કથાવિવેચન પ્રતિ/સાંપ્રત ગુજરાતી કથાસાહિત્યમાંથી ઊપસતો નૈતિકતાનો ખ્યાલ

સાંપ્રત ગુજરાતી કથાસાહિત્યમાંથી<બ્ર્>ઊપસતો નૈતિકતાનો ખ્યાલ

અત્યારની આ બેઠકમાં[1], આપ સૌને સુવિદિત છે તેમ, ‘સાંપ્રત ગુજરાતી કથાસાહિત્યમાંથી ઊપસતો નૈતિકતાનો ખ્યાલ’ એ વિશે ચર્ચાવિચારણા કરવા આપણે ભેગા થયા છીએ. આ વિષયને અનુલક્ષીને આરંભમાં હું એમ સ્પષ્ટ કરી લેવા ચાહું છું કે સાહિત્ય (અને વ્યાપકપણે બધી લલિત કળાઓ) અને નૈતિકતાના સંબંધને લગતા પ્રશ્નો ઘણા સૂક્ષ્મ સંકુલ અને તરલ પુરવાર થયા છે. સાહિત્ય-કૃતિના રસાનુભવમાં ભાવક લેખે આપણી કેવળ સૌંદર્યગત વૃત્તિ જ સંતૃપ્ત થાય છે કે નૈતિક વૃત્તિ પણ સંતોષાય છે, અથવા રસાનુભૂતિની અંતર્ગત નૈતિક વલણોનું સંચલન સંભવે છે કે નહિ, એ સૌંદર્યમીમાંસાનો કૂટ પ્રશ્ન રહ્યો છે. જોકે કળાની નૈતિક અસરને લગતા પ્રશ્નો એ સૌંદર્યમીમાંસાના ક્ષેત્રની બહારના પ્રશ્નો છે, એટલે સૌંદર્યમીમાંસા અને વિવેચનમાં એ પ્રશ્નોને સ્થાન ન હોય એમ પણ કેટલાક માને છે. પણ સાહિત્યક્ષેત્રમાં કથાસાહિત્યના રસબોધના પ્રશ્નો હાથમાં લઈએ એટલે આ જાતના પ્રશ્નો સહજ જ ઊભા થવાના. લેખકે રચેલી કથાસૃષ્ટિ ભાવકના મન પર સારી અસર પાડે છે કે માઠી, એવા પ્રશ્નો તો ખરા જ. પણ એ કથાસૃષ્ટિના નિર્માણમાં એના લેખકનાં નૈતિક વૃત્તિવલણો પણ જાણ્યે-અજાણ્યે પ્રવેશ્યાં હોય કે પરોક્ષપણે તેમાં નિયામક બન્યાં હોય, તો એ રીતે કૃતિના સ્વરૂપની ભૂમિકાએથી પણ આ જાતના કેટલાક પ્રશ્નો ઊભા થવાના. અને હમણાં વળી સર્જકતાના બદલતા ખ્યાલ સાથે નૈતિકતાના પ્રશ્નો વધુ સૂક્ષ્મ અને તે સાથે જ વધુ પ્રચ્છન્ન બની જતા દેખાશે. એટલે પ્રસ્તુત વિષયની ચર્ચામાં ઘણાં પાસાંઓ લઈને વિચારણા થઈ શકે. પણ અહીં એવી વિશાળ ચર્ચાને અવકાશ નથી. એટલે મુખ્ય વિષય પર જાઉં તે પહેલાં તેની થોડીક સૈદ્ધાંતિક ભૂમિકાને સ્પર્શી લેવાનું મને અનિવાર્ય લાગે છે. મને એમ સમજાય છે કે નૈતિકતા(morality)ની સંજ્ઞા વત્તેઓછે અંશે સાપેક્ષ રહી છે. સાહિત્યસર્જનના સંદર્ભે વળી નૈતિકતાનો શો અર્થ સંભવે તે પ્રશ્ન હાથમાં લઈએ તે પૂર્વે વ્યવહારમાં તેનો પ્રયોગ શી રીતે થાય છે તે અંગે થોડો નિર્દેશ કરી લઈએ. તો, રોજબરોજના વ્યવહારમાં અત્યંત સંદિગ્ધપણે અને શિથિલ રીતે આ સંજ્ઞાનો લોકો પ્રયોગ કરતા હોય છે. ઘણીયે વાર એનો એક મર્યાદિત અર્થ સ્વીકારાયો હોય છે. સ્ત્રી-પુરુષના જાતીય સંબંધો, લગ્નસંસ્થાની પવિત્રતાનો ભંગ, પરકીયાપ્રેમ, અવૈધ જાતીય વ્યવહાર, વિલાસ વ્યભિચાર અને સ્વચ્છંદી વર્તન કે શીલ અને સદાચારના લોકમાન્ય ખ્યાલોની અવગણના એ બધું સામાન્ય લોકનજરમાં અનીતિમય ઠરે છે. નીતિ-અનીતિના આ જાતના ખ્યાલો ખોટા નથી પણ સીમિત દૃષ્ટિના છે. નૈતિકતાનું ક્ષેત્ર અને તેના પ્રશ્નો, એ દેખાય છે તેથી, ઘણા વિશાળ છે. એક માનવનો બીજા માનવ જોડેનો સંબંધ અને પરસ્પરનો વ્યવહાર, વ્યક્તિનો પોતાના કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને સરકાર જોડેનો વર્તાવ, તેની બીજાં રાષ્ટ્રો કે સમસ્ત માનવજાત પ્રત્યેની લાગણીઓ, પ્રકૃતિ અને બ્રહ્માંડનાં સ્થૂળસૂક્ષ્મ સત્ત્વો પરત્વેની દૃષ્ટિ, સૃષ્ટિમાં વ્યાપી રહેલી કોઈક પરમ સત્તાના સ્વીકાર-અસ્વીકાર, આસ્થા-અનાસ્થા અને દિવ્યતાનું ભાન, માનવજાતિના અંતિમ શ્રેય વિશે, તેની કોઈ નિયતિ વિશે, તેના વિકાસની કે ઉત્ક્રાંતિની ગતિ વિશે જે સંવેદનો જાગે છે તે – આ સર્વ બાબતો નીતિમત્તાના વ્યાપમાં આવી જાય છે. ટૂંકમાં, વ્યક્તિ પોતાની આસપાસના જગત સાથે કેવો સંબંધ પ્રગટ કરે છે તેમાં તેની નૈતિકતાની ભૂમિકા પડેલી છે. નૈતિકતાના ખ્યાલો યુગે યુગે બદલાતા રહ્યા દેખાય છે. જોકે આધુનિક સમયમાં માનવસંબંધો અને માનવપરિસ્થિતિ એટલાં જટિલ અને વિષમ બની ગયાં છે કે આજના માનવી માટે વૈયક્તિક દૃષ્ટિકોણથી નીતિ-અનીતિનો ચોક્કસ અને દૃઢ ખ્યાલ બાંધવાનું અત્યંત મુશ્કેલ બની ગયું છે. આધુનિક સંસ્કૃતિનાં અસંખ્ય પરિબળો એમાં કારણભૂત બન્યાં દેખાય છે. એક બાજુ જ્ઞાનવિજ્ઞાનનો ભયંકર વિસ્ફોટ થવા પામ્યો છે, તેથી ધર્મ નીતિ સદાચાર અને પુરુષાર્થના રૂઢ ખ્યાલો મૂળથી હચમચી ઊઠયા છે. બીજી બાજુ યંત્રવિજ્ઞાન ટેક્‌નોલોજી, વિરાટ ઉદ્યોગો અને આંતરરાષ્ટ્રીય વેપારવણજના વિસ્તરણ સાથે સમાજરચના, અર્થવ્યવસ્થા અને રાજકારણમાં ધરખમ પરિવર્તનો આરંભાયાં છે. એટલે સમસ્ત વિશ્વની ઘટનાઓ આજના સંવેદનશીલ માનવને સ્પર્શી જાય છે. એક રાષ્ટ્ર અણુવિસ્ફોટ કરે અને પાડોશી રાજ્યો સુધી અણુરજ ફેલાવે, એક રાષ્ટ્ર પોતાની સામાજિક આર્થિક અને રાજકીય ફિલસૂફીના પ્રસાર અર્થે બીજાં રાષ્ટ્રો પર દબાણ લાવે કે જ્ઞાનતંતુનું યુદ્ધ ચલાવે, કોઈ વળી લોકશાહીના જતનના બહાના હેઠળ સામ્રાજ્યવાદના ખીલા મજબૂત કરે કે મત આપીને સત્તા પર ચૂંટી મોકલ્યો હોય તેવો રાજકીય પક્ષ સમૂહમાધ્યમો અંકુશમાં લઈ જૂઠાણું ચલાવે – આવી અત્યારના જગતની ઘટનાઓ પરત્વે વ્યક્તિ જે વલણ ધારણ કરે તેમાંય નૈતિક સૂચિતાર્થો સંભવે છે. અને, એથીયે વિશેષ તો, આત્મસભાન વ્યક્તિ પોતાના સમાજના ભાવિ વિશે કેવા પ્રતિભાવો પાડે છે, માનવીની નિયતિને કેવી રીતે સ્વીકારે છે, અને કેવી રીતે પોતાની જીવનગતિ સંભાળે છે તેમાંથી પણ તેનો નૈતિક અભિગમ કે મિજાજ વરતી શકાય. દેશના સંરક્ષણ અર્થે સરકાર અણુવિસ્ફોટ કરે તો દેશહિતના સાંકડા સ્વાર્થને લક્ષમાં રાખી કોઈ એ પગલું આવકારે, બીજો કોઈ સમસ્ત રાષ્ટ્રસમૂહના કાર્યક્રમને નજરમાં રાખી એનો અસ્વીકાર કરે. એકની એક ઘટના જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં જોઈ શકાય. સાંકડા હિતની દૃષ્ટિએ જે આવકાર્ય લાગે તે વિશાળ હિતની દૃષ્ટિએ અસ્વીકાર્ય લાગે. તો આજના યુગ સંકુલતા અને તેમાં અનુસ્યૂત રહેલી અરાજકતા જોતાં નૈતિકતા) સ્થિર અને સ્પષ્ટ ધોરણો આંકી આપવાનું લગભગ અશક્ય બની ગયું દેખાય છે. આપણે આપણા પ્રજાજીવનના અને આપણા સાહિત્યના સંદભમાં આ પ્રશ્ન તપાસીએ ત્યારે એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે સ્વાતંત્ર્યોત્તર સમયગાળામાં આધુનિકીકરણની પ્રક્રિયા ઘણી વેગવંત બની છે. ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, સમૂહમાધ્યમોનો પ્રસાર, વ્યાપક અવ્યવસ્થા અને અરાજકતાનાં મંડાણ અને અસ્તિત્વના સંધર્ષની વધતી જતી માત્રા એ બધું નીતિ-ધર્મના દૃઢ ખ્યાલોને હચમચાવી મૂકવા પૂરતું છે. યુરોપીય અદ્યતનવાદના પ્રભાવ રૂપે અસ્તિત્વની એકલતા, શૂન્યતા અને વંધ્યતાના ખ્યાલો પણ અહીં પ્રચારમાં આવ્યા. વિશ્વજીવનનો પરમ ‘અર્થ’ શો છે એવો પ્રશ્ન નિરર્થક બની રહ્યો. આ માનવજીવનને ‘અર્થ’ આપે એવી કોઈ શાશ્વત વ્યવસ્થા એમાં નથી એમ સ્વીકારાવા લાગ્યું. સાક્ષરયુગની આધ્યાત્મિક અને ધાર્મિક ભાવના કે ગાંધીયુગની માનવતાવાદી દૃષ્ટિ પણ ખાસ પ્રેરક બળ બની શકી નહિ. સર્જકનું ચિત્ત જો અતિ સંવેદનપટુ પાત્ર છે, તે બદલાતી માનવપરિસ્થિતિ અને માનવસંબંધો પરત્વેનો તેનો પ્રતિભાવ તેની કૃતિમાં ઓછોવત્તો ઝિલાય એ સહજ છે. પણ પ્રસ્તુત વિષયના સંદર્ભમાં એટલી જ બલકે એથીયે વિશેષ મહત્ત્વની વાત એ હોઈ શકે કે, સ્વાતંત્ર્યોત્તર સમયગાળામાં યુરોપીય અદ્યતનવાદની પ્રેરણા અને પ્રભાવ નીચે આપણે ત્યાં કળા અને સર્જકતાના ખ્યાલો બદલાયા છે. ખાસ કરીને તરુણ પેઢીના અદ્યતનવાદી લેખકોએ નવી શૈલીનું અને વિશેષતઃ પ્રયોગશીલ એવું જે કથાસાહિત્ય રચ્યું, તેમાં નૈતિકતાની ભૂમિકા લગભગ લુપ્ત થઈ જતી દેખાય છે. સુરેશ જોષીની ‘અપિ ચ’ અને ‘ન તત્ર સૂર્યોભાતિ’ ગ્રંથની નવલિકાઓ, ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’ જેવી ઊર્મિકથાઓ, મધુ રાયની હાર્મોનિકા જૂથની રચનાઓ, કિશોર જાદવની ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’ અને ‘સૂર્યારોહણ’ની કૃતિઓ, નવી વાર્તા’ (સં. રાધેશ્યામ શર્મા) ‘સુરેશ જોષીથી સત્યજિત શર્મા’ (સં. સુમન શાહ) અને ‘કેસૂડાં’ નવલિકાગ્રંથની કૃતિઓ, શ્રીકાન્ત શાહની ‘અસ્તી’, મુકુંદ પરીખની ‘મહાભિનિષ્ક્રમણ’, વિભૂતની ‘ટેકરીઓ પર વસંત બેઠી છે’ની કૃતિઓ – આવી અદ્યતન રચનાઓના સંદર્ભે નૈતિકતાની તપાસ ઝાઝી અર્થપૂર્ણ કે પ્રસ્તુત નહિ બને. જોકે અદ્યતન ગણાતી બીજી અસંખ્ય રચનાઓમાં નૈતિકતાના પ્રશ્નો સૂક્ષ્મ સ્તરે પડેલા છે એમ પણ જોઈ શકાશે. ચંદ્રકાન્ત બક્ષીની ‘આકાર’, મધુ રાયની ‘ચહેરા’, સુરેશ જોષીની ‘વિદુલા’, જ્યોતિષની ‘ચાખડીએ ચડી ચાલ્યા હસમુખલાલ’, ઈવા ડેવની ‘આગંતુક’ અને ‘તરંગિણીનું સ્વપ્ન’, સરોજ પાઠકની ‘વિરાટ ટપકું” અને ‘નાઈટમૅર’, રાવજીની ‘ઝંઝા’, રઘુવીરની ‘પૂર્વરાગ’, ‘અમૃતા’, ‘આવરણ’ , ‘લાગણી’ – આવી કૃતિઓમાં અદ્યતન તત્ત્વના ઓછાવત્તા સંસ્કારો અવશ્ય બેઠા છે, અને છતાં મહત્ત્વની વાત એ છે કે એમાં નીતિમત્તાનો વિચાર પ્રસ્તુત બની રહે છે. ખરેખર તો આપણે ત્યાંના સ્વાતંત્ર્યોત્તર ગાળામાં બદલાતા સાહિત્યિક સંદર્ભનો ખ્યાલ કરીએ ત્યારે એક વાત તરત ધ્યાનમાં આવશે કે અદ્યતનવાદનો પ્રભાવ (કવિતા જેમ) નવલિકામાં વ્યાપક રૂપનો છે, જ્યારે નવલકથામાં સીમિત રૂપનો છે. નવલકથા-સ્વરૂપમાં એક મોટો પ્રવાહ તો આગલી પેઢીની નવલકથાઓના વિષયો અને વર્ણનરીતિને અનુસરે છે. આપણે જાણીએ છીએ કે ત્રીશી-ચાળીશીના ગાળામાં આપણે ત્યાં વાસ્તવવાદી વલણો બળવાન બન્યાં હતાં. સમાજજીવનના નકરા વાસ્તવને સ્પર્શવાનું, તેના વિવિધ સ્તરના લોકજીવનના પ્રશ્નો રજૂ કરવાનું, અને એ રીતે સમાજજીવન વિશેની અભિજ્ઞતા કેળવવાનું એ સમયના લેખકોએ ગંભીરતાથી સ્વીકાર્યું હતું. એમાં જાણ્યે-અજાણ્યેય લેખકનાં નૈતિક વૃત્તિવલણો કામ કરતાં રહ્યાં દેખાશે. ધૂમકેતુની નવલિકા ‘ગોવિંદનું ખેતર’ દ્વિરેફની ‘મુકુંદરાય’, મેઘાણીની ‘તુલસીક્યારો’, ઉમાશંકરની ‘ગુજરીની ગોદડી’, સુંદરમ્‌ની ‘માને ખોળે’, પન્નાલાલની ‘મળેલા જીવ’ કે મડિયાની ‘અંતઃસ્રોતા’ જેવી રચનાઓમાં નૈતિકતાની ભૂમિકા સ્પષ્ટ રૂપમાં પડેલી છે. પ્રસ્તુત કરવા ધારેલી કથાસૃષ્ટિના પ્રસંગો અને પાત્રોના વ્યવહારમાં નીતિ-અનીતિના ખ્યાલો નિયામક અને સંયોજક બન્યા છે. લોકજીવનની ઘટમાળમાં અમુક ઘટના નૈતિક દૃષ્ટિએ ઇષ્ટ કે અનિષ્ટ તે વિશે લેખકના અભિગ્રહો એમાં વારંવાર વરતાઈ આવે છે. પ્રસ્તુત કથાસૃષ્ટિનો સમગ્રતયા પ્રભાવ (નૈતિક દૃષ્ટિએ) શ્રેયસ્કર હોવો જોઈએ એવું ગૃહીત પણ સ્વીકારાયેલું જોવા મળશે. એટલે આવી કૃતિની ઘટનાઓના નિર્વહણમાં લેખકનું નૈતિક વલણ પકડી શકાય. અલબત્ત, લોકજીવનના અત્યંત જડ અને રૂઢ ખ્યાલો, આચારવિચારનાં જૂનાં ધોરણો કે લોકમાન્ય નીતિની વારંવાર અવગણના કરવાનું વલણ પણ એમાં જોઈ શકાશે. કયારેક રૂઢ આચારવિચારો અને નીતિમત્તાની કઠોર ચિકિત્સા પણ થઈ છે. પણ છેવટે તેમણે જે પ્રકારની કથાસૃષ્ટિ રચી છે તેના પાયામાં જીવનના શ્રેયાશ્રેય વિશેના, નીતિ-અનીતિ વિશેના અને ઇષ્ટ-અનિષ્ટ વિશેના તેમના ચોક્કસ ખ્યાલો રહેલા છે. એની સામી બાજુએ, અદ્યતનવાદી સર્જકો કળા અને સર્જકતાનો જુદો જ ખ્યાલ લઈને ચાલતા દેખાય છે. ત્રીશી-ચાળીશીની વાસ્તવવાદી કળાના પ્રભાવથી તેઓ મુક્ત થવા મથ્યા છે. લોકજીવનની સામાજિક અને આર્થિક વિષમતાના કે તેમનાં સુખદુઃખના પ્રશ્નો રજૂ કરવામાં તેમને એટલો રસ રહ્યો નથી. આધુનિક માનવપરિસ્થિતિની વિષમતા અને અરાજકતાનો તાગ લેવામાં, અલબત્ત, તેમને રસ છે. પણ સર્જક લેખે તેમની ગતિ વિશેષતઃ અંદરના વિશ્વ તરફની રહી છે. અસ્તિત્વને સભાનપણે પ્રમાણવાનો તેમનો પ્રયત્ન રહ્યો છે. સર્જનની પ્રવૃત્તિ એ રીતે તેમને માટે ‘આત્મસંજ્ઞા’ પામવાની પ્રવૃત્તિ બની જતી દેખાશે. સર્જકનો સર્જક લેખે એકમાત્ર ધર્મ પોતાના સંવિત્‌ને પૂરી પ્રામાણિકતાથી તાગવાનો છે એમ તેઓ કહેવા માગે છે. એટલે સર્જક સર્જનની ક્ષણોમાં પૂરી પ્રામાણિકતા દાખવે એ જ તેની નીતિમત્તા, એમાં કશીક દિલચોરી કરે તો એ જ તેની અનીતિ. માનવઅસ્તિત્વના સ્વરૂપમાં જ સદ્‌-અસદ્‌ સુરૂપ-કુરૂપ શુભ-અશુભ તત્ત્વો અવિયોજ્ય ભાવે પડેલાં છે. પાત્રસર્જનના સંદર્ભમાં કે આત્મસંવેદનના ઉઘાડમાં સર્જકે અસ્તિત્વનો અસાધારણ હિંમતથી સામનો કરવાનો છે. કૃતિના સર્જનની ક્ષણેક્ષણે સર્જકે અંદરની અને બહારની વાસ્તવિકતા જોડેના બદલાતા સંદર્ભો પ્રમાણવાના છે. કથાસાહિત્યના સંદર્ભે નીતિમત્તાનો ખ્યાલ સ્પષ્ટ કરતાં પ્રસિદ્ધ અંગ્રેજ લેખક ડી. એચ. લોરેન્સ કહે છે : “અને નીતિમત્તા એ મારી અને મારી આસપાસના પરિવૃત્ત વિશ્વ વચ્ચેની એક અતિ નાજુક અને નિરંતરપણે કંપતી રહેતી અને ઝૂલ્યા કરતી તુલા છે જે ખરેખરા સંબંધભાવ (relationship) પૂર્વે અને તેની સાથોસાથ જ સંભવે છે.” આ સંદર્ભમાં લોરેન્સ એમ પણ કહે છે કે તુલાની કંપતી રહેતી તરલતા એ જ તો નવલકથાની નીતિમત્તા છે. નવલકથાકાર જ્યારે પોતાને ગમતા ખ્યાલો કે ભાવનાઓથી પ્રેરાઈને એક તરફ પલ્લું નીચે નમાવવા પોતાના અંગૂઠાથી વજન આપવા જાય છે ત્યારે ત્યાં અનીતિ જન્મે છે. એનો સૂચિતાર્થ એમ થાય કે સર્જનનું રહસ્ય સર્જકચેતના દ્વારા વિશ્વના અનંતવિધ પદાર્થો અને વ્યક્તિઓ જોડેના સતત નવા સંબંધો જોડવામાં તેમ તેના નવા નવા અર્થો ઉકેલવામાં રહ્યું છે. આ આખોય પ્રશ્ન ગતિશીલ સંવેદનતંત્રનો છે. સર્જક જ્યારે પોતાની કથાસૃષ્ટિને લોકમાન્ય નીતિ-અનીતિના ખ્યાલોથી નિયંત્રિત કરવા જાય છે કે રૂઢ આચારવિચારનાં ધોરણોને ફરીથી પ્રતિષ્ઠિત કરવા જાય છે, ત્યારે સર્જનની ગતિ રૂંધાઈ ગઈ હોય છે. બીજી રીતે કહીએ તો, લોકજીવનના નીતિમત્તાના ખ્યાલો, પ્રચલિત મૂલ્યો કે આચારવિચારનાં ધોરણોને કળાકારે પોતાની કાચી સામગ્રીના ભાગ રૂપે જ સ્વીકારવાનાં છે. તેની વિશેષ સિદ્ધિ તો રચનારીતિ (technique) દ્વારા અનન્ય મૂલ્યનું નિર્માણ કરવામાં રહી છે. ટેક્‌નિકનો મહિમા કરતાં માર્ક શોરરે કહ્યું છે : “Technique alone objectifies the materials of art; hence technique alone evaluates those materials,” સર્જકતા અને રચનારીતિના આ ખ્યાલો વિવાદમુક્ત નથી જ. અહીં એ વિવાદમાં ઊતરવું પણ નથી. માત્ર એમ જ સૂચવવું છે કે આપણે ત્યાં નવી પેઢીના સર્જકો ઓછેવત્તે અંશે આ ખ્યાલો લઈને ચાલ્યા, તે સાથે નીતિમત્તાના પ્રશ્નની ભૂમિકા પણ બદલાઈ. તરુણ લેખકોના કથાસાહિત્યને અનુલક્ષીને નીતિમત્તાનો પ્રશ્ન આપણે છેડીએ તે પહેલાં રૂઢ કથાવિષયો અને રૂઢ શૈલીનું જે વિશાળ કથાસાહિત્ય વર્તમાનમાં પ્રગટ થઈ રહ્યું છે તે અંગે અવલોકન રૂપે એક-બે વાતો નોંધીશું. આપણે આગળ નિર્દેશ કર્યો છે તેમ વર્ણ્યવિષય, પ્રસંગસંકલન અને રચનારીતિની દૃષ્ટિએ આજની નવલકથા કરતાં ટૂંકી વાર્તામાં ઊંડું પરિવર્તન આવ્યું છે. નવી રચનારીતિના પ્રયોગો બહુ ઓછા સર્જકોએ કર્યા છે. જૂની અને નવી પેઢીના લેખકોનો એક મોટો વર્ગ હજીય રૂઢ શૈલીમાં વાર્તાઓ અને નવલકથાઓ લખ્યે જાય છે. એમાં સાહિત્યિક મૂલ્યોવાળી ઊંચી કોટિની કૃતિઓ ઓછી મળશે. કદાચ કળાનું ઊંચું મૂલ્ય સિદ્ધ કરવાને ગંભીરપણે તેઓ પ્રવૃત્ત થયા નથી. કદાચ આ કથામૂલક સ્વરૂપોની કળાત્મક ક્ષમતા વિશે તેઓ પૂરા જાગૃત નથી. ગમે તે હો, સામાન્ય વાચકને રોચક નીવડે એવી ‘વાર્તા’ કહેવામાં તેમને વિશેષ રસ છે. એમાં વાર્તારસને પોષક બને એ રીતે રસપ્રદ પ્રસંગો અને પરિસ્થિતિઓનો મેળ બેસાડવા તેઓ પ્રયત્ન કરતા રહેતા હોય છે. એમાં કેટલાક લેખકો પોતાની વાર્તા ‘અદ્યતન’ લાગે એ માટે કેટલાંક આભાસી નૂતન તત્ત્વો દાખલ કરતા હોય છે. જેમ કે, કથાની પશ્ચાદ્‌ભૂમિકા તરીકે મુંબઈ, કલકત્તા જેવાં મહાનગરોની યોજના હોય, હોટલ રેસ્ટોરાં અને થિયેટરોનું માદક વાતાવરણ રજૂ થતું હોય, લગ્નસંસ્થા કે બીજી પવિત્ર સંસ્થાઓ સામે આઘાતક વિદ્રોહ હોય, શરાબપાન, વેશ્યાગમન અને એવા સ્વૈર જીવનની કલ્પના હોય, વચ્ચે વચ્ચે અસ્તિત્વવાદમાંથી ઉપાડેલી કે અન્યથા આણેલી હતાશા-વિફલતાની પરિભાષા હોય – આ પ્રકારની યોજનાથી ઘણી વાર અદ્યતનતાનો આકર્ષક આભાસી પુટ રચી શકાય. પણ આવી કથાઓમાં રોમાંચક પ્રસંગોની કૃતક યોજના જ લેખકના આશયની ચાડી ખાય છે. એમાં અર્ધદગ્ધ વાચકને રોમાંચ જગાડે એવી ઊર્મિલતા કે ભાવનાઘેલછાને સ્થાન મળ્યું હોય છે. ખરેખર તો ‘અદ્યતનતા’ના સ્વાંગ નીચે એનો લેખક મનોરંજનની વાર્તા રજૂ કરતો હોય છે. આવા કથાસાહિત્યમાં નૈતિકતાની ઓળખ ઝાઝી અર્થપૂર્ણ બની શકે નહિ. એક સર્જક લેખે એનો સર્જક માનવપરિસ્થિતિ કે અસ્તિત્વની વિષમતાનો પૂરી પ્રામાણિકતાથી તાગ લેવા પ્રવૃત્ત ન થાય ત્યાં સુધી તેની સૃષ્ટિનો રણકો બોદો લાગવાનો. અને સર્જક તરીકેની એની પ્રામાણિક શોધ અને સર્જનનાં પહેલાં એંધાણ, તેણે સિદ્ધ કરવા ધારેલી નવી ભાષારચનામાં મળે છે. રૂઢ શૈલીના કથાસાહિત્યમાં આવી શોધ અને સર્જકતાની ગતિ બહુ ઓછી જોવા મળશે. હવે તરુણોની નવી શૈલીના કથાસાહિત્યનો પ્રશ્ન હાથમાં લઈએ, એટલે સૌ પ્રથમ એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, કથાવિષયો અને રચનારીતિની બાબતમાં તેમ સર્જકોનાં નૈતિક વલણોની બાબતમાં ઘણાનો આગવો અભિગમ રહ્યો છે. જોકે સાચા અર્થમાં મહાન કહી શકાય તેવી રચનાઓ આપણને ઓછી મળી છે. એનાં કારણો શોધવાનું સાવ મુશ્કેલ નથી. એમ કહી શકાય કે આજની માનવ-પરિસ્થતિની સંકુલતા અને સંદિગ્ધતા તે બરોબર તાગી શક્યો નથી, અથવા આજના યુગના જે બૌદ્ધિક વાતાવરણમાં માનવ શ્વસી રહ્યો છે તેની સૂક્ષ્માતિસૂક્ષ્મ છાયાઓ હજી પકડી શકાઈ નથી, અથવા સર્જક તરીકે અંતરની સૃષ્ટિની સાહસિક શોધ ઓછી પડે છે. ગમે તે હો, અસ્તિત્વની વિષમતા અને વિસંગતિઓને કળાત્મક રૂપ આપી શકી હોય, અને એના સમગ્ર સંવિધાનથી ભાવકને અભિભૂત કરી દેતી હોય એવી મહાન કૃતિઓ આપણે ત્યાં વિરલ જ મળે છે. છતાં અહીં નોંધવું જોઈએ કે, આજના યુગનો આછેરો એવો માનવસંદર્ભ આપણા આ તરુણ સર્જકોમાં જોવા મળે છે. આજની વિષમ પરિસ્થિતિ વચ્ચે એકલતા શૂન્યતા અને વિફલતાનો અનુભવ એમની કથાઓમાં વર્ણવાયો છે. વર્તમાન ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને લીધે માનવીની સમાજજીવનથી વિચ્છિન્નતા, સમાજના રૂઢ ધર્મ-નીતિના ખ્યાલોનો સંશય, લગ્નજીવનનો વિસંવાદ અને કૌટુંબિક સંબંધોનો લોપ, અને ખાસ તો જીવનના પરમ અર્થ વિશે મૂળભૂત આશંકા – આમ માનવજીવનનો બદલાતો સંદર્ભ એમની કથાઓમાં પ્રવેશ્યો છે. નૈતિકતાની ભૂમિકાએથી તપાસ કરતાં એમ જણાશે કે, નવી શૈલીની અનેક ટૂંકી વાર્તાઓમાં અને કેટલીક નવલકથાઓમાં પણ સર્જકોનો અભિગમ નૈતિક તાટસ્થ્યવાળો (amoral) દેખાય છે. સુરેશ જોષીની ‘અપિ ચ’ અને ‘ન તત્ર સૂર્યો ભાતિ’ એ સંગ્રહોની વાર્તાઓ તેમજ ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’ જેવી ઊર્મિકથાઓમાં તેમનો આ પ્રકારનો અભિગમ તરત ધ્યાન ખેંચે છે. અહીં એક સર્જક તરીકે સુરેશ જોષીએ જુદા જ સ્તરેથી પ્રવૃત્તિ કરી છે. વિશાળ લોકજીવનના સુખદુઃખના પ્રશ્નો રજૂ કરવાનો કે તેની જીવન-ગતિના આ કે તે પ્રસંગ વિશે નૈતિક ચુકાદો આપવાનો એમાં કોઈ ઇરાદો નથી. સંવેદનનાં સ્તરો ઉકેલતા જઈને અંતરનાં રહસ્યો ખુલ્લાં કરવામાં તેમને વિશેષ રસ દેખાય છે. ‘ગૃહપ્રવેશ’ અને ‘બીજી થોડીક’ની રચનાઓમાં, ખાસ કરીને ‘વિઠ્ઠલા’ જેવી કૃતિમાં, તેમનાં નૈતિક ઝોક(moral bent)ની આછી રેખા પકડી શકાય. પણ પાછળની ટૂંકી વાર્તામાં એવાં સ્ફુટ વલણો જોઈ શકાતાં નથી. ‘એક પુરાણી વાર્તા’, ‘એક મુલાકાત’, ‘કપોલકલ્પિત’, ‘રાક્ષસ’, ‘કથાચક્ર’ (એની અગિયાર કૃતિઓ), ‘ધુમ્મસ’, ‘બે સૂરજમુખી અને’, ‘પદ્મા તને’ જેવી કૃતિઓમાં આપણને પરિચિત સામાજિક સંદર્ભો જોવા મળતા નથી. બીજી રીતે કહીએ તો, સમાજજીવનના પ્રશ્નો અને પરિસ્થિતિઓને રજૂ કરે તેવાં કે તેના આંતરપ્રવાહોને ઝીલે તેવાં પાત્રો અહીં સ્થાન પામ્યાં નથી. વ્યવહારની ભૂમિકાએથી ઊભા થતા વાણીવર્તનના પ્રશ્નોને એ રીતે ખાસ અવકાશ જ નથી. ખરી વાત એ છે કે ક્રિયાશીલ માનવીની મૂર્તિ અહીં ભાગ્યે જ આકારાય છે. કેટલીક વાર પાત્રોને વિશેષ નામથી ઓળખાવવાની જરૂર પણ લેખકને લાગી નથી. એમ સમજાય કે અહીં પાત્ર કે પ્રસંગોની યોજના એના સર્જકના સંવિત્‌નો જ પ્રક્ષેપ છે. સંવિત્‌ની અંતર્ગત જે સંકુલતાઓ અને સંદિગ્ધતાઓ પ્રતીત થઈ હશે તેને પ્રગટ કરવાના પ્રયત્નમાં જ પાત્રો કે પ્રસંગોની રેખાઓ ઘૂંટવી પડી છે. એ રીતે આ બધી કૃતિઓમાં ઘટના રૂપે જે કંઈ બને છે તે ઘણું ખરું ચૈતસિક સ્તરનું છે. વ્યવહારના સ્તરેથી ક્રિયા કે વર્તનના કૂટ પ્રશ્નોની ભૂમિકા આથી રચાતી નથી. એક સર્જક લેખે સુરેશ જોષી સંવિત્‌ના ઉઘાડ માટે પ્રવૃત્ત થયા છે એટલું જ એમાં જોઈ શકાશે. પાત્રોના સંવેદનમાં કે જે ઘટના સાથે એ પાત્રો જોડાયાં છે તે ઘટનાના નિર્વહણમાં, તેમના નૈતિક અભિગ્રહો કામ કરી રહ્યા હોય એમ ભાગ્યે જ જોવા મળશે. એ જ રીતે પાત્રોના આચાર-વિચાર વિશે નૈતિક વિવેચન કરવાનું વલણ પણ તેમણે દાખવ્યું નથી. આ પ્રકારની કૃતિઓમાં અંતઃકરણ(conscience)ની જાગૃતિથી ઉદ્‌ભવતા નૈતિક શ્રેયાશ્રેયના પ્રશ્નો કે નૈતિક સંઘર્ષોની ક્ષણો ગૌણ બાબત બની ગઈ છે; અથવા રૂઢ દૃષ્ટિના એ પ્રશ્નો અને સંઘર્ષો જાણે કે સંવિત્‌ના ક્ષેત્રના અંતઃપ્રવાહો રૂપે લગભગ પ્રચ્છન્ન બની ગયા છે એમ પણ કહી શકાય. મહત્ત્વની વાત એ છે કે અહીં લેખકે રચેલી સૃષ્ટિ પરિચિત માનવવ્યવહારની ભૂમિકાથી ઘણી ભિન્ન myth કે phantasyની કોટિની છે. વ્યક્તિ અને કુટુંબ, વ્યક્તિ અને સમાજ કે વ્યક્તિ અને રાષ્ટ્રના સંબંધો અને વ્યવહારોની ભૂમિકા અહીં અત્યંત ગૌણ બની રહે છે. નીતિમત્તા (morality) સંજ્ઞાથી જો એક નાનકડા સમાજને ઇષ્ટ વ્યવહારવર્તન કે આચારવિચારનાં સર્વસંમત ધોરણોનો ખ્યાલ અભિમત હોય, નાનકડા વર્તુળ પૂરતાંયે શ્રેયાશ્રેયની વ્યાપક સમજૂતી પર આશ્રિત ચોક્કસ ધોરણોની અપેક્ષા હોય, કશાંક સ્થિર મૂલ્યોની સ્વીકૃતિ હોય, તો તો આ કૃતિઓમાં લેખકનો અભિગમ લગભગ નીતિનિરપેક્ષ રહ્યો છે એમ કહેવાનું પ્રાપ્ત થાય. એ જ રીતે મધુ રાયની હાર્મોનિકા જૂથની – વિશેષ કરીને ‘કાચની સામે કાચ’ જેવી કૃતિઓ, કિશોર જાદવની લગભગ બધી જ કૃતિઓ ‘સરકસના કૂવામાં કાગડાઓ’, ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’, ‘સોગટાં-બસનું પંખી’ અને ‘લીલા પથ્થરો વચ્ચે ચમત્કારિક પુરુષ’ જેવી વિલક્ષણ શૈલીની કૃતિઓ, વિભૂત શાહની ‘કેટલાંક ચિત્રોની સ્વરરચના’, મુકુંદ પરીખની ‘ક્યાંક સાંકડી તિરાડ છે તો ક્યાંક અફાટ અવકાશ છે’, રાધેશ્યામની ‘લીલા’, મહેશ દવેની ‘મોહન-જો-દડો’ એ કોટિની અનેક નવલિકાઓમાં પરિચિત સમાજજીવનના સંદર્ભો અતિ ગૌણ બની ગયા છે, કેટલાક પ્રસંગમાં લુપ્ત થઈ ગયા છે. એટલે એમાં એના સર્જકોનાં નૈતિક વૃત્તિવલણો ૫ણ લગભગ અકાર્યશીલ બની રહ્યાં છે. નવલિકાની તુલનાએ નવલકથામાં સર્જકોનાં નૈતિક વલણો કે નૈતિક અભિનિવેશ (moral bent) સ્ફુટ થઈ જાય એ સંભાવના વિશેષ. નવલકથામાં સ્થૂળસૂક્ષ્મ અનેક પ્રસંગોની સંકલનામાં જાણ્યે-અજાણ્યેય લેખકનો નૈતિક અભિનિવેશ પ્રવેશી જાય એમ બને. પાત્રના સંવેદન રૂપે તો સર્જક સ્વકીય સંવિત્‌ની વિવિધ ગહરાઈઓ તાગવા સમર્થ બને અને ત્યાં નીતિનિરપેક્ષ ભૂમિકા તે જાળવી રહે એ અસંભવિત નથી. પણ પાત્ર પાત્ર વચ્ચેના જુદા જુદા સ્તરના સંબંધોની યોજનામાં, પ્રસંગો અને પાત્રોના યોગમાં, તેમ પ્રસંગ પ્રસંગ વચ્ચે કાર્યકારણની ભૂમિકા રચી આપવામાં લેખકનો નૈતિક અભિગમ પ્રગટ થઈ જાય એ સહજ છે. આપણે જોઈશું કે અદ્યતન ગણાતી આપણી કેટલીક નવલકથાઓમાં ઓછાવત્તા પ્રગટ રૂપમાં એના લેખકોના નૈતિક અભિનિવેશો કામ કરતા રહ્યા છે. પણ આ સ્વરૂપમાં કંઈક અપવાદરૂપ એવી કૃતિઓ પણ મળે છે. સુરેશ જોષીની બે કૃતિઓ ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’ આ દૃષ્ટિએ તરત ધ્યાન ખેંચે છે. ‘છિન્નપત્ર’માં મુખ્યત્વે સંવેદનની તરેહો ધ્યાનપાત્ર છે. અજયના સંવિત્‌પટ પર માલા લીલા અશોક અમલ જેવી વ્યક્તિઓ અને પ્રકૃતિનાં વિવિધ દૃશ્યોનાં બિંબો ઝિલાતાં રહે છે. એ સર્વે વ્યક્તિઓ અને પદાર્થો વિશેના ભાવ-પ્રતિભાવ રૂપે જે સંબંધો ઊપસતા દેખાય તેમાં વ્યવહારજીવનની ભૂમિકા લગભગ લુપ્ત છે. એટલે અજયના માલા કે લીલા જોડેના સંબંધ અને વ્યવહારને લૌકિક નીતિમત્તાના ક્ષેત્રમાં ખેંચી આણીને જોઈ શકાશે નહિ. એક રીતે અજયના પાત્ર રૂપે સર્જકના સંકુલ સંવિત્‌નો ઉઘાડ એમાં જોઈ શકાય. અહીં જે કંઈ આસ્વાદ્ય છે તે છે સંવિત્‌માં ઝિલાતાં બિંબોનું વૈચિત્ર્યપૂર્ણ રૂપ. મહત્ત્વનો મુદ્દો એ છે કે સંકુલ રૂપોમાં ઊઘડતા-બિડાતા આ સંવિત્‌ને – અને તેમાં ઊપસતા પાત્રોના સંબંધને ‘પ્રેમ’ એવી કોઈ સંજ્ઞા આપવા જઈએ તો તે અપર્યાપ્ત લાગે. એમાં મુખ્ય કે ગૌણ પાત્રોને આશ્રયે નૈતિક શ્રેય-અશ્રેયનો પ્રશ્ન ઊભો થતો નથી. ‘મરણોત્તર’માં પણ તેમણે આવી જ સૃષ્ટિ રચી છે. અહીં સંવેદનાના સંદર્ભો થોડા બદલાયા છે, નિરૂપણરીતિમાં નવા મરોડ નવા કાકુઓ જોવા મળે છે, અને પ્રકરણના સંવિધાનમાં વિશેષતા આણવા પ્રયત્ન કર્યો છે. પણ અહીંયે લેખકનો નીતિનિરપેક્ષ અભિગમ તરત ધ્યાન ખેંચે છે. શ્રીકાન્ત શાહની ‘અસ્તી’ પણ આ પ્રકારની કથા છે. એમાં લેખકે વર્તમાન જીવનની પરિસ્થિતિનો સંકેત રજૂ કરતાં વિવિધ દૃશ્યોની સહોપસ્થિતિ દ્વારા એક વિશેષ પ્રભાવક ચિત્ર આલેખ્યું છે. જોકે વર્તમાન પરિસ્થિતિ પરત્વેના દૃષ્ટિકોણમાં લેખકનાં વલણોની છાયા પ્રસરતી જોઈ શકાશે. મુકુંદ પરીખની ‘મહાભિનિષ્ક્રમણ’ પણ આ કોટિમાં નજીક આવે છે. પણ આ તરુણ લેખકો જ્યારે આધુનિક માનવપરિસ્થિતિની વિરાટ અરાજકતા અને વિષમતાને તાગવા ચાહે છે, અને વાસ્તવાદી વલણો જ્યાં બળવાન બને છે, ત્યાં તેમના ‘નૈતિક અભિગ્રહો’ તરત છતા થઈ જતા હોય છે. ખાસ કરીને આજના માનવીની એકલતા, તેના સંજોગોમાં અન્તર્હિત રહેલી નિષ્ઠુર નિયતિ, જીવનની અર્થહીન દોટ અને વંધ્ય ગતિશીલતા, પરંપરાગત સંસ્થાઓ અને મૂલ્યોનો હ્રાસ – એ બધાં પાસાંઓને તેઓ સ્પર્શવા જાય છે ત્યાં નીતિમત્તાના સ્વરૂપની અલ્પસ્વલ્પ ભૂમિકા ઊભી થાય છે. આ પ્રકારના અભિગમમાં સર્જક સીધેસીધો પોતાનાં વૃત્તિવલણો રજૂ ન કરે, તોયે તે જે રીતે પ્રસંગ દૃશ્ય કે સંવેદનને ઘૂંટતો હોય, જે રીતે તે વ્યંગ અને કાકુ ઉપસાવતો હોય કે તેના કથનવર્ણનની વિગતોમાં તે જે રીતે પરિસ્થિતિમાં રહેલા આંતરવિરોધો ઉપસાવતો હોય, તેમાં પ્રગટ કે પ્રચ્છન્નપણે તેનાં નૈતિક વૃત્તિવલણો કામ કરતાં જોઈ શકાશે. અલબત્ત, આવા દરેક પ્રસંગમાં લેખક નવા યુગને અનુરૂપ નવી નીતિમત્તાની સ્થાપના કરે છે એમ કહેવું બરોબર નથી. આજનો તરુણ લેખક એ રીતે નીતિ-અનીતિનાં ધોરણો ઊભાં કરવા પ્રવૃત્ત થયો છે એમ કહેવામાં મુશ્કેલી છે. વધુમાં વધુ એમ કહી શકાય કે આજની માનવપરિસ્થિતિનું કળાત્મક નિરૂપણ કરવાના સંનિષ્ઠ પ્રયાસોમાં આ લેખકો એમાં અન્તર્હિત રહેલી વિષમતા અરાજકતા અને વંધ્યતાને ઉપસાવીને જે કશુંક અન્‌-ઇષ્ટ છે તેનું સૂચન કરે છે. માનવશ્રેયનો ખ્યાલ જ જ્યાં સંશયાત્મક બન્યો છે – અને નીતિ-અનીતિના બધા જ ખ્યાલો આવા શ્રેયને ગૃહીત કરી લે છે – એટલે અમુક ચોક્કસ રૂપની નૈતિકતા એમાં ઊપસી આવે છે એમ ભૂમિકા બાંધવાનું મુશ્કેલ છે. સુરેશ જોષીની લઘુકથા ‘વિદુલા’નું અવલોકન આ દૃષ્ટિએ મહત્ત્વનું બની રહે છે. એમાં તેમનો અભિગમ ‘છિન્નપત્ર’ કે ‘મરણોત્તર’ કરતાં નિરાળો દેખાશે. વિદુલાના જીવનમાં જે ગૂઢ કરુણતા વરતાય છે, તેની પાછળ આમ જુઓ તો કેટલીક ચોક્કસ સામાજિક અને માનસશાસ્ત્રીય પરિસ્થિતિ પડેલી છે. કૃતિના રચનાતંત્રમાં આ પરિસ્થિતિનો મોટો ફાળો છે. પણ સુરેશ જોષીને અહીં કેવળ સમાજ-શાસ્ત્રીય કે મનોવૈજ્ઞાનિક પ્રશ્નોમાં રસ નથી; એકલતા અને શૂન્યતાના પ્રસાર વચ્ચે આત્મવંચનાથી જીવવાનો પ્રયત્ન કરતી નારી રૂપે અસ્તિત્વની એક રહસ્યમય ઘટનાને તાગી જવાનો તેમણે અહીં ઉદ્દેશ રાખ્યો દેખાય છે. કથાનિવેદક ‘હું’ માટે વિદુલા એ કદાચ જીવનનું તરલ ચંચલ માયાવી રૂપ છે, કદાચ પોતાની જે કોઈ આંતરિક ઝંખનાનું બાહ્ય રૂપ છે, કદાચ પોતાના જ એક કૂટ અને દુર્ભેદ્ય અંશનું મૂર્ત રૂપ છે. એટલે ‘હું’ અને વિદુલાના અતિ સંકુલ સંબંધો રહસ્યના આવરણથી ઢંકાયેલા દેખાય છે. વિદુલા આમ છતાં અપાર્થિવ છાયા માત્ર નથી કે કેવળ phantom પણ નથી. માનવીય અસ્તિત્વની બોજિલતા લઈને જીવતું એ પાત્ર છે. એક એવું પાત્ર જે ભાવકના ચિત્તમાંયે એ બોજિલતાની પ્રતીતિ કરાવી જાય છે. હકીકત છે કે વિદુલામાં માનવસહજ વૃત્તિઓ અને વાસનાઓનો ઓથાર છે. લગ્નજીવનમાં નિષ્ફળ રહેલી એ યુવતી પુરુષમિત્રો જોડે મુક્ત રીતે વર્તે છે, અને પોતાના જીવનમાં સ્વાતંત્ર્યનો અનુભવ કરે છે; તેના આ પ્રકારના સ્વૈર જીવનમાં રૂઢિચુસ્ત માનસને સ્વચ્છંદતા દેખાય, વ્યભિચાર કે દુરાચાર પણ દેખાય, પણ સમગ્રતયા આ કૃતિનો પ્રભાવ ‘અનીતિમય’ છે એમ કહી શકાય નહિ. સાહિત્યકૃતિમાં અનુસ્યૂત નીતિ-અનીતિની ભૂમિકા ખરેખર તરલ અને દુર્ગ્રાહ્ય સંભવે છે. કૃતિમાં ગૂંથી લેવાયેલાં પાત્રો કે પ્રસંગોને એમાં રજૂ થતા ‘અનીતિમય’ અંશને કારણે અનીતિમય કહેવામાં મુશ્કેલી એ છે કે સમગ્ર સંવિધાનનો ખ્યાલ એમાં અવગણાઈ જાય છે. બીજી બાજુ, કૃતિની સારી કે માઠી અસરનો પ્રશ્ન ભાવકવર્ગ જોડેના સંબંધનો પ્રશ્ન છે. એમાં વળી સ્થૂળ અને પ્રાકૃત વર્ગના વાચકોને લક્ષમાં લેવાથી તો ગૂંચવાડા વધે જ છે. પણ સૂક્ષ્મ અને કોમળ રસવૃત્તિને કયો પ્રસંગ અશ્લીલ કે અનીતિમય લાગશે તેનુંય કોઈ નિશ્ચિત સૂત્ર બાંધી શકાતું નથી. ‘વિદુલા’ની સમગ્રતયા અસર ‘સારી’ છે – એ વિધાનનો અર્થ એમ જ કરવાનો રહે કે એમાંથી કળાને ઇષ્ટ અનુભવ પ્રાપ્ત થાય છે. અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે સુરેશ જોષી અહીં માનવપરિસ્થિતિનું જે રીતે નિરૂપણ કરે તેમાં તેમનો એક critical voice રણકતો સંભળાય છે. એમાં તેમનો નૈતિક અભિગ્રહ જોઈ શકાય. જોકે એની વ્યાખ્યા કરવાનું સરળ નથી. આધુનિક માનવીના જીવનસંયોગો અને તેની નિયતિના પ્રશ્નો વિશે સચિંત લેખકો દેખીતી રીતે જ નગરજીવનનાં પાત્રો લઈને કથા રચવા પ્રેરાયા છે. બદલાતા માનવસંબંધો, બલકે તૂટતા અને વિચ્છિન્ન થતા માનવસંબંધોની રેખાઓ એમાં ઉત્કટતાથી ઊપસી આવતી દેખાય છે. જૂનો સમાજ, જૂના આચારવિચાર, જૂનાં મૂલ્યો હવે ઝડપથી લોપાઈ રહ્યાં છે. ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને લીધે સામાજિક અને નૈતિક વ્યવસ્થા તૂટી રહી છે. જીવનનો અર્થ સમજાય તેવી ક્ષણો વિરલ બની રહી છે. લગ્ન, કુટુંબ અને સમાજના ધારણપોષણના ખ્યાલો પર ઘા થઈ રહ્યા છે. વ્યક્તિ પોતાની ધરતીમાંથી જ ઊખડી ગયાની લાગણી અનુભવે છે. એકલતા, પરાયાપણું, વિફલતા, વિષાદ એ આધુનિક માનવીની આધ્યાત્મિક કટોકટીનાં દ્યોતક છે. આ પ્રકારના માનવસંદર્ભમાં જે એક critical voice રણકી ઊઠતો હોય છે તેમાં લેખકનાં નૈતિક વૃત્તિવલણો અન્તર્હિત રહ્યાં હોય એમ જોઈ શકાશે. ચંદ્રકાન્ત બક્ષી, મધુ રાય, રાવજી, રઘુવીર, વિભૂત, મહેશ દવે, જ્યોતિષ જાની, મુકુંદ પરીખ, પિનાકિન દવે, રાધેશ્યામ શર્મા, ઈવા ડેવ, સુવર્ણા, સુધીર દલાલ, હરીન્દ્ર, ઘનશ્યામ આદિની નગરજીવનની કથાઓ આ દૃષ્ટિએ વિશેષ ધ્યાનપાત્ર જણાશે. નગરજીવનની કથાઓમાં ચંદ્રકાન્ત બક્ષીની નવલકથાઓ, તેમાંયે ‘આકાર’, ‘એક અને એક’ અને ‘પેરેલિસિસ’ જેવી કૃતિઓ, એક રીતે આધુનિકોનો મિજાજ બરોબર રજૂ કરે છે. કુટુંબ અને સમાજજીવનથી વિચ્છિન્ન અને ખંડિત દાંપત્યનો એકાકી બોજ ઊંચકનારાં પાત્રો તેમને વધુ ઇષ્ટ રહ્યાં છે. નગરજીવનની જડ નિષ્ઠુર ઘટમાળમાં દિશાશૂન્ય બની રહેતાં એ પાત્રો વત્તેઓછે અંશે વિરતિનો અનુભવ કરે છે. પરિસ્થિતિનો સમગ્રતયા પ્રામાણિકપણે મુકાબલો કરવા જેટલું આત્મબળ તે ધરાવતાં નથી. મહત્ત્વનો મુદ્દો તો એ છે કે તેમનું અંતઃકરણ નીતિ-અનીતિના પ્રશ્નોમાં ખાસ ગૂચાતું નથી. કેવળ એક વિરાટ અરાજકતા વચ્ચે પરિસ્થિતિના ભાગ રૂપે તે પોતાનું અસ્તિત્વ નભાવ્યે જાય છે. ‘આકાર’નો યશ શાહ આ પ્રકારનો નાયક છે. એને આત્મસંજ્ઞા જેવું કશું છે નહિ. તે પોતાના પિતાની રખાતને કલકત્તાની ‘બસતી’માં શોધવા નીકળે છે અને કેવળ આભાસી જગતમાં અહીંથી તહીં ઠોકરાતો રહે છે. સરના બુલબુલ જોડે જીવતો સંબંધ તે બાંધી શકતો નથી. મિત્ર દીપક અને બીજાં સ્વજનોથી પણ તે લગભગ નિર્લેપ રહી જાય છે. તે ઉત્કટ સંવેદનતંત્ર ધરાવતો હોવાથી માનવજીવનની નિસ્સાર પણ વંચનાભરી પ્રવૃત્તિઓનો વિચાર કરવા પ્રેરાય છે ખરો, પણ તેમાં રજમાત્ર ફેરફાર કરી શકે નહિ એવી તેની લાગણી રહી છે. અહીં બક્ષીએ નગરજીવનના સંદર્ભમાં અસ્તિત્વની વિષમતા અને વંધ્યતાનો ભાવ તીવ્રતાથી ઉપસાવ્યો છે. કુટુંબ સમાજ ધર્મ અને નીતિના રૂઢ ખ્યાલોનું જાણે વિઘટન થઈ રહ્યું છે. સ્ત્રી-પુરુષના સંબંધોમાં પણ રૂઢ માનસને આઘાત આપે એવાં તત્ત્વો દેખાય છે. આમ છતાં આ નવલકથામાં લેખકનો ભાવરણકો (tone) આ જાતનો છે કે, અહીં માનવની નિયતિ જ આ રીતે નિર્મિત થઈ ચૂકી છે. યશના જીવનની કરુણતા એ કદાચ આધુનિક માનવીની કરુણતા છે. એ રીતે બક્ષીનો critical voice એમાં છતો થઈ જાય છે. એમાં positively નવી નીતિમત્તાની સ્થાપના કરવાનો લેખકનો ઇરાદો છે, એમ કહી શકાશે નહિ. પણ એમાં નૈતિક અભિગમ જેવું કંઈ છે જ નહિ, એમ પણ કહી શકાશે નહિ. પોતે રચેલી કથાસૃષ્ટિમાં માનવપરિસ્થિતિના જે અંશો તેઓ ઘૂંટે છે કે ઘેરા રંગમાં આલેખે છે તેમાં જ લેખકના નૈતિક અભિગ્રહો પ્રચ્છન્નપણે કામ કરી રહેલા દેખાશે. પાત્રનાં કાર્યો કે વર્તન વિશે લેખક ભલે નૈતિક ચુકાદો કે મૂલ્યાંકન રજૂ કરતા ન હોય, કૃતિના સંવિધાનમાં ભલે કાવ્યન્યાયની યોજના ન હોય, એ પાત્રો અન્ય જોડે કેવી રીતે વર્તે છે, આસપાસના જગતમાં બનતી ઘટનાઓ વિશે કેવા પ્રતિભાવો પાડે છે, અને સૌથી વિશેષ તો એમનું સંવેદનવિશ્વ ઇતર જગતને કેવી રીતે પ્રતિબિંબિત કરે છે તેમાંથી કૃતિનો (અને એ રીતે જ કર્તાનો) નૈતિક સ્વર બંધાતો હોય છે. મધુ રાયની ‘ચહેરા’ કૃતિ પણ આ દૃષ્ટિએ નોંધપાત્ર રહે છે. કલકત્તા જેવા મહાનગરની વિષમ પરિસ્થિતિ અહીં કેન્દ્રમાં છે. એમાં ઘણુંબધું પ્રાકૃત અને જુગુપ્સક તત્ત્વ કૂટ વાસ્તવિકતા રૂપે સામે મળે છે. આખીયે પરિસ્થિતિને લેખક વ્યંગકટાક્ષ અને ઉપહાસની રગમાં વર્ણવે છે. અહીં આ પ્રકારના અભિગમમાં મધુ રાયનાં નૈતિક વલણો જોઈ શકાશે. વ્યક્તિ અને સમષ્ટિના શ્રેયાશ્રેયને લગતી સભાનતા જ્યાં જ્યાં ઊગી નીકળતી લાગે ત્યાં ત્યાં નૈતિક સ્વર રણકી ઊઠવાનો જ. પણ આવા પ્રસંગે નીતિમત્તાનું સ્પષ્ટ સ્વરૂપ ઓળખાવવાનું મુશ્કેલ હોય અથવા તેનું સ્થિર અને ટકાઉ ધોરણ રચવાનું મુશ્કેલ હોય એમ બને. કદાચ એમ કહેવું પડે કે કૃતિમાં માનવપરિસ્થિતિનાં negative aspects રેખાંકિત કરનાર લેખક પરોક્ષ રીતે એના positive aspectની અપેક્ષા ઊભી કરી આપતો હોય છે. કૃતિમાં નીતિમત્તાના પ્રશ્નો આખરે એમાં સિદ્ધ થતી એની કળાકીય વાસ્તવિકતાના પ્રશ્નો છે. જ્યાં કૃતિના સંદર્ભમાં વ્યવહારની ભૂમિકાનું અનુસંધાન વિશેષ સંભવે છે ત્યાં આ જાતના પ્રશ્નોની ભૂમિકા કંઈક બદલાઈ જતી લાગશે. રઘુવીરની કથાસૃષ્ટિમાં ‘અમૃતા’, ‘આવરણ’, ‘લાગણી’ કે ‘ઉપરવાસ’(કથાત્રયી)ની આગવી કોટિની વાસ્તવિકતાનો ખ્યાલ એ રીતે દ્યોતક નીવડે એમ છે. ‘અમૃતા’માં ઉદયન અનિકેત અને અમૃતાની સંવિત્તિ એના સર્જકની કંઈક સીધી સંડોવણીને કારણે કદાચ કુંઠિત થઈ જવા પામી છે. ત્રણેયની જીવનગતિમાં લેખકનો દોરીસંચાર વરતાઈ આવે છે. સ્વતંત્રતાની ઝંખના સેવતાં આ પાત્રો હજી લેખકના સભાન આશયોથી નિયંત્રિત થતાં દેખાય છે. અહીં અલબત્ત વિશ્વ-પ્રકૃતિનાં અપારવિધ રૂપો સુધી લેખકનું સંવિત્‌ વિસ્તરતું દેખાય છે, પણ પાત્રોના પરસ્પરના સંબંધોની ભૂમિકામાં તેમજ તેમની આગવી અનુભૂતિઓના ક્ષેત્રમાં કશાંક ‘બાહ્ય’ નિયંત્રણો જેવું દેખાય છે. રાવજીની ‘ઝંઝા’, રાધેશ્યામની ‘ફેરો’, હરીન્દ્રની ‘પળનાં પ્રતિબિંબ’ જેવી કૃતિઓમાં માનવ-સંબંધોની સૂક્ષ્મ સંકુલતા અને જીવનનાં ઊઘડતાં રૂપોની અર્થસંપન્નતા, એ બધું તરત જ ધ્યાન ખેંચે છે. જ્યોતિષની ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ જેવી રચનામાં લેખકની વિલક્ષણ રગમાંથી જન્મતું કૃતિસંવિધાન પણ આ દૃષ્ટિએ જોવા જેવું છે. નવલિકાના ક્ષેત્રમાં વસ્તુનો વ્યાપ અતિ સીમિત રૂપનો હોવાથી એમાં લેખકનાં નૈતિક વલણો ઘણી વાર લગભગ પ્રચ્છન્ન રહી જાય એમ દેખાશે. છતાં માનવજીવનના પલટાતા સંદર્ભો અને તેની વચ્ચે બદલાતી સંવેદનાના સૂક્ષ્મ આલેખો એમાં પણ જોઈ શકાશે. બક્ષીની ‘ગુડ નાઈટ, ડેડી’, ‘કબૂતરનું બચ્ચું’ અને ‘મીરાં’, મધુ રાયની ‘બાંશી નામની એક છોકરી’ અને ‘કરોળિયા અને કાનખજૂરા’, રાધેશ્યામની ‘હાથીપગો’, જ્યોતિષની ‘જેંતી સારો માણસ છે’ અને ‘બે જગજીવનરામનો સાક્ષાત્કાર’ જેવી અનેક કૃતિઓમાં સંવેદનની બદલાતી ક્ષિતિજો આપણું ધ્યાન ખેંચે છે. બક્ષીની ‘આ મુંબઈ શહેરમાં’, મધુ રાયની ‘કાન’ અને ‘ઈંટોના સાત રંગ’ જેવી રચનાઓ એના લેખકોની વ્યંગકટાક્ષની વિલક્ષણ રગને કારણે જુદો જ રણકો જગાડે છે. ઈવા ડેવની નવલિકાઓ અલબત્ત માનસશાસ્ત્રીય પ્રશ્નોની ભૂમિકામાં રોપાયેલી છે. ‘ચોન્ટી’, ‘મારી બા’, ‘લડૈ’ અને ‘જુબાની’ જેવી વાર્તાઓ માનવચિત્તના અલગ અલગ ખૂણાઓને સ્પર્શે છે. જુદાં જુદાં પાત્રોનાં વાણીવર્તન અને કાર્યો સંબંધી નૈતિકતાના પ્રશ્નો અહીં તીક્ષ્ણતાથી ઊપસી આવે છે. એમાં ‘જુબાની’ જેવી વાર્તા શ્લીલ-અશ્લીલના નાજુક પ્રશ્નને કેન્દ્રમાં આણે છે. બક્ષીની ‘કુત્તી’ રચનાને પણ અહીં યાદ કરી શકાય. ‘જુબાની’માં એક કાચી વયની કુમારિકા પર થયેલા બળાત્કારની ઘટના રજૂ થઈ છે. ‘કુત્તી’માં પવિત્ર લગ્નસંસ્થાની ભાવનાનો દ્રોહ છે. પણ આવે પ્રસંગે કૃતિના એકાદ અંશને સમગ્રના સંદર્ભથી અલગ કરીને તેને વિશે નૈતિક ચુકાદો આપવામાં આવે એ બરાબર નથી. સમસ્ત કૃતિની ભાવકના ચિત્ત પર સારી કે માઠી અસર પડે છે એ હકીકત લક્ષમાં લેવાની રહે છે. અલબત્ત આ સાથે જ લેખકનો આ પ્રકારના નિરૂપણમાં શો ઇરાદો હતો, નકરા વાસ્તવના એક ખંડ રૂપે ‘અશ્લીલ’ કે ‘અનીતિમય’ ગણાતા અંશોનું આલેખન કરવાને લેખકને કેટલી સ્વતંત્રતા મળવી જોઈએ, સરકાર કે સમાજ આવી ‘અશ્લીલતા’ અંગે ચુકાદો આપવા અધિકારી છે કે કેમ, અને એ માટે સેન્સરશિપની યોજના જરૂરી છે કે કેમ, એ બધા પ્રશ્નો સંકળાયેલા છે. પણ અહીં એ બધા પ્રશ્નો વણચર્ચ્યા જ રહી જાય છે.

પાદટીપ :

  1. ઈ. સ. ૧૯૭૭માં બોટાદમાં મળેલા ગુજરાતીના અધ્યાપક સંઘના સંમેલનમાં રજૂ કરેલો નિબંધ.