કાળચક્ર/બાંધી મૂઠી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બાંધી મૂઠી


દિવસની રાતે ગામના નગરશેઠની દુકાને બેસી વિમળાના ભાઈજી હેમાણી શેઠ નગરશેઠની સાથે ખાનગી કંઈક વાત કરતા હતા. એના શબ્દોને પકડ્યા વગર પણ, એના હાથપગની ચેષ્ટાઓ અને આંખ-મોંના હાવભાવ ઉકેલીને કહી શકાય કે વાત અતિ ગંભીર, ગુપ્ત તેમ જ તાકીદની છે.

દુકાનનો વાણોતર છોકરો, પ્રથમ વારની સૂચના મુજબ ઉતાવળે જઈને એક દુકાને કંઈક કહી આવ્યો, ત્યાં વળી બીજી દુકાને જવાની સૂચના થતાં એ બીજી વાર દોડ્યો, ને પાછો ત્રીજી વાર આજ્ઞા થતાં એ ત્રીજે ઠેકાણે સંદેશો પહોંચાડી આવતો હતો ત્યારે રસ્તામાં મળી ગયેલાઓને કેટલાકને તોતડી જીભે કહેતો હતો કે ‘ઈ તો કરમીની જીભ ને અકરમીના ટાંટિયા! શાસ્તરમાં કહી મેલ્યું જ છે ના!’ દુકાન પર નગરશેઠ કંઈક પ્રશ્નો પૂછતા હતા ને હેમાણી જવાબ વાળતા હતા. “નજરે જોયો?” “હા, સગી આંખે!” કહેતાં એણે આંખોના ખાડામાં આંગળી ખુતાડી. “કેવડોક હતો?” હેમાણીએ બેઉ હાથ લાંબા કરી વાંભનું માપ બતાવ્યું. “એવડો મોટો?” શેઠના મોં પર અજાયબીનાં ચિહ્ન ખેંચાઈ આવ્યાં. “ધરમથી.” “દરમાં પેસી ગ્યો?” “બચાડો પાણીના રેલાની જેમ દરમાં હાલ્યો ગ્યો.” “સામે થ્યો’તો?” “અરે વાત કેવી? ગાયના ઉપલા દાંત જેવો હતો બચાડો.” “પથરા માર્યા એ તમે જોયું?” “આંખ્યુંના સમ! માથે રાત જેવું ધાબું છે, ખોટું શીદ બોલું? આમાં ક્યાં ઘરાકને સાચવવું છે?” “કેટલા પથરા માર્યા?” “ઈનો તે નેઠો હોતો હશે? પણ તમે જોયો હોય તો છક થઈ જાઓ. રેશમનું આંટલું જોઈ લ્યો! ધમરક સોનાની પાટ જોઈ લ્યો! આપણને તો કળના દેવ જ લાગે. દીવો કરીને પગે લાગવાનું જ મન થાય. એવા જીવને માથે ગજબ ગુજાર્યો.” “દરમાં તાપણું કર્યું ઈ તમે દીઠું?” “દીઠું, બાપુ, દીઠું! સગી આંખે દીઠું! ઘાસની કોળી લીધી, કરગઠિયાં વીણ્યાં, દરમાં બધો કૂચો ઠાંસ્યો, ને પછી દીવાસળી મેલી. મેલ્યા ભેળું તો સડડડડ!” “તમે જોતા’તા ને બધું કર્યું?” “જોતો હોઉં તો જ આ બધો વરણવ કરું ને?” હેમાણી શેઠ વર્ણનને વરણવ કહેતા. “એણે તમને જોયા’તા?” “ના રે! મને જોઈ શકે તો તો પછી થઈ રયું ના? હું તો, બાપા, રેલવેની સડકને માથે, સિંગલના ઓટાની આડે લપાઈને જોતો’તો.” એટલી વારમાં તો વાણોતર જેને તેડવા ગયો હતો તે ત્રણેય મહાજનના શેઠિયા હાજર થયા અને બજારમાં બહુ અવરજવર ન હોવા છતાં, હેમાણીએ કહ્યું કે “આંહ્ય નીચે નહીં, મેડીએ જઈએ તો ખુલાસે વાત થઈ શકે.” પાંચેય જણા ચડ્યા મેડી ઉપર. ત્યાં ગોઠવાઈને બેઠા પછી નગરશેઠે ભીંતનો પથરો પણ રખે સાંભળી જાય એટલી બધી તકેદારી રાખીને પછી, આવેલાઓને વાત કહી “આજ બપોરે રેલવેની સડકના નકટી-નાળા આગળ, જાજરૂ જવાના જે ખાડા છે તે જગાએ, એક મુસલમાન જુવાને એક મોટા સરપને પથરે મારીને પછી, એ સરપ ભોંણમાં પેસી ગયો એટલે એ ભોંણને મોઢે ઘાસ, કરગઠિયાં ઠાંસીને દીવાસળી ચાંપી દીધી છે, ને એ બનાવ હેમાણીએ નજરોનજર જોયો છે.” સાંભળ્યા પછી ત્રણમાંથી એક બુઝુર્ગ જેવા જણાતા વેપારીએ કહ્યું “તે હવે શું છે એ વાતનું?” “શું છે એટલે?” હેમાણી સહેજ તપ્યા. “એટલે એમ છે કે ભા, એવી વગડામાં બનેલી બાબતને ચૂંથવાની શી જરૂર છે? તમારી નજરે બની છે?” “અલબત્ત!” “એમ નહીં, તમારી સામે જાણી જોઈને તમને કોચવવા સારુ એ કામ થયું છે, હેમાણી?” “ના.” “તયેં પછેં? એવી વાતને ચોળિયે નહીં; નીકર છાણે ચડાવીને વીંછી ઘરમાં આણવા જેવું થાય.” કહીને વૃદ્ધે કપાળે હાથ ફેરવ્યો. “કોનો છોકરો હતો એ?” બીજા એક આધેડ વયના ગૃહસ્થે પૂછ્યું. એના ગળામાંથી ઘાંટો ઘસાઈને પેચાઈને બહાર નીકળતો હતો. “કાસમા ઘાંચીનો. નામ રમજાન. દેશાવરથી આવ્યો છે હમણાં.” “કાસમા પાસે તમારું કંઈ લેણું તો નથી ને, હેમાણી?” એમ પૂછતાં પેલા બુઢ્ઢાએ મોં મલકાવ્યું. “દુકાનીયે નહીં.” “તયેં તો, ભા! કહું છું કે આ વાતને આંહ્ય જ દાબી દેજે; નાહક ઊઠ પા’ણા પગ પર કરીશ મા.” “તો ભલે, મા’જનનું આથમી ગ્યું માનશું. ઈ સુંવાળો જીવ, વાંભ એક પૂરો, આગમાં કેવો સસડ્યો હશે, એ વિચારે જ હું કળકળું છું. પણ હવે કાંઈ નહીં, મા’જનનું જોર ગ્યું, પાણી ગ્યું. ક્યાં એ વખત ને ક્યાં આ કાળ! પેટીમાં નાખીને પરમાટી પરગામથી સંતાડી લાવનારને એક જણને માટે પણ જે મા’જને હોલ મેમણ કોમને હલબલાવી મૂકી’તી ને માફી મગાવી’તી તે જ મા’જન આજ ચૂં કે ચાં કરી શકે નહીં, એવી વેળા આવી ગઈ. કાબે અરજણ લૂંટિયો, ઓઈ ધનુષ્ય ઓઈ બાણ આ એના જેવું થ્યું.” બીજા બે જણા જે ચૂપ હતા તેમાંથી એકનું શરીર સળવળ્યું. બુઢ્ઢાએ એને પૂછ્યું “કાં નાગર, તારે કાંઈ કહેવું છે?” “આપણે કાંઈક એવું કરીએ કે સરપ મરે નહીં ને લાકડી ભાંગે નહીં.” “શું? તું જ કહે.” “કાસમાની વઉને છાનીમાની તેડાવી ઠપકો દેવો, એટલે એને ખબર તો પડે કે આ કૃત્યોને આપણે જાણીએ છીએ, પણ મોટે દિલે એ બધું નભાવી લઈએ છીએ.” “એ વાતમાં કાંઈ માલ નથી, નાગર!” બુઢ્ઢાએ કપાળે ફરી હાથ ફેરવતાં ફેરવતાં જણાવ્યું “ઈ ભલી હશે તો પાલવ પાથરીને કહેશે કે છોકરાને કશું કહી નહીં શકું, બાપજી! ને જો બાંડી થઈને બે ગરમ વેણ બોલી જશે તો આપણી બીડી મૂઠી ઉઘાડી પડી વા ખાશે. માટે હું તો કહું છું કે, ભા! કાળને ઓળખો, કાળબળને પિછાણો! પેટના પાકેલા જુવાનને પણ કશું કહી શકાતું નથી, તો આને, દેશ આખામાં વીફરી બેઠેલાઓને શું કહી શકાશે? હજી શ્રાવણ મહિનો પાળે છે. ખાટકીની દુકાન રાજીખુશીથી ખોલવા રજા દીધી તે છતાં ખોલતા નથી. ખાજ-અખાજ જે કાંઈ કરતા હોય તે અદબ-આમન્યા રાખીને કરે છે, ને વળી જુએ પણ છે કે આપણા મા’જનના જ કેટલા નબીરા ગરાસિયા ફોજદારની સાથે ગામડે જઈ જઈ કેવી ગોઠ ઉડાવે છે! માટે મૂંગા રહો તો ઠીક છે; ભરમ સચવાશે; બોલ્યું બહાર પડ્યું એટલે પછી હાંઉ, વા ખાશે.” ગરાસિયા ફોજદારની સાથે ગામડામાં દારૂ-માંસની મહેફિલ ગોઠવનારા મહાજનના ગૃહસ્થોના નબીરાઓની વાતનો ઇશારો થતાં તો ત્રીજા જે ગૃહસ્થ તદ્દન ચૂપ હતા તેમનું શરીર તકિયા પર એકાએક સંકોડાઈ ગયું. બુઢ્ઢા વેપારીએ એમની સામે તીરછી નજરે પણ જોયું નહીં.