કાવ્યમંગલા/ભંગડી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ભંગડી

બામણા ગામની ભંગડી રે,
એક ભંગડી રે, એની આંખમાં આંજેલ મેશ,
લીલા કાચની બંગડી રે,
ચાર બંગડી રે, એનો ચુંદડિવાળો વેશ.

ઘમ્મર ઘેરો ઘાઘરો રે,
એક ઘાઘરો રે, એના પગમાં કાંબી ઠેશ,
ડોકમાં રૂપા હાંસડી રે,
એક હાંસડી રે; એના તાણી ગૂંથેલ કેશ.

નાકમાં પીતળ નથણી રે,
એક નથણી રે, એના કાનમાં લોળિયાં લ્હેર, ૧૦
મુખમાં ચૂંગી શોભતી રે,
એક શોભતી રે, એના ધૂમની ચાલે સેર.

ખેમલો એનો દીકરો રે,
એક દીકરો રે, એની ઉઘલાવી છે જાન,
ભંગડી પહેરે ઝૂમણાં રે,
સૌ ઝૂમણાં રે, આજ હરખે ભૂલે ભાન.

આઠ દહાડા પર ગામમાં રે,
આ ગામમાં રે, એક નીકળી બીજી જાન,
ગામનું આખું માનવી રે,
સૌ માનવી રે, જૈ ભેગું થયું સમશાન.

ગામના શેઠની સુન્દરી રે,
રૂપસુન્દરી રે, ત્યાં પોઢી અગન સાથ,
હીરાની નવરંગ ચુંદડી રે,
રંગ ચુંદડી રે, ત્યાં ભંગીને આવી હાથ.

શેઠાણી પહેરે ચુંદડી રે,
રંગ ચુંદડી રે, જ્યારે નીકળે એના પ્રાણ,
ભંગડી પહેરે ચુંદડી રે,
રંગ ચુંદડી રે, જ્યારે નીકળે છૈયાની જાન.

(૫ જૂન, ૧૯૩૨)