કાવ્યાસ્વાદ/૩૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૭

આવી જ કોઈ પળે રિલ્કેએ પોતાના હૃદયને ઉપાલમ્ભ આપતાં કહ્યું હતું : મારા હૃદય, તું ચિત્કાર કરીને કોને બોલાવશે? તું વધુ ને વધુ એકાકી થતું જાય છે અને જે સમજી શકાય એવું જ નથી તેમાંથી રસ્તો કરતું આગળ વધી રહ્યું છે. માનવીની દુર્ભેદ્ય અજ્ઞેયતાને વીંધતું તું આગળ વધે છે, કારણ કે તું તારો જૂનો માર્ગ છોડવા તૈયાર નથી. એ માર્ગ છે ભવિષ્ય તરફનો જે ખોવાઈ ગયત્ન છે. આવું પહેલાં નહોતું બન્યું? એનો તેં વિલાપ કર્યો હતો ખરો? એ શું હતું? આનન્દનું ખરી પડેલું ફળ? જે હજી તો લીલું હતું. હવે આનન્દનું મારું વૃક્ષ પડવાની અણી પર છે. ઝંઝાવાતમાં જે કડડભૂસ તૂટી પડવાનું છે તે તો મારું હૃદય! એ કેવું ધીમે ધીમે ઊંચે વધી રહ્યું હતું!