કાવ્યાસ્વાદ/૪૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૩

સ્પૅનિશ ક્વયિત્રી માઇરેલિસ કહે છે તે આ ક્ષણે સાચું લાગે છે : હું ગાઉં છું કારણ કે આ ક્ષણ છે, તેથી જ તો મારું જીવન અત્યારે મને પરિપૂર્ણ લાગે છે. તમે પૂછો કે હું સુખી છું કે દુઃખી? તો હું કહું, ‘હું સુખીય નથી ને દુઃખીય નથી. હું કવિ છું. હું તો આ ક્ષણે ભાગી જતી વસ્તુઓનો મિત્ર છું. મને આનન્દનો કે યાતનાનો અનુભવ થતો નથી. હું તો રાતદિવસ પવનમાં સહેલગાહ કર્યા કરું છું. મારે હાથે કશુંક ભાંગે કે કશુંક રચાય, હું રહું કે વિલય પામી જઉં – મને એની કશી ખબર નથી. હું ગીત ગાઉં છું એનીય મને ખબર નથી, આમ છતાં ગીત જ મારું તો સર્વસ્વ. એમાં શાશ્વતીનું શોણિત વહે છે, એનામાં ઊડતાં પંખીની પાંખનો લય છે. મને ખબર છે કે એક દિવસ હું મૂક થઈ જઈશ. બસ, આટલું જ, એથી વિશેષ મારે કશું કહેવાનું રહેતુુું નથી.