમુકુન્દના શબ્દો યાદ આવે છે :

કાચી રે માટીની કાયા-કુલડી
ખમશે આકરી ના આંચ,
અગની ધીરેથી ધિખાવ,
સોનલાં સાચવીને તાવ,
હો સોનાર વીરા! કાચી રે માટીની કાયા-કુલડી.

પણ સોનાર વીરો તો તેની જ મસ્તીમાં ઘાટ આપ્યે જાય છે. આમ, જન્માષ્ટમીના મેળામાં બે પ્રેમીઢૂંકડાં મળ્યાં, અને ‘સંસારયાત્રા’ કરતાં વળી બાવજીને મેળે મળ્યાં, ત્યાં સુધીની ભવની ભવાટવિની કથા જ અહીં મુખ્ય વિષય છે. જન્માષ્ટમીના શુભ મંગળ દિને એક મનુજયુગલની કરુણ કથા આરંભાઈ અને બાવજીના મેળામાં – બીજા એક તીર્થાટનમાં – સમાપ્ત થઈ! અને બાવજીનો મેળોયે જેવીતેવી વસ્તુ નથી! અત્યંત મોટો બજાર! ‘વીણાવેલી’ કે એવા બધા ખેલ! ‘સીનીમા’ ‘ચકડોળ’ ‘વાત કરતું ધડ’ કે ‘ચાલતું માથું’ જેવા અજબગજબના ખેલ! ભજનિકોનાં ગીત અને તેમાંથી બે મળેલા જીવનું પ્રસ્થાન! કેવી અદ્‌ભુત કથા! આ કથાના વણાટમાં, તેના પાયામાં જ, જાણે કે કરુણ કટાક્ષ રહેલો છે. ધૂળાને ત્યાં વિવાહ નિમિત્તે પરોઢિયે ગીતો આરંભાયાં. ત્યાં પાડોશનાં ગામોમાં લોકોને વિનોદનું કારણ થયું : “હા ભાઈ, ઉધડિયાના જુવાનોનું ભલું પૂછવું. મારા બેટા કાં તો પૈણાવતા હોય સાચમૂચ ઢીંગલાં...” સાચે જ, આ કથાની કરુણ વિષમતા તીક્ષ્ણતા ધારણ કરી સહૃદયોનાં હૈયાં ચીરી રહે છે! કાનજી-જીવીના આ કરુણ વૃત્તાંતમાંથી કશોક ધ્વનિ પડઘા પાડ્યા કરે છે : કોઈ કલાકાર જીવનમાં અપૂર્વ સૌંદર્યબિંબનું દર્શન કરે, પણ સામાજિક અંતરાયોને લીધે કે પોતાની નિર્બળતાને લીધે પોતાના સર્જકધર્મને અવગણતો રહે, અને અંતે તેને જે માત્ર વિરૂપ બિંબ પ્રાપ્ત થાય, એવું જ રહસ્ય અહીં ધ્વનિત થયું હશે? કે પછી, મૃગતૃષ્ણા કેળવી સંસારમાં કશાક અણદીઠની પાછળ ભટકતા જીવની કરુણા એમાં આલેખાઈ હશે? ન જાને. આ કથામાંનાં પાત્રો બલિષ્ઠ જીવનશક્તિ પ્રગટ કરે છે એ આપણે આગળ જોયું. પન્નાલાલની સર્જક લેખે આ વિશિષ્ટતા છે કે એમણે માનવી પાત્રોનું તાદાત્મ્યપૂર્વક છતાં તટસ્થતા કેળવીને જતન કરેલું છે. મેઘાણીએ નોંધ્યું છે કે એ સૌ પાત્રોની નિજની નિરાળી મનોભૂમિકા અણીશુદ્ધ જાળવી લેવામાં જ તેના સર્જકની અપૂર્વ સિદ્ધિ છે. તળપદી ધરતીના આદ્ય બળમાંથી પ્રગટેલાં આ માનવીઓ, જેમ એક બાજુ એના સ્વકીય ભૌગોલિક પ્રદેશમાં રોપાયાં છે, તેમ તેના ચેતનાવ્યાપાર શાશ્વતમાં રોપાયાં છે. (અમિય ચક્રવર્તીએ એક વાર એવો અભિપ્રાય આપેલો કે મહાન સાહિત્ય કોઈ ને કોઈ ‘પ્રાંત’માંથી જીવનરસ ચૂસીને પોષાતું હોય છે.) ગામડાની ભૂમિનાં માનવીઓ જે આચારવિચાર પ્રગટ કરે તેનું અણીશુદ્ધ ચિત્રણ આ કથામાં છે. કદાચ, પન્નાલાલ પૂર્વે કે પછી, ભાગ્યે જ કોઈ લેખકે આટલું તાટસ્થ્ય જાળવીને પાત્રાલેખન કર્યું હોય. કથાનાયક કાનજી અને નાયિકા જીવીનું આલેખન તો એના સર્જકે જાણે પોતે જ ‘પ્રીતના ઘૂંટ’ પીતાં અને ‘લોહીના કોગળા’ કાઢીને કર્યું હોય ને! અન્યથા બહાદુર અને પરાક્રમી કાનજી સામાજિક અંતરાયો વચ્ચે કેવો કાયર બની જાય છે! પણ કાનજીની મહત્તા બીજે છે. ‘લાવ્યાપણું’ રાખવાના આદેશને પાળવા તેણે છેવટે સુધી જે પ્રયત્નો કર્યા, અને એમ કરતાં એણે આર્તનાદ કર્યો, છતાંય પોતાની ‘જાત’ને જાળવવાનો જે સમર્થ પ્રયત્ન કર્યો, એમાં જ તેનું સાચું ગૌરવ છે, સાચું પ્રતાપીપણું છે. જીવી, આમ તો, પ્રાકૃત થરની લાગતી યુવતી છે, પણ તેના અભિજાત હૈયામાં ઉદાત્ત પ્રણયની વાસના છે. કાનજીને પગલે તે ચાલી આવી, અને ફના થઈ ગઈ! આથી વિશેષ બીજું કયું મોટું સમર્પણ હોઈ શકે? – “જીવી કાંઈ ધણીઓની ભૂખી નથી, કહો ને કે એને તો કો’કની લગની લાગી હતી.” સાચે જ આવી લગનીવાળી જીવી ગુજરાતી સાહિત્યની બીજી ‘કારુણ્યમૂર્તિ’ છે. કાનજીનો દિલોજાન મિત્ર હીરો નિકટનો છતાંય જાણે જોજન દૂરનો દૂર રહી જાય છે. છેક છેવટ સુધી કાનજીની પ્રણયઘેલછાને સમજાવવાને તે અસમર્થ રહી જાય છે. કાનજીના ગૂંચવાયેલા કોકડાને, એટલે સ્તો, ‘માર ઘા ને કર કકડા’ જેવી ધારદાર નીતિથી ઉકેલવાનો ‘સીધો’ માર્ગ એણે બતાવ્યો હશે; પણ, અજાણતાંયે આ ભોળો આદમી આ કરુણ અંજામનો કર્તા નહિ તોય નિમિત્ત બની રહેશે, એમ કોણે જાણ્યું’તું? ગામડાંમાં પલોટાયેલો ‘ફિલસૂફ’ ભગત, આમ તો ઉત્તરવયમાં સાદું ફકીરી જીવન જીવ્યે જતો હોય છે. દુનિયાના પ્રવાહથી તે નિર્લેપ રહેતો હોય છે. પણ કાનજીની ‘રામાયણ’માં તે ‘નિષ્ક્રિય’ ન રહી શક્યો. અલબત્ત, પ્રારંભમાં તો કાનજીની પ્રણયઘેલછાને કૈંક વિસ્મયથી નિહાળી બધું ભગવાન-ભરોસે છોડી દીધેલું. પણ પછી તો કાનજીના નાટકમાં તેઓ ‘સૂત્રધાર’ બન્યા. કાનજીને ‘લાવ્યાપણું’નો આદેશ આપ્યો, ને પછી આ કથાનાં વહેણ જ બદલાઈ ગયાં! ‘લાવ્યાપણું’ રાખવાની છેવટ સુધીની કાનજીની ગડમથલમાં ભગતના શબ્દો જ નૈતિક બળ રૂપે સક્રિય બન્યા હતા. વાર્તાનો અંત તો વળી ઘેરો કરુણ સંદર્ભ રજૂ કરે છે. ધૂળાના ઘરના સતત કજિયાથી કંટાળી ભગતે એક દિવસ જીવીને રોષમાં કહી જ નાખ્યું : “રોજના ફજેતા થાય છે ત્યારે ક્યાંય ઝેરે નથી મળતું?” અને, દુઃખ-મૂઢ જીવીએ ઝેરનો ‘માર્ગ’ લીધો. વિધિની વક્રતા જુઓ, ધૂળો જ એ ઝેરના રોટલાથી મરણ પામ્યો. પણ પરિસ્થિતિમાં રહેલો આખો કરુણ વ્યંગ જુઓ : રોટલા ઘડનાર જીવી, પીરસનાર કંકુ અને રસ્તો દેખાડનાર ભગત – બધાં કેવાં નિમિત્ત બની રહે છે! અલબત્ત, જીવીના ચિત્તમાં સાચે જ ગુનાવૃત્તિ પ્રગટ થઈ હતી, એવાં નિદર્શનો તો મળતાં નથી. પન્નાલાલે આ સંસારનાં ગૂઢ જાળાંને (કરોળિયાનાં જાળાં જેવાં જ તો) યથાતથ રજૂ કરી દીધાં છે અને એમાં જ એમની મહત્તા છે. એક દૃષ્ટિએ કાનજી-જીવીનો આ આખો વૃત્તાંત આસપાસના સમાજના તાણાવાણાથી જરાય નોખો ન પાડી શકાય. આમાં આલેખાયેલો લોકસમસ્ત કોઈ નિર્જીવ ‘પરદો’ કે ‘સેટિંગ’ નથી, પણ આ ‘નાટક’માં ભાગ ભજવતું બળ છે, એના અંત તરફ ગતિ આપતું સક્રિય બળ છે. ટૂંકમાં, વ્યક્તિ નિમિત્તે આખો ‘લોક’ અહીં સળવળી ઊઠ્યો છે. નવલકથાના વ્યાપક સ્વરૂપની એમાં જ કૃતકૃત્યતા હશે? આ નવલકથાના તાણાવાણાનું સૂક્ષ્મ અવલોકન કરતાં જણાય છે કે નાયક-નાયિકાના આંતરજીવનનો આલેખ – અને તેમાંયે વિશેષ તો નાયકના જીવનનો આલેખ – જ મુખ્ય વક્તવ્ય છે. પન્નાલાલે કાનજીના પાત્રના સંઘર્ષને તળપદી બાનીમાં રજૂ કરવાનોે એક સમર્થ પ્રયાસ કર્યો છે. પરને સોંપતા કાનજીએ પ્રિયતમાને છેહ દીધો, અને આત્મવંચના પણ કરી જ. તેનું વ્યક્તિત્વ ખંડિત થયું. તેના ચિત્તના અંતરાલમાં divided self વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યો, અને અંતે તે પાગલ જીવીને ઉપાડી ગયો ત્યારે જ, જાણે કે, અંતરનાં સંઘર્ષશીલ બળો ફરી સમતુલા જાળવી શક્યાં. આ રીતે આદિથી અંત સુધી કાનજીના ચિત્તમાં જે આંતરસંઘર્ષ ચાલ્યો એ જ અભિવ્યક્તિનું કારણ છે. સામાજિક વિષમતામાં લાચાર બનેલો કાનજી હીરાની ‘એક પંથ ને દો કાજ’વાળી વાતથી લોભાય છે. પણ તેના ચિત્તના ઊંડાણમાં ઇષ્ટાનિષ્ટ અંશોનું તુમુલ યુદ્ધ રચાય છે. તેની અંદર ભિન્ન ભિન્ન આશયો અને વૃત્તિવલણો અથડામણમાં આવે છે, પરિણામે તે બહારના જગતમાં જડ અને દિગ્મૂઢ બની જાય છે, અને પ્રવાહપતિત બની ઘસડાયા કરે છે. વળી જેમ જેમ નિર્ણયાત્મક પળ આવતી જાય છે, તેમ તેમ તેના ચિત્તમાં અનેક તર્ક વિતર્ક ઊઠે છે. પણ કાર્યમાં પરિણમે એવી તેમાં ક્ષમતા હોતી નથી. જીવીને પોતાનું હૈયું આપી દીધું છે, જીવી પણ પોતાની જાત ન્યોછાવર કરી ચૂકી છે, તેની પ્રતીતિ થયા છતાંયે તે ધૂળા માટે માગું કરવા નીકળે છે ત્યારે – “ ‘હીરા જઉં તો છું – ને મને તો ગળા સુધી ભરોસો છે કે જીવી મારું વચન નહિ ઉબેટે – પણ પાછળથી આ ધૂળિયું હાળું વાંદરા જેવું છે હોં – અને કાનજીએ જાણે રખેને હીરો ‘મરવા દે ત્યારે!’ આવું કહી ઊઠતો એવી બીક ન હોય એમ ઉમેર્યું : ‘બાકી હું તો તારું કહ્યું કરવા તૈયાર છું!’ ” (પૃ. ૭૦, ત્રી. આ.) જાણે કે આવતી આંધીના તેને ઊંડે ઊંડે ભણકારા હોય અને એની જવાબદારી પોતાની હોય તો? – આવી કોઈક અજ્ઞાત ભીતિથી હીરો જ એનો કર્તા બને, એવું તે ઇચ્છી રહ્યો દેખાય છે. જીવીનું ધૂળા માટે માગું કરતાં તેના ચિત્તમાં ઊડે ઊંડે ભારે ક્ષોભ જાગે છે, તેની અસ્વસ્થતા વધે છે, અને ‘જીવીએ ના પાડી દેવી જોઈએ’ એવી વૃત્તિ કેળવીને, તે પ્રસંગની સાથે તણાયા કરે છે. જીવીને વચનથી બાંધીને માગું તો કર્યું, પણ – “કાનજીને ‘જો તારું મન દુઃખાતું હોય તો મરવા દે આ વાત’ આમ કહેવું હતું, પણ જીવીની સુરત જોઈને એનાથી કશું જ ન બોલાયું. આમ કહેવું એ હવે માથું કાપ્યા પછી ચોંટાડવા જેવું પણ લાગતું હતું...” (પૃ. ૮૦, ત્રી. આ.) આમ સરજાતી વિષમ કરુણ પરિસ્થિતિનો તે લાચાર સાક્ષી બની રહ્યો. પણ આવતી આંધીને રોકવાનું સામર્થ્ય તે કેળવી શક્યો નહિ. ઘડીભર તેણે પોતાની પ્રણયની લાગણી જ અસત્ય (unreal) છે એમ માની ભયંકર આત્મવંચના કરી જોઈ. વળી ઘડીકમાં જીવીને પોતાના ઘરમાં બેસાડવાની કલ્પના કરી જોઈ. પણ હકીકતમાં, તેની અંદર જે બળાબળોની ખેંચ ચાલતી હતી તેથી તેની ચિત્તશક્તિ મૂઢ બની ગઈ હતી. સમગ્ર બળથી સામનો કરવાનું તેને બળ પ્રાપ્ત થયું જ નહિ. તે નિષ્ક્રિય, મૂઢ, મંદ બની પ્રવાહમાં તણાયા કર્યો. આ કથાના ઉત્તર ભાગમાં પણ કાનજીની લાચારી અને ગડમથલ કરુણતાનું કારણ બની રહે છે. ધૂળાની જીવી પરની વૈરવૃત્તિ, આખી સમસ્યામાંથી ઊગરી જવાને કાનજીએ ધૂળાને કરેલી પાપછૂટી વાત, કાનજી અને જીવીના એકલપંથી પ્રવાસના પ્રયત્નો – એ સર્વના નિરૂપણમાં માનવચિત્તનાં ભિન્ન ભિન્ન વૃત્તિવલણોને લેખક કુશળતાથી રજૂ કરી શક્યા છે. ‘મળેલા જીવ’ના લેખકે જે આંતરદૃષ્ટિ અને હૈયાઉકલતની સૂઝ દાખવી છે તે જોતાં આપણી આ નવલકથા એક મનોવૈજ્ઞાનિક કૃતિ લેખે પ્રશસ્ય પ્રયત્ન લેખાવો જોઈએ. પાત્રોનાં ‘આંતરવિશ્વ’ની સૃષ્ટિ સર્જવા ચાહતા લેખકને સ્થૂળ ઘટનાઓનો ઝાઝો ખપ ન હોય. પન્નાલાલે ગામડાંની રોજિંદી ઘટમાળને અવલંબન રૂપે લઈને આખી મનોસંઘર્ષની પ્રક્રિયા રજૂ કરી છે. પાત્રોનાં મનોગતને ઉદ્દીપક બળ લેખે જે જે પ્રસંગો જોઈએ, તે સ્વીકારીને એક સંવેદનશીલ કથા સરજી છે. ‘મળેલા જીવ’ના સર્જકે તળપદી બોલીની ક્ષમતા અને સિદ્ધિ પ્રગટ કરી આપ્યાં છે. અલબત્ત, માત્ર લોકબોલી લેખે તેનું સન્માન કરવાની વૃત્તિ હવે જવી જોઈએ. સાહિત્યસર્જનના ક્ષેત્રમાં તો તેની માધ્યમ લેખેની આંતરક્ષમતા જ ચકાસવી જોઈએ. એ રીતે પન્નાલાલે લોકબોલીનો કસ કાઢ્યો છે. જોકે પન્નાલાલે એ ગ્રામીણ બોલીને પચાવી છે, તેથી જ તેને સમર્થ રીતે પ્રયોજી શક્યા છે એ વાત ભુલાવી ન ઘટે. પાત્રોના ચિત્તસંઘર્ષ – તેમનાં આવેગ, ઉત્કટતા અને ચાંચલ્ય – યુગપદ્‌ આલેખવાને તેમણે લોકબોલીને ઠીક ઠીક પલોટી પણ છે. એમાં સુંદર કુમાશવાળી કવિતા પણ છે, અને બલિષ્ઠ નાટ્યાત્મકતાયે છે, તો પાત્રોનાં વૃત્તિવલણોને પારદર્શક બનાવતી પ્રાસાદિકતાયે છે. પણ લોકબોલીને અન્ય કોઈ સર્જક આટલી સમર્થ રીતે પ્રયોજી શકે એ માટે રાહ જોવાની રહી. કદાચ નવી પેઢીના સર્જકને નવા યુગની ચેતનાનો સંસ્પર્શ અનુભવતા માનવીની કથા કહેતાં ભાષાની નવેસરથી સંઘટ્ટના કરવી પડશે એ પણ એટલી જ સાચી વાત છે. ‘મળેલા જીવ’માં ગ્રામજીવનને નૈસર્ગિક રીતે વાચા આપતાં ગીતો છે. સીમનાં હર્યાંભર્યાં ચિત્રો છે, રાત્રિના શણગાર છે અને માનવમહેરામણનો ગણગણાટ છે. લોકગીતો દ્વારા નાયક-નાયિકાના અંતરની એષણાઓ તો શબ્દસ્થ થઈ છે જ, પણ મુખ્ય કથાના વિકાસમાં તે સૂક્ષ્મ કડી પણ બને છે. ઉમાશંકરની એક રચના ‘ગાણું અધૂરું મેલ્ય માલ્યા વાલમા’ પણ કુશળતાથી વિન્યાસ પામ્યું છે. આ ગીતો દ્વારા લોકજીવનનું ચિત્ર ઊપસે છે. તે સાથે જ કથાનું વક્તવ્ય વધુ ઊર્મિસઘન બને છે. અત્યંત સરળ અને નિર્વ્યાજ બાનીમાં ભાવનું માધુર્ય છે, રંગીન ચિત્રાત્મકતા છે, હૈયાની વીંધી જતી તીવ્ર એકાગ્રતા છે. કોશની સાથે ગવાયેલા દુહામાં કાનજીના અંતરની વેદના ચીસ પાડી ઊઠે છે, તો ભોજો-વેળુના કરુણ કથા-કાવ્ય દ્વારા કથાના ભાવિ વિકાસનું સૂચન પ્રાપ્ત થાય છે. ‘મળેલા જીવ’ ગુજરાતી સાહિત્યની એક પ્રશિષ્ટ કળાકૃતિ છે. એક સંવેદનશીલ સર્જકચિત્તનો અનોખો ચેતોહર આવિષ્કાર છે. એની એક નિરાળી ‘સૃષ્ટિ’ છે. એનું ‘અખિલ ભાવવિશ્વ છે. એમાં કળાની વાસ્તવિકતા છે. એમાં આપણી નવલકથાના સ્વરૂપની એક મહાન શક્યતા પ્રગટ થઈ છે. પન્નાલાલની સાથે જ, અને તેમની પછી, ગુજરાતમાં અનેક કલમ ચાલી છે. પણ એનું દર્શન કરો તો એની એ જ જાનપદી કૃતિઓ, એની એ જ ઐતિહાસિક રચનાઓ, એની એ જ સામાજિક કથાઓ અને એ જ પ્રણયકથાનકો! ગુજરાતી નવલકથા આજે બંધિયાર બની જવા આવી છે. પણ નવલકથાનું કળાસ્વરૂપ શિવના ધનુષ જેવું હશે? એને ઊંચકનારા સમર્થ પ્રયોજકો જ કદાચ દુર્લભ હોય!