કાવ્યાસ્વાદ/૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search

લા ફોર્ગ નામનો ફ્રેન્ચ કવિ એક કવિતામાં ગાઈ ગયો છે : હું અહીં પૃથ્વીના મૃત્યુની ઘોષણા કરવા આવ્યો છું. હું આવીને સ્મશાનયાત્રામાં ડાઘુઓ સાથે જોડાઈ ગયો છું : ભવ્ય સૂર્યો આ ડાઘુઓમાં જોડાયા છે. વિષાદભર્યુર્ં ધીમું સંગીત પ્રસંગને ઉચિત રીતે વાગી રહ્યું છે. સમય થંભી ગયો છે. છેલ્લી છાતીમાં સંભળાયેલી સસણી પછી હીબકાંથી ધ્રૂજી ઊઠીને, કાળા મૌનમાં પડઘા નથી પડતા એવી ઘોર શાન્તિમાં સદાકાળને માટે મૃત કોઈ એકલાઅટૂલા જંગી ભંગારની જેમ અવકાશમાં તરી રહી છે. કવિ પૂછે છે : મને આ સ્વપ્ન આવ્યું તે સાચું હશે? રાત્રિ પૃથ્વીની શબપેટીને ખેંચી ગઈ છે. એમાં પૃથ્વી જડ અને કરુણ શિલા જેવી પડી રહી છે. છતાં પૃથ્વીનું મહાકાવ્ય જેવું સર્ગબદ્ધ જીવન વિસરાઈ જવું ન જોઈએ. પૃથ્વી હવે તું આરામથી સદાકાળને માટે પોઢી જા, તને તારો એ પ્રારમ્ભનો સમય યાદ નથી? ત્યારે તો પવનનાં હલનચલનો અને ગરજતાં મોજાંઓ જ હતાં. વનસ્પતિનો પર્ણમર્મર જ હતો. પણ પછી અપવિત્ર જીવ પૃથ્વી પર પ્રવેશ્યો, એ હતો નિર્બળ વિદ્રોહી, એણે પવિત્ર આવરણને છેદી નાખ્યું. સમયનાં હીબકાં ગહન થઈને ઘેરી વળ્યાં પણ પૃથ્વી હવે એ વધુ યાદ કરીને શું? તું તારે અનન્ત કાળ સુધી નિરાંતે પોઢી જા. પછી અન્ધારીઓ મધ્યયુગ આવ્યો. દુષ્કાળે માનવીનાં અસ્થિનો ચૂરો તૈયાર કર્યો, પ્લેગે નારકી અગ્નિમાં માનવીને હોમ્યો એ સમય તું યાદ કર. જ્યારે હતાશ કરગરતો માનવી જીદ કરીને કૃપાની યાચના કરતો પોકારી ઊઠ્યો હતો, પ્રભુનો મહિમા થાઓ… માનવીએ પોતાની જ જાતિ પર શાપ વરસાવ્યો પણ પૃથ્વી, તું અનન્ત કાળ સુધી પોઢી જા. મહિમ્નસ્તોત્રો, લોહિયાળ યજ્ઞવેદીઓ, ગમ્ભીર દેવળો અને એમાંની ગમગીન બારીઓ, ઘણ્ટનાં પોલાણોમાં ઘુમરાતો સુગન્ધી ધૂપ, ઈશ્વરનો જયજયકાર ગજવતાં વાજંત્રોિ, ભુલાઈ ગયેલાં ને ત્યજાયેલાં મંડળો, ફિક્કા પ્રેમીજનો, અને ઉન્માદભર્યો જમાનો જ્યારે સંદેહશીલ માનવી એકલો પડી ગયો. એને માટે ન્યાય પણ નહીં. એ ઈશ્વર વિનાનો, આ ક્ષણભંગુર ગોળાર્ધ પરથી અજ્ઞાતમાં સર્યે જાય છે. પણ પૃથ્વી, તું એની ચિન્તા કરીશ નહીં, તું અનન્તકાળ સુધી નિરાંતે પોઢી જા. ‘પછી યાતનાનાં જંતરડાં, ધગધગતું સીસું, કારાગાર, પાગલખાનાંઓ, મિનારાઓ, વેશ્યાગૃહો, પુરાણી શોધો, સંગીત, કળાઓ અને વિજ્ઞાન, ગ્રામ વિસ્તારમાં ફાલ્યે જતાં યુદ્ધો ભોગવિલાસ, વિરતિ, પ્રેમ, ક્ષુધાતૃષા, શરાબ,અને દશ હજાર રાગિણીઓ – આ ઠંડી પડી ગયેલી રાખમાં કેવું કરુણાન્ત નાટક ધરબાઈ ગયું છે! એ જે હોય તે, પૃથ્વી, તું તારે અનન્તકાળ સુધી પોઢી જા. પછી આવ્યા બુદ્ધ, પવિત્ર અને ઉદાત્ત. માનવીને માટે એણે લોહીનાં આસું સાર્યાં. અને ધર્મ રચ્યો. પછી આવ્યા વિષાદપૂર્ણ નમ્ર ઈસુ, એ જે શ્રદ્ધાથી જીવ્યા અને મર્યા તેની પ્રત્યે કોણ શંકા ઉઠાવી શકે? યાતનાઓભરી સમસ્યા પર આંસુ સારનારાઓ બધા ક્યાં ગયા? એમના એ ગ્રન્થો, ઉન્માદ જેવા જ અર્થહીન, આજે ક્યાં ગયા? બીજા એવા તો કેટલાંય અજાણ્યા નિઃશબ્દપણે લોહી વહાવી ગયાં! પણ પૃથ્વી, તું એ યાદ કરીશ નહીં, તું અનન્તકાળ માટે પોઢી જા. હવે એ આરસમાં કડારેલી વિનસ નહીં. હેગેલનું ઉન્માદભર્યું મગજ નહીં, મધુર આશ્વાસક સંગીત નહીં, સૂર્યના કિરણની ભાતથી ગૂંથેલાં દેવળનાં શિખરો નહીં, ગ્રન્થો નહીં, મનુષ્યના મિથ્યા વિજયોની તવારીખ નહીં, જે કાંઈ તારા પુત્રના રોષે ઉપજાવ્યું, જે કાંઈ તારી મલિનતા અને તારો વૈભવ તો હે પૃથ્વી, હવે તો નર્યું સ્વપ્ન, હવે તું તારે અનન્તકાળ માટે પોઢી જા. અહીં નર્યું એકાકી છે કોઈ કશું જોતું નથી કે વિચારતું નથી. છે માત્ર અન્ધકાર, સમય અને નિઃશબ્દતા, એથી જ તો પૃથ્વી, તું સ્વપ્ન તો જોવાનું મૂકી હવે નિરાંતે પોઢી જા.