કાવ્યાસ્વાદ/૨૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૫

સમયના હિસાબની વાત નીકળી એટલે મેક્સિકોના કવિ મિગએલ ગુયેદાસની, આ ભારે વિષયની એક હળવી, કવિતા યાદ આવી એ કહે છે. સમય મારી સામે હિસાબ માગતો ઊભો છે, પણ મારે એને હિસાબ આપવો હોય તો એને માટે પણ સમય તો જોઈએ જ ને? કારણ કે જેણે કશો હિસાબ રાખ્યા વિના સમય ગુમાવ્યો છે તે એનો હિસાબ થોડો વધુ સમય બગાડ્યા વિના શી રીતે આપી શકે? સમય પોતે જ સમયને લેખામાં લઈ લોકોની પરવા કરતો નથી. કારણ કે એ હિસાબ કાંઈ સમયસર તૈયાર થતો નથી. સમય સમયને ક્યારે લેખામાં લે? જો સમયના હિસાબમાં સમયને પોતાનું લેખું મળતું હોય તો, આટલા બધા સમયનો શો સન્તોષકારક હિસાબ હોઈ શકે વારુ? આટલા મોટા હિસાબ માટે કેટલો સમય જોઈએ? સમય પરત્વે બેપરવાહ જિન્દગી સમયને ખોઈ બેસે છે. હું તો જીવું છું, મારી પાસે નથી સમય, મારે નથી કશો હિસાબ આપવાનો, મારે સમયનો જો હિસાબ આપવાનો જ હોય તો હું તો એ સમયને જ હાજર કરી દઈશ.