કાવ્યાસ્વાદ/૪૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૪

મને ચેઝારે વાયેહોની એક કવિતા યાદ આવે છે : સ્પૅનના આન્તરવિગ્રહમાં એણે વિદ્રોહીઓને યુદ્ધક્ષેત્ર પર ટપોટપ મરતા જોયા હતા. એના ઉગ્ર પ્રત્યાઘાત એની કવિતામાં સમર્થ રીતે પ્રકટ થયા છે. એ કવિતા તે સમયમાં યુદ્ધ લડતા સૈનિકોમાં એવો તો પ્રભાવ પાડી ગઈ કે યુદ્ધક્ષેત્ર પર જ એની અનેક નકલો કરીને વહેંચવામાં આવી. એમાં એણે ઈસુ ખ્રિસ્તના શબ્દોને યાદ કર્યા છે : ‘હે પિતા, જો શક્ય હોય તો હવે આ પ્યાલો તું બીજાને હોઠે ધર.’ એ યુદ્ધમાં હણાયેલા એક વીરની સ્મૃતિમાં આ કાવ્ય રચાયું છે. ‘એની કબર પાસે એક પુસ્તક પડ્યું હતું. એના શબમાંથી એક નવા પુસ્તકનો ફણગો ફૂટતો હતો, એ લોકો એ વીરને ઉપાડી ગયા. એના મુખનો ઉચ્છ્વાસ અમારા ઉચ્છ્વાસમાં ભળ્યો. અમે બધા હાંફીને પરસેવાથી ભીના થઈ ગયા, અમારી દુંટી પણ અમને ભારે લાગવા માંડી. એ મરેલા માણસને પણ એના વિષાદના ભારથી પરસેવો વળતો રહ્યો. રખડતા ભટકતા ચન્દ્ર અમને અનુસરતા હતા, ટોલેડોના એ યુદ્ધમાં પુસ્તક અમારી ઉપર, અમારી બાજુમાં એ શબમાંથી અંકુરિત થઈ ઊઠ્યું. જાંબુડી રંગની એ હડપચીમાંથી કવિતા, બોલવા અને ન બોલવાની વચ્ચેથી ઊગેલી, એનો નૈતિક સંદેશો, એનું હૃદય એમાં હતાં. છેલ્લે એ પુસ્તક જ રહ્યું. બીજું કશું રહ્યું નહિ, શબને તો એ લોકો ઉપાડી ગયા. કબરમાં જીવડાં સુધ્ધાં બચ્યાં નહોતાં. એના હાથની બાંય પરના લોહીને હવા ચૂસતી હતી અને એ લોહી વરાળ બનીને વિસ્તરી જતું હતું. અમે બધાય પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. ચારે બાજુથી એ શબમાંથી આક્રોશપૂર્વક પુસ્તક ઊગી નીકળ્યું.’ આવી કોઈ કવિતાની પોથી આપણે ત્યાં અંકુરિત થશે?