કાવ્યાસ્વાદ/૪૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૫

આ સન્દર્ભમાં કવિ નિકોલાસ ગૂંઇયેની એક કવિતા યાદ આવે છે. એમાં કવિ પ્રશ્ન પૂછે છે : જે હવે તારી આંગળી વચ્ચેથી પસાર થાય છે, તારા મુખ પર છાલકની જેમ વાગે છે ને તારા વાળને વિખેરી નાખે છે તે તું મને વેચી શકીશ? કદાચ પાંચેક ડોલરનો પવન તું મને વેચી શકે, પણ ઝંઝાવાત મારે તો ખરીદવો છે. એ વેચવાનું તારું ગજું ખરું? તું, બહુ બહુ તો, તારા બાગમાં એક ફૂલથી બીજા ફૂલે ફરતી પાતળી હવા વેચી શકે. એ હવા પર આમ તો સક્કરખોર, બુલબુલ, લેલાં, શોબંગીિ કે દૈયડનો જ અધિકાર; છતાં દશ ડોલરમાં મને એ ચોક્ખી હવા વેચવા તું તૈયાર થાય. જે હવા પંખીઓની પાંખના સ્પર્શે પતંગિયાની જેમ ઊડે છે તેને તો કોઈ વેચી શકે નહિ. ઘડીક વાર માટે ભૂરું દેખાતું આકાશ તું મને વેચી શકે? તારા આકાશનો થોડો સરખો અંશ જ હું તો માગું છું, એ ભૂખરો હશે તોય ચાલશે. તારી વાડીનાં બધાં વૃક્ષો સાથે એ આકાશ પણ તને વારસામાં મળ્યું હોય એમ તું માને છે – જેમ ઘર સાથે એનું છાપરું પણ મળે તેમ. પણ તું મને બે ડોલરનું, બે માઇલ લાંબું આકાશ મને આપી શકીશ? અરે, જેટલું અપાય તેટલું આકાશ આપજે ને! આકાશ વાદળોમાં છે, વાદળો ઊંચે છે, એના પર કોઈની માલિકી નથી. તું મને થોડો વરસાદ, થોડું પાણી વેચશે? જે પાણીએ તારી આંખનાં આંસુ પૂરાં પાડ્યાં છે અને તારી જીભને ભીની રાખી છે તે તું મને આપી શકીશ? લવારાના જેવું પોચું, ઝરણાના જેવું કિલ્લોલ કરતું પાણી તું મને આપી શકીશ? પાણી તો વહી જાય છે, એ ક્યાં કોઈની પકડમાં આવે જ છે! તું થોડી ભૂમિ મને આપી શકીશ? વૃક્ષોનાં મૂળની ગાઢ રાત્રિ જેવી ભૂમિ? ડિનોસોરના દાંત જેવી, હાડકાનાં ચૂનેરી પુંજ જેવી ભૂમિ? એમાં દટાઈ ગયેલાં વન, હવે નષ્ટ થઈ ગયેલાં પંખીઓ, જ્વાળામુખીઓહૃત્ન ઠરેલો ગંધક ચક્રાકારે રહેલી શતાબ્દીઓ – આ બધાં સમેતની ભૂમિ તું મને આપી શકીશ? આ ભૂમિ તો જેટલી તારી તેટલી મારી. બધાના ચરણ એના પર ચાલે. એના પર કોઈની માલિકી નહિ.