કળા, સાહિત્ય અને વિવેચન/મનોવિશ્લેષણવાદી વિવેચન
વિવેચનનો આ અભિગમ પ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોય્ડના મનોવિશ્લેષણવાદ (psycho-analysis) પર આધારિત છે અને પશ્ચિમમાં આ સદીમાં પ્રતિષ્ઠિત થયેલા વિવેચનના અભિગમોમાં એ ઘણો જુદો તરી આવે છે. ફ્રોય્ડના આગમન પહેલાં કેટલાક અભ્યાસીઓ અને વિવેચકોએ સામાન્ય મનોવિજ્ઞાન(General Psychology)ના કેટલાક પાયાના ખ્યાલોને વિવેચનમાં સાંકળવાના પ્રયત્નો કર્યા હતા. વિશેષતઃ લેખકના અને તેણે સર્જેલાં પાત્રોના લાગણી વ્યાપારોનાં સ્પષ્ટીકરણો આપવાનો અભિગમ એમાં જોવા મળતો. પણ ફ્રોય્ડે મનોવિશ્લેષણવાદની સ્થાપના કરી તે આ સદીની સાહિત્યવિચારણામાં ઘણી પ્રભાવક નીવડી. માણસના જાગૃત ચિત્તની નીચે અસંપ્રજ્ઞાત ચિત્ત(the unconscious) રહેલું છે, એવો ક્રાન્તિકારી વિચાર તેમણે પ્રતિપાદિત કર્યો. જાગૃત સ્તરે માણસ જે લાગણીઓ પ્રગટ કરે છે, જે રીતે કાર્ય કરે છે, તેમાં અસંપ્રજ્ઞાતનું અનુસંધાન હોય છે. જે દૈહિક ઇચ્છાઓ અને વાસનાઓ બહારના જગતમાં સામાજિક અને નૈતિક નિયંત્રણોને કારણે સંતુષ્ટ થતી નથી, તે અવરુદ્ધ ઇચ્છાઓ અને વૃત્તિઓ અન્ય રીતે સુખદાયી પદાર્થો પાત્રો સાથે બદ્ધ થઈને ટકી રહે છે. ફ્રોય્ડના મતે માણસનાં પ્રગટ વાણીવર્તન કરતાં તેની દૈહિક સ્તરે ઊઠતી ઇચ્છાઓ અને વૃત્તિઓ વધુ વાસ્તવિક છે. માણસના સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત ચિત્ત વચ્ચે એ રીતે મૂળભૂત દ્વૈત રચાયું. માણસના વ્યક્તિત્વ વિશે એ સાથે નવી ધારણા જન્મી. જ્ઞાનની પ્રાપ્તિ વિશેની રૂઢ વિચારણામાં નવું દૃષ્ટિબિંદુ મળ્યું. નૈતિક અને અનૈતિક વિશેના જૂના ખ્યાલો અને જૂની માન્યતાઓ વિશે ફેરવિચારણા કરવાની ચિંતકોને ફરજ પડી. સમાજ અને સંસ્કૃતિના હાર્દમાં પડેલી બીમારી વિશે એ સાથે નવેસરથી વિચારણા આરંભાઈ. મનોવિશ્લેષણવાદની પ્રેરણા અને પ્રભાવ નીચે સાહિત્યાદિ કળાઓના વિવેચનવિચારમાં સર્વથા નવો પરિપ્રેક્ષ્ય પ્રાપ્ત થયો. લેખકની માનસિકતાનું બંધારણ, કૃતિની રચનાપ્રક્રિયા, ભાવકના ચિત્ત પર પડતો પ્રભાવ, કલ્પનો, પ્રતીકોનાં મૂળ સ્રોતો અને તેની કામગીરી, ભાષાની સંરચનામાં અસંપ્રજ્ઞાત-સંપ્રજ્ઞાતની નિર્ધારકતા વગેરે બાબતોની વિચારણા મનોવિશ્લેષણવાદના પ્રકાશમાં નવેસરથી મંડાઈ. ફ્રોય્ડે મનોવિશ્લેષણવાદની જે પદ્ધતિ નિપજાવી અને એ સંદર્ભે જે વિચારવ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન કર્યો તે વિશે તેના અનુયાયી મનોવિજ્ઞાનીઓએ વિશેષતઃ એડ્લર, હર્ની, ફ્રોમ, સલિવન, યુંગ અને રેંક જેવા મનોવિજ્ઞાનીઓએ આગવીઆગવી દૃષ્ટિએ વિવરણ કે અર્થઘટન કર્યું. વળી, સંરચનાવાદ, અનુસંરચનાવાદ અને વિઘટનવાદ જેવી વિચારધારાઓ સાથે તેનો વત્તેઓછે અંશે યોગ થતાં અનેક નવાં વિચારવલણો જન્મ્યાં. એ સર્વ વિચારણાઓ વિવેચનમાં નવાંનવાં દૃષ્ટિબિંદુઓ જન્માવતી રહી. મનોવિશ્લેષણવાદી વિવેચન સંજ્ઞા નીચે અત્યારે નીચેની ભિન્ન ભિન્ન ભૂમિકાએથી ચાલતી વિવેચનપ્રવૃત્તિઓ સૂચવાતી રહી છે : ૧. પ્રશિષ્ટ મનોવિજ્ઞાન પર આધારિત વિવેચન – ફ્રોય્ડની ઇડ-સાયકોલોજી (Id-Psychology) એમાં મુખ્ય પ્રેરણાસ્રોત છે. ર. ફ્રોય્ડની ઇગો-સાયકોલોજી(Ego-Psychology)ના આધારે તેના અનુગામી અભ્યાસીઓએ કરેલું વિવેચન. ૩. ફ્રોય્ડની ઓબ્જેક્ટ-રિલેશન્સ(Object-Relations)ની વિચારણા પર આધારિત વિવેચન. બહારના પદાર્થો સાથેની ક્રિયાપ્રતિક્રિયાને પરિણામે માનવવ્યક્તિમાં selfનું નિર્માણ – એ એની આધારશિલા છે. ૪. સંરચનાવાદી મનોવિશ્લેષ્ણ પર આધારિત વિવેચન : મનોઘટના સ્વયં એક વાચના : લકાનનો સિદ્ધાંત. ૫. દેરિદા પ્રેરિત અનુસંરચનાવાદ પર નિર્ભર મનોવિશ્લેષ્ણવાદ : સાહિત્યિક વાચના સ્વયં એક મનોઘટના. ૬. વિચારધારાઓ(ideologies) અને મનોવિશ્લેષણવાદના સંબંધ પર આધારિત વિવેચન. આ ઉપરાંત, એલિઝાબેથ રાઇટ જેવાં અભ્યાસી યુગના ‘સામૂહિક અસંપ્રજ્ઞાત’ (collective unconscious)ના ખ્યાલ પર આધારિત ‘આદ્યબિંબલક્ષી વિવેચન’(Archetypal Criticism)નેય આ બધી વિચારણાઓની સાથોસાથ મૂકે છે. ‘મનોવિશ્લેષણવાદ’ સંજ્ઞા મૂળે તો માનસિક રોગીઓની વિશિષ્ટ ચિકિત્સાપદ્ધતિ સૂચવે છે. ફ્રોય્ડની મુખ્ય ધારણા એ રહી છે કે મનના રોગીઓ પોતાના અસંપ્રજ્ઞાતમાં તેને પોતાનેય જાણ ન હોય તે રીતે કોઈક અવરુદ્ધ ઇચ્છાઓ કે વૃત્તિઓની ભારે ભીંસ અનુભવી રહ્યા હોય છે અને એના તણાવ નીચે અસહ્ય પીડા ભોગવી રહ્યા હોય છે. ફ્રોય્ડે, એક મનોચિકિત્સક લેખે, એવા રોગીઓ સાથે આત્મીયતા કેળવીને વાર્તાગોષ્ઠિઓ કરી. ‘મુક્ત સાહચર્યો’ની પદ્ધતિએ ચાલીને રોગીઓની ઉક્તિઓ તેઓ લક્ષમાં લેતા રહ્યા. ખાસ તો તેનાં વાણીવર્તનમાં, તેની સ્મરણકથામાં, તેનાં સ્વપ્નોના અહેવાલમાં અમુક વિચિત્ર અણજાણ વિગતો પકડીને તેઓ તેના અંદરનો સંઘર્ષ સમજવા મથી રહ્યા. બાહ્ય પ્રગટ પુરાવાઓને આધારે અસંપ્રજ્ઞાત સ્તરના મૂળ ભાવોદ્રેકો(impulses)નો તાગ મેળવવાની આ ચિકિત્સાપદ્ધતિ જ મનોવિશ્લેષણવાદ તરીકે ઓળખાવાઈ. પછીથી એ સંજ્ઞાનો અર્થવિસ્તાર થયો. હવે કોઈ પણ માણસના રોજિંદા વ્યવહારમાં જોવા મળતાં ભાષાકીય સ્ખલનો, સ્વપ્નો, ફેન્ટસીઓ, વિચિત્ર વાણીવર્તનોને ધ્યાનમાં લઈ તેના અસંપ્રજ્ઞાત ચિત્તના ગહન ભાવોદ્રેકો અને તેના ‘અર્થો’ ઉકેલવાની સમસ્ત પ્રવૃત્તિ ‘મનોવિશ્લેષણવાદ’ તરીકે ઓળખાતી થઈ. છેવટે આ પદ્ધતિએ તપાસ કરતાં જે કંઈ વિચારસામગ્રી એકત્ર થઈ, તેનાં જે કંઈ વિવરણો અને અર્થઘટનો થયાં અને સમીક્ષાત્મક દૃષ્ટિએ તપાસતા જઈ તેને જે વ્યવસ્થિત વિચારણા રૂપે મૂકવાના પ્રયત્નો થયા, તે સર્વ ‘સાહિત્ય’ પણ ‘મનોવિશ્લેષણવાદ સંજ્ઞાથી જ ઓળખાવાયું. ફ્રોય્ડની અસંપ્રજ્ઞાત ચિત્ત(The Unconscious)ની ધારણા મૂળે તો માનસિક રોગીઓની ચિકિત્સા નિમિત્તે જન્મી, પણ પછી પુરાણકથાઓ, અર્થબહુલ સાહિત્યકૃતિઓ, આદિમ જાતિઓમાં પ્રચલિત taboos, બાળકોની વિલક્ષણ ક્રીડાઓની તરેહ, ઠઠ્ઠામશ્કરી, ભાષાસ્ખલનો આદિ પ્રવૃત્તિઓના વિશાળ અધ્યયનમાંથી પોતાની એ ધારણા માટે સમર્થનો શોધી કાઢ્યાં. આ વિશેના લાંબા ગાળાના સંશોધનઅધ્યયન દરમ્યાન, જોકે, અસંપ્રજ્ઞાતની સંરચના વિશેના વિભાવમાં ફેરફાર કરી લેવાનું તેમને અનિવાર્ય જણાયું છેઃ ઈ.સ. ૧૮૯૦–૧૯૨૩ના પ્રારંભના તબક્કામાં માનવચિત્તના બે મુખ્ય ખંડો તેમણે સ્વીકાર્યા. એક સંપ્રજ્ઞાત ચિત્ત, બીજું અસંપ્રજ્ઞાત ચિત્ત. એ પૈકી પૂર્વસંપ્રજ્ઞાત(preconscious)ને તેમણે સંપ્રજ્ઞાતનો જ પેટાખંડ ગણ્યો. ઈ.સ. ૧૯૨૩ પછી બીજા તબક્કાની-વિચારણામાં ફ્રોય્ડે અસંપ્રજ્ઞાત (the unconscious), અહમ્(ego) અને ‘સર્વોપરી અહમ્’ (Super-ego) એમ ત્રણ ભાગો સ્વીકાર્યા. વાસ્તવમાં એ ત્રણ અલગ ભાગો નહિ, પણ અસંપ્રજ્ઞાતમાંથી જ ક્રમશઃ પ્રક્ષેપ પામેલાં ત્રણ ‘કાર્યસાધકો’(agencies) છે. અસંપ્રજ્ઞાત સ્વયં દૈહિક સ્તરેથી ક્રિયાશીલ થતી ઇચ્છાઓ, વૃત્તિઓ અને તેના અવરોધ સાથે આકાર લેતાં કલ્પનો/પ્રતીકોનું અંધારછાયું વિશ્વ છે. અસંપ્રજ્ઞાતનો જ એક અંશ ‘અહમ્’ રૂપે અસ્તિત્વમાં આવે છે, પણ અસંપ્રજ્ઞાતની અતૃપ્ત ઇચ્છાઓની સ્વૈર ક્રિયાઓને તે નિયંત્રિત કરે છે. ‘સર્વોપરી-અહમ્’ એ ‘અહમ્’માંથી પ્રક્ષિપ્ત વિશેષ તંત્ર છે જે સમાજજીવનના આદર્શો, ધોરણો, યમનિયમોના પાલન અર્થે ‘અહમ્’ પર દબાવ આણે છે. ‘અહમ્’ એ રીતે અસંપ્રજ્ઞાત અને સર્વોપરી અહમ્ વચ્ચે નિરંતર સમતુલન રચવા મથતું કાર્યસાધન છે. અસંપ્રજ્ઞાત વિશેના અધ્યયનના આખરી તબક્કામાં ફ્રોય્ડે અસંપ્રજ્ઞાત અને બહારના જગતના પદાર્થો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓની ચર્ચા કરી છે. તેની એ વિચારણા ‘પદાર્થ-સંબંધો’ના સિદ્ધાંત તરીકે જાણીતી છે. પદાર્થો સાથેના સતત સંપર્કમાં આવતાં છેક બાળપણથી ‘સ્વ’ (self) કેવી રીતે આકાર લે છે તે વિશેય તેમણે વિચાર્યું છે. સમાજ અને સંસ્કૃતિમાં વ્યાપક પ્રચારમાં આવેલી વિચારધારાઓ અને અસંપ્રજ્ઞાતના અતિ સંકુલ સંબંધોનીય તપાસ કરી છે.
ઇડ-સાયકોલોજી પર આધારિત વિવેચન :
મનોવિશ્લેષ્ણવાદી વિવેચનની પ્રારંભિક પ્રવૃત્તિ ફ્રોય્ડની અસંપ્રજ્ઞાતની વિચારણા – ઇડ એનું જ વિલક્ષણ સક્રિય રૂપ છે – તેના પર આધારિત છે. તેમના મતે દૈહિક સ્તરેથી ઊઠતી ઇચ્છાઓ, વૃત્તિઓ સુખભોગ અર્થે નિરંતર બહારના પદાર્થો તરફ અભિમુખ બને છે. જુદી જુદી પરિસ્થિતિઓમાં એકીસાથે અનેક ઇચ્છાઓ સ્વૈર સંચલિત થાય છે. જાતીય ઇચ્છા સૌમાં મૂળભૂત કેન્દ્રવર્તી સંચલના છે અને અન્ય ઇચ્છાઓ, વૃત્તિઓ સાથે વારંવાર તે સંઘર્ષમાં ઊતરે છે. એવી સ્વૈર ઇચ્છાઓને સંતુષ્ટિ અર્થે અવકાશ હોતો નથી. એટલે અસંપ્રજ્ઞાતની સીમામાં જ ‘પ્રાથમિક પ્રક્રિયા’ (primary process) દ્વારા તેનું અમુક નિયંત્રણ થાય છે. દૈહિક ઇચ્છાઓ એના જન્મ સમયે અમુક શક્તિનો સંચય ધરાવે છે. એના પર નિયંત્રણ આવતાં ઇચ્છાવેગ એ શક્તિના ઇચ્છિત પદાર્થને સ્થાને એના જેવા ભોગક્ષમ અન્ય પદાર્થ પર પ્રપાત કરે છે. આ પ્રક્રિયા ‘સ્થાનાંતર’ (displacement) તરીકે ઓળખાય છે. મૂળ ઇચ્છાના ભોગ્ય પદાર્થનું આ રીતે સ્થાનાંતર થતાં હવે નવા સુખભોગની પ્રચ્છન્ન સૃષ્ટિ રચાય છે. વળી, ભોગક્ષમ જુદા જુદા પદાર્થોને સ્થાને સ્થાનાંતરિત એવાં અપરિચિત કલ્પનો/પ્રતીકોનો નવો જ પુદ્ગલ રચાય છે. આ પ્રક્રિયા ‘ઘનીભવન’(condensation) તરીકે ઓળખાવાઈ છે. ‘અસંપ્રજ્ઞાત’ એ આ પ્રક્રિયાઓનું એકીસાથે સૂચન કરે છે. સંપ્રજ્ઞાતના સ્તરે ‘દ્વિતીય પ્રક્રિયા’ (secondary process) દ્વારા અસંપ્રજ્ઞાત સ્તરની ઇચ્છાઓ આવેગોનું વધુ કડક નિયંત્રણ થાય છે. સર્વોપરી અહમ્ સમાજજીવનના જે નીતિનિયમો આદર્શો વગેરે આગળ ધરે છે તેને અનુલક્ષીને ‘અહમ્’ અનિષ્ટ અંશોને બળપૂર્વક અવરોધે છે. સ્વપ્નોની નિર્મિતિ અને તેનું અર્થઘટન ફ્રોય્ડની પ્રસ્તુત વિષયની વિચારણામાં મહત્ત્વના સ્થાને છે. સાહિત્યકૃતિનો ઉદ્ભવ, તેની રચનાપ્રક્રિયા, મૂળની સામગ્રીનું રૂપાંતર વગેરે બાબતોની ચર્ચા ફ્રોય્ડે આ સ્વપ્નદૃષ્ટાંતના પ્રકાશમાં કરી છે. ઊંઘ દરમ્યાન માણસ જે સ્વપ્ન જુએ છે તે ખરેખર અતિ જટિલ પ્રચ્છન્ન અને દુર્ગ્રાહ્ય ઘટના છે. સ્વપ્નમાં દૃશ્યરૂપ વિશ્વ એ કલ્પનો/પ્રતીકોની પ્રગટ રચના છે. મૂળની દૈહિક ઇચ્છાઓ અને વાસનાઓ અવરુદ્ધ થતાં તેમાં સ્થાનાંતર અને ઘનીભવનની પ્રક્રિયાઓ ઉપરાંત પ્રતિનિધાન(represen-tation) અને ગૌણભાવે પુનઃસંસ્કરણ (secondary revision)ની પ્રક્રિયાઓ જોડાય છે. પ્રગટ પ્રતીકોની સૃષ્ટિના મૂળમાં ઊતરતાં, રૂપાંતરની સમગ્ર પ્રક્રિયાને લક્ષમાં લઈ, તેની ‘સુષુપ્ત સામગ્રી’(latent material)નો સંકેત પામી શકાય છે. ભાષામાં રજૂ થતી સાહિત્યકૃતિ પણ આ સ્વપ્ન સમી ફેન્ટસી માત્ર છે. એના લેખકની અતૃપ્ત રહેલી ઇચ્છાઓ, વાસનાઓ અન્ય પાત્રો અને પ્રસંગોના કાલ્પનિક નિર્માણની ઓથે સંતર્પાય છે. ફ્રોય્ડ ઉત્તમ સાહિત્યકૃતિઓમાં ઊપસતી અપૂર્વ રૂપરચનાનું મહત્ત્વ બરાબર જાણે છે. સર્જકની કોઈ વિશેષ શક્તિ તેમાં કામ કરે છે એમ પણ તેઓ સ્વીકારે છે. પણ તેમણે પોતાની તપાસ પોતાના ચિત્તમાં અવરુદ્ધ ઇચ્છાઓ અને તેનાં રૂપાંતરો પૂરતી સીમિત રાખી છે. ખાસ તો મૂળની અવરુદ્ધ સામગ્રી જે રીતે ‘પુનરાવર્તનનાં ચિત્રો’માં પરિણમે છે તેમાં તેમને વિશેષ રસ રહ્યો છે. આ ઇડ-સાયકોલોજીથી પ્રેરિત વિવેચનમાં ત્રણ દૃષ્ટિકોણો ઊપસ્યાં છેઃ ૧. કોઈ પણ એક લેખકની કૃતિ/કૃતિઓમાંથી પુરાવા રૂપ ‘પ્રગટ સામગ્રી’ લઈ તેને આધારે લેખકના અસંપ્રજ્ઞાત ચિત્તના મૂળ ભાવાવેગો અને તેના સંઘર્ષો ઉકેલવા. (મેરી બોનાપાર્તે એડ્ગર એલન પૉની ટૂંકી વાર્તાઓમાંથી પુરાવાઓ શોધી તેના અસંપ્રજ્ઞાત ચિત્તના ગહન સંઘર્ષોની તપાસ કરી છે.) ૨. લેખકે નિર્માણ કરેલા મુખ્ય કે ગૌણ પાત્રોનાં વાણીવર્તન, સ્વપ્નો આદિ સામગ્રી પુરાવાઓ રૂપે લઈ તેના અસંપ્રજ્ઞાત સ્તરના ભાવાવેગો અને આશયોની ઓળખ કરવી. અર્ન્સ્ટ જોન્સે ‘હેમ્લેટ’ નાટકના નાયક હેમ્લેટના વર્તન પાછળ કામ કરતી ઇડિપસગ્રંથિનો ખુલાસો આપ્યો છે તે આ રીતના અધ્યયનનું સારું દૃષ્ટાંત છે. ૩. કોઈ લેખકની કૃતિઓની સંરચના અને કાર્યનિર્વહણની પ્રક્રિયા ઉકેલીને તેના અસંપ્રજ્ઞાત સ્તરના સંઘર્ષના નિરાકરણ(resolution)નો ખ્યાલ મેળવી શકાય.
ઈગો-સાયકોલોજી પર આધારિત વિવેચન :
ફ્રોય્ડના અનુગામી ક્રિસ, હાર્ટમાન, લેસર અને હોલાન્ડ જેવા મનોવિજ્ઞાનીઓએ ફ્રોય્ડના ‘અહમ્’(ego) સિદ્ધાંત પર વિવેચન વિકસાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે એમ દર્શાવવાનો પ્રયાસ કર્યો કે સાહિત્યકૃતિનો સાચો આનંદ તેના કળાત્મક રૂપમાંથી મળે છે. અસંપ્રજ્ઞાત સ્તરની ઇચ્છાઓ અને વૃત્તિઓને ‘અહમ્’ના સાધન દ્વારા સંપ્રજ્ઞપણે લેખક નિયંત્રિત કરે છે અને ‘સર્વોપરી અહમ્’ એ માટે સામાજિક આદર્શો નિયમો આગળ ધરે છે. અસંપ્રજ્ઞાતના સ્તરે જે દૈહિક ઇચ્છાઓ અને આવેગો કેવળ અંગત રૂપે સંચલિત થાય છે તેને ‘અહમ્’ના કડક નિયંત્રણ નીચે રૂપાંતર સાધી સર્વજનભોગ્ય બનાવવામાં આવે છે. એટલે વિવેચનનું સાચું ક્ષેત્ર તે મૂળ સામગ્રીના નિયંત્રણ અને રૂપાંતરની પ્રક્રિયા છે. ફ્રોય્ડે અસંપ્રજ્ઞાત વિશે આરંભની વિચારણામાં જે વિભાવના રચી તેમાં ‘અહમ્’ એ માત્ર સંપ્રજ્ઞાત ચિત્તનું વિશિષ્ટ રૂપ હતું. પાછળના તબક્કામાં ‘અહમ્’ અને ‘સર્વોપરી અહમ્’ બંને ક્રમશઃ એ સંપ્રજ્ઞાતમાંથી જ ઉદ્ભવતી કાર્યસાધકતા છે. એ રીતે અસંપ્રજ્ઞતા અને અહમ્ વચ્ચે કોઈ તાર્કિક ભેદરેખા દોરી શકાતી નથી. અસંપ્રજ્ઞાત અને તેના એક જ અંશ રૂપ ‘અહમ્’ એ બે વચ્ચેનો સંઘર્ષ હવે તપાસનો વિષય બને છે. ક્રિસ નામના અભ્યાસીએ કૃતિનિર્માણમાં ‘અહમ્’ની નિયંત્રણશક્તિ જ અર્થબહુલતા(ambiguities)ને અવકાશ રચી આપે છે. વિલિયમ એમ્પ્સનની અર્થબહુલતાની વિચારણા પણ આ જ ભૂમિકા પર મંડાયેલી છે. કળાકૃતિ સ્વયં એક અખિલાઈવાળું સ્વાયત્ત વિશ્વ છે. એની અંતર્ગત રહેલી ભિન્ન ભિન્ન સ્તરની અર્થબહુલતાઓ ભાવકને પડકારે છે. એ રીતે ભાવકોના ભિન્ન ભિન્ન પ્રતિભાવોની તપાસ પણ આરંભાઈ.
પદાર્થ-સંબંધોનો સિદ્ધાંત અને વિવેચન :
ઈગો-સાયકોલોજી પર આધારિત વિવેચન મુખ્યત્વે ‘અસંપ્રજ્ઞાત’ અને તેમાંથી વિશેષ અંશ રૂપ ‘અહમ્’ વચ્ચેની આંતરપ્રક્રિયાને લક્ષે છે, તો પદાર્થ-સંબંધોનો સિદ્ધાંત બાહ્ય જગતના પદાર્થો સાથે અસંપ્રજ્ઞાતની ક્રિયાપ્રતિક્રિયાઓના સંકુલ અટપટા સંબંધોને કેન્દ્રમાં આણે છે. અસંપ્રજ્ઞાત ચિત્તમાં બહારના જગત સાથેના સંપર્કે વ્યકિતનો ‘સ્વ’ (self) વિશેષ રૂપે ઊપસે છે. આ પ્રક્રિયામાં સમાજમાં પ્રચલિત ભાષાય પ્રવેશે છે. જોકે આ વિષયના અભ્યાસી મિલાન ક્લીનની વિચારણામાં ફ્રોય્ડની આરંભની ઇડ-સાયકોલોજી પર ફરી ભાર મુકાયેલો જોવા મળે છે. નવજાત શિશુને કોઈ ‘સ્વ’(self) પ્રાપ્ત થયો હોતો નથી; માતાના દેહ અને ચિત્તથી અલગ સ્વત્વ બંધાયું હોતું નથી. પણ આસપાસના જગત વચ્ચે માતાથી અલગ વ્યક્તિત્વ બંધાવા માંડે છે. બહારના પદાર્થો/વ્યક્તિઓ સાથેના સંબંધમાં એકીસાથે બે પ્રક્રિયાઓ ચાલે છે. બહારની સંરચનાઓ અને રૂપો શિશુના ચિત્ત પર અંકિત થાય છે, તો ચિત્તમાં આગવી રીતે ઊપસતી સંરચનાઓ બહારના પદાર્થો પર આક્ષિપ્ત થાય છે. શિશુચિત્ત દરેક પ્રસંગે ‘ખંડિત-પદાર્થ’ (part-object)ને પામે છે. તેથી તેનું આગવું વ્યક્તિત્વ આકાર લે છે. આરંભમાં ફૅન્ટસી અને વાસ્તવિકતા વચ્ચેની ભેદરેખા સાવ ધૂંધળી હોય છે, પણ બહારના પદાર્થોની અલગ અને સ્વતંત્ર સત્તા વિશે જ્ઞાન થતાં વાસ્તવિકતા વિશે નક્કર પ્રતીતિ જન્મે છે. આ ઘટનામાં બીજાંકુર સમો ‘અહમ્’ પોતે નક્કર વાસ્તવિકતા સામે વિચ્છિન્ન તો નહિ થાયને એવી anxietyનો ભોગ બને છે. પદાર્થ સંબંધોના સિદ્ધાંત પર આધારિત વિવેચન લેખકના અસંપ્રજ્ઞાત અને પદાર્થજગત વચ્ચેના અતિસંકુલ સંબંધોને ધ્યાનમાં લે છે. કળાકાર જે ભાષા યોજે છે તેમાં અસંપ્રજ્ઞાતપણે તેની desire પ્રવર્તે છે. કૃતિ જે એક ફૅન્ટસી રૂપ છે તેમાં ભાષા દ્વારા તેની desire નિર્ધારક બને છે. એન્તોન એરેન્ઝવાય્ઝ, ઓડ્રિયન સ્ટ્રોક્સ અને રિચાડ્ર્ઝ કુહ્ન જેવા અભ્યાસીઓએ આ ભૂમિકાએથી કળાનિર્માણ અને કૃતિવિવેચનના પ્રશ્નો ચર્ચ્યા છે. એ પૈકી રિચાડ્ર્ઝ કુહ્ને તો વ્યાપકપણે સાંસ્કૃતિક પદાર્થોને અનુલક્ષીને ચર્ચા કરી છે. કળાપદાર્થોની રચનામાં સાંસ્કૃતિક મૂલ્યો અને વિચારણાઓ કેવી રીતે ભાગ ભજવે છે તેની તપાસ ઈગો-સાયકોલોજી’ના પ્રકાશમાં કરી છે.
સંરચનાવાદી મનોવિશ્લેષણ પર આધારિત વિવેચન : ચિત્તતંત્ર સ્વયં એક વાચના :
મનોવિશ્લેષણની સિદ્ધાંતચર્ચામાં કળાનિર્માણની વ્યવહારુ બાજુ ઉપેક્ષિત રહી છે. એવી કંઈક સમજથી જેક્સ લકાને તેની જુદી જ ભૂમિકાએથી માંડણી કરી. તેમના મતે શિશુમાનસના બાહ્ય જગત સાથેના સંબંધની ચર્ચામાં ‘ક્રીડા’ અને ‘ભ્રાંતિ’ના ખ્યાલો રજૂ થયા, પણ પદાર્થોની ઓળખના પ્રશ્ન નિમિત્તે ભાષાનો મુદ્દો ખાસ ચર્ચાયો નહીં. આથી ફ્રોય્ડના અસંપ્રજ્ઞાતના ખ્યાલનું નવસંસ્કરણ કરવા તેઓ પ્રેરાયા. તેમણે એમ દર્શાવ્યું કે અસંપ્રજ્ઞાતમાં આદિ ઇચ્છાઓ અને વૃત્તિઓ યાદૃચ્છિક રીતે અમુક કલ્પનો/વિચારો સાથે બદ્ધ થાય એમ કહેવું પૂરતું નથી – આ રીતના સંબંધોની યાદૃચ્છિકતાનો જ તેમણે અસ્વીકાર કર્યો. અસંપ્રજ્ઞતાનેય ભાષાકીય સંરચના જેવું તંત્ર સંભવે છે. અસંપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત બંને ‘વિશ્વો’ સમરૂપતા વિનાનાં છતાં સહ-ઉપસ્થિતિ ધરાવે છે. અસંપ્રજ્ઞાતની સંરચના બહારના જગતની વિભાવનાત્મક સંરચનાઓ સાથે, અલબત્ત, ચોક્કસ સંબંધ ધરાવે છે. એ સંબંધ ભાષાકીય અનુભવોના સ્તરેથી સંભવે છે. નવજાત શિશુની માનસિકતા સર્વથા આકારહીન હોય છે : તેના અનુભવોને કોઈ સીમા રહેતી નથી પણ પછીથી ક્રમશઃ તેના ચિત્તમાં ‘ઈગો’ આકાર લે છે. ભાષા પૂર્વેનો અને ઇડિપસ ગ્રંથિ પૂર્વેનો તબક્કો માત્ર કાલ્પનિક સૃષ્ટિનો હોય છે. પણ બાળક જ્યાં ભાષાના તંત્રમાં પ્રવેશે છે ત્યાં તેને પૂર્વેની ચિત્તસ્થિતિ અને ભાષાના પ્રતીકાત્મક તંત્ર વચ્ચે ખાઈ ઓળંગવી પડે છે. ભાષાની સંરચનામાં જ પૈતૃક સત્તા જેવા સામાજિક આદેશો અને નિયમો ગર્ભિત રહ્યા હોય છે. એટલે બાળકે ભાષાતંત્રમાં પ્રવેશતાં એનો સામનો કરવાનો આવે છે. ભાષાના બોધ પૂર્વેના imaginary વિશ્વના signifierનો અર્થ સંભવતો હોતો નથી. ભાષાના પ્રતીકાત્મક વિશ્વમાં એને આગવો અર્થ મળે છે. આ તબક્કે અસંપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત વચ્ચે રચાતી તિરાડ અર્થબહુલતાને અવકાશ રચી આપે છે. મેટાફર અને મિટોનિમી જેવા મૂળભૂત અલંકારોનાં મૂળ અહીં વિસ્તરેલાં છે. અસંપ્રજ્ઞાત સ્તરે જ અવરુદ્ધ ઇચ્છાઓ અને ભાષારૂપો વચ્ચે એકરૂપતા જન્મે છે, એ રીતે ભાષાની દરેક ઉક્તિમાં અસંપ્રજ્ઞાતનો અંશ પ્રવેશે છે. લકાનની આ રીતની વિચારણા કૃતિવિવેચન પર સીધો પ્રભાવ પાડે છે. સાહિત્યિક પાઠમાં લેખકનું ચિત્તતંત્ર પ્રગટ થાય છે એ ખરું, પણ સંરચનાવાદી મનોવિશ્લેષણકાર માટે ચિત્તતંત્રની અંતર્ગત ચાલતી પ્રક્રિયા સ્વયં પ્રાથમિક મહત્ત્વની બાબત છે. પોતાની આ સિદ્ધાંતચર્ચાના સમર્થનમાં લકાને એડ્ગર એલન પૉની એક ટૂંકી વાર્તા ‘ધ પર્લોઈન્ડ લેટર’નું વિશ્લેષણ કર્યું છે અને એ દ્વારા એમ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે એ કૃતિમાં મૂળની સંરચનાત્મક ફૅન્ટસીનું જ પ્રતીકાત્મક રીતિએ પુનરાવર્તન થયું છે. સંકેતકો જે રીતે પ્રમાતાના સ્વ(the subject)ને આકાર આપે છે તે પ્રક્રિયામાં તે પોતે જ સર્વોપરિતા સાધે છે એવી રૂપકગ્રંથિ એમાં સૂચિત રહી છે.
અનુસંરચનાવાદી મનોવિશ્લેષણ :
સાહિત્યપાઠ (litrerary text) સ્વયં એક ચિત્તસંરચના :
દેરિદાની અનુસંરચનાવાદી/વિઘટનવાદી વિચારધારાના યોગે મનોવિશ્લેષણવાદી વિવેચનમાં એક નવી ભૂમિકા રચાવા પામી. અલબત્ત, ‘લેખન’ અને ‘મૌખિક’ એ બે સાંસ્કૃતિક આવિર્ભાવોને અનુલક્ષીને તેમણે પોતાની વિચારણાઓ વિકસાવી અને ‘મૌખિક’ સામે લેખનપ્રવૃત્તિની પુનઃપ્રતિષ્ઠા કરવાનો તેમનો મોટો પ્રયત્ન રહ્યો છે. પણ અનુસંરચનાવાદ/વિઘટનના ખ્યાલોના સ્વીકાર સાથે તેમની તપાસની અલગ ભૂમિકા બની આવી. લકાને અસંપ્રજ્ઞાત સ્વયં ભાષાની સંરચના જેવી સંરચના ધરાવે છે એમ કહ્યું. તેમના મતે પ્રમાતાની ક્રિયાશીલતામાં સંકેતકો જ મુખ્ય નિર્ધારકો છે અને પ્રમાતા પર તે સર્વોપરી બની રહે છે. આથી ભિન્ન, દેરિદા સંકેતકોને એટલા સર્વોપરી લેખવતા નથી. ફ્રોય્ડનાં લખાણોનું દેરિદાએ જે વાંચન કર્યું તે પરથી તેમને એ સ્પષ્ટ થયું. સાહિત્યપાઠના ‘અર્થ’ના નિર્માણમાં અસંપ્રજ્ઞાત બિનભાષારૂપ અને ભાષારૂપ સ્મૃતિઓ દ્વારા સક્રિય બને છે, એટલે પાઠના શબ્દેશબ્દમાં તેના અવશેષો ઊતરી આવ્યા હોય છે. પણ દેરિદાના પોતાના મતે અસંપ્રજ્ઞાત નર્યા અવશેષોનું બન્યું હોય છે. લકાન એમ દર્શાવવા ચાહે છે કે પાઠમાં પ્રગટ થતું અસંપ્રજ્ઞાત ભાષાના જેવી સંરચના ધરાવે છે. અર્થાત્, ચિત્તતંત્ર સ્વયં એક પાઠની કોટિનું અસ્તિત્વ ધરાવે છે. દેરિદા એમ સૂચવવા ચાહે છે કે ભાષાની ક્રિયાશીલતામાં અસંપ્રજ્ઞાત જ હંમેશાં પ્રવર્તે છે. અર્થાત્, કૃતિનો પાઠ સ્વયં ચિત્તતંત્રનો સમરૂપ છે. લકાન અને દેરિદા એ બંનેની વિચારણામાં, ખરેખર તો, એવો કોઈ મૂળગત વિરોધ નથી. પ્રશ્ન આ કે તે પાસા પર ભાર મૂકવાનો છે. દેરિદા જ્યારે ‘પાઠ’ને જ ચિત્તની સંરચનાના સ્તરે મૂકવા ચાહે છે ત્યારે ભાષાના ઢાંચામાંથી અસંપ્રજ્ઞાત કોઈક રીતે છટકી જાય છે એમ સૂચવવા માગે છે. તેમણે કાફકાની એક કથા ‘Before the Law’નું પોતાની રીતે અર્થઘટન કરી આપ્યું. વિઘટનના આધારે કરેલું અર્થઘટન કૃતિના વાચનમાં એક નવી દિશા ખોલી આપે છે. આ માર્ગના અભ્યાસીઓમાં હેરોલ્ડ બ્લૂમ એ રીતે આગવો અભિગમ લે છે કે કાવ્યચર્ચામાં ફરીથી ફ્રોય્ડના અવરુદ્ધ ઇચ્છાના ખ્યાલને સાંકળી લે છે તે સાથે કૃતિનો કર્તા ફરી સજીવન થાય છે.
વિચારધારાઓ અને મનોવિશ્લેષણવાદ : અસંપ્રજ્ઞાત અને સમાજના આંતરસંબંધો :
ફુકોના મતે મનોવિશ્લેષણવાદ એ ‘સત્તા’ વિશેનો ડિસ્કોર્સ છે. સર્વસાધારણ અને વિશિષ્ટ બંને પ્રકારનું જ્ઞાન એમાં નિર્માણ થયું છે. પ્રવર્તમાન બધા જ ડિસ્કોર્સને તે પડકારે છે. ખાસ તો તેમાંના અસંપ્રજ્ઞાતના અંશો છતા કરી આપીને તેના પ્રતિનિધાનત્વના સ્વરૂપ વિશે તે પ્રશ્નો કરે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના વિકાસવિસ્તારના એક તબક્કે ‘જાતીય ચેતના’ (sexuality)ની કેન્દ્રવર્તી મહત્તા તેણે સ્થાપી આપી છે. વિલ્હેમ રાઈક્, હર્બર્ટ માર્ક્યુસ અને નોર્મન બ્રાઉન જેવા ચિંતકોએ આ વિષયમાં ઘણી વિચારણા કરી છે. સામાજિક/સાંસ્કૃતિક આચારવિચારમાં પ્રચ્છન્નપણે અસંપ્રજ્ઞાત કેવી રીતે પ્રવેશે છે અને ભાગ ભજવે છે તે તેમણે દર્શાવ્યું છે. સાહિત્યાદિ કળાઓમાં તેમ તેના વિવેચનમાં વ્યાપકપણે જાતીય ચેતનાનું તત્ત્વ કામ કરે છે અને વ્યક્તિચિત્તના તેમ સામાજિક ચિત્તના સ્તરે સક્રિય જાતીય ચેતનાના સંકેતો તેમાં મળી આવે છે. મનોવિશ્લેષણની પદ્ધતિએ સમસ્ત સમાજ, સંસ્કૃતિ અને સાહિત્યાદિ કળાઓમાં અવરુદ્ધ જાતીય ચેતના કેવાં કેવાં રૂપો લે છે, અને ખાસ તો કેવાં પ્રચ્છન્ન રૂપો ધરે છે એની તપાસ ઘણી રસપ્રદ નીવડે છે.