કાંચનજંઘા/ધારો કે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધારો કે

ભોળાભાઈ પટેલ

ધારો કે સાંજ પડી અને તમે તમારી ઑફિસના કે કામના સ્થળેથી ઘરે જઈ રહ્યા છો. બસ પકડવા બસસ્ટૉપ પર આવીને ઊભા રહો છો. તમે ઘડિયાળમાં જુઓ છો. બસને આવવાની ત્રણચાર મિનિટની વાર છે. તમારા ચહેરા પર કંટાળાનું એક જાળું છવાઈ જાય છે. હજી ત્રણચાર મિનિટ? વધારે? તમારી નજર બીજી વાર ઘડિયાળ તરફ જાય છે.

ના, તો હવે જરા સડક પર નજર કરો. સાંજને આ ટાણે પગથી, સાઇકલથી, રિક્ષાથી, મોટરગાડીઓથી, બસોથી માનવમહેરામણ હાલકડોલક થઈ રહ્યો છે. તમે ઊભા છો તેને કાંઠે એ માનવમહેરામણનાં મોજાં છેક સુધી આવીને અડકી જવા કરે છે. ભીંજાઈ જવાની બીકથી અળગા રહેશો નહીં.

આ જુઓ, પગે જતો કિશોર. હાથમાં, નહીં, ખભે શાળાનું દફતર છે. ચહેરા પર છૂટવાનો આનંદ છે, જલદીથી જઈ રહ્યો છે, તેની તરત પાછળ બીજા કિશોરનો ચહેરો, બેફિકર. અને તે પછી આ ઑફિસનો કોઈ કર્મચારી લાગે છે. ચહેરા પર થાક લાગે છે. એની ચાલ પરથી લાગે છે કે ઘેર જવાનો એને આનંદ નથી. એ જાણે એક દિશામાં જઈ રહ્યો છે. ત્યાં પણ એક સફેદ ટોપીવાળો માણસ દોડીને સડક ઓળંગે છે. એની ટોપી જોતાં અનેક વિચારો આવી જાય. એના ચહેરા પર વ્યગ્રતા છે. પગમાં ઉતાવળ છે. એક રિક્ષાને રોકી, તેમાં બેસી દોડી જાય છે.

અને અહીં આવી ઊભી જતી આ બસમાંથી, જેમાં તમારે ચઢવાનું નથી, એક તરુણી નીચે ઊતરે છે. તેના મોં પર સાંજના આકાશની સ્નિગ્ધ શાન્તિ છે, આંખોમાં અનાગતની ઉત્સુકતા છે. ચરણમાં લયાન્વિત તાલ છે. પ્રસન્નતાનું મોજું છે એ. બાજુમાં સરી જાય છે. તમારી નજર ભલે એને અનુસરે.

પેલો ગામડાગામનો માણસ જોયો! એને રસ્તો ઓળંગવો છે, પણ મૂંઝાય છે. બે ડગલાં ભરે છે અને કોઈ વેગથી આવતું વાહન દેખાતાં પાછો પડી જાય છે – વળી પાછો, અરે જુઓ, આઘીપાછી દોડાદોડ કરી મૂકે છે, વાહનથી અથડાતાં માંડ રહી ગયો. એ ઊભો રહી નિરાંતનો શ્વાસ લે છે. હાશ, બચી ગયા!

એક મોટરકાર ધુમાડા ઓકતી પસાર થઈ ગઈ. તેમાં આગલી સીટ પર બેઠેલા ભદ્ર પુરુષની અદા જોઈ? હૉર્ન બજાવવા છતાં સાઇડ ન આપતાં એક સાઇકલવાળાની બાજુમાંથી નીકળતાં કેવી નજરે જોયું! મૂરખ! મરી જશે હમણાં! અને એ સાઇકલવાળો – જાણે અગાધ જળમાં નિર્બાધ તરતો હોય તેમ સરી ગયો. અને કોઈને ખભે હાથ ટેકવીને ચાલતી ચાલતી એક વૃદ્ધા આવીને ઊભી રહી છે. શરીરની રુગ્ણતા ચહેરા પર વરતાય છે. સડકને કિનારે આવી તે બેસી જાય છે. બસસ્ટૅન્ડ પાસેના આ ખૂણામાં ચાની લારી પાસે પ્યાલા-રકાબી ખખડાવતો ફાટેલી ચડ્ડી પહેરેલો કિશોર ઊભો છે. અને કોઈ ઘરાક આવીને ઊભું રહેતાં ત્વરાથી પ્યાલામાં વરાળ નીકળતી ચા ભરે છે.

અને તમારી બાજુમાં ઊભેલા આ સજ્જન! એ પણ બસની રાહ જુએ. છે. કશાક વિચારમાં ડૂબેલા લાગે છે. તેમના ચહેરા પર જગત આખાનો ભાર છે, પણ તેમની તરત પછી હરોળમાં ઊભેલાં તરુણતરુણીને માટે આસપાસની દુનિયા ગાયબ થઈ ગઈ છે. રહી રહીને તરુણીને મોઢે સ્મિત અને લજ્જા ફરકી જાય છે. તરુણના ચહેરા પર દર્પ. આ એક બસ દેખાય છે, જેવી આવે છે, તેવી અંદર ટન્ ટન્ ઘંટડી બજતી સંભળાય છે અને જરા ધીમી પડી ન પડી ત્યાં એકદમ ઊપડી જાય છે. બસમાં દેખાતા ચહેરાઓને બસસ્ટૅન્ડ ઉપર ઊભેલાઓની અસહાયતા પર કરુણાભરી નજર ફેંકી અને અલોપ થઈ ગયા. આ બીજી બસ આવી. તમારી બસ. ઊભી રહી. તમે બેસી ગયા.

તમારે થોડીક મિનિટો રાહ જોવામાં ગાળવી પડી, પણ એ ત્રણ- ચાર મિનિટોએ તમને આ વિશાળ સમુદાય સાથે કશીક અંતરંગતાથી જોડી દીધા, નહિ? ૧૯૭૫