કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/એમ પણ નથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૬. એમ પણ નથી

દરવાજો ઊઘડ્યો જ નથી એમ પણ નથી,
ને ઊઘડી ખડ્યો જ નથી એમ પણ નથી.

પગ મારો ઊપડ્યો જ નથી એમ પણ નથી,
ને ખુદ મને નડ્યો જ નથી એમ પણ નથી.

સાચું પૂછો તો જોયા છે મેં એને દૂરથી,
પણ એમને અડ્યો જ નથી એમ પણ નથી.

સામે મળ્યો તો મેં જ મને ઓળખ્યો નહીં,
ખોવાઈ હું જડ્યો જ નથી એમ પણ નથી.

ઐયાશીમાં ય ભાંગી પડ્યો છું ઘણી વખત,
પીધા પછી રડ્યો જ નથી એમ પણ નથી.

જોયો છે મેં અનેક વખત ધૂળ ચાટતાં,
પાછો સમય પડ્યો જ નથી એમ પણ નથી.

‘ઘાયલ' જે સાચવે છે મને આમ કેફમાં,
કેફ એમને ચડ્યો જ નથી એમ પણ નથી.

૨૮-૧૧-૧૯૭૫(આઠોં જામ ખુમારી, પૃ. ૪૬૩)