કાવ્યચર્ચા/પવનભરી રાત
સુરેશ જોષી
ગભીર પવનોભરી રાત હતી કાલે – અસંખ્ય નક્ષત્રોની રાત; આખી રાત વિસ્તીર્ણ હવા મારી મચ્છરદાનીમાં ખેલતી હતી; મચ્છરદાની કદિક ફૂલી ઊઠી’તી મોસમી સમુદ્રના પેટની જેમ, કદિક બિછાનું છેદીને નક્ષત્રો ભણી ઊડી જવા ચાહતી’તી; કદિક કદિક મને એમ લાગતું હતું – અર્ધો ઊંઘમાં હોઈશ ત્યારે જ કદાચ – જાણે માથા પર મચ્છરદાની નથી, સ્વાતિ નક્ષત્રને ઘસાઈને નીલ હવાના સમુદ્રમાં ધોળા બગલાની જેમ એ ઊડી રહી છે! એવી અદ્ભુત રાત હતી કાલની.
સમસ્ત મૃત નક્ષત્રો કાલે જાગી ઊઠ્યાં હતાં – આકાશમાં તલમાત્ર જગ્યા ખાલી નહોતી; પૃથ્વીનાં સમસ્ત ધૂસર પ્રિય મૃતજનોનાં મુખ પણ એ નક્ષત્રોમાં જોયાં છે મેં. અંધારી રાતે પીપળાની ટોચે પ્રેમી નરસમડીની શિશિરભીની આંખની જેમ ટમટમતાં હતાં સમસ્ત નક્ષત્રો; ચાંદની રાતે બેબિલોનની રાણીના ખભા પરની, ચિત્તાના ચકમક થતા ચામડાની શાલની જેમ ચમકતું હતું વિશાળ આકાશ!
એવી અદ્ભુત રાત હતી કાલની, જે નક્ષત્રો આકાશને વક્ષે હજારો વર્ષો પહેલાં મરી ચૂક્યાં હતાં તે બધાં પણ કાલે બારીમાં થઈને અસંખ્ય મૃત આકાશને સાથે લઈને આવ્યાં હતાં; જે રૂપસુન્દરીઓને મેં એસિરિયામાં, મિસરમાં, વિદિશામાં મરી જતી જોઈ છે તેઓ કાલે અતિદૂર આકાશના છેડા પરના ધુમ્મસમાં લાંબા ભાલા હાથમાં લઈને હારબંધ ઊભી રહી ગઈ હતી જાણે – મૃત્યુને દલિત કરવાને? જીવનનો ગભીર જય પ્રકટ કરવાને? પ્રેમનો ભયાવહ ગમ્ભીર સ્તમ્ભ ઊભો કરવાને? સ્તમ્ભિત – અભિભૂત થઈ ગયો હતો હું, કાલ રાતના પ્રબળ નીલ અત્યાચારે મને છિન્નવિચ્છિન્ન કરી નાંખ્યો હતો જાણે; આકાશની વિરામહીન વિસ્તીર્ણ પાંખની અંદર પૃથ્વી કીટની જેમ ભૂંસાઈ ગઈ હતી કાલે! અને ઉત્તુંગ પવન આવ્યો હતો આકાશના વક્ષેથી ઊતરીને મારી બારીની અંદર થઈને સાંય સાંય કરતો, સિંહના હુંકારથી ઉત્ક્ષિપ્ત હરિત્ પ્રાન્તરના અજસ્ર જિબ્રાની જેમ! હૃદય ભરાઈ ગયું વિસ્તીર્ણ ફેલ્ટના હરિયાળા ઘાસની ગન્ધે, દિગન્ત – પ્લાવિત બલીયાન આતપની ગન્ધના ગ્રહણે, મિલનોન્મત્ત વાઘણની ગર્જના જેવા અન્ધકારના ચંચલ વિરાટ સજીવ રોમશ ઉચ્છ્વાસે જીવનની દુર્દાન્ત નીલ મત્તતાએ! મારું હૃદય પૃથ્વીને છેદીને ઊડી ગયું, નીલ હવાના સમુદ્રે સ્ફીત મત્ત બલૂનની જેમ ઊડી ગયું, એક દૂરના નક્ષત્રના કૂવાથંભને તારાએ તારાએ ઉડાવી લઈ ગયું કોઈ દુર્દાન્ત પંખીની જેમ.
– જીવનાનન્દ દાસ (‘વનલતા સેન’માંથી)
સાચી કળાકૃતિનું એક લક્ષણ એ છે કે એની ઉપસ્થિતિમાં આપણે અવાક્ બની જઈએ છીએ. અણજાણપણે આપણે ભાષાથી અતીત, એવા એક રહસ્યલોકમાં પહોંચી જઈએ છીએ. આપણી ભાષા જેને વર્ણવી શકે તે વાસ્તવિક એમ જો માનીએ તો રહસ્યના કોઠામાં ઘણું બધું મૂકી દેવું પડે. ભાષા આપણા બાહ્ય અને આન્તર જગતની કેટલી ‘વાસ્તવિકતા’ને ઓળખાવી શકે છે? રહસ્ય એટલે કશુંક અગડંબગડં એવો અર્થ અહીં અભિપ્રેત નથી. ભાષાની વર્ણનશક્તિની બહાર જે રહી જાય તે આપણી આન્તરિક પ્રતીતિનો વિષય હોવા છતાં એ પ્રતીતિ ભાષાગત સ્વરૂપ ધારણ નહીં કરતી હોવાને કારણે એ અનુભવને ‘રહસ્યમય’ના કોઠામાં મૂકવાનો વારો આવે છે. કાવ્ય ભાષાનો આશ્રય લઈને ભાષાને ઉલ્લંઘી જાય છે. ભાષા પોતાના વર્ચસ્ નીચે આપણને ખેંચી આણવાનો પ્રયત્ન કરે છે. ભાષાને સંરક્ષણાત્મક કવચ રૂપે વાપરવાની વૃત્તિ પણ આપણામાં ક્યાં નથી હોતી? એમ છતાં, વ્યંજના એટલે કે શબ્દના વ્યવહારસમ્મત સંકેતથી એ બે ડગલાં દૂર કૂદી જવાની, ને એ બે ડગલાં કૂદીને શબ્દની આજુબાજુના વિશાળ અવકાશમાં અવગાહન (કે ઊર્ધ્વારોહણ?) કરવાની શક્યતા તરફ આંગળી ચીંધવાની શક્તિ જ કવિનું તો મુખ્ય ઉપાદેય છે. કાવ્યમાત્રમાં કવિ ભાષા વડે ભાષાને ઉલ્લંઘીને શબ્દની ચારે બાજુના એ વિશાળ અવકાશનો સ્પર્શ શી રીતે કરાવે છે એ જાણવામાણવાનું રસિકોને ગમે છે.
કવિ એવો તો અનાસક્ત હોય છે કે એને વિષયનિષ્ઠ બનવાનું પરવડતું નથી. વિષયને એ સ્વીકારે છે, પણ એ નિમિત્ત લેખે. અહીં એક ગેરસમજ થવાનો સમ્ભવ છે. વિષયને ખીંટી તરીકે વાપરીને એના પર પોતાને જે રુચે તે લાદ્યે જનાર કવિ અનાસક્ત નહીં પણ લાલચુ છે. એવા કવિની સાથે આપણને નિસ્બત નથી. આ કાવ્યનું શીર્ષક પવન ફુંકાતા હોય એવી કોઈ રાતના વર્ણનની અપેક્ષા આપણા ચિત્તમાં જગાડે છે. વિષય તો કાંઈ આપણને અજાણ્યો નથી. મચ્છરદાનીની અંદર સૂતા હોઈએ, બાજુની બારી ખુલ્લી હોય, એકાએક પવન ફૂંકાવા લાગે, મચ્છરદાની ઊડુ ઊડુ થાય, શઢની જેમ પવન ભરાતાં ફૂલે… આટલે સુધી તો આપણેય પહોંચી જઈએ. પવનનો સ્પર્શ મચ્છરદાનીને ઉડાવે છે એ એક ઘટના થઈ. એ ઘટના તો નર્યું નિમિત્ત. એ પવનના સ્પર્શે કવિના ચિત્તમાંના એક પ્રચ્છન્ન જગતને ઢાંકતી જવનિકા પણ ઊડીને અળગી થાય છે. એ જવનિકાના અળગા થવા સાથે કોઈ અવકાશયાત્રીની જેમ આપણે પાથિર્વ પરિમાણને ઉલ્લંઘીને ખગોળમાં વિહરવા લાગીએ છીએ. આપણને અત્યન્ત પરિચિત એવા એક અનુભવ દ્વારા આ સમજાવવાનો પ્રયત્ન કરું: આપણે ચોપડી વાંચતા પડ્યા હોઈએ, તન્દ્રાનું ઘેન ચઢે, ખુલ્લી ચોપડી બાજુમાં પડી રહે, એકાએક પવન આવે, ચોપડીનાં બધાં પાનાં પર પવન આંગળી ફેરવવા લાગે, આપણે એના ફરફર અવાજથી જાગી જઈએ ને જોઈએ – અચરજથી જોઈ રહીએ, તેના જેવું કશુંક અહીં બને છે. અહીં પવનથી આપણી સંચિત ચેતનાનાં સ્તર પછી સ્તર ખૂલતા જાય છે. સમય ઇતિહાસની પ્રસ્તરીભૂત અવસ્થાને પામ્યો નહોતો એ પહેલાંની સૃષ્ટિની બાલ્યાવસ્થા સુધી આપણે પહોંચી જઈએ છીએ. એ અવસ્થા સાથેની આપણી જન્મનાળ કાંઈ છેદાઈ ગઈ નથી. આપણા હૃદયના બે ધબકારામાં એક ધબકાર એ અવસ્થાની અસમ્પ્રજ્ઞાત સ્મૃતિથી આવતાં હીબકાંનો, ઝૂરવાનો, ધબકાર છે: આ nostalgialનો કાવ્યમાં કવિ અનુભવ કરાવે છે.
જીવનાનન્દ દૂરતા અથવા ‘આદિતા’ના કવિ છે. આ ઇતિહાસપ્રાક્ આદિતા ધૂસર આવેષ્ટનમાં ઢંકાયેલી છે. એ ધૂસરતાનો સ્પર્શ અને સ્વાદ એમની કવિતામાં છે. પ્રકાશ અને અન્ધકાર સહોદર હતા તે સમયની આબોહવાનો સ્પર્શ એમની કવિતામાં છે. નક્ષત્રોનાં જન્મમૃત્યુ, સંસ્કૃતિનાં ઉત્થાનપતન, શ્લથગતિ, ઇતિહાસની પગલીઓનો લય એમના કાવ્યમાં ધબકે છે. એમનાં ઉપમેય અને ઉપમાનના સમ્બન્ધના વ્યાપમાં જે વિશાળતાનો સમાવેશ થાય છે તે આપણામાં અનોખા રોમાંચને જગાડે છે. આ કાવ્યના પ્રાણ રૂપ રસને શું નામ આપવું તેની માથાકૂટ શાસ્ત્રીઓ છો ને કરે, આપણે તો એટલું જાણીએ છીએ કે આ રસનો સ્વાદ સ્પૃહણીય છે.
બુદ્ધિ એની વિભાવનાનાં ચોકઠાંઓમાં બધું વ્યવસ્થિત ગોઠવવા બેઠી, નકશાઓ અંકાય તે પહેલાંની આ સૃષ્ટિ છે. નર્યું સંવેદન – બુદ્ધિગોચર નહીં પણ ઇન્દ્રિયગોચર સંવેદન – એની સામગ્રી છે. આથી એમાં એક પ્રકારની કૂણી તાજગી છે, આર્દ્ર મૃદુતા છે, અશ્રુબિન્દુના જેવું સુડોળપણું છે, સહેજમાં વ્યાપીને શૂન્યમય થઈ જતા નિ:શ્વાસની વ્યાપ્તિ છે. આ સાથે જ એક વિરાટ અપરિમેયતા, આકાર પામ્યા પહેલાંની ઉપાન્ત્ય સ્થિતિમાં રહેલું અધીરાઈનું તંગપણું પણ એમાં અનુભવાય છે. આદિ વનસ્પતિ, ઘાસ, સાગર, આકાશ, નક્ષત્ર, અન્ધકાર – જીવનાનન્દની કાવ્યસૃષ્ટિનાં આ ભૂતદ્રવ્યો છે; સંસ્કૃતિએ ઉપજાવેલાં મૂલ્યો, ભદ્રતાનું આસ્તરણ, માનવવ્યવહારની નિયત ધાટી – આ બધાંથી અસ્પૃષ્ટ, આ બધાંની ઉપસ્થિતિ પહેલાંની નરી નક્કોરડી જિજીવિષાનું દુર્દાન્તપણું એમાં વરતાય છે. આ જીવનેષણાના કેન્દ્રમાં એક નારી દેખાય છે. એ નારીને કાજે શતાબ્દીઓનાં વન વીંધીને નર ફરતો રહે છે. જૈવિક આકર્ષણનો ઉદ્દામ લય (જેનો પડઘો આપણા લોહીમાં છે) અહીં અનુભવાય છે. અહીં વિદગ્ધતાનું ગડીબંધ સાફસુથરાપણું નથી કે સંસ્કૃતિએ આણેલી સંકુલ જટિલતા નથી. સમયનું માપ કેવળ યુગોમાં છે. એકેક દાયકે વિશ્વયુદ્ધની આંચકીઓ આવતી નહોતી તે જમાનાની આ સૃષ્ટિ છે.એ સૃષ્ટિના કોઈ ભૂલા પડેલા જીવ જેવી કવિની દશા છે. નર્યો કોરો વર્તમાન તો આપણેય અનુભવી શકીએ છીએ ખરા? એલિયટ કહે છે તેમ જેમ pastની pastness છે તેમ pastની presentness પણ છે. ભૂતકાળની એ વર્તમાનતા જીવનાનન્દની કાવ્યસૃષ્ટિમાં છે. વર્તમાનની નરી નિ:સારતાને કારણે કવિને વર્તમાન સાથે આત્મીયતા સ્થાપવાનો ઉત્સાહ નથી. ‘અન્ધકાર’ નામના એક કાવ્યમાં કવિએ અન્ધકારની યોનિ ભેદીને ઊંડે ઊંડે ચાલ્યા જવાની ઇચ્છા પ્રકટ કરી છે. આ આપણા યુગમાં, આ વર્તમાનના પ્રકાશમાં એમને આંખ ખોલવી નથી. આપણા આ પ્રકાશ કરતાં અન્ધકાર પ્રત્યે એમને વધારે રતિ છે. હજાર હજાર કિરણો સહિત દરરોજ સવારે નિર્બોધપણે ખડો થઈ જતો ને બીજાને ખડા કરતો સૂરજ કવિને મન અનેક બચ્ચાં જણ્યે જતી અબોધ ભૂંડણ જેવો લાગે છે. એ સૂર્યશૂકરીની પ્રસવવેદનાના આર્ત ચિત્કારથી કવિ હવે જાગી ઊઠવા ઇચ્છતા નથી. બીજી એક કવિતામાં, એમણે આપણા યુગને ‘વ્યાઘ્રયુગ’ કહીને ઓળખાવ્યો છે, જેમાં ‘બદામી હરણ’નું માંસ પરમ ભોજ્ય છે. આમ વ્યાઘ્રયુગ સાથે ‘બદામી રંગના હરણ’ને આત્મીયતા સ્થાપવાનો શો ઉત્સાહ હોઈ શકે?
જીવનાનન્દની સૃષ્ટિની વિશિષ્ટ આબોહવાનો કૈંક પરિચય કરાવવા પૂરતું આટલું પ્રાસ્તાવિક. હવે આ કાવ્ય તરફ વળીએ. હવા જોરથી ફુંકાતી હતી. પવનમાત્રમાં અવકાશની વિસ્તીર્ણતાનો સ્પર્શ રહ્યો હોય છે. આપણાં સંવેદનોનાં પરિમાણને વ્યસ્ત કરી નાખવાની શક્તિ એનામાં રહી હોય છે. પ્રથમ પંક્તિમાં જ આ પરિમાણની સંક્રાન્તિ અહીં દેખાય છે. પવનભરી રાતની વાત કરતાં કરતાં જ કવિ ‘અસંખ્ય નક્ષત્રોની રાત’ના પરિમાણમાં આપણને સંક્રાન્ત કરે છે. એ પરિમાણનો સ્પર્શ થયા પછીનાં વર્ણનમાં ખગોળની સૃષ્ટિની બૃહત્-તાનો સંચાર થતો અનુભવાય છે. આથી જ તો મચ્છરદાનીનું પવનથી ફૂલવું તે મોસમી સમુદ્રના પેટના ફૂલવા જોડે સરખાવીને એ સમયના સમુદ્રની દુર્દાન્ત ઉન્મત્તતા તથા ઘોર વિનાશકતાના અધ્યાસ પણ કવિ આપણા ચિત્તમાં જગાડે છે. પછીની પંક્તિમાં બિછાનાને છેદીને નક્ષત્રો ભણી ઊડી જવાને અધીર મચ્છરદાની તે કવિની ચિત્તવૃત્તિ એવું સમીકરણ નહીં માંડીએ તોય એવો પ્રચ્છન્ન સંકેત તો આપણે સમજી જઈએ છીએ. પ્રથમ પરિચ્છેદ પૂરો થાય તે પહેલાં તો આપણે સ્વાતિ નક્ષત્રની અડોઅડ નીલ હવાના સમુદ્રમાં એને તરતી જોઈએ છીએ. આથી પરિચ્છેદને અન્તે કહે છે:
એવી અદ્ભુત હતી કાલની રાત.
આ પંક્તિ પછીથી ધ્રુવપદની જેમ પુનરાવર્તન પામે છે.
એક રીતે જોઈએ તો ‘અદ્ભુત’નો આસ્વાદ કરાવવો એ જ આ કાવ્યનો ‘વિષય’ નથી? અદ્ભુત રસની માત્રા સર્વ રસોમાં અનિવાર્યતયા રહી હોય છે. એ સર્વ રસોનો સહચારી છે. વિસ્મય એટલે જ ચેતનાનો વિસ્તાર. આ વિસ્તાર અનુભવવાથી જ રોમાંચ થાય છે. દરેક કવિ રસની વિશિષ્ટ મૂર્તિ પ્રકટ કરે છે. અલંકારશાસ્ત્રનો વ્યાખ્યાબદ્ધ રસ તે કવિનો રસ નથી. એ તો એને પોતાને હાથે નવે રૂપે સાકાર કર્યા પછી જ ઓળખે છે. આ સિવાય બીજી કોઈ રીતે રસનો સાક્ષાત્કાર કવિ શી રીતે કરે? સહૃદય પણ શી રીતે?
તો અહીં ‘અદ્ભુત’નો સાક્ષાત્કાર કવિ કરે છે ને કરાવે છે. આપણા આસ્વાદનો વિષય પણ એ જ છે – પવનભરી રાત નહીં. આ અદ્ભુતની મુખ્ય સામગ્રી શી છે? ભૂતકાળની વર્તમાનતા. બીજા પરિચ્છેદમાં સૃષ્ટિના એ આદિકાળની આબોહવામાં આપણે પ્રવેશ કરીએ છીએ. સર્જનના એ આદિ મુહૂર્તે કેટલાં નક્ષત્રો હોલવાઈ ગયાં? વર્તમાનમાં તો છે કેવળ એમનો અભાવ. એ અભાવ જ્યાં નહોતો એવા યુગમાં કવિ દૃષ્ટિ માંડે છે, ને જુએ છે તો ક્યાંય અભાવ-અવકાશ નથી, તલમાત્ર જગ્યા ખાલી નથી. આ નીરન્ધ્ર પ્રચુરતા કેવળ નક્ષત્રલોક પૂરતી જ નથી. પૃથ્વીનાં સમસ્ત પ્રિય મૃતજનોનાં ધૂસર મુખ એ નક્ષત્રો સહિત દૃષ્ટિગોચર બને છે. આ ધૂસરતા જ ભૂતકાળની વર્તમાનતાનો રંગ. કેવો હતો એ નક્ષત્રોનો જ્યોતિ? અહીં કવિ જે ઉપમા યોજે છે તે આ સૃષ્ટિની વિશિષ્ટ આબોહવાની નીપજ છે. કાલિદાસથી આપણે કેટલા દૂર નીકળી ગયા છીએ તેનું માપ પણ અહીં મળી રહે છે. એ નક્ષત્રોનું ટમટમવું, એમાં રહેલાં વેદના, લાચારી, વન્ધ્યતા, વિફળતા – આવી અનેક અર્થચ્છાયાઓ સૂચવવાનો, એ બધીને ભેગી એક કલ્પનથી મૂર્ત કરવાનો કવિ સમર્થ પ્રયત્ન કરે છે. જૈવિક એષણાના સ્તર પર રહીને એઓ ઉપમા પ્રયોજે છે. અંધારી રાતે પીપળાની ટોચ પરનું એકાકી નરપંખી, એની જૈવિક એષણાની વિફળતા એની આંખમાં જે આર્દ્રતાનો સંચાર કરે, એ આર્દ્રતાભરી એની આંખો અંધારી રાતના એકાન્તમાં વિનિદ્ર બનીને જે રીતે ટમટમ્યા કરે તે રીતે નક્ષત્રો ટમટમે છે એમ કહીને, સાદૃશ્યનું આવી વિશિષ્ટ રીતે સંવિધાન કરીને, વ્યક્તિની નહીં પણ સૃષ્ટિની, ગૂઢ વિષાદની અવસ્થાને મૂર્ત કરી છે. માનવસંસ્કૃતિના ઉદય પહેલાંની વનસ્પતિની, પશુપંખીની સૃષ્ટિની આ વાત થઈ. પછીની ઉપમામાં માનવસંસ્કૃતિના ઉદય સુધી કવિ આવી પહોંચે છે. આ નક્ષત્રો જે આકાશમાં ટમટમતા હતાં તે આકાશ કેવી રીતે પ્રકાશતું હતું – મૃત નક્ષત્રો અને ધૂસરપ્રિય મૃતજનોનાં મુખથી ભરેલું આકાશ કેવી રીતે પ્રકાશતું હતું? સંસ્કૃતિના આદિકાળના ઇતિહાસનાં પાનાં પરથી એક છબિ ઊંચકાઈને આપણી આંખ સામે ખડી થાય છે: હરણનો વાઘે શિકાર કર્યો, વાઘનો માણસે શિકાર કર્યો. વાઘે તો આહાર મેળવવા શિકાર કર્યો, પણ માણસે તો કેવળ અલંકારણાર્થે, ક્રીડાર્થે, શિકાર કર્યો. જીવન મટીને અલંકારનું ચાકચિક્ય પામેલા ચિત્તાના ચામડા જેવું આકાશ ચમકતું હતું એમ કહીને આ બધા જ સંકેતો કવિએ સમર્થ રીતે સૂચવી દીધા. સૂક્ષ્મને ઇન્દ્રિયગોચર બનાવવાની કવિની અસાધારણ શક્તિનો અહીં આપણને પરિચય થાય છે. આ ઉપમાઓ કાવ્યની વિશિષ્ટ આબોહવાની નીપજ છે અને એ આબોહવાને એ ઉપકારક નીવડે છે. બીજા પરિચ્છેદને અન્તે ફરી કવિ ઉચ્ચારે છે:
એવી અદ્ભુત રાત હતી કાલની.
અહીં કવિએ જે રીતે ઉપમેય-ઉપમાન વચ્ચેનું સંવિધાન કર્યું છે તેમાં આપણને અદ્ભુતનો સાક્ષાત્કાર થાય છે, ને તેથી કવિની સાથે આપણે પણ એ અન્તિમ પંક્તિને ઉચ્ચારી બેસીએ છીએ.
અહીં સુધી તો આ બે સૃષ્ટિઓ પૃથક્ હતી, કવિ કેવળ બારીમાંથી બીજી સૃષ્ટિને જોતા હતા. ત્રીજા પરિચ્છેદમાં ભૂતકાળની એ સૃષ્ટિનું વર્તમાનની ભૂમિકા પર અવતરણ થાય છે. વર્તમાનનાં પરિમાણો વિસ્તરે છે, બારીમાં થઈને મૃત નક્ષત્રો અને એમનાં મૃત આકાશ ‘(અસંખ્ય આકાશ’) કવિના વર્તમાનમાં પ્રવેશે છે. પ્રિય મૃતજનો – જુગે જુગે જેને મરતાં જોયાં છે તે – કોઈ રૂપસુન્દરીને એસિરિયામાં તો કોઈને મિસરમાં તો કોઈને વિદિશામાં મરતાં જોઈ હતી તે કવિ આગળ પ્રકટ થાય છે. કવિ વર્તમાનમાં છતાં વર્તમાનથી વિચ્છિન્ન છે, પણ ભૂતકાળ સાથેની એમની અવિચ્છિન્નતાનો અહીં નવેસરથી એમને અનુભવ થાય છે. એ રૂપસુન્દરી, એમને માટેનો પ્ર્રેમ, જૈવિક આકર્ષણ, જીવનનું સાતત્ય – અહીં મૃત્યુ ક્યાં છે? માટે જ તો આકાશના છેડા સુધી ધુમ્મસ ભેગી ધુમ્મસ જેવી છતાં ‘વાસ્તવિક’ આ જુગજુગની જુદી જુદી સંસ્કૃતિઓની નગરીઓની સુન્દરીઓ કવિની દૃષ્ટિ સામે ભાલા લઈને હારબંધ ખડી થઈ જાય છે. એ સુન્દરીઓ આયુધથી સજ્જ શા માટે છે? કવિ પોતે જ અનુમાન કરે છે:
મૃત્યુને દલિત કરવાને? મૃત્યુને પગતળે કચડી નાખવું એટલું જ બસ નથી માટે જીવનનો ગભીર જય પ્રકટ કરવાને?
અને જીવનનો જય એટલે પ્રેમનો જ જય ને? પ્રેમ વિના જીવનનું સાતત્ય શી રીતે સંભવે? માટે
પ્રેમનો ભયાવહ ગમ્ભીર સ્તમ્ભ ઊભો કરવા ને?
સ્મારકમાત્રમાં એક પ્રકારની ભયાવહતા રહી હોય છે. નરી વિનષ્ટિમાં એક પ્રકારનું સુખ છે. એ આપણા નસીબમાં નથી. આથી સ્મારકના આ સ્તમ્ભને જોઈને કવિ સ્તમ્ભિત-અભિભૂત થઈ જાય છે. બે કાળનું આ સંઘટ્ટન, આકાશની નિરાકાર નીલિમાનો આ અવતરણ રૂપી અત્યાચાર જીરવવાનું આપણું શું ગજું? પશુના જેવું રૈખિક જીવન આપણું નથી. એ તો ચક્રાકારે બધી દિશામાં ઘૂમે છે. કવિ પોતાના જેવા ઉત્કટ સંવેદનશીલની જ દશા નથી વર્ણવતા, પળે પળે આકાશના આ અવિરામ અવતરણથી પૃથ્વી પણ જાણે નિ:શેષ નિશ્ચિહ્ન થઈને ભૂસાઈ ગઈ હતી. અહીં કવિ એક વધુ સચોટ ઉપમા યોજે છે: આકાશને વિશાળ પક્ષી રૂપે કલ્પે છે, એ પક્ષી પાંખો પસારીને પાંખની અંદર રહેલા નાના શા કીટની કેવી સ્થિતિ હોય? એનું શું અસ્તિત્વ? પક્ષીનું ભક્ષ્ય બનીને સમૂળું નષ્ટ થઈ જનાર જન્તુ તો સુખી, પણ આવા કીટનું શું? કાવ્યની અંદરની સૃષ્ટિનાં પરિમાણને ઉચિત એવી આ ઉપમા, આ વિશિષ્ટ સન્દર્ભમાં, ઉપકારક નીવડીને આસ્વાદ્ય બની રહે છે.
હજી કવિને આ સ્થિતિનું વર્ણન કર્યાનો સન્તોષ થયો નથી. નક્ષત્ર, આકાશ, સુન્દરીઓ – આ બધું ઊતરી આવ્યાનો અનુભવ તો પવનના ફુંકાવાને કારણે જ થયો. એ પવન કેવી રીતે આવી ચઢ્યો? એના વર્ણનમાં પેલી આદિ-તાની આબોહવા છે; અરણ્ય, વનસ્પતિનું પ્રાચુર્ય, હિંસક પશુ, એ પશુઓના ભક્ષ્યરૂપ પ્રાણીઓ – આમાં પર્યાપ્ત થઈને રહેલી એ ભક્ષકભક્ષ્યની બનેલી સૃષ્ટિની આબોહવાનો અહીં સ્પર્શ થાય છે. બારીમાંથી પવન આવે છે. એ કોઈ મૃદુ લહરી નથી, એ તો તોફાની પવન છે. ત્રાડ નાંખીને ફાળ ભરી જિબ્રાનાં આખાં ટોળાંને ભગાડતા સિંહની જેમ એ પવન બારીમાંથી સાંય સાંય કરતો પ્રવેશે છે. આ ચિત્રકલ્પમાં રહેલો વન્ય બર્બરતાનો સંકેત, આદિમ બુભુક્ષાનું સૂચન, આગવું બળ ધરાવે છે.
હવે રાતની અદ્ભુતતા વિશે ઉદ્ગાર કાઢવાની સ્થિતિ નથી રહી. માટે એવું યાન્ત્રિક પુનરાવર્તન કવિએ કર્યું નથી. આ ભયાવહતાથી કેવળ છિન્નવિચ્છિન્ન થવાનો અનુભવ થાય છે એવું નથી; છિન્નવિચ્છિન્ન થવાના અનુભવ સાથે જ, ન જીરવી શકાય એવી સભરતા (ને એવી સભરતા જ આપણને છિન્નભિન્ન નથી કરી નાંખતી?) પણ કવિ અનુભવે છે. આ સભરતા, આ પ્રાચુર્ય પણ કવિ આદિકાળની નિરંકુશ તૃણસૃષ્ટિના પ્રાચુર્યની પરિભાષામાં જ વર્ણવે છે. ઇન્દ્રિયોની તૃપ્તિની સઘનતા જ આ સભરતા આણી દે છે. હરિયાળા ઘાસની ગન્ધથી પ્રાણીને જે તૃપ્તિ થાય તે તૃપ્તિનો અહીં સંકેત છે. એ ઘાસની ગન્ધને સૂંઘીને ઉન્મત્ત થતો કોઈ વૃષભ – એના જેવો ‘બલીયાન’ સૂરજનો તડકો કવિને લાગે છે. વૃષભ કે આખલાનો સીધો ઉલ્લેખ કરે એવા કવિ અપટુ નથી, પણ ‘બલીયાન’ ગન્ધગ્રહણ’થી એનું સૂચન ખૂબીથી કરી દીધું છે. પશુઓની સમ્ભોગક્રીડામાં પણ સૂંઘવાની ક્રિયા મહત્ત્વની હોય છે, તેનું પણ અહીં સૂચન છે જ. આ સૂચન પછીની પંક્તિમાં પુષ્ટ થાય છે. કવિ અન્ધકારના ઉચ્છ્વાસ – જૈવિક આવેગથી અભિભૂત થઈ ગયા છે. આ અન્ધકાર તે જ આપણામાં રહેલી અન્ધ દુર્દાન્ત જૈવિક વાસના એમ આપણે અર્થ ઘટાવવો હોય તો ભલે. કવિએ તો અન્ધકારના ઉચ્છ્વાસને અવિસ્મરણીય રીતે મૂર્ત કરી દીધો છે. કેવો છે એ અન્ધકારનો ઉચ્છ્વાસ? સમ્ભોગાતુર વાઘણની ગર્જનાના જેવો સજીવ રોમશ અને વિરાટ. ‘રોમશ’ શબ્દમાં જ ‘પશુતા’(પાશવતા નહીં)નું સૂચન છે. જીવનની આ દુર્દાન્ત નીલમત્તતા તે પેલી આદિકાળની સર્વપ્રસારી જીવનેષણા, કવિની નાડી ફરી એ આદિકાળની દુર્દાન્ત મત્તતાના લયે ધબકી ઊઠે છે.
કાવ્યના આરમ્ભમાં મચ્છરદાની બિછાનાને છેદીને સ્વાતિ નક્ષત્રને ઘસાઈને નીલ હવાના સમુદ્રમાં ધોળા બગલાની જેમ તરવા ચાહતી હતી એમ કવિએ કહ્યું હતું. ત્યારે આ ઉડ્ડયનની એષણા કવિની ચિત્તવૃત્તિની જ છે એવો પ્રચ્છન્ન સંકેત એમાં રહ્યો છે એમ આપણે કહ્યું હતું. અહીં કવિ પોતે એ પ્રચ્છન્નતાને અળગી કરીને કહે છે કે એમનું હૃદય જ પૃથ્વીનાં બન્ધનોને છેદીને નીલ હવાના સમુદ્રમાં ફૂલીને બલૂનની જેમ ઊડી ગયું. સઢ જેને આધારે રહે છે તે કૂવાથંભને જ લઈને અને એ કૂવાથંભ પણ નક્ષત્રનો – કોઈ દુર્દાન્ત પંખી અવકાશમાં ઊડી નીકળ્યું છે. હવાથી સઢ ફૂલે ને વહાણને વેગ મળે એટલાથી કવિને સન્તોષ નથી. દુર્દાન્તપણું બતાવવાને માટે કૂવાથંભને આખાને ઉપાડીને પંખી ઊડી નીકળ્યું છે એમ એમણે કહ્યું. આ ‘કોઈ દુર્દાન્ત પંખી’ તે પણ કવિનું હૃદય જ: એ વિશે હવે આપણને શંકા નથી. ‘નક્ષત્રનો કૂવાથંભ’ એવી વ્યંજના એના અનેક શક્યોનું અનુકરણ આપણા ચિત્તમાં વિસ્તરવા દઈએ: નક્ષત્રોનાં સ્થાનને આધારે વહાણ હાંકનારાઓ દિશાનિર્ણય કરે, એ નક્ષત્ર પોતે જ ઊખડેલા કૂવાથંભની જેમ દુર્દાન્ત પંખીની સાથે અવકાશમાં ઊડી નીકળ્યું છે! કશીક પ્રચંડ ચંચલતાએ ધ્રુવ-અધ્રુવના ભેદને ભૂંસી નાંખ્યા છે. કશીક સભરતાથી દ્વન્દ્વાત્મક સમ્બન્ધની ભેદરેખાઓ લુપ્ત થઈ ગઈ છે. આવી પ્રચણ્ડ સભરતાનો અહીં સ્વાદ આવે છે.
આ તો આપણે પંક્તિએ પંક્તિએ, પરિચ્છેદે પરિચ્છેદે, અટકી અટકીને કાવ્ય વાંચ્યું. કાવ્યની રચનામાં આવાં વિરામસ્થાનો નથી – આખું કાવ્ય, એનાં સર્વ ચિત્રકલ્પો સહિત, એક સ્વપ્નની અખણ્ડતાથી આપણા ચિત્તપટ પર અંકાઈ જાય છે. કાવ્યની આબોહવા તે સ્વપ્નની આબોહવા છે. સ્વપ્નમાંની સૃષ્ટિનું સંચાલન બુદ્ધિ નથી કરતી. બુદ્ધિનાં નિયન્ત્રણ નીચે આવ્યા પહેલાંની આ સૃષ્ટિ છે. આથી એમાં આવતાં ચિત્રોમાં એક પ્રકારની સ્વૈરયોજના દેખાય છે. ક્રમની ગોઠવણીને સમયની રૈખિક વ્યવસ્થાની અપેક્ષા રહે છે. અહીં સમયની એ રૈખિક વ્યવસ્થા નથી. સમયનો એક ખણ્ડ બીજા ખણ્ડની સાથે ભળી જઈને એક પ્રકારની કર્બૂર ભાત ઉપસાવી આપે છે. આ આબોહવા, સમયની આ અખણ્ડતા, ચિત્રકલ્પોની આ સજીવ દૃશ્યાત્મકતા – આ સૌમાં એક પ્રકારનું આદિમ બળ – elemental force રહેલું છે. સંસ્કૃતિના વિકાસ સાથે ક્રમશ: જે આદિ યુગથી આપણે દૂર ને દૂર થતા જઈએ છીએ તે આદિ યુગને માટેની આપણામાં રહેલી ઝંખનાને આ કાવ્ય ઉદ્દીપ્ત કરે છે, ને એ આદિ-તાને માટે આપણે ઝૂરીએ છીએ. આ ઝૂરવાનો એક અનોખો સ્વાદ છે. આ કાવ્યમાં એ સ્વાદ માણવાનો મળે છે. છન્દની કૃત્રિમ વ્યવસ્થા તો સંસ્કૃતિની નીપજ છે. આ કાવ્યની સૃષ્ટિ તો એ પહેલાંના સમયની છે. આનો લય તે આદિ વનસ્પતિનો આરણ્યક લય છે.
ક્ષિતિજ: ડિસેમ્બર, 1961