કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રાજેશ પંડ્યાની કવિતા

મણિલાલ હ. પટેલ

કવિશ્રી રાજેશ પંડ્યાનાં ‘ઝાડ’ વિશેનાં (બાર/૧ર) કાવ્યો એકદમ સહજ, સરળ ને સાદાં લાગે છે, પણ એના લક્ષ્યાંકો માર્મિક છે. ‘પૃથ્વીને આ છેડે’(ર૦૦૧)નાં અર્થવિલંબનમાં રાચતાં અછાંદસ કાવ્યોનો આ કવિ પછી ઘર, પંખી, ઝાડ, માણસ, મકાન, સવાર, સાંજ, આકાશને અભાવોમાં જીવતા લોકોની વિટંબણાઓને, સાંકેતિક રીતે રજૂ કરવા માટે કલ્પન, પ્રતીક કે રૂપક/ઉપમા રૂપે પ્રયોજે છે. સહજ રીતિમાં પણ વક્રોક્તિપૂર્ણ ભાષામાં કવિતા કરતો આ કવિ અનુ-આધુનિક ગુજરાતી કવિતાની નવતર પેઢીનો અગ્રણી કવિ છે. ‘ઝાડ-૩’માં એ કહે છે : ‘ઝાડને જોવું એ/ કોઈ છોકરીને જોવા કરતાં/ ઓછું સુંદર નથી હોતું./ છોકરીના સુંદર ચહેરાની જેમ ઝાડ પણ/ વારે વારે તમારી આંખને એના ભણી ખેંચે છે અને/ ઝાડની ડાળી પર બેઠેલાં ચંચલ પક્ષીઓ જેમ/ બંને આંખો ઊડતી-કૂદકતી રહે છે/ આ ડાળથી તે ડાળ, આ પાનથી તે પાન/ ત્વિચ ત્વિચ બોલાશે લીલા રંગ છલકાવતી/ છલકાવતી છેવટે સંતાઈ જાય છે ક્યાંક/ ક્યારેક કોઈ શોધી કાઢે ફરી, એ માટે.’ રાજેશની કવિતાને સમજવા માટે, પૂરેપૂરી આસ્વાદવા માટે ભાવકે ગુજરાતીની ઘણી કવિતાઓ વાંચી હોવી જોઈશે. એમની કવિતા એક-બે લસરકામાં બીજો કોઈ કાવ્યસંદર્ભ ચીંધે છે. મીથ, દંતકથા, લોકકથા, લોકોક્તિ, રૂઢિપ્રયોગ ને કહેવતોનો પણ પ્રયોગ અભિવ્યક્તિને બળૂકી અને અર્થપૂર્ણ બનાવી શકે છે – એ વાત આ કવિ બરાબર જાણે છે, ને એનો પ્રયોગ કરે છે. કવિનું વતન-ગામ મહુવા (ભાવનગર) પાસેનું સેંદરડા. કવિએ મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં ઉચ્ચ શિક્ષણ લીધું ને ત્યાં જ દોઢ-બે દાયકાથી ગુજરાતી ભાષાસાહિત્યું અધ્યાપન કરાવે છે. પૌરાણિક સાહિત્ય અને શાસ્ત્રોમાં રસ અને ઊંડો અભ્યાસ ધરાવતા આ કવિની કવિતામાં ભાવ-સંવેદનની સમૃદ્ધિ અને ભાષાબળ ધ્યાનાર્હ છે. રાજેશ પંડ્યાની કવિતામાં આપણી સાંપ્રત પરિસ્થિતિઓ ઝિલાઈ છે. એમણે વર્તમાનના જખમોને વિષાદ તથા કરુણાથી વર્ણવવા તાક્યું છે. એમની ઘણી અછાંદસ રચનાઓમાં સમકાલીન જીવન સંદર્ભો પ્રત્યાયનક્ષમ રીતે અભિવ્યક્તિ પામ્યા છે. અહીં એમની ‘નિર્જન’ રચનાના થોડા અંશો જોઈશું : કોઈ આવતું જતું નથી

રડ્યું ખડ્યું કૂતરું ફળિયામાં પૂરેલી
રંગોળી પર આળોટ્યા કરે છે ક્યારનું.
રાંધણિયામાં રાંધ્યાં ધાન રખડી પડ્યાં છે.
ગોટેગોટા ધુમાડો ઊંચે ને ઊંચે
ચઢતો જાય છે કશી રોકટોક વગર
વાદળ બંધાતા જાય છે વિખેરાતાં જાય છે.
પણિયારે ચળકતી હેલ
ઓચિંતી છલકાઈ હેબતાઈ દે
તાંબાકૂંડીમાં ઉચાટ ફદફદ્યા કરે
શેરી સોંસરી ધૂળ ઊડ્યાં કરે
ઘોડાના ડાબલા હજીય કાનમાં પડઘાય
ખરી તળે ચગદાઈ કેટલીય
છાતીએ લોહીના ટશિયા ફૂટી નીકળી
ઝમી ઝમી કાળામૅશ ગંઠાઈ ગયા છે.
મંદિરની ધજા ભાંગી પડી
હવાને લીરેલીરા કરતી રજોટાઈ ગઈ...


પણ મૂકો ત્યાં ગોખરું
આવળ બાવળ ઝાડ-ઝાંખરાં
જ્યાં જુઓ ત્યાં ધરોડીના કૂડાં

રસકસને ધાવી આડેધડ ફેલાતાં જાય
ગળિયા બળદને ઇતડિયોં હજાર
ઊપડે નહીં પગ
રણકે નહીં ઘૂઘરા
ફરે નહીં પૈ અરધો આંટો પણ
ચીલા ઊંડા ને ઊંડા ઊતરતા જાય

આ છેડાથી પેલા છેડા સુધી...

‘ખાંડવદહન’, ‘સુવર્ણમૃગ’ જેવી લયબદ્ધ દીર્ઘરચનાઓ એમની કવિતાનું નવું સ્થિત્યંતર સૂચવે છે. એ નિસબત તથા ઉત્સાહથી, નોખું લખનારા કવિ વર્તાયા છે. રાજેશ મીથ લઈને વર્તમાનના અર્થસંદર્ભોમાં એને પ્રયોજે છે. આથી એની સંકુલતા વધુ આસ્વાદ્ય બને છે. ‘ધરતીકંપ’, વૃક્ષો તથા ન્યૂન થતી આવતી માણસાઈ અને સંકુચિત થતાં જીવનમૂલ્યો વચ્ચે માંડ જીવતા માણસની કવિતા આ કવિનું આકર્ષક સ્થિત્યંતર બને છે. યંત્રવિજ્ઞાને આપેલી અનેક પ્રકારની ભૌતિક સગવડ-સુવિધાઓને ભોગવવા અધીરો બનેલો માણસ જ પ્રકૃતિ-પર્યાવરણનો દુશ્મન બની બેઠો છે. જે વૃક્ષો જીવનને પોષે છે એ હવે એને રસ્તો બનાવતાં, ઘર પાસે ને પાદર ખેતરે પણ નડતાં લાગે છે. લીલાંછમ વૃક્ષોથી શોભતું ઘર-આંગણું એને ગમતું હતું... પણ હવે ઝાડનાં મૂળિયાં એના ઘરના પાયાને નડે છે – વૃક્ષનાં પાંદડાં એને ધૂળ-કચરો ફેલાવતાં લાગે છે... ને એક દિવસ ભાઈ આંબાને (લીમડાને) કાપી નાખે છે. પંખીઓનો કલરવ એને ઘોંઘાટ લાગતો હશે. બીજો ભાઈ કવિતા લખે છે... એને વૃક્ષો ગમે છે. એ કવિતા લખીને આજની પીડાને અને આવતીકાલની ચેતના-શૂન્ય માનવજાતને આલેખે છે : બલકે ચેતવે છે.’ ‘આજે/ એ જ ફળિયામાં/ જ્યાં આંબો હોત એ ઠેકાણે બેસી/ હું એની કવિતા કરું છું./ ને એમ એને ફરી ઉગાડવા માગું છું/ કલમના ઇલમથી./ કવિતામાં./ હવે એ કવિતામાં જીવશે, કદાચ./ જો આવતીકાલે કવિતા બચશે તો./ અથવા/ આવતીકાલ બચશે કવિતા માટે તો.’ કેવો કરુણ અને કરુણાસભર સંકેત કવિ કરે છે! વૃક્ષો કલમ કરીને ઉછેરીએ છીએ... એને હવે કલમ વડે (પેન વડે) કવિતામાં સાચવી લેવાના દિવસો આવ્યા છે... ને જો વૃક્ષો જ નહિ બચે તો કવિતા અને આવતીકાલ પણ પરસ્પરને ઉગારી લેવા સારુ નહિ બચે! શાણપણ કઠોર સત્ય ઉચ્ચારે છે. રાજેશ પંડ્યાની કવિતા કોમળ-કૂણી રહીને પથરીલી કઠોરતાની વાતો માંડે છે. એમનાં વૃક્ષો વિશેનાં કાવ્યો અનેક સંવેદનો-સ્પંદનોને સહજ રીતિમાં અભિવ્યક્તિ આપે છે. એમાં વિડંબના છે, મર્મ છે, વ્યંજના છે અને સંસ્કૃતિ વિનાશની પીડા-વ્યથા પણ છે. કવિનું ને કવિતાનું સત્ય તો આ રહ્યું : ‘ઝાડ અને કવિતા/ ક્યારેય એકબીજાનો મુકાબલો કરી શકે નહિ...

ઝાડ જેમ કવિતાને લીલો રંગો હોતો નથી/ ઝાડ જે રીતે બીજાને છાંયો આપી શકે/ એમ કવિતા તાપ ઝીલી લેતી નથી./ ઝાડ ફળ આપી શકે એમ/ કવિતા બીજાની ભૂખ મટાડી શકતી નથી....’

‘એટલે ઝાડ અને કવિતા/ એકબીજાનો મુકાબલો કરી શકે નહિ/ જેમ ઈશ્વર અને કવિ/ એકબીજાનો મુકાબલો કરી શકે નહિ તેમ.’ કવિનું શાણપણ કવિતાથી આગળ-પ્રથમ સ્થાને વૃક્ષને મૂકે છે ને કવિતા તથા ઈશ્વરને પછીના ક્રમે મૂકે છે! કેમકે કવિતા સર્જતો કવિ શબ્દો વડે વૃક્ષો ઉગાડી-ઉછેરી નથી શકતો... એ તો કુદરત જ કરે છે. કવિને ઉમાશંકર (સ્વપ્ન-કલ્પનામાં) મળી જાય છે ને ઠપકો આપે છે કે, ‘તમને કવિતામાં સોંપીને ગયો’તો એ બધાં વૃક્ષોને પણ તમે બચાવી નથી શક્યા...’ કવિ પોતે ‘કપાઈ ગયેલા વૃક્ષના થડિયા જેવો’ જડાઈ જાય છે. આનું નામ હોવાપણાની પીડા. આપણે પૂર્વજોનું પ્રદાન જાણે કે ભૂંસતા જઈએ છીએ. રાજેશ પંડ્યા જ્યાં રહે છે એ સંસ્કાર નગરી વડોદરા(જ્યાં એ રહે છે)નાં વડ-વૃક્ષોની ગઈકાલની જાહોજલાલી યાદ કરે છે ને ‘ફ્લાયઓવર’, ‘મોલ-શોરૂમ’ના આક્રમણથી વેરાન બનતા વડ વગરના વડોદરાને પંપાળવા મથે છે, કાવ્યમાં. આ ચયનમાં કવિની સાથે મળીને – બલકે કવિની પસંદના કાવ્યો લીધાં છે. તો ય ઘણાં નથી સમાવી શકાયાં. મોટે ભાગે જૂથમાં આવતાં કાવ્યો વધારે છે, કેમકે એમાં વાસ્તવનાં અનેક પરિમાણો કવિએ પ્રગટાવ્યાં છે. દા.ત., ‘ઘર’ વિશેનાં પાંચ કાવ્યો જુઓ! એમાં ‘ઘર’ મિષે આપણી ઘર-કુટુંબ-સમાજ જીવનની સંસ્કૃતિને કવિએ પ્રભાવક ‘ગદ્યકાવ્યરીતિ’-માં વર્ણવી છે. પ્રવાસો-નગરો-પુરાતન મહેલો-ખંડેરો-મ્યુઝિયમ ને અંતે તો ઘરનું ઘર... ધરતીનો છેડો! ત્યાં છાપું વાંચતાં વાંચતાં, વરંડામાં, ચા પીવાની મજા આવે છે તે ક્યાંય નથી આવતી. પણ ઘર કાંઈ આટલી અમથી વાતમાં સમાઈ જતું નથી. ‘ઘરથી શરૂ થતી દુનિયા’ છેવટે ઘરમાં જ સમાઈ જાય છે. કવિ ઘર નિમિત્તે ‘માનવસંસ્કાર જીવન’ની ઘણી રસાર્દ્ર વાતો કહે છે. જીવન સંકુલ છે ને ઘર અનેક યુગોથી સંસ્કૃતિઓને પોષતું-સાચવતું રહ્યું છે. કવિની કવિત્વશક્તિની ઊંડળમાં આ બધું સમાયું છે. ‘રાત્રિસંસાર’ની ચાર રચનાઓમાં આદિમાનવ વસતો હતો એ જંગલ – એ રાતમાં ભૂલો પડેલો કાવ્યનાયક સ્વપ્નો અને કપોલકલ્પનાનું વર્ણન કરે છે. જે હતું એ કેવું સહજ-સમૃદ્ધ હતું. દેખાડો-દંભ-બનાવટ એવું કશું જ નહોતું. એ ગુફાવાસ અને નિરાંતની ઊંઘ માતબર હતાં. પછીનો પુરાતનકાળ અને એની કથની વડે કાવ્યનાયક માણસનાં શમણાં દ્વારા લોભ, લાલચ અને જીવનના નાટારંગ સૂચવે છે. ત્રીજી કૃતિમાં નામ પણ બોલતાં ન ફાવે એવી વાનગીઓનો વર્તમાન વ્યંજિત થાય છે. ‘ગુજરાતી થાળી’ કાવ્યનાયકને બહુ યાદ આવે ત્યારે ‘પૃથ્વીચન્દ્રચરિત’ની વાનગીસૂચક બે કડીઓ વાંચીને મન વાળે છે, એની ‘રેસિપી’ પણ ‘ઓનલાઇન’ નથી મળતી. બધી લાઇબ્રેરીઓ પણ હસ્તપ્રત ભંડારો જેવી હવે વણવંચાયેલી. કવિ કહે છે :

‘હું ટેરવે ટેરવે સર્ચ કરતો રહું છું મધ્યકાલ
પછી મોડી રાતે શોધવા નીકળી પડું છું
સિદ્ધરાજ જયસિંહને મુનશીની આંગળી ઝાલી
‘ગુજરાતનો નાથ’ વાંચતાં વાંચતાં
આંખોમાં ઊંઘ ઘેરાવા લાગે
ઊંઘરેટી આંખે ગુજરાતનો સુવર્ણયુગ
ચમકારા કરી ઝબકાવી દે
છેવટે બંધ પાંપણો વચ્ચે ગુજરાતનો નાથ બંધ કરી
મૂકી દઉં છું ઓશીકા નીચે
કે તરત સપનાંઓ મને તાણી જાય
ક્યાંનાં ક્યાંય જ્યાં ખંભાતનો અખાત તરીને
ઊપડેલાં વહાણ ચાલ્યાં જાય છે
અંધારાં પાણીમાં અધમધરાતે.’

રાજેશ પંડ્યાની આ પ્રકારની કવિતામાં અસલ જીવજગત માટેની આરત વ્યંજિત થાય છે. વર્તમાન તો ઘેરીને ઊભો છે, યંત્રો અને ભૌતિક ભોગ વિલાસ સાથે! કાવ્યનાયક પાછો સ્વપ્નમાં ચાલ્યો જાય છે. જ્યાં નદી છે ઝાડ છે જંગલ છે બધું સહજ ને સ્વસ્થ છે.... ‘ગાંધીસ્મૃતિ’નાં પાંચ કાવ્યોમાં નર્મમર્મ વડે કવિએ આપણા શિક્ષણજગતની, ભાવ-વિચાર સૃષ્ટિની, ભાષા – આદિની જે અવદશા થઈ છે એનું આલેખન કર્યું છે. રાજેશ પંડ્યા લાઘવ અને વક્રોક્તિ સાથે વ્યંજનાના કવિ છે. દા. ત. ‘થોડાંક કાવ્યો’-માંની આ પ્રથમ કવિતા :

‘પવન કવિતા લખે છે/ પહાડના પથ્થર પર.
પથ્થર કવિતા લખે છે/ નદીના જળ પર.
જળ કવિતા લખે છે/ લીલા લીલા ઘાસ પર.
ઘાસ કવિતા લખે છે/ ઝાકળનાં ટીપાં પર.
અને ઝાકળ કવિતા લખે છે/ આપણાં જીવન પર.’
ત્રીજી રચનામાં વધુ કરકસરપૂર્વક અર્થવ્યંજના છે :
‘આકાશ/ પંખી વિના.
જળ/ ગતિ વિના.
ઘાસ/ પવન વિના.
શબ્દ/ અર્થ વિના.
એમ/ પૃથ્વી/ પ્રેમ વિના.’

ચોથા કાવ્યમાં કવિ પૃથ્વી, આકાશ, હવા, જળ, પ્રકાશ અને હૃદયની વિશેષતા એક-બે શબ્દોમાં મૂકી આપે છે. આ કવિને પૃથ્વી-પ્રકૃતિ અને જીવનની સહજ ગતિમાં રસ છે. કવિ પંચતત્ત્વોના કુળમૂળને અને એના અસલ ગુણધર્મોને પ્રમાણે છે ને એના અર્થસંકેતો ઝીલે છે. પાંચમી રચના વાંચીએઃ

‘જેટલું પાણી/ એટલો પ્રેમ.
જેટલા પ્હાડ/ એટલું ધૈર્ય.
જેટલાં ઝાડ/ એટલી ક્ષમા.
જેટલી હવા/ એટલી મુક્તિ.
આ બધું જ છે જેટલી વાર
આપણે છીએ એટલી વાર...’

વર્તમાન જીવનમાંથી અસલ તો દૂર થઈ-જઈ રહ્યું છે. હવે ‘જીવન’ જેવું ક્યાં છે?! આઠમી રચનામાં કવિ કહે છે :

‘ઝાડથી દૂર/ ઊડી ગયાં છે પંખી
ગામથી દૂર/ વહી ગઈ છે નદી
આભથી દૂર/ સરી ગયા છે તારા
આંખથી દૂર/ રહી ગયાં છે સપનાં
મનથી દૂર/ થઈ ગયાં છે મન’

આ સંપાદનમાં ‘ઝાડનાં ગીત’ છે અને ‘પાણીનાં ગીત’ પણ છે. એ દરેકમાં વસૂકી ગયેલી વસતિ અને મૂલ્યશૂન્ય માનવજાતની વાત છે, પીડાની વાત છે. યંત્ર અને સત્તાએ રંજાડેલો માણસ આ કવિને અજંપ કરે છે. મહાનગરો અને યંત્રોના કાફલાઓ બધું ભરખી રહ્યાં છે ત્યારે ‘કવિતા લખવા વિશે’ (પાંચ કાવ્યો)ની રચનાઓમાં આ કવિ હતાશા-વિષાદ સાથે જાણે કે કહી રહ્યો છે કે ‘કવિતા પૃથ્વી પર હવે અમરવેલી નથી... આત્માની માતૃભાષા નથી... ‘આત્મા’ નથી ને ‘ભાષા’ પણ ક્યાં બચી છે આજે ??’