કાવ્યાસ્વાદ/૩૬
બ્રાનિસ્લાવ પેત્રોવિચ એની એક કવિતામાં કહે છે : આ આપણી શ્વાસ લેવાની શક્તિ, વૃક્ષની ઊંચે વધવાની શક્તિ – હા, એ બધું તો ઠીક; સૂતેલા માણસના પર ઘર એકાએક તૂટી પડે એય ખરું, પણ આપણી આ ભાષા – એ તો એક અદડભુત શક્તિ છે. એ તો સાવ નોખી જ છે. હું કહું, ‘મારા બાહુ, પ્રકાશનું આલિંગન કરોત્ત્ અને મારા હાથ આજ્ઞાંકિત બનીને અદ્ભુત રીતે પ્રકાશને ભેટે છે. અથવા હું કહું, ‘હે પૃથ્વી, તું મારા ઓરડામાંનું સૌથી સુન્દર નાનકડું રમકડું છે, મારા હાથમાંની સૌથી સુન્દર વસ્તુ છે’ – અને બીજી જ ક્ષણે એમ કહું, ‘હે પૃથ્વી, તું ગજબની છેતરનારી છે, હું તારે આખે અંગે કૂતરાની જેમ બચકા ભરીશ’ અને પછી લ્ળી એમ કહું, ‘પેલો પર્વત જેમાંથી જળ એકઠું થઈને નીચે વહી આવે છે તેના કરતાં આ આખલો મને વધુ ગમે છે’ એમ કહીને હું પછી ઘાસમાં સૂઈ જાઉં, ઉષ્માભર્યો પથ્થર ઓશીકાને સ્થાને હોય, કોઈ કોલસો ભૂમિના પેટાળમાં સૂતો હોય તેમ સૂઈ જાઉં ને પછી હું જાગું (હા, એ ફરી જાગવાની પણ એક અદ્ભુત શક્તિ છે) અને વૃક્ષને જોઉં તો તરત કહી દઉં શકું : વૃક્ષ.’