કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/અંદરનો રસ ઘૂંટાઈને...

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૫. અંદરનો રસ ઘૂંટાઈને...

અંદરનો રસ ઘૂંટાઈને ઘેરું દરદ બને,
એવું બને તો શબ્દ કવિની સનદ બને.

તારાં તમામ રૂપ મને તો પસંદ છે,
વર્ષા બને વસંત બને કે શરદ બને.

આ મારા લોહીમાં જો ભળે લાલી સ્પર્શની,
તો શક્ય છે જીવનની પળેપળ સુખદ બને.

હૈયામાં રાખ સંઘરી હૈયાવરાળને,
સંભવ છે એ વરાળ ‘અકાલે જલદ’ બને.

અહીંયાંની જિન્દગીમાં છે તાસીર મોતની,
અહીંયાં તો વાતવાતમાં ઘટના દુઃખદ બને.

સુદ જેવી આમ તો છે ચમક આંખની છતાં,
કહેવાય ના કે ક્યારે એ કજળાઈ વદ બને.

‘ઘાયલ’ તો બોલ ઊપડ્યો એનો ન ઊપડે,
અંદરથી માનવી જો ખરેખર નગદ બને.

૨૨-૧૧-૧૯૭૦(આઠોં જામ ખુમારી, પૃ. ૪૫૯)