કળા, સાહિત્ય અને વિવેચન/પુરાણકથાલક્ષી વિવેચન

પુરાણકથાલક્ષી વિવેચન

(Mythical Criticism)

પુરાણકથાઓ (myths) માનવજાતિને મળેલો પ્રાચીન વારસો છે, પણ સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં પુરાણકથાલક્ષી અભિગમ એ આધુનિક સમયની ઘટના છે. છેલ્લાં દોઢસો બસો વર્ષો દરમિયાન માનવસંસ્કૃતિના વિશેષ આવિર્ભાવ લેખે પુરાણકથાઓનાં સ્વરૂપ અને કાર્યો વિશે ચુસ્ત વૈજ્ઞાનિક દૃષ્ટિએ સંશોધન-અધ્યયન આરંભાયું. વિશેષતઃ ફ્રેઝર, ટાય્‌લર, હેરિસન, મેક્સમૂલર, ફ્રોય્‌ડ, યુંગ, યોસેફ કેમ્પબેલ, ક્લાય્‌ડ ક્લકહોમ, નોર્થ્રોપ ફ્રાય આદિ અનેક અભ્યાસીઓએ આગવા આગવા અભિગમથી આ ક્ષેત્રમાં કામ કર્યું. મૂળ વાત એ છે કે પુરાણકથાઓ બહુસ્તરીય કે બહુપાર્શ્વી કૃતિઓ નીવડી છે. ધર્મ, સમાજશાસ્ત્ર, માનવનૃવંશશાસ્ત્ર, મનોવિશ્લેષણવાદ, સંરચનાવાદ, સાહિત્યાદિ કળાઓ એમ અનેક વિષયો સાથે એના ગાઢ સંબંધો સ્થપાયા છે. પણ જુદા જુદા ક્ષેત્રના અભ્યાસીઓએ એને લગતી જે વિશાળ ચર્ચાવિચારણાઓ કરી તેમાંથી પુરાણકથા(myth) કે પુરાણપ્રતીક (mythical symbol)ના સ્વરૂપ અને કાર્ય વિશે કોઈ એક સ્થિર નિશ્ચિત એકાત્મકરૂપ વ્યાખ્યા મળી નથી. જુદા જુદા અભ્યાસીઓમાં એનાં જુદાં જુદાં પાસાં પર ભાર મુકાયો છે કે જુદા જ અભિગમથી એની સિદ્ધાંતચર્ચા વિકસી છે. જેમ કે, ફ્રેઝર જેવા અભ્યાસી પુરાણકથાઓનો પ્રાચીન સમાજ કે જાતિઓના ક્રિયાકાંડો(rituals) સાથે ગાઢ સંબંધ હોવાનું સ્વીકારે છે, તો ફ્રોય્‌ડ અને કેમ્પબેલ જેવા અસંપ્રજ્ઞાતના નિર્માણરૂપે એને જુએ છે. પુરાણકથાલક્ષી અધ્યયન-વિવેચનમાં એ કારણે પ્રસ્તુત સાહિત્યકૃતિઓમાં ક્રિયાકાંડો કે અસંપ્રજ્ઞાતની તપાસ માટે અલગ અલગ અભિગમો ઊપસ્યા છે. સાહિત્યવિવેચનમાં વળી પુરાણકથાલક્ષી(mythical) અને આદ્યબિંબલક્ષી(archetypal) એ બે અભિગમો ક્યાંક જોડાયેલા રહ્યા છે. જોકે માનવસંસ્કૃતિઓના ઇતિહાસમાં ‘પુરાણકથા’ (myth-mythical narrative)નો ખ્યાલ પ્રાચીન છે, જ્યારે ’આદ્યબિંબો’ (archetype)ની વિભાવના કાર્લ યુંગના ‘સામૂહિક અવચેતન’ (collective unconscious)ના ખ્યાલ સાથે પ્રતિષ્ઠિત થયેલી છે. પણ યુંગને એમ દર્શાવવું છે કે ‘સામૂહિક અવચેતન’માં બંધાવા પામેલાં ‘આદ્યબિંબો’નું સૌથી પ્રથમ અતિ પ્રાણવાન આવિષ્કરણ પુરાણકથાઓનાં પ્રતીકો કે પ્રતિરૂપોમાં થયું છે. આદ્યબિંબોની તપાસ એ રીતે પુરાણકથાઓના વિશ્વમાં દોરી જાય છે. જોકે બંને અભિગમોમાં જુદાંજુદાં પાસાંઓ પર ભાર મુકાયો છે. એટલે બંને વિવેચનપ્રવૃત્તિઓ તપાસની પદ્ધતિ અને પ્રયોજન પરત્વે અલગ પડે છે. પુરાણકથાઓનું વિશ્વ ઐતિહાસિક સમયની પેલે પારનું આદિમ સૃષ્ટિમાં ઓતપ્રોત વિશ્વ છે. ઐતિહાસિક બળોના પ્રભાવો અને વિકારોથી એ મુક્ત છે. પ્રાચીન સમાજો અને જાતિઓની અતિ સમર્થ કલ્પનાઓનું એ નિર્માણ છે. જે ગૂઢ અકળ વિશ્વના રંગમંચ પર આદિ માનવનું આગમન થયું તેની સત્તાથી તે પ્રભાવિત થયો હોય, તેના પ્રાકૃતિક બનાવોએ તેનામાં કુતૂહલ આશ્ચર્ય કે વિમાસણ જન્માવ્યાં હોય અને તેને લગતા પ્રશ્નો થયા હોય એ સ્વાભાવિક છે. પણ એ તબક્કે વિશ્લેષક બુદ્ધિથી નહિ પણ પ્રતીકાત્મક કલ્પનાથી તેણે પોતાના સંકુલ પ્રતિભાવોને મૂર્તિમંત કર્યા છે. એ રીતે અદ્‌ભુત, અલૌકિક બનાવો અને દિવ્ય શક્તિવાળાં ચરિત્રો ગૂંથીને તેણે પુરાણકથાઓ નિપજાવી છે. દેવ દાનવો અને લોકોત્તર શક્તિવાળાં ભિન્નભિન્ન સ્તરનાં ચરિત્રો, દેવદાનવોના સંગ્રામ કે માનવજાતિઓના યુદ્ધમાં તેમની નિર્ણાયક ભૂમિકા; સ્વર્ગ, પૃથ્વી, પાતાળ; સ્વર્ગ, નરક જેવા ઊંચાનીચા લોક; દિવ્ય ચમત્કારિક આયુધો કે સાધનો; સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયની અદ્‌ભુત કથાઓ અને તેમાં દેવતાઓનાં અવતારકાર્યો, વિરલ માનવજન્મો કે મુક્તિની કથાઓ, માનવસંસ્કૃતિનાં પહેલાં મંડાણની કથાઓ, વનસ્પતિ અને પ્રાણીજગતમાં ચમત્કારિક ફેરફારોની કથાઓ વગેરે પુરાણકથાના મુખ્ય વિષયો રહ્યા છે. આ પુરાણકથાઓનાં મુખ્યગૌણ અસંખ્ય વૃત્તાંતો પરસ્પરમાં ગૂંથાયેલાં છે. એના પ્રથમ પાઠની જાણકારી મેળવવાનું આજે અતિ મુશ્કેલ છે, પણ ધર્મકથાઓ, વિધિવિધાનો, પ્રાચીન મહાકાવ્યો, નાટકો અને પ્રશિષ્ટ પરંપરાની કૃતિઓ, લોકસાહિત્ય, સંગીત, ચિત્રશિલ્પ અને સ્થાપત્ય આદિ કળા – એમ ભિન્નભિન્ન પરંપરાઓમાં તેનાં જુદાં જુદાં સંસ્કરણો પ્રાપ્ત થાય છે. અનેક સમાજો અને સંસ્કૃતિઓમાં ધર્મ અને પુરાણકથાઓનો સંયુક્ત વારસો મળ્યો હોય છે. એવા સંદર્ભોમાં ધર્મ અને પુરાણકથાઓ બંને પરસ્પરને આશ્રયે વિકસ્યાં દેખાશે. જોકે પૃથ્વી પરની અનેક આદિમ જાતિઓ કોઈ ચોક્કસ ધર્મના આધાર વિનાય અલગપણે પુરાણકથાઓ વિકસાવી ચૂકેલી છે. એ પરથી એમ સૂચવાય છે કે પુરાણકથાઓનો ઉદ્‌ભવ ધર્મસંસ્થાથી અલગપણે સંભવે છે. પણ ધર્મના સંયોગે તે જન્મી છે ત્યાં તે વધુ સંકુલ, સમૃદ્ધ અને પ્રભાવક નીવડી આવી છે. જે તે ધર્મના અનુયાયીઓ એ પુરાણકથાઓને પવિત્ર અને લોકોત્તર સંદેશવાળી લેખવતા રહ્યા છે. સંશયબુદ્ધિ કેળવ્યા વિના તેઓ તેનો સ્વીકાર કરતા હોય છે. પુરાણકથાઓ, દેખીતી રીતે જ, કોઈ બૌદ્ધિક નિર્મિતિઓ નથીઃ એનું રહસ્ય, એનું ઋત – એ પોતાના વિશિષ્ટ લોકોત્તર વિશ્વમાં ધરાવે છે અને એ રીતે એ સ્વતઃ સિદ્ધ પ્રભાવકતા ધરાવે છે. એનાં લોકોત્તર ચરિત્રો અને બનાવોને માત્ર સામાજિક નૈતિક માળખામાં સમજાવી શકાય નહિ : કશુંક અકળ, અગ્રાહ્ય રહસ્ય તેમાં મૂર્ત થયું હોય છે પણ એ કારણે જ જુદા જુદા યુગના કવિઓ, નાટ્યકારોને એ કથાઓ આકર્ષતી રહી છે. ધર્મસંસ્થાના અંગ લેખે પુરાણકથાઓ સ્પષ્ટ કે અર્ધસ્પષ્ટ વિશ્વવ્યવસ્થાનું દર્શન રજૂ કરે છે. સમાજબંધારણ, વિધિવિધાન, પર્વો, ઉત્સવો અને જુદા જુદા વ્યવસાયો સાથેય અમુક પુરાણકથાઓ સંકળાયેલી રહી છે. નીતિ, સદાચાર, પાપપુણ્યો, જીવનની મુક્તિ અને મૂલ્યોના ઉચ્ચાવચતાનો ક્રમ – એ સર્વ બાબતોય પુરાણકથાઓમાં ગૂંથાયેલી હોય છે. એ કારણે સદીઓ સુધી પુરાણકથાઓ, ધર્મની સાથે સાથે, સંસ્કાર અને આચારવિચારની એ પ્રેરણા આપતી રહી છે. સામાજિક સંગઠનમાં પ્રચ્છન્ન રીતે ફાળો આપતી રહી છે. ધર્મના આચાર્યો માટે એનો આસ્થાપૂર્વક સ્વીકાર રહ્યો છે, પણ સાહિત્યકારો કળાકારો પણ વારંવાર એમાંથી પ્રેરણા લેતા રહ્યા છે. કેટલીક વાર સમગ્ર પૌરાણિક કથાનું તેઓ આગવું અર્થઘટન કરવા પ્રેરાયા છે, તો કેટલીક વાર આધુનિક ચેતનાને વ્યક્ત કરવા તેના પ્રતીકાત્મક તંત્રનો કુશળતાથી વિનિયોગ કર્યો છે, તો કેટલીક વાર પુરાણકથાનો અંશ માત્ર – ચરિત્ર કે પ્રસંગ – લઈ તેને સ્વતંત્ર પ્રતિભાથી વિકસાવ્યો છે, તો કેટલીક વાર પુરાણપ્રતીકો કે પુરાણતત્ત્વોને અભિવ્યક્તિના એક ઉપકરણ પૂરતાં સ્વીકાર્યાં હોય છે. કૃતિવિવેચનના સંદર્ભે અવલોકીએ તો પુરાણકથાલક્ષી અભિગમ કોઈ આગવી સાહિત્યિક ધારણા પર મંડિત નથી, તેમ સમાજ, સંસ્કૃતિ વિશેની કૃતિથી બહારની કોઈ વિચારધારા લાગુ પાડવાનો ઉપક્રમ પણ એમાં નથી. એમાં અવલોકનીય કૃતિને પુરાણકથાઓના વ્યાપક માળખામાં મૂકીને જોવાનો પ્રયત્ન-ઉપક્રમ છે. કૃતિમાં ગૂંથાયેલી પુરાણકથા કે તેના અંશો, અને તેની સાથે જોડાયેલાં વિધિવિધાનો(rituals)ના ગર્ભિતાર્થો કવિની રચનામાં કેવી રીતે અર્થસમર્પક બને છે અને તેમાં નવું પરિમાણ આણે છે તે તેની તપાસનો મુખ્ય મુદ્દો છે. આપણા સમયમાં તુલનાત્મક સાહિત્યના ક્ષેત્રમાં અનેકવિધ અધ્યયનની પ્રવૃત્તિઓ ઝડપથી વિકસી રહી છે. તેમાં એકરૂપ લાગતી મૂળની પુરાણકથાઓ સમાન સાંસ્કૃતિક વારસો ધરાવતી પ્રજાઓના સાહિત્યમાં કેવાં રૂપાંતરો પામીને ઊતરી બલકે જુદી જુદી પ્રતિભાવાળા લેખકોએ એનાં કેવાં વિશિષ્ટ કળારૂપો નિપજાવ્યાં અને કેવાં અર્થો-અર્થઘટનો સિદ્ધ કર્યાં તેના તુલનાત્મક અધ્યયન અર્થે ઘણું ફળપ્રદ ક્ષેત્ર બની છે. આધુનિક કવિ-નાટ્યકાર પોતાની રચનાને પુરાણકથાનું આછું માળખું રચી ગહન વ્યંગ (irony) સિદ્ધ કરે છે તેમાં પૌરાણિક અને આધુનિક જીવનતત્ત્વો વચ્ચેનો વિરોધાત્મક તણાવ આગવી રીતે સમર્પક બને છે. આ ઉપરાંત, અનેક આધુનિક કૃતિઓના રચનાવિધાનમાં પ્રચ્છન્નપણે પુરાણકથામાં સક્રિય રહેલા નિયમનું અનુસંધાન સંભવે છે. પુરાણકથાલક્ષી વિવેચનમાં કામ કરતા અભ્યાસીઓ આવશ્યકતા અનુસાર તપાસની પદ્ધતિ સ્વીકારીને ચાલે છે, અને કૃતિઓના વિશિષ્ટ પૌરાણિક અર્થોની ખોજ ચલાવે છે. હર્બર્ટ વાય્‌ઝીંગર નામના અભ્યાસી દ્વારા શેક્સપિયરની ટ્રૅજડિઓમાં મીથ અને વિધિવિધાનોની તપાસ, જ્હોન વિકરી દ્વારા ડી.એચ. લૉરેન્સની લઘુનવલકથાઓમાં ગૂંથાયેલાં પુરાણતત્ત્વો અને વિધિવિધાનની તપાસ જ્હોન લિડનબર્ગ દ્વારા ફૉકનરની કૃતિ ‘ધ બેયર’માં પ્રકૃતિની પુરાણકથાની ઓળખ અને કલેર રોઝેનફિલ્ડ દ્વારા કોનરાડની કૃતિ ‘નોસ્ટ્રોમો’માં આદ્યબિંબોની તપાસ – આ પ્રકારનો વિવેચનની દૃષ્ટાંતરૂપ ઉપલબ્ધિઓ છે.