કાંચનજંઘા/સાતઈ પૌષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાતઈ પૌષ

ભોળાભાઈ પટેલ

મેળા તો અનેક જોયા, પણ શાંતિનિકેતનમાં ભરાતો ‘સાતઈ પૌષ’-પોષ સાતમનો મેળો તો કાંઈ નવી નવાઈનો જોયો. ત્રણ દિવસથી આ મેળો શરૂ થયો છે. અને આ ત્રીજા દિવસની મધરાતે મેળામાંથી આવીને આ લખું છું ત્યારે ‘મેલાપ્રાંગણ’ – મેળાના મેદાનમાંથી બંગાળી લોકનાટ્ય ‘જાત્રા’ના સંવાદો છેક અહીં સુધી – શાંતિનિકેતનના પૂર્વપલ્લી અતિથિગૃહ સુધી સંભળાઈ રહ્યા છે.

મારું મન મેળામય છે એટલે એનાથી જુદા પાડીને લખવું જરા મુશ્કેલ છે. જુઓને, છેલ્લે હમણાં મેળામાંથી અતિથિગૃહે આવવાને નીકળ્યો ત્યારે બંગાળની એક ખાસ ધર્મપરંપરા – બાઉલોનાં ગાન સાંભળી અથવા કહો કે સાંભળતો સાંભળતો નીકળ્યો. શાંતિનિકેતનના દિવસે સ્નિગ્ધછાયા તરુ રાત્રિના અંધકારમાં માત્ર છાયારૂપ હતાં. ઉપર હેમંતનું સ્વચ્છ આકાશ ઝળૂંબી રહ્યું હતું. એ સૌ ઉપર જાણે ત્રણ દિવસના મેળાની અસર છે, કે પછી મારા ભાવોનું તેમના ઉપર આરોપણ કરું છું!

શાંતિનિકેતનનો આ મેળો આ સમગ્ર વીરભૂમ વિસ્તારનાં ગામડાંઓમાં, સાંતાલોના આદિવાસી વિસ્તારોમાં, અંચલોમાં જેટલો જાણીતો છે, તેટલો જ કલકત્તા મહાનગરના શિક્ષિત લોકોમાં પણ. આ મેળામાં અનેક મોટરગાડીઓના કાફલા ઊમટે છે. તો દૂરદૂરથી અનેક બળદગાડાં આવે છે. પગે આવનારાઓની તો સંખ્યા કશી?

આ મેળાનો ઇતિહાસ જાણવા જેવો છે. એ વાત તો જાણીતી છે કે ગુરુદેવ રવીન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથે આ જોજનો લગી પથરાયેલી વેરાન, ઉજ્જડ, ચોર-ડાકુઓથી સેવિત ભૂમિમાંથી પસાર થતાં થતાં એક વેળા સપ્તવર્ણનાં બે વૃક્ષોની છાયામાં પરમ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરેલો. પછી અહીંની બધી જમીન મેળવી તેમણે પોતાને માટે ‘શાંતિનિકેતન’ની શરૂઆત કરી, નાને પાયે. કિશોર રવીન્દ્રનાથ તેમની જનોઈ પછી હિમાલય જતાં અહીં આવ્યા હતા.

દેવેન્દ્રનાથ આધ્યાત્મિક પુરુષ હતા. બ્રાહ્ય ધર્મના એક મહાસ્તંભ રૂપ હતા. તેમણે ૧૮૮૮ ઈ.સ.માં એક ટ્રસ્ટડીડ આ શાંતિનિકેતન વિશે કરેલું. તેમાં દર વર્ષે ‘સાતઈ પૌષ’ પોષ સાતમને દિવસે મેળો ભરવા માટે અમુક રકમ ખર્ચવાનું લખેલું. પછી તો આ મેળો ભરાવાની શરૂઆત ૧૮૯૫ના વર્ષથી શરૂ થઈ તે આજ સુધી અક્ષુણ્ણ ચાલી આવે છે.

‘સાતઈ પૌષ’ મહર્ષિ દેવેન્દ્રનાથનો દીક્ષાદિવસ હતો. આ દિવસના મહત્ત્વને અનુલક્ષીને પૌષ ઉત્સવનું આ અનુષ્ઠાન છે. આમ તો માગશર છે. પણ બંગાળમાં પૂર્ણિમાએ મહિનો પૂરો થાય છે અને વદ એકમથી નવો મહિનો શરૂ થાય એટલે અહીં અત્યારે પોષ મહિનો ગણાય. મેળાના વ્યવસ્થાપત્રમાં દેવેન્દ્રનાથે લખેલું કે, આ મેળો ધર્મભાવના જાગ્રત કરવા માટે વર્ષે વર્ષે ભરવો અને મેળામાં સઘળા ફિરકાના સાધુ-સંતો અને ઓલિયા-ફકીરોને બોલાવી ધર્મવિચાર અને ધર્મોપાસનાનો આચાર કરવો… વગેરે.

અત્યારે આ પોષ મેળો બંગાળનો જાણે રાષ્ટ્રીય ઉત્સવ બની ગયો છે. એ જેટલો સામાન્ય માણસોનો મેળો છે, તેટલો સાહિત્યિકોનો પણ મેળો છે. બંગાળની પ્રકૃતિ અને સંસ્કૃતિના દર્પણરૂપ છે. મેળો બીજું હોય પણ શું? રવિ ઠાકોરે તો કહ્યુંઃ ‘આમાદેર એઈ ઉત્સવ મિલનેર ઉત્સવ’. આપણો આ ઉત્સવ મિલનનો ઉત્સવ છે! આ મેળો શાંતિનિકેતનની શિક્ષણ પદ્ધતિ સાથે અવિચ્છિન્નપણે જોડાયેલો છે. એટલે શાંતિનિકેતનનો સમાવર્તન પ્રસંગ–દીક્ષાન્ત સમારંભ પણ સાતઈ પોષને દિવસે રાખવામાં આવે છે.

પરંતુ અહીં શાંતિનિકેતનના એ વિશિષ્ટ સમાવર્તન પ્રસંગની વાત નહીં કરું. એ અલગ વિષય બની જાય. અહીં તો માત્ર એ મેળા વિશે કહું. ત્રણ દિવસના આ મેળાની પહેલી સવાર વૈતાલિક ગાન પછી શહનાઈના સ્વરોથી ગુંજી ઊઠે છે. પછી સૌ પેલા પ્રસિદ્ધ સપ્તપર્ણના વૃક્ષ નીચે ‘છાતિમતલા’ના સ્થળે ઉપાસના માટે ભેગા થાય છે. રવીન્દ્રસંગીત રેલાતાં ધન્ય ધન્ય થવાય છે. શ્રી ઉમાશંકર જોશી શાંતિનિકેતનના આચાર્ય છે. તેમને આ બધા અનુષ્ઠાનોમાં આચાર્ય રૂપે જોવાનો પણ એક લહાવો છે. આ વર્ષે સર્વશ્રી નગીનદાસ પારેખ, મોહનદાસ પટેલ, જયંતિલાલ આચાર્ય અને એક મણિભાઈ શાહ, આ સૌ શાંતિનિકેતનના જૂના ગુજરાતી છાત્રો પણ આવ્યા છે. નગીનદાસ તો ૧૯૨૫-૨૬માં અહીં છાત્ર હતા. આજથી છપ્પન વર્ષ પહેલાં.

આ સૌ સાથે આ અનુષ્ઠાનમાં જોડાવાનો આનંદ સ્વાભાવિક છે. કલકત્તામાંથી અને આજુબાજુમાંથી હજારો માણસો આવેલા છે. ‘રૂપસી બાંગ્લા’નો પરિચય થાય એટલા રૂપાળા ચહેરા જોઈ પ્રસન્નતા થાય.

મેળા માટે વિશાળ પ્રાંગણમાં જાતજાતની હાટડીઓ અને સ્ટૉલ બનાવવામાં આવ્યા છે. કલકત્તાની છેલ્લી ફેશનની વસ્તુઓ સાથે આ ગ્રામીણ અંચલમાં બનેલી ચીજવસ્તુઓ અહીં મળે છે. નગરવાસીનો શોખ પોષાય અને આદિવાસી સાંતાલ યુવતીને પણ તેની હોશ પુરાય એવી વસ્તુઓનો ક્રયવિક્રય ચાલે. સમય સાથે મેળાનું રૂપ બદલાતું ગયું હશે, પણ ખરેખરનો લોકમેળો લાગે છે.

પણ સૌથી આકર્ષણની વસ્તુ અમારે માટે તો આ પેલા પ્રાંગણમાં યોજાયેલ બાઉલગાન, પાંચાલી, ફકીરોનાં ગાન, કીર્તન, જાત્રા, કવિગાન વગેરે બંગાળની ધાર્મિક-સાંસ્કૃતિક પરંપરાના કાર્યક્રમો છે. સૌરાષ્ટ્રના તરણેતરના મેળામાં અનેક ભજનિકોની મંડળીઓ આવે છે, તેના જેવું. પણ અહીં આયોજન વ્યવસ્થિત છે.

બાઉલો વિશે કેટલું સાંભળેલું! તેમને ગાતાં-નાચતાં જોયા. બાઉલોના ગાનની રવિ ઠાકુર પર પણ અસર છે. તેમનાં પદોમાં રહસ્યવાદનો ભાવ હોય છે. મત્ત થઈને તેઓ ગાતા-વગાડતા હોય છે, પણ અહીં આયોજિત સમારોહમાં તેઓ ઓછા મુક્ત લાગે. બંધાય તો બાઉલ શાનો? બાઉલ એટલે તો પાગલ, ઉન્મત્ત!

પછી પાંચાલીગાન સાંભળ્યું. બે વ્યક્તિ વચ્ચે સંવાદ થતા હતા. પદ્યમાં-ગદ્યમાં વાત ચાલે. પાંચાલી એટલે ગીતકથા. (‘પથેર પાંચાલી’ પથની ગીત-કથા.)

પણ જેનો રંગ રહી ગયો છે તે તો કીર્તનગાન. કીર્તનકારે વાતાવરણ એવું તો જમાવ્યું કે એકીસાથે ભાગવત, વિદ્યાપતિ, ચંડીદાસ, જયદેવ અને અનેક વૈષ્ણવ કવિઓ જીવતાજાગતા થઈ ગયા. પ્રસંગ લીધો હતો રાધાકૃષ્ણના અભિસાર – માન – મિલનનો – ‘કલહાન્તરિતા’ રાધાનો! રાધાની વેદના રૂંવે રૂંવે સ્પર્શી રહી, સૌ નાગરિકો, ગ્રામીણ, આદિમ ભાવિકોને. રાત્રે પાછી જાત્રા. પણ ઝાઝી જોવા રોકાયા ના.

બીજે દિવસે સવારે તો શાંતિનિકેતનના પ્રાંગણમાં ખરેખરનો મેળો જામતો ગયો. સવારમાં સાંતાલ યુવતીઓને ટોળાબંધ જોઈ. ચળકતો પાકો રંગ, કેશગુંફન વ્યવસ્થિત પણ તેમાં હવે અરણ્યનાં ફૂલને બદલે પ્લાસ્ટિકનાં ફૂલો શોખથી ભરાવેલાં હતાં. આ તેમનું ‘મૉર્ડનાઇજેશન’ આધુનિકીરણ હતું. પણ હજી રવિ ઠાકુરની ઉપમા તેમની આંખોને આપી શકાય – ‘કાલો હરિણચોખ’ – હરણની આંખ જેવી કાળી આંખ, હું રવીન્દ્રનાથની કવિતા ‘સાંતાલેર મેયે’ મેઘાણીના અનુવાદમાં ગણગણતો હતો–‘રે આજ મેં તો દીઠી સાંતાલની નારી!’

આજના મેળામાં કવિયાલોની કાવ્યસ્પર્ધાનો કાર્યક્રમ વિશિષ્ટ. એક વિષયને લઈ બે કવિઓ વાદવિવાદ કરે. એક જણ બોલી જાય, પ્રશ્ન પૂછી જાય, બીજો ઊભો થાય, જવાબ આપે અને પાછો પ્રશ્ન મૂકી જાય. આ બધું શીઘ્ર કવિતા અને ગાન-વાદ્ય સાથે. એક પક્ષધર હતો કર્ણનો, બીજો પક્ષધર હતો અર્જુનનો. રંગત જામી ગઈ! તારાશંકરની ‘કવિ’ નવલકથા મનમાં જીવતી થઈ. હજારો શ્રોતાઓ એકસાથે ઝૂમી ઊઠતા હતા.

રાત્રે આતશબાજી હતી. ભીડ તો માય નહીં. ખરેખરો મેળો. હૈયે હૈયાં દળાય. શાંતિનિકેતનના ‘આચાર્ય’ સાથે નગીનભાઈ અને હું મેળાના સૌ લોકોની ભીડમાં ભળી ગયા! મહર્ષિ દેવેન્દ્રનાથે મેળાનું જે દૃશ્ય કલ્પ્યું હશે, કદાચ તેવું દશ્ય. ઊંચનીચના ભેદ વિના સહજભાવે માણસનું માણસની સાથે મળવું. ઉમાશંકરે કહેલું તેમ મેળો કોઈ રાજા સમ્રાટના ફરમાનથી નહીં, ‘લોકસમ્રાટ’ના ફરમાનથી થાય છે! અને મેળામાં પોતાને ખોઈ નાખવાનું હોય છે. સિંધુમાં બિન્દુની જેમ. ઉપાચાર્ય અમ્લાન દત્તે કહેલુંઃ ‘મેલાર ડાક આનંદેર ડાક’ – મેળાનો સાદ આનંદનો સાદ હોય છે. આ અનુભવ થયો.

આજે ત્રીજા દિવસે પણ મેળો જામ્યો છે. પણ સાંજ પછી મેળો ઉલવાનાં ચિહ્નો શરૂ થયાં છે. લોક વીખરાય છે. મેળાનો આસવ પીને, રાતે ફરતો ફરતો હું બાઉલોના શિબિરમાં ગયો. અંદર અંદર બેત્રણ બાઉલો બેસીને પોતાના મનથી ગાતા હતા. સ્વાન્તઃ સુખાય ગવાતાં આ ગાન એક જુદી જ તૃપ્તિ આપી રહ્યાં. ગાન ચાલુ છે અને હું નીકળી આવ્યો છું.

આવાસમાં આવીને આ લખવા બેઠો છું. દૂર દૂરથી મેળાનો આનંદભર્યો કોલાહલ અને જાત્રાના સંવાદો હજુ અહીં પહોંચે છે. આ લખાણમાં એ બધું ગૂંથી શકાય તો!

પૂર્વપલ્લી અતિથિગૃહ
શાંતિનિકેતન
૨૪ ડિસેમ્બર, ૧૯૮૧