કાવ્યાસ્વાદ/૪૮
આ જીવનની સુન્દરતાને આપણે બિરદાવીએ, પણ આખરે તો બધું કણ કણ થઈને છૂટું પડી જાય છે. જેનાં મૂળ નથી, ધરતીએ જ જેની મમતા છોડી દીધી છે તેનો આશ્રય આકાશ; એટલે કે એ નિરાશ્રય. પણ કણ કણ થઈને વેરાઈ જાય છતાં એમાં અનસ્યૂત થઈને રહેલી ચેતના તો અવિશ્રાન્ત યાતના સહ્યાં જ કરે. આથી જ આપઘાત કરીને યાતનામાંથી છટકવાનું ઇચ્છનારા મૂરખા! તમારું બાહ્ય રૂપ બદલાય, યાતના તો એની એ. એથી જ તો આ દુઃખ જ આપણે માટે બ્રહ્મ. એમાં જ આપણે વસીએ, એના વડે જીવીએ. જીવન ધારણ કરનાર સૌ કોઈની પ્રબળ વાસના એક જ : શૂન્યમાં લુપ્ત થઈ જવાની. સ્વપ્નહીન અનન્ત નિદ્રામાં ભુંસાઈ જવાની… પણ થીજી ગયેલા મરણની પેલે પાસ યાતનાના ધબકારાથી આપણે જીવતા હોઈએ છીએ. આથી જ તો મરણ છે જ નહીં. આપણે વૃથા મરણને ઝંખીએ છીએ. હતાશ થયેલા જીવની એ મિથ્યા ઝંખના છે. આપણી આ યાતનાને અવિચલિત થઈને જોઈ રહેનાર આપણને એક લોકમાંથી બીજા લોકમાં હાંકે છે. આપણને જરાય વિશ્રાન્તિ નથી. આપણે વિરામની એક ક્ષણ માટે ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરીએ છીએ અને ત્યા અન્ધકારમાં પડછાયા ગાજે છે : આગળ વધો! જીવન ખરેખર એક અનિષ્ટ છે, અન્તહીન અનિષ્ટ! સર્જક ઈશ્વર પોતે એક બીજા ભયંકર ઈશ્વરનું સર્જન છે. એ ઈશ્વરનું નામ છે દુઃખ, એ અમર શનિ કદી ધરબાતો નથી. સૂર્યોને ઊછેરનારો આ અવકાશ એ એક વિરાટ કારાગાર છે, એ વાસ્તવમાં તો નિઃસંતાન છે. એમાં વસે છે કેવળ મરણહીન જીવો જે શાશ્વત યન્ત્રણા સહે છે. હે અન્તહીન શનિ, ક્યાંક તો આ બધાંનો અન્ત લાવી દે, આ સર્જાઈ ચૂકેલા જીવોને ભરખી જા. પણ અમે તો અમર છીએ, માટે પછીથી હમેશાં અમને વાગોળ્યા કરજે, અમે તારા જ છીએ, સદાને માટે તારા; પણ જેઓ નથી જન્મ્યા તેમની પ્રત્યે તો દયા રાખ. તારી ક્ષુધાજ્વાળાનો ભોગ એઓ પણ બનશે? હે ઈશ્વર, શૂન્યની તો દયા રાખ! તું તૃપ્ત થા જેથી આ માનવજાતિના બીજને ઉછેરનારું શાશ્વત ગર્ભાશય વન્ધ્ય બને અને જીવનમાત્રનો અન્ત આવે… પછી ભલે ને આ જગત મૃત ગ્રહની જેમ તરંગહીન શૂન્યના સાગરમાં ઘૂમ્યા કરે… કવિ નાજેરાનો આ વિષાદ આખરે તો સ્તોત્ર બની જાય છે. સ્તોત્રનો પાયો નક્કર હોવો જોઈએ કારણ કે એણે ભગવાનનું વજન ઝીલવાનું હોય છે. આથી જ આ કાવ્યમાં જે વેદના છે તે વ્યક્તિગત વેદના નથી. ક્યિર્કેગાર્દે કહ્યું હતું તેમ આ વિષાદ જ માનવીનું વ્યાવર્તક લક્ષણ છે. આ ચેતનાની અતિમાત્રા જ આપણો શાપ છે, પણ એમાંથી આપણે મુક્ત થઈ શકીએ નહીં. છતાં મુક્ત થવા માટેથી પ્રાર્થના તો કરવી જ રહી. એ પ્રાર્થના જ આખરે તો નિષ્ઠુર નિયતિ સામેનું આપણું તહોમતનામું બની રહે છે! મરણ પછી સ્મરણ કેવું છે માનવજીવન! ચાહવું, ચાહીને ખોવું, એ બધું યાદ કરવું, ક્ષમા આપવી, ચાહી શક્યા, એક ક્ષણ પૂરતા પણ સુખી થઈ શક્યા, અરે સુખી છીએ એવી ભ્રાન્તિમાં રહી શક્યા તેથી સન્તોષ માનવો, અને આખરે આ બધાંથી થાકીને અજ્ઞાતના હિમઠંડા ખભે માથું મૂકીને પોઢી જવું! યૌવનમાં આપણા વક્ષ:સ્થળમાં કેવી કોમળતા ધબકતી હોય છે! ત્યારે જ કોઈ સુન્દરી નવયૌવનાના આગમનની જેમ જો સદ્ભાગ્ય આપણા ઉમ્બર પર પગ મૂકે તો તેને આવકારવા આપણે લલચાઈ જઈએ છીએ, પણ જેને અત્યન્ત ચાહીએ તે સદા આપણાથી ગુપ્ત છતાં આપણા હોઠ પર સ્મિતભરી ક્ષમા. આખરે, હે પૃથ્વી અમે નિદ્રાની અજેય અલસતાને વશ થઈને તારે ખોળે ઢળી જઈએ. જે કાંઈ દૃષ્ટિગોચર છે તેની ક્ષણભંગુરતાનું ચિન્તન કરનારના ભાગ્યમાં આમ જ જીવવાનું લખાયું છે. દૃષ્ટિ સમક્ષ વિસ્તરેલા મિથ્યાના અન્તહીન સાગરનાં મોજાંની થપાટો એ સહ્યે જાય છે. પુષ્પો છે ત્યાં સુધી તો એ કુસુમચમનમાં રાચે છે, ગુલાબનેય એના કાંટા માટે એ ક્ષમા કરે છે… હવા ધુમ્મસઘેરી હોય, ટોળે મળેલા વિષાદનાં કાળાં પતંગિયાં થોકેથોક ઊમટ્યાં હોય ત્યારેય - એ ચાહે છે અને ક્ષમા કરી જાણે છે, અન્યાયની સામે એ ધીરજથી ઝૂઝે છે; હીણા અને કાયરની સામેય એ ઝૂઝે છે… આ સન્ધ્યા વિષાદધૂસર અને વિચારમગ્ન નિઃશબ્દપણે ઢળે છે તે કેવું સુન્દર લાગે છે! જ્યારે વિષાદનો ઘેઘૂર પડછાયો મારા પરે ઝળુંંબે છે; ત્યારે હું ગિરિશૃંગો પર છવાયેલાં પ્રકાશ અને નિઃસ્તબ્ધતાને ઝંખું છે. ત્યારે મારા આત્માના થીજી ગયેલાં શૃંગો પર અન્તહીન અનુકમ્પાનો ઉદય થાય છે. નાજેરાનાં આ કાવ્યોમાં વિષાદની રેખાઓ સાથે વિશ્વની રેખાઓ ભળી જતી લાગે છે. આથી જ એવા વિશાળ ફલકની પડછે માનવીના વિષાદની વિરાટતા ઊપસી આવે છે. આ વિષાદમાં જ માનવીનાં પ્રેમ, હર્ષની રૂપેરી ટપકીઓની ગૂંથણી છે. એ બધું વિષાદની પડછે જ ઓપે છે. પણ આખરે તો માનવીની બારાખડીના બધા અક્ષરોને વ્યાપીને વિષાદ જ રહ્યો છે. દક્ષિણ અમેરિકાના મહાનદ એમેઝોનના પ્રચણ્ડ ઘુઘવાટ જેવો નાદ નાજેરાના કાવ્યમાંથી સંભળાય છે. એનાં જળ કાળમીંઢ. કરાડો જોડે પછડાઈને ચિત્કાર કરે છે. એના ધૂર્ણીચક્રમાં બધાં ગ્રહનક્ષત્રો ફૂદડી ફરે છે. એથી જ તો વિષાદમાં અહીં ભૂમાનો સ્વાદ ભળેલો અનુભવાય છે.