કાળચક્ર/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નિવેદન


1943માં ‘પ્રભુ પધાર્યા’ લખ્યા પછી છેક ત્રણ વર્ષે મારા પિતાશ્રીએ એક નવી નવલકથા લખવા બેસવાની હામ ભીડી. લડાઈ, દુકાળ, ફુગાવો, કાળાં બજાર, લોકક્રાંતિ, આઝાદ [હિંદ] ફોજ વગેરેનું વાતાવરણ એમના અંતરમાં ઘોળાયા કરતું હતું અને લખવા બેસે તો કેટલીય સામગ્રી મગજમાં તૈયાર પડી હતી. પરંતુ એમનાં આંગળાં ‘રાઇટર્સ ક્રૅમ્પ’ નામે દર્દથી જકડાઈ ગયાં હતાં, કલમ પકડાતી નહોતી, અક્ષરો મંડાતા નહોતા એટલે આખી સળંગ નવલકથા શરૂ કરવાની એ હિંમત કરતા નહોતા. કેટલાક મિત્રો આગ્રહ કરી કરીને એમને નવી નવલકથા લખવાનું વારંવાર કહેતા. આખરે 1946ના ઉનાળામાં એમણે આ નવલકથાનો આરંભ કર્યો અને ‘ઊર્મિ’ માસિકમાં એને ચાલુ વાર્તા તરીકે આપવાનું શરૂ કર્યું. અગાઉ ‘જન્મભૂમિ’ અને ‘ફૂલછાબ’ની ચાલુ વાર્તાઓના અઠવાડિક હપતાની ઉઘરાણી શિર પર લટકતી હતી એને કારણે પોતે અમુક નવલકથાઓ ઝડપભેર લખી શક્યા હતા તેમ આ માસિક હપતા પણ આંગળાંને ચાબુક મારીમારીને એની પાસે નવી નવલકથા લખાવી શકશે એમ તેઓ માનતા હતા. એ રીતે 1946ના જુલાઈથી 1947ના માર્ચના અંક સુધીમાં એમણે આ કથાના આઠ હપતાઓ લખ્યા. પ્રત્યેક મહિનાનો હપતો એને છાપવા દેવાનો હોય ત્યારે જ એ લખવા બેસતા. કથાનો વિશાળ પટ એમના મનમાં ઝાંખો ઝાંખો દેખાતો હશે, બાકી દર હપતાના વિગતવાર પ્રસંગો તો દરેક મહિને એ હપતો લખતી વેળા જ તેઓ નક્કી કરી લેતા. એટલે, આ વાર્તાને તેઓ કઈ રીતે વિકસાવવાના હતા તે કોઈ કહી શકે તેમ નથી કારણ કે કદાચ ખુદ લેખકે જ એ ચોક્કસપણે વિચાર્યું નહીં હોય. એમની સાથેની સામાન્ય વાતચીતમાંથી એટલી ખબર પડતી કે આઝાદ હિંદ ફોજના અને 1942ની લોકક્રાંતિના પ્રસંગોને આ વાર્તામાં વણી લેવાની અને કદાચ નવલકથાઓની એક આખી હારમાળા ઊભી કરવાની એમની ઇચ્છા હતી. એમણે અધૂરી મૂકેલી કથા, જેવી છે તેવી, સ્વર્ગસ્થની પહેલી માસિક પુણ્યતિથિએ પ્રગટ કરી છે. પ્રત્યેક મહિનાનો હપતો ‘ઊર્મિ’માં છપાઈ ગયા બાદ એમણે પોતાને હાથે તેમાં કરેલા કેટલાક સુધારાઓ પણ અહીં શામિલ કર્યા છે. 9 એપ્રિલ, 1947 મહેન્દ્ર મેઘાણી

[બીજી આવૃત્તિ]

આ અધૂરી નવલકથા આગળ ચાલે એવી ઇચ્છા તેના પ્રેમી વાચકોએ વારંવાર દેખાડી છે. એક દિવસ કોઈક આવશે અને આ કામ જાણે એની જ વાટ જોતું બેઠું હોય તેવી અદાથી તૂટેલા ત્રાગડા સાંધશે, એવી આશા છે. 9 એપ્રિલ, 1950 મહેન્દ્ર મેઘાણી