કાવ્યાસ્વાદ/૪૭
સ્પૅનિશ કવિ એન્તોનિયો મચાડો એની એક કવિતામાં કવિ લેખે જે વિષાદ પ્રકટ કરે છે તે મને અહીં યાદ આવે છે : એક સૂર્યોજ્જ્વલ દિવસે પવન આવીને કવિના આત્માને આહ્વાન દે છે. એ સાથે જાસ્મીનની સુગન્ધ ઉપહાર રૂપે લાવ્યો છે. એના બદલામાં એ કવિ પાસે એનાં ગુલાબની સુગન્ધ માગે છે. પણ કવિ પાસે ગુલાબ તો રહ્યાં નથી. એના ઉદ્યાનમાં હવે ફૂલો જ રહ્યાં નથી. બધાં જ કરમાઈને ખરી પડ્યાં છે. પવન ફુવારાનું પાણી માગે છે. એમાં પડેલાં સુકાયેલાં પીળાં પાંદડાં અને સુકાઈ ગયેલી પાંખડીથી પણ એ સન્તોષ પામશે એવું કહે છે આમ કહીને પવન ચાલ્યો જાય છે આથી કવિ વિલાપ કરીને પોતાની જાતને ઉપાલમ્ભ આપતાં પૂછે છે, તને જતન કરવા સોંપેલા ઉદ્યાનનું શું કર્યું? આપણા સમયમાં તો સાંસ્કૃતિક આબોહવા જ એવી છેકે જેને જાળવવું જોઈએ તેનો વિનાશ થતો જાય છે. પ્રજા ભલે ને ઉદ્યાનો ઉજાડી મૂકે, કવિને તો એની ક્ષતિ વરતાવી જ જોઈએ. એણે ફરીથી ઉદ્યાનોને પુષ્પિત કરવાનાં રહેશે. મચાડો કહે છે તેમ કવિના હૃદયમાં જ એક મધપૂડો છે. એમાંથી સદા મધુ સ્રવતું રહે તે જરૂરી છે. પ્રજાજીવનમાં જે વિષાક્ત વાતાવરણ ફેલાતું જાય છે તેનો સમર્થ પ્રતિકાર નહિ તો શી રીતે કરીશું?