કાવ્યાસ્વાદ/૫૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૧

મને પાબ્લો નેરુદાની કવિતામાંનો એ કૂતરો યાદ આવે છે. એ કૂતરો રસ્તા પરથી દોડી રહ્યો છે, પણ એ રસ્તો ક્યાં લઈ જશે એ વિશે બેતમા છે. આમતેમ ધૂળ ઊડી રહી છે, એથી પ્રકાશ સહેજ ધૂંધળો છે. એમાં જાણે એ પ્રકાશને શોધતો આગળ વધે છે. પણ હવામાન જ ક્યાં ખુશનુમા છે! દિવસ જ મ્લાનમુખ થઈ ગયો છે. આ જોઈને કવિને કરુણા ઊપજે છે ને આવા રઝળતા કે ભૂલા પડેલા કૂતરાઓનોય કોઈ ત્રાતા ઇષ્ટદેવ હોય તો તેને કવિ પ્રાર્થના કરે છે : હે ભૂલા પડેલા શ્વાનના દેવ, થાકેલા હતભાગી પગના પંજાના દેવ, અમારા ગોળાર્ધની જરા નિકટ આવો, આ લાંબી પણ નમ્રતાથી હાલતી પૂંછડી, ભૂખને પ્રકટતી આંખો – જુઓ, એ હાડકાના રંગના ચન્દ્રને કેવી લાલસાથી જોઈ રહી છે! હે ભક્તોની ઉપેક્ષા કરનારા દેવ, હું તો સરિયામ રસ્તાઓનો અને ગલીઓનો કવિ છું, અથડાતો કૂટાતો અહીંતહીં ફરું છું અને કૂતરાઓના જગતની જે ભાષા છે તેને શોધવાનો મિથ્યા પ્રયત્ન કરી રહ્યો છું. એ ભાષા કૂતરાઓ એમના અન્તકાળ સુધી સાચવી રાખે છે. એ ભાષાથી જ એઓ ધૂળની આંધી અને તોફાનમાં સાથ શોધી લે છે. કવિને અહીં એક વાતનો ખેદ થાય છે. જે ભાષા શ્વાનની વેદનાને એના દેવ આગળ પ્રકટ કરે તેની એને ખબર નથી. કૂતરાથીય બદતર જીવન ગાળનારા માનવીઓ ક્યાં નથી હોતા? એમની પાસેય ઈશ્વર સુધી પહોંચવાની ભાષા ક્યાં હોય છે? આમ કવિએ તો અનેક પ્રકારની ભાષા શોધવાની છે. રિલ્કેએ પંખીના ઉડ્ડયન સાથે તાદાત્મ્ય અનુભવીને પંખીની દૃષ્ટિએ અવકાશનો અનુભવ કર્યો. એક કવિએ હૃદયમાં સ્ફુરતા શબ્દોને વૃક્ષ પર ફૂટતી કૂંપળ જેવા અનુભવ્યા. આમાં કવિની વિસ્તરતી સહાનુભૂતિ એને આ બધી ભાષા શોધવાને પ્રેરે છે. નેરુદાની કવિતામાં એવો એક બીજો કૂતરો પણ છે. કૂતરો એક શેરીમાંથી બીજા શૈરીમાં, આમ તો કશા પ્રયોજન વિના, રખડે છે. કવિને કૂતૂહલ થાય છે. એનું પગેરું કાઢવા એઓ એની પાછળ પાછળ જાય છે. રાત વેળાએ કૂતરો ક્યાં જતો હશે એ જાણવાનું એમને કુતૂહલ છે. રસ્તેથી જતાં કાંઈ કેટલીય વાર એ કૂતરો જમીન સૂંઘે છે, એક ટાંગ ઊંચી કરીને પેશાબ કરે છે ને આગલા બે પગથી ધૂળ ઊરાડે છે અને ફરી આગળ ચાલવા માંડે છે. કોઈ તાર આવવાનો હોય તેની રાહ જોતું ચાલે એવી એની ગતિ છે. એ ઘરો આગળથી પસાર થાય છે, કેટલા વળાંકો ઓળંગે છે; બાગ, ગામ અને દેશો વટાવે છે. એ ક્યાં જઈ રહ્યો છે તે જાણવા કવિ તો કુતૂહલથી એને અનુસર્યા કરે છે. કૂતરો આગળ વધતો જાય, એને અનુસર્યા કરે છે. કૂતરો આગળ વધતો જાય, એને અનુસરતા કવિની ને પોતાની વચ્ચે વિષ્ટાનો અન્તરાય મૂકતો જાય છે. હવે તો પુલ પણ ખાલી થઈ ગયા છે કારણ કે ઘોડાગાડી અને મોટરો પણ નિદ્રાધીન થઈ ગઈ છે. નિશાળો પણ ઊંઘે છે, પૂતળાંઓ મૃત કાંસાનો ભાર લઈને ઊભાં છે, વેશ્યાગૃહોમાંથી આહના સિસકારા સંભળાય છે, હોટેલોમાં કેબેરે નૃત્ય કરતી સુન્દરીનાં અંગો શિથિલ થઈ ગયાં છે. કવિ અને કૂતરો એ બધાં પર ચોકડી મૂકતાં આગળ વધે છે. કૂતરો કવિને દોરતો આગળ વધે છે ને કવિ થાકેલા કૂતરાની જેમ હાંફતાં એને અનુસરે છે. સાહિત્યજગતનો બીજો પણ એક શ્વાન મને યાદ આવે છે. જર્મન જેકબ વાસરમાનની નવલકથા ‘એટ્ઝેલ ઉન્ડરગાસ્ટ’માં એક પાત્ર છે. એ કેવળ એના કૂતરા પર જ વિશ્વાસ રાખે છે. એની સાથે જ સુખદુઃખની વાતો કરે છે. એની જ સલાહ પૂછે છે. રાત પડે ત્યારે એ કૂતરાને લઈને બહાર નીકળે છે. રસ્તે મળતાં માનવીઓનો વ્યવહાર જુએ છે. એ વિશે નિરીક્ષણો કરે છે. મોડી રાતે ઘરે આવ્યા પછી ભોંયરામાં જઈને જે માનવતાનો અપરાધ કરનારા લાગ્યા તેને દિવાસળીના ખોખાંમાંથી ફાંસીનો માંચડો બનાવીને ફાંસીએ લટકાવે છે – કૂતરો તટસ્થ ન્યાયાધીશની જેમ ત્યાં ઉપસ્થિત જ હોય છે. મહાનગરની વિષાક્ત આબોહવામાં પ્રેમનો અંકુર ફૂટે ખરો, ફૂટે તો વહેલો કરમાઈ જાય. આવા એક મહાનગર વિશે અમેરિકન ક્વયિત્રી એડ્રિયન રીચે લખેલી કવિતા યાદ આવે છે : એ લોકો હવે આ શહેરને ફાડીને બે કકડા કરી રહ્યા છે. એક પછી એક બ્લોક લઈને ફાડવાનું કામ વ્યવસ્થિત ચાલે છે. બે ટુકડા થઈ ગયેલી ઓરડીઓ વધેરેલા પશુની જેમ લટકી રહી છે. ગુલાબનાં કુંડાની કચ્ચર કચ્ચર થઈ ગઈ છે. ગુલાબની પાંખડીઓ ફાટેલાં ચીંથરાંની જેમ ઊડી ગઈ છે. એક વખતની પ્રખ્યાત શેરીઓ પોતે કુાં જઈ રહી હતી તે હવે ભૂલી ગઈ છે. આ જોતાં હકીકત કેવું દુ:સ્વપ્ન બની જાય છે, અથવા તો હકીકત જ દુ:સ્વપ્ન બની જઈ શકે તેની પ્રતીતિ થાય છે. આપણે જ્યાં પ્રથમવાર મળ્યાં હતા અને રહ્યાં હતાં તે ઘર પણ એ લોકોએ ઉતારી લીધું છે. હવે તો એ સમયના સ્મારક રૂપે આપણી બે કાયા જ માત્ર રહી જશે.