કાવ્યચર્ચા/અનુર્વરા ભૂમિની ઉર્વરા કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનુર્વરા ભૂમિની ઉર્વરા કવિતા

સુરેશ જોષી

Last season’s fruit is eaten And the fulfilled beast shall kick the empty pail. for last year’s words belong to last year’s language And next year’s words await another voice.

– T. S. Eilot

1

‘On Poetry and Poets’ નામના, 1957માં પ્રસિદ્ધ થયેલા, નિબન્ધસંગ્રહમાં પોતાની વિવેચનપ્રવૃત્તિને સમજાવતાં એલિયટે આમ કહ્યું છે: ‘મારું મોટા ભાગનું સાહિત્યિક વિવેચન (મારા લખાણમાંની કેટલીક સંજ્ઞાઓને દુનિયામાં હદથી જાદે સફળતા પ્રાપ્ત થઈ છે. મારે માટે એ મૂંઝવણભરી પરિસ્થિતિ છે.) મારા પર જેમનો પ્રભાવ પડ્યો છે એવા કવિઓ અને કવિનાટ્યકારો વિશેના નિબન્ધોના સ્વરૂપનું છે. મારી અંગત કાવ્યરચનાની પ્રવૃત્તિની એ ગૌણ નીપજ છે, અથવા તો મારી કાવ્યરચના પરત્વે મારે જે કાંઈ વિચારવું પડ્યું તેનો જ એ વિસ્તાર છે એમ કહું તો પણ ચાલે…એઝરા પાઉંડની ને મારી વિવેચનપ્રવૃત્તિમાં આટલી સમાનતા છે: એનાં સિદ્ધિ-મર્યાદાનો સાચો ખ્યાલ એને મારી રચેલી કવિતાની જોડાજોડ મૂકીને જોવાથી જ આવે છે.’

એલિયટની કવિતાનો વિચાર કરતી વેળાએ એમના આ વિધાનનું સ્મરણ કરીને એની કાવ્યવિવેચના દ્વારા એણે પોતાને અભિમત એવી જે કાવ્યવિભાવના સ્થાપી છે તે જાણી લઈએ. બહુ થોડા કવિઓ, પોતે નિપજાવેલા કાવ્યસિદ્ધાન્તને સાર્થક ઠરાવે એવી, કવિતાઓ આપી શક્યા છે. એવા વિરલ કવિઓમાં એલિયટનું સ્થાન છે.

માનસવિજ્ઞાન, નૃવંશવિદ્યા, પુરાતત્ત્વવિદ્યાનાં ક્ષેત્રોમાં થયેલા નોંધપાત્ર વિકાસને કારણે આપણે માટે ભૂતકાળ હવે સ્મૃતિવિસ્મૃતિના મિશ્રણરૂપ કશીક ધૂંધળી વસ્તુ જેવો રહ્યો નથી. ભૂતકાળને વિશેની વધેલી સ્પષ્ટતા આપણી જવાબદારીને વધારે છે, એનો ભાર આપણા વર્તમાન પર વરતાય છે ને આપણું ભાવિ પણ એથી અસ્પૃશ્ય રહેતું નથી. આથી આજના કવિને પણ વિદગ્ધ બન્યા વિના છૂટકો નથી. એના એક શબ્દ પાછળ એની ગ્રહિષ્ણુ ચેતનાએ સમગ્ર જીવનમાંથી સદોદ્યત રહીને ઝીલેલા સંસ્કારોનું બળ રહ્યું હોય છે. આથી આપણા યુગમાં આગલી હરોળના બૌદ્ધિકો કે સર્જકો પોતપોતાના કાર્યક્ષેત્રને જ્ઞાનની અન્ય શાખાઓથી અસ્પૃષ્ટ રાખે તે પરવડવાનું નથી. એથી તો એમના કાર્યમાંથી કૌવત જ ચાલ્યું જશે. જ્ઞાનની વિભિન્ન શાખાઓ એકબીજા પર, અર્ધસમ્પ્રજ્ઞાતપણે, જે પ્રભાવ પાડતી હોય છે એનો લાભ જો આપણે જતો કરીશું તો આપણી પ્રવૃત્તિઓ ધીમે ધીમે ઠાલી બનતી જશે.

આથી આજનો કવિ એના જમાનાની જ નહિ, પણ માનવજાતિના સમગ્ર ઇતિહાસની અભિજ્ઞતા કેળવે તે અનિવાર્ય બની રહે છે. આવી અભિજ્ઞતાથી જેની ચેતના સમૃદ્ધ બની નથી તે આજના યુગને માટેનો શબ્દ ઘડવાની યોગ્યતા ધરાવે છે એમ નહિ કહી શકાય. આવી જવાબદારીના ભાન સાથે, એને અંગેની જરૂરી સજ્જતા સાથે એલિયટે એમની કાવ્યપ્રવૃત્તિ આદરી હતી આથી કવિપદનો મહિમા એમને હાથે વધ્યો.


2

ફ્રેન્ચ કવિ Jules Laforgue એના સમકાલીન કવિ Corbiere વિશે કહે છે: Too deeply a poet to be poetic. આ વિધાન એલિયટને પણ લાગુ પાડી શકાય. રોમેન્ટિક શૈલીના કવિઓમાં જે કવિતાઈ હોય છે તે એની કવિતામાં નથી. જે કવિઓ પોતાની વૈયક્તિક વિલક્ષણતાઓના લીલાક્ષેત્ર રૂપે કવિતાને જુએ છે તે કવિઓ વિશે એલિયટ આકરા શબ્દો વાપરે છે. પોતાના વ્યક્તિત્વને અંગેની આળપંપાળમાંથી ન છૂટી શકનાર કવિ બની શકે નહિ. એનું વ્યક્તિત્વ અન્ય કાચી સામગ્રી પૈકીની એક સામગ્રી જ છે. વ્યક્તિત્વ જો આક્રમક સ્વરૂપનું હોય તો સંવેદનાનું વક્રીભવન થાય, છબિ વિશદ ને સુરેખ ન બને.

એલિયટને પણ, વાલેરીની જેમ, પ્રેરણા પર ઝાઝો ઇતબાર નથી. ચેતનાની જે સન્નદ્ધ અવસ્થા કવિને પક્ષે અપેક્ષિત છે તેમાં આવી કશી પરવશતા કે વિવશતા ન જ નભી શકે તે દેખીતું છે. આથી એલિયટ પૂરેપૂરી સભાનતા કેળવીને કાવ્યરચના કરે છે. આપણા યુગમાં કાવ્યનાં લક્ષણ અને કાર્યક્ષેત્ર વિશે એમણે ઠીકઠીક વિચાર્યું છે. આપણી સર્વ શક્તિઓના દક્ષતાથી કરેલા વિનિયોગથી જ સારું કાવ્ય રચી શકાય. કાવ્ય નરી તરંગલીલા કે પ્રયોગખોરી નથી. એ એક ગમ્ભીર પ્રવૃત્તિ છે.

એમની કવિતામાં પ્રાકૃતિક સૌન્દર્યનાં વર્ણનો કે આત્મલક્ષી ઊમિર્નાં આલેખનો ભાગ્યે જ જોવા મળશે. ધર્મનો રણકાર એમની કવિતામાંથી સંભળાય છે ખરો, પણ આ ધર્મ તે કશી સામ્પ્રદાયિકતા નથી, એ પણ રસસંવેદનાની એક મૂલ્યવાન સામગ્રી કે આલમ્બનરૂપે જ આ કાવ્યસૃષ્ટિમાં સ્થાન પામે છે. દાન્તેની કવિતા વિશે વિચારતાં એમણે જે કહ્યું છે તે એમની કવિતા વિશે પણ કહી શકાય: કવિ કદર્ય, ભયાવહ કે જુગુપ્સાજનકની ચર્વણા કરતો હોય તો એને સૌન્દર્યની સાધના માટેની એક અનિવાર્ય એવી પૂર્વભૂમિકા રૂપે જ લેખવું જોઈએ. પણ દાન્તે જેવો કોઈ વિરલો જ કદર્યથી સૌન્દર્ય સુધીની યાત્રા પૂરી કરી શકે છે. પણ કદાચ આપણા યુગમાં કદર્યથી સૌન્દર્ય સુધીની યાત્રા પૂરી કરવાનું એટલું સહેલું રહ્યું નથી. આથી જેઓ કશી મુશ્કેલી વેઠ્યા વિના, હસ્તામલકવત્, સૌન્દર્યને સિદ્ધ કર્યાનો દાવો કરે છે તેમને વિશે સંદેહ જ ઉદ્ભવે. કાળના અખણ્ડ પ્રવાહના સાતત્યને જાળવી રાખવા મથતી ચેતના એકાંગી દૃષ્ટિબિન્દુ સ્વીકારી ન જ શકે. જે તૂટક તૂટક કે ખણ્ડ રૂપે જોતાં વરવું લાગે તે એના સાચા સન્દર્ભમાં જોતાં કદાચ વરવું નહિ લાગે. એલિયટની કાવ્યપ્રવૃત્તિમાં તથા કાવ્યવિવેચનમાં આ સમગ્રતાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. આ દૃષ્ટિનો લાભ એ છે કે કાળના ન રુચે એવા અંશમાંથી ભાગી છૂટીને જૂઠી ઊમિર્રમણામાં રાચવાનું વલણ જરાય પોષણ પામતું નથી. વળી કાળના વહ્યે જવાથી જે પરિવર્તન થતું રહે છે તેને સમગ્રતાના સન્દર્ભમાં જોવાથી નિ:સારતાની લાગણી કે એમાંથી ઊભા થતા કૃતક્ નિર્વેદમાં કવિ સરી પડતો નથી.

પણ આપણા નસીબમાં તો વર્તમાનની સૂચ્યગ્રભૂમિ જ છે. એ ભૂમિ પરથી ભૂતકાળને જોવો ને આત્મસાત્ કરવો એ એક મોટી સમસ્યા છે. જો કવિ આ રીતે ભૂતકાળને આત્મસાત્ કરતો નથી તો એના વર્તમાનનું પણું પૂરું રૂપ ઘડી શકાતું નથી. આ સમસ્યાનો પ્રયત્ન એમની કાવ્યરચનામાં દેખાય છે.

સંસ્કૃતિ પાકટ બને છે ત્યારે ધીમે ધીમે વિરતિમાં ફેરવાતી જાય છે; આ વિરતિમાંથી ધીમે ધીમે કશીક અકળ ભીતિ ઊપજે છે. એ ભીતિ અકળ છે કારણ કે એનાં ઉદ્દીપન – આલમ્બનનો આપણે અહેવાલ આપી શકતા નથી. પણ આ ભીતિ આપણા સમસ્ત માનવ્યને, આપણી બધી શક્તિઓને પડકાર ફેંકે છે. એની સામે છાતી કાઢીને ઊભા રહેવાથી જ આપણને આપણા ગૌરવની ઉપલબ્ધિ થાય છે. આ ત્રણ સોપાન એલિયટે આ મુજબ માંડી આપ્યાં છે: Boredom and the horror and the glory. પણ બહુ થોડા ત્રીજું પગલું ભરી શકે છે.

એલિયટની પ્રારમ્ભની કવિતામાં વ્યંગની તીક્ષ્ણતા છે. આ વ્યંગમાં સૂક્ષ્મતા છે. લોકડિયાંનાં જીવનની તુચ્છતા ને અર્થહીનતાને કશીક ઊંચી ભૂમિકા પર રહીને જોનારમાં, પોતાની ઉચ્ચતાના ભાનને કારણે, જે તોછડાઈ ને અમાનુષીપણું હોય છે તે એલિયટમાં નથી. આ વ્યંગની પાછળ વેદના રહેલી છે. એ વેદના કશી અંગત લાગણી નથી; જો એવું હોત તો, રોમેન્ટિક કવિઓમાં હોય છે તેવી, ઊમિર્વિવશતાથી એમની કવિતાનું પોત ફિસ્સું પડી ગયું હોત. શક્ય તેટલી બિનંગતતા કેળવવી એલિયટને મતે અભીષ્ટ છે. એલિયટ માને છે કે કાવ્ય વેદનામાંથી ઉદ્ભવે છે. શોકને કારણે આવતી સંક્ષુબ્ધતામાંથી મુક્ત થવા માટે કવિ શ્લોક રચતો હોય છે. પણ જે મહત્ત્વનું છે તે શોકનું શ્લોકમાં થતું રૂપાન્તર. દરેક કવિ આ રૂપાન્તર સિદ્ધ કરવા મથતો હોય છે ‘(…to metamorphose private failures and disappointments’). આ રૂપાન્તરની મથામણનો ઇતિહાસ જ કવિનું જીવન, એનાથી જ એનું કવિ તરીકેનું વ્યક્તિત્વ ઘડાય છે એમ એલિયટ માને છે: ‘…the struggle – which alone constitutes life for the poet – to transmute his personal and private agonies into something rich and strange, something universal and personal.’ એલિયટની કવિતામાં સંયત વેદનાનું ગૌરવ જેટલે અંશે છે તેટલે અંશે હર્ષ કે પ્રફુલ્લતા નથી એમ કેટલાક વિવેચકોએ નોંધ્યું છે. સૂક્ષ્મ સંવેદનશીલતા ધરાવનારાને વેદના ભોગવ્યે જ છૂટકો. આર્નલ્ડની કવિતા પાંખી પડી જાય છે એનું કારણ આપતાં એલિયટ કહે છે કે આર્નલ્ડમાં ‘discipline of culture’ છે, પણ ‘discipline of suffering’ નથી. વેદના બે પ્રકારની હોય છે: સક્રિય અને નિષ્ક્રિય. આધ્યાત્મિક વન્ધ્યતાની વેદનામાં લાચારી ને નિષ્ક્રિયતા હોય છે; પણ પોતાનું ક્રમશ: રૂપાન્તર સિદ્ધ કરવાને મથનારને જે યાતના ભોગવવી પડે છે તે એના પર બહારથી લાદવામાં આવતી નથી; એ પોતે સ્વેચ્છાએ, એના વિકાસની એક અભીષ્ટ અવાન્તર સ્થિતિ રૂપે, એને સ્વીકારતો હોય છે. આ વેદના કેવળ અંગત ભૂમિકા પર રહેતી નથી. એ વેદના દ્વારા જ આપણે સમસ્ત માનવીય સન્દર્ભને અને અન્તે માનવીમાત્રની નિયતિને ઓળખતા થઈએ છીએ. આ ભૂમિકાએ એ વેદનાના વ્યાપક રહસ્યને બાધક નીવડતું અંગત લાગણીનું તત્ત્વ ચળાઈ જાય છે ને એને પરિણામે એ વેદનાના રૂપને આપણે વિશદ કરી શકીએ છીએ. આમ વિષાદ વિશદ બનીને આપણી ચેતનાનો ઉત્કર્ષ સાધી આપે છે. એલિયટે એના પ્રખ્યાત નિબન્ધ Tradition and the Individual Talent’માં કહ્યું છે તે બહુ સૂચક છે: ‘The more perfect the artist, the more completely separate in him will be the man who suffers and the mind which creates.’ એલિયટનો બિનંગતતા માટેનો આગ્રહ નાટ્યસ્વરૂપમાં રહેલી વસ્તુલક્ષિતા તરફ એમને પહેલેથી જ આકર્ષતો રહ્યો છે. એમની મોટા ભાગની કવિતામાં કોઈ એકાદ પાત્ર કે છૂટાંછૂટાં પાત્રો દ્વારા રચેલો સન્દર્ભ જોવામાં આવે છે. આથી કાવ્યમાંની ઉક્તિઓ આત્મલક્ષી કે અંગત બની રહેવાની મર્યાદામાંથી ઊગરી જાય છે. આથી જ જ્યારે ‘The Waste Land’નો વક્તા Tiresias કહે છે: ‘And I Tiresias have foresuffered all…’ ત્યારે ‘હું’ પછી તરત પાત્રનું નામ મૂકવાથી ‘હું’ના સંકેતનો કાવ્યોચિત રીતે વિસ્તાર થાય છે, નાટ્યક્ષમતાનું તત્ત્વ પણ એમાં પ્રવેશે છે. ‘પ્રૂફ્રોક’નો નાયક પણ પોતાના વ્યક્તિત્વના બે અંશો ‘you and I’ વચ્ચે સંવાદ યોજે છે. ‘હું’માંથી જો કવિ મુક્તિ નથી મેળવતો તો પોતાના અહમ્ના સાંકડા કારાગારમાં પુરાઈ રહે છે, ને કવિને તો આ પરિસ્થિતિ વિઘાતક જ નીવડે. આપણે બધા જ જો કારાગારમાં હોઈએ તો આપણે કારાગારમાં છીએ એ પરિસ્થિતિનું આપણને ભાન કોણ કરાવે? માટે કવિએ તો મુક્તિ મેળવી લેવી જ જોઈએ. આમ છતાં કારાગારમાં રહેલાની સાથે કવિ પોતાની અભિન્નતા તો જુએ જ છે. જો એવું ન હોય તો કવિ પારકો બની જાય, એ બીજાઓ પ્રત્યે દયા પ્રગટ કરે ને દયા સ્વમાનીને ખપે નહીં. આથી જ એલિયટ કહે છે:

We think of the key, each in his prison Thinking of the key, each confirms a prison…

કાવ્ય વેદના દ્વારા જ મળે, ને વેદનામાં જ કાવ્યની સામગ્રી ઉપલબ્ધ થાય એ દૃષ્ટિબિન્દુની મર્યાદા પાછળથી એલિયટે સ્વીકારી જ છે. પણ સાહિત્યના ઇતિહાસને જોઈશું તો કશીક પાયામાં રહેલી વેદનાને કારણે જ સર્વસ્પર્શી વ્યાપકતા, ઊંડાણ, નાટ્યક્ષમતા સાહિત્યમાં આવ્યાં છે.

સર્જકને જે લાગણી જોડે લેવાદેવા છે તે અમુક પરિસ્થિતિ જોડે સમ્બન્ધ ધરાવનારી, વ્યવહારજીવનમાં અનુભવાતી, લાગણીઓ નથી. એ અવસ્થામાં તો એને એનું આગવું રૂપ જ પ્રાપ્ત થયું નથી હોતું. આથી એલિયટ આ લાગણીઓ વિશે કહે છે કે ‘(They are) inhering for the writer in particular words or phrases or images.’ વ્યવહારજીવનમાં એક વ્યક્તિ તરીકે એ અનેક પ્રકારની લાગણીઓ અનુભવે છે. એ લાગણીઓ સર્વસામાન્ય સ્વરૂપની હોય છે; પણ કવિ તરીકે એ એક લાગણી અને બીજી લાગણીનો સમ્બન્ધ પોતાની કલ્પના વડે જોડીને, વ્યવહારમાં જોવામાં આવે છે તેથી જુદો – ‘અલૌકિક’, સન્દર્ભ રચે છે. આ કલ્પનાથી સ્થાપેલો અનુભવ અને અનુભવ વચ્ચેનો અન્વય એક નવું જ રૂપ પ્રકટાવે છે. આ અન્વયને પરિણામે રચાતા વિશિષ્ટ સન્દર્ભથી જ એલિયટ જેને ‘new art emotion’ કહે છે તે નિષ્પન્ન થાય છે.

કવિના ચિત્તમાં અનેકવિધ લાગણીઓ, કલ્પનો, સંસ્કારો સંગ્રહાતાં રહે છે. આ બધાં છૂટાંછૂટાં કણ રૂપે રહ્યાં હોય છે ને એ બધાંને સ્ફટિકને રૂપે બાંધે એવું તત્ત્વ ઉત્પન્ન થતાં એમને વિશિષ્ટ આકાર પ્રાપ્ત થાય છે. કવિના ચિત્તમાં આ પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે. કવિ કોઈ વિશિષ્ટ પ્રકારના કે અસાધારણ અનુભવની શોધમાં નીકળતો નથી. દૈનંદિનીય અનુભવમાંથી જ આ સ્ફટિક બંધાતો હોય છે. કવિની ચેતના વિકીર્ણ ને વિક્ષિપ્ત અંશોને એકત્રિત કરીને વિશિષ્ટ રૂપમાં સુગ્રથિત કરવાની શક્તિ ધરાવે છે. એલિયટને મતે આ ‘unified sensibility’ એ ચિત્તનો સ્વભાવ જ છે. એ અનુભવો કે પ્રતિભાવોને જુદા પાડીને વર્ગીકરણ કરતી નથી; પણ એ અનુભવો વચ્ચેના વાસ્તવિક કે શક્ય એવા અન્વયને એ સદા સિદ્ધ કરતી રહે છે. એ અનુભવોની એકબીજાના પર થતી અસરને એ વિકસાવી આપે છે.

બોદલેરે ‘Correspondences’ નામના કાવ્યમાં આપણા ચૈતસિક ભાવોનાં પ્રતિરૂપો બાહ્ય જગતમાંથી શોધી કાઢવાની કવિચિત્તની પ્રક્રિયાનો નિર્દેશ કર્યો છે. એલિયટ આ પ્રતિરૂપને ‘objective correlative’ કહીને ઓળખાવે છે. કળામાં ઊમિર્ને અભિવ્યક્ત કરવાની આ એક જ રીત છે: એ ઊમિર્ને માટેનું વસ્તુલક્ષી પ્રતિરૂપ શોધી કાઢવું. બીજી રીતે કહીએ તો એને માટે વિશિષ્ટ સન્દર્ભ રચીને, પ્રસંગોની હારમાળા ગૂંથીને (એ પ્રસંગો એ વિશિષ્ટ ઊમિર્ના સંકેતરૂપ બની રહે એ રીતે) આ પ્રતિરૂપનું નિર્માણ કવિએ કરવું જોઈએ. આથી જ ઊમિર્ના નિરૂપણમાં વસ્તુલક્ષિતા ને નાટ્યક્ષમતા આવે છે, ને એલિયટને એનો આગ્રહ છે. એમના પદ્યનાટક તરફના, પહેલેથી જ વરતાતા, ઝોકની પાછળ પણ એમનું આ વલણ જ કામ કરી રહ્યું હોય એમ લાગે છે. આ પ્રતિરૂપ એવી રીતે યોજવું જોઈએ કે એ આખરે અપરોક્ષ એવી ઇન્દ્રિયજન્ય સંવેદનામાં પરિણમે.

આ પ્રતિરૂપની મદદથી જ વિચારોને સંવેદનામાં પલટી નાખી શકાય છે. આ પ્રતિરૂપની યોજનાથી પદાર્થો પ્રતીકરૂપ બની જાય છે ને એમના સામાન્ય સંકેતથી જુદો, વિશિષ્ટ સંકેત, એમને પ્રાપ્ત થાય છે. આ આખી પ્રક્રિયા કોલરિજ જેને ‘synthetic power of imagination’ કહે છે તે જ છે. એલિયટ એને ‘mechanism of sensibility’ કહીને ઓળખાવે છે. એલિયટ જુદાજુદા અનુભવો એકબીજામાં ભળીને કશીક રાસાયણિક પ્રક્રિયાથી નવે જ રૂપે પ્રકટ થાય એના પર ‘(amalgamating experience’) ભાર મૂકે છે.

કવિચિત્તમાંની આ સામગ્રીનું એકરૂપથી રસાઈ જવું કેટલી ઉત્કટતાની માત્રાએ ને કેટલા દબાણથી થાય છે તે મહત્ત્વનું છે. આ અનુભવોનો સંશ્લેષ લાગણીઓની ઉત્કટતાને કારણે નહીં પણ કવિચિત્તમાં એને ભેગા લાવવાને માટેની અનિવાર્યતા ઊભી કરનાર તત્ત્વને આભારી છે. આમ લાગણીઓ એકબીજા વડે સંસ્કારાઈને નવું જ રૂપ પામતી રહે છે.

એલિયટે એક સ્થળે કહ્યું છે: ‘The poem which is absolutely original is absolutely bad.’ પોતાની ચેતનાને કુંવારી રાખીને, સમકાલીન સાહિત્યિક ને સાંસ્કારિક વાતાવરણને આત્મસાત્ કર્યા વિના, પોતાની જ ભાષાની સમસ્ત કાવ્યપરમ્પરાને આત્મસાત્ કર્યા વિના, કોઈ કશું સત્ત્વશાળી સરજી શકે નહીં. સાચી કળા ખરું જોતાં અપૌરુષેય હોય છે. પ્રતિભાનું એક લક્ષણ એ છે કે એ પોતાનામાં ઘણું બધું સમાવિષ્ટ કરી શકે છે, એક સાથે ઘણા યુગની ચેતનાને એ પુનરુજ્જીવિત કરી શકે છે. આ રીતે એ જે સમગ્ર ચિત્ર ઉપસાવી આપે છે તે કાળના પરિમાણને ઉલ્લંઘી જાય છે ‘(a pattern of timeless moments’). પ્રથમ દૃષ્ટિએ વિસંગત કે વિરોધી લાગતાં તત્ત્વોને પણ એ એક વિશાળ સમવાયમાં રસી લે છે.

એક અર્થમાં સાહિત્યના સર્જનની ધારા અખણ્ડ ચાલી આવે છે. સર્જકે સર્જકે એનું અનુસન્ધાન થતું રહે છે. એ ધારાને સમગ્રતયા ઝીલી શકે ને એને અગ્રસર કરી શકે એવું દરેક સર્જકનું ગજું હોવું જોઈએ. આથી સાહિત્યનું વિવેચન એ કોઈ પ્રાસંગિક ઘટના નથી, એને સર્જનની સમસ્ત ધારાના અનુલક્ષમાં જોવું જોઈએ. આ માટે એલિયટે ‘The Sacred Wood’માં કહ્યું છે: ‘It is part of the business of the critic…to see literature steadily and to see it whole; and this is eminently to see it NOT as consecrated by time, but to see it beyond time; to see the best work of our time and the best work of twentyfive hundred years ago with the same eyes.’

સર્જક દ્વૈપાયન બનીને પોતાની ચેતનાને નિલિર્પ્ત રાખી શકે નહિ. એની પહેલાંના – પાંચ, પાંચસો કે પાંચહજાર વર્ષ પહેલાંનાં – સર્જકોની સર્જનપ્રક્રિયા સાથે એ પોતાને સંકળાયેલો જુએ છે. એ સમસ્તનો એ વારસો ભોગવે છે. પણ એ વારસો ભોગવવાની એની શક્તિ અને રીત એની સર્જક તરીકેની વિશિષ્ટતા અને મર્યાદાને છતાં કરે છે. એલિયટને મતે કવિ કેવી રીતે આ વારસો ભોગવે છે, પોતાની કૃતિમાં બીજાની સામગ્રીને કેવી રીતે ઉછીની લઈને વાપરે છે એ પણ એના કવિત્વની એક મહત્ત્વની કસોટી છે. કાચા કવિઓ નરી અનુકૃતિ કરી છૂટે છે, પાકા કવિઓ ખૂબીથી ચોરે છે, કુકવિઓ જે ઉછીનું લે છે તેને વિકૃત કરી મૂકે છે ને સુકવિઓ જે ઉછીનું લે છે તેમાંથી એથી વધુ સારી, અથવા વધુ સારી નહીં તો કંઈક વિશિષ્ટ સ્વરૂપની, કૃતિનું નિર્માણ કરે છે. આ ઉછીનું લેવાની પાછળ સુકવિનો આશય શો હોઈ શકે? એને સાહિત્યની અખણ્ડ ધારાનું જ્ઞાન છે તે એ ડ્હોળવા માગે છે? સાંધાઓનું રેણ કરીને, સાંધા ન પરખાય એવી રીતે કૃતિ રચવાની એની ચાતુરી એ બતાવવા માગે છે? કે પછી આપણા ઊમિર્જગત અને બુદ્ધિજગતના સર્વ કાળ સુધી વિસ્તરતા સીમાડાને એ પોતાની રચનામાં સમેટી લઈને એને શક્ય તેટલી વ્યાપકતા અર્પવા માગે છે? કદાચ સુકવિ આ સ્વરૂપની વ્યાપકતા સિદ્ધ કરવા જ મથતો હોય છે. આથી એલિયટ કહે છે કે પરમ્પરા કે અનુશ્રુતિનું ઘણું વ્યાપક મહત્ત્વ છે. એ આપમેળે (આપણે અનુગામીઓ છીએ માટે) આવી મળતી નથી, એને ઉપલબ્ધ કરવા માટે પુરુષાર્થ કરવાનો રહે છે. એને માટે આપણામાં ઇતિહાસને અવગત કરવાની સૂઝ હોવી ઘટે. પચ્ચીસીને વટાવ્યા પછી પણ જે કવિ મટી જવા ઇચ્છતો નથી તેને માટે તો એ સાવ અનિવાર્ય છે. એને માટે ભૂતકાળની ભૂતકાલીનતા માત્ર નહીં, પણ એની વર્તમાન પરત્વેની સજીવતાની પણ એને ઝાંખી થવી જોઈએ. આ સૂઝથી લખનાર કેવળ પોતાની જ પેઢીના જીવનના ધબકારને લોહીમાં ઝીલીને લખતો નથી, પણ છેક હોમરથી માંડીને આજ સુધીનું યુરોપનું સમસ્ત સાહિત્ય (ને એમાં પોતાના દેશના પણ સમસ્ત સાહિત્યનો સમાવેશ કરીને) એકી સાથે એના લોહીમાં ધબકતું હોય છે. આ ઇતિહાસ વિશેની સૂઝ એક રીતે કાલાતીત છે તો બીજી રીતે જોતાં એ જુદા જુદા સમયની આગવી મૂતિર્ને પણ સ્પષ્ટ કરી આપે છે. આ બેને સાથે રાખીને સર્જન કરનાર જ સાચા અર્થમાં પરમ્પરાને આત્મસાત્ કરી શક્યો છે એમ કહી શકાય. પરમ્પરાને આ રીતે આત્મસાત્ કર્યા પછી જ એ પોતાના સમય વિશે, એમાં પોતાના ચોક્કસ સ્થાન વિશે ને સમકાલીન સાહિત્યિક આબોહવા વિશે સાચી જાણકારી પામી શકે.

સુકવિ આ રીતે પરમ્પરાને આત્મસાત્ કરે છે ને એ બીજા યુગના કે પોતાના યુગના કવિ પાસેથી જે લે છે તેને અદ્વિતીય એવી અનુભૂતિની અખણ્ડતામાં રસી દે છે, આથી એ ક્યાંકથી ઉખાડેલું લાગતું નથી; પણ કુકવિ આવું રસાયણ સિદ્ધ કરી શકતો નથી, કારણ કે વિક્ષિપ્ત ખણ્ડોને એક અખણ્ડતામાં ધારણ કરી રાખે એવું કશું ધારક બળ એનામાં હોતું નથી. સુકવિ બને ત્યાં સુધી પોતાનાથી દૂરના યુગના, અન્ય ભાષાના ને પોતાનાથી જુદી જ રુચિ ધરાવનારા કવિની સામગ્રી જાણી કરીને લેવાનું પસંદ કરે છે. અન્ય કવિઓની સામગ્રી લેવા પાછળનો હેતુ એમાં રહેલા અર્થની નવી ઇબારતમાં સાચવણી કરવાનો નથી, પણ એને રસાયણથી સમકાલીન બનાવી દેવાનો હોય છે.

આથી મૌલિકતાના સંકેતને સુધારીને સમજી લેવાની આવશ્યકતા ઊભી થાય છે. એલિયટ કહે છે કે મૌલિક કવિ જીવન પાસે સીધો પહોંચે છે ને પરપ્રત્યયનેય (derivative) કવિ સાહિત્ય પાસે જાય છે એમ કહેવું તે મૌલિકતાની અત્યન્ત છીછરી કસોટી છે, કારણ કે પરપ્રત્યયનેય કવિ તો સાહિત્યને જ જીવન સમજી બેસવાની ભૂલ કરે છે. સાહિત્યકાર જે સામગ્રી ઉછીની લે છે તે ને એનો એ જે ઉપયોગ કરે છે તે – આ બે વચ્ચે વિવેક કરવો ઘટે. જો આપણે અન્ય યુગના હાર્દમાં પ્રવેશી શકીએ તો આપણા યુગના હાર્દમાં પણ પ્રવેશી શકીએ. આથી મૌલિક કવિની પ્રતિભા inclusive છે, exclusive નથી. મહાભારતનો કવિ વ્યાસ જ હોઈ શકે.

કવિની સર્જનપ્રવૃત્તિ શી રીતે વિકાસ સાધતી હોય છે? એના કોઈ નિશ્ચિત નિયમો, અલબત્ત, હોઈ ન શકે. એલિયટને મતે આ વિકાસની પ્રવૃત્તિમાં યુગપત્ બે પ્રક્રિયાઓ ચાલી રહી હોય છે. કવિના ચિત્તમાં ક્રમશ: અનુભૂતિઓનો સંચય થતો રહે છે.પણ એલિયટ કવિના ચિત્તના પાત્રને વાસુદેવપ્યાલા(tantalus jar) જેવું કલ્પે છે. પાંચ કે દસ વર્ષના ગાળામાં અનુભૂતિઓમાંથી કશુંક સુગ્રથિત ને અખણ્ડ નીપજી આવે છે ને એની અભિવ્યક્તિને માટેની યોગ્ય રીતિ પણ કવિને લાધે છે. પણ જો કવિ કેવળ શ્રેષ્ઠને જ તાકતો હોય, એથી સહેજ પણ ઊણું એને ખપતું નહિ હોય તો અનુભૂતિનો સંચય થયો હોય છતાં એની શ્રેષ્ઠ અભિવ્યક્તિની રીતિ એને લાધે નહીં ત્યાં સુધી એને થંભી જવું પડે. અનુભૂતિનો આ સંચય મોટે ભાગે અસમ્પ્રજ્ઞાતપણે, ફલ્ગુ સ્રોતની જેમ, એના ચિત્તમાં થયા કરતો હોય છે. આથી હંમેશાં જ એને એનો ખ્યાલ રહેતો હોય છે એવું નથી. પાંચ કે દસ વર્ષના ગાળા પછી એ એનો ક્યાસ કાઢતો હોય છે. પણ દરમિયાન એની અભિવ્યક્તિની રીતિ માટેની શોધ સતત ચાલ્યા જ કરતી હોવી જોઈએ; એ એની રચનાપદ્ધતિને અનેક રીતે કસોટીએ ચઢાવતો રહેવો જોઈએ જેથી યોગ્ય સમયે એ એના ખપમાં આવે. એલિયટ એને માટે આગ હોલવવાના બંબાનું દૃષ્ટાન્ત આપે છે. એ બંબો કાંઈ રોજના વપરાશની વસ્તુ નથી, પણ જે ઘડીએ જરૂર પડે તે ઘડીએ એ પૂરેપૂરું કામ આપે એ રીતે એને સદા સજ્જ તો રાખવો જ પડે છે. કવિએ પણ આ જ રીતે સદા સજ્જ રહેવું જોઈએ.

આમ કવિ એક બાજુથી રચનાકૌશલ, અભિવ્યક્તિની જુદી જુદી ધાટીઓ, સિદ્ધ કરવા મથ્યા કરતો હોય છે. આ પ્રયત્નો એ પૂરેપૂરી સભાનતાથી ને ખંતપૂર્વક કરતો હોય છે. પોતાના માધ્યમની આ સજ્જતા દરેક કવિની સાધનાનું એક અનિવાર્ય અંગ છે. બીજી બાજુ એ જીવવાની ક્રિયા દરમિયાન, પોતાની વિશિષ્ટ ચેતના દ્વારા, અનુભવો સંચિત કરીને એને પોતાની ચિત્તધાતુમાં આત્મસાત્ કરતો રહે છે. આ અનુભવો કેવળ જીવાતા વહેવારુ જીવનના જ નહીં પણ વાચન-મનનથી ઉદ્ભવતા, અન્ય સાથેના સમ્પર્કથી ઉદ્ભવતા અનુભવો પણ હોય છે. આ બે સમાન્તર ચાલ્યા કરતી પ્રવૃત્તિઓ કદીક એક બિન્દુએ ભેગી મળી જાય છે. કવિની સર્જનપ્રવૃત્તિમાં આ બે ધારાનું સ્પર્શબિન્દુ ઉત્તમ કૃતિની રચનાની ભૂમિકા બની રહે છે. વર્ષો સુધીના પરિશ્રમથી પોતાના માધ્યમની શક્યતાને તાગવાને માટેનો કરેલો પરિશ્રમ, રચનાપદ્ધતિની નવી નવી ભંગીઓને ચકાસી જોવાને કરેલા પ્રયોગો – આને પરિણામે પ્રાપ્ત કરેલી સજ્જતા અને એને લેખે લગાડે એવો અનુભૂતિસંચય: આ બેનો વિરલ યોગ થતાં જે કૃતિ આપણને મળે તેમાં સામગ્રી અને માધ્યમ, સ્વરૂપ અને સંભાર વચ્ચેનો ભેદ સાવ લોપ પામી જાય.

આ સજ્જતા કૃતિના આગવા સત્યનું નિર્માણ કરી આપવામાં લેખે લાગે છે. ભાવને અનુરૂપ પ્રતિરૂપો, પ્રતીકો ને કલ્પનોનો અન્વય આ સત્યની ભૂમિકા પર રચાય છે. તર્કના પ્રમેયના અન્વયમાંથી જેમ આપણે એના ફલિતાર્થ સુધી ક્રમબદ્ધ રીતે પહોંચીએ છીએ તેમ જ પ્રતીક, કલ્પન કે પ્રતિરૂપોના અન્વયમાંથી આપણે કાવ્યના આગવા સત્યને ઉપલબ્ધ કરીએ છીએ. આની પાછળ રહેલી વિધાયક શક્તિને એની આગવી શિસ્તની અપેક્ષા હોય છે. એમાં યદૃચ્છાનું તત્ત્વ રહ્યું હોતું નથી. કાવ્યમાં વિધાયક શક્તિ આવી શિસ્તથી વ્યાપારશીલ બની હોય છે ત્યારે જ authenticity – પ્રમાણભૂતતાનો ગુણ આવી શકે છે. એલિયટે હંમેશાં આ શિસ્ત પર ભાર મૂક્યો છે, ને એથી જ રોમેન્ટિકોની યદૃચ્છાને એ કાવ્યને અપકારક લેખે છે. પોતાની સામગ્રીનું સંવિધાન કરવાની શક્તિ (controlling power) જ એલિયટની કવિતામાં આ authenticityનું તત્ત્વ લાવી શકે છે. કાવ્યના ભાવકની યદૃચ્છાનું પણ આવી કૃતિ નિયન્ત્રણ કરી શકે છે. આ સંવિધાનમાં કોઈ વિજ્ઞાની કે ગણિતજ્ઞ જે બુદ્ધિશક્તિનો વિનિયોગ કરતો હોય છે તે જ બુદ્ધિશક્તિનો, (જરાય ઓછી માત્રામાં નહીં) કવિ ઉપયોગ કરતો હોય છે. કાવ્યમાં બુદ્ધિ જો વ્યાપારશીલ બનતી હોય તો આ રીતે. કાવ્યમાંથી યદૃચ્છયા અર્થઘટન કરવાની પ્રવૃત્તિ એલિયટને પસંદ નથી. એ રીતે ગદ્યાન્વયના ચોકઠામાં વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય એવો શબ્દાર્થ શોધવાની પ્રવૃત્તિ પણ કાવ્યને અન્યાયકર્તા જ નીવડે છે. એલિયટની કવિતાનું પરિશીલન કરતાં પહેલાં કાવ્યરચના માટેની કવિની સજ્જતા વિશેનો એમનો આ ખ્યાલ ધ્યાનમાં રાખવો જરૂરી છે.

એલિયટની કાવ્યાભિવ્યક્તિમાં તિર્યક્તા(indirection), ઊમિર્સંયમ, વ્યંગ, પ્રતીક અને કલ્પનોના અન્વયથી ભાવજગતના મોટા ખણ્ડને આવરી લેવાની રીતિ, વિરોધના પાયા પર રચાયેલા અલંકાર – આટલાં લક્ષણો ખાસ ધ્યાન ખેંચે છે. ભાષાવિન્યાસમાં ઉપયોગી અંગો પાસેથી, એ વિન્યાસ સાધવા ઉપરાંત, કાવ્યને ઉપકારક એવું કશુંક વિશેષ કામ કઢાવી લેવાની એમનામાં દૃષ્ટિ છે. ઉભયાન્વયીઓ સમ્બન્ધ સ્થાપવા ઉપરાંત કશુંક વિશેષ પણ સિદ્ધ કરતા હોય છે. આ વિશેષને સિદ્ધ કરવાની રીતિ એના બે શબ્દ, પદ કે વાક્ય વચ્ચેના સમ્બન્ધ બાંધવામાં ધર્મ પરથી બીજે જ આપણું ધ્યાન ખેંચે છે. જે સમ્બન્ધ સ્થપાવાનો છે તેને અંગેની અપેક્ષા જગાડવી, સમ્બન્ધનાં બંને પદ વિશેનું અનુમાન પ્રેરવું, સમ્બન્ધની ભૂમિકા મનમાં રચાય એવી યોજના કરવી – આવું એમાં બનતું હોય છે. આ સમ્બન્ધ, આથી કેવળ શાબ્દિક કે વ્યાકરણગત રહેતો નથી, એ ચૈતસિક ભૂમિકા પર સિદ્ધ થતો હોય છે. વિશિષ્ટ વીગતોના ગુચ્છને એક સંશ્લેષમાં બાંધી આપનાર તત્ત્વ અપ્રકટ રહીને કામ કરતું હોય છે, જુદા જુદા અધ્યાસો-સંસ્કારોનો રણકાર જગાવીને એને એકસૂત્રે પરોવનાર તત્ત્વ પણ વ્યંજનાથી જ સૂચવાતું હોય છે. રચનાપદ્ધતિમાં વાગ્મિતા ને સંયમ એલિયટની કવિતામાં ઓજસ્નો ગુણ લાવે છે. આથી દરેક શબ્દની ગુંજાયશ વધે છે, એની ધ્વન્યાત્મકતાનું ક્ષેત્ર વિસ્તરે છે ને સરવાળે આવી બાનીમાં સભરતા ને સામર્થ્ય સિદ્ધ થાય છે.

એલિયટ અને પાઉંડને અર્વાચીન કાવ્યધારાના પ્રવર્તક લેખવામાં આવે છે. આ અર્વાચીનતાનાં કેટલાંક બાહ્ય લક્ષણો પાછળથી બંધાઈ ચૂક્યાં ને કેટલાક કવિયશ:પ્રાર્થી કેવળ એ લક્ષણોની યાદી સામેલ કરવાથી જ અર્વાચીન બની ગયાનો સન્તોષ પણ અનુભવવા લાગ્યા. આ લક્ષણો પૈકી જીવનનાં નિસ્સારતા, તુચ્છતા ને કદર્યતાનું રટણ, અણધાર્યા ને અકાવ્યમય લાગે એવા સાદૃશ્યના પાયા પર રચાતા અલંકારો, અણધારી ને આઘાત આપે એવી બે વીગતોની સહોપસ્થિતિ (juxtaposition), પુરાણકથા, પ્રાચીન તથા સમકાલીન કવિઓની રચનામાંથી ખણ્ડો લઈને એની આજુબાજુ નવા સન્દર્ભની થતી રચના, આને પરિણામે આવતી દુર્બોધતા, મૂઝવીને બે ડગલાં ભાવકને દૂર રાખનારી વિદગ્ધતા ને બૌદ્ધિક ચાતુરી, તળપદી બાની ને રોજ-બ-રોજની વાતચીતની છટાનો કાવ્યબાનીમાં સમાવેશ, ગૌરવપૂર્ણ ને તુચ્છને એકસાથે ગૂંથી લેવાની રીતિ, પદ્યમાં ગદ્યની લઢણોને ઉતારવાનું વલણ – આટલાં તો આજે સૌને સુપરિચિત છે.

એલિયટની કવિતામાં રોજ-બ-રોજની સામાજિક ઘટનાના અહીંતહીં અછડતા ઉલ્લેખને કારણે આવતી સજીવતાભરી ને કાવ્યોપકારક એવી પ્રાસંગિકતાનું તત્ત્વ છે, પણ આ પ્રાસંગિકતા કાવ્યમાં રસાઈ ગયા પછી નરી પ્રાસંગિક રહેતી નથી એ એલિયટની સિદ્ધિ છે. આની જોડાજોડ એલિયટની પ્રખર મેધાના નર્મમર્મ રૂપે દેખાતા ચમકારા પણ આપણે જોઈએ છીએ. એલિયટનાં બહુશ્રુતતા, વ્યુત્પત્તિમત્તા અને એમાંથી નિષ્પન્ન થતી વિદગ્ધતા વિશિષ્ટ સજ્જતા વિનાના વાચકને મૂઝવી મારે છે. પણ આ વિદગ્ધતા કાવ્યમાં શાથી સાભિપ્રાય ઠરે છે તે તપાસવું જોઈએ. એલિયટની કવિતામાં અર્વાચીનનો પ્રાચીન સાથે સમ્બન્ધ જોડીને એક વડે બીજાને અવગત કરવાનો પ્રયત્ન જોવામાં આવે છે. એલિયટ પોતાની ચેતનામાં કેવળ પોતાના જીવનકાળને નહીં પણ મનુષ્યના સમસ્ત ઇતિહાસને સમેટી લેવા ઇચ્છે છે:

‘…a lifetime burning in every moment And not the lifetime of one man only But of old stones that cannot be deciphered.’

કાળની આ યાત્રા પૂરેપૂરી કર્યા પછી જ આપણને આપણું સાચું સ્થાન લાધે છે. એલિયટ અન્યત્ર ઇતિહાસને આ રીતે ઓળખાવે છે.

‘….history is a pattern Of timeless moments.’

સમયની ખણ્ડચેતના દ્વારા જ કાલાતીતના સ્વરૂપની ઝાંખી કરવા-કરાવવાનો પડકાર દરેક સર્જક ઝીલતો હોય છે. જો સર્જકનું કાઠું આ પ્રમાણથી ઘડાયેલું હોતું નથી તો એ આ પડકાર ઝીલી શકતો નથી. ભૂત અને ભાવી સાથે એકસૂત્ર બનેલો વર્તમાન તે કવિનો સમય છે. એલિયટ એને sensible present કહે છે. આથી વર્તમાનની એક ક્ષણ આપણે એ પહેલાં જે હતા તેનું નવી રીતે આપણને સદા ભાન કરાવતી રહે છે. કાળની આવી સંવિત્તિ માનવીની અનુભૂતિની સળંગસૂત્રતા પ્રગટ કરી આપે છે ને આ રીતે સર્વગ્રાહી દૃષ્ટિબિન્દુ આપણને પ્રાપ્ત થાય છે. પુરાણા અને નવીનને જોડાજોડ મૂકવામાં એઓ બન્ને વચ્ચેનાં સાદૃશ્ય તથા વિરોધને એકસાથે ખપમાં લે છે. એમાં કદીક સાદૃશ્યમાં વિરોધ તો વિરોધમાં સાદૃશ્ય પણ એઓ પ્રકટ કરે છે. આ રીતે યોજાયેલા વિરોધાભાસમાંથી એક નવો સંગતિબોધ નિષ્પન્ન થાય છે.

એલિયટ એકીસાથે અનેકવિધ સામગ્રીનો વિનિયોગ કરવામાં પોતાની શક્તિને કેન્દ્રિત કરે છે: એમના અંગત અનુભવો અને એમાંથી ઊપસી આવતી ભાત, યુદ્ધ, લંડન પરનો બોમ્બમારો, આવા યુગમાં કવિનું કર્તવ્ય, ભાષાનું સ્વરૂપ. જેમ્સ જોય્સની નવલકથા ‘યુલિસિસ’ના પુરોવચનમાં જોય્સની રચનાપદ્ધતિને પુરસ્કારતાં એલિયટે જે કહ્યું છે તે એમની પોતાની પદ્ધતિનો જ જાણે અહેવાલ આપતાં કહ્યું હોય એવું લાગે છે: ‘પુરાણકથાનો ઉપયોગ કરીને સમકાલીનતા ને પુરાતનતા વચ્ચે સળંગ સમાન્તર સમ્બન્ધની ભૂમિકા રચીને જોય્સ જે પદ્ધતિને અનુસરે છે તે હવે બધાએ અનુસરવા જેવી લાગે છે. એમ કરવાથી સર્જકો અનુકરણ કરે છે એવો આરોપ આવવાનો નથી. વિજ્ઞાનીઓ આગલા વિજ્ઞાનીઓએ કરેલી શોધનો ઉપયોગ સદા કરતા જ આવ્યા છે. એમના પર કોઈ અનુકરણ કર્યાનો આરોપ મૂકે છે? આઇન્સ્ટાઈનની શોધનો ઉપયોગ પોતાના સ્વતન્ત્ર સંશોધન કાર્યમાં કરનાર વિજ્ઞાની નર્યું અનુકરણ કરતો નથી. આપણા સમકાલીન ઇતિહાસમાં પ્રચુર માત્રામાં રહેલાં વ્યર્થતા તથા અરાજકતાને સંયત કરીને નવો ઘાટ આપી એમાં વ્યવસ્થા લાવવા માટે આ પદ્ધતિ અનિવાર્ય બની રહે છે.’

એલિયટે એક સ્થળે કોઈ જોડેની વાતચીતમાં ભૂતકાળની કાવ્યપરમ્પરા વિષે ઉલ્લેખ કરતાં અત્યન્ત અર્થસૂચક વાત કરી હતી: ‘Some one said: ‘The dead writers are remote from us because we know so much more than they did.’ Precisely, and they are that which we know.’ આ જ્ઞાનની ભૂમિકા ઉપર સર્જક નવી રચનાની માંડણી કરતો હોય છે. સર્જક પોતાના યુગને ઓળખવાનો સમ્યક્ દૃષ્ટિકોણ પોતાની રચના દ્વારા હંમેશાં શોધતો રહે છે. અનેકવિધ ક્ષેત્રમાં સમાન્તર રીતે તેજ રફતારથી થતો વિકાસ માનવીને મૂઝવી નાંખે છે. એક દાયકામાં સૈકાઓ આપણે સમેટી લઈએ છીએ. આપણા મનમાં બધી કડીઓ બરાબર ગોઠવાય તે પહેલાં તો નવી ઉપલબ્ધિઓ ટોળે વળીને મનના દ્વાર આગળ ઊભી રહી જાય છે. આપણી સંવિત્તિ અખણ્ડ બનાવવાનો આપણો પ્રયત્ન આ કારણે સફળ થતો નથી ને, એલિયટને મતે, સર્જકને માટે તો આવી અખણ્ડ સંવિત્તિ અનિવાર્ય છે, નહિ તો પોતાનાં સમકાલીનોની તૂટકતૂટક ને વિશ્લિષ્ટ સંવેદનાઓને એનું આગવું રૂપ એ શી રીતે આપી શકે? સંવિત્તિની અખણ્ડતાને સિદ્ધ કરવાને એલિયટ ‘mythical method’ પ્રયોજવાનો અનુરોધ કરે છે, એલિયટ આ હેતુથી પોતાની ચેતનાને જેકોબિયન નાટ્યકારો, ડન જેવા કવિની રચનાઓ, દાન્તેની કાવ્યસૃષ્ટિ અને ફ્રેન્ચ પ્રતીકવાદી કવિઓની રચનાના સમ્પર્કમાં મૂકે છે. એક કાળને બીજા કાળની જોડાજોડ મૂકવાથી એ બે કાળખણ્ડ વચ્ચે એક પ્રકારના dynamic rhythm – સજીવ લયનું ઉદ્ભાવન થાય છે. આ લય જ કૃતિની વ્યંજના બની રહીને બંને કાળને સાર્થક કરે છે. આ લયથી જ કવિની સંવિત્તિ અખણ્ડ બને છે ને ભાવક સમક્ષ જે ખણ્ડખણ્ડ હતું તેનું એક અખણ્ડ રૂપ ઉદ્ભાસિત થઈ ઊઠે છે. આ પદ્ધતિને એક વિવેચકે ‘technique of retrospective illumination’ કહીને ઓળખાવી છે. એલિયટની સર્જકપ્રતિભા નાટ્યગુણ પ્રકટ કરવા મથે છે. એક રીતે જોઈએ તો કવિમાત્રમાં આ dramatic imagination હોવી જોઈએ. આવી રચનાપદ્ધતિમાં કવિનું વ્યક્તિત્વ બાદ થઈ જાય છે ને નાટકને અપેક્ષિત વસ્તુલક્ષિતાનો પુરસ્કાર કરવામાં આવે છે. એલિયટની કવિતામાં જુદા જુદા કવિઓની પંક્તિઓ, ઉપનિષદ, બાઇબલ કે અન્ય પુરાણકથામાંના અંશો – આ બધાંનો સારો એવો વિનિયોગ થયેલો દેખાય છે. પ્રથમ દૃષ્ટિએ છૂટા છૂટા ખણ્ડોનું સાંધણ કર્યું હોય એવી એની કૃતિ લાગે છે. પણ વાસ્તવમાં જુદા જુદા યુગના, જુદી જુદી આબોહવામાં જીવી ગયેલા અને જુદો મિજાજ ધરાવનારા કવિઓને એકસાથે એક સમવાયમાં ભેગા કરી શકે એવી એલિયટની પ્રતિભાની વ્યાપકતા છે. ભિન્ન ભિન્ન લાગતા ખણ્ડો, કાળના જુદા જુદા ખણ્ડો, જુદાં જુદાં વાતાવરણ – આ બધાંની વચ્ચે એક પ્રકારનો નાટ્યાત્મક સમ્પર્ક સ્થપાય છે. એલિયટની કવિચેતના એ બધાંને એકસાથે ધારણ કરનારી ભૂમિ બની રહે છે, એની પ્રતિભાનું આ ધારક બળ એની પ્રત્યેક રચનામાં વરતાય છે. આગલા સર્વ યુગના કવિમનીષીઓ આવા જ કોઈ સમર્થ કવિની રચનામાં પુનરુજ્જીવિત થવાની વાસના, કદાચ, સેવતા હશે. સાચો કવિ એમની આ વાસનાનો મોક્ષ સાધી આપે છે.

કવિ સાહજિક સૂઝથી કે કશીક ગૂઢ પ્રેરણાને વશ વર્તીને સર્જન કરે તો પૂરતું છે એવો મત એલિયટને સ્વીકાર્ય નથી. મમ્મટે કહ્યું છે તેમ લોકવ્યવહાર અને શાસ્ત્રાદિનું અવેક્ષણ પણ અત્યન્ત જરૂરી છે. એલિયટના કવિ તરીકેના વ્યક્તિત્વનાં બે વિશિષ્ટ લક્ષણો તે એની કુશાગ્ર મેધા અને જેને એક વિવેચકે ‘cosmopolitan sophistication’ કહીને ઓળખાવી છે તે સ્વરૂપની વિદગ્ધતા છે. આ કારણે અનેક દેશની અને જુદા જુદા કાળની સાહિત્યિક સમૃદ્ધિને એ પોતાની ચિત્તધાતુમાં આત્મસાત્ કરીને સાહિત્યસર્જનને માટે આવશ્યક એવી દૃષ્ટિની વ્યાપકતા સિદ્ધ કરી શકે છે. એલિયટે એક સ્થળે એકરાર કરતાં કહ્યું છે કે 1910ની આજુબાજુના ગાળામાં કાવ્યરચના કરવાને પ્રવૃત્ત થનારને ઇંગ્લૅન્ડની એ સમયની કાવ્યપ્રવૃત્તિમાંથી ઝાઝું પોષણ મળે તેમ નહોતું. આથી ફ્રેન્ચ કાવ્યસાહિત્ય તરફ એઓ વળ્યા હતા. હેન્રી જેઇમ્સની નવલકથાની સૃષ્ટિનું વાતાવરણ, Laforgeમાં બાનીનો જે વિશિષ્ટ લહેકો છે તે, પાત્રોની સ્વગતોક્તિઓ, અહીંતહીંથી સંભળાતાં ને વિલાઈ જતા વાતચીતના છૂટક લાગતા ખણ્ડો, થોડી જ રેખાઓથી ચિત્ર ઉપસાવી આપવાની રીતિ, ખાસ્સું અન્તર ધરાવતા બે જુદા જુદા કાળખણ્ડોને આવરી લે એવી રીતે અવતરણોને જોડાજોડ મૂકી દેવાની પદ્ધતિ અને આ બધાંને એક સૂત્રમાં અનુસ્યૂત કરી દેતી કવિની પોતાની ચેતના – એલિયટની પ્રારમ્ભિક રચનાઓમાં આ લક્ષણો વરતાઈ આવે છે. એમની રચના સભાનતાભર્યા પ્રયત્નથી થતી હોવા છતાં એમાં આયાસ દેખાતો નથી. અન્ય સ્થળેથી લીધેલાં અવતરણો કદી આટલા બધા સન્દર્ભને ઉપકારક કે ઉચિત બની શક્યાં નહોતાં. એક બાજુ ઉચ્ચ કક્ષાની વ્યુત્પત્તિમત્તાનો પરિચય કરાવતી પંક્તિઓ તો સાથે સાથે જ ઘરેળુ ને આત્મીયતા સ્થાપી દેતી તળપદી બાની આપણને જોવા મળે છે. પરિચિત કાવ્યરચનાની તદબીર કે કાવ્યાભાસી ઇબારત એમાં દેખાતા નથી. ભાષાના શક્ય તેટલા કાકુઓને ખપમાં લેવાનું એમાં વલણ છે. જોય્સે ‘યુલિસિસ’માં એના અઢાર ખણ્ડમાં જુદી જુદી અઢાર શૈલીઓ વાપરી છે. એલિયટ પણ આમ દેખીતી રીતે એક લાગતી એની રચનામાં કેટલાય જુદા જુદા અવાજે બોલે છે. આથી જ હ્યૂ કેનર નામના વિવેચકે એલિયટને ઓળખાવતાં ‘The Invisible Poet’ એવી સંજ્ઞા ઉચિત રીતે જ વાપરી છે. જેમ અન્ય કવિઓની રચનાઓમાંથી એલિયટ ઉપયોગી અંશોનો સાર્થક વિનિયોગ કરી શકે છે પણ એ કવિઓના પ્રભાવને વશ થતા નથી તેમ પોતાના વ્યક્તિત્વને કાવ્યમાં આક્રમક બનવા દેતા નથી. સર્જક તરીકેનું એમનું આ શીલ સર્વ સર્જકોને માટે એક ઉદાત્ત આદર્શ રૂપ બની રહે છે. એલિયટે આ પરત્વેનું પોતાનું દૃષ્ટિબિન્દુ આ રીતે પ્રકટ કર્યું છે. ‘The point of view which I am struggling to attack is perhaps related to the metaphysical theory of the substantial unity of the human soul: for my meaning is, that the poet has, not a ‘personality’ to express but a particular medium, which is only a medium and not a personality, in which impressions and experiences combine in peculiar and unexpected ways.’ (Selected Essays, pp. 19-20)

એલિયટની આ માધ્યમ વિશેની સભાનતા અને નિષ્ઠાનો પરિચય એમની સર્વ કૃતિઓમાં થાય છે. આ વિશેનું એમનું ચિન્તન એમની રચનાઓમાં પણ ઘણી વાર જોવામાં આવે છે. Four Quartetsની ચારે ચાર રચનાના પાંચમા ખણ્ડમાં કવિતા, કવિતાનું પ્રયોજન, કવિતાની બાની – આ બધાં વિશેની ગમ્ભીર પર્યેષણા સૂત્રાત્મક રીતે થયેલી દેખાય છે. Little Giddingમાંનું આ અવતરણ એલિયટની આ દૃષ્ટિના સમર્થ સંકેતરૂપ બની રહે છે:

Since our concern was speech, and speech impelled us To purify the dialect of the tribe And urge the mind to aftersight and foresight.

કવિની સૌથી મોટી જવાબદારી માનવીની વાણીને શુદ્ધ રાખવાની છે. અશુદ્ધ વાણી અશુદ્ધ આચારની દ્યોતક છે. વ્યવહારમાં રજોટાયેલો રહેતો માનવી જુદાં જુદાં પ્રલોભનોને વશ થઈને ભાષાને પણ મલિન કરતો રહે છે. ધીમે ધીમે ભાષા ધૂંધળી ને અપારદર્શી બનતી જાય છે. માનવી એની પાછળ પોતાને ઢાંકવા મથે છે, એ દ્વારા પોતાને પ્રકટ કરતો નથી. ભાષાની શુદ્ધિનું રક્ષણ કવિની સૌથી મોટી જવાબદારી છે. એઝરા પાઉંડનું દૃષ્ટિબિન્દુ પણ આવું જ છે. પણ આ શબ્દો પર માનવી કેટલો જુલમ ગુજારે છે! એના પર અસત્ય, દમ્ભ, જડતા, ધૂર્તતાનો ભાર એ લાદે ને પરિણામે

Words strain, Crack and sometimes break, under the burden, Under the tension, slip, slide, perish, Decay with imprecision, will not stay in place. Will not stay still. shrieking voices Scolding, mocking, of merely chattering, Always assail them.

(Burnt Norton)

રચના કે આયોજન કવિના શીલને પ્રકટ કરે છે. શીલ તેવી શૈલી નહીં પણ શૈલી પરથી શીલ પરખાય એમ ખરું જોતાં આપણે કહેવું જોઈએ. કવિ સમર્થ શબ્દોની શોધમાં રહે છે. ને કદીક એવું પણ બને છે કે જ્યારે એ શબ્દો એને પ્રાપ્ત થાય છે ત્યારે સન્દર્ભ સાવ બદલાઈ ચૂક્યો હોય છે. એ સન્દર્ભને માટે એ શબ્દો ઉચિત લાગતા નથી. દરેક કવિને આ વેદના અનુભવી પડે છે. આ પ્રકારની ‘the intolerable wrestle/with words and meanings’ કવિના ચિત્તમાં સદા ચાલ્યા જ કરતી હોય છે. આ ‘Wrestle’માંથી જ કાવ્યને એનું બળ પ્રાપ્ત થાય છે, ઓજસ્નો ગુણ આથી જ ખીલે છે. કાવ્યબાની વિશેનો એલિયટનો આદર્શ Little Gidding માં આ રીતે પ્રકટ થાય છે:

And every phrase And sentence that is right (where every word is at home) Taking its place to support the others, The word neither diffident nor ostentatious, An easy commerce of the old and the new, The common word exact without vulgarity, The formal word precise but not pedantic, The complete consort dancing together, Every phrase and every sentence is an end and a beginning, Every poem an epitaph.

એલિયટની કવિતાની ઇબારતમાં અભિવ્યક્તિની તાઝગી છે, સૂક્ષ્મતા છે, આભિજાત્યનો ને વૈદગ્ધ્યનો રણકો છે. એ કાવ્યસૃષ્ટિ સ્વાયત્ત છે. એની રચનામાં એનો કવિ અનિવાર્ય હતો એવી આપણા પર દૃઢ છાપ પાડે છે. કશું પણ કોઈક અકળ તત્ત્વને વશ થઈને કે ભાવસમાધિની અવસ્થામાં રચાઈ જાય એ એમને પસંદ નથી. વિવેચકો એમ કહેવાની હદે ગયા છે કે એલિયટને જેટલી રચનાકૌશલની પડી છે તેટલી માનવસન્દર્ભની પડી નથી. આ જ અર્થમાં આલ્વારેઝ નામના નવવિવેચકે કહ્યું છે: ‘He has created a world of formal perfection. It lacks the dimension of human error.’ એ સાચું છે કે માનવી માનવસહજ નિર્બળતાઓને કારણે કેવળ અનુકમ્પાપાત્ર નહીં પણ પ્રીતિપાત્ર પણ બને છે. એલિયટની સૃષ્ટિમાં વ્યંગ છે, નર્મમર્મભર્યા કટાક્ષ છે પણ અનુકમ્પાની સ્નિગ્ધતા નથી એવું ઘણાને લાગે છે. કાવ્યરચના પરત્વેના એમણે પોતે ઉપજાવેલા ‘શિષ્ટાચાર’નો ભાર ઘણી વાર આપણા પર તોળાઈ રહે છે. એમની એ વિશેની સાવધતા આપણને ઘણી વાર અકળાવી મૂકે છે. કંઈક મોકળા મનથી, સહજ જ, ઉચ્ચારાઈ જતું હોય તો તે પણ આપણને સાંભળવું ગમે છે. પણ એલિયટ તો હમેશાં પૂરા સજ્જ થઈને, ‘ગળું ખોંખારીને’ જ, બોલવાનો આગ્રહ રાખે છે.

પણ એલિયટની પ્રતિભાનું વૈશિષ્ટ્ય એ છે કે એ બૃહત્ પરિમાણને વ્યાપી લેવા મથે છે. જુદા જુદા કાકુઓથી એ ભાષાનાં બને તેટલાં સ્તરને સમાવી લેવા માગે છે. આકસ્મિક લાગતી છતાં ચોક્કસ હેતુથી યોજેલી સહોપસ્થિતિ દ્વારા ઘોષપ્રતિઘોષનાં આન્દોલનોને વિસ્તારીને એ ધ્વનિવિસ્તાર સાધે છે. એલિયટની સૂક્ષ્મતા તે મેધાવીની સૂક્ષ્મતા છે. ઉત્કટતાની ક્ષણોમાં પણ સામગ્રીનું નિયન્ત્રણ કરવામાં કે કળાકારને પક્ષે અપેક્ષિત એવી તટસ્થતા જાળવવામાં એઓ પ્રમાદ સેવતા નથી. એમની જ સંજ્ઞા વાપરીને કહીએ તો ‘logic of sensiiblity’ કદી ચૂકતા નથી.