કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/સર્જક-પરિચય
રાજેશ પંડ્યા [ઈ. ૧૯૬૫] ગુજરાતી કવિ છે અને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરામાં ગુજરાતી ભાષાસાહિત્યનું અધ્યાપન કરે છે. કવિતા ઉપરાંત સમકાલીન કાવ્યવિવેચન અને મધ્યકાલીન સાહિત્ય વિષયક લેખન-સંશોધન પણ એમણે કર્યું છે. રાજેશ પંડ્યાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પૃથ્વીને આ છેડે’ [ઈ. ર૦૦૧] સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પ્રગટ થયો હતો. આ સંગ્રહનાં કાવ્યો તાજગીસભર કલ્પનો અને અછાંદસ ભાષાભાતો વડે અસરકારક બન્યાં છે. ‘બોધિવૃક્ષ’ અને ‘રાત્રિ’ જેવા કાવ્યગુચ્છમાં એમની સર્જકતાનો વિશેષ પરિચય મળે છે. આ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘શ્રી તખ્તસિંહ પરમાર પારિતોષિક’ પ્રાપ્ત થયું હતું. પ્રથમ સંગ્રહ પછી રાજેશ પંડ્યાની કવિતા સમસામયિક સંદર્ભોનાં અનેકવિધ કાવ્યરૂપો પ્રગટાવે છે. એમનાં પાણી અને ઝાડનાં ગીતકાવ્યો તથા ‘સુવર્ણમૃગ’ અને ‘ખાંડવદહન’ જેવાં દીર્ઘકાવ્યો ગુજરાતી ભાષાના એક અણજાણ કાવ્યપ્રદેશનો પ્રવાસ કરાવે છે. વિધવિધ કાવ્યસર્જન માટે એમને ‘મહાકવિ ન્હાનાલાલ પારિતોષિક’ [‘ભૂકંપ’ કાવ્યો માટે ઈ. ર૦૦૧]; ‘કવિ ઉશનસ્ પારિતોષિક’ [‘સમુદ્ર’ કાવ્યગુચ્છ માટે ઈ. ર૦૦૮] અને ‘શિશુવિહાર કવિસન્માન’ [ઈ. ર૦ર૦] પ્રાપ્ત થયાં છે. એમનાં કાવ્યોનો હિન્દી, મરાઠી, અસમી, સિંધી, સંસ્કૃત, અંગ્રેજી અને આઇરીશ જેવી ભાષાઓમાં અનુવાદ પણ થયો છે. કાવ્યવિવેચનક્ષેત્રે પણ રાજેશ પંડ્યાનું આગવું પ્રદાન છે. કાવ્યનાં સૌંદર્યસ્થાનોને પ્રત્યક્ષ કરાવતી આસ્વાદશૈલી, સઘન સ્વાધ્યાય અને મૌલિક નિરીક્ષણો તેમનાં વિવેચનનો વિશેષ છે. પ્રથમ વિવેચનસંગ્રહ ‘નિમિત્ત’ માટે એમને ‘શ્રી પ્રમોદકુમાર પટેલ યુવા વિવેચક પારિતોષિક’ [ઈ. ર૦૦૪] અને ‘મહાભારતની લોકપરંપરાનાં કથાનકો’ માટે ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર [ઈ. ર૦૦૭] મળ્યાં હતાં. જ્યારે મધ્યકાલીન સાહિત્યના અભ્યાસ-સંશોધન માટે તેમને શ્રી દિનકર જોશી ‘અખંડ આનંદ’ પુરસ્કાર [ઈ. ર૦૧૮] અને મુનિશ્રી પુણ્યવિજયજી ચન્દ્રક [ઈ. ર૦ર૧] પ્રાપ્ત થયાં છે. છેલ્લાં પંદરેક વરસોમાં એમનાં સોએક જેટલાં કાવ્યો અને લગભગ એટલા જ વિવેચનલેખો પ્રકાશિત થયાં છે. ‘ગુજરાતી કવિતાચયન : ર૦૦૯’ અને ‘મધ્યકાલીન કવિઓ’ [ર૦ર૧, ગુજરાતી સાહિત્ય પરિષદ]; ‘ગીત અમે ગોત્યાં’ [સહસંપાદન, ર૦૧૭], ‘રમેશ પારેખ’ [લઘુગ્રંથ, સાહિત્ય અકાદમી, દિલ્હી, ર૦૧૮]; ‘સુધારકયુગનું સાહિત્ય વિવેચન’ [ઈ. ર૦૧૮]; ‘કાવ્યવિશેષ : નિરંજન ભગત’ [ઈ. ર૦૧૯] એમનાં અન્ય પુસ્તકો છે. ગુજરાતી કવિતા અને ગુજરાતી વિવેચનમાં રાજેશ પંડ્યાએ પોતાનો નિજી અવાજ સ્થિર કર્યો છે.
– મહેન્દ્રસિંહ પરમાર