કવિલોકમાં/કૃષ્ણભક્તિથી પ્રભાવિત શિવભક્તિ
ભણે શિવાનંદ સ્વામી, સંપા. ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી, પ્રકા. પદ્મપ્રભા પ્રેમકૃષ્ણ ત્રિવેદી, મુંબઈ, ૧૯૮૬
જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ,
અખંડ બ્રહ્માંડ નિપાયાં, પડવે પંથકમાં
જયો જયો મા જગદંબે
ગુજરાતમાં ઘરેઘરમાં ગવાતી શિવશક્તિની આ આરતી અને એના રચયિતા શિવાનંદના નામથી કોણ પરિચિત નહીં હોય? સંપાદકે વિનોદમાં જેમને આરતીના 'સ્પેશિઆલિસ્ટ' કહ્યા છે ને જેમને આપણે સ્તુતિકવિ કે કીર્તનકવિ તરીકે ઓળખાવી શકીએ તે આ લોકપ્રિય ભક્તકવિની રચનાઓનો અલાયદો સર્વસંચય આજ સુધી થયો નહોતો એ નવાઈ પમાડે એવું છે. ‘બૃહત્કાવ્યદોહન'ના જુદાજુદા ભાગોમાં શિવાનંદની ઘણી કૃતિઓ મુદ્રિત થયેલી પણ એયે આજે તો દુષ્પ્રાપ્ય ગણાય. ભૂપેન્દ્રભાઈએ શિવાનંદની સઘળી રચનાઓ સંગૃહીત કરી આપી એ માટે ગુજરાતની ભાવિક જનતા એમની ઋણી રહેશે ને એમણે હસ્તપ્રતો સુધી જઈને શુદ્ધ વાચના આપવાનો શ્રમ ઉઠાવ્યો એ માટે સાહિત્યના અભ્યાસીઓ પણ પરિતોષ પામશે. ઈસવી સનના સત્તરમા સૈકામાં સુરતમાં થયેલા, નર્મદના શ્વસુરકુલના પૂર્વજ આ શિવાનંદ પંડ્યાની થોડીક કૃતિઓ ઉપદેશાત્મક ને આત્મનિવેદનાત્મક છે પણ મોટા ભાગની કૃતિઓ સ્તુત્યાત્મક ને કીર્તનાત્મક છે. શિવભક્ત આ કવિએ પોતાનો ભક્તિ-અર્ધ્ય શંકર, શિવશક્તિ-પાર્વતી, ગણપતિ, વૃષભ, ભસ્મ ઉપરાંત હરિહર, શિવ-બ્રહ્મા-વિષ્ણુ, દશાવતાર, ભૈરવ, હનુમાન, બ્રબીકજી સુધી પહોંચાડ્યો છે એ ખાસ નોંધપાત્ર લાગે છે. શૈવ, વૈષ્ણવ આદિ સંપ્રદાયોને વટી જતું વ્યાપક ‘હિંદુ’ ધર્મનું તત્ત્વ એમાં અનુભવાય છે. શિવાનંદની ભક્તિ કૃષ્ણભક્તિની પરંપરાથી સારી પેઠે પ્રભાવિત છે એ દેખાઈ આવે છે. એમનાં પદોમાં સ્તુતિ, કીર્તન, આરતી ઉપરાંત સાત વાર, પંદર તિથિ, થાળ, ભોજન, પંચધુનિ (પંચામૃતપૂજન), વસંત-ફાગ, હિંડોળા આદિ પ્રકારોનો સમાવેશ થયો છે. સંપાદકે સાચું કહ્યું છે કે “શિવાનંદના શિવ મહાયોગી રૂપે રજૂ થતા નથી. એ છે પાર્વતી-વલ્લભ, લીલાવિલાસી પતિદેવ - વસંતઋતુને સપરિવાર સત્કારતા અને ફાગ-હોળીના મસ્તીભર્યા ખેલનમાં દેવવધૂ (અપ્સરાઓ) અને ગણસમૂહો સહિત રાચતા નિસર્ગપ્રેમી.” શંકર ભગવાનને કવિ ગળે ગરલ (સર્પ). હૃદયે રુંડમાળા, કટિએ મૃગછાલનું અંબર ઉપરાંત કંઠે મોતીની માળા, આંગળીએ મુદ્રિકા, કટિએ મેખલા અને ચરણે ઝાંઝર પહેરાવે છે. જોગી ને નૃત્યવિલાસી શિવ જાણે એક થઈ ગયા. શિવજીના વસંતવિલાસનાં અને હિંદોલાખેલનનાં પદો તો મધુર શૃંગારરસથી છલકતાં છે. સામાન્ય રીતે શિવાનંદનાં પદો વર્ણનાત્મક છે, પણ એમાં ક્વચિત્ પ્રસંગસંદર્ભે રચવામાં આવે છે. જેમકે “ગિરિજા મુખ જોવાને કાજે, વેષ જોગીનો લીધો' એમ કહી કવિ શિવજીના જોગીવેશનું વર્ણન કરે છે. 'વદન નગ-ભૂ શંકર નિરખત’ એમ કહી શંકરની દૃષ્ટિએ જાણે પાર્વતીનું અંગવર્ણન કવિ કરે છે. ક્યારેક પાર્વતીની ઉક્તિ રૂપે પદ રચાય છે ને એમાં એનાં કૃતક રીસ, રોષના ભાવો ગૂંથાય છે :
ભસ્મ ચડાવે મોરે ગોરે અંગ,
હું ન જાઉં રી માઈ શિવકે સંગ.
જટા બઢાવત ભસ્મ ચઢાવત,
ભૂષણભુજંગ સુહાવત શંકર,
બસન ગજાજિન ચારુ બનાવત,
મેં કહાં પ્રેમરસ કીનો યેહ પર?
કોઈ પદો પાર્વતીને સંબોધન રૂપે રચાયેલાં મનામણાંપદ છે. તો પાર્વતી અને શંકર વચ્ચેના પ્રણયકલહનું એક પદ પણ મળે છે :
“ધૂર્ત સંગ ન ચાલે, શંભુજી!
ધૂર્ત સંગ ન ચાલે.
જટા-મંડલમાં ગંગા રાખી,
કપટીને કોણ ઝાલે?” ધૂર્ત૰ ૧
"તું સરખી કોઈ વહાલી રે
માહારે બીજી નહિ કો નારી,”
"કપટ કરીને અતિશે વાહી,
રાખી પ્રીત જો ભારી. ધૂર્ત૰ ૨
જાણી પ્રીત તમારી શંભુ,
પરનારી સંગ રાતો.
શિવાનંદ-પ્રભુ જોગીવેષે
હીંડે તું મદમાતો.” ધૂર્ત૰ ૩
આવાં પદો ઓછાં છે તે ઉપરાંત રસિક પ્રસંગસંદર્ભને નિભાવવાની ને રિસામણાં-મનામણાં આદિના ભાવોને લડાવવાની કવિની શક્તિ મર્યાદિત છે એવું, દયારામને યાદ કરીએ ત્યારે, આપણને લાગે. કવિની પ્રતિભા સ્તુતિકવિની ને વર્ણનકવિની છે. કવિ પાસે, સંસ્કૃત સ્તોત્રસાહિત્યના પરિશીલને આપેલી, પર્યાયશબ્દોની અપાર સમૃદ્ધિ છે, શંકરના રૂપને વર્ણવતી ઉક્તિઓનો ખજાનો છે (પાર્વતી, શિવ ઉપરાંત કમળ, ચંદ્ર વગેરે અનેક પદાર્થો માટે વપરાયેલા પર્યાયોની યાદી સંપાદકે આપી છે), વસંત, ભોજન, હિંડોલા આદિના વર્ણનની મધ્યકાલીન પરિપાટીની જાણકારી છે અને રાગદારી સંગીતની સજ્જતા છે. એથી એમની રચનાઓ શબ્દમનોહર, શ્રવણમનોહર ને રાગમનોહર બની છે. થોડાં ઉદાહરણો જુઓ :
- પદયુગ કોકનદ લલિત ઘૂઘરુ નાદ વિમોહિત સુરલલનં.
- માતા અરુણ અધર દંત સાર, કંજે કર્ણિકા કેસર ભાર રે.
- ભવભયભંજન આનંદઘન તન, દીનકે તરણ, શિવ ગૌરવરણં
- અંગે શૈલસુતા, પદ-સુંદર-નૂપુર-ઘુઘરુ-ઘન-રવ-રમણી.
- નટવર રંગ ઋતુધ્વજ વનમાં, અંજુરિ સુમનસ સોહે;
કદલીદલ પટ કટિ ત્રટિ મદમાં, ત્રિદશ-વધૂ મન મોહે.
- ચોદિશ ગણ મતબારે દોડે, ગણપતિ પુત્ર કુમાર;
હસત હસાવત બીન બજાવત, ગાવત ગીત રસાલ.
- શૃંખલ ચામીકર હિંદોલે, મધ્યે હીરક લળકે રે;
ચંપકવર્ણી ગિરિવરબાલા, કૈરવ શંકર ઝળકે રે.
અર્થમનોહારિતાની અપેક્ષાને ભુલાવી દેતી શબ્દાદિની આ મનોહારિતાએ જ શિવાનંદને લોકજીભે વસાવ્યા છે. એકસાથે આ પદો વાંચનારને એમાં થકવે એવી એકવિધતા જણાય, પણ આ પદો વાંચવા માટે નથી. ભક્તિગાન માટે છે એ ખ્યાલમાં રહે તો એ એકવિધતાનો દોષ અપ્રસ્તુત થઈ જાય. શિવાનંદે સંસ્કૃતમાં ને હિંદીમાં પદો રચ્યાં છે તે ઉપરાંત એનાં ગુજરાતી પદોને પણ સંસ્કૃત-હિંદી છટાનો લાભ મળ્યો છે. બહુધા સંસ્કૃત પદાવલિની સાથે હિંદીને કારણે ફારસી પદાવલિનો આશ્રય પણ લેવાયો છે અને ક્યાંક મરાઠીની છાંટ પણ આવી ગઈ છે. સંપાદકે કેટલાંક પાઠાંતરો નોંધ્યાં છે તે પરથી એમની પાઠપસંદગીનું ઔચિત્ય સમજાય છે. પરંતુ વીસમા પદમાં પહેલી પંક્તિ પછી મળતી પંક્તિ એમણે છોડી દીધી છે તે રાખવી જરૂરી હતી એમ લાગે છે. ૧૯/અ, ૨૧ વગેરે આ પ્રકારનાં પદોમાં પહેલી બે પંક્તિનું પ્રાસયુક્ત એકમ રચાય છે તે અહીં એક પંક્તિ છોડી દેવાથી તૂટે છે. એક મહત્ત્વની સ્પષ્ટતા સંપાદકને હાથે થઈ છે એ તરફ ખાસ ધ્યાન દોરવું જોઈએ. ‘બૃહત્કાવ્યદોહન'માં જીવરાજનાં બેચાર પદ શિવાનંદનાં પદ ભેગાં મૂકી એમ જણાવ્યું છે કે શિવાનંદે જીવરાજ નામથી પણ થોડું લખ્યું છે. આનું કારણ અહીં ક્ર.૧૯૩થી છપાયેલું પદ જણાય છે જેમાં જીવરાજ અને શિવાનંદ બન્ને નામો મળે છે. પણ ભૂપેન્દ્રભાઈ બતાવે છે કે શિવાનંદ નામ પાછળથી ઉમેરાયું હોય એવો સંભવ છે, કેમકે એ પંક્તિઓ બધી પ્રતોમાં મળતી નથી. ઉપરાંત એમણે જોયેલી પોથીમાં જીવરાજનું એક દીર્ઘ પદ મળ્યું છે, જેમાં એમનો પરિચય પણ છે. એ જીવરાજ પંચોલી છે ને સં.૧૭૩૨માં એમણે એ દાધિ કૃતિ રચેલી છે. (પૃ.૯૬ પર ભૂલથી જીવરાજ પંચાલ છપાયું છે.) આ રીતે એ શિવાનંદના સમકાલીન કે અનુકાલીન કવિ છે. પોતાને એ વેગમપુરાના વતની કહે છે તે સુરતનું બેગમપરા હોવાનો તર્ક ભૂપેન્દ્રભાઈએ કર્યો છે તે સાવ સાચો છે. એને તર્ક નહીં પણ હકીકત જ ગણવી જોઈએ. શિવાનંદ પંડ્યા અને જીવરાજ પંચોલી, આથી, સુરતના અને લગભગ એક સમયના પણ જુદા કવિઓ ઠરે છે. ૯ ઑગસ્ટ ૧૯૮૭
બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૧૯૮૭