કળા, સાહિત્ય અને વિવેચન/સાહિત્યના ઇતિહાસની વિભાવના

સાહિત્યના ઇતિહાસની વિભાવના
: યુગબોધ અને યુગનિર્ધારણના પ્રશ્નો

૧ : ૧ મારા અત્યારના વક્તવ્યનો ઝોક મુખ્યત્વે સાહિત્યના ઇતિહાસની વિભાવનાના સંદર્ભે તેના અંગભૂત એવા સાહિત્યિક યુગનો બોધ અને તેના નિર્ધારણની અગત્ય દર્શાવવાનો અને તેને લગતા કેટલાક મહત્ત્વના પ્રશ્નોને સ્પર્શવાનો છે. દેખીતી રીતે જ એ પ્રશ્નો સાહિત્યિક ઇતિહાસની સંરચનાના વિશેષપણે ઊપસતા પ્રશ્નો છે. ૧ : ૨ આ વિષયમાં આપણી મોટી મુશ્કેલી એ છે કે આપણા વિદ્યાકીય જગતમાં સાહિત્યિક ઇતિહાસના સ્વરૂપ, પ્રયોજન અને પદ્ધતિ પરત્વે જોઈએ એવી ઊંડી તાત્ત્વિક વિચારણાઓ થઈ નથી. એ ખરું કે આપણા સાહિત્યના – મધ્યકાલીન અને અર્વાચીન એ બંને સમયખંડના – ઇતિહાસલેખકોએ પોતાને પ્રાપ્ત થયેલી સાહિત્યિક સામગ્રીઓ રજૂ કરવાના પ્રયત્નોમાં જે રીતે તેનું આયોજન-સંકલન હાથ ધર્યું છે તેમાં તેમની સાહિત્યિક યુગ વિશેની અમુક અભિજ્ઞતા છતી થાય છે જ, પણ સાહિત્યિક ઇતિહાસના સ્વરૂપ અને પ્રયોજન પરત્વે ચોક્કસ અને ઊંડી તત્ત્વદૃષ્ટિના અભાવમાં જ કદાચ તેમની યુગવિચારણા પ્રમાણમાં ઉપરછલ્લી અને મર્યાદિત રહી જવા પામી છે. ૧ : ૩ જ્યાં સુધી આપણા મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસનો પ્રશ્ન છે, આપણા લગભગ બધા જ ઇતિહાસલેખકોએ એમાં યુગબોધ અને યુગનિર્ધારણની મોટી મુશ્કેલી અનુભવી દેખાય છે. સાક્ષરશ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘The Classical Poets of Gujarat and Their Influence on Society and Morals’ શીર્ષકના તેમના ગ્રંથમાં, જોકે, મધ્યકાલીન કવિઓ વિશે સળંગ આલેખ રૂપે ચર્ચા કરી છે. તેમની સામે વિશિષ્ટ યુગબોધનો પ્રશ્ન આવ્યો નથી. કનૈયાલાલ મુનશીના મુખ્ય સંપાદન નીચે તૈયાર થયેલા ગ્રંથ ‘મધ્યકાળનો સાહિત્યપ્રવાહ’માં ચોક્કસ સાહિત્યિક પરંપરાઓ અને પ્રવાહોને અનુલક્ષીને પ્રકરણોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાંય સાહિત્યિક યુગના બોધનો પ્રશ્ન ઊભો થયો નથી, નરસિંહરાવ દીવેટિયાના આ વિષયના વ્યાખ્યાનગ્રંથોમાંય આ પ્રશ્ન ઊપસતો નથી. પણ કૃષ્ણલાલ ઝવેરી, હિંમતલાલ અંજારિયા, કનૈયાલાલ મુનશી, વિજયરાય વૈદ્ય, કે.કા.શાસ્ત્રી, અનંતરાય રાવળ અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત સાહિત્યના ઇતિહાસોમાં મધ્યકાલીન સાહિત્યની ઉપલબ્ધ થતી રહેલી સામગ્રીઓના સંયોજનના સંદર્ભે યુગનિર્ધારણની મુશ્કેલીઓ તરત ધ્યાન ખેંચે છે. એ અંગે એવા ખુલાસાને અવકાશ છે કે એ સમયખંડનાં બદલાતાં સાહિત્યવહેણોની ગતિવિધિઓ પર્યાપ્તપણે આંકી દઈ શકાય તેટલી સામગ્રી હજી પ્રકાશમાં આવી નથી. એ સમયખંડમાં જૈન અને જૈનેતર પરંપરાનું સાહિત્ય વળી વિશેષતઃ પરંપરાનિર્ભર રહ્યું છે; એને એના ચોક્કસ સમયખંડોમાં ગોઠવવાનું મુશ્કેલ રહ્યું છે. આપણા ઇતિહાસકારોએ, આથી, ઘણુંખરું સદીઓના ખંડકો પાડીને કવિઓ સમાવ્યા છે. ૧ : ૪ આપણા અર્વાચીન સાહિત્યના સંદર્ભે, જોકે, યુગો અલગ રેખાંકિત કરી લેવામાં આપણા ઇતિહાસકારોને ઝાઝી મુશ્કેલી પડી નથી. આરંભના ઇતિહાસકારોમાં ડાહ્યાભાઈ દેરાસરી, હિંમતલાલ અંજારિયા અને દી.બ. કૃષ્ણલાલ ઝવેરીએ અર્વાચીન સાહિત્યના આલેખમાં સાહિત્યવિષયો કે મુખ્ય સ્વરૂપોના ઉદ્‌ભવવિકાસને લક્ષમાં રાખી પ્રકરણોની વ્યવસ્થા કરી છે, અને તેમાં યુગબોધને અનુરૂપ ચર્ચા યોજવાનો ક્રમ દેખાતો નથી. પણ પછીથી કનૈયાલાલ મુનશી, વિજયરાય વૈદ્ય, ધીરુભાઈ ઠાકર અને ગુજરાતી સાહિત્ય પરિષદના ગ્રંથોમાં યુગવિભાજન લગભગ નિશ્ચિત થઈ ચૂક્યું છે. નર્મદયુગ અથવા સંસારસુધારાયુગ (ઈ.સ. ૧૮૫૧–૧૮૮૭), ગોવર્ધનરામયુગ અથવા સાક્ષરયુગ (ઈ.સ. ૧૮૮૭–૧૯૧૫), ગાંધીયુગ (ઈ.સ. ૧૯૧૫–૧૯૪૭) અને એ પછી આધુનિકતાવાદી સાહિત્યનો યુગ (ઈ.સ. ૧૯૪૭ –) એમ ચાર યુગો વ્યાપકપણે સ્વીકાર પામ્યા છે. પણ આપણા સાહિત્યના ઇતિહાસોમાં આ દરેક ‘યુગ’નું આલેખન ઘણું અપર્યાપ્ત લાગશે. ૨ : ૧ આપણી સામે સૌથી પાયાના એવા બે પ્રશ્નો છે : (ક) સાહિત્યના ઇતિહાસની (સં)રચના આપણને શા માટે જરૂરી છે? અને એને જ અનુષંગે આવતો બીજો પ્રશ્ન છે – (ખ) સાહિત્યના ઇતિહાસની (સં)૨ચના શી રીતે કરવી? ૨ : ૨ સાહિત્યનો ઇતિહાસ, ખરેખર તો, સાહિત્યસંશોધન અને સાહિત્યવિવેચન એ બે ક્ષેત્રોથી અલગ સ્વતંત્ર વિદ્યાશાખા થવા ઝંખે છે. જો આપણને આપણા કોઈ પણ એક મધ્યકાલીન કે અર્વાચીન કવિના જીવન અને કવન વિશે માહિતી જોઈતી હોય કે તેમને વિશે સ્વતંત્ર અધ્યયન-વિવેચન જરૂરી હોય તો તે વિવેચનગ્રંથોમાંથી મળી રહે. એવા અલગ અધ્યયન કે વિવેચનની જરૂર અર્થે સાહિત્યિક ઇતિહાસની સંરચના કરવાનું ખાસ આવશ્યક નથી : કહો કે એવા ઇતિહાસના અસ્તિત્વ અર્થે એમાં કોઈ નક્કર ભૂમિકા સાંપડતી નથી. ૨ : ૩ સાહિત્યના ઇતિહાસના અસ્તિત્વ માટેનું મૂળભૂત પ્રયોજન જુદું છે. એ પ્રયોજન છે સમગ્ર ભૂતકાલીન સાહિત્યમાં કોઈ ‘વ્યવસ્થા’(order) કે ‘તંત્ર’ (system) શોધવાની અને એ રીતે સાહિત્યિક ઘટનાઓ વિશે નવું જ્ઞાન મેળવવાની ગૂઢ એષણા. એ તો સુવિદિત છે કે આપણી પાસે આજે લાંબા ભૂતકાળના સાહિત્યનો વિશાળ સંચય છે, સમૃદ્ધ વારસો છે. અને એ વિશે ઠીકઠીક વિશાળ વિવેચન, અધ્યયન અને સંશોધન પણ પ્રાપ્ત થયાં છે. એ સર્વ સાહિત્યને સમયની રેખા પર મૂકીને જોતાં એમાં ચોક્કસ પ્રવાહો અને તેના વળાંકો દેખાય છે. એમાં અમુક સાહિત્યપરંપરાનું સાતત્ય છે, પરિવર્તન છે, તૂટ છે, નવસર્જન છે કે રૂપાંતર છે. આખાય ભૂતકાળના પટ પર ‘સાતત્ય’ અને ‘પરિવર્તન’ની પ્રક્રિયાઓ સતત પ્રત્યક્ષ થાય છે. આ રીતનું સાતત્ય અને પરિવર્તન કંઈ સાવ આકસ્મિક કે સ્વૈર ઘટનાઓ નથી; એમાં કવિઓ, સાહિત્યકારોની આંતરિક સંચલનાઓ અને હેતુઓ કામ કરે છે. વારંવાર સભાનપણે ચાહીને સાહિત્યિક પરંપરામાં પરિવર્તન આણવાની તેમણે પ્રવૃત્તિઓ કરી છે. હકીકતમાં, પ્રતિભાશાળી લેખકોએ, પોતે જે સાહિત્યિક પરંપરાઓ વચ્ચે ઊભા હતા, તેમાંથી પ્રેરણા લઈને પોષણ મેળવીને વારંવાર નોંધપાત્ર નવપ્રસ્થાનો આદર્યાં છે, સાહિત્યસ્વરૂપોમાં નવા વર્ણ્યવિષયો અને નવા અનુભવોને સમસંવાદી રીતે અને પર્યાપ્તપણે વ્યક્ત કરી શકાય તે માટે તેની રૂપરચના કે રચનાપ્રયુક્તિઓમાં ફેરફારો કર્યા છે, પ્રયોગોય કર્યા છે, જૂનાં રૂપોને નવેસરથી આંતરિક પુનર્ઘટન કરીને ખપમાં લીધાં છે; તો વળી સમકાલીન રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિએ લેખકોની મનોઘટના અને સંવેદનશીલતામાં આંતરિક પરિવર્તનો આણ્યાં છે. એવા લેખકો પોતાના બદલાતા જીવનદર્શન સાથે શૈલી, અલંકારનિર્મિતિ, કલ્પનશ્રેણી, પ્રતીકસૃષ્ટિ કે મીથકીય તત્ત્વોના વિનિયોગમાં પણ નવી દૃષ્ટિ દાખવે. સાહિત્યસ્વરૂપો, ભાષાશૈલી, કલ્પનશ્રેણી એ સર્વ સ્તરોએ સાહિત્યમાં પ્રગટપણે કે પ્રચ્છન્નપણે પરિવર્તનો આવતાં રહ્યાં જ છે. કોઈ એક છૂટક સાહિત્યકૃતિ વાંચતાં આ ઐતિહાસિક કોટિના પરિવર્તનનો ભાગ્યે જ ખ્યાલ આવશે. પણ સાહિત્યના સમગ્ર વારસાને એકીસાથે લક્ષમાં લેતાં તેની ગતિશીલતા, તેનાં આંતરબાહ્ય પરિવર્તનો અને તેની સાથે ગાઢ રીતે જોડાયેલો ઐતિહાસિક સંદર્ભ પ્રત્યક્ષ થશે. સાહિત્યનો ઇતિહાસ આ સર્વ ગતિશીલતા, પરિવર્તનો અને તેના આંતરિક હેતુઓ ઓળખવા ચાહે છે : એ રીતે ‘સાહિત્ય’ સ્વયં એક રીતનું તંત્ર છે કે તંત્ર બનવાની પ્રક્રિયામાં છે તે હકીકતની તે સ્થાપના કરે છે. ૨ : ૪ સાહિત્યના ઇતિહાસની રચનામાં જોકે, કેટલાક મૂળભૂત વાંધાઓ ઊભા કરવામાં આવ્યા છે. આપણે અત્યારે એ વાંધાઓના મૂળમાં જતા નથી. માત્ર એને અનુલક્ષીને એટલું જ નોંધીશું કે ‘કળાતત્ત્વ’, ‘રમણીયતા’ કે ‘સાહિત્યિકતા’ એ ઐતિહાસિક બોધમાં આવતું તત્ત્વ છે કે નહિ એ એમાં કેન્દ્રવર્તી વિવાદનો મુદ્દો રહ્યો છે. આકારવાદી વિવેચકોએ સાહિત્યકૃતિનું હાર્દ – તેની સાહિત્યિકતા – સમયથી પર લેખવી છે. એટલે, તેમના મતે સાહિત્યનો ઇતિહાસ રચવાને કોઈ આધાર જ નથી. પણ, આપણે અહીં એમ નોંધવા ચાહીએ છીએ કે જેઓ સાહિત્યના ઇતિહાસની સંભાવનાનો સ્વીકાર કરે છે તેઓ સાહિત્યને ઐતિહાસિક સમયમાં જન્મેલું અને ઐતિહાસિક પરિબળો વચ્ચે વિકસેલું જુએ છે. ઐતિહાસિકતા તેના હાર્દમાં ઊતરી ચૂકી હોય છે એવો એમાં સ્વીકાર છે. ૨ : ૫ પ્રસિદ્ધ પાશ્ચાત્ય અભ્યાસી રેને વેલેક એમ કહે છે : “સાહિત્યના ઇતિહાસનું પ્રયોજન છે – સાહિત્યની પ્રગતિ, પરંપરા, નિરંતરતા અને વિકાસની ઓળખ કરવી.” અર્થાત્‌, ઐતિહાસિક સમયમાં સામાજિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓ અને તેનાં પરિબળોના બદલાવ સાથે સાહિત્યક્ષેત્રમાં જે આંતરબાહ્ય પરિવર્તનો આવે છે અને વિકાસની પ્રક્રિયાઓ ચાલે છે તેની તપાસ કરવી અને એમાં ઊપસતાં ઐતિહાસિક તથ્યોની નોંધ લેવી તે સાહિત્યના ઇતિહાસકારનું મુખ્ય કાર્ય છે. આવાં પરિવર્તનો પાછળ અમુક અંશે સર્જકની નિજી વૈયક્તિક પ્રતિભા કામ કરી રહી છે એમ આપણે સ્વીકારીએ; પણ સાથોસાથ એય નોંધવાનું રહે છે કે સાહિત્યના ઇતિહાસમાં જુદે જુદે તબક્કે તત્કાલીન લેખકોની મનોઘટનાના અને તેમના સંવેદનતંત્રના વિકાસમાં બાહ્ય જીવનસંયોગો અને બાહ્ય પરિબળોએ ખાસ્સો મોટો નિર્ણાયક ભાગ ભજવ્યો જ હોય છે. વાસ્તવમાં કોઈ પણ લેખક શૂન્યાવકાશમાં પ્રવૃત્તિ કરતો હોતો નથી. તેના યુગના પ્રવાહો વચ્ચે તેનું લેખન આરંભાતું હોય છે, અને તેની સામે ક્રિયાપ્રતિક્રિયા રૂપે તે પોતાનો માર્ગ શોધતો હોય છે. જે ભાષામાં તે કામ આરંભે છે. તે સ્વયં તેને વારસા રૂપે મળી છે. તેનું લેખન, પરંપરામાં ખેડાતાં રહેલાં વિભિન્ન સાહિત્યસ્વરૂપો, શૈલીઓ, ૨ચનારીતિઓ, અભિવ્યક્તિની પ્રયુક્તિઓનાં ચોક્કસ માળખાંઓ વચ્ચે આરંભાય છે, તે સાથે વર્ણ્યવિષયો, વિચારતત્ત્વો, કલ્પનશ્રેણીઓ, પ્રતીકમંડળો, પુરાણવસ્તુઓ, દાર્શનિક દૃષ્ટિઓ અને વિચારધારાઓ પણ તેને સહજ વારસામાં મળી હોય છે. વળી પોતાના સમયની નવી રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક વિચારણાઓ અને તેની સાથે સંપૃક્ત રહેલાં નવાં મૂલ્યો સામે તે ઊભો હોય છે. આગલી પેઢીના લેખકો સામે અભાન કે સભાન પ્રતિક્રિયા રૂપે પોતાની સર્જનપ્રવૃત્તિનો મૂળભૂત ઉદ્દેશ બદલે કે પોતાની આંતરિક જરૂરિયાતને અનુવર્તીને પરંપરાપ્રાપ્ત સાહિત્યસ્વરૂપોમાં અને શૈલીઓમાં પરિવર્તન આણે એમ બનવાનું. આધુનિક સમયમાં લેખક પોતાના કાર્ય અને સ્થાન વિશે કદાચ વધુ સભાન બન્યો છે. પોતાને કશુંક મૌલિક, નૂતન અને અપૂર્વ નિર્માણ કરવાનું છે, અને આગવી રીતિએ પોતાનો પંથ રચવાનો છે એ વાતથી તે સભાન બન્યો છે. વ્યક્તિગત રીતે કોઈ એકલદોકલ લેખક પૂરતી જ આ વાત નથી; અમુક લેખકોનાં જૂથો કે એક આખી પેઢી આ રીતે પોતાની પહેલાંના લેખકો સામે વ્યાપકપણે તીવ્ર પ્રતિક્રિયાઓ દર્શાવતી જોવા મળશે. છતાં સર્વથા મૌલિક, સર્વથા નૂતન કે સર્વથા અપૂર્વ સર્જન જેવું કશું સંભવતું હોતું નથી. જે નવી રૂપનિર્મિતિ કે નવી રચનારીતિ કે નવી કલ્પનશ્રેણીઓ યોજાય છે તેમાં પૂર્વપરંપરાઓનું કશુંક સાતત્ય જળવાયું હોય જ છે. જે કંઈ નૂતન અને મૌલિક ભાસે છે તે સંભવતઃ પૂર્વપરંપરાનાં અમુક રૂપોનું નવવિધાન કે નવસંયોજન હોય છે. અને પેઢીએ પેઢીએ સાહિત્યક્ષેત્રમાં આ રીતે જે પરિવર્તનો આવ્યાં છે તેમાં સાહિત્યકળાની બદલાયેલી વિભાવના, સાહિત્યિક રસરુચિ અને વિવેચનનાં બદલાયેલાં ધોરણો પ્રેરક અને પ્રભાવક બન્યાં હોય છે, અને એ સર્વ એ યુગના બદલાતા દાર્શનિક, સાંસ્કૃતિક ખ્યાલો સાથે જોડાયેલાં હોય છે. રશિયન સ્વરૂપવાદીઓએ એવો ખ્યાલ પ્રગટ કર્યો હતો કે સાહિત્યિક ઘટના પૂર્ણપણે સ્વાયત્ત અને સ્વતઃસંચાલિત ઘટના છે. પણ તેમનો એ ખ્યાલ બરોબર નથી : સાહિત્યના ઇતિહાસોમાં જે લગભગ સાતત્યપૂર્વક પરિવર્તનો આવ્યાં છે તેમાં સમાજ અને સંસ્કૃતિનાં ક્ષેત્રોમાં જન્મેલાં નવાં વિચારવલણોએ ઓછેવત્તે અંશે નિર્ણાયક ભાગ ભજવ્યો છે તે હકીકતની એમાં અવગણના થયેલી છે. એ ખરું કે સાહિત્યજગતમાં આવતાં રહેલાં પરિવર્તનો અને તેનાં નવપ્રસ્થાનોને તંતોતંત તેના સામાજિક બનાવો સાથે કે સામાજિક-સાંસ્કૃતિક પ્રવાહોના બદલાવ સાથે સાંકળી શકાય નહિ, તેમ ચોક્કસ કાર્યકારણભાવે તેનો અનિવાર્ય સંબંધ હંમેશાં સ્થાપી શકાય નહિ. ટૂંકમાં, સાહિત્યક્ષેત્રમાં આવતાં પરિવર્તનો અને તેને પ્રેરતાં, સંકોરતાં, સંવર્ધતાં બાહ્ય પરિબળો વચ્ચેના સંબંધો ઉપલક નજરે દેખાય તે કરતાં ઘણા વધુ જટિલ અને અટપટા નીવડ્યા છે. પણ તેથી એવા બાહ્ય સંયોગો અને પરિબળોના પ્રભાવનો ઇન્કાર થઈ શકે તેમ નથી. સાહિત્યમાં જોવા મળતાં ‘સાતત્ય’ અને ‘પરિવર્તનો’ને તેના આગવા ઐતિહાસિક સંદર્ભો છે જ : સાહિત્યિક ઘટના એવા ઐતિહાસિક સંદર્ભો વચ્ચે જ સતત અવનવા આકાર લે છે. સાહિત્યનો ઇતિહાસ આ ‘સાતત્ય’ અને ‘પરિવર્તનો’ના આધાર પર રચાય છે : એ આધારો નક્કર, સ્પર્શક્ષમ અને બુદ્ધિગ્રાહ્ય છે. ૨ : ૬ સાહિત્યના ઇતિહાસોમાં જ્યાં સુધી ‘પરંપરા’ ‘સાતત્ય’ અને ‘પરિવર્તન’ની પ્રક્રિયાના પ્રશ્નો છે તેનું સ્વરૂપ સમજવામાં અને તેનો વાસ્તવિક સ્વીકાર કરવામાં કદાચ ઝાઝી મુશ્કેલી નથી. જે ‘પરંપરા’ રૂપે ટકી રહ્યું છે, કશુંક જીવનપોષક તત્ત્વ અંતર્હિત રહ્યું છે. એમાં કશુંક પરમ શ્રેયસ્કર તત્ત્વ પડેલું છે, કશુંક શિવંકર તત્ત્વ એમાં રહેલું છે એટલે જ તો પરંપરા બનીને ટકી રહે છે. પણ એવી પરંપરામાંય સમયની સાથે અમુક અંશ જીર્ણ અને મૃતવત્‌ બની જતો લાગે છે. એટલે પરંપરાઓ પણ નિરંતર પુનર્જીવન માગે છે. એલિયટે ‘સંસ્કૃતિ’-culture-ના સંદર્ભે એમ કહેલું કે એ કંઈ સીધેસીધી ઓઢી લેવાની વસ્તુ નથી; વ્યકિતને પોતાની વૈયકિતક ચેતનાના સ્તરે પ્રયત્નપૂર્વક સંકલ્પપૂર્વક તેને નવેસરથી સંસિદ્વ કરવાની રહે. એટલે, સાહિત્યસર્જનની પ્રવૃત્તિમાં પરંપરાના યોગ વિશેય લાગુ પડે એવી આ વાત છે. એલિયટે સ્પષ્ટ કર્યું છે તેમ દરેક પ્રતિભા પોતાની પરંપરાઓ સાથે જીવંત અનુસંધાન કેળવીને આગળ વધે છે, પરંપરાઓમાં રહીને સક્રિય બને છે, તે સાથે જ તેમાં કશુંક આંતરિક પરિવર્તન પણ આણે છે. પરંપરાઓનો સ્વીકાર અને તેમાં ઓછુંવત્તું પરિવર્તન કે નવસંસ્કરણ એ માત્ર કોઈ એક પ્રતિભા પૂરતી સીમિત ઘટના નથી. સાહિત્યમાં દરેક વળાંકે આ ઘટના વ્યાપકપણે જોવા મળે છે. સાહિત્યના ઇતિહાસકારને કોઈ એક લેખક કે કોઈ એક કૃતિના કળાકીય આસ્વાદનમાં નહિ, એ લેખક કે કૃતિના ઐતિહાસિક સંદર્ભમાં વધુ રસ છે. બલકે, લેખકોની પેઢીઓ અને સાહિત્યિક કૃતિઓમાં વ્યાપકપણે જે ‘સાતત્ય’ અને જે ‘પરિવર્તનો’ જોવા મળે છે તેની પ્રક્રિયાઓમાં તેના સ્વરૂપબોધમાં અને તેની પાછળ કામ કરતાં હેતુઓ ઉદ્દેશો કે પ્રેરણાઓમાં વધુ રસ છે. ૨ : ૭ કોઈ પણ પરંપરાના સાહિત્યને અનુલક્ષીને, જોકે ‘વિકાસ’ અને ‘પ્રગતિ’ના ખ્યાલો ચર્ચાસ્પદ બની રહે તો આશ્ચર્ય નહિ. ‘પરિવર્તન’ કે ‘વળાંક’ની બાબત એક છે, ‘વિકાસ’ કે ‘પ્રગતિ’ની બાબત બીજી છે. આ સંદર્ભે ‘વિકાસ’ અને ‘પ્રગતિ’ના ખ્યાલો જ મુશ્કેલી ઊભી કરે છે. સાહિત્યમાં દરેક નવા સમયખંડમાં વર્ણ્યવિષય, રીતિ કે ભાષાશૈલીમાં બદલાવ આવે કે નવી વિચારણા સાહિત્યરચનાઓમાં પ્રવેશે એટલે તેમાં વિકાસ થયો કે પ્રગતિ થઈ એમ હંમેશા કહી શકાતું નથી. પશ્ચિમના વિદ્વાનોએ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના પ્રકાશમાં કે માક્ર્‌સના ઐતહાસિક ભૌતિકતાવાદના સંદર્ભમાં સાહિત્યક્ષેત્રમાં ‘વિકાસ’ કે ‘પ્રગતિ’નો સિદ્વાંત સ્થાપવાના પ્રયત્નો ર્ક્યા છે, પણ તે પૂરતા પ્રતીતિકર નથી જ. કોઈ પણ સાહિત્યના ઇતિહાસમાં ઉત્તરોત્તર વિકાસની પ્રક્રિયા ચાલતી રહી હોય એમ જોવા મળતું નથી. સાતત્યભર્યો વિકાસ કે ઉત્ક્રાંતિ ફરીફરીને અટકી જતી દેખાશે. સાહિત્યના ઇતિહાસને સમગ્રતયા કોઈ એક તંત્રમાં ઢાળવાનું, આથી, મુશ્કેલ બનતું રહ્યું છે. ૨ : ૮ આમ છતાં, કોઈ પણ સાહિત્યની ગતિવિધિઓને ચોક્કસ સમયખંડમાં, ચોક્કસ તબક્કાઓમાં રેખાંકિત કરીને જોવાનું સાવ મુશ્કેલ નથી. બલકે, સીમિત સમયખંડની ગતિવિધિઓમાં અમુક વિકાસક્રમ કે પ્રગતિનો ક્રમ ઠીક ઠીક સુરેખ રીતે પકડી શકાય છે. એવા સમયખંડમાં સાહિત્યિક પ્રવૃત્તિઓના ઉદ્‌ભવવિકાસના હેતુઓ, તેનો ક્રમિક ઉઘાડ, વિકાસની પરાકાષ્ઠા, અને અંતે હ્રાસપ્રક્રિયા પ્રત્યક્ષ કરી શકાય છે. એવા સમયખંડમાં સાહિત્યને ઘાટ આપતાં વિવિધ બળો એકાગ્ર બનીને અમુક સાહિત્યિક વ્યવસ્થા(literary order) રચવા ગતિશીલ બન્યાં દેખાય છે. તેની અંદર કામ કરતાં બળો અમુક પ્રૌઢ અને પરિપક્વ પરિણામો નિપજાવવા સક્રિય બને છે. આ આખો વિકાસ અને હ્રાસ, વિભિન્ન અને વિસંવાદી તત્ત્વોમાંનાં કેટલાંક સત્ત્વશીલ તત્ત્વોનું સંવાદી, સંતુલિત, સર્જનાત્મક રૂપ, અને તેનું વિઘટન – એ સર્વ પ્રક્રિયાઓ લક્ષમાં લેતાં ચોક્કસ સાહિત્યિક યુગના બોધ અને નિર્ધારણ માટે નક્કર ભૂમિકા રચાઈ આવે છે એમ કહેવું જોઈએ. ૩ : ૧ કોઈ પણ મહાન સાહિત્યની દીર્ઘ પરંપરાને એના સમયફલક પર મૂકીને જોઈએ તો તેનાં વહેણો અને વળાંકો પાછળનાં અમુક ચોક્કસ આંતરસૂત્રો પકડી શકાય છે. સમગ્ર સાહિત્યિક ઇતિહાસને કોઈ એક સુવ્યવસ્થિત અને સર્વગ્રાહી તંત્રમાં યોજવાનું ભલે અતિ મુશ્કેલ હોય, એના ઐતિહાસિક ક્રમમાં, જુદા જુદા તબક્કામાં, નાનાંમોટાં અનેક તંત્રો આકાર લેતાં, ઓછેવત્તે અંશે પ્રવર્તક બળ બનતાં, અને વળી વિઘટિત થતાં જોઈ શકાશે. નીચેનાં ક્ષેત્રોમાં અમુક રીતે સીમિત પણ ઠીકઠીક નક્કર આકાર લેતાં તંત્રો ગ્રહણ કરી શકાય. (ક) કાવ્યશાસ્ત્ર/સાહિત્યશાસ્ત્ર અને વિવેચનનાં ધોરણો : સાહિત્યના ઇતિહાસમાં સર્જનપ્રવૃત્તિની સાથોસાથ વિવેચનપ્રવૃત્તિ પણ વિકસતી હોય એમ વારંવાર જોવા મળશે. દરેક તબક્કામાં, આમ તો, સાહિત્યકળા વિશે ભિન્નભિન્ન સિદ્ધાંતો ચર્ચાતા રહે છે, પણ એમાં અમુક સિદ્ધાંતચર્ચા ગતિશીલ આંદોલન બનીને તત્કાલીન સર્જનને અને કૃતિવિવેચનને સીધી અસર કરતી દેખાય છે. યુગના હાર્દમાં પડેલી સામાજિક સાંસ્કૃતિક અને દાર્શનિક વિચારણાઓ તેમાં પ્રેરણારૂપ બની હોય એમ પણ જોઈ શકાશે. એ રીતે આકાર લેતી સાહિત્યચર્ચા અને તેની સાથે વિકસતું કૃતિવિવેચન વ્યાપકપણે અમુક મૂલ્યોનું તંત્ર પ્રક્ષેપ કરતું હોય છે કે એવાં મૂલ્યોના તંત્ર તરફની ગતિ દેખાય છે. ભિન્નભિન્ન સાહિત્યસિદ્ધાંતના પક્ષકારો અન્યના વિચારોની સમીક્ષા કરે છે, વાદ પ્રતિવાદ કરે છે કે ઊહાપોહ કરે છે, તેમાં પણ, અંતે તો મતમતાંતરો નીચેની વ્યાપકપણે સ્વીકૃત ભૂમિકાએ ઉપસાવવાનો ઉપક્રમ હોય છે. વળી દરેક તબક્કામાં ભિન્નભિન્ન સ્વરૂપોની તત્ત્વચર્ચા, તેનું સાહિત્યપરંપરામાં સ્થાન અને તેમાં ઉચ્ચાવચતાક્રમ એ સર્વ બાબતો પણ વ્યાપક વિવેચનનાં ધોરણો અને મૂલ્યોના તંત્ર સાથે સંગતિ સાધતી હોય એમ દેખાય છે. ઉ.ત., ‘ગાંધીયુગ’ની સંજ્ઞાથી આપણે આપણા સાહિત્યના જે સમયખંડનો નિર્દેશ કરીએ છીએ, તેમાં ખરેખર તો મુખ્યગૌણ ત્રણચાર વિવેચનવિચાર પ્રવર્ત્યા છે. એક બાજુ, ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, સ્વામી આનંદ, મહાદેવભાઈ દેસાઈ જેવા ચિંતકોની આગવી સાહિત્ય-વિચારણા છે; બીજી બાજુ, કનૈયાલાલ મુનશી જેવાની આગવી સાહિત્યવિભાવના છે; ત્રીજી બાજુ, રવીન્દ્રનાથ ટાગોરના સૌંદર્યવાદી વિચારોનો પ્રભાવ છે; ચોથી બાજુ, પશ્ચિમના પ્રગતિવાદી સાહિત્યનીય અમુક પ્રેરણા છે; દેખીતી રીતે, આ વિચારણાઓ પાછળની ધારણાઓ જુદી છે. પણ આ તબક્કામાં જ બળવંતરાય ઠાકોર, રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ઉમાશંકર જોશી અને સુંદરમ્‌ જેવા વિવેચકો આવી પ્રવર્તમાન વિચારણાઓ વચ્ચે શક્ય તેટલી વ્યાપક ભૂમિકા શોધવા મથ્યા છે. ટૂંકમાં, દરેક તબક્કે પ્રાણવાન સાહિત્યવિચારો ક્યાંક ટકરાય છે, ઊહાપોહ થાય છે, સમીક્ષા થાય છે, અને એ રીતે અમુક વિવેચનવિચાર પ્રબળ બનીને યુગપ્રવર્તક બને છે; કહો કે યુગના સાહિત્યપ્રવાહને નવી દિશા અર્પે છે. (ખ) સાહિત્યિક સામગ્રીઓ, વર્ણ્યવિષયો અને સમસ્યાઓ : દરેક તબક્કામાં રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ બદલાય છે, તે સાથે તેના પ્રશ્નોનું સ્વરૂપ બદલાય છે અને ચિંતનમનનની ભૂમિકા બદલાય છે. નવા વિચારોના પ્રકાશમાં કવિઓ અને લેખકો પોતાની આસપાસના જીવનસંયોગોને વિશે જુદી રીતે પ્રતિભાવ પાડે છે. જુદા પ્રશ્નો તેમનું ધ્યાન રોકે છે અને સર્જન માટે નવી સામગ્રીઓ નવા વર્ણ્યવિષયો તેમની સામે પ્રત્યક્ષ થાય છે. આપણા સાક્ષરયુગના સાહિત્યની સામે ગાંધીયુગમાં ઊપસેલા નવા વિષયો અને ગાંધીયુગની સામે સ્વાતંત્ર્યોત્તર સાહિત્યના નવા વિષયો એ રીતે ચોક્કસ નવી તરેહોનો નિર્દેશ કરે છે. વળી બદલાતા વિષયોની સાથોસાથ તેની શૈલીઓ, અલંકારનિર્મિતિઓ અને અભિવ્યકિતની રીતિઓમાં ચોક્કસ પરિવર્તનો આવે છે. પુરાણકથાઓ પ્રાચીન આખ્યાનો જેવી સામગ્રીઓના ઉપયોગ પરત્વે એમાં નવો અભિગમ પણ જોઈ શકાશે. પણ સૌથી મહત્ત્વની અને પ્રસ્તુત બાબત એ છે કે દરેક તબક્કામાં આકાર લેતા વિષયો પણ આગવું તંત્ર સૂચવે છે. (ગ) કોઈ પણ તબક્કામાં ઉદ્‌ભવતી સાહિત્યિક હિલચાલ, અમુક વિચારધારાનો ઉદ્‌ભવ છે કે બીજી પરંપરાની વિચારધારાની પ્રેરણા, રાષ્ટ્રીય પરંપરા કે રાષ્ટ્રીય સંસ્કૃતિનો અસ્મિતાબોધ, મહાન પ્રશિષ્ટ ગ્રંથો કે મહાકાવ્યોની પુનઃપ્રતિષ્ઠા, વિશિષ્ટ સાહિત્યિક સંપાદનો-સંકલનો, અન્ય ભાષાની મહાન કૃતિઓના અનુવાદો એ સર્વ પ્રવૃત્તિઓ પાછળ જે હેતુ, જે પ્રેરણા કામ કરે છે તેનું ચોક્કસ તર્કસૂત્ર સંભવે છે અને આવી દરેક સાહિત્યિક પ્રવૃત્તિ પણ અમુક નિશ્ચિત તંત્રનો નિર્દેશ આપે જ છે. (ઘ) દરેક પેઢીના વાચકો, વિવેચકો આગળના યુગની સાહિત્યકૃતિઓનું જે રીતે ગ્રહણ કરે છે કે જે રીતે પ્રતિભાવો પાડે છે તેમાં પણ અમુક મૂળભૂત સમાન રુચિવૃત્તિ જોઈ શકાય. દરેક વાચક, વિવેચક અલગ રીતે જુદી રુચિવૃત્તિવાળો હોય એ સમજાય તેવું છે, પણ અમુક એક પેઢીના પ્રતિભાવોમાં ચોક્કસ ધોરણોનો સ્વીકાર હોય કે અમુક સમાન frame of reference હોય એમ પણ જોઈ શકાશે. ૩ : ૨ સાહિત્યજગતમાં આકાર લેતા સાહિત્યિક પ્રવાહો અને પરંપરાઓના વિકાસવિસ્તાર કંઈ યાદૃચ્છિક બાબત નથી. દરેક તબક્કામાં નવી પ્રતિભા આવે છે અને એ પ્રતિભાને નવા સંયોગો વચ્ચે નવી સાહિત્યિક અપેક્ષા અને નવી સાહિત્યિક જરૂરિયાત વરતાય છે. પણ એવી અપેક્ષા અને એવી જરૂરિયાત તત્કાલીન સાહિત્યિક પરિસ્થિતિને અનુલક્ષીને જન્મે છે. સાહિત્યકારોનું કોઈ એક જૂથ કે આખી પેઢીમાં આવી અપેક્ષા જન્મે છે કે જરૂરિયાત વરતાય છે. પણ એ લેખક કે જૂથ કે પેઢી લેખન આરંભે છે ત્યારે નવેસરથી તંત્રો રચે છે એમ કહેવા કરતાં પરંપરાપ્રાપ્ત તંત્રોમાં આંતરિક પરિવર્તનો આણે છે, કે તેનું નવવિધાન કરે છે એમ કહેવું વધારે ઉચિત લેખાશે. ઉપર નોંધ્યાં છે તે સાહિત્યવિવેચન, વર્ણ્યવિષય, વિચારધારા, શૈલી કે ભાષાકીય સંયોજન દરેક સ્તરે જે સંરચનાઓ પ્રચારમાં રહી હોય તેમાં ચાહીને કે અણજાણપણે, પ્રગટપણે કે પ્રચ્છન્નપણે તે રૂપાંતરો સાધે છે અને સાહિત્યવિવેચન વર્ણ્યવસ્તુ કે શૈલી જેવું કોઈ પણ તંત્ર પરસ્પરથી અલગ સ્વતંત્રપણે કામ કરતું હોતું નથીઃ દરેક તંત્ર અન્ય તંત્રો સાથે સતત ક્રિયાપ્રતિક્રિયા સાધે છે, તેને આત્મગત કરવા મથે છે, તેની સાથે સંઘર્ષમાં ઊતરે છે અને વારંવાર કોઈક રીતે સંતુલન સાધી લે છે કે પછી વિઘટિત થાય છે. સાહિત્યના ઇતિહાસકારે જો ‘સાહિત્યિકતા’નો ઇતિહાસ આપવો હોય તો મુખ્યગૌણ એવાં તંત્રો કે સંરચનાઓ પરસ્પર કેવી રીતે સંકળાયેલાં રહ્યાં છે, કેવી રીતે પરસ્પરને પ્રભાવિત કરતાં રહ્યાં છે, અને તેમાં દરેકમાં તેમ સામૂહિક રીતે એ સર્વમાં કેવાં રૂપાંતરો સધાયાં છે તેની શોધ કરવાની રહે. સાતત્ય અને પરિવર્તનોની સમસ્ત તપાસ આવી સંરચનાઓના સ્તરેથી બલકે તેનો આધાર લઈને તેણે કરવી ઘટે. ૪ : ૧ સાહિત્યના ઇતિહાસની સંરચનામાં, આમ જુઓ તો, ત્રણ અંતર્ગત ઘટકો આગવું મહત્ત્વ ધારણ કરે છે અને સર્વ સાહિત્યિક સામગ્રીઓ સામાન્ય રીતે એ ત્રણ ઘટકોને વળગીને પ્રસ્તુત થાય છે. બલકે, સાહિત્યિક ઇતિહાસમાં ત્રણેય ઘટકો સ્વ-તંત્ર બનીને અલગ એકમ તરીકે ટકી રહેવાની વૃત્તિ ધરાવે છે. (ક) સાહિત્યકારની વૈયક્તિક પ્રતિભા : તેના સમગ્ર સર્જનમાં મૂળ બીજકોષ(oeuvre)ના રૂપે એ પ્રત્યક્ષ થાય છે અને પોતાના અપૂર્વ આંતરસત્ત્વને કારણે એ વિશેષ મહત્ત્વ પ્રાપ્ત કરે છે. (ખ) ભિન્નભિન્ન સાહિત્યિક પરંપરાઓ અને પ્રવાહો, જે સમયના નાનામોટા ફલક પર ઉદ્‌ભવવિકાસ સાધે છે, વળાંક લે છે, રૂપાંતર સાધે છે, વિરમે છે, તૂટે છે કે નવજન્મ પામી ફરી સક્રિય બને છે. (ગ) કોઈ એક ચોક્કસ સમયખંડની, તબક્કાની વિશેષ વલણો દાખવતી સાહિત્યિક પ્રવૃત્તિઓ. ચોક્કસ સમયખંડની સામાજિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓ વચ્ચે એ સાહિત્યિક પ્રવૃત્તિઓને એક વિશિષ્ટ ‘સાહિત્યિક યુગ’ રૂપે પ્રક્ષિપ્ત થતી જોઈ શકાય. આ ત્રણેય ઘટકોની સાહિત્યિક સામગ્રીઓ પરસ્પરમાં ઓતપ્રોત છે; બલકે ઇતિહાસકાર સાહિત્યિક ઇતિહાસમાં વ્યવસ્થા આણવા આવાં ઘટકોને અલગ રેખાંકિત કરવા મથે છે. પણ એ દરેક ઘટકની સંચલના અને ગતિશીલતા જુદી છે, જુદી ભૂમિકાની અને જુદી દિશાની છે. એક વાર એવું ઘટક સ્વીકારો કે એ સ્વ-તંત્ર બનવા ઝંખે છે. સાહિત્યના ઇતિહાસમાં આથી, આ ત્રણે ઘટકો વચ્ચે સ્પર્ધા અને ખેંચ જન્મે છે; એ ત્રણે વચ્ચે સંતુલન રચીને સાહિત્યિક સામગ્રીમાં ચોક્કસ વ્યવસ્થા ઊભી કરવી એ ઘણું પડકારરૂપ કાર્ય છે. ૪ : ૨ તો, આપણે ‘સાહિત્યિક યુગ’(literary period)ની જે વિભાવના સ્પષ્ટ કરવા ચાહીએ છીએ તે સમસ્ત સાહિત્યિક ઇતિહાસનો એક ભાગ છે : સાતત્યપૂર્વક વહેતા સાહિત્યિક પ્રવાહો વચ્ચે ઇતિહાસકારે પોતે રેખાંકિત કરેલો સમયખંડ કે તબક્કો છે. જ્યાં સુધી એ સાહિત્યિક ઇતિહાસ છે, સાહિત્યનાં ચોક્કસ પરિવર્તનોને અંકિત કરી આપતો સમયખંડ છે. પ્રજાજીવનના ઇતિહાસમાં બનતા મહત્ત્વના જાહેર બનાવો સાથે એનો આરંભ અને અંત મેળમાં હોય એ જરૂરી નથી. ૪ : ૩ સાહિત્યિક યુગનો બોધ અને તેનું નિર્ધારણ એ ઘણી જટિલ બાબત છે. એટલા માટે કે સાહિત્યની સાતત્યપૂર્વકની પ્રવૃત્તિઓ વચ્ચે ખરેખર નવા યુગનો આરંભ ક્યાંથી ગણવો અને તેનો અંત ક્યાં નક્કી કરવો તે હંમેશાં મુશ્કેલ હોય છે. આગલી પેઢીના લેખકોમાં દેખા દીધેલી નવી કળાદૃષ્ટિ કે વર્ણ્યવિષય નવા બદલાતા સંયોગો વચ્ચે એકાએક મહત્ત્વ ધારણ કરે અને નવી પેઢી એમાંથી પ્રેરણા લઈ વ્યાપકપણે નવી રીતિનું સાહિત્ય રચવા પ્રેરાય એમ બને. અથવા, આગલી પેઢીનો કોઈ કવિ કે લેખક કશીય હિલચાલ વિના અમુક એક વર્ણ્યવિષય કે ભાવસંવેદનને આલેખે અને તરત નવી પેઢીના કવિઓ એને અનુસરી આંદોલનપૂર્વક નવી રીતિનું સાહિત્ય રચવા પ્રેરાય ત્યારે એવાં સાહિત્યિક સાતત્યો વચ્ચે વિભાજક રેખા ક્યાંથી આંકવી તે પ્રશ્ન છે. સાક્ષરયુગની સમયાવધિ સામાન્ય રીતે ઈ.સ. ૧૮૮૭થી ૧૯૧૫ વચ્ચે આપણા ઇતિહાસકારો મૂકે છે. એમાં યુગનો આરંભ ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ ભા. ૧ના પ્રકાશનથી ગણવાની સમજ છે. પણ રમણભાઈ નીલકંઠનો વિવેચનલેખ ‘કવિતા’ એના એકાદ વર્ષ પહેલાં જાહેરમાં વંચાયો હતો અને નરસિંહરાવ દીવેટિયાનાં બેત્રણ વિવેચનાત્મક લખાણો એ પહેલાં પ્રગટ થયાં હતાં. રમણભાઈ અને નરસિંહરાવનાં વિવેચનોમાં સાક્ષરીમાનસનાં પ્રબળ વલણો છતાં થાય જ છે. પણ ‘સરસ્વતીચંદ્ર’ ભા. ૧માં એ યુગના આંતરપ્રવાહો વધુ ગાઢ રીતે ઝિલાયા છે. પણ, તો પછી, ગાંધીયુગના આરંભ અને અંત વિશે આવી ચોક્કસ કસોટીઓ મળે છે ખરી? ૪ : ૪ રેને વેલેક સાહિત્યિક યુગની વિભાવના સ્પષ્ટ કરતાં જે તે વિશિષ્ટ સમયખંડમાં ઊપસતાં સાહિત્યિક મૂલ્યો અને ધોરણોના તંત્ર સાથે જોડે છે : ‘A period is, thus, a time-section dominated by a system of literary norms, standards and conventions, whose introduction, spread, diversification, integration and disappearance can be traced.’ અર્થાત્‌, યુગ, આ રીતે, સાહિત્યિક આદર્શો, ધોરણો અને પ્રણાલિકાઓના તંત્રના વર્ચસ્‌ નીચે આવતો સમયખંડ છે. અને એ આદર્શો, ધોરણો અને પ્રણાલિકાઓના પ્રવેશ, પ્રસાર, વિવિધિકરણ અખિલીકરણ અને વિલોપનની પ્રક્રિયાઓ શોધી શકાય છે. આ ચર્ચાના સંદર્ભમાં રેને વેલેક એમ સ્પષ્ટ કરે છે કે ઇતિહાસકારને આવું તંત્ર તૈયાર મળતું હોતું નથી; સાહિત્યિક પ્રવાહો વચ્ચે એવા તંત્રની ખોજ કરવાની રહે છે. ૪ : ૫ અગાઉ સાહિત્યિક યુગ એ એકદમ સાદો, સુરેખ અને આંતરિક રીતે સમસંવાદી સમયખંડ હોય એ રીતે એનો વિચાર કરવામાં આવતો હતો. પ્રસ્તુત સમયખંડમાં મુખ્ય વિચારધારા અને મુખ્ય સર્જનાત્મક પ્રવૃત્તિની સાથે વિસંવાદી લાગતી બાબતોની અવગણના કરીને બને તેટલું એકતા અને સામંજસ્યભર્યું ચિત્ર રજૂ કરવામાં આવતું. હવે યુગની સર્વ સંકુલતાઓનો તાગ લેવાની દૃષ્ટિ પ્રતિષ્ઠિત થઈ છે. સાહિત્યસર્જનની ગતિવિધિઓમાં તેમ વિવેચન, ચિંતન અને દર્શનના પ્રવાહોમાં મુખ્ય અને ગૌણ જે કંઈ વિચારો જોવા મળે છે તેમાં રહેલી વિસંગતિઓ અને વિષમતાઓનો પૂરો સ્વીકાર કરવામાં આવે છે. ઇતિહાસકાર સામે મુખ્ય પ્રશ્ન હવે પ્રસ્તુત સમયખંડમાં આકાર લેતા સાહિત્યવિચારો વિવેચનનાં ધોરણો અને ભિન્ન કળામીમાંસા વચ્ચે કોઈ એક વર્ચસ્‌ ધરાવતા વિચારતંત્રની ઓળખનો છે. સાહિત્યવિવેચન, વર્ણ્યવિષય, શૈલી, ભાષાવિધાન જેવા વિભિન્ન સ્તરોએ અમુક ચોક્કસ તંત્રો સ્થિર થઈ ગયાં હોય કે સ્થિર થવાની પ્રક્રિયામાં હોય અને ત્યાં વિઘટનની પ્રક્રિયા આરંભાઈ ચૂકી હોય એમ પણ જોવા મળશે. પણ આવા દરેક સમયખંડમાં વિભિન્ન સ્પર્ધક વિચારણાઓ વચ્ચેથી જ કોઈ વ્યાપક તંત્ર આકાર લે અને એમાં એ વધુ સુસંગત રીતે ગોઠવાતી દેખાય. સર્જાતા સાહિત્યમાં એ રીતે યુગનાં સર્જનાત્મક વલણોને વધુ એકાગ્ર કરીને પ્રૌઢ અને પરિપક્વ બનેલી અમુક ઊંચી ટોચરૂપ કૃતિઓ મળે. એવી કૃતિઓ યુગના હાર્દમાં પડેલાં સાંસ્કૃતિક, સાહિત્યિક મૂલ્યોને પ્રબળપણે ઉપસાવી આપે. ૪ : ૬ કોઈ પણ સાહિત્યિક યુગના મંડાણમાં સામાન્ય સત્ત્વહીન લેખક ચિંતન કે વિવેચકની પ્રવૃત્તિ ભાગ્યે જ કારગત નીવડે છે. એવા લેખક ચિંતકમાં કોઈ નવી વિચારણા કે સંવેદનાનો જન્મ થયો હોય તોપણ તે નિર્બળ પુરવાર થાય એમ બને. નવા યુગના મંડાણ માટે અપેક્ષિત છે કોઈ અતિ પ્રાણવાન તેજસ્વી અને જોમવંતી સાહિત્યવિભાવના જે સર્જાતા સાહિત્યમાં ચોખ્ખો વળાંક આણે, તેને નવી ભૂમિકા રચી આપે, નવી દિશા શોધી આપે. પણ સર્જનવિવેચનના નવા નવા ખ્યાલો તો દરેક તબક્કે ચર્ચાના ક્ષેત્રમાં પ્રવેશે છે, પણ એ બધા જ પરિણામકારી નીવડે એમ બનતું નથી. સાહિત્યના ઇતિહાસમાં દરેક નવો યુગ કોઈ લેખક ચિંતકના પૂર્વનિશ્ચિત માર્ગ કે પૂર્વઅંકિત કાર્યક્રમ પ્રમાણે આકારાતો નથી. જે સાહિત્યિક પ્રવૃત્તિ આગલા યુગમાં ચાલતી રહી તેમાં પરિવર્તન માટે ખરેખર કયાં પરિબળો નિમિત્ત બને છે તેનો પૂરેપૂરો અહેવાલ આપવાનું કદાચ મુશ્કેલ છે. પણ એટલું તો ખરું જ કે સાહિત્યિક પ્રવૃત્તિઓ નવા તબક્કામાં નવા યુગમાં દાખલ થાય છે ત્યારે પ્રગટ અને પ્રચ્છન્નપણે અનેક પરિબળો સક્રિય બની ચૂક્યાં હોય છે. આગલી પેઢીનું સાહિત્યલેખન એક બાજુ વાસી, સ્થગિત અને નીરસ લાગવા માંડે છે. અને બદલાતા જતા સામાજિક અને સાંસ્કૃતિક જીવન વચ્ચે એ કોઈક રીતે અપ્રસ્તુત લાગવા માંડે છે. બીજી બાજુ, સાહિત્ય અને જીવન વિશેની કોઈ નવી પ્રાણવાન અને તેજસ્વી વિચારણા નવા સાહિત્યની આકાંક્ષા જગાડે છે. નવી વિચારણાઓ અને નવા ઊહાપોહો સાથે સાહિત્યના વિષયો અને તેની રચનારીતિઓમાં ફેરફારની જરૂર વરતાવા લાગે છે. સાહિત્યના ઇતિહાસોમાં નવાનવા વિચારો અને નવી નવી વિચારધારાઓએ કેવા વળાંકો આણ્યા છે તે બાબત ઘણી મહત્ત્વની ઠરે છે. ૪ : ૭ સાહિત્યિક આદર્શો ધોરણો અને પ્રણાલિકાઓનું જે કોઈ નવું તંત્ર આખા યુગના સર્જનવિવેચન પર વર્ચસ્‌ ધરાવે છે તે કંઈ માત્ર સાહિત્યજગતની એકાકી નીપજ હોતી નથી : આખાય યુગમાં પ્રચારમાં આવેલી દાર્શનિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક વિચારણાઓ તથા માન્યતાઓ સાથે એ જોડાયેલું હોય છે. એ ખરું કે યુગમાં જન્મેલી બધી વિચારણાઓ એવા તંત્રમાં નિર્ણાયક ભાગ ભજવતી હોતી નથી. એ પૈકી અમુક અતિ પ્રાણવાન અને અતિ તેજસ્વી વિચારધારાઓ જ એમાં નિર્ણાયક ભાગ ભજવે છે અને વિચારો સ્વયં એટલા ગતિશીલ બને પણ, અથવા ન પણ બને, પણ વિચારકોની પ્રતિભાના બળથી તે આંદોલિત થાય છે ત્યારે સમાજજીવન પર છવાઈ જાય છે. આપણા સાહિત્યમાં ગાંધીયુગનું એક અલગ યુગ તરીકેનું નિર્ધારણ અને તેની યુગચેતનાની ઓળખ એ રીતે ધ્યાનપાત્ર છે. એ તો દેખીતું છે કે આ યુગમાં ગાંધીજીની જીવનવિચારણા અને તેમને અભિમત સાહિત્યનો આદર્શ સાહિત્યલેખન, વિવેચન અને ચિંતનમાં વ્યાપકપણે પ્રેરકબળ બની રહે છે. ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, સ્વામી આનંદ, મહાદેવભાઈ દેસાઈ આદિ રાષ્ટ્રસેવકોએ સાહિત્ય અને સાહિત્યકારની ભૂમિકા વિશે જે કંઈ ચર્ચાઓ કરી તેમાં ગાંધીજીને અભિમત જીવનભાવના જ મુખ્ય પ્રેરણાસ્રોત રહ્યો છે. લોકશ્રેય સમાજસુધારો અને નૈતિક ઉત્કર્ષના ઉદ્દેશો એમાં સ્વીકારાયા છે. સમાજના દલિતપીડિત વર્ગ માટેની વિશાળ અનુકંપા એમાં પ્રભાવક બળ બની છે. રાષ્ટ્રભાવના, રાષ્ટ્રીય સાહિત્ય અને રાષ્ટ્રીય વારસા સાથે એનું અનુસંધાન છે. આ યુગમાં ગાંધીજી અને તેમના અનુયાયી ચિંતકોએ ધર્મની જે વ્યાખ્યાવિચારણાઓ કરી તેમાં ગીતાના આદર્શોની બૌદ્ધિક વ્યાખ્યાઓ અને અર્થઘટનોનું વર્ચસ્‌ હતું. બીજી બાજુ કનૈયાલાલ મુનશીએ સાહિત્યકળા વિશે જે ખ્યાલો રજૂ કર્યા તેમાં તેમના આનંદવાદનું આગવી રીતનું સમર્થન હતું અને કળામાં નીતિવાદનો વિરોધ હતો. આ બે સાહિત્યિક આદર્શો વચ્ચે દેખીતી રીતે ફેર રહ્યો જ છે. વળી આ ગાળામાં ટાગોરના સૌંદર્યવાદ અને માનવતાવાદની પ્રેરણાય આપણા કવિઓએ ઝીલી છે. ઉપરાંત ટૉલ્સ્ટૉય, રસ્કિન, રોમા રોલાં, માક્ર્‌સ જેવા અનેક પાશ્ચાત્ય વિચારકોના વિચારો પણ આપણે ત્યાં ઝિલાયા છે. પણ આ યુગના સર્જનાત્મક સાહિત્યમાં તેમ વિવેચનમાં ગાંધીજીની જીવનદૃષ્ટિ વ્યાપકપણે પ્રભાવક બની રહી દેખાય છે. એ ખરું કે આખા યુગના સાહિત્યમાં ભિન્ન દિશામાં કામ કરતાં વિચારવલણો વચ્ચે પૂર્ણતયા સંવાદ અને સંગતિ સધાયાં નથી, પણ એવી કૃત્રિમ આયાસપૂર્વકની એકતા સ્થપાય એ જરૂરી પણ નથી. અહીં અભિપ્રેત એટલું જ છે કે મુખ્યગૌણ સાહિત્યવિચારણાઓ વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા ચાલે છે, અને એમાં કોઈ એક વિચારવ્યવસ્થા વિશેષ પ્રભાવક બળરૂપે બહાર આવે છે. એવી કોઈ વિચારવ્યવસ્થાની રચના કરીને ઇતિહાસકાર એ યુગનાં સર્જનવિવેચનને અવલોકવા પ્રેરાય છે. એવી વિચારવ્યવસ્થા જ તેને ચોક્કસ પરિપ્રેક્ષ્ય પૂરો પાડે છે. આપણા સાક્ષરયુગના લેખકોએ સાહિત્યની કળા વિશે જે ખ્યાલો કેળવ્યા હતા તેને તેનો આગવો સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ હતો : આગવી દાર્શનિક પ્રેરણા હતી. ગાંધીયુગના સાહિત્યવિચાર અને સાહિત્યપ્રવૃત્તિ પાછળ ઘણી જુદી રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ભૂમિકા રહી છે. સ્વાતંત્ર્યોત્તર સાહિત્યમાં વળી સાહિત્યકળાની નવી વિભાવના પાછળ વિશિષ્ટ વિચારધારાઓ પ્રેરક રહી છે. એટલે, સાહિત્યિક યુગના અલગ રેખાંકનમાં માત્ર બદલાતી સાહિત્યવિભાવના જ નહિ તેની પશ્ચાદ્‌ભૂમિકામાં રહેલી જીવનવિચારણાઓના બદલાવનેય સાથોસાથ લક્ષમાં લેવાની રહે. ૪ : ૮ સાહિત્યના યુગની રચના એ સમયખંડના કવિઓ લેખકોને ચોક્કસ સમયક્રમમાં રજૂ કરી દેવાથી થતી નથી. એવા દરેક કવિ લેખકના જીવનચરિત્રની માહિતી રજૂ કરવા માત્રથી કે તેમનાં સાહિત્યિક લખાણોની સ્વતંત્ર રીતે સમીક્ષા માત્રથી પણ સાચા અર્થમાં યુગબોધ થતો નથી. એવા યુગબોધ માટે યુગની સાહિત્યપ્રક્રિયાઓમાં પ્રત્યક્ષ થતી દ્વન્દ્વાત્મકતાની ઓળખ મહત્ત્વની બની રહે છે. (ક) પ્રસ્તુત સમયખંડમાં આગળના યુગોની સાહિત્યિક પરંપરાઓ કેટલે અંશે સ્વીકારાઈ છે કે નકારાઈ છે; જો સ્વીકારાઈ છે તો જુદી જુદી પ્રતિભા દ્વારા તે કેવાં પરિવર્તનો પામી છે, રૂપાંતરો પામી છે, નવવિધાન પામી છે કે વિઘટનશીલ બની છે તેની તપાસ કરવી. (ખ) આ યુગના લેખકો દ્વારા જે જે નવપ્રસ્થાનો આરંભાયાં હોય – નવા વર્ણ્યવિષયો, નવી રચનારીતિ, નવી શૈલી, નવા આકારપ્રકાર વગેરેમાં – તેના પ્રેરક હેતુઓ કે પ્રેરણાસ્રોતો તપાસવા, તેનાં પરિવર્તનો અને નવસંયોજનોની તપાસ કરવી. (ગ) આ પ્રકારનાં નવપ્રસ્થાનો પાછળના વાદો, વિભાવનાઓ અને વિચારધારાઓમાંથી કેટલું પ્રેરક અને પ્રભાવક બન્યું, કેટલું સ્વીકારાયું અને આત્મગત થયું તેની તપાસ કરવી. (ઘ) આગલા યુગમાં સાહિત્યિક અભિવ્યક્તિઓની સંરચનાઓમાં – અલંકારો, કલ્પનો, પ્રતીકમંડળો અને મિથકીય તત્ત્વોના વિનિયોગમાં – કેવો ફેરફાર આવ્યો એની તપાસ કરવી. (ચ) આગળના યુગમાં પ્રચારમાં રહેલાં સાહિત્યસ્વરૂપો પૈકી અમુકનો સ્વીકાર કે ત્યાગ કે અમુક સ્વરૂપ પ્રત્યે મોટો ઝોક, સ્વીકારાયેલાં સ્વરૂપોમાં અમુક આંતરબાહ્ય પરિવર્તનો, રૂપાંતરો કે નવસંયોજનો અને ખાસ તો આ સાહિત્યસ્વરૂપોની ઉચ્ચાવચક્રમતા(hierarchy)માં આવતો ફેરફાર. (છ) પ્રસ્તુત સમયખંડના લેખકો વિવેચકોએ પોતાની પહેલાંનાં સાહિત્ય વિશે ખાસ તો પરંપરાની મહાન પ્રશિષ્ટ કૃતિઓ વિશે જે અર્થઘટનો મૂલ્યાંકનો રજૂ કર્યાં હોય તેની તપાસ કરવી. આમ, અનેક બાજુએથી અને અનેક સ્તરોએથી પ્રસ્તુત સમયખંડની કૃતિઓ/કર્તાઓની તપાસ કરવામાં આવે, એમાં સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સાતત્ય ક્યાં અને કેટલું, પરિવર્તન ક્યાં અને કેટલું તેની વ્યાપક સમીક્ષા હાથ ધરવામાં આવે તો તે યુગના સર્જનવિવેચનના હાર્દમાં પ્રવેશી શકાય. અંતે એ યુગ પરંપરાઓનું કેવું અને કેટલું જતન કરે છે તેનુંય આગવું મહત્ત્વ છે, તો કઈ દિશામાં કઈ રીતે નવપ્રસ્થાન કરે છે અને પાછળના યુગને પ્રભાવિત કરે છે તેનુંય એટલું જ મહત્ત્વ કરે છે. ૪ : ૯ સાહિત્યનો યુગ, આમ જુઓ તો, ચોક્કસ સમયખંડમાં ચાલેલી સાહિત્યિક પ્રવૃત્તિઓને લક્ષે છે. અને એ કારણે આપણે એ સમયખંડના લેખકો અને કૃતિઓનો સામાન્ય રીતે diachronic ધરી પરથી વિચાર કરવા ટેવાયા હોઈએ છીએ. પણ આપણે એય સ્મરણમાં રાખવું જોઈએ કે આવા દરેક સમયખંડમાં યુગપદ્‌, સમાંતરે ચાલતી પ્રવૃત્તિઓને synchronic ધરી પર મૂકીનેય તપાસી શકાય, બલકે તપાસવાની રહે જ છે. દરેક યુગમાં સાહિત્યવિચાર વર્ણ્યવિષયો શૈલીઓ વાદો વગેરે તંત્રો કંઈ અલગપણે પ્રવર્તતાં હોતાં નથી : દરેક તંત્ર દરેક વિચારવ્યવસ્થા પરસ્પરનેય પ્રભાવિત કરતી રહે છે. ટૉલ્સ્ટૉય દ્વારા પ્રતિપાદિત અને ગાંધીવિચારધારામાં પ્રતિષ્ઠિત – ‘કળા એ ભાવસંક્રમણ છે’ – એ સિદ્ધાંત રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને ઉમાશંકર જોશીના વિવેચનવિચાર સુધી વિસ્તર્યો છે. પ્રગતિવાદ એ બકુલેશ, જયંત ખત્રી આદિથી ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી સુધી દેખા દે છે. વિચારપ્રધાન કવિતા તરફ એ યુગના ઘણાએક કવિઓનો ઝોક છે. સ્વાતંત્ર્યોત્તર ગાળામાં અસ્તિત્વવાદી વિચારણાથી પ્રેરિત કવિસંવેદનમાં એકલતા, હતાશા કે વિચ્છિન્નતાના સ્વરો એકસાથે ઘૂંટાતા રહ્યા પણ તેથીય વધુ મહત્ત્વની બાબત એ છે કે આ યુગમાં કવિતાએ યોજેલી કલ્પન/પ્રતીકનિષ્ઠ શૈલી છેક ટૂંકી વાર્તા, લઘુનવલ, નવલકથા, એકાંકી અને લલિત નિબંધને વ્યાપી વળી. કથાસાહિત્યમાં કથનાત્મકતા, કથનપદ્ધતિ અને કથાનિવેદકની ઉપસ્થિતિ અને કાર્યશીલતા એ સર્વ બાબતો વાર્તા, લઘુનવલ અને નવલકથા જેવાં કથામૂલક સ્વરૂપોને એકસરખી અસર કરી ગઈ. આ સાહિત્યિક પરિવર્તનમાં વ્યાપકપણે નવી સાહિત્યવિભાવના નિર્ણાયક બની છે એમ સ્વીકારીએ તો પણ સ્વરૂપો શૈલીઓ અને વર્ણ્યવિષયો વચ્ચે કશુંક આદાનપ્રદાન ચાલતું રહ્યું છે એ હકીકતનું મહત્ત્વ ઓછું આંકી શકાય નહિ. ૫ : ૧ આપણા સાહિત્યજગતમાં સાહિત્યના ઇતિહાસનું સ્વરૂપ, પ્રયોજન અને પદ્ધતિના પ્રશ્નો ખાસ ચર્ચાયા નથી. હવે એ વિષયના પ્રશ્નોની મૂળભૂત માંડણી કરવાનો સમય પાકી ગયો છે. એ સંદર્ભે ઇતિહાસ અને ઐતિહાસિક બોધની વ્યાખ્યાવિચારણા પણ આવશ્યક છે. ૫ : ૨ આપણા મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યના જે જે ઇતિહાસો લખાઈ ચૂક્યા છે તેમાં યુગબોધ અને યુગનિર્ધારણના પ્રશ્નોની પણ વ્યવસ્થિત માંડણી કરવાની રહે છે. આપણા અભ્યાસીઓ સામે એક નવું જ ક્ષેત્ર ઉદ્‌ઘાટિત થઈ ચૂક્યું છે. હવે એ દિશામાં આપણી તેજસ્વી ગતિ હો એ જ શુભ કામના.