કથાવિવેચન પ્રતિ/ઇતિહાસ, ઐતિહાસિક નવલકથા, અને એ વિશે મુનશી
અને એ વિશે મુનશી
આપણે ત્યાં કવિતાને સૈદ્ધાંતિક વિવેચનાનો જે લાભ મળ્યો છે તેવો નવલકથા અને નવલિકા જેવાં કથામૂલક ગદ્યસ્વરૂપોને મળ્યો જણાતો નથી. તેમાંયે ઐતિહાસિક નવલકથા કે ઐતિહાસિક નાટકોના વિશિષ્ટ પ્રશ્નો તો લગભગ ઉવેખાયેલા જ રહ્યા છે. ઝવેરચંદ મેઘાણીની રંગદર્શી લોકકથાનાં તત્ત્વોવાળી ‘સમરાંગણ’ની કૃતિને પણ સરળતાથી આપણે ઐતિહાસિક નવલકથા ગણી લઈએ છીએ, ને મુનશીની મધ્યયુગીન પ્રણયશૌર્યની કથા ‘જય સોમનાથ’ને પણ ઐતિહાસિક કૃતિ લેખે જ બિરદાવીએ છીએ. વળી મુનશીની ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’ જેવી કૃતિઓને પ્રશિષ્ટ કોટિની ઐતિહાસિક કૃતિનું ગૌરવ પણ અર્પતા હોઈએ છીએ. પણ પશ્ચિમની સર વૉલ્ટર સ્કૉટ, ડુમા ને તૉલ્સ્તૉય જેવા પ્રસિદ્ધ લેખકોની ઐતિહાસિક નવલકથાઓની તુલનામાં એ કેટલી સબળ-નિર્બળ છે તેનો તુલનાત્મક વિચાર કરી જોવાનું કોઈ ખાસ વલણ દેખાતું નથી. ખરેખર તે ઇતિહાસનો વાસ્તવ તે શું, અને ઐતિહાસિક નવલકથા કે નાટકમાં તે કેવી રીતે પ્રવેશે, અને એવો ‘ઐતિહાસિક’ ગણાતો વૃત્તાંત કેવી રીતે સાહિત્યિક આકૃતિ ધારણ કરે, અથવા ઐતિહાસિક કૃતિનો સર્જક જો કલ્પનાશક્તિનો આશ્રય લે તો એનું સ્વરૂપ કેવું, એની શક્તિસીમાઓ કઈ વગેરે કૂટ પ્રશ્નોની સાચી તાત્ત્વિક માંડણી થવી બાકી છે. અને કહેવું જોઈએ કે, દંતકથા પુરાણ અને લોકકથાઓ કરતાં ઇતિહાસનો વાસ્તવ ક્યાં જુદો પડે છે એ વિશેય કદાચ આપણે ત્યાં પૂરતી સભાનતા કેળવાયેલી નથી. ટૂંકમાં, આ આખો વિષય મૂળગામી પ્રશ્નોની ચર્ચા માગે છે. જોકે આ લેખની ચર્ચા ઘણી રીતે સીમિત છે. એમાં ઇતિહાસ અને ઐતિહાસિક નવલકથા એ બે મુદ્દાઓ વિશે અછડતી નોંધ કરી છે. મુનશીની ઐતિહાસિક નવલકથાની વિભાવના સમજવાને ઇષત્ ભૂમિકા એમાંથી મળી શકે, કદાચ.
૨
‘ઐતિહાસિક નવલકથા’નો વિચાર કરતાં પ્રથમ તો એમાંની ‘ઐતિહાસિક’ સંજ્ઞાનો વિચાર કરવો જરૂરી બને છે. ઇતિહાસ એટલે માનવજાતિના ભૂતકાળનું જ્ઞાન, એવો સાદોસીધો ખ્યાલ આપણે ત્યાં પ્રવર્તતો જોવા મળે છે, પણ ઇતિહાસની એક વિશિષ્ટ જ્ઞાનના વિષય લેખે તાત્ત્વિક વિચારણા વિકસી નથી. જ્યારે પશ્ચિમમાં ઇતિહાસનું સાચું સ્વરૂપ કેવું હોય અથવા હોવું જોઈએ, એની સાધનસામગ્રી કઈ ને એનું કાર્યક્ષેત્ર ક્યાં સુધી વિસ્તરે, એ વિષયનું જ્ઞાન મેળવવાની પ્રમાણભૂત પદ્ધતિઓ કઈ, સાચા અભિગમો કયા વગેરે અનેક પાયાના પ્રશ્નો ચર્ચાયા છે. આધુનિક યુગમાં, ખાસ કરીને અઢારમી-ઓગણીસમી સદીમાં, ત્યાં વૉલ્ટેર, કાન્ટ, હેગલ ને શીલર જેવા સમર્થ ચિંતકોએ ‘ઇતિહાસનું તત્ત્વદર્શન’ (philosophy of history)નો વિશિષ્ટ ખ્યાલ ઘણો વિકસાવ્યો છે. ઇતિહાસના વિષયને યથાર્થ રૂપમાં ઓળખવાના ને સમજવાના તેમણે અતિ સન્નિષ્ઠ ને ગંભીર પ્રયત્નો કર્યા છે. ઐતિહાસિક વાસ્તવ ને ઐતિહાસિક પ્રક્રિયા વિશેની તેમની અભિજ્ઞતા પણ એ રીતે વધુ ઉત્કટ બની છે. ‘ઇતિહાસ’નો સંકેત તેમણે વિશિષ્ટ રીતે વિકસાવ્યો છે. ઇતિહાસ એ પણ એક પ્રકારનું વિજ્ઞાન જ છે, એવો ખ્યાલ છેક પ્રાચીન ગ્રીસમાં પ્રતિષ્ઠિત થયેલો જોવા મળે છે. History એ શબ્દનું મૂળ ગ્રીકમાં છે, અને તેનો અર્થ ‘સંશોધન’, ‘તપાસ’ એટલે કે inquiry, investigation એમ થાય છે. અલબત્ત, માનવજાતિનો ભૂતકાળ એનો વિષય છે; માનવજાતિએ ભૂતકાળમાં જે જે પ્રવૃત્તિઓ કરી હોય, જે જે સભ્યતા ને સંસ્કૃતિઓ નિપજાવી હોય, અને એ રીતે જે ભૌતિક-આધ્યાત્મિક વિકાસ સાધ્યો હોય તેની એ તપાસ છે. એનો અર્થ એ થયો કે કોઈ એકાદ-બે મહાપુરુષના ચરિત્ર ને જીવનકાર્ય કરતાંયે વિરાટ પ્રજાજીવનના અસ્તિત્વનો ખ્યાલ એમાં વધુ મહત્ત્વનો બને છે. એ ખરું કે મહાપુરુષો મહાન ઐતિહાસિક ઘટનાઓના નિર્માણમાં ભાગ ભજવતા હોય છે. પણ ઇતિહાસનું ક્ષેત્ર એ ઘટનાઓ પૂરતું સીમિત રહેતું નથી. અને, હકીકતમાં પૂર્વકાલીન વૃત્તાંતો ને ઘટનાઓનું નર્યું પુનર્કથન તે સાચે ઇતિહાસ નથી. ઇતિહાસનો ખરો આરંભ તો દસ્તાવેજરૂપ સામગ્રીઓનાં ચિંતન, પરિશીલન ને મર્મઘટનથી થાય છે. ભૂતકાળમાંથી જે જે અવશેષો પ્રત્યક્ષ પુરાવાઓ રૂપે આપણને પ્રાપ્ત થાય છે, તેના સ્થૂળ બાહ્ય વર્ણનનું ભાગ્યે જ કશું મૂલ્ય હોય છે. એવી સ્થૂળ, ભૌતિક વસ્તુઓ તો કશાકની ‘અભિવ્યક્તિ’ છે, કશાકનું ‘પ્રતીક’ છે. એટલે, એવા દસ્તાવેજી પુરાવાઓને અવલંબીને તેની પાછળ રહેલી ભૂતકાલીન પ્રજાની મનોભૂમિકા ઓળખવાની રહે છે. જે જ્ઞાત રૂપે મળ્યું છે, ત્યાંથી અજ્ઞાતને પામવાનું છે. એ અવશેષો તે બૌદ્ધકાલીન સ્તૂપો હોય, કોઈ ગુફાનાં જીર્ણશીર્ણ ચિત્રો હોય કે કોઈ સૂર્યમંદિરનાં ખંડિયેરો હોય. આવી વિગતોને ક્યાંક આંતરિક સંબંધથી જોડવાનો પ્રયત્ન તે ખરો ઐતિહાસિક અભિગમ છે. એ રીતે મૂળની ઐતિહાસિક સામગ્રીનું કશુંક વિવેચનાત્મક દૃષ્ટિનું આકલન જ એમાં અભિપ્રેત છે. એનો અર્થ એ થયો કે ભૂતકાળને ઓળખવા ઇતિહાસકાર પાસે કોઈ દૃઢ નિશ્ચિત નિજી ભૂમિકા જોઈએ. એ માટે વર્તમાનનો પ્રત્યક્ષ અનુભવ તેને ઉપકારક નીવડે ખરો; કદાચ, નક્કર વર્તમાન વાસ્તવમાં રોપાઈને જ તે ભૂતકાળની ‘લિપિ’ ઉકેલી શકે. અને ચોક્કસ મર્મવેધી દૃષ્ટિ – એને તમે કોઈ કલ્પનાને નામે ભલે ઓળખો – પણ એ દૃષ્ટિથી જ ઇતિહાસ પામી શકાય. પણ સાથે એ પણ લક્ષમાં રાખવાનું છે કે, ઐતિહાસિક બોધનું અનુસંધાન, અંતે તો, વીતેલા યુગની ચેતના જોડે છે. ભૂતકાળમાં સજીવ તંતુ વિસ્તારીને થીજેલા કાળનું રહસ્ય જાણવાનો એ પ્રયત્ન છે. પશ્ચિમમાં ‘ઇતિહાસ’ વિશેની વિભાવના ક્રમે ક્રમે વિકસી છે, અને ઉત્તરોત્તર સંકુલરૂપ બની છે. એમાંથી અહીં એક-બે મહત્ત્વની ભૂમિકાનો જ નિર્દેશ કરીશું. મધ્યકાલીન યુરોપમાં ખ્રિસ્તી ધર્મશાસ્ત્રોનો પ્રભાવ વધ્યો ત્યારે એવી સમજણ પ્રગટી કે, દરેક ઐતિહાસિક ઘટના એ માનવીની નહિ, ઈશ્વરની ઇચ્છાનું નિર્માણ છે. માનવી પોતે ક્રિયા કરે છે, પણ તે ખરો કર્તાહર્તા નથી. બીજી બાજુ એમ પણ જણાયું કે, માનવી ચાહીબૂઝીને સભાનપણે અમુક વસ્તુ ઇચ્છે તોય તેમ થતું નથી. આમ માનવીય ઘટનાના પ્રયોજનને સમજવાની મથામણ ચાલી, તે સાથે જ એક નવીન અભિજ્ઞતા જન્મી કે ઇતિહાસની અમુક એક ઘટના અમુક એક વ્યક્તિ કે અમુક એક સંસ્થા પોતપોતાના સમય પૂરતો સંદેશ (mission) લઈને આવે છે, ને તે કાર્ય પૂરું થતાં તે વિરમી જાય છે. આ જાતનો વિચાર વધુ વિકસ્યો ને સમગ્ર ઐતિહાસિક ઘટનાઓનું રહસ્ય શોધવાના પ્રયત્નો થયા. એ સાથે એમ પણ લાગ્યું કે ઐતિહાસિક પરિવર્તન તે વસ્તુજગતની સપાટીના ઉપરછલ્લા પ્રવાહને જ સ્પર્શતું નથી – તેમ માત્ર આકસ્મિક સંયોગોથી રચાતું નથી – એ આખા વિશ્વના સર્જન અને સંહારની સતત ચાલતી પ્રક્રિયાને સ્પર્શે છે. વળી, ઐતિહાસિક પ્રક્રિયા પોતે જ પોતાનાં વાહનો (vehicles) શોધી લે છે, એ હકીકતનોય સ્વીકાર થયો. એટલે યુગે યુગે માનવજાતિએ જે જે વિચાર ને જે જે સાધનો-સંસ્થાઓ નિપજાવ્યાં હોય તેનું પોતીકા સંદર્ભમાં મહત્ત્વ થયું. દરેક જીવંત યુગને પોતીકી લાક્ષણિકતાઓ હોય છે, એ યુગનો આત્મા એમાં આવિર્ભાવ સાધે છે એવી સમજ પણ વિકસી. પુનર્જાગૃતિ(renaissance)ના કાળમાં યુરોપમાં ઇતિહાસનું સ્વરૂપ ને તેની કાર્યપદ્ધતિની ધરમૂળથી ફેરવિચારણા થઈ. કેટલાક ચિંતકોએ સંશય પણ વ્યક્ત કર્યો, એવી દલીલ સાથે કે ઇતિહાસ કોઈ સત્યનો બોધ કરાવતો નથી. કેમ કે, ભૂતકાલીન ઘટનાઓને તે જે રીતે વર્ણવે છે તે જ રીતે તે ખરેખર બની હોતી નથી. આમ છતાંયે ઇતિહાસનું ક્ષેત્ર તો ખેડાતું જ રહ્યું, ને ઐતહાસિક સત્ય પામવાની પદ્ધતિઓનો ગંભીરતાથી વિચાર થતો જ રહ્યો, ખરેખર તો નવજાગૃતિના એ યુગમાં ઐતિહાસિક પ્રક્રિયાઓને તેઓ વધુ નિકટતાથી ઓળખી શક્યા. વિકો નામના ચિંતકે કહ્યું કે ઐતિહાસિક પ્રક્રિયા દ્વારા જ માનવજાતિ પોતાની ભાષા, રીતરિવાજ, કાયદો ને સંસ્કાર વગેરેની રચના કરતી આવી છે. સમયે સમયે આવી માનવસંસ્થાઓનો જે ઉદ્ભવવિકાસ એ જ સાચો ઇતિહાસ છે, અને સમગ્ર સંસ્કૃતિ ને સભ્યતાનો તાણોવાણો તે ખરેખર તો માનવીનું જ સર્જન છે. ઇતિહાસકારનું કાર્ય આવી સર્જનપ્રક્રિયાને ઓળખવાનું છે. વળી પ્રસિદ્ધ ચિંતક કાન્ટે એમ પ્રતિપાદિત કર્યું કે કુદરતના નિયમોથી ઇતિહાસનો હેતુ જુદી રીતે કામ કરે છે. ઇતિહાસ એટલે માનવીય સ્વાતંત્ર્યનો વિકાસ, વ્યક્તિચૈતન્યનો વિકાસ. કોઈ પૂર્ણ પ્રજ્ઞાની દિશામાં આ ઇતિહાસ ગતિ કરી રહ્યો છે, એવી ભાવના તેણે વ્યક્ત કરી. બીજા ચિંતક શીલરે એમ કહ્યું કે ઇતિહાસકાર ભૂતકાળની વિગતોમાં અંતઃપ્રવેશ કરી તેનો જીવનધબકાર અનુભવે છે. કળા, ધર્મ, અર્થશાસ્ત્ર એ સર્વ વિગતો ઐતિહાસિક પ્રક્રિયાની સૂચક છે. ફિક્ત નામે ચિંતકે તો વળી આખા ઇતિહાસમાં નાટકના પ્લૉટના જેવો ક્રમિક ઉઘાડ જોયો. દરેક યુગને આગવું રહસ્ય હોય છે, તેનો આગવો ધબકાર હોય છે, પણ તે સાથે જ એ સર્વ યુગો ક્યાંક ઊંડે સંકળાયેલા હોય છે એમ તેણે કહ્યું. હેગલે વળી એમ સમજાવ્યું કે ઇતિહાસકાર આ બધી માનવપ્રવૃત્તિઓના – માનવકર્તા(human agent)ના – વિચારો ને તેના હેતુઓની પુનર્રચના કરે છે. કોઈ પણ ઘટનાક્રમની પાછળનો માનવીય આશય સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તે સાચા અર્થમાં ઐતિહાસિક ઘટનાક્રમ બનતો નથી. અર્થાત્, ઇતિહાસ માત્ર તે માનવબુદ્ધિનો, માનવવિચારનો ઇતિહાસ. એટલે, ઇતિહાસમાં કોઈ પ્રજાએ શું શું કર્યું તે નહિ, પણ શું શું વિચાર્યું તે જ વધુ મહત્ત્વનું છે. આ વિશેની પાશ્ચાત્ય ચર્ચા જોતાં જણાશે કે ઇતિહાસનો તેમનો ખ્યાલ ગતિશીલ છે. માત્ર પરિવર્તન તે ઇતિહાસ નથી, પણ એ પરિવર્તન પાછળનાં પ્રેરક બળોને ઓળખવાનો તેમનો પ્રયત્ન રહ્યો છે. માનવ-વ્યક્તિ જે વિચારે છે, સંકલ્પે છે, જે રીતે ક્રિયાશીલ બને છે, તે જ ઇતિહાસ રચે છે. પણ માત્ર સ્થૂળ ઘટનાનું કે તેના સ્થૂળ અવશેષોનું કોઈ મૂલ્ય નથી. તેની પાછળ જે કોઈ સર્જનાત્મક શક્તિ પ્રવર્તી તેને તેના યુગના અવિષ્કાર રૂપે જોવા-સમજવાનો એમાં આગ્રહ છે. આનો ફલિતાર્થ એ થયો કે ઇતિહાસનો વાસ્તવ એ જે-તે યુગનાં ઉપકરણોથી પરિબદ્ધ છે, તેને ચોક્કસ સ્થળકાળનું માર્મિક અનુસંધાન છે, એક યુગવિશિષ્ટ પરિવેશ તેમાં શ્વસે છે, અને તેની એકેએક વિગતમાં યુગની વિશિષ્ટ અભિજ્ઞતાનો અણસારો મળે છે. પસાર થતા મહાકાળનું વિશેષ પ્રતિબિંબ તેમાં ઊપસી આવતું હોય છે. આદિમ્ માનવજાતિની કથા ને પુરાણકથાઓનો વાસ્તવ આથી ખરેખર ભિન્ન છે. કેમ કે એ કથાઓમાં કાળનો વિશિષ્ટ સંદર્ભ લગભગ લોપાઈ જવા આવ્યો હોય છે. એ જ રીતે આખ્યાનો ને લોકકથાઓ પણ ઇતિહાસથી જુદાં પડે છે; તે એ રીતે કે એમાં કેટલીક વાર ચમત્કૃતિમૂલક ઘટનાઓનો આશ્રય લેવાયો હોય છે, ને ખાસ તો એમાંનાં રંગદર્શી વલણોવાળાં પાત્રોની યથાર્થ ઐતિહાસિક મનોભૂમિકા એમાં જળવાઈ હોતી નથી.
૩
‘ઇતિહાસ’ના સ્વરૂપને લગતા આ વિચારો ‘ઐતિહાસિક નવલકથા’ને સ્પષ્ટ કરવામાં ઉપયોગી નીવડે એમ છે. આપણે જોયું કે સાચો ઇતિહાસ એ અમુક કાળખંડના માનવજાતિના વિચારો ને સંસ્થાઓનો ઇતિહાસ, અર્થાત્ અમુક સ્થળકાળના પ્રજાજીવનનો ઇતિહાસ એટલે ઇતિહાસની કોઈ વ્યક્તિવિશેષનું ચરિત્ર કે ઇતિહાસની કોઈ અસાધારણ ઘટનાનું કથન તે જ કંઈ ઐતિહાસિક નવલકથા નથી. એમાં સમગ્ર સમાજજીવનનો ધબકાર ઝિલાવો જોઈએ, યુગનું સઘન ચિત્ર નિર્માણ થવું જોઈએ. આવી સાચી ઐતિહાસિક નવલકથાઓ યુરોપમાં નેપોલિયનના પતનકાળે ઓગણીસમી સદીના આરંભે જન્મી. એ પહેલાં પણ અનેક નવલકથાઓમાં ઇતિહાસનો કોઈ ને કોઈ પ્રસંગ લેવાયો હોય એમ જોવા મળશે. પણ એમાંની ‘ઐતિહાસિકતા’ તે બાહ્ય વિષયની વરણી ને બાહ્ય રીતભાત પૂરતી જ સીમિત હતી. ઇતિહાસના વિશિષ્ટ યુગમાંથી ઉદ્ભવતું પાત્રમાનસ તેમાં ખાસ નહોતું, અલબત્ત, એ લેખકો પણ માનવવ્યવહારનાં કેટલાંક મુખ્ય મુખ્ય લક્ષણો પકડી લેતા હતા ને વેધક દૃષ્ટિએ જીવનવાસ્તવનું નિરૂપણ પણ કરતા હતા, પણ એ રીતે યુગની વિશિષ્ટ વ્યક્તિતાને તેઓ ભાગ્યે જ ઉપસાવી શક્યા છે. પશ્ચિમની ઐતિહાસિક નવલકથાના ઇતિહાસમાં સર વૉલ્ટર સ્કૉટનું સ્થાન અસાધારણ મહત્ત્વનું દેખાય છે. પ્રશિષ્ટ કોટિની ઐતિહાસિક નવલકથાઓ તેણે રચી અને તેના પ્રભાવ હેઠળ એ ક્ષેત્રમાં અનેક લેખકોએ મહત્ત્વનું અર્પણ કર્યું. આ પ્રકારની ઐતિહાસિક કૃતિઓના નિર્માણમાં ફ્રેંચ ક્રાંતિ એક મહત્ત્વનું પરિબળ બની રહે છે, એમ પણ જૉર્જ લુક્સ જેવા વિદ્વાનો માને છે. જૉર્જ લુક્સ એમ પણ પ્રતિપાદિત કરે છે કે ફ્રેંચ ક્રાંતિએ સમસ્ત પ્રજાજીવનને ગતિશીલ કરી મૂક્યું. આખી પ્રજા કોઈ ચોક્કસ આશયો સાથે સંગ્રામ ખેલવા તત્પર બની તેથી પ્રજાકીય અસ્મિતા કેળવાઈ; એટલું જ નહિ, ઐતિહાસિક પ્રક્રિયાની પ્રત્યક્ષ અસર તેઓ જોઈ શક્યા. આ રીતે ક્રાંતિમાં ભાગ લેતી વ્યક્તિના પોતાના અસ્તિત્વ વિશેના ખ્યાલો મૂળથી બદલાવા લાગ્યા. ઇતિહાસના સંઘર્ષો, વર્ગ-ભીંસ ને અનેક પરિબળોના તણાવો હવે સ્પર્શમાં આવ્યાં. એ પહેલાં માનવવ્યક્તિ કર્તા લેખે અવગણાઈ હતી, તે હવે ઇતિહાસનું ઘડતરબળ બની. અને વળી એમ પણ સ્પષ્ટ થયું કે પહેલી નજરે આકસ્મિક લાગતી ક્રાંતિની ઘટના એ ખરેખર તો એક દીર્ઘ ઐતિહાસિક પ્રક્રિયાનું પરિણામ છે. આમ વ્યક્તિ પોતાને અને પોતાની આસપાસના જગત અને જીવનને ઐતિહાસિક પ્રક્રિયાના એક ભાગ રૂપે જ જોવા લાગી, ક્રાંતિનો કાર્યક્રમ જ એવો હતો કે એમાં સંગ્રામનું આંતરિક સ્વરૂપ ને તેના આશયો સ્પષ્ટ થયાં હતાં. એમાં સામાજિક અંતસ્તત્ત્વ પ્રગટ્યું હતું. જે અસ્તિત્વ અહીં સીમિત છે, તેને વિસ્તારવાનું ને નવી શક્યતાઓ તાગી જોવાનું આહ્વાન એમાં હતું. આવી સ્થિતિમાં પાશ્ચાત્ય ઐતિહાસિક નવલકથાનો વિકાસ થયો. પુશ્કિન, સ્ટેન્ધાલ, બાલ્ઝાક ને તૉલ્સ્તૉય એ સર્વ લેખકોએ પોતપોતાની આગવી રીતે એ સ્વરૂપ ખેડ્યું. આ ઐતિહાસિક નવલકથાઓ વળી આગલી સદીની મહાન યથાર્થવાદી સામાજિક નવલકથાઓનો વારસો પામી હતી. એટલે, સ્વાભાવિક રીતે જ, યુગના વાસ્તવની પકડ એમાં રહી. ઐતિહાસિક નવલકથાના સર્વ લેખકોએ આથી યુગવિશિષ્ટ ઐતિહાસિકતાને સંકુલ રૂપમાં રજૂ કરવાનો પુરુષાર્થ દાખવ્યો છે. સ્કૉટ જેવાએ તો ફ્રેચ ક્રાંતિનાં યુગલક્ષી પરિબળોને સમગ્રતયા ઝીલવાનો પ્રયત્ન કર્યો. તેમનાં પાત્રો સામાજિક વલણો ને ઐતિહાસિક પરિબળોનું પ્રતિનિધાન કરવાની ક્ષમતા દાખવે છે. જુદા જુદા થરનાં પાત્રો વચ્ચે જે સંઘર્ષ થાય છે, જે આઘાત-પ્રત્યાઘાત થાય છે, તેમાં એ સામાજિક વલણો સીધાં સ્પર્શે છે. એ ખરું કે આ પાત્રોને વિશિષ્ટતા અર્પતાં તત્ત્વોય એમાં કામ કરે છે. પણ અંગત સંવેદન વિચાર ને આશયો ક્યાંક ને ક્યાંક વિશાળ સામાજિક આંદોલનો જોડે સંયોજાય છે કે અથડામણમાં આવે છે. કેટલેક પ્રસંગે તો પ્રજાકીય સંઘર્ષ વ્યક્તિચિત્તના ઘણા ઊંડા સ્તર સુધી સંક્ષોભ જગાડવા સમર્થ હોય છે. એ રીતે સમસ્ત ‘નીચલા સ્તર’ ને ‘ઉપલા વર્ગ’ વચ્ચે આઘાત-પ્રત્યાઘાતની પ્રક્રિયાઓ ચાલ્યા કરે છે, ને એ રીતે એમાં સામાજિક પરિવર્તનનાં સ્થૂળ-સૂક્ષ્મ પરિબળો સ્પર્શક્ષમ બની રહે છે. આ પ્રકારની કથાઓમાં મહાન વ્યક્તિનાં કાર્યો કે મહાન ઐતિહાસિક ઘટનાઓ કેન્દ્રમાં જ હોય એ જરૂરી નથી. માત્ર સામાન્ય વ્યક્તિઓની કેટલીક સાધારણ ને કેટલીક અસાધારણ કૃતિઓથી સમગ્ર ઐતિહાસિક તબક્કાની પ્રજાજીવનની મૂર્તસઘન ચિત્રાત્મકતા ઊભી થાય છે. અલબત્ત, ઐતિહાસિક કટોકટી કે આપત્તિની ક્ષણના પ્રસંગોનો પણ સ્વીકાર એમાં થાય. પણ એવે પ્રસંગેય પ્રજાજીવનના વળાંકનું માર્મિક નિરૂપણ સંભવે છે. અને કોઈ વીર પુરુષનાં અસાધારણ કૃત્યોનું વર્ણન તેમાં સ્થાન લે ત્યારેય એવી વ્યક્તિનું એકલ ચિત્ર નહિ, પણ સમગ્ર સમાજના તાણાવાણા પર તેની છાયા આલેખવાની હોય છે. ટૂંકમાં, સાચી ઐતિહાસિક નવલકથા યુગ-વિશિષ્ટ પરિબળોનો પૂર્ણ આલેખ રજૂ કરે છે. ઐતિહાસિક નવલકથા વિશે પશ્ચિમમાં જે ખ્યાલ કેળવાયો છે તેમાં ઐતિહાસિક પ્રક્રિયાની અભિજ્ઞતા પર ઘણો ભાર મુકાયો છે. માત્ર ઐતિહાસિક ગણાતી ઘટનાનું વર્ણન એમાં પૂરતું નથી. અનેક વાર કુદરતી આપત્તિઓ પણ અવનવા ફેરફારો સર્જે છે. પણ ઐતિહાસિક ઘટના નિમિત્તે તેની પાછળ કાર્ય કરતાં માનવીય બળોનો વિચાર કરવાનો હોય છે. અલબત્ત, ઐતિહાસિક ગણાતાં પાત્રો કે પ્રસંગોની નાની નાની વિગતો પૂરી વફાદારીથી રજૂ ન થઈ હોય એમ બને, પણ સમગ્ર યુગનું ચિત્ર વધુ યથાર્થ રૂપમાં ઊપસવું જોઈએ. દેખીતી રીતે જ, આ ઐતિહાસિક નવલકથાની વિભાવનાના સંદર્ભમાં ‘સમરાંગણ’ ને ‘જય સોમનાથ’ જેવી કૃતિઓ ઘણી અપર્યાપ્ત ઠરે છે, ને ‘પાટણની પ્રભુતા’ જેવી કથા પણ કેટલી મર્યાદિત છે તે આપોઆપ સ્ફુટ થઈ જાય છે.
૪
હવે આ વિચારણાના પ્રકાશમાં મુનશીના ઇતિહાસ અને ઐતિહાસિક નવલકથા વિશેના ખ્યાલો અવલોકીશું. આ અંગે પહેલી વાત એ કે, એક સર્જક લેખે તેમ એક ચિંતક લેખે મુનશી પ્રબળ રંગદર્શી વલણો દાખવે છે. તેમણે આપણા ઇતિહાસ વિશે તેમજ સાહિત્ય અને સંસ્કૃતિ વિશે જે જે વિચારો પ્રગટ કર્યા છે તેમાં સર્વત્ર તેમનો રોમૅન્ટિક અભિનિવેશ જોવા મળે છે. ક્યાંય કોઈ મુદ્દા પર સ્વસ્થ સમતોલ તર્કપૂત કે વિવેકદૃષ્ટિએ વિચાર્યું હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. સતત વાગ્મિતાભરી દલીલો ને પક્ષવાદી વકીલનો ઉન્મેષ એમાં વરતાઈ આવે છે. ટૂંકમાં, તર્કયુક્ત વિચાર વિકસાવવાનો કે શુદ્ધ સંશોધનનો અભિગમ એમાં ઓછો દેખાય છે. તેમની મૂળભૂત પ્રતીતિ છે કે ઇતિહાસ એ કળા જ છે; વિજ્ઞાન નથી જ નથી, અને તે ક્યારેય વિજ્ઞાન થઈ શકે નહિ. વિજ્ઞાન તો વસ્તુજગતનું અવલોકન કરે છે ને તેના પ્રયોગો કરી શાશ્વત સત્યનું દર્શન કરાવે છે ને એ સર્વ કાળમાં સાચું હોય છે. જ્યારે ઇતિહાસનાં સાધનો તો ઘણાં જ મર્યાદિત ને અપૂર્ણ હોય છે. વળી ઇતિહાસમાં અકસ્માતનાં તત્ત્વોય ઓછાં નથી. એટલે ઇતિહાસ ક્યારેય વિજ્ઞાન બની શકે જ નહિ. પણ તેમની આ વિચારણા તો કદાચ સ્વીકારી શકીએ, પણ એ અંગે તેમણે પછીથી જે નકારાત્મક અભિગમ લીધો છે તે વિચારણીય છે. તેઓ કહે છે : “ઇતિહાસનાં સાધનો સદા લૂલાં જ રહેવાનાં, માનવીની જોવાની ને યાદ રાખવાની શક્તિ અત્યંત પરિમિત, એની માનવાની અને અતિશયોક્તિ કરવાની શક્તિને માપ નહિ.” હવે, આ પ્રકારનો અભિગમ દેખીતી રીતે જ અવૈજ્ઞાનિક છે એમ કહેવું જોઈએ. ઇતિહાસનાં સાધનો અધૂરાં છે, સાવ અપૂરતાં છે કે આધારભૂત નથી, એમ કહેવું એ એક ભૂમિકા છે; જ્યારે માનવી સ્વભાવથી જ સત્યાસત્યનો વિવેક કરવામાં નિર્બળ છે, એમ માનવું એ બીજી ભૂમિકા છે. જાણે કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી માનવી વિચારી શકે નહિ, એવો સંશય જ અહીં છતો થઈ જાય છે. જોકે બીજા એક સંદર્ભમાં તેઓ એવો ખ્યાલ પણ મૂકે છે કે સિક્કા, શિલાલેખો, તામ્રપત્રો અને સમકાલીન સાહિત્ય આદિ સાધન-સામગ્રીની સૂક્ષ્મ તપાસ કરી તેનો કંઈક વિજ્ઞાનલક્ષી અભ્યાસ થઈ શકે. પણ ત્યારે એ અભ્યાસ ‘ઇતિહાસ’ રહેતો નથી, એ પુરાતત્ત્વ બની જાય છે, એવું તેઓ નોંધે છે! ખરેખર તો આ વિશેની સર્વે ચર્ચાવિચારણાઓમાં મુનશીજીએ વાગ્મિતાનો સતત આશ્રય લીધો છે. મધ્યકાલીન ગુજરાતમાં કુમારપાલે અહિંસા ધર્મનો સ્વીકાર કરેલો એવી કોઈ ઘટનાને અનુલક્ષીને તેઓ પ્રશ્ન મૂકે છે તે સૂચક છે : “કુમારપાલે ગુજરાતમાં અહિંસા પ્રવર્તાવી એનું ખરું કારણ હેમચંદ્રની પ્રેરણા કે વૃદ્ધ કુમારપાલનું શૌર્યશૈથિલ્ય કે પાસે આવતા મરણનો ભય કે ગુજરાતીઓની ધર્મભાવના કે પાટણનાં હવાપાણી, એ જુદા જુદા પ્રયોગો કરી નક્કી ન થાય ત્યાં સુધી અમુક જ સંજોગોમાં અહિંસા પ્રવર્તે તેવો સાર્વભૌમ સિદ્ધાંત કેમ સ્વીકારાય?” મુનશીનો આ તર્કવાદ દેખીતી રીતે જ ખોટો છે. ઇતિહાસની અમુક વ્યક્તિના જીવનને સ્પર્શતો જે વિશિષ્ટ પ્રશ્ન છે તેને અહીં ભૌતિક વિજ્ઞાનની પદ્ધતિએ તેમણે કસોટી પર ચઢાવ્યો છે. પણ ઇતિહાસ અને ભૌતિક વિજ્ઞાન એ બંનેનું કાર્યક્ષેત્ર જ જુદું છે, બંનેની પદ્ધતિઓ પણ જુદી છે, તેમ બંનેનું ‘સત્ય’ પણ જુદું છે. મુનશીજી તો જાણે એમ જ સ્વીકારીને ચાલે છે કે ઇતિહાસને કોઈ ‘સત્ય’ જ હોતું નથી. ઇતિહાસ એટલે જ ‘જાણ્યાં ને અજાણ્યાં અર્ધસત્યો ને અસત્યો’! વળી ઇતિહાસની સામગ્રીઓ જો અપૂર્ણ ને વિકૃત છે, તો ઇતિહાસકારની દૃષ્ટિ પણ અવિકૃત રહી શકતી નથી. ઇતિહાસકાર હંમેશાં પ્રચાર અર્થે જ લખે છે, અને તેના આલેખનમાં ‘સત્ય’ હંમેશાં વિકૃત થતું હોય છે! આ પ્રકારના અભિનિવેશ પછી મુનશી એમ કહે છે કે ઇતિહાસ એ ‘કલા’ માત્ર છે, અને લલિત સાહિત્યની કોટિની એ ‘કલાત્મક કૃતિ’ છે. જોકે ઇતિહાસના સંદર્ભમાં ‘કલા’ એ સર્વથા નવનિર્માણ કે સર્જન નહિ, પણ ભૂતકાળની વિગતોનું રહસ્યદર્શન એમ તેઓ સ્પષ્ટ કરે છે. પણ તે સાથે જ તેઓ ઐતિહાસિક સત્યનું ગૌરવ કરવા ઉત્સુક બન્યા નથી. ઇતિહાસ પણ સાહિત્યમાત્રની જેમ ‘સરસતા’ને કારણે આસ્વાદ્ય છે, અને એ ગુણને લીધે જ તે અમર બને છે એમ તેઓ માને છે. જગતના અનેક પ્રસિદ્ધ ઇતિહાસોમાં ‘સત્ય’ની વિકૃતિ હોવા છતાં માત્ર ‘સરસતા’ના ગુણને લીધે જ તે આકર્ષક બન્યા છે એવી તેમની સમજણ છે. તેમની દલીલ છે : “આમ જે ઇતિહાસો માત્ર કથનની સરળતા ને સરસતા માટે વંચાયા છે તે બચી ગયા છે, બાકી બધા ઊધઈઓનાં ભોજનરૂપ બની એ ઉપયોગી પ્રજાની વૃદ્ધિનાં સાધન થયા છે...” બારીકાઈથી જોતાં જણાશે કે તર્કાભાસનો આશ્રય અહીં લેવાયો છે. ઇતિહાસ ‘સરસતા’ માટે વંચાયા છે તે જ ‘બચી’ ગયા છે એમ કહી તેઓ જાણ્યે-અજાણ્યેય ઇતિહાસની શ્રેષ્ઠતા તે ‘સરસતા’ને જ કારણે છે, એવો ખ્યાલ પ્રગટ કરી રહે છે. ઇતિહાસમાંયે ‘સ્વાનુભવ’ની અનિવાર્યતા છે, એ મુદ્દો તેઓ નીચેનાં વિધાનોમાં રજૂ કરે છે : (૧) ઇતિહાસમાં મને જે ‘સરસતા’ દેખાય છે તે ઇતિહાસકારે સ્વાનુભવમાંથી ઉપજાવેલી એકતાનતાને લીધે છે. (૨) એ સ્વાનુભવ ઐતિહાસિક પાત્રોમાં હેતુ, ભાવ, વ્યક્તિત્વ અને પ્રસંગો સાથેનો જીવંત સંબંધ ઉપજાવી તેમનામાં મનુષ્યત્વનો પ્રાણ મૂકે છે. (૩) આ પ્રાણ ઇતિહાસકારનો છે; અસલી પાત્રોનાં રઝળેલાં હાડકાંમાં ભરાઈ રહેલો પ્રાણ નથી. અહીં ‘સ્વાનુભવ’ની સંજ્ઞા કંઈક સંદિગ્ધ લાગે છે. ‘સ્વાનુભવ’ એટલે સામાન્ય રીતે વ્યક્તિનો અંગત અનુભવ, અનુભૂતિ કે તેનો બોધ એવો અર્થ થાય. પણ આ જાતનો સંકેત અહીં પર્યાપ્ત લાગતો નથી. ઇતિહાસનાં પાત્રોમાં ‘હેતુ’ ‘ભાવ’ આદિનો અનુભવ કરવાની આ વાત છે. એ તો એક વિશિષ્ટ રૂપની ઐતિહાસિક અભિજ્ઞતા દ્વારા જ સંભવી શકે, ને એનો માર્મિક સંબંધ ભૂતકાળની ઉપલબ્ધ સામગ્રી જોડે છે. એ રીતે મુનશીજીની વિચારણામાં ‘સ્વાનુભવ’નો અર્થ તે ઇતિહાસકારની જ સ્વકીય સંવેદના નહિ, તેની કલ્પનાની વિસ્તૃતિ, સમભાવ પણ છે. જોકે આ વિષયનો તેમનો આખો અભિગમ વિશેષે આત્મલક્ષી રહ્યો જણાય છે. એનો સહજ ફલિતાર્થ એ કે ઇતિહાસ વિશેષતયા આત્મલક્ષી સર્જન છે. તેમાંયે ઇતિહાસનાં સાધનો જ જ્યાં ટાંચાં હોય ત્યાં ઇતિહાસકારે કલ્પના દ્વારા જ ચલાવવું રહે. આ રીતની ઇતિહાસની વિભાવના જે કેળવે તે ચિંતક ઇતિહાસ લોકકથા આખ્યાન ને ઐતિહાસિક નવલકથાને લગભગ એક જ કોટિમાં મૂકવા તત્પર થાય, તો તેમાં ભાગ્યે જ કશું આશ્ચર્ય પામવા જેવું રહે. મુનશીજી માને છે કે આ સર્વ વિષયોનું મૂળ એક જ છે : ‘ભૂતકાળનાં પાત્રો અને પ્રસંગોને કલ્પના દ્વારા સ્વાનુભવના રંગથી સરસતા અર્પી સજીવન કરવાનો પ્રયાસ.’ અલબત્ત, આ વિભિન્ન વિષયોમાં માનવજાતિના ભૂતકાળનો જ કોઈ ને કોઈ અંશ આવે એ સહજ છે. પણ એ દરેકનું સ્વરૂપ ભિન્ન, તેનો માનવસંદર્ભ કે માનવપ્રતિમા ભિન્ન, તે દરેકની પદ્ધતિ ભિન્ન, એ હકીકત પર તેમણે પૂરતું વજન આપ્યું નથી. ઇતિહાસનું પ્રારંભિક રૂપ તે લોકકથા એવો તેમનો ખ્યાલ ઘણો અપૂર્ણ લાગે છે. તેઓ કહે છે ખરા કે લોકકથાનાં પાત્રો ઘણી વાર ‘આકાર’ મટી માત્ર ‘ગુણની સ્મૃતિ’ બને છે. પણ એ પાત્રસૃષ્ટિનો જે મરોડ છે ને એ જે વાસ્તવમાં રોપાયેલી છે તેનો પણ અહીં પૂરતો વિચાર થયો નથી. આખ્યાયિકાઓમાં પણ મનુષ્યસ્વભાવની રેખાઓ શોધવી કઠણ છે, અને એટલે અંશે નવલકથા કે ઇતિહાસનું તે આરંભકાલીન પગથિયું છે એમ તેઓ ઉમેરે છે. આથી ભિન્ન ઇતિહાસ અને ઐતિહાસિક નવલકથામાં માનવપાત્રોની સાચી મૂર્તિ જોવા મળે છે. અલબત્ત, ઇતિહાસકારને થોડું બંધન છે, એવી સભાનતા પણ તેઓ દાખવે છે ખરા. પણ તેની નક્કર ભૂમિકા કદાચ તેમના હાથમાં આવતી નથી. મુનશીજીની ઐતિહાસિક પાત્રોની વિચારણામાંયે માનવસ્વભાવની સનાતનતા પર જ ઘણો ભાર મુકાયો છે. ઇતિહાસના અમુક તબક્કે યુગવિશિષ્ટ મનોભૂમિકાનો ખાસ વિચાર તેમણે કર્યો નથી કે ઇતિહાસનાં પરિબળો ને સામાજિક વલણો ઐતિહાસિક પાત્રોમાં એકત્ર થાય ને તેથી તેની વિશિષ્ટ ભૂમિકા રચાય એવુંયે ખાસ પ્રતીત કર્યું જણાતું નથી. પોતાની પાત્રસૃષ્ટિ વિશે ગૌરવ અનુભવતાં તેઓ કહે છે : “મેં પ્રયત્ન આદર્યો નથી સાધુ ચીતરવાનો કે ડાહ્યાઓ અને મહેતાજીઓને પ્રિય એવાં પ્રણાલિકાઘડ્યા ઢીંગલા ચીતરવાનો કે ગુણદોષના ફિક્કા આકારો ચીતરવાનો. હું તો ચીતરવા મથ્યો છું – લોહીની ભરતીઓ જેની રગોમાં આવે છે એવાં, ખરા જીવનમાં પ્રેમ કરે છે, યુદ્ધ કરે છે, પાપ કરે છે, તરફડે છે એવાં સ્ત્રીઓ અને પુરુષો...” મુનશીનો આ એકરાર ખૂબ જ સૂચક છે. માનવસ્વભાવનાં સનાતન તત્ત્વો પર જ તેમની કથાસૃષ્ટિ નિર્ભર રહે એ તેમને ઇષ્ટ છે. પણ આપણે કહેવું જોઈએ કે એટલા માત્રથી ઐતિહાસિક કૃતિ નિર્માણ થઈ જાય એવું નથી. એ માટે તો અમુક યુગવિશિષ્ટનાં સામાજિક-ઐતિહાસિક પરિબળોનો પ્રભાવ ઝીલતાં યુગવિશિષ્ટ માનસવાળાં પાત્રો નિર્માણ થવાં જોઈએ. પણ એ વાત રંગદર્શી વૃત્તિના આ સર્જકચિંતકને કદાચ અનુકૂળ નીવડી નથી. અને ઐતિહાસિક નવલકથાના સ્વરૂપને સમગ્રતયા સ્પર્શતા મુદ્દાઓ તો તેમણે છેડ્યા જ નથી. એટલે એ રીતે ઐતિહાસિક નવલકથાની તેમની વિભાવના ઘણી સીમિત રહી ગયેલી દેખાય છે.