કાવ્યાસ્વાદ/૯
વર્ષાના પ્રારમ્ભના દિવસોમાં હું પૃથ્વીના આ અપા*િ&@r__થવ રૂપને જોવાને ઉત્સુક બની રહું છું. એવી પળે પેલા સૂફીવાદી જર્મન કવિ ગુન્નાર એકેલોફની કવિતા યાદ આવે છે. એમાં એ આવી અનુભૂતિની એક વિરલ ક્ષણને સંભારે છે. એ ક્ષણે એકાએક બધું માન્યામાં ન આવે તેવું થઈ જાય છે. ચારે બાજુનું જગત તો કાંઈ જંપી ગયું નથી હોતું, તેમ છતાં શેરીમાંથી જતાં માણસોનાં પગલાં અને અવાજો એકાએક નિઃશબ્દ બની જાય છે; કેમ જાણે એ બધાં બંધ બારણાં અને બારી પાછળ સરી નહિ ગયાં હોય એવી એક વિલક્ષણ નિર્જનતા બધે છવાઈ જાય છે. ઇન્દ્રિયો બધી શાન્ત થઈ જાય છે. આપણે હાથમાં ધરી રાખેલી વસ્તુ જાણે કશાક બળને વશ વર્તીને નિઃશબ્દપણે ભૂમિ પર સરી પડે છે. બધા રંગો વહી જઈને એકબીજામાં ભળી જાય છે. એમના દેખાવને બદલી નાખે છે. એ બધા જુગારીની રમતનાં રંગીન પાસાંની જેમ મલક્યા કરે છે. અન્ધકારના છિદ્રમાંથી એક વિલક્ષણ અદ્ભુત લોકને આપણે ઝાંખવા મથીએ છીએ. ત્યારે આપણી સાવ નજીકમાં જ કોઈ ઊભું હોય એવો ભાસ થાય છે – કોઈક એવું જે છે નહિ ને છતાં એના વડે જ જાણે આ બધું બની રહ્યું છે! એવો એક કવિ છે ઝેકોસ્લોવાકિયાનો જોસેફ હાન્ઝલિક. ‘રાજા હેરોડનું અભિવાદન’ નામની એની એક કવિતા મને યાદ આવે છે. યુદ્ધમાં વિના કારણ વધેરાઈ ગયેલાં બાળકોને રાજા હેરોડનું સ્વાગત કરવા શણગારીને ઊભાં રાખ્યાં છે. આખું કાવ્ય એ બાળકોની ઉક્તિ છે. બાળકો કહે છે : અમે નાનાં બાળકો, ધોળાં બગલાં જેવાં કપડાં પહેરીને ઊભાં છીએ. એના પરના લોહીના ડાઘ તો ક્યારના ધોઈ નાખવામાં આવ્યા છે અને અમને સૂચના આપવામાં આવી છે તે અનુસાર રાજા હેરોડનું અભિવાદન કરવા અહીં કતારબંધ ઊભાં છીએ. અમે કતલ કરાયેલાં બાળકો. અમારે માટે સ્વર્ગમાં ખાસ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. અમને એક વનમાં રાખવામાં આવ્યાં છે. એમાં વૃક્ષો છે, પશુઓ છે, અમારે સંતાઈ રહેવા માટેની ગુફાઓ છે. અમે મૃતજનો પૈકીનાં સૌથી નાનાં, અમે તો અમારા અજ્ઞાનને કારણે એમ માનતા હતાં કે રાજા હેરોડ તો ભારે દુષ્ટ માણસ હતા, એણે કેવળ હેવાન બનીને કઠોર હૃદયે અમારી કતલ કરાવી હતી. પણ હવે અમને તો જુદું જ કહેવામાં આવ્યું છે. તમે જે વનમાં રહો છો તે વનના પર જ એક નજર નાખી જુઓ. મીઠું ગીત ગાતું ગાતું નાનામાં નાનું પંખી પણ ઇન્દ્રધનુષ જેવા રંગીન જીવડાંને ખાઈને જાડું થાય છે જેથી કોઈ જંગલી બિલાડો એને ખાઈને હૃષ્ટપુષ્ટ થઈ શકે. નાના સાપ ઉંદરને ગળી જાય છે, મોટા સાપસસલાને ને એવાં બીજાં પ્રાણીને ગળી જાય છે. વરુ ઘેટાંને ફાડી ખાય છે, પણ એ જ માંદું પડશે ત્ન્નારે એનાં જંગલી ભેરુઓ એને પીંખી નાખશે. એવું જ વનસ્પતિનું અને પુષ્પોનું – બધાં જીવવા પૂરતી જગ્યા માટેના સંઘર્ષમાં પડ્યા છે. એકબીજાનો શ્વાસ રૂંધે છે. એકબીજાની ભૂમિ પચાવી પાડે છે, સૂર્ય પ્રકાશનો હિસ્સો પડાવી લે છે, અને એથી બદતર વાત તો માનવીઓમાં જોવામાં આવે છે. એઓ પશુ જેવા જંગલી છે એટલું જ માત્ર નહિ, એઓ એકબીજા પ્રત્યે ભારે ખારીલા છે એટલું જ નહિ, એઓ હત્યા કરવાની કળાની કેમ પાવરધા થવું તે પણ જાણે છે. આ બાબતમાં એમની ચતુરાઈ ગજબનાક છે. અમને આવું પઢાવવામાં આવે છે; કશોક ગજબનાક ભય અમારું ગળું રૂંધી નાખે છે. અમે ટૂંટિયું વળીને વૃક્ષોનાં મૂળમાં સંતાઈ જઈએ છીએ અને આ લોહીતરસ્યા વનમાં અમે જીવિત અવસ્થામાં નથી તે બદલ ખરેખર ઉપકારવશ છીએ. વળી અમને કહેવામાં આવે છે; માનવી માનવી વચ્ચે કશો પ્રેમ વહી જતો નથી. જેમ એ લોકોની એ સાચી દુનિયામાં ક્યાંય પ્રેમનું નામનિશાન નથી. રાજા હેરોડ જ માત્ર તમને ચાહતા હતા. તમે ચોક્ખાં ઊજળાં બાળકો એને સૌથી વહાલાં હતાં. આથી જ તો એ ‘સાચી’ દુનિયાના એવા જીવનમાંથી તમને મુક્ત કરવાનો એણે આદેશ દીધો જેથી એની અમર્યાદ યાતનામાંથી તમે છુટકારો પામી શકો. તમારા એ ત્રાતાનો આથી આભાર માનો. એમના આજના આગમનને તાળીઓના ગડગડાટથી, હર્ષનાદથી, ગીતોથી વધાવી લો. અમારામાંના થોડાંક એવાં હતાં જેઓ તો ઉચ્ચ સ્વરે ઘોષણા કરી ઊઠ્યા, ના, જીવનમાં પ્રેમ છે. એ પ્રેમને હજી અમે અમારી હથેળીની હૂંફમાં અનુભવીએ છીએ. રાજા હેરોડ તો નર્યો હત્યારો જ હતો. એને તો કુહાડીથી ખતમ કરવો જોઈએ અને પછી એના ટુકડેટુકડા પશુઓને નાખવા જોઈએ. પણ અમે એમને મોઢે હાથ દઈને આવું બોલતાં વારીએ છીએ.