કાળચક્ર/હેમાણીની ખડકી
સૂરજ આથમ્યો હતો, છતાં એણે રાતના અંધકારની પાસે મીનો નહોતો ભણ્યો. છાતી પર ચડી બેઠેલ હરીફના દબાણ નીચે પણ પછાડા મારતા છોકરાની માફક સૂરજ પણ છેલ્લાં અજવાળાં ફેંકી રહ્યો હતો. વિમળા હજુ પાછી ફરી નહોતી. એ બપોરવેળાની બહાર ગઈ હતી, સાથે ઉઘરાણીનો ચોપડો હતો, અને એ ચોપડાના કરતાંય વધુ કીમતી એવું જોબન એની સાથે હતું. પાછું કેરાળી જેવું ગામ હતું. લેઉવા કણબીની વહુવારુઓએ કુદરતે બક્ષેલાં અને ભરતભર્યાં કપડાં-થેપાડાંએ ભાંગી પડતાં રૂપના રેઢા ઘડા પાઈપાઈને કેરાળીના જુવાનોને ઉખેડી નાખ્યા હતા. ધોળે દિવસે અત્તરની શીશીઓ કણબણોનાં શરીર પર છંટાતી હતી અને સીમશેઢે તો શું, પણ પાધરની નાળીઓને મોઢે પણ રંગીલાઓ આડા ફરી ચેનચાળા કરતા. નાની ઉંમરના દીકરાઓને પરણાવનાર ખેડુ પિતાઓ એવાં લગ્ન પોતાને જ માટે કરાવતા એવું છડેચોક કહેવાતું. એની વચ્ચે વિમળા ઉઘરાણી કરવા નીકળી હતી. ચિંતા કરતી મા ઓરડા બહાર નીકળી શકતી નહોતી, કારણ કે પોતે ખૂણો પાળતી હતી. વિમળાના બાપાને ગુજરી ગયે ચાર મહિના થયા હતા; ને એક જ ઓસરીએ કુટુંબીઓનાં ચારેક ઘર હતાં. વરશી વાળ્યા પહેલાં ફળિયું પણ વળોટાય નહિ. છેવટે દિવસને રાત પૂંછડી સુધી ગળી ગઈ ત્યારે ખડકી ખખડી. “કોણ?” “એ તો હું ઘેલી.” એક જ ઓસરીએ આવેલા બીજા ઘરમાંથી બબડતા બબડતા એક પંચાવન વર્ષના આદમી ઊઠ્યા “આ તે હેમાણીનાં ખોરડાં સમજવાં કે વાઘરીવાડો સમજવો? અઢાર વરસની છોકરી રાતે પાટકવા નીકળે છે! હજી તો બાપની ચેહ ટાઢી પડી નહીં, ત્યાં તો બસ કોઈ દી સામાં જ નો’તાં મળ્યાં જાણે!” એ બોલનાર વિમળાના ભાઈજી (બાપના મોટા ભાઈ) હતા. ભાઈજી બોલતાબોલતા ખડકીએ પહોંચે એ પૂર્વે તો ભાઈજીના એ બડબડાટ બંને બાજુએ પહોંચ્યા ઓરડામાં ખૂણે બેઠેલી વિધવાને કાને, અને ખડકી બહાર ઊભી રહેલી વિમળાને કલેજે. એકના પતિની ને બીજીના પિતાની ચિતા બે જુદી જુદી જગ્યાએ જાણે પાછી પ્રજળી ઊઠી. “અટાણમાં શીદ આવી, બાપ? હજી નિરાંતે રોકાવું હતું ને?” ખડકી ખોલીને ભાઈજીએ વિમળાને સત્કારી. ખડકી એ બંને ઘરને એક જ હતી. વિમળામાં એક અવગુણ હતો, એ અંધારે પણ દેખાયો. એના મોં પર મલકાટ રમતો હતો. એ ફક્ત એટલું જ બોલી “ધરમશી પટેલે માંડ પૈસા કાઢ્યા, ભાઈજી! એની સાથે બહુ કડાકૂટ કરવી પડી.” “સારું! સારું! તારા વિના એની ઉઘરાણી ન જ પતત! અમને ડોકરાઓને તો ધરમશી શેનો કાઢી આપે?” એ શબ્દોનો ગંદો મર્મ ન પકડી શકે એવી ઘેલી તો વિમળા, એનું હુલામણું નામ ‘ઘેલી’ હતું તેમ છતાં પણ, અલબત્ત નહોતી. એણે જવાબમાં ફક્ત ઓઢણાનો પાલવ જ સંકોડ્યો. અને એ અંદર આવીને સીધીદોર ઓરડે ચાલી ગઈ ત્યારે એના સાડલાના સરગટ નીચે એક હાથમાં કાગળિયાંનો જે સળવળાટ થયો તેને પણ ભાઈજીના સરવા કાને પકડી પાડ્યો. એ હતી સોએક રૂપિયાની નાનીમોટી નોટો. ખૂણામાં લપાઈને બેઠેલી માની સામે વિમળા ઊભી રહી, પછી બેસી ગઈ. ચોપડો મા પાસે મૂક્યો અને રૂપિયાની નોટો નીચે મૂકીને મા આગળ ગણી દેખાડવા લાગી, છતાં બા મૂંગી જ રહી. વિમળાને છેક બપોરથી લઈ સાંજ સુધીની પોતાની વિજયવાર્તા બાને સંભળાવવાની હૈયાથી હોઠ સુધી આવેલી હોંશ પાછી હોઠ અને હૈયા વચ્ચે જ આવ-જા કરતી રહી ગઈ. મૂંગી બેઠેલી બંને મા-દીકરીને કાને હેમાણી-ખડકીના મોટા આગળિયારા અને ધીંગી સાંકળ બિડાવાનો અવાજ પડ્યો. ખડકી વાસવામાં ભાઈજી કોઈ મોટા સેન્ટ્રલ પ્રિઝનનો રાત-બંદોબસ્ત કરનાર જેલ-દરોગાનું સ્મરણ કરાવતા હતા. સાંકળ-આગળિયારા વાસી કરી, બરાબર વસાયું છે કે નહિ એ વિશે સાંકળ-આગળિયારા ઉપર હાથ ફેરવી ખાતરી કરી, પાછા ફરતા ભાઈજી લૂખસભરેલું શરીર ઝરડ ઝરડ ખજવાળતા પોતાની મૂળ વાતનો ત્રાગડો ફરી સાંધતા હતા “હું શું મરી ગયો છું, બાપ? ટપોટપ ઉઘરાણી પતાવી દેતો’તો, આંટા ખાઈ ખાઈ નવાંનકોર પગરખાં પણ ઘસી નાખ્યાં; પણ મારું કાંઈક મેલાપણું દીઠું હશે તે દીકરીને ઉઘરાણીએ કાઢી. આજ જઈને મહેસૂલી સાહેબ પાસે ઊભી રહી છોકરી! મેં જાણેલ કે છોકરીના મોઢામાં જીભ નથી, પણ આ અઢાર વરસમાં નહીં બોલી હોય એટલા તડાકા ત્યાં કચેરીમાં ઊભીઊભી પાંચસો પાદરના હાકેમની સામે મારી આવી! ગામના થાણદારને ઈ નખેદમાં નખેદ અને નાગા માણસને નાહક ત્યાં મોટા અમલદારની આગળ વગોવીને દુશ્મન બનાવ્યો. મોટો અમલદાર તમારી ઉઘરાણી તાતી ઘડીએ ચુકાવવાના હુકમ છોડી ગયો એમાં નવાઈ શું? ગામ આખું મોં આડાં ફાળિયાં રાખીને ખિખિયાટા કરી રહ્યું છે, બાપ! બજારે નીકળ્યું જાતું નથી. જે મળે એને હોઠે એ જ વાત ‘અરે શેઠ! હદ કરી તમારી ઘેલીએ તો! વસૂલાતીને કાળમીંઢ પા’ણાને ઓગાળી નાખ્યો! વકીલ-બાલિસ્ટર કાંડાં કરડે એવી તો વાચા તમારી ઘેલીની! થાણદારને તો ગાભાનો માનવી બનાવી દીધો તમારી ઘેલીએ!’ હુશિયારીનાં આવાં વર્ણન હેમાણીના કુળની દીકરીનાં થાય એનો માંયલો મરમ શું હું નહોતો પામી શકતો? હે…હે રણછોડરાય!” આટલું બોલીને ભાઈજી ખાટલા પર બેઠા, ત્યારે એ ચુપકીદીના ગાળામાં દીકરી વિમળા પોતાની માતાનું મોં નીરખી રહી. બપોરવેળાનો જે ઇતિહાસ પોતે કહેવા ઉત્સુક હતી તે તો ભાઈજીએ જ ભાખી નાખ્યો હતો. મૂએલા બાપની ખેડૂતોમાં રોકાઈ રહેલી ઉઘરાણી એ એકમાત્ર આ મા-દીકરીનું જીવનસાધન હતું. એની પતાવટ ભાઈજીને સોંપીને એક જ મહિનામાં મા-દીકરીએ બિલાડીને દૂધ ભળાવ્યા જેવો અનુભવ કર્યો હતો. ભાઈજી સોના પચાસે પતાવી, પચીસ પોતાના ગજવામાં ટપકાવી, પચીસ જ પત્યા, એવો હિસાબ પોતાના નાના ભાઈની વિધવાને ભણાવતા હતા. એ સ્થિતિને પામી ગયા પછી જ માએ પુત્રીને હાથ ચોપડો પકડાવ્યો હતો. અને સાંજે જ્યારે ગામમાંથી એક-બે જણાએ આવીને ઓસરીની કોરે બેસી ઓરડામાં લપાયેલી વિધવા પાસે વધારે વધામણી ખાધી કે ઘેલીએ તો મહેસૂલી સાહેબની પાસે આજે રંગ રાખી દીધો, તમારી ઉઘરાણીનું તો ઠીક પણ આખા ગામનું લોહી પીનાર થાણદારનો ઘડો ફોડી નાખ્યો, ત્યારે માતાને હૈયે આટલાં વર્ષે ધાવણનો પાનો ચડ્યા જેવું થયું હતું. એને ધોકે ધોકે મારો તોપણ જે ઘેલી લૂલી ન હલાવે તેવી ઘેલી અમલદારોની સાથે ભરવસ્તી વચાળે આટલી બધી વાણી ક્યાંથી લાવી હશે એનો વિધવાને ત્યારે વિસ્મય થયો હતો, પણ એ વિસ્મયનો, માનનો, વહાલનો ચડેલો પાણો અત્યારે ઊતરી ગયો. ભાઈજીએ સાચું કહ્યું હેમાણી-ફળિયાની પટારા જેવી કુળમરજાદમાંથી આજે પહેલી જ વાર પરણાવવા જેવડી પુત્રીએ મોટી માલમતાનું ખાતર પડાવ્યું હતું. વિધવાને દીકરી વિજયી દેખાતી મટી ગઈ કોઈક એબવાળી દીકરી દેખાઈ. સૂરજ આથમે કે તુરત ભડોભડ દેવાઈ જતી, વીસ વર્ષની અતૂટ પ્રણાલિકાવાળી હેમાણી-ખડકી, કુટુંબના કોઈ મરદને માટે પણ રાતે ઉઘાડવી પડે એવા પ્રસંગો જૂજજાજ હતા (કારણ કે કેરાળીમાં, ’76ની સાલમાં બહારવટિયા પડ્યા ત્યારે આ ઘર લૂંટાયું હતું). એક યુવાન વયની અણપરણી છોકરીને માટે ખડકી ઉઘાડવાનો આ પહેલો જ પ્રસંગ હતો. ફળીને એક છેડે બાંધેલ ભેંસના રણકારથી મા-દીકરીના મૌનમાં મીઠો ભંગ પડ્યો. એ બંને જણીઓને ભેંસ જાણે બોલાવતી ‘ઝટ ચાલો, મારાં આઉ ફાટે છે અને મારી પાડી ભૂખી છે.’ એક તાંબડી માએ ને એક બીજી તાંબડી દીકરીએ લીધી. ટંકે અધમણ દૂધ કરનાર ભેંસને દોવી એ એક જણ માટે અશક્ય હતું. મા-દીકરીએ સામસામાં બેસી બબ્બે આંચળ દોહ્યાં. ચાર શેડની મેઘવૃષ્ટિ ચાલતી હતી. દોહનારનાં મોં મૂંગાં હતાં, પણ મન બોલતાં હતાં. ભેંસ વિમળાના સાસરાની ભેટ હતી. એ ડમરાળાવાળા આ વાત જાણશે તો? જેઠ એમને જણાવી દેશે તો? ત્રીજા માનવી ભાઈજી નો રુદો પણ એ જ રટણ કરી રહ્યો હોય તેમ એમણે પથારીમાં બેઠે બેઠે પાછો ત્રાગડો આગળ કાંતવા માંડ્યો “મરનારો મૂર્ખો હતો ત્યારે જ આમ બને ના? મેં એનું પચાસ વખત નાક કાપેલ કે ભાઈ! હવે આ ડમરાળાવાળાની મધલાળ છોડી દે. જમાઈ માંદો રહેતો ત્યારે જ કહ્યું, તો કહે છે કે ભગવાન એને સાજો કરશે; જમાઈ સાજો થઈને કાઠીઓના કજિયામાં ઓરાઈ ગયો ત્યારે પણ મરનારને મેં ચેતવ્યો કે ભૂંડા! હવે ડમરાળાને શેઠ-ખોરડે દીકરીનો ચૂડો હેમખેમ નથી; તોપણ મરનારો વટ ન મેલે. એયે પત્યું, પણ હવે શું બાકી રહ્યું છે? ડમરાળામાં હવે કઈ સાયબી બેઠી રહી છે? ભાણાં ઊટકનારી એઠી થાળીઓમાંથી લૂઈ લૂઈને અરધું છાલિયું રોજ ઘીનું ભરી લેતી એ દા’ડા શેઠ-ઘરમાંથી આથમી ગયા; રહી છે એક સ્વામી વિવેકાનંદની ચોપડિયું. અને જમાઈ જઈ બેઠો સિંગાપુર. ત્રણ વરસ થઈ ગયાં. નથી કોઈ ખરખબર, નથી રેડિયો બોલ્યો કોઈ દી કે સુમનચંદ્ર જીવતો છે કે મૂઓ. મારા છોકરા રોજ મુંબઈમાં રેડિયા ઉઘાડીને બેસે છે; બીજા કંઈકના ખુશીખબર આવે છે, નથી એક એ ઓટીવાળેલનો પત્તો. કંઈક ભૂખે મરી ગયા. કંઈકને જાપાનવાળે પૂરા કર્યા. મરનારને કહી કહીને મારી જીભના કૂચા વળી ગયા કે ભાઈ, આપણાથી તો મોટા કંઈક જાટલીમેનુંએ પણ બર્મા, મલાયા ને જાપાન રહી ગયેલા જમાઈઓનાં નામનાં સ્નાનસૂતક કરી નાખી દીકરિયુંને બીજે દઈ દીધી, તું એક જ શીદને સદ્ધાઈ પકડી બેઠો છે? દીકરીને કોઠીમાં ચાંદીને ક્યાં સુધી રાખી મૂકીશ? નૈ ને ક્યાંક કૂંડાળે પગ પડી ગયો…” ભાઈજીના પ્રત્યેક બોલને પકડતી બેઠેલી વિમળાનાં બે સાથળ વચ્ચેથી આ છેલ્લા શબ્દ બોલાતી વખતે, દોવાના દૂધની તાંબડી માંડ માંડ ઢળતી રહી ગઈ. એ ઊભી થઈ, પણ પોતે જ હમણાં પડી જશે એવી એને તમ્મર આવી. મા-દીકરી તાંબડીઓ લઈને ઘરમાં પાછી પેઠી. ભાઈજીની વાણી ગરમીનો પારો કમતી કરતી કરતી આગળ ચાલી “આમ કરવામાં આપણને કોઈ ખોટ નથી, કોઈ એબ નથી; ન્યાતે છૂટી કરી દીધી છે; અને ડમરાળાવાળા પોતે જ સામેથી કહી મેલે છે કે સુમનની આશા ઓછી કહેવાય; તમતમારે તમારી તજવીજ કરી લેજો. એ છતાંય મરનારનું મન ન કબૂલ્યું, તો ખેર! એ બાપડાનો હવે તો કાંઈ દોષ ન કહેવાય. હવે તો, વહુ! તમારે ને મારે લાંબો વિચાર કરવાનો છે; નીકર આવતી કાલથી ગામમાં કે પરગામમાં હાલવું ભોંભારે સમજજો! આજ જે મોભો તૂટ્યો છે તેના ધજાગરા ગામોગામ બંધાણા સમજી લેજો! વાઘ-દીપડો એક વાર કાચું લોહી ચાખે અને કુંવારી દીકરી આઝાદી ચાખે ઈ બેઈ સરખું.” ‘આઝાદી’ શબ્દનો આવા અર્થમાં પરિચય હમણાં હમણાં ભાઈજીને મુંબઈમાંથી અને બાજુનાં મોટાં ગામોમાંથી ઠીકઠીક થતો હતો. કુળવાન ઘરની નિશાળે ભણતી અગર તો સાંજે ફરવા નીકળતી, અથવા તો સભાસરઘસોમાં ઉઘાડે માથે બેસતી પુત્રીઓ વિશે કહેવાતું કે, ‘એ તો આઝાદ છે, બાપલા, આઝાદ!’ ‘હે…એ…એ કૃષ્ણવાસુદેવ!’ એટલા શબ્દોથી પોતાના પ્રવચનની સમાપ્તિ કરીને ભાઈજીએ શરીર પથારીમાં લંબાવ્યું, એ પછી મા-દીકરીએ વાળુ કર્યું, દૂધ ઠાર્યું, જમાવ્યું, પથારીઓ કરી; એટલા બેએક કલાક સુધીમાં હરફ સરખોય ન બોલનારી વિમળા વિશે કોઈને પણ જો કહેવામાં આવે કે હજુ તો બપોરે જ એ રાજ્યના એક વડા અધિકારીની આગળ કડકડાટ કંઈ કંઈ બોલી હતી, અને ગામના થાણદારનું પાણીમાત્ર ઉતારી નાખ્યું હતું, તો સાંભળનારો આપણને કહેનારને જ ભાંગ પીધેલા માને. વિમળા પોતે જ કદાચ એ વાત પર વિશ્વાસ ન મૂકે. માને પથારીમાં પડખાં ફેરવી, લોચતી ને ઘોડા ઘડતી રહેવા દઈ વિમળાએ સાડલાનો છેડો મોં પર ખેંચી લીધો. ઘોડિયામાં હતી ત્યારથી જ એ એની ટેવ કપડાનો છેડો મોં પર ખેંચી લે, પછી વહેલું પડે સવાર! વિધવા પડી પડી જેઠની શિખામણ ગડી પછી ગડી ઉખેળતી, સાચું છે, બરાબર છે, હવે બેઠાં ન રહેવાય, એવા ટપલા મનને મારતી રહી.