કાવ્યમંગલા/નથી સ્વપ્ને જાવું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નથી સ્વપ્ને જાવું
(શિખરિણી)

ચલો સ્વપ્ને, વ્હાલી ! જટિલ જગ આ જાગૃત તજી,
જહીં મારાં ચાહ્યાં જન અલગ આઘાં, નવ ચહ્યાં,
પડ્યાં પાસે, મારાં ઉર દરદ જાયે નવ કહ્યાં,
વિધાતા ! શેં આવી કુટિલ જગજંજાળ સરજી?

ચલો સ્વપ્ને, ત્યાં હું પ્રણય છલકાતો તવ પદે
ધરી ઉર્મિચ્છંદે બહવું સુરગંગા હું નવલી,
ન આવે પૃથ્વીનાં કુટિલ દૃગ ત્યાં ઢુંઢી પગલી,
ચલો, સ્વપ્નવ્યોમે વિહરશું મહા પ્રેમળ મદે.

જશું સ્વપ્ને ત્યારે ? નહિ, ક્ષણ જ ત્યાં માત્ર ઠરવું,
અરે, મારે તો આ સભર ભરવું જીવન રસે, ૧૦
નહિ સ્વપ્ને સિદ્ધિ, મધુરતમ ત્યાં વૃષ્ટિ વરસે
ભલે, અંતે તો હ્યાં વિવશ થઈને છે ઉતરવું.

નથી સ્વપ્ને જાવું; મુજ વણચહ્યાંને ચહીશ હું;
તમો ચાહેલાંને મુજ કરીશ, ઝંપીશ તવ હું.

(૨૦ માર્ચ, ૧૯૩૩)