કાવ્યાસ્વાદ/૧૮
હાન્સ એન્ઝેન્સબર્ગર નામના એક જર્મન કવિએ મધ્યમ વર્ગનાં દુઃખોનું એક ગીત લખ્યું છે. વાત તો દુઃખની કરવી છે. પીડિતોનાં ને શોષિતોનાં ને દલિતોનાં દુઃખનાં ગીતોમાં જેવી યાદી આપવામાં આવતી એવી જ યાદી કવિ તૈયાર કરવા જાય છે, પણ ‘દુઃખ’ શબ્દના વિસર્ગ જેટલું ય વજન ધરાવનારું દુઃખ હાથ લાગતું નથી. આથી પ્રથમ પંક્તિમાં જ કવિને કહેવું પડે છે : ના ભાઈ, અમારે ફરિયાદ જેવું કશું છે જ નહીં. અમે બેકાર છીએ એવું તો કહી શકાય નહીં, કારણ કે નોકરી ચાકરી તો છે. ના, અમે ભૂખેય મરતા નથી. અમે ખાઈએ છીએ એની તો ના કેમ કહેવાશે? વિકાસ? હા, દર ચોમાસામાં ઘાસ ઊગતું, એક માથોડા જેટલું ઊંચું વધતું જોઈએ છીએ. જે ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ થઈ ચૂક્યું છે, તેના ઉત્પાદનમાં પણ વિકાસ થઈ રહ્યો છે. સરકાર એવું ચતુર્મુખે કહે છે તે કંઈ ખોટું તો થોડું જ હોય! અને હા, અમારી આંગળીઓના નખ હજી વધે છે. છેલ્લે, અમારો ભૂતકાળ હર ક્ષણે વૃદ્ધિ પામતો રહે છે. બીજી બધી વાતનુંય સુખ છે. શેરીમાં હવે લશ્કરના ડાબલા ગાજતા નથી. અરે, શેરીઓ સાવ સૂની છે. ગોળીબાર કરવો હોય તો કોના પર કરે? સરકારે કેટલાંયે પરદેશી રાજ્યો જોડે કોલકરાર, સહી સિક્કા કરી લીધા છે. એ બધુંય હવે પસાર થઈ જશે. કશું થંભી જતું નથી. અમારી મધ્યમ વર્ગની તો એક જ ફિલસૂફી (અથવા કહો કે એક માત્ર આશ્વાસન કે કશું એવું ને એવું રહેવાનું નથી, બધું જ પસાર થઈ જવાનું છે.) જે લોકો મરી ગયા છે, એટલે કે વસિયતનામું કરી ગયા છે તેઓને હવે ઝઘડાનો કંઈ પણ ભય નથી. પૂર ઓસરી ગયાં છે, મૂશળધાર વર્ષાને બદલે માત્ર ઝરમર છે. કોઈ નવા યુદ્ધની હજી સુધી તો જાહેરાત થઈ નથી, એની યે એવી કશી ઉતાવળ નથી. યુદ્ધ જાહેર કરવું જ હશે તો થશે, જોઈએ તેટલો સમય છે. અમે ઘાસ ખાઈએ છીએ. અનાજ તો બહુ ખાધું. સંસ્કૃતિના વિકાસની સાથે ખાવાની કળામાં પણ વિકાસ થવો જોઈએ. અમે રાષ્ટ્રીય ઉત્પાદનના સિક્કાવાળી ચીજવસ્તુઓ જ આરોગીએ છીએ. અરે, કંઈ નહીં તો અમે અમારી આંગળીના નખ ખાઈએ છીએ. અમે અમારા ભૂતકાળને નિરાંતે વાગોળતા બેઠા છીએ. અમારે કશું ઢાંકવા સંતાડવાનું નથી. ના, અમે સંપત્તિવેરો સંતાડતા નથી, અમે આબરૂનેય ઢાંકતા નથી. અમારે કશું ખોવાનું નથી. અમારે કશું કહેવાનું પણ નથી. ચાર મુદ્દાના કે ચાળીસ મુદ્દાનાં નિવેદનો કે આવેદનપત્રો કે ખરીતાઓ અમારે પ્રગટ કરવાના નથી. અમારી પાસે કેવળ અમે છીએ. એનો અર્થ શો તે અમને પૂછશો નહીં. ઘડિયાળને ચાવી આપી દીધી છે. બિલ બધાં ભરી દીધાં છે. કપડાં ધોવાઈ ગયાં છે. બીજું સાફસૂફીનું કામ પણ પતાવી દીધું છે. હવે દિવસની છેલ્લી બસ પણ પસાર થઈ ગઈ છે. હવે કશું કરવાનું નથી રહેતું, કશું નહીં કર્યાનો ઉચાટ પણ નથી રહેતો. અમે જોયું તો બસ ખાલી હતી. સૂની શેરી અને ખાલી બસની ફરિયાદ કરીને નાહકનું દુઃખ શા માટે ઊભું કરવું? આમ કશું જ કરવાનું કે કહેવાનું રહેતું નથી, તો પણ અમે શેની રાહ જોઈને હજી બેસી રહ્યા છીએ? મધ્યમ વર્ગને દુઃખી ન હોવાનું પણ દુઃખ નથી, એક જવાબદાર નાગરિક તરીકે સરકારને હંમેશાં કંઈક ને કંઈક બાબતની ફરિયાદ કર્યા કરવી જોઈએ તે જાણવા છતાં જો પ્રામાણિકપણે તપાસ કરતાં કશું દુઃખ જ ન જડે તો શું એમ કહીને ફરિયાદ કરવી કે હે સરકાર માબાપ, આ કલ્યાણરાજમાં અમારાં દુઃખ કોઈ લૂંટી ગયું છે. એ દુઃખ પરનો અમારો અધિકાર કબૂલ રાખીને એ અમને પાછાં મળે એવી વ્યવસ્થા કરો? બીજાં બધાંને સુખ છે ને દુઃખ છે, દુઃખ નથી એટલે સુખ છે એવા તર્કનો એ ભોગ બન્યા નથી. સુખદુઃખના દ્વન્દ્વમાંથી અમે છૂટ્યા છીએ એનું અમને ભાન નથી. કોઈક સંત પુરુષે તો કહેલું કે સૌથી ભયંકર કજોડું છે સુખ અને દુઃખનું. એને છૂટાં પાડી શકાતાં નથી. દરેક સુખમાં એક સરોવર છે, એ સરોવર છે કડવાં દુઃખનું, દરેક દુઃખમાં એક ખૂણે એક ઉદ્યાન છે. એક ઉદ્યાન સુખનું ઉદ્યાન છે. આ બધું અમે સાંભળ્યું છે. પણ એ સરોવર કે એ ઉદ્યાનની અમને ભાળ લાગી નથી. કહે છે કે, દુર્ભાગ્ય તાડની જેમ ઊંચું વધે છે ને છૂટેલા તીરના કરતાં પણ વધુ પ્રાણઘાતક હોય છે. અમે તો હજી જીવીએ છીએ એટલે અમે દુર્ભાગી નથી એવું જ ભગવાન સુધ્ધાં કહેશે ને! કોઈ વળી એમ કહે છે કે, બારણું ખોલવાની ચાવી આપણને આપી છે, એ જ બધી આફતનું મૂળ છે. બારણાના બે ભાગ હોય. એકનું નામ સદ્ભાગ્ય અને બીજાનું નામ દુર્ભાગ્ય, બારણું ખોલો એટલે એક સાથે બંનેમાં પ્રવેશો-સદ્ભાગ્યમાં અને દુર્ભાગ્યમાં. સાચી વિદ્યા છે ચાવી ખોઈ દેવાની. પણ ચાવી સોનાની હોય છે. સત્યનું મુખ હિરણ્યમય પાત્રથી ઢાંક્યું હોય છે. આથી અમે કેવળ ચાવીને સાચવતા બેઠાં છીએ.