કાંચનજંઘા/સાંચી
ભોળાભાઈ પટેલ
હમણાં છાપામાં એક સમાચાર વાંચ્યા. અમદાવાદથી ફૈજાબાદ સુધી જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન થોડા વખત માટે રદ કરવામાં આવી છે. આ વાંચતાં એકાએક મનમાં એક ગાડી શરૂ થઈ ગઈ. મનોરથાનામગતિર્નવિદ્યતે. ખાસ તો હમણાં કેટલાક દિવસથી વિચાર ચાલતો હતો કે થોડા દિવસ માટે ક્યાંક ભાગી જઉં – પણ ક્યાં જાઉં? એવો પ્રશ્ન પૂછતાં જે ઉત્તરો મળતા તેમાં એક હતો કે ‘સાંચી.’ ત્યાં જવા માટે આ સાબરમતી એક્સપ્રેસમાં અમદાવાદથી આજે બપોરના ઊપડો તો કાલે બપોરે તો સાંચી.
આમ જ એક વાર સાંચી જવાનું થયું હતું. સ્ટેશન આટલું સ્વચ્છ સુઘડ હોય એવું ભાગ્યે જ બને. મંદિર હોવાનો ભ્રમ થાય. શાંત અને સ્તબ્ધ પણ એટલું જ લાગ્યું – સાંચી સ્ટેશન. સ્ટેશનનું નામ દેવનાગરી અને રોમનલિપિમાં તો હતું જ, પણ અશોકકાલીન બ્રાહ્મીલિપિમાં પણ અંકિત હતું! એ લિપિ જોતાં જ પ્રાચીનતાનો બોધ જાગી ઊઠ્યો. સ્ટેશન પરથી જ જાણે બૌદ્ધકાલીન જગતમાં પ્રવેશ કર્યો.
ગાડીની બારીમાંથી જે જોયું હતું કે ઓછાં જંગલ-ઝાડીવાળો આ વિસ્તાર જનવિરલ પણ હતો. સ્ટેશન પર પણ એ અનુભવ. ગાડીના ગમનાગમન સમયની થોડીઘણી વસ્તી જતી રહ્યા પછી અમે જ થોડા ઝાંપાની બહાર નીકળ્યા કે તરત મહાબોધિ સોસાયટી દ્વારા સંચાલિત ધર્મશાળા. આ ‘ધર્મશાળા’ શબ્દ કાને પડતાં જ ભીડ, કોલાહલ અને ખાસ તો અસ્વચ્છતાનો વિચાર આવે. પણ અહીં પ્રવેશ કરતાં લાગ્યું કે સાચે જ એ ધર્મશાળા છે.
પ્રાંગણમાં સુંદર કલાત્મક ઉપાસના મંદિર. મહાબોધિ સોસાયટીના મંત્રીને મળવા જતાં જ એની ઝાંખી થઈ. મંત્રી તો હતા એક બૌદ્ધ ભિખ્ખુ. પીળો અંચળો ધારણ કરેલો હતો. સ્મિતથી તેમણે અમારું અભિવાદન કર્યું. અમે અગાઉથી અહીં પત્ર લખ્યો હતો. તેમણે તરત અમારા ઉતારાની વ્યવસ્થા કરી. રૂમની બારી બહાર જોયું. ઝાડની છાયામાં ગાયો બાંધેલી હતી, થોડા ફૂલના છોડ હતા. સ્થળ ગમી ગયું. થયું કે અહીં તો થોડા દિવસ રહી પડવું જોઈએ. ચિત્તમાં શાંતિ ઝમતી રહે.
અહીંથી દક્ષિણ દિશામાં સામે ઊંચી હરિયાળી પહાડી હતી. તેના પર શતાબ્દીઓથી ઊભા છે પેલા પ્રસિદ્ધ સ્તૂપ, ઇતિહાસમાં જે વિશે વારંવાર વાંચતા આવ્યા છીએ. પેલી આછી ઝાંખી રૂપરેખાઓ દેખાય છે એ જ એ સ્તુપનાં પ્રસિદ્ધ તોરણ. એકદમ ચેતના પુલકિત થઈ ઊઠી. ત્યાં જવા મને અધીર થઈ ઊડ્યું – પણ આ બપોરના હવે જવું નથી. સાંજ અને સ્તૂપ. આજની આ સાંજ સ્મૃતિના સ્તૂપમાં સચવાઈ રહેવા લાયક ભલે બની રહો.
સ્ટેશન નજીક હોવા છતાં અહીં નીરવતાનો અનુભવ થતો હતો. નાહી ધોઈ સ્વચ્છ થયા પછી ઉપાસના મંદિરમાં જઈ બુદ્ધની મૂર્તિ સામે ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કર્યો. પણ મન એકાગ્ર થવાને બદલે અનેકાગ્ર બની ગયું – બૌદ્ધકાલીન ભૂતકાળ જુદે જુદે રૂપે ધસી આવ્યો!
બપોર ઢળી કે અમે નીકળી પડ્યા, પેલી પહાડી ભણી. ક્યારનીય બોલાવતી હતી. વૃક્ષછાયો માર્ગ હતો. થોડું ચાલ્યા ત્યાં તો પૂર્વપશ્ચિમ જતી પાકી સડક! ત્યાં બસસ્ટૅન્ડ હતું. ત્યાં લખ્યું હતું – યહાં સે વિદિશા દશ કિલોમીટર હૈ… અહો આ તો વિદિશાની દિશા. તેષાં દિક્ષુ પ્રથિત વિદિશા. સંકલ્પ થયો કે ત્યાં પણ જવું જ રહ્યું.
રસ્તો અંડોળી પેલી બાજુ ગયા કે પહાડીનો માર્ગ શરૂ થઈ ગયો. રમ્ય ઉપત્યકા હતી. ક્યાંક આછાં ઘર ઝૂંપડાં હતાં. આપણાં અનેક તીર્થ એવાં છે કે ત્યાં પહોંચવા કષ્ટસાધ્ય આરોહણ કરવું પડે છે. આરોહણનું એક એક પગથિયું એ જાણે ઊર્ધ્વ પ્રતિ એક એક પગથિયું. તીર્થની સન્નિધિમાં પછી ઊર્ધ્વની સન્નિધિ.
પણ આ આરોહણ કષ્ટસાધ્ય નહોતું. પહાડીની કઠોર છાતી ચીરી ઊગેલાં વૃક્ષોની છાયામાં ચઢવાનું હતું. આમેય હવે તડકો ક્યાં લાગતો હતો? આ રસ્તે અનેક ધર્મસંઘો ગયા હશે. ભગવાન બુદ્ધ તો કદાચ અહીં આવ્યા નથી, પણ અહીં સમ્રાટ અશોક જરૂર આવ્યા હતા. બાજુની વિદિશાનગરીની એક શ્રેષ્ઠીપુત્રી તેમની એક પ્રિય મહિષી હતી. આ માર્ગે સમ્રાટ અશોકનો પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા આવ્યાં હશે. આ સાંચીની પહાડી ઉપરથી જ બોધિવૃક્ષ સાથે શ્રીલંકામાં ધર્મપ્રસાર માટેની તેમની યાત્રા શરૂ થઈ હતી. શ્રીલંકાના બૌદ્ધ ભાવિકોમાં તો એવી માન્યતા છે કે એક પૂર્ણિમાને પવિત્ર દિવસે રાજકુમાર મહેન્દ્ર આ સાંચીની પહાડી ઉપરથી સુવર્ણ હંસની જેમ આકાશમાં ઊડતો ઊડતો જઈ શ્રીલંકાના એક પવિત્ર શિખરે ઊતર્યો હતો!
અમે તો એક એક પગથિયે ગુરુત્વાકર્ષણનો ભાર અનુભવતા ઉપર ચઢતા હતા. આસપાસનો દૂર સુધીનો વિસ્તાર ખૂલતો જતો હતો. ત્યાં દૂર વાંકી થઈને ચાલી જતી રેલ્વે લાઇન પણ ફ્રેમિંગ કરતી હોય તેમ આખા પરિદૃશ્યનો ભાગ બની જઈ શોભતી હતી. પ્રાચીનતા સાથે અર્વાચીનતાની જરાય વિસંગતિ લાગતી નહોતી.
ઉપર પહોંચ્યા પછી તો નજરને ભરી રહ્યો પ્રાચીન પુરાતન સ્તૂપ અને એનાં રમ્ય ભવ્ય તોરણ. આ એ જ સ્તૂપ ભારતીય કલાગ્રંથોમાં જેનાં ચિત્રો જોયાં હતાં, આ એ જ વિશાળકાય સ્તૂપ! એ સ્તૂપમાં કેટલી સદીઓનો ભૂતકાળ સંચિત છે!
ના, ભૂતકાળ નહિ, ભાવના. અહીંના ત્રણ સ્તૂપોમાંથી એકમાં બુદ્ધના મહાશિષ્યો સારિપુત્ત અને મહામૌદગલ્યાયનના પવિત્ર અવશેષો એક પાષાણમંજૂષામાંથી નીકળ્યા હતા. પછી તો ખજાના શોધનારાઓએ અને નવાસવા પુરાતત્ત્વવિદોએ સ્તૂપોને ઘણું નુકસાન પહોંચાડ્યું.
પરંતુ ઈ.સ.ની ત્રીજી સદીથી અગિયારમી સદી સુધી સાંચી પ્રસિદ્ધ બૌદ્ધસ્થલી હતું. આ સ્તૂપોની આસપાસ સંઘારામો, વિહારો અને મંદિરોના જે અવશેષો છે, તે આપણને એ ભવ્ય સમયમાં લઈ જાય છે. નજીકમાં પ્રસિદ્ધ વિદિશાનગરી હતી અને એટલે એક ધાર્મિક સ્થાનક તરીકે સાંચી મહત્ત્વ પામતું ગયું. સૈકાઓ સુધી બૌદ્ધ ઉપાસકોથી આ પહાડી ભરી ભરી રહી હશે. અહીં ધર્મદેશનાઓ થતી હશે. વિદિશા ભલે દુન્યવી પ્રવૃત્તિઓથી ધમધમતી હોય. અહીં તો સકલ પ્રવૃત્તિની મધ્યે પરમ શાન્તિ પ્રવર્તતી હશે. આ સ્થળ જ એવું છે કે અહીં ઊભતાં જ મનમાં પરમ શાતાનો અનુભવ થાય.
અમારો કલાપ્રેમી જીવ તો તોરણોથી જિતાઈ ગયો. પુરાતત્ત્વ ખાતાએ પ્રકટ કરેલી એક પુસ્તિકાની મદદથી એ તોરણનાં શિલ્પો જોવામાં લીન થઈ ગયાં. અહીંનાં સ્તૂપ અને તોરણ એકસાથે નથી બંધાયાં, સૈકાઓના સમયપટમાં વિસ્તર્યાં છે. મૌર્યકાલથી ગુપ્તકાલ સુધી. તોરણનાં અદ્ભુત શિલ્પો કંડારનારા કલાકારો પાસેની વિદિશા નગરીમાંથી આવ્યા હતા. વિદિશામાં તેઓ દંતકાર તરીકે ખ્યાત હતા. હાથીદાંતની કોતરણીમાં તેઓ નિપુણ હતા. એ નૈપુણ્ય અહીં પથ્થરને હાથીદાંત જેવા માધ્યમની સમકક્ષ લઈ જવામાં પ્રકટ થયું છે. તોરણ ઉપરના એક અભિલેખમાં લખ્યું છે – વેદિસેહિ દંતકારેહિ રુપકમિમં કતં – વિદિશાના દંતકારોએ આ કંડાર્યું છે.
શિલ્પોના મુખ્ય વિષય તો બૌદ્ધ જાતકો અને બુદ્ધ ભગવાનના જીવનમાંથી લેવામાં આવ્યા છે. સૌન્દર્યબોધ અને ધર્મબોધ બંનેની યુગપત્ સંસ્થિતિ છે. બૌદ્ધ જાતકકથાઓ હંમેશાં આકર્ષણનો વિષય રહી છે. એ જાણે કહે છે કે એકાએક બુદ્ધ થઈ જવાતું નથી. કેટલા અવતારોની સાધનાનું એ સંચિત ફલ છે! અવતારો પણ જુદી જુદી યોનિઓમાં – પશુ, પક્ષી, મનુષ્ય વગેરે. અવતારે અવતારે દાન, શીલ, ક્ષતિ, વીર્ય, ધ્યાન, પ્રજ્ઞા આદિ એક એક ગુણની પ્રાપ્તિમાં પાર પામી અનેક આવી પારમિતાઓ સિદ્ધ કરવાની.
સાંચીના તોરણ પર છદંત હાથી કે મહાકપિ જાતકનાં દૃશ્યો કંડારવામાં આવ્યાં છે. એ કથાઓ આપણા મનમાં કરુણા જગાવે છે, જે ધર્મસમન્વિત હોય. છદંત હાથીનું જ જાતક જુઓ ને!
પોતાના એક પૂર્વાવતારમાં ભગવાન બુદ્ધ હિમાલયનાં વનોમાં છદંત હાથી હતા. એમને છ દાંત હતા, એટલે છદંત. છદંત હાથીને બે પત્નીઓ હતી. તેમાંથી એકને થયું કે પોતા કરતાં બીજી પ્રત્યે પતિનો પ્રેમ વધારે છે. બીજા ભવમાં પતિ પર આ વેરનો બદલો લઈ શકાય એવી ઇચ્છા સાથે તેણે પ્રાણ ત્યાગ કર્યો. બીજે અવતારે તે સુંદર કન્યા રૂપે જન્મી અને સમય જતાં કાશીરાજની પટરાણી બની. પછી, કાશીરાજ પાસે વ્યાધિના ઇલાજને બહાને તેણે પોતાના પૂર્વ ભવના પતિ છદંતના દાંતની માંગણી કરી. રાજાએ વ્યાધને મોકલ્યો. વ્યાધનાં બાણોથી વીંધાવા છતાં છદંતે જાતે થઈને પોતાના દાંત કાપવામાં વ્યાધને મદદ કરી. રાણી સામે આ દાંત લાવવામાં આવ્યા; એ જોતાં જ એને પશ્ચાત્તાપ થયો અને તેય મૃત્યુ પામી. કોરણીમાં છદંત એક સ્થળે વડના ઝાડ નીચે ઊભો થયો છે, એક સ્થળે કમળવનમાં વિહાર કરે છે, એક સ્થળે બાણવિદ્ધ ઊભો છે.
મહાકપિ જાતકની પરમ કરુણકથા પશ્ચિમના તોરણે કોતરાઈ છે એ અવતારે બોધિસત્ત્વ કપિયોનિમાં જન્મ્યા હતા.
બુદ્ધના જીવનની ઘટનાઓ તો આલેખાઈ જ હોય – જન્મ, સંબોધિ, પ્રથમ ઉપદેશ, મહા પરિનિર્વાણ આ બધાં અંકનોમાં બુદ્ધની મૂર્તિને સ્થાને ક્યાંક ધર્મચક્ર, ક્યાંક બોધિવૃક્ષ કે ક્યાંક સ્તૂપાકૃતિ અંકિત છે.
આ કલાકારોએ રોજબરોજનાં સામાન્ય જનજીવનનાં દૃશ્યો પણ પથ્થરાંકિત કર્યાં છે, અને આ ત્રાંસમાં જડાયેલી મોહન શાલભંજિકાઓ!
સાંજની સુવર્ણ આભાવાળા તડકામાં આ બધું જોતાં મન આપ્લાવિત થતું જતું હતું. સ્તૂપની પરકમ્મા કરવાનું તો આપમેળે થઈ ગયું.
અત્યારે આ આખી પહાડી પર અમે ચાર પ્રવાસીઓ સિવાય કોઈ નહોતું. એક પરમ નીરવતા હતી. અસ્ત થતા સૂરજના સાક્ષ્યમાં આ ભગ્ન પવિત્ર સ્તૂપોની સન્નિધિમાં એવું તો સારું લાગ્યું!
થયું, થોડા દિવસ અહીં રહીએ. રોજ સવાર-સાંજ આ સ્તૂપોના સાંનિધ્યમાં આવીને બેસીએ. દૂર રહે રોજબરોજનું ધાંધલધમાલનું વિશ્વ!
અંધારું ઊતરે તે પહેલાં એક પરમ શાંતિ મનમાં ભરી અમે ઊતરી ગયાં.
એ સાંજનું સ્મરણ એ શાંતિનો સ્પર્શ લાવે છે.
હમણાં ઘણા વખતથી બહાર નીકળવાનું થયું નથી. થોડા દિવસ માટે ક્યાંક ભાગી જાઉં – પણ ક્યાં જાઉં? ‘સાંચી’ મનમાં આવે છે. આજે બપોરે સાબરમતી એક્સપ્રેસમાં બેસું તો કાલે બપોરે તો સાંચી, પણ છાપામાં તો સમાચાર છે કે થોડા દિવસ માટે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. પરંતુ ચાલુ હોય તોય કદાચ… આ તો આપણું મન!
અમદાવાદ
૧૯૮૪