કાવ્યાસ્વાદ/૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search

આનન્દના સમાચાર. એકાએક ભાગ્ય ખૂલી ગયું. મુરબ્બીશ્રી ચન્દ્રવદન મહેતા એમની રાબેતા મુજબની પરદેશની લટાર મારીને આવ્યા. ‘મામા આવ્યા, શું શું લાવ્યા?’ કરતાંકને આપણે તો પહોંચી ગયા અને મળી ગઈ ખોબો ભરીને ડચ કવિતા. કવિતાનાં ઘણાં સંકલનો વાંચ્યાં છે, પણ ડચ કવિતા આવાં સંકલનોમાં ઝાઝી જોવા મળતી નથી. નેધરલેન્ડના એલચીખાતાના એક સજ્જને થોડાંક વર્ષોે પહેલાં ‘કમિંગ આફ્ટર’ નામનું સંકલન ભેટ મોકલેલું. નવાં આવેલાં પુસ્તકોએ એને દાટી દીધેલું. ઘરની ફેરબદલીમાં ખોવાયું પણ હોય એવી દહેશત હતી. પણ ભાગ્ય ખૂલ્યું ને એય જડી ગયું. કંઈક સારું મળ્યું હોય તો કાગડાની જેમ એકલા એકલા ચાખીને થોડું જ બેસી રહેવાય? આ કવિતાઓ વાંચી. એક નવો જ સ્વાદ માણવા મળ્યો. હું જરા સ્વભાવથી જ વાચાળ, ને તેમાં કારણ મળ્યું. હવે કોણ રોકણહાર? ક્વયિત્રીનું નામ છે એમ. વાઝાલિસ. એ તો તખલ્લુસ. મૂળ નામ તો ભારે લાંબું ને અટપટું છે : માર્ગારેતા ડ્રેગલીવર ફોર્તુચીન-લીનમાન્સ. ધંધે માનસિક રોગના નિષ્ણાત દાક્તર, અત્યારે થયાં હશે બાસઠ વર્ષ. સંવેદનપટુ, અન્તર્મુખ, ચકોર આંખે બારીકમાં બારીક વિગત ચોકસાઈથી પારખે. ત્રણ સંગ્રહો મહદૃવના : ઉદ્યાન અને રણ (1940), ફિનિક્સ પંખી(1947), ચહેરાઓ અને દૃષ્ટિઓ(1954). ડચ કવિઓની આગલી હરોળમાં એમનું સ્થાન છે. તો ચાલો, એમના કાવ્યવિશ્વમાં વિહાર કરીએ. એક મુશ્કેલીનો સ્વીકાર કરવો રહ્યો. આપણે તો અંગ્રેજી અનુવાદની ટેકણલાકડીએ વિહાર કરવાના. આથી એનાં ફોનેટિક અને રિધમિક ફોર્મથી અપરિચિત રહીને કેવળ સિમેન્ટિક ફોર્મને જ પામવાના. કલ્પનો, પ્રતીકો વરતાશે ખરાં, પણ એનાં ધ્વનિગત મૂલ્યો બાદ રહી જવાનાં. ખેર, એનો અફસોસ કરીને આગળ ચાલીએ. પહેલાં લઈએ વિષાદ. આપણે જે જમાનામાં જીવીએ છીએ તેની એ એક સૌથી મોટી વાસ્તવિકતા. ક્વયિત્રી કહે છે : કેટલીય જાતના વિષાદ / હું એ બધાનાં નામ નહીં પાડું. / સિવાય કે એકનું – ત્યાગ, વદાય. છેદ નથી બહુ પીડા આપતો / પણ છેદાઈને સાવ અળગા થઈ જવું! આમ વાત શરૂ થાય છે. પણ વિષાદ તે નર્યોે વિષાદ જ હોય છે? એમાંય કશું સુન્દર નથી હોતું? છૂટાં પડેલાંને આપણે છિન્નપત્ર જોડે સરખાવીએ છીએ. વૃક્ષશાખા પરથી ખરેલું પાંદડું ફરી એ શાખા પર સ્થાન પામતું નથી. પણ એ ખરેલું પાંદડું કેવું પતંગિયા જેવું હળવું બનીને ધરતી પર બેઠું હોય છે! એના પર અંકાયેલી નસની રેખાઓની ભાત કેવી સુન્દર લાગે છે! હવે એ એકાકી, કેવળ પોતાને ખાતર એની હસ્તી. આ નસની રેખાઓ લંબાઈને એને કોઈ સાથે જોડે નહીં. એ રેખાઓનાં ગૂંછળાંઓમાં ગૂંચવાયેલી છે કેવળ એની અનુપસ્થિતિ. એ રેખાઓનો આધાર છે વેદનાનો, જે સમય વીતવા સાથે વિસ્તરે છે. દરિદ્ર, દરિદ્ર હોવાના ભાનથી એને શરમ લાગે. વિયોગ પામેલાંની વાત આમ ખરેલાં પાંદડાંના કલ્પનથી કહેવાઈ. આમ રેઢિયાળ ગણાતી આ સરખામણીને અહીં નવો ઉઠાવ મળ્યો. કવિએ વિષાદની પણ સુંદરતા શોધી કાઢી. વિરોધનો પણ આધાર લીધો. ખરેલું પાંદડું, પણ એ હળવાશથી બેઠેલા પતંગિયા જેવું લાગ્યું. પછી વધારે નજીક જઈને એની નસની રેખાઓની ભાત જોઈ. એ પણ સુન્દર લાગી. પછીથી વાત આવી એ રેખાઓમાં ગૂંચવાયેલી અનુપસ્થિતિની, એ રેખાઓ જેને આધારે ટકી રહી છે તે વેદનાની. અને છેલ્લે આ એકલા, છિન્ન હોવાની દરિદ્રતા; એને કારણે લજ્જા. સ્વયંસમ્પૂર્ણ આ વિષાદનું પ્રતિરૂપ આમ કલાસંયમથી અંકાઈ ગયું. વિષાદનું એક નવું રૂપ જોયાનો આનન્દ થયો. હવે જોઈએ કબૂતર. વરસાદ અને પવનનું તોફાન – હમણાં જ બધું જંપ્યું છે. શેરી ભીની છે. કાંઠા વચ્ચેની નદી જેવો આસ્ફાલ્ટનો રસ્તો પડ્યો છે. બાજુની ફટ્ટટપાથ પર ધીરગમ્ભીર ગતિએ એક કબૂતર ચાલે છે. બાળક જેવું કૂજે છે, પણ કંઈક વિષાદભર્યું. ઉદ્યાન પરનું આકાશ હવે કંઈક હળવું બન્યું છે; વૃક્ષો લીલાં અને છૂટાં છૂટાં લાગે છે. દરેક વૃક્ષ જાણે એક વન – એટલું ગાઢ, એટલું અદ્ભુત અને અન્તર્મુખ, ઉન્મુખ બનીને મંત્રોચ્ચાર કરતું. મેં એ ટૂંકી ને નીરવ શેરીમાં જઈને જોયું તો ત્યાં હતું એ કબૂતર, ઝંઝાવાતનો રંગ એની પાંખ પર, પ્રભાત જેવા અરુણ એના નહોર. પ્રારમ્ભમાં બાળક જેવા કબૂતરને બાળકથી જુદું પાડનાર હતો વિષાદ. પણ અન્તમાં તો કબૂતરમાં જ આખું દૃશ્ય સમાહિત થઈને રહ્યું. પેલો ઝંઝાવાત એની પાંખનો રંગ બની ગયો. પ્રભાતની અરુણિમા એના નહોરમાં આવી ગઈ. આ બધું વૃક્ષની પડછે. વૃક્ષની છબિ પણ ઉપનિષદમાં અંકાઈ છે. વૃક્ષ અને પંખી એ આ દૃશ્યનાં બે પાત્રો છે. વિષાદની સુન્દરતા અહીં પણ અનુભવાય છે. પાનખર બેઠી છે. લટાર મારવાનું મન થાય છે. ટૂંટિયું વળીને પડેલી ઝૂંપડીઓ, નિર્જન ઉદ્યાન જ્યાં પોતાની શીંગોની પાતળી આંગળીઓ જોડીને વૃક્ષો હારબંધ પ્રાર્થના કરતાં ઊભાં છે. ઝાડી વચ્ચેથી અલપઝલપ દેખાય છે પ્રકટાવેલા અગ્નિની પાતળી ધૂમ્રરેખાઓ. અને દૂર દૂર ઘોઘરા અવાજવાળું, ધોળા ગોબાવાળું, રાતા સાંઠાવાળું ઘાસ, એની વચ્ચે ચમકે છે અકથ્ય રીતે તૃષા જગાડનારું ખાબોચિયાનું જળ જેનું અસ્તિત્વ આ ઋતુ પૂરતું જ. એની આગળ થઈને તો આપણે ગ્રીષ્મમાં ઘણી વાર પસાર થયાં છીએ, નિશ્ચિન્ત બનીને ગીતો ગૂંજતાં. ત્યાં હવે હું મન્થર ગતિએ એકાકી ચાલું છું. એ સાંકડા પુલ પર એકલી ઊભી રહું છું. નીચે છલકાતાં જળ ઘુમરાય છે. ત્રાંસું ઝૂકેલું ઘાસ એ મટિયલ પાણીને ચકરાવે ચઢાવે છે. જમીન ત્યાં સાવ પોલી લાગે છે – ઉપર દેખાતા સ્ફટિક જેવા ઉજ્જ્વળ આકાશની એ શ્યામ પીઠિકા જાણે. દૂર ઝાડીમાં એક બાળક કૂતરા જોડે વાતો કરે છે. એ અદૃશ્ય છતાં એટલું તો સ્પષ્ટ છે કે મને લાગે છે કે હું જાણે અન્ધ છું. ગ્રીષ્મની બધી ઝંખના, બધો અજંપો આખરે એ ઉજ્જ્વળ સમ્પૂર્ણ ક્ષણમાં પરિણમ્યો છે કે પછી મારું હૃદય ઠંડું પડી ગયું છે અને આ ધુમ્મસનું પ્રથમ દર્શન છે? પાણી ચળકે છે, હું તો હજી તરસી છું. પાનખર અહીં સજીવ બનીને આપણી ઇન્દ્રિયો સમક્ષ નવે રૂપે અવતરે છે. એ પરિચિત ઝૂંપડીઓ, એમાંથી નીકળતી ધુમાડાની સેર, બાગમાંનાં શીંગવાળાં વૃક્ષની હાર, ઘાસ – આ બધાંનું આગવું ચિત્ર આલેખાતું આવે છે. શીંગની પાતળી આંગળીઓ જોડીને પ્રાર્થના કરતાં ઊભેલાં વૃક્ષો – આ ચિત્રમાં આપણને ચકિત કરે એવી મૌલિકતા રહેલી છે. ઘાસ ઘરડું થયું છે, એનો કણ્ઠ પરુષ બની ગયો છે. કાશની ધોળા રંગની છાંટ તે દૃશ્ય છબિમાંથી રૂપાહતર પામીને ધોળા ગોેબા જેઙ્ક વર્ણવાઈને સ્પર્શક્ષમ બને છે. આ ઘાસમાંથી દેખાતાં ખાબોચિયાનું મટિયલ પાણી મંજાયેલું છે. પણ એ અવનવી તૃષા જગાડે છે. કાવ્યના અન્તમાં એ તરસનો જ ઉલ્લેખ છે. આ તરસ તે જેનો વિયોગ થયો છે તેના સહચારની. વસન્તે જેના સહચારમાં વિહાર કર્યો તે પાનખરમાં સાથે નથી. આ ઋતુવર્ણનની પડછે આછી અર્ધસ્ફુટ રેખાઓમાં એ વિયોગની વાત અંકાતી આવે છે. કરુણના સીકર આપણને સ્પર્શી જાય છે. એ ખાબોચિયાનાં જળને જેમ પેલું ઘાસ ચકરાવે ચઢાવે છે તેમ વિયોગની સ્મૃતિ મનને પણ ચકરાવે ચઢાવે છે. નવી તરસ જગાડે છે. એક ચિત્રમાં સ્ફટિકઉજ્જ્વળ આકાશનો અને કાળી ધરતીનો સમ્બન્ધ સંધાઈ જાય છે. વિયોગસંયોગની એ જુદી જુદી ભૂમિકાઓ છે. આ નક્કર ધરતી પોલી લાગે છે. ગ્રીષ્મની બધી ઝંખનાઓ અને અજંપાઓ શમી ગયા છે. હૃદય શું થીજી ગયું? અહીં કરુણનો આછો અણસાર છે. કૂતરા સાથે વાત કરતા બાળકનું એકાકીપણું – તેમાંય તે અવાજ સંભળાય પણ વાત કરનાર ન દેખાય ત્યારે છતી આંખે થતો અન્ધપણાનો અનુભવ આ કરુણને જ પુષ્ટ કરે છે. ધુમ્મસનો પ્રથમ અનુભવ થયો, પણ હજી જળ ચમકે છે અને તરસ પીડે છે. અહીં પાનખરનું વાતાવરણ ઇન્દ્રિયપ્રત્યક્ષો દ્વારા આસ્વાદ્ય બન્યું છે. એક વાર જળની કિનાર પર બેસીને જોયેલું દૃશ્ય : મારા જ ઉઝરડાયેલ ઘૂંટણની અડોઅડ બેસીને પાસેના ધીમેથી સર્યે જતાં જળને હું જોયા કરું છું. નથી હું વિચાર કરતી કે નથી સ્વપ્નો જોતી. સમયની સપાટી નીચેથી મારું માથું ક્યાંય ઊંચે આવતું નથી. જે મેં જોયું તે હું બની ગઈ : મરેલી બિલાડીઓ, લાંબા લાંબા ધોળા દાંતથી અલંકૃત, અક્કડ, સપાટ, ચીની ઢીંગલીની જેમ દાંત કાઢીને હસતી; ઉંદરો – એમના કાબરબિહામણા ચહેરા, એમના દરમાંથી નીચી મૂદ્વડીએ દોડી જતા, કદીક પાણીની બહાર ડોકું કાઢીને જોઈ લેતા, કાચીંડા પણ ખરા, કોઈ પ્રાચીન લિપિમાં આલેખાયેલી પંક્તિ શા નિશ્ચલ, એમનાં જ જરિયાન માથાં પાછળ જીવન ધબકતું અને ક્ષણમાં રંગ બદલતું દેખાય – પણ એની ગતિ જાણે કોઈ થઈ જ નહીં હોય એવી જડ. પાસે મરી ગયેલી ભમરી – એ નથી ડંખતી કે સૂંઘતી – માણસના કાન પર વાળ હોય એવી એની પાંખ પરની રૂવાંટી. પછી હું આડે પડખે થઈ અને મેં મારા કેશ સૂંઘ્યા, એનાથી ઉત્કટ સુવાસ ઘાસની, એથીય ઉત્કટ સુવાસ ભૂમિની. હું મારી આંખો સૂર્યના તાપમાં બીડી દઉં છું ને મને લાગે છે કે હું જીવી રહી છું. આ કાવ્યમાં જીવી રહ્યાનો પુરાવો આજુબાજુના, આમ તો ક્ષુલ્લક ગણાતાં, જીવનમાં તદ્રૂપ થઈને આપવામાં આવ્યો ન્ઢ્ઢ. પ્રારમ્ભમાં તો એકાકીપણાનું જ વર્ણન છે. પોતાના જ ઉઝરડાયેલા ઘૂંટણની નિકટતા જ માત્ર પ્રાપ્ય છે. અહીં જે સૃષ્ટિ વર્ણવાઈ છે તે અ-માનવીય છે. એમાં છે બિલાડી, ઉંદર, કાચીંડો અને ભમરી, બિલાડીનું ભક્ષ્ય ઉંદર, કાચીંડાનું ભક્ષ્ય ભમરી. પણ બિલાડી મરેલી છે, ઉંદરો સજીવ છે. બિલાડી મરેલી હોવા છતાં જુગુપ્સાકારક નથી લાગતી. ચીની ઢીંગલીની જેમ હસે છે. ઉંદર દરમાંથી બહાર નીકળે છે. પાણીની બહાર ડોકું કાઢે છે, વળી પાણીમાં ડૂબકી મારી જાય છે. એથી પાણીમાં બુદ્બુદ થાય છે તે જાણે ખંધા જમનું હાસ્ય છે. ફરી પાછું પાણી સ્થિર થઈ જાય છે તે જાણે પાણીએ સળ સરખી કરી લીધી હોય એના જેવું લાગે છે. કાચીંડો નિશ્ચલ છે, નિર્જીવ જેવો લાગે છે. પણ પ્રાચીન લિપિની પંક્તિ જોડેની એની સરખામણી ચમત્કૃતિભરી છે. એની માથાની ચામડી, બદલાતા રંગો, એનું જરિયાન પોત – તાદૃશતાથી આલેખાયાં છે. જીવનમાં ખૂબ રસ છે માટે આ આલેખન આકર્ષક બન્યું છે, બાકી ખપમાં લીધેલી વિગતો તો તુચ્છ છે. માનવી તો આ કાવ્યમાં માત્ર એના કાનના વાળ પૂરતો જ સ્થાન પામ્યો છે. એ વિગત નોંધવામાં પણ નવીનતા છે. છેલ્લે જીવનની આસક્તિ ઘ્રાણેન્દ્રિયના ઉત્કટ આનન્દથી પ્રકટ થઈ છે. આ સુગન્ધ સાથે સૂર્યનો તાપ ભળે છે. આમ જીવન ખીલી ઊઠે છે, મહેકી ઊઠે છે. આ લુત્ફેહયાત માટે કેટલી ઓછી સામગ્રીની જરૂર પડી! છતાં કાવ્ય સમૃદ્ધ બન્યું. કાવ્યસૃષ્ટિમાં કશું કદર્ય નથી, તુચ્છ નથી તેની સુખદ પ્રતીતિ થઈ.