કાવ્યાસ્વાદ/૨૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૬

મોન્તાલે મારા એક પ્રિય કવિ. મારા અન્તરંગની કેટલી બધી લાગણીઓ સાથે એમની કવિતા ગુંથાઈ ગયેલી છે. એમનાં કાવ્યોનું સંકલન તૈયાર થતું હતું ત્યારે એના સમ્પાદકો એમની સાથે સતત સમ્પર્કમાં રહેતા હતા. એમને એમણે કહ્યું હતું, ‘જરા ઝડપ કરજો, હું (નાવડી) હંકારી મૂકું તે પહેલાં મારે આ પુસ્તક જોવું છે.’ એ પુસ્તક પ્રકટ થયા પછી દશ મહિના બાદ મોન્તાલે મિલાનના એષ્ ુશ્રૂદ્ધાઘરમાં અવસાન પામ્યા. ભવ્ય સ્મશાનયાત્રાનો એમને અણગમો હતો. તેમ છતાં એમાં હજારો માનવીઓએ ભાગ લીધો. એ બધાં મોન્તાલે પ્રત્યેની દીર્ઘકાળની આસ્થા બતાવી રહ્યા હતા. એ બધાંનાદ્વ જીવનમાં મોન્તાલેની કવિતાએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. એઓ એક એવા કવિ હતા જેમની પ્રતીતિઓ સદા જીવન્ત રહી હતી, જેમની કલમમાં અધિકૃતતા હતી. ફાસીવાદના ગાળા દરમિયાન એમણે એમની સર્જક તરીકેની સ્વતન્ત્રતા જાળવી રાખી હતી. કવિની કવિતામાં અધિકૃતતા આવે છે તે સર્જકતા પરત્વેની પાયાની નિષ્ઠામાંથી. એમની એકેએક પંક્તિ સ્વયં સત્યના સ્વાક્ષર જેવી હતી. જગતના બહુ થોડા જ કવિઓને વિશે આપણે આવું કહી શકીશું. કોઈ એમની કવિતા ઉપરટપકે વાંચે તો એમાં થોડા વિરોધાભાસો દેખાય એવો સમ્ભવ છે. એમાં નિરાશા અને આશા સાથે સાથે વસે છે; વ્યંગ અને શ્રદ્ધા સાથે વસે છે. વિરોધોને આવરી લેતી સમગ્રતાનું પરિમાણ એમની કવિતાને લાધ્યું છે. એમનું જીવન એઓ સહજ રીતે ઋજુતાથી જીવ્યા છે તેની પ્રતીતિ એમની કવિતામાંથી થાય છે. એમનું અસ્તિત્વ એક નિર્ભ્રાન્ત અસ્તિત્વ છે. એમને મન કવિતા એ કશી રાજકીય પ્રતિબદ્ધતા નથી, એ એક ઊંચા પ્રકારની નૈતિક પ્રતિબદ્ધતા છે. સમાજમાં જુદે જુદે તબક્કે જુદાં જુદાં નૈતિક ધોરણો પ્રવર્તે છે. આ કવિની નૈતિકતા આવી સાપેક્ષ નીતિને ઉલ્લંઘી જતી હોય છે. એમાં ઊંડી માનવતા રહી હોય છે. મોન્તાલેએ કહ્યું છે, ‘કળાકારે અદના આદમીની જેમ જ રહેવું જોઈએ, એની પાસે વધારામાં ગીત રચવાની શક્તિ હોય છે એટલું જ. એ સૌન્દર્યનો આવિષ્કાર કરી શકે છે, એનું નિર્માણ કરી શકે છે. મેં નર્યા માનવીય બનવાનું ઇચ્છ્યું છે, કારણ કે હું વધારે સારા જગતના નિર્માણમાં સાથ આપવાને ઉત્સુક છું. મેં હંમેશાં એ દિશામાં જ કામ કર્યું છે. હું દૃઢપણે માનું છું કે જેઓ માનવી નામને સાર્થક કરવા માગતા હોય છે તેઓ આ માટે પ્રવૃત્ત થાય તે તેમનો મુખ્ય ધર્મ છે. એમની કવિતાનું એક મુખ્ય કાર્ય માનવી પ્રત્યેની બનૂબ્ુતા પ્રકટ કરવાનું છે. આથી જ એઓ કહે છે, ‘હું માનું છું કે મારી કવિતામાં ઊંડે ઊંડે એક પાયાની શ્રદ્ધા છે.’ નોબેલ પારિતોષિક સ્વીકારતી વેળાએ એમણે કહ્યું હતું, ‘હું કોઈ સંદેશો આપતો નથી, મારી કવિતા તો આશામાં સહભાગી થવાનું નિમન્ત્રણ છે.’ ‘તું’ નામના કાવ્યમાં એમણે કહ્યું છે, ‘હું સહન કરું છું અને બીજામાં વસીને જીવું છું ને બીજા સાથેની અભિન્નતા અનુભવું છું.’ મોન્તાલે મન્દિર વગરના ભક્ત છે. આથી પોતાના કવિ તરીકેના પુરુષાર્થ વિશે કહે છે, ‘આટલો બધો પુરુષાર્થ, આટલો બધો વિષાદ, કદાચ એળે ગયો નથી.’ આથી જ એઓ કહે છે કે પૃથ્વી પર ચમત્કાર શક્ય છે, પણ એ બહુ ઓછાની નજરે ચઢે છે. કવિ તરીકેની એમની મહત્ત્વાકાંક્ષા બહુ મોટી નહોતી. આથી એમણે કહ્યું હતું, ‘હું ત્રણચાર કવિતાને લીધે ટકી રહું તો બસ, ને તેય વાચકોને ખબર ન પડે કે એ કવિતા કોણે લખી છે.’ આજના ‘સકલ કવિતા’ના જમાનામાં આ કવિની નમ્રતા સંભારવા જેવી છે. એમણે ઘણીબધી કવિતા એમના છેલ્લા સંકલિત સંગ્રહમાં પ્રસિદ્ધ થવા દીધી નહોતી. મોન્તાલેની ઘણી બધી પંક્તિઓ યાદ આવે છે. એમનું વતન જીનોઆ, ‘પોલાદ અને ઙ્ખઢોનો દેશ / સાંજ વેળાએ પથરાતી ધૂળનું વન / દૂરથી ગણગણવાનો અવાજ આવ્યા કરે છે / એ કાચને છેદતા ખીલાની જેમ છેદે છે…’ રામાલોના સમુદ્રકાંઠાના વિહારધામનું પણ સુરેખ ચિત્ર મોન્તાલે, એક રેસ્તોરાંનું વર્ણન કરીને ઉપસાવી આપે છે : ‘ધુમાડાનું મહોરું પહેરેલું / જે કપમાંથી નીકળતી વરાળથી આવરિત / બહારની પારદર્શક કાચની અભરાઈઓની પાછળ થરકતા દીવા / એમાં દેખાતી નારીની આકૃતિઓ / એમના રેશમી વસ્ત્રની સળમાંથી સીટી બજાવતો ફરતો પવન…’ મોન્તેરોઝોના પર્વતીય પ્રદેશનાં ભૂમિદૃશ્યો એમની ચેતનામાં છવાતાં જાય છે, પછી અપરિવર્તનશીલ બનીને એમની ચેતનામાં એકરૂપ થઈ જાય છે; પછી એને ભૂંસી નાખવાનું શક્ય રહેતું નથી. એમના જ વતનના અન્ય કવિઓ પાસેથી એમણે ઘણું આત્મસાત્ કર્યું છે. એ કવિઓ એ ધરતીના બંધારણ સાથે એકરૂપ થઈ ગયા હતા. એનો જ વારસો મોન્તાલેને મળ્યો છે. ભાષાની એક પ્રકારની રુક્ષતા પણ એથી જ એમની કવિતામાં દેખાય છે. એ કવિઓ સાથેનો એમનો સમ્બન્ધ તે સમાન મૂળનો છે. દરેકનાં ફળ તો આગવાં જ છે. મોન્તાલેને મન એમની આજુબાજુનો ભૌગોલિક પરિવેશ તે સમાન દરજ્જાની બીજી આગવી હસ્તી છે. એ કવિતા પર આક્રમણ કરીને એને હડપ કરી જવા પણ જતી હોય એવું લાગે છે. આને કારણે જ પોતાના પરિવેશ સાથેના સમ્બન્ધમાં નર્યું વર્ણન નથી કે ક્રમબદ્ધ અનુભવોનો ઇતિહાસ નથી, પણ એક પ્રકારની ગતિશીલ નાટ્યાત્મકતા છે. વીસ વર્ષની વયે લખેલી એમની એક કવિતામાં એનું સ્પષ્ટ આલેખન થયું છે. મધ્યાહ્નનો સૂર્ય સેકાયેલી બગીચાની વંડીને પડછે ફિક્કો અને જાણે સારવી લીધેલો હોય એવો લાગે છે; એ વંડીની ઓથ લેવી અને આજુબાજુના કાંટાળા ઝાંખરામાંથી કાળિયા કોશીનો ટહુકો સાંભળવો, સાપને ધીરે રહીને સરી જતો સાંભળવો કવિને ગમે છે. જમીનમાં પડેલી તિરાડોમાં કે રજકાનાં ખેતરોમાંથી ચાલી જતી રાતી કીડીઓની હાર પર જાસૂસી કરવી(એ હાર ઘડીકમાં ભાંગે, ઘડીકમાં સંધાય), તાડનાં પાન વચ્ચેથી સમુદ્રનાદ્વ ભીંગડાદ્વને ધબકતા જોવા, બોડા ડુંગરાઓ પરથી આવતા સમડીઓના સિત્કારને સાંભળવો અને આંખ આંજી નાખતા સૂર્યના તડકામાં ફરવું, વિષાદજનક આશ્ચર્યથી આ સૃષ્ટિને જોવી – આ જીવન અને એની સાથે સંકળાયેલા છાતીતોડ પરિશ્રમનો વિચાર કરવો, વંડી પર જડેલા તૂટેલી શીશીના કાચને ચળકતા જોવા – આ બધું કવિને ગમે છે. આ અનુભવના કેન્દ્રમાં તાપ અને રુક્ષતા રહેલાં છે. સમુદ્ર પણ કોઈ સરિસૃપ જેવો લાગે છે. એ આ પહેલાં બાગમાં જોયેલા સાપ સાથે એકરૂપ થઈ જાય છે. એક પ્રકારની કઠોરતાનો અનુભવ થાય છે. આ કલ્પનો માત્ર ચાક્ષુષ નથી, શ્રુતિગોચર પણ છે. મૂળ ઇટાલિયનમાં આ કાવ્ય વાંચનારા કહે છે કે એનો લય આ વાતાવરણને બરાબર ઉપસાવી આપે છે. મોન્તાલે કહે જ છે, ‘લયની અનિવાર્યતાને હું વશ વર્ત્યો છું. હું જે કવિઓને જાણતો હતો તેમના શબ્દો કરતાં મારા શબ્દો વધુ દૃઢ રીતે ભાવકના હૃદયને વળગી રહે એવું હું ઇચ્છતો હતો. કોનાથી વધારે વળગી રહે એવા? મને એમ લાગતું હતું કે હું એક કાચના ઘશટમાં જીવી રહ્યો હતો, અને તે છતાં જે મારે માટે અનિવાર્ય હતું તેની હું નજીક જ હતો. એક આછું સરખું આવરણ, એક તન્તુ જ માત્ર મને એનાથી દૂર રાખતાં હતાં. એ કાચને જો તોડી નાખું તો મારા આદર્શ પ્રમાણેની અભિવ્યક્તિ સિદ્ધ કરી શકું. પણ એ સીમારેખાને હું પહોંચી શકતો નહોતો. આથી જ મેં લયનો આશ્રય લીધો.’ મોન્તાલેની કવિતા એવું તીર્થ છે જ્યાં ફરી ફરી જવું ગમે છે.