કાવ્યાસ્વાદ/૫૦
માઇકેલ હેમ્બુર્ગરે સમ્પાદિત કરેલો પૂર્વજર્મનીના કવિઓનો કાવ્યસંગ્રહ વાંચતો હતો ત્યારે ત્યાંના કવિ ગુન્ટેર કુર્નેટની કવિતાનો પરિચય થયો. એણે એના એક કાવ્યસંગ્રહનું નામ રાખ્યું છે, ‘ધ લિટલ વર્ડ બટ.’ પૂર્વ બલિર્નમાંથી જે સર્જકો ભાગી છૂટ્યા તેમાંનો એક આ ગુન્ટેર કુર્નેટ. શાસકોની અધમતા પ્રત્યે ઘણાંએ આંખઆડા કાન કર્યા, કેટલાંક ન કરવા જેવાં સમાધાનો પણ કર્યાં. છતાં ત્યાં ટકી રહી શકાયું નહીં, કારણ કે એ આત્મસભાન અને સંવેદનપટુ, એ પોતાની જાતને લાંબો વખત છેતરી શકે નહીં. ગુન્ટેર કુર્નેટ એના તીક્ષ્ણ વ્યંગ માટે પ્રખ્યાત છે. એ આખરે વિષાદગ્રસ્ત થઈ ગયો અને વતન છોડ્યું. એને લાંબા વખત સુધી પરદેશમાં મુસાફરી કરવાનો પરવાનો મળ્યો. હોસ્પિટલના પુસ્તકાલયમાંથી એના કાવ્યસંગ્રહો ખસેડી લેવામાં આવ્યા. આમ તો એ બ્રેશ્ટનો વારસદાર ગણાય છે, પણ એને શાસકો સાથે સંઘર્ષમાં ઊતરવું પડ્યું, કારણ કે એણે કાફકા અને ક્લાઇસ્ટ જેવા લેખકોની પ્રશંસા કરી. પૂર્વ જર્મનીના બીજા લાડીલા કવિ વોલ્ફ બીયરમાનને દેશનિકાલ કરવામાં આવ્યા તેનો એણે વિરોધ કર્યો. સામ્યવાદી દેશો લોકશાહીવાળા દેશોના જેટલી જ બિનજવાબદારીથી પ્રદૂષણ ફેલાવે છે એમ એણે કહ્યું. આ સાંખી લેવામાં આવ્યું નહીં. રૂંધામણ વધી, એના પર નિરાશાવાદી હોવાનો અને નિષ્ઠા વગરના હોવાનો આરોપ મૂકવામાં આવ્યો. આપણે ત્યાં આપણા શિક્ષણપ્રધાન પ્રબોધ રાવળે આપણા સાહિત્યમાંનાં નવાં વલણોને વખોડી કાઢ્યાં અને એ લેખકો નિરાશાવાદી છે એમ કહીને એમને ભાંડ્યા. આ વલણને આપણા કેટલા સર્જકોએ વખોડ્યું? આથી જ ભય રહે છે કે આખરે ધીમે ધીમે સરમુખત્યારશાહી આવશે તો એ પણ આપણને તો કોઠે પડી જશે. ગુન્ટેર કુર્નેટના કાવ્યમાં વ્યંગનો રણકો છે, એ જ સરમુખત્યારોને માટે આકરો નીવડે છે. રશિયામાં અવકાશયાત્રા માટે સૌપ્રથમ લાઇકા નામની કૂતરીને મોકલેલી તે વિશે તેમણે એક કાવ્યમાં કહ્યું છે : ‘આપણી પાસે સારામાં સારી છે તે ધાતુની કેપ્સ્યુલમાં દિવસ પછી દિવસ એક મરેલી કૂતરી આપણી પૃથ્વીની પ્રદક્ષિણા ફર્યા કરે છે. એ આપણને ચેતવે છે : આખરે મૃત માનવીના શબોનો ભાર વહીને વરસ પછી વરસ સૂર્યની આજુબાજુ આ પૃથ્વીનો ગ્રહ ફર્યા કરશે, આપણે માટે તો સૌથી શ્રેષ્ઠ.’ એમણે શાન્તિની કલ્પના આ પ્રમાણે કરી છે : ‘રેતીના ઢૂઆ પાસેના ઘરના ઉમ્બર પર બેસવું, સૂર્ય સિવાય બીજું કશું જોવું નહીં. એની ઉષ્મા સિવાય બીજું કશું અનુભવવું નહીં, હૃદયના બે ધબકારા વચ્ચે હવે આ શાન્તિ.’ સરમુખત્યારશાહીમાં કેવા ભયથી ફફડતા જીવવું પડે છે તે એમણે એક કાવ્યમાં આ પ્રમાણે વર્ણવ્યું છે, ‘જે જીવવાનું નક્કી કરે તેણે એ જાણી લેવું જરૂરી છે કે ગઈ રાતે એ કેમ સફાળો જાગી ઊઠ્યો હતો, આજે એ શેરીઓમાં થઈને ક્યાં જવાનો છે, શા હેતુથી એ આવતી કાલે એનો ઓરડો ધોળવાનો છે. શું એણે કોઈની ચીસ સાંભળી હતી? એના જીવનમાં કશું લક્ષ્ય છે ખરું? આ સ્થાન હવે સહીસલામત રહેશે ખરું? બીજા એક કાવ્યમાં એ કહે છે, ‘હવે તો અમારાં સન્તાન આ કમ્પ્યુટરો, એમની અમારે માટેની નપુંસક લાગણી! કાણાકાણાવાળી જીભથી એ બોલે, તાકિર્કતાથી પણ કશા હેતુ વિના કારણ કે આ લોજિક કે હેતુ પિતામાતા પરત્વે તો નર્યો બગાડ જ ગણાય… નખથી તે શીશ સુધી મગજ સિવાય કશું જ નહીં જે માત્ર કર્યા કરે વિચાર વિચાર ને વિચાર!’ એવા જ એક બીજા વ્યંગાત્મક કાવ્યમાં કહ્યું છે, ‘અહીં દાખલ થતાં પહેલાં તમારી જીભ સાફ કરો, આ ઘરમાલિકના કાન આળા છે. અહીં દોરડું, કાથી, સૂતળીનું નામ જ લેશો નહીં. હવે તો ક્યાં એના દિવસો રહ્યા છે? છતાંય એમનાં નામ લેવાની મના છે. જે લોકો લૂલી પર કાબૂ રાખતા નથી તેમને લટકાવી દેવામાં આવે છે. શેના વડે ક્યાં લટકાવવામાં આવે છે તે બોલવાની મના છે.’ જર્મનીમાં ગદ્યના નાના પરિચ્છેદોનો એક નવો પ્રકાર હમણાં અસ્તિત્વમાં આવ્યો છે. એકોક્તિના સ્વરૂપના આવા ગદ્યપરિચ્છેદોનો સંગ્રહ પશ્ચિમ જર્મનીમાં જઈને વસવાટ કર્યા પછીની એમની પ્રથમ કૃતિ છે. આ બધો સમય દરમિયાન એમનો કાવ્યપ્રવાહ તો વહેતો જ રહ્યો છે. એમનું ગદ્ય પણ એક કવિનું ગદ્ય છે. એમાં બધું ઘુંટાયેલું અને સઘન છે. એમાં અલ્પવિરામનો પણ કશોક અર્થ છે. પૂર્વ જર્મનીમાં દબાણને કારણે જે રૂંધામણ હતી તે પશ્ચિમ જર્મનીમાં વસવાટ કર્યા પછી દૂર થઈ ગઈ. એથી કવિએ જે નિરાંત અનુભવી તે પણ એમાં વરતાય છે. વિષયવિસ્તાર પણ એનો દ્યોતક છે, પહેલાં જે મર્યાદા નડતી હતી તે હવે એમને નડતી નથી. એમાં આત્મનિરીક્ષણને પરિણામે જે નૈતિક બોધ અને રસકીય સૂઝ પ્રાપ્ત થયાં છે તેનાં નિદર્શનો મળી રહે છે. કેટલાક નવા ખયાલોને એ પ્રયોજી જુએ છે. ઘણામાં બિનંગત સ્વરૂપની સૂત્રાત્મકતા પણ સિદ્ધ થઈ છે. આ જ ખયાલોને પહેલાં એણે ટાળ્યા હતા કે નકારી કાઢ્યા હતા; એ પૈકીના કેટલાક તો વિચારવાનું એનું ગજું જ નહોતું. એમનાં કેટલાંક કાવ્યાત્મક ગદ્યખંડોમાં સામગ્રી પરનો કાબૂ, વાગ્મિતા દેખાય છે તે કાફકાના એમના પરના પ્રભાવના દ્યોતક છે. વિષાદથી પ્રેરિત છતાં ગૌરવપૂર્ણ ઉક્તિ ચોટદાર કલ્પનોથી પ્રકટ થાય છે, અન્તે ધારદાર વ્યંગ પ્રકટ થાય છે. કાફકાની દૃષ્ટાન્ત કથાની ગુંજાયશ ઘણી છે, આથી એનાં અનેક અર્થઘટનો થઈ શકે છે. કુર્નેટનું ગદ્ય પરાવાસ્તવવાદ તરફ ઝૂકે છે, એના વ્યંગનો વિષય બદ્ધ સમાજ છે. કુર્નેટ કાફકાના મર્મને બરાબર પકડી જાણે છે. એમાંની કાયદાની ગૂંચની વિભીષિકાને એ આગળ વિસ્તારે છે; દંડ વિશેની કપોલકલ્પિત સૃષ્ટિ આપણી આગળ વિસ્તરતી દેખાય છે. એવો જ બીજા પ્રભાવ એમના પર ક્લાઇસ્ટનો છે. એણે કરેલા આપઘાતને વિષય બનાવીને કુર્નેટે એક સમર્થ રેડિયો નાટક લખ્યું છે. એ નાટક ક્લાઇસ્ટ શતાબ્દી વર્ષે જ રજૂ થયું હતું. તે વખતના જર્મનીના શાસકો નેપોલિયનને રીઝવવા મથતા હતા, જ્યારે ક્લાઇસ્ટનું દેશાભિમાન ઉગ્ર હતું. આ ભૂતકાળની પરિસ્થિતિને કુર્નેટ વર્તમાન સન્દર્ભ પરત્વે પ્રયોજે છે. સાહિત્ય ભૂતકાળથી લદાયેલું છે, માટે એ ક્રાન્તિ લાવી શકતું નથી એમ કુર્નેટ માને છે.