કળા, સાહિત્ય અને વિવેચન/સાહિત્યવિવેચનમાં મનોવૈજ્ઞાનિક અભિગમ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સાહિત્યવિવેચનમાં મનોવૈજ્ઞાનિક અભિગમ

આજના આ પ્રસંગે પ્રથમ તો આ વ્યાખ્યાનમાળા જેમના શુભ નામ સાથે જોડાયેલી છે તેવા આપણા ભાષાસાહિત્યના પ્રખર અભ્યાસી અને સંનિષ્ઠ સંશોધક ડૉ. ભોગીલાલ સાંડેસરા સાહેબને આદરપૂર્વક પ્રણામ પાઠવું છું અને આ પૂર્વે આ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો આપનાર સર્વ વિદ્વદ્‌જનોને લાગણીથી યાદ કરું છું. વળી, એ માળાના એક વક્તા તરીકે મને ભાવભર્યું નિમંત્રણ પાઠવવા બદલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો અને તેના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રૉફેસર ડૉ. હર્ષદભાઈ ત્રિવેદીનો, તેમ વિભાગના અન્ય સૌ અધ્યાપકમિત્રોનો આ પ્રસંગે અંતરથી આભાર માનું છું. મારે નિખાલસપણે નિવેદન કરવાનું કે અત્યારે આપ સૌ કળામર્મજ્ઞો વચ્ચે મારું વક્તવ્ય રજૂ કરવા ઉપસ્થિત થયો છું ત્યારે મારા મનમાં ઊંડા ક્ષોભ અને સંકોચની લાગણીઓ અનુભવી રહ્યો છું. એટલા માટે કે મેં ચર્ચવા માટે પસંદ કરેલા વિષયની મારી જાણકારી ઘણી મર્યાદિત છે અને એ વિષયની કેટલીક ગૂંચોમાંથી હું પોતે બહાર આવી શક્યો નથી. આપ સૌને વિદિત છે તેમ, મારો વ્યાખ્યાનવિષય છે : ‘સાહિત્યવિવેચનમાં મનોવૈજ્ઞાનિક અભિગમ.’ આ વિષયના મહત્ત્વ વિશે ઝાઝા મતભેદને અવકાશ નથી પણ આપણે ત્યાં એની વૈચારિક માંડણી કરવાની દિશામાં ખાસ સંગીન પ્રયત્નો થયા નથી. બેપાંચ લખાણો, કાચાંપાકાં, મળે છે ખરાં, પણ આ અભિગમની વ્યાપકતા, જટિલતા અને સૂક્ષ્મતા એમાં દેખાતાં નથી. કમનસીબે, પશ્ચિમની વિવેચનમીમાંસામાંય આ વિશે કોઈ એક સુવ્યવસ્થિત સર્વગ્રાહી અને આંતરિક રીતે સુગ્રથિત એવા ઝાઝા ગ્રંથો મળતા નથી. એમાં આ સદીના ત્રીજાચોથા દાયકા પછી, વધુ તો ફ્રોય્‌ડના મનોવિશ્લેણવાદ પર નિર્ભર, સાહિત્યઅધ્યયનના ક્ષેત્રમાં વધુ ચોક્કસ પુદ્‌ગલ રચે એ રીતનું સંશોધનઅધ્યયન થતું રહ્યું છે અને સાહિત્યવિવેચનમાં મનોવૈજ્ઞાનિક અભિગમ એટલે મનોવિશ્લેષણવાદી અર્થઘટનનો અભિગમ એ રીતનું સમીકરણ કરવાના પ્રયત્નોય થયા છે. પણ, આપણે આગળ જોઈશું કે મનોવિશ્લેષણવાદ એ મનોવિજ્ઞાનની જ એક શાખામાત્ર છે. સમગ્ર મનોવિજ્ઞાન નહિ, છતાં આપણે એય નોંધવાનું રહે છે કે મનોવિજ્ઞાનની વિભિન્ન શાખાઓમાં મનોવિશ્લેષણવાદ જ સાહિત્યસર્જન અને ભાવનના તેમ કૃતિની સંરચનાના મૂળભૂત પ્રશ્નો સાથે સીધી નિસબત ધરાવતો રહ્યો છે. જોકે એની સામેય નાનામોટા વાંધાઓ લેવામાં આવ્યા જ છે. પણ એ વિશેની ચર્ચા સહેજ પાછળથી આવશે. અત્યારે હું તો એટલું જ સૂચવવા ચાહું છું કે, આપણે ચર્ચવા ધારેલો વિષય, ખરેખર તો, એક આંતરવિદ્યાકીય ક્ષેત્રનો છે. અને, એ સંદર્ભમાં મારે એમ સ્વીકારવું રહ્યું કે, મનોવિજ્ઞાનના ક્ષેત્રનો હું નિષ્ણાત નથી. ભાષાસાહિત્યના ક્ષેત્રમાં મારો ઊંડો રસ રહ્યો છે. એટલે મનોવૈજ્ઞાનિક અભિગમના સંદર્ભે મારી જાણકારી ઘણી સીમિત અને ત્રૂટક રહી છે. પણ સાહિત્યકૃતિઓના અધ્યયન-વિવેચનના વિભિન્ન અભિગમોમાં મને જિજ્ઞાસા રહી છે. એટલે મનોવૈજ્ઞાનિક અભિગમની ઉપયોગિતા અને પ્રસ્તુતતાના પ્રશ્નો વિશે હું વાંચવાવિચારવા પ્રેરાયો છું. આજની આ ચર્ચાવિચારણા મારે માટે દુઃસાહસ જેવી બની રહે એવા સંદેહ સાથે આ ચર્ચા આરંભી રહ્યો છું.

સાહિત્યકૃતિઓ અને સર્જક તેમ ભાવકચિત્તની મનોવૈજ્ઞાનિક ભૂમિકા :

સાહિત્યસર્જનને દેખીતી રીતે જ માનવજીવનનાં અનુભવો, સંઘર્ષો, સ્વપ્નો – વગેરે મનોવૈજ્ઞાનિક તત્ત્વો સાથે સીધો સંબંધ રહ્યો છે. કોઈ પણ પરંપરાની જૂનીનવી સાહિત્યકૃતિઓ જુઓ, માનવચિત્તના આવેગો, ઝંખનાઓ કે અનુભવો સાથેનો માર્મિક સંબંધ તેમાં પ્રત્યક્ષ થશે જ. પણ સાહિત્યજગતમાં વારંવાર આપણી સામે એવી કૃતિઓ જોવા મળે છે જેના અનુભવો એના સર્જકચિત્તની સાથે સીધા સાંકળી શકાતા હોય. ખાસ કરીને કોઈ સર્જકની નાનીમોટી બધી જ કૃતિઓને સમગ્રતયા લક્ષમાં લેતાં તેમાં મનોવૈજ્ઞાનિક સંઘર્ષો, સમસ્યાઓ અને સમાધાનની કોઈ ચોક્કસ તરેહ ઊપસતી લાગે, ત્યારે તો એ કૃતિઓને તેના સર્જકચિત્તના મૂળભૂત આવેગો, અવરોધો, સંઘર્ષો કે સંઘર્ષમુકિતની ઊંડી મથામણો સાથે સાંકળી લેવા આપણે પ્રેરાઈએ. ઉ.ત., આપણા સાહિત્યમાં સુંદરમ્‌, જયંત ખત્રી અને સરોજ પાઠકની ટૂંકી વાર્તાઓ, રાવજી પટેલની કવિતાકથાઓ – વગેરે જેવાં જ્વલંત દૃષ્ટાંતો પૂરાં પાડે છે, જેને અનુલક્ષીને આપણે સર્જકચિત્તના આગવા સંઘર્ષોનો વિચાર કરવા પ્રેરાઈએ. સુંદરમ્‌ની કવિતાઓ અને ટૂંકી વાર્તાઓમાં સ્ત્રીપુરુષના પ્રેમસંબંધના ભાવો અને ભાવોર્મિઓનું વૈવિધ્યભર્યું નિરૂપણ થયું છે. માનવપ્રકૃતિમાં કૂટતત્ત્વ સમા જાતીય આવેગો અને તેનાં સ્થૂળ દૈહિક આવિષ્કરણોથી લઈ સૂક્ષ્મ ઉદાત્ત ભાવના સુધી એમાં તરેહ જોઈ શકાય. ‘ખોલકી’, ‘આશા’, ‘જીવનની તરસ’, ‘સૌંદર્ય શું?’, ‘અંબા ભવાની’, ‘ગટ્ટી’, ‘નાગરિકા’, ‘ભદ્રા’, ‘પુષ્પિતા’, ‘માને ખોળે’, ‘લાલ મોગરો’, ‘પાપિણી’, ‘ઉલ્કા’ – જેવી ટૂંકી વાર્તાઓમાં બહુ સ્પષ્ટ રીતે વર્ણ્ય વિષયો(themes)ની ચોક્કસ તરેહ ઊઘડતી બતાવી શકાય. જયંત ખત્રી, સરોજ પાઠક વગેરેની વાર્તાઓમાં પણ લગ્નજીવન કે જાતીય સંબંધના પ્રશ્નોની ભાત પ્રત્યક્ષ થાય છે. રાવજી પટેલની કવિતાઓ અને વાર્તાનવલકથાઓ પણ આ દૃષ્ટિએ ખાસ અવલોકનીય છે. પશ્ચિમના સાહિત્યમાં દોસ્તોએવસ્કી, લૉરેન્સ, કાફકા, જોય્‌સ, વુલ્ફ વગેરેના કથાસાહિત્યમાં માનવચિત્તના ગૂઢાતિગૂઢ આવેગો, સંઘર્ષો, કપોલકલ્પિતો સાકાર થયાં છે. આ સદીમાં ફ્રોય્‌ડની મનોવૈજ્ઞાનિક વિચારણાઓના પ્રભાવ નીચે કથાસાહિત્યમાં રજૂ થતાં પાત્રોનાં ચૈતસિક સંચલનો, સંઘર્ષો, વાણીવર્તનોના સ્વરૂપમાં દેખીતું પરિવર્તન આવ્યું છે. પણ, પ્રશ્ન ફ્રોય્‌ડના પ્રભાવનો જ નથી; પ્રાચીન પુરાકથાઓ અને મહાકાવ્યો, લોકકથાઓ અને પરીકથાઓ – સર્વ પ્રકારના સાહિત્યમાં પ્રતિભાશાળી સર્જકોએ માનવચિત્તનાં ગહનતમ સંચલનો ઝીલવા પુરુષાર્થ કર્યો જ છે. પ્રસિદ્ધ ગ્રીક નાટ્યકાર સૉફોક્લિસની કૃતિ ‘ઇડિપસ કિંગ’, શેક્સપિયરની કૃતિ ‘હેમ્લેટ’, અને ‘કિંગ લિયર’ અને વ્યાસના ‘મહાભારત’નાં મુખ્ય ગૌણ વૃત્તાંતોમાં પણ માનવચિત્તના ગહનતમ સંઘર્ષો રજૂ થયા જ છે. માનવનાં વર્તન, કાર્યો અને વાણીમાં, તેના આંતરબાહ્ય સંઘર્ષોમાં, તેના સ્વભાવની નિજી લાક્ષણિકતાઓમાં, વ્યક્તિત્વના અમુક રીતના વિકાસમાં, તેના જીવનનાં પ્રગટઅપ્રગટ વૃત્તિવલણોમાં તેના કોઈ માનસિક બંધારણની વિશિષ્ટ ગતિશીલતા પ્રત્યક્ષ કરી શકાય. સમગ્ર કથાસાહિત્યમાં પાત્રોના ચરિત્રવિકાસના પ્રશ્નોને તેમ કૃતિઓના સમગ્ર બંધારણમાં રહેલી મનોવૈજ્ઞાનિક સંઘર્ષશીલ ભૂમિકાઓને તેમજ ભાવકો પર થતી અસરોને મનોવૈજ્ઞાનિક ક્ષેત્રમાં આણીને તપાસી શકાય. સાહિત્યકૃતિઓમાં મુખ્યગૌણ પાત્રોને આશ્રયે રજૂ થતા મનોવૈજ્ઞાનિક પ્રશ્નોને, ખરેખર તો, એના સર્જકના ચિત્ત સાથે સાંકળીને વિચારી શકાય, તેમ ભાવકના ચિત્ત પર પડતી તેની મનોવૈજ્ઞાનિક અસરોની દૃષ્ટિએય તેની તપાસ કરી શકાય. ટૂંકમાં, સાહિત્યકૃતિઓ, તેના સર્જકો અને ભાવકો ત્રણેયને મનોવૈજ્ઞાનિક વિચારણાઓના પ્રકાશમાં અવલોકી શકાય.

સાહિત્યવિવેચક અને મનોવૈજ્ઞાનિક : બંને વચ્ચેની દૂરતા :

સાહિત્યકૃતિઓ, કર્તાઓ અને ભાવકો ત્રણેયને વિશે મનોવૈજ્ઞાનિક અભિગમથી તપાસ કરવાનું ઉપયોગી બને એવી આપણી સહજ પ્રતીતિ હોય તોપણ સાહિત્યવિવેચન અને અધ્યયનના ક્ષેત્રમાં એ વિશે હજીય ઘણી ઊંડી અવઢવ વરતાય છે. સાહિત્યવિવેચક અને મનોવૈજ્ઞાનિક વચ્ચે હજી મોટી ખાઈ રહી છે. સાહિત્યના વિવેચકો પાસે આજેય કોઈ એક સુવ્યવસ્થિત સર્વગ્રાહી મનોવૈજ્ઞાનિક તપાસનો આંતરિક સંગતિવાળો સિદ્ધાંત આવ્યો નથી. મનોવિજ્ઞાનના પ્રશ્નોમાં તેને કદાચ ઊંડો રસ નથી અથવા મનોવિજ્ઞાનનાં સત્યો તેને તેના વિવેચનમૂલ્યાંકનમાં ઝાઝાં ઉપકારક થાય તેવી કોઈ પ્રતીતિ બંધાઈ નથી. સાહિત્યકૃતિની સર્જનપ્રક્રિયા, જીવનના મૂળ અનુભવો, લાગણીઓ અને ઝંખનાઓનું કળાત્મક હેતુઓને અનુરૂપ રૂપાંતર, કૃતિની ગહનગૂઢ રહસ્યમયતા અને તેના વિશિષ્ટ લોકોત્તર સત્તા, ખાસ તો સૌંદર્યનિર્માણની મુખ્ય અપેક્ષા અને સર્વસામગ્રીનો એ વિશિષ્ટ હેતુ અર્થે વિનિયોગ – એ દૃષ્ટિએ મનોવિજ્ઞાનના નિયમો કે સત્યોની જાણકારી તેને ભાગ્યે જ દ્યોતક નીવડે એમ તેને લાગે છે. આપણા સમયમાં દરેક કૃતિની રૂપરચનાની અપૂર્વતા પર બધો ભાર મુકાયો છે. સર્જકનું જે કંઈ મનોગત કૃતિમાં ઊતર્યું હોય તેને એક અનન્ય મૂર્ત સંદર્ભ મળ્યો છે. કૃતિનું જે કંઈ સત્ય છે તે તેની અનન્ય રૂપરચનામાંથી ઉદ્‌ભાસિત થાય છે. એમાં સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર કે અર્થશાસ્ત્રના કોઈ સિદ્ધાંતનું દૃષ્ટાંતીકરણ સંભવતું નથી. સાહિત્યનો વિવેચક આવી સમજથી જ કદાચ માનસશાસ્ત્રનાં રહસ્યો પરત્વે ઉપેક્ષાવૃત્તિ કેળવી રહ્યો હશે. બીજી બાજુ, મનોવિજ્ઞાન પણ સાહિત્યકૃતિઓના વિષયમાં અત્યાર સુધી રસ દાખવતું નહોતું. સામાન્ય મનોવિજ્ઞાન તો કર્તાની સર્જકપ્રતિભા, કથાસાહિત્યનાં પાત્રો કે ભાવકના પ્રતિભાવો વિશે તપાસ કરવા ઝાઝું પ્રવૃત્ત થયું નથી, એ દિશામાં ફ્રોય્‌ડના મનોવિશ્લેષણવાદે મોટો માર્ગ કર્યો જણાય છે. ફ્રોય્‌ડના મનોવિશ્લેષણવાદનો ઉદ્‌ભવ, આમ તો, એક clinical અને therapeutical વિચારધારા રૂપે થયો, અને આરંભમાં ફ્રોય્‌ડે સાહિત્યકૃતિઓ, પુરાણકથાઓ, લોકકથાઓ વગેરેનું પ્રસંગોપાત્ત ‘અર્થઘટન’ કર્યું, તો તેમાં પોતાના મનોવિશ્લેષણવાદની વિચારધારાને સમર્થન મેળવવાનું વલણ જ મુખ્ય જણાય છે. પણ મનોવિશ્લેષણવાદના વિષયમાં તેમના સહાધ્યાયીઓએ અને શિષ્યોએ તેમ અનુગામીઓએ જે વિશાળ પાયા પર કામ શરૂ કર્યું, તેમાં સમાજ, સંસ્કૃતિ, માનવવિજ્ઞાન જેવા વિષયોની સાથોસાથ સાહિત્યાદિ કળાઓની મીમાંસાના પ્રશ્નોય ચર્ચાતા થયા. એ દિશામાં ફ્રોય્‌ડ અને યુંગના સર્જકતાના સ્રોતો, માનસિક સામગ્રી અને કૃતિના નિયામક હેતુઓ, નિયામક આવેગો વિશેના ત્રૂટકછૂટક વિચારો અનુગામીઓને પ્રેરક બની રહ્યા. મનોવિશ્લેષણના પ્રકાશમાં સર્જકપ્રતિભા, સર્જકચિત્તનું બંધારણ, વિશિષ્ટ કૃતિઓની પાત્રસૃષ્ટિ અને ભાવકોના પ્રતિભાવો વિશેનાં પ્રથમ અધ્યયનો હાથ ધરાયાં. ‘ઇડિપસ ધ કિંગ’, ‘હેમ્લેટ’, ‘કિંગ લિયર’, ‘ધ બ્રધર્સ કારામઝોવ’, ‘ધ ઇડિયટ’, ‘ધ કાસલ’, ‘ધ ટ્રાયલ’, ‘વિલેજ ડૉક્ટર’ જેવી અનેક કૃતિઓનાં અર્થઘટનો-વિવરણોનો એક ધ્યાનપાત્ર સિલસિલો આરંભાયો. સાહિત્યના અધ્યયન-વિવેચનમાં નવો માર્ગ રચાવા લાગ્યો. પણ, આ તબક્કે જ, મારે એ પણ સ્પષ્ટ કરી લેવું જોઈએ કે મનોવિશ્લેષણવાદી અભિગમ વિશે પશ્ચિમના પ્રતિષ્ઠિત વિવેચકો જુદુંજુદું વલણ પ્રગટ કરે છે. કેટલાકને એમ લાગ્યું છે કે ફ્રોય્‌ડનો વિશ્લેષણવાદ મૂળ તો તેમની clinical અને therapeutic તપાસની પ્રાપ્તિ છે. ન્યૂરોસિસ કે હિસ્ટીરિયાના દર્દીઓની સારવારનો એ ઉપક્રમ છે. એની મૂળભૂત વિભાવનાઓ એ પ્રકારના દર્દીઓની માનસિક ચિકિત્સાની પ્રક્રિયાઓને અનુલક્ષે છે. એટલે માનસિક ચિકિત્સા અંગેની વિચારણાઓમાંની વિભાવનાઓને સાહિત્યસર્જનની અનન્ય ઘટનાઓ પરત્વે લાગુ પાડવાનું કેટલે અંશે વ્યાજબી અને પ્રસ્તુત લેખાય એવો પ્રશ્ન તેઓ કરે છે. ન્યૂરોસિસ હિસ્ટિરિયાનો દર્દી જે રીતે મનોચિકિત્સકની ઉપસ્થિતિમાં પોતાના અજ્ઞાત સ્તરના અવરોધોને ઓળખવા ને ઓળંગી જવા મથે છે તેમાં તો તેના માનસિક સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિની ઘટના બને, પણ સાહિત્યસર્જનની ભૂમિકા ઘણી જુદી છે. સાહિત્યના અભ્યાસીઓનું બીજું એક જૂથ ફ્રોય્‌ડના મનોવિશ્લેષણવાદને વિકસાવી વિસ્તારી તેને સાહિત્યના અધ્યયન-અર્થઘટનના એક સક્ષમ તંત્રમાં ફેરવવા ચાહે છે. મનોવિશ્લેષણવાદી અભિગમના સ્વીકાર સમર્થનમાં તેઓ આગવી દલીલો રજૂ કરે છે. તેઓ એમ બતાવવા ચાહે છે કે ફ્રોય્‌ડે આરંભના તબક્કામાં જે રીતે મનોવિશ્લેષણવાદ રજૂ કર્યો તેમાં તેમની clinical પ્રવૃત્તિ સાથે ભલે ગાઢ અનુસંધાન છે, તેમણે એમાંની કેટલીક બિલકુલ પાયાની વિભાવનાને – unconscious, repression, oedipus complex, fantasy, object-relations, ego, superego – તેમણે વ્યાપકરૂપે સ્વસ્થ માનવવ્યક્તિઓનાં વર્તન અને કાર્યો તેમજ માનવજાતિઓ અને સંસ્કૃતિઓના આચારવિચાર, વિધિનિષેધ, ધારાધોરણ, રીતરિવાજ, માન્યતાઓ, મૂલ્યનિર્મિતિઓના સંદર્ભે એ લાગુ પાડવાનો પ્રયત્ન કર્યો છે. ફ્રોય્‌ડની એ રીતે ઉત્તરકાલીન વિચારણાઓમાં માનવસમાજ અને સંસ્કૃતિની આંતરિક બીમારીઓ, અસંતોષો અને ઊંડા દોષોની ચિકિત્સા છે. એ રીતે મનોવિશ્લેષણવાદની પાયાની સંજ્ઞાઓને તેમણે વ્યાપક સંદર્ભમાં નવો અર્થવિસ્તાર સાધી આપવાનો પ્રયત્ન કર્યો છે. ફ્રોય્‌ડની વિકસતી રહેલી મનોવૈજ્ઞાનિક વિચારણાઓમાંથી મહત્ત્વની અંતર્દૃષ્ટિઓ નજરમાં રાખી સાહિત્યકૃતિના પ્રેરણાસ્રોતો સર્જકના અજ્ઞાત સંઘર્ષના નિરાકરણ રૂપ સંરચના, પ્રતીકનિર્મિતિ આદિ પાયાના મુદ્દાઓ તેઓ ચર્ચવા ચાહે છે, અને ફ્રોય્‌ડના વિચારો વિકસાવીને તેની આગવી કળામીમાંસા રચવા પ્રવૃત્ત થયા છે. રિચર્ડ કુહનનું પુસ્તક ‘Psychoanalytic Theory of Art’ આ દિશાનો ઘણો નોંધપાત્ર ઉપક્રમ છે. જોકે, મનોવિશ્લેષણવાદની ભૂમિકાએથી વ્યવસ્થિત કળાવિચાર આરંભાય તોપણ કૃતિના વિવેચનઅધ્યયનના કેટલાક પ્રશ્નો તો રહે જ છે. જેમ કે, આ અભિગમથી કૃતિઓનાં જે રીતે ‘અર્થઘટનો’ અને ‘વિવરણો’ હાથ ધરાતાં જાય છે તેને સાચા અર્થમાં સાહિત્યવિવેચનનો દરજ્જો આપી શકાય? મનોવિશ્લેષણવાદીઓનું ‘અર્થઘટન’ સમગ્ર સાહિત્યકૃતિનું રહસ્ય ઉદ્‌ઘાટિત કરે છે કે તેના અમુક અંશનું જ? અને અમુક અંશનું જ એ અર્થઘટન હોય તો એની પ્રસ્તુતતા કેટલી? વગેરે વગેરે. પણ આ વિશે અંત ભાગમાં ચર્ચા કરીશું.

ફ્રોય્‌ડનો મનોવિશ્લેષણવાદ : સાહિત્યપ્રવૃત્તિના સંદર્ભે :

આધુનિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ફ્રોય્‌ડનાં મનોવૈજ્ઞાનિક સંશોધનો/તારણો ઘણાં ક્રાંતિકારી નીવડ્યાં દેખાય છે. જોકે, તેમની કારકિર્દીના આરંભથી જ તેઓ વિવાદાસ્પદ પણ રહ્યા છે. માનવચિત્તનું સ્વરૂપ અને તેની સંરચના, અજ્ઞાત ચિત્ત(unconscious)ની તેમની વિભાવના, વ્યક્તિવિકાસના આંતરિક ગતિશીલ તત્ત્વરૂપે મૂળભૂત વૃત્તિઓ, વ્યક્તિત્વવિકાસના તબક્કાઓમાં ઇડિપસ ગ્રંથિની ભૂમિકા, selfનો વિકાસ અને તેમાં દમિત વૃત્તિઓ, વ્યક્તિત્વના આદિ મૂળમાં રહેલા સંઘર્ષો અને સામાજિક, સાંસ્કૃતિક વિકાસમાં તેનાં એંધાણો – એ સર્વ મુદ્દાઓ કોઈ ને કોઈ રીતે વિવાદગ્રસ્ત બન્યા છે. હકીકતમાં ફ્રોય્‌ડ પણ કિર્કેગાર્દ, નિત્ઝે અને કાર્લ માક્ર્‌સની જેમ માનવસમાજ અને સંસ્કૃતિના એક આદિમ સંચલનો સુધી ઊતરવા મથ્યા છે. ‘Totem and Taboo’ અને ‘Dis-content of Civilization’ જેવાં લખાણોમાં તેઓ આખીય સંસ્કૃતિની આગવી રીતે ચિકિત્સા કરવા પ્રેરાયા છે. ગઈ સદીના યુરોપમાં માનવસમાજ અને સંસ્કૃતિના પ્રશ્નોનું વૈજ્ઞાનિક અભિગમથી ચિંતન કરવાના જે ઉપક્રમો હાથ ધરાયા તેની વચ્ચે ફ્રોય્‌ડની વિચારણાઓ સ્થાન લે છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ફ્રોય્‌ડની મનોવૈજ્ઞાનિક ખોજ, આમ જુઓ તો, clinical therapy ના ક્ષેત્રમાં આરંભાઈ છે. ન્યૂરોસીઝ/હિસ્ટિરિયા જેવા માનસિક રોગના દર્દીઓની મનોવૈજ્ઞાનિક અભિગમથી તેમણે ચિકિત્સા આરંભી હતી. એમના સમયમાં માનસિક રોગીઓની ચિકિત્સા મુખ્યત્વે હિપ્નોટીઝમના પ્રભાવ હેઠળ થતી. દર્દીને હિપ્નોટીઝમની અસર નીચે મૂકી તેના રોગની તપાસ કરવામાં આવતી. પણ એ આખી પ્રક્રિયામાં દર્દી સર્વથા વિચારશૂન્ય બની રહેતો. ફ્રોય્‌ડે એ ચિકિત્સાને વધુ બૌદ્વિક, વૈજ્ઞાનિક ભૂમિકા પર મૂકી. દર્દી અને મનોચિકિત્સક વચ્ચે વિશેષ રૂપનો સહયોગ એમાં અપેક્ષિત હતો. પૂરા વિશ્વાસના વાતાવરણમાં દર્દી સ્વયં પોતાના આંતરમનના કોઈક અવરોધને, દટાઈ રહેલા ભયને, અપરાધની લાગણીને કે લજ્જાસ્પદ ઘૃણાની લાગણીને ઓળખવા મથે છે. સર્વથા મુક્ત સાહચર્યોની પદ્ધતિએ પોતાના અજ્ઞાત મનમાંથી ઊઠતા વિચારતરંગોને અનવરુદ્ધ ગતિએ તે પ્રગટ થવા દે છે. જે કોઈ ક્ષણે દર્દી કોઈ વિચારવૃત્તિમાં જકડાઈ જતો લાગે ત્યારે મનોચિકિત્સક ખૂબ જ નજાકતથી તેને માર્ગ કરવામાં સહાય કરે છે. દર્દીને પોતાને અજ્ઞાત સ્તરના ઊંડાણમાં ખરેખર શું દમી રહ્યું છે, શું જકડી રહ્યું છે, તેની ઓળખ કરવામાં તે સહાય કરે છે. દર્દી આ રીતે પોતાના અંતરને જકડી રહેતા, રૂંઘી રહેતા વૃત્તિવિચારને ઓળખવા સમર્થ બને તો તેનું એ અભિજ્ઞાન જ તેને મુક્તિ અપાવે છે. આખીય આ ઉપચારપ્રક્રિયામાં મનોચિત્સિક દર્દીનો મિત્ર જ નહિ, આત્મીય જન બની રહે છે. પણ મનોચિકિત્સક દર્દીના આત્મનિવેદનનાં ઉચ્ચારણોને સતત અવલોકતો રહે છે અને એમાંથી દર્દીની રુગ્ણતાની clue મેળવી લે છે. મનોવિશ્લેષણ એ રીતે માનસિક રુગ્ણતાની ઉપચાર/નિદાનની પદ્ધતિ સૂચવતી સંજ્ઞા છે. ફ્રોય્‌ડે આખીય ઉપચારપદ્ધતિ પાછળની મનોવૈજ્ઞાનિક વિચારણાઓ સ્પષ્ટ કરવાના સતત પ્રયત્નો કર્યા છે. પ્રથમ ૧૯૧૦માં, એ પછી ૧૯૧૫-૧૭માં અને એ પછી ૧૯૩૨માં તેમણે મનોવિશ્લેષણ વિશેની વિચારણાઓને ચોક્કસ વ્યવસ્થિત રૂપે મૂકી છે. તેમના મનોવૈજ્ઞાનિક ચિંતનમાં એ કેન્દ્રવર્તી વિચારતંત્ર છે. નોંધવું જોઈએ કે જેમ જેમ ફ્રોય્‌ડ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાની ખોજ આગળ ચલાવતા રહ્યા તેમ તેમ એ વિચારતંત્રમાં કેટલુંક પરિવર્તન આવ્યું છે. એમના સહકાર્યકર મનોવિજ્ઞાનીઓેએ ફ્રોય્‌ડના મનોવિશ્લેષણવાદના પાયાના ખ્યાલોની આગવી આગવી રીતે વ્યાખ્યા વિચારણાઓ કરી મનોવિશ્લેષણવાદનો વિકાસવિસ્તાર સાધ્યો. એમાં એડ્‌લર, હર્ની, ફ્રોમ, સલીવન, યુંગ અને રેંકનું કાર્ય ઘણું મહત્ત્વનું છે. ફ્રોય્‌ડના મનોવિશ્લેષણવાદમાં અનુસ્યૂત રહેલી ભિન્ન સંજ્ઞાઓ/વિભાવનાઓની ચોક્કસ તરેહો લઈ તેમણે આગળ કામ કર્યું. એમાં – ૧. માનવચિત્તનું જૈવિક રૂપ (organism), ૨. માનવચિત્તનાં આંતરસંચલનોને પ્રેરતાં સંકોરતાં ઉદ્દીપ્ત કરતાં બાહ્ય પરિવેશનાં બળો(milieu), ૩. માનવવ્યક્તિત્વનો ક્રમશઃ વિકાસ(the genetic process), ૪. ક્રિયાશીલ વ્યકિતત્વ અને તેનું ગતિશાસ્ત્ર (the dynamics of the functioning personality), અને ૫. Pathology અને તેની treatment – એ ભિન્ન વિચારશૃંખલાઓને આગળ લઈ જવાનો તેમનો ઉપક્રમ છે. બહુ ટૂંકા સમયમાં મનોવિશ્લેષણવાદ એ અનેક ફ્રોય્‌ડવાદી મનોવિજ્ઞાનીઓની આગવી દિશાની ખોજ અને તારણોનો પુદ્‌ગલ બની રહે છે. સમાજ, સંસ્કૃતિ, કેળવણી, રાજ્યશાસકોનું માનસ જેવાં વિભિન્ન ક્ષેત્રોમાં તેનો વિનિયોગ કરવાના ઉપક્રમો હાથ ધરાયા છે. એક રીતે એમાં ઝાઝું આશ્ચર્ય પામવા જેવું નથી. માનસિક રોગોના દર્દીઓના ઉપચાર નિમિત્તે ફ્રોય્‌ડે માનવચિત્તના સ્વરૂપ, સંરચના, સંચલનાઓ, સંઘર્ષો આદિની જે ધારણા કરી – કહો કે unconsciousની વિશિષ્ટ ધારણા સ્વીકારી તેને તેઓ સમાંતરે માનવીઓના રોજબરોજના વ્યવહારોમાંય લાગુ પાડતા ગયા. ગૂંચવણમાં જકડાયેલા માણસના ઉચ્ચારણમાં અણજાણપણે અણધારી રીતે અનિચ્છાએ થતો ઉક્તિદોષ (lapse of tongue) પાછળ અજ્ઞાત મનનું લગભગ એ જ પ્રકારનું mechanism પડ્યું હોય છે. રોજરોજની વાતચીતમાં રજૂ થતી મજાકો પાછળ પણ એ mechanism રહ્યું છે અને એનું સૌથી વ્યાપક અને સૌથી પ્રત્યક્ષ દૃષ્ટાંત માણસોના સ્વપ્નબોધમાં મળે છે. (સ્વપ્નનિર્મિતિ અને સ્વપ્નના અર્થઘટન વિશે આગળ વિસ્તૃત ચર્ચા હાથ ધરી છે.) આમ ફ્રોય્‌ડે માનસિક રોગોની ચિકિત્સા કરતાં જે મનોવૈજ્ઞાનિક ધારણાઓ સ્વીકારી તેને તેમણે વ્યાપક ભૂમિકાએ લાગુ પાડી આપવાનો ઉપક્રમ હાથ ધર્યો. દર્દીઓના રોગમાં એમનો રસ નષ્ટ થયો નથી, પણ એની પાછળ અજ્ઞાત મનની જે ધારણાઓ સ્વીકારી તેને માનવસમાજ અને સંસ્કૃતિના મૂળમાં રહેલા સંઘર્ષો, કલહો, વિસંવાદો, વિરોધો, વિસંગતિઓની તપાસમાં તેમણે લાગુ પાડી. એ આખી ખોજ દરમિયાન તેમણે પોતાની વિચારણામાં નવી વ્યવસ્થા રચવાના પ્રયત્નો કર્યા, પોતાની પાયાની સંજ્ઞાઓની નવેસરથી વ્યાખ્યા કરવાના પ્રયત્નોય કર્યા, નોંધવું જોઈએ કે ફ્રોય્‌ડે પોતાના મનોવિશ્લેષણવાદની ચર્ચાવિચારણાઓની અંતર્ગત પોતાનાં તારણો, અવલોકનના સમર્થનમાં પાશ્ચાત્ય સાહિત્યના કેટલાક વિરલ પ્રતિભાશાળી સર્જકોની કૃતિઓ – ગ્રીક નાટ્યકાર સૉફોક્લિસની પ્રસિદ્ધ કૃતિ ‘ઇડિપસ ધ કિંગ’, શેક્સપિયરની પ્રસિદ્ધ કૃતિઓ ‘હેમ્લેટ’ અને ‘કિંગ લિયર’ ઉપરાંત કેટલીક પુરાણકથાઓ, લોક્કથાઓ આદિનાં અર્થઘટનો આપ્યાં છે. સાહિત્યાદિ કળાઓમાં તેમનો રસ, અલબત્ત, તેમની મનોવિશ્લેષણની ભૂમિકાથી સીમિત અને નિયંત્રિત થયેલો છે. જોકે ફ્રોય્‌ડે ‘Creative Writers and Daydreaming’ નિબંધમાં પ્રસંગોપાત્ત, સર્જકતાના સ્રોતનો સર્જનની આદ્યસંચલનાનો અને સાહિત્યકૃતિના સ્વરૂપનો વિચાર કર્યો છે, પણ તેમાં સાહિત્યમીમાંસાની એવી કોઈ સર્વગ્રાહી ભૂમિકા નથી. પણ ફ્રોય્‌ડે સાહિત્યની સર્જનસંચલનાના સંદર્ભે જે કંઈ ચિંતન કર્યું છે તે ધ્યાનપાત્ર છે. ફ્રોય્‌ડની મનોવૈજ્ઞાનિક વિચારણાઓમાં તેમનો મનોવિશ્લેષણવાદ (psycho-analysis) કેન્દ્રીય ભૂમિકા છે. એમાં રહેલાં મનોવૈજ્ઞાનિક વ્યાપારો અને માનસિક સંચલનોને લક્ષમાં રાખી ફ્રોય્‌ડની સાહિત્યવિભાવના રચવાના પ્રયત્નો થયા છે. બલકે, ફ્રોય્‌ડનાં મૂળ ગુણીતોને વિકસાવીને મનોવિશ્લેષણમૂલક કળામીમાંસા નિર્માણ કરવાની દિશામાં પણ ઉપક્રમો હાથ ધરાયા છે. જોકે મનોવિશ્લેષણવાદ અને સાહિત્યાદિ કળાઓ વચ્ચેના આાંતરસંબંધોના પ્રશ્નો ગૂંચવાડાભર્યા રહ્યા છે. મનોવિશ્લેષણવાદી કળાવિચાર સામે સતત વાંધાઓ લેવામાં આવ્યા છે. છતાં સાહિત્યજગત સાથેના તેના માર્મિક સંબંધોનો કોઈ અસ્વીકાર કરી શકતું નથી. ‘મનોવિશ્લેષણવાદ’ – એ સંજ્ઞા અત્યારે ખરેખર તો પરસ્પર ગાઢ રીતે સંકળાયેલાં ત્રણ વિચારતંત્રોને અનુલક્ષે છે. ૧. કોઈપણ માનવીની આત્મલક્ષી સંપ્રજ્ઞતા(subjective consciousness) દ્વારા યોજાતી ભાષા, ક્રિયાશીલતા, કાલ્પનિક નિર્મિતિઓ(જેવી કે સ્વપ્નો, કપોલકલ્પિત, ભાંતિદર્શન વગેરે)ના ગૂઢ અજ્ઞાત સ્તરના ‘અર્થો’ને સંપ્રજ્ઞતાના સ્તરે પ્રકાશમાં લાવવાની શોધપદ્ધતિ. આ શોધપદ્ધતિ માનવવ્યક્તિનાં ચિત્તનાં મુક્ત સાહચર્યો પર નિર્ભર છે અને એ ભાષા, કાર્યો, કાલ્પનિક નિર્મિતિઓના અર્થઘટનની પ્રમાણભૂતતા એના પર અવલંબે છે. જોકે મુક્ત સાહચર્યોની પ્રવૃત્તિને ખાસ અવકાશ ન હોય તેવાં માનવનિર્માણના ક્ષેત્રમાં પણ મનોવિશ્લેષણની અર્થઘટન પ્રવૃત્તિ વિસ્તારી વિકસાવી શકાય. ૨. મનોવૈજ્ઞાનિક શોધની આ પદ્ધતિએ psychotherapyની રીત પણ આ સંજ્ઞાથી સૂચવાય છે. દર્દીનું અજ્ઞાત મન પોતાની અંદર જે રીતે કશાક પીડાકારી વૃત્તિવલણનો સામનો કરે, ઇપ્સિત પદાર્થનું અન્ય કશાકમાં transference કરે અને પોતાની ઇચ્છાનું અન્યમાં આરોપણ કરે - એ રીતનું અર્થઘટન એમાં અભિપ્રેત છે. ટૂંકમાં, દર્દીની મનોરુગ્ણતાનો મનોવિશ્લેષણની પદ્ધતિએ જે રીતે ઉપચાર કરવામાં આવે છે તેને માટે આ સંજ્ઞા પ્રયોજાતી રહી છે. ૩. મનોવિશ્લેષણની પદ્ધતિએ દર્દીઓની તપાસ અને ઉપચાર કરતાં જે કંઈ વિચારણાઓ ચાલી અને તેને વ્યવસ્થિત કરવાના પ્રયત્નો રૂપે જે મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સાની વિચારસરણીઓનો સમૂહ પ્રાપ્ત થયો છે તે સમગ્ર વિચારધારાઓને ય આ સંજ્ઞા લાગુ પડાય છે.

મનોવિશ્લેષણવાદ : પાયાની વિભાવનાઓ, સાહિત્યવિચારણાના સંદર્ભે તપાસ :

મનોવિશ્લેષણવાદી વિચારણાઓને સાહિત્યવિચારણાઓના સંદર્ભે લાગુ પાડવાના ઉપક્રમો ખૂબ જ જટિલ અને અટપટા રહ્યા છે. ફ્રોય્‌ડની પોતાની મનોવિશ્લેષણવાદી વિચારણાઓનું માળખું પણ ઓછું જટિલ નથી. તેમની લાંબા સમય સુધી ચાલતી રહેલી ખોજમાં એ માળખાની અંતર્ગત પરિવર્તન થયું જ છે. બલકે પાયાની વિભાવનાઓમાં ઓછેવત્તે અંશે નવસંસ્કરણ થતું રહ્યું દેખાય છે. તેમના મનોવૈજ્ઞાનિક વિચારમાળખામાં, આંતરવિકાસના મુખ્ય ત્રણ તબક્કાઓ દેખાય છે. ૧. ૧૮૯૦–૧૯૨૩નો તબક્કો : આ ગાળામાં માનવચિત્તનાં બે વિશ્વો(spheres)નો મુખ્યત્વે સ્વીકાર છે. એક conscious mind – જાગૃત ચિત્ત; બે, unconscious mind – અજાગૃત ચિત્ત. આ ગાળાની મનોવૈજ્ઞાનિક વિચારણાઓ Id-Psychology તરીકે ઓળખાય છે. ૨. ૧૯૨૩નું વર્ષ : Ego-Psychologyનો પ્રારંભ, માનવચિત્તના બંધારણમાં ego અને non-ego જેવી કોટિઓનો સ્વીકાર. ૩. ૧૯૫૦નું વર્ષ : માનવવ્યક્તિત્વના સંદર્ભે self અને the otherની કોટિઓ. ત્રણ તબક્કામાં વહેંચાતી આ વિચારણાઓને અનુલક્ષીને સાહિત્યવિચારમાં પણ અલગ અલગ અભિગમો જન્મ્યા છે. આધુનિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં, ફ્રોય્‌ડની મનોવૈજ્ઞાનિક તપાસમાં કેન્દ્રસ્થાને રહેલી વિભાવના unconscious, અત્યંત મહત્ત્વનું નવપ્રસ્થાન બની રહે છે. જોકે ફ્રોય્‌ડે એ અંગે એક પ્રસંગે એવી સ્પષ્ટતા કરી છે કે અજ્ઞાત(unconscious)ની ખોજ એ કોઈ મારી પ્રાપ્તિ નથી : સાહિત્યસર્જકો અને કળાકારોએ સૈકાઓ પૂર્વે અજ્ઞાતની ખોજ કરી હતી. મેં તો માત્ર એ ખોજની પદ્ધતિ વિકસાવી છે એટલું જ કહી શકાય. અલબત્ત, ફ્રોય્‌ડને એના સમયમાં અજ્ઞાતની સ્થાપના માટે ઘણો મોટો પુરુષાર્થ કરવો પડ્યો છે. ફ્રોય્‌ડની મનોવૈજ્ઞાનિક વિચારણાઓમાં ‘અજ્ઞાત’(unconscious)નો ખ્યાલ સમગ્ર બંધારણના સંદર્ભે પુનર્વ્યાખ્યા પામ્યો છે. આરંભના વિચારમાળખામાં અજ્ઞાત(unconscious) એ અવરુદ્ધ દમિત (re-pressed) ઇચ્છાઓ, વૃત્તિઓ, વિચારોનું અધિષ્ઠાન સમું છે. ચિત્તમાં આદિકાલીન અને તે પછીનાં repressionsની સામગ્રી દટાયેલી પડી હોય છે. એ અવરુદ્ધ ઇચ્છા, વૃત્તિ કે વિચાર જાગૃત કે પૂર્વજાગૃત ચિત્તના સ્તરમાં પ્રવેશ ન કરે એ માટે પૂરા પ્રતિકાર સાથે એમાં સામનો કરવામાં આવ્યો હોય છે. આવી repressed સામગ્રી ચિત્તની મૂળભૂત વૃત્તિઓ instinctsનું પ્રતિનિધાન કરે છે. એ અજ્ઞાત ચિત્તમાં primary process જેવી વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા, ખાસ તો, ઘનીભવન (condension) અને સ્થાનાંતર(displacement)ની પ્રક્રિયા દ્વારા – એવી અવરુદ્ધ સામગ્રીનું નિયંત્રણ થાય છે. વૃત્તિજન્ય શક્તિનો પ્રબળ સહયોગ સાધીને એ સામગ્રી જાગૃત ચિત્તમાં પ્રવેશ કરતા સક્રિય બને, પણ જાગૃત કે પૂર્વજાગૃત ચિત્તના સ્તરે જો તે પહોંચી શકે તો કડક સેન્સરના દબાણ નીચે વિરૂપીકરણ(distortion) પામીને, – અને કોઈક રીતે સમાધાનના રૂપમાં compromise form દેખા દે. છેક શૈશવકાળની આદિમ ઇચ્છાઓ અજ્ઞાત ચિત્તમાં અમુક ચોક્કસ પદાર્થોમાં fixation પામીને ટકી રહે છે. ફ્રોય્‌ડની મનોવૈજ્ઞાનિક વિચારણાના વિકાસમાં માનવચિત્ત વિશે બીજી બંધારણીય આકૃતિ (topography) રજૂ થઈ તેમાં unconscious એ કોઈ એક જ ખંડનો સંકેત કરતું અધિષ્ઠાન નહિ, પણ ચિત્તની સંચલનાઓ માટે વિશેષણ(modifier) બને છે. હવે નીચેનો એક જ ખંડ કે એક જ પાત્ર તેના સાર્વભૌમ શાસન નીચે આવતું નથી પણ ‘Id’, ‘ego’ અને ‘super-ego’ ત્રણે સ્તરે અજ્ઞાતનાં લક્ષણો દેખા દે છે. Id : ફ્રોય્‌ડની આરંભના તબક્કાની મનોવૈજ્ઞાનિક ખોજમાં અજ્ઞાતના અંગભૂત ‘Id’નો ખ્યાલ કેન્દ્રમાં મૂક્યો છે. પાછળથી રજૂ થયેલા વિચારતંત્રમાં ‘Id’, ‘ego’ અને ‘super-ego’ એમ ત્રણ ક્રિયાશીલ સાધનોનો સ્વીકાર કર્યો તેમાં એ છેક તળની instinctual poleની ભૂમિકારૂપે સ્થાન પામે છે. મૂળભૂત વૃત્તિઓની અભિવ્યક્તિરૂપે દેખા દેતી સામગ્રી સ્વયં અજ્ઞાત સ્વરૂપની હોય છે. એમાંનો અમુક અંશ વંશગત સંભવે છે, જ્યારે શેષ ભાગ શિશુકાળથી આદ્ય દમિત અને અનુકાલીન દમિત ઇચ્છાઓ/વિચારોનો બન્યો હોય છે. ક્રિયાશીલતાની દૃષ્ટિએ વ્યક્તિની ચિત્તશક્તિનો એ આદિસંચય છે. ‘ego’ અને ‘super-ego’ સાથેના સંઘર્ષોમાં એની ક્રિયાશીલતા પ્રગટ થાય છે. Ego : ફ્રોય્‌ડના બીજા વિચારતંત્રમાં સ્વીકાર પામેલું કાર્યસાધન (agency). ‘Id’ અને ‘super-ego’ના કાર્યતંત્રથી તેની ભૂમિકા અલગ છે. નવી topography પ્રમાણે એક બાજુ Idની માગણીઓ તરફ ઝૂકે છે, બીજી બાજુ super-egoના આદેશો અને બાહ્ય વાસ્તવિકતાઓની માંગણીઓને વશ વર્તવું પડે છે. આમ બે સાવ વિરોધી કાર્યતંત્રો વચ્ચે તે મધ્યસ્થી જેવું કામ કરે છે. માનવીના વ્યક્તિત્વની અખિલાઈની દૃષ્ટિએ તેમ તેનાં હિતાહિતની બાબતમાં તે જવાબદાર છે, પણ તેની સ્વાયત્તતા ઘણી રીતે સાપેક્ષ છે. આ ego એક ગતિશીલ કર્તા (agency) તરીકે વિશેષતઃ neurosisનો સંઘર્ષ વેઠતી વ્યકિતમાં બચાવપક્ષના બચાવનામામાં ઉગ્રતાથી છતો થાય છે. અણગમતી અસર (signal of anxiety)ના ભયથી સંચાલિત અમુક બચાવરૂપ સમૂહ(a set of defensive mechanism) એમાં કાર્યાન્વિત થાય છે. ભૌતિક શ્રેયની દૃષ્ટિએ, માનસિક પ્રક્રિયાઓમાં ego એ એક જોડનારું પરિબળ છે. અને છતાં બચાવપક્ષ તરીકે તેની કામગીરીમાં વૃત્તિજન્ય શક્તિના ઉદ્રેકને બાંધી લેવાના તેના પ્રયત્નો નિષ્ફળ રહે છે. અજ્ઞાતની પ્રાથમિક પ્રક્રિયા(primary process)ની લાક્ષણિકતાઓ એમાં અવરોધ રચે છે. પરિણામે, દબાણથી ચાલતી, પુનરાવર્તિત થતી અને અવાસ્તવિક ઘટના ઘટવા પામે છે. ‘ego’ના ઉદ્‌ભવ વિશે મનોવિશ્લેષણવાદમાં બે અલગ અલગ રીતના ખુલાસાઓ મળે છે : પહેલો ખુલાસો : ego એ અનુકૂલનનું સાધન છે : બાહ્ય વાસ્તવિકતાના સંપર્કમાં મુકાતાં ego પોતે પોતાને Idથી અલગ પાડે છે. બીજો ખુલાસો : Idના સ્તરે નિર્ણીત – ઇપ્સિત પદાર્થના નિર્માણમાં ego એ એક સાતત્યભરી એકરૂપતા છે – વ્યક્તિત્વની અંતર્ગત. The ego is the product of identifications culminating in the formations, within the personality, of above-object cathected by the Id. Super-ego : માનવચિત્ત વિશેના બીજા વિચારમાળખામાં વ્યકિતત્વનું એક કાર્યતંત્ર egoની તુલનામાં super-ego એ ન્યાયાધીશ જેવો છે. અંતઃકરણ, આત્મચિકિત્સા અને આદર્શોનું નિર્માણ એ super-egoનું કાર્ય છે. પ્રશિષ્ટ વિચારસરણીમાં super-ego એ ઇડિપસ ગ્રંથિનું સંતાન છે. માતાપિતા વિશેના સંબંધોમાં નિષેધો અને માંગોને આત્મગત કરી super-ego રચાવા પામે છે. Repression : અત્યંત ચોકસાઈથી વર્ણવીએ તો આ એક માનસિક પ્રક્રિયા છે. મૂળભૂત વૃત્તિ (instinct) સાથે જોડાયેલાં પ્રતિનિધાનાત્મક તત્ત્વો(વિચારો, બિંબો, સ્મૃતિચિત્રો આદિ)ને માનવચિત્ત અજ્ઞાતના ખંડમાં, ધકેલી કે પૂરી દેવા મથે છે. આવી મૂળભૂત વૃત્તિને સંતોષતાં સુખની અનુભૂતિ થતી હોય, પણ એમ કરતાં અન્ય આવશ્યકતા પૂરી ન થતાં દુઃખ જન્મે એવા ભાનથી એ મૂળભૂત વૃત્તિને દબાવી દેવામાં આવે છે. હિસ્ટિરિયાના દર્દીઓમાં repressionની પ્રવૃત્તિ વિશેષ ઉત્કટ રૂપમાં દેખા દે, પણ એ સિવાય, અન્ય પ્રકારના રોગીઓમાં અને તંદુરસ્ત મનના અન્ય વ્યવહારો/વર્તનમાં પણ એ પ્રવૃત્તિ દેખા દે, Repression, એ રીતે, ખરેખર તો સાર્વત્રિક મનોવ્યાપાર છે એમ લેખવવાનું રહે. અજ્ઞાતના તંત્રમાં એ વ્યાપાર રહ્યો છે. બચાવપ્રક્રિયા(defence mechanism) સાથે તેનો ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. Fixation : ચિત્તના અંગભૂત libido અમુક વ્યક્તિઓ/વસ્તુઓ અને બિંબો(images) સાથે સ્વયં દૃઢપણે આબદ્ધ હોય છે. વિશિષ્ટ રૂપની સંતુષ્ટિનું એ પુનઃનિર્માણ કરી આપે, એટલું જ નહિ, વ્યક્તિત્વવિકાસના કોઈ એક તબક્કે એનું જે એક લાક્ષણિક બંધારણ રચાવા પામ્યું હોય તેને અનુરૂપ રહીને સહસંબંધોનું તંત્ર એ ટકાવી રાખે છે. અમુક દૃષ્ટાંતોમાં fixation પ્રગટરૂપ હોય, અન્ય દૃષ્ટાંતોમાં એ એક આંતરિક ક્ષમતા માત્ર જ હોય. વ્યક્તિના self માટે ખુલ્લા repressionનો માર્ગ રચવાને એમાં અવકાશ છે. વળી, લિબિડોના સુવ્યવસ્થિત આંતરવિકાસમાં એક સર્વસાધારણ અભિગમ રૂપેય fixationનો ખ્યાલ વિચારી શકાય. પણ આવા કોઈ genetic reference વિનાય ફ્રોય્‌ડના અજ્ઞાત ચિત્તના બંધારણમાં અપરિવર્ત્યશીલ રૂપમાં ટકી રહેતી અને મૂળભૂત વૃત્તિઓ સાથે આબદ્ધ રહેતી સામગ્રીઓ(જેવી કે અનુભવતત્ત્વો – ઐન્દ્રિયિક રૂપો, બિંબો, કપોલકલ્પિતો)ને અંકિત કરી લેવાની રીતિ એ સંજ્ઞાથી સૂચવાય છે. Fixationનો ખ્યાલ કોઈ ચોક્કસ કાર્યકારણના સિદ્ધાંતથી સમજાવી શકાય નહિ. છતાં એનું વર્ણનાત્મક મૂલ્ય અપ્રતિમ છે. ઇડિપસગ્રંથિ : બાળકનો માતા પ્રત્યેનો અનુરાગ અને પિતા પ્રત્યેનો અણગમો – એ બે ઇચ્છાઓની સુગ્રથિત મનોરચના, ઇડિપસ રેક્સના કથાનકમાં આ મનોગ્રંથિ એક વિધાયક સ્વરૂપ લે છે. પિતાના મૃત્યુની ઝંખના, માતા પ્રત્યેની રતિચેતના, નકારાત્મક રૂપમાં ઊલટું ચિત્ર. બાળક પિતા પ્રત્યે અનુરાગી, માતા પ્રત્યે અણગમો. ઇડિપસ ગ્રંથિમાં બંનેય રૂપો જુદીજુદી માત્રામાં જોવા મળે, ફ્રોય્‌ડના મતે ઇડિપસ ગ્રંથિના અનુભવની પરાકાષ્ઠા બાળકના ત્રીજાથી પાંચમા વરસના ગાળામાં આવે છે – phallic stageમાં. વચ્ચે સુષુપ્તિકાળ. પુખ્ત વયે ઇડિપસ ગ્રંથિનું પુનર્નિર્માણ. Object choice – વિશિષ્ટ પ્રકારના Object choiceની બાબતમાં જુદીજુદી માત્રાની સફળતા મળતાં તેને અતિક્રમી જઈ શકાય. માનવવ્યક્તિની સંરચનામાં ઇડિપસગ્રંથિ મૂળભૂત રીતે નિર્ણાયક ભાગ ભજવેછે, તેમ માનવીની કામનાઓ નિર્ણીત કરવામાંય મોટો ભાગ ભજવે છે. Psychopathology અર્થે મનોવિશ્લેષણ આ ઇડિપસગ્રંથિને મુખ્ય ધરી રૂપ લેખવે છે. દરેક પેથોલોજિકલ પ્રકારમાં અલગ અલગ રીતે એના પ્રસ્તુતીકરણ અને નિરાકરણ સંભવે છે. psycho-analytical anthropology ઇડિપસ ગ્રંથિના ત્રિકોણીય બંધારણને ખુલ્લું કરવા ચાહે છે. એ ત્રિકોણીય બંધારણને જુદી જુદી સંસ્કૃતિઓમાં સર્વવ્યાપી લેખે છે. Phantasy (or fantasy) : કાલ્પનિક દૃશ્ય, ભ્રાન્તિરૂપ દૃશ્ય, imaginary scene જેમાં વ્યક્તિ સ્વયં કથાનાયક બનીને કોઈ (અજ્ઞાત સ્તર) ઇચ્છાની પૂર્તિ કરે. એ કાલ્પનિક બનાવમાં વત્તેઓછે અંશે વિરૂપીકરણ(distortion) જન્મે, ફેન્ટસી ભિન્ન ભિન્ન અનેક રૂપો લે. દિવાસ્વપ્ન – જાગૃતિની ક્ષણોમાં રચાતું કાલ્પનિક દૃશ્ય, manifest contentની નીચેના વિશ્લેષણ દ્વારા પ્રગટ થતી unconscious phantasy અને primal phantasia. પ્રત્યક્ષીકૃત વાસ્તવિકતા અને ભ્રમણા/ભ્રાન્તિ વચ્ચે ભેદ. ફ્રોય્‌ડે સાહિત્યનિર્મિતિના વ્યાપાર સંદર્ભે આ સંજ્ઞા યોજેલી છે. ભ્રાન્તિચિત્ર દ્વારા વ્યક્તિ પોતાને સંતુષ્ટિ આપવા ઝંખે છે. બાહ્ય જગત વ્યક્તિ પર વાસ્તવિકતાનો કઠોર સિદ્ધાંત મૂકે છે – પ્રત્યક્ષીકરણ પદ્ધતિના સંયોગ દ્વારા. (ક) ફ્રોય્‌ડ દીવાસ્વપ્નો, દૃશ્યો, બનાવો, રોમાંચક વૃત્તાંતો (romances) કે કાલ્પનિક કથાઓ (fictions) – વ્યકિત જે જાગૃતિમાં રચે છે. હિસ્ટિરિયાના દર્દીઓમાં આવી fantasy હંમેશાં જોવા મળે. ફ્રોય્‌ડના મતે એ compromise-formations છે. સ્વપ્ન જેવી તેની સંરચના હોય છે. (ખ) Unconscious fantasy. (ગ) અજ્ઞાત ચિત્ત સાથે વધુ ગાઢ સંબંધ. અજ્ઞાત ઇચ્છાઓ સાથે આબદ્ધ. રાત્રિનાં સ્વપ્નોનું વિશ્લેષણ કરતાં જે wishful phantasies પ્રગટ થાય તે ઘણાંય દૃષ્ટાંતોમાં બાળપણની અમુક દૃશ્યરચનાનું પુનરાવર્તન કે નવસંસ્કરણ સંભવે છે. ફ્રોય્‌ડના મતે phantasy એક એવું અપૂર્વ focal point છે જ્યાં જુદી જુદી માનસિક સિસ્ટમનું એકબીજામાં સંક્રમણ સંભવે છે. Transference : અજ્ઞાત ઇચ્છાઓની સંસિદ્ધિની પ્રક્રિયા. અમુક વિશિષ્ટ પદાર્થો એમાં વિનિયોગ પામે અને એવા પદાર્થો દ્વારા પ્રસ્થાપિત વિશિષ્ટ સંબંધભાવના માળખામાં એ પ્રક્રિયા કામ કરે છે. મનોવિશ્લેષણની પરિસ્થિતિ એ પ્રકારનો પરમ સંદર્ભ છે. આ પ્રક્રિયામાં infantile prototype પુનઃ પ્રગટ થાય છે અને પ્રબળ પ્રત્યક્ષીકૃત રૂપમાં અનુભવાય છે. મનોવિશ્લેષણવાદીઓ માટે transference સંજ્ઞા transference during treatment એમ સૂચવે છે. Symbolism : વ્યાપક રીતે કહીએ તો, અજ્ઞાત વિચાર, સંઘર્ષ કે ઇચ્છાનું પરોક્ષ અને ચિત્રાત્મક પ્રતિનિધાન. કોઈ પણ substitutive રચના પ્રતીકાત્મક સંભવે. સીમિત અર્થમાં – પ્રતીક અને પ્રતીક અજ્ઞાતને જે રીતે પ્રતીકાત્મક રૂપ આપે છે એ બે વચ્ચેની એકધારી સંબંધરચના એક જ વ્યક્તિમાં આવી સાતત્યભરી સંબંધરચના મળે એવું નથી. અન્ય વ્યક્તિસમૂહોમાં, ઉપરાંત મિથ, ધર્મ, લોકકથા, ભાષા વગેરે ક્ષેત્રોમાંય મળે, વિભિન્ન સંસ્કૃતિઓમાં મળે. Condensation : અજ્ઞાત ચિત્તની પ્રક્રિયાઓમાંની એક અત્યંત મહત્ત્વની કાર્યરીતિ. એક માત્ર વિચાર અનેક સાહચર્યોયુક્ત શૃંખલાઓ રજૂ કરે. એવી શૃંખલાઓના પરસ્પર છેદક બિંદુએ એ સ્થાન લે છે. એ વિચાર શક્તિઓના સમૂહથી સંચિત દર્દીના કોઈ એક symptomમાં અને વધુ સર્વસામાન્યપણે અજ્ઞાત ચિત્તની ભિન્ન ભિન્ન નિર્મિતિઓમાં સક્રિય થયેલો જોવા મળે. પણ સ્વપ્નોના નિર્માણમાં એની ક્રિયાશીલતા સૌથી વધુ સ્પષ્ટ રૂપમાં દેખા દે છે. સ્વપ્નનો manifest account એ સંક્ષિપ્ત કૃતિ છે. જ્યારે latent content વિસ્તૃત પટનું સંભવે છે. મૂળ latent contentનું એ સંક્ષિપ્તીકૃત ભાષાંતર છે પણ condensation એ મૂળનો સારાંશ માત્ર નથી. સ્વપ્નના દરેક પ્રગટ તત્ત્વના આવિર્ભાવમાં અનેક સુષુપ્ત અર્થો નિર્ણાયક બની રહે છે. જોકે એ દરેક અર્થ ભિન્ન પ્રગટ તત્ત્વોમાં પણ ઓળખાવી શકાય. સુષુપ્ત સ્તરના જે અર્થોમાંથી પ્રગટ તત્ત્વો મૂર્ત થાય છે તે અર્થોના સંબંધો પ્રગટ તત્ત્વોમાં જળવાતા નથી. એ રીતે પ્રગટ તત્ત્વો ખરેખર વિભાવનાની રીતે સમગ્રને આત્મગત કરતાં નથી. સ્વપ્નનિર્માણની ચર્ચામાં મૂળભૂત પ્રક્રિયારૂપે ફ્રોય્‌ડે વર્ણન આપ્યું છે. Object-relationship : માનવવ્યક્તિ તેના વિશ્વ સાથે જે રીતનો સંબંધ ધરાવે છે તે વ્યક્તિત્વનું વિશિષ્ટ સંયોજન, પદાર્થોનો અવબોધ – જે અમુક અંશે ફેન્ટસીપૂર્ણ હોય અને અમુક ચોક્કસ સંરક્ષણ વૃત્તિ – એ સર્વના પરિણામસ્વરૂપ સમગ્ર સંકુલ પદાર્થવિશ્વ. કોઈ એક વ્યક્તિવિશેષના પદાર્થસંબંધો અને વ્યક્તિત્વવિકાસના ચોક્કસ સ્તરે ચોક્કસ પદાર્થના પદાર્થસંબંધોની તરેહ.